સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે “અદૃશ્યને” જુઓ છો?

શું તમે “અદૃશ્યને” જુઓ છો?

‘તે અદૃશ્યને જોતા હોય એમ અડગ રહ્યા.’—હિબ્રૂ ૧૧:૨૭.

૧, ૨. (ક) સમજાવો કે શા માટે મુસા જોખમમાં હતા. (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) રાજાના ક્રોધથી મુસા શા માટે ડર્યા નહિ?

ફારૂન ઘણો શક્તિશાળી શાસક ગણાતો. તે ઇજિપ્તના (મિસર) લોકોની મધ્યે જાણે ભગવાન ગણાતો. એક પુસ્તકમાં જણાવ્યું છે કે એ લોકો માટે ‘ફારૂનનાં જ્ઞાન અને શક્તિ દુનિયામાં સૌથી ઊંચાં ગણાતાં.’ (વેન ઇજિપ્ટ રુલ્ડ ધી ઈસ્ટ) પ્રજામાં પોતાનો દબદબો બેસાડવા ફારૂન એવો મુગટ પહેરતો, જેમાં ડંખવા તૈયાર હોય એવા નાગની આકૃતિ હતી. એ બતાવતી હતી કે જે કોઈ રાજાનો દુશ્મન બને એનો તરત ખાતમો થઈ જશે. એ બાબત ધ્યાનમાં રાખતા કલ્પના કરો કે જ્યારે યહોવાએ આ શબ્દો કહ્યા, ત્યારે મુસાને કેવું લાગ્યું હશે: “મિસરમાંથી મારા લોક ઈસ્રાએલ પુત્રોને કાઢી લાવવા માટે હું તને ફારૂન પાસે મોકલું છું.”—નિર્ગ. ૩:૧૦.

મુસાએ ઇજિપ્ત જઈને ઈશ્વરનો સંદેશો જાહેર કર્યો અને ફારૂનના ક્રોધનો સામનો કર્યો. એ દેશ પર નવ આફતો આવ્યા પછી, ફારૂને મુસાને ધમકી આપી કે “ખબરદાર, મારું મુખ હવે પછી તું જોતો નહિ; કેમ કે તું મારું મુખ જોશે તે જ દિવસે તું માર્યો જશે.” (નિર્ગ. ૧૦:૨૮) પરંતુ, મુસાએ ત્યાંથી જતાં પહેલાં ભાખ્યું કે ફારૂનનો પહેલો દીકરો માર્યો જશે. (નિર્ગ. ૧૧:૪-૮) મુસાએ દરેક ઈસ્રાએલી કુટુંબને જણાવ્યું કે તેઓ બકરો અથવા ઘેટો કાપીને એના લોહીને દરવાજાની બારસાખ પર છાંટે. એ પ્રાણી ઇજિપ્તના રા નામના દેવ  માટે ઘણું પવિત્ર ગણાતું. (નિર્ગ. ૧૨:૫-૭) ફારૂન હવે બદલામાં શું કરશે? એ વિશે મુસા ડર્યા નહિ. કેમ નહિ? તેમને યહોવામાં પૂરી શ્રદ્ધા હતી અને તેમણે યહોવાની આજ્ઞાઓ માની. તે ‘રાજાના ક્રોધથી ડર્યા નહિ, કેમ કે જાણે તે અદૃશ્યને જોતા હોય એમ તે અડગ રહ્યા.’—હિબ્રૂ ૧૧:૨૭, ૨૮ વાંચો.

૩. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

શું તમારી શ્રદ્ધા એટલી મજબૂત છે કે તમે “ઈશ્વરને” જોઈ શકો? (માથ. ૫:૮) આપણે એ “અદૃશ્યને” એક જીવંત વ્યક્તિ તરીકે જોઈ શકીએ માટે શ્રદ્ધાને મજબૂત કરવા, ચાલો મુસાના દાખલા પર વિચાર કરીએ. યહોવા પરની શ્રદ્ધાએ કઈ રીતે માણસોના ડરથી મુસાનું રક્ષણ કર્યું? ઈશ્વર યહોવાનાં વચનોમાં તેમણે કઈ રીતે શ્રદ્ધા બતાવી? મુસા અને તેમના લોકો જોખમમાં હતા ત્યારે, “અદૃશ્ય”ને જોવા તેઓને કઈ રીતે હિંમત મળી?

‘રાજાના ક્રોધથી તે ડર્યા નહિ’

૪. મનુષ્યની નજરે જોતા ફારૂન આગળ મુસા કેવા હતા?

મનુષ્યની નજરે જોઈએ તો, મુસાની ફારૂન આગળ કોઈ વિસાત ન હતી. એવું લાગતું જાણે મુસાનું જીવન અને ભાવિ ફારૂનના હાથમાં છે. મુસાએ પોતે યહોવાને પૂછ્યું હતું, “હું કોણ કે ફારૂનની પાસે જઈને ઈસ્રાએલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવું?” (નિર્ગ. ૩:૧૧) એ વાતનાં આશરે ૪૦ વર્ષ અગાઉ મુસાને ઇજિપ્તમાંથી નાસી જવું પડ્યું હતું. એ કારણે તેમને થયું હશે કે ‘શું ઇજિપ્ત પાછા જવામાં અને રાજાને ગુસ્સે કરીને જોખમ લેવામાં કોઈ સમજદારી ખરી?’

૫, ૬. ફારૂનનો નહિ, પણ ઈશ્વરનો ડર રાખવા મુસાને ક્યાંથી મદદ મળી?

મુસાને ઇજિપ્તમાં પાછા મોકલતા પહેલાં ઈશ્વરે તેમને એક મહત્ત્વનો સિદ્ધાંત શીખવ્યો. એ સિદ્ધાંત મુસાએ પછીથી અયૂબના પુસ્તકમાં પણ નોંધ્યો હતો, જે છે: ‘ઈશ્વરનો ડર એ જ જ્ઞાન છે.’ (અયૂ. ૨૮:૨૮) એ ડર અને જ્ઞાન મુસાને મળી રહે માટે ઈશ્વરે તેમને સમજાવ્યું કે કઈ રીતે પોતે માણસો કરતાં સર્વશક્તિમાન અને મહાન છે. તેમણે કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? અને મૂંગો કે બહેરો કે દેખતો કે આંધળો કોણ કરે છે? શું તે હું યહોવા નથી?”—નિર્ગ. ૪:૧૧.

એમાંથી મુસાને શું શીખવા મળ્યું? એ જ કે તેમને ડરવાની જરૂર નથી, કારણ કે યહોવા તેમને મોકલી રહ્યા હતા. ફારૂનને ઈશ્વરનો સંદેશો જણાવી શકે માટે તે મુસાને શક્તિ આપવાના હતા. ઉપરાંત, યહોવાની આગળ ફારૂનની કોઈ વિસાત ન હતી. ઇજિપ્તના રાજમાં ઈશ્વરભક્તો જોખમમાં આવ્યા હોય, એવું કંઈ આ પહેલી વાર બન્યું ન હતું. મુસાને કદાચ યાદ આવ્યું હશે કે, અગાઉ ઈશ્વરે કઈ રીતે ઇજિપ્તના રાજાઓથી ઈબ્રાહીમ, યુસફ અને ખુદ મુસાનું રક્ષણ કર્યું હતું. (ઉત. ૧૨:૧૭-૧૯; ૪૧:૧૪, ૩૯-૪૧; નિર્ગ. ૧:૨૨–૨:૧૦) યહોવા, જે “અદૃશ્ય” છે, તેમનામાં શ્રદ્ધા રાખીને મુસા હિંમતથી ફારૂન આગળ ઊભા રહ્યા અને યહોવાના સંદેશાનો દરેક શબ્દ ફારૂનને કહી જણાવ્યો.

૭. યહોવામાં શ્રદ્ધા હોવાથી એક બહેનનું કઈ રીતે રક્ષણ થયું?

ઈશ્વરમાં એવી જ શ્રદ્ધા રાખવાથી એલા નામના એક બહેનને માણસોના ડર સામે હારી ન જવા મદદ મળી. વર્ષ ૧૯૪૯માં એસ્ટોનિયામાં કેજીબીએ (છૂપી પોલીસોએ) તેમને ગિરફતાર કર્યાં. તેમને નગ્ન કરવામાં આવ્યાં અને પછી પોલીસોએ તેમને એકીટસે જોયાં. બહેન જણાવે છે, ‘બેઇજ્જતી થવાથી હું ખૂબ જ શરમમાં નંખાઈ, પણ મેં યહોવાને પ્રાર્થના કરી. એ પછી, હું તેમની શાંતિ અનુભવી શકી.’ એના પછી ત્રણ દિવસ માટે એલાને એકાંતવાસની કોટડીમાં પૂરી દેવામાં આવ્યાં. એલા કહે છે, ‘તે પોલીસો જોરથી ધમકાવતા કે “અમે એવું કરીશું કે એસ્ટોનિયામાં યહોવા નામ સુદ્ધાં ભુલાઈ જશે! તું, કેદી તરીકે છાવણીમાં જઈશ અને બીજાઓ સાઇબિરિયા!” પછી તેઓ મહેણું મારતા કે, “ક્યાં છે એ તારો યહોવા?”’ શું એલા એ માણસોથી ડરી જશે? કે પછી ઈશ્વરમાં ભરોસો રાખશે? એ મહેણાં મારનારાઓએ એલાને પૂછપરછ કરી ત્યારે તેમણે ડર્યા વગર કહ્યું: ‘મેં એ વિશે ઘણો વિચાર કર્યો છે અને મારો નિર્ણય છે કે યહોવાને નાખુશ કરી આઝાદ થવા કરતાં તેમના સાથેનો સંબંધ ટકાવવા કેદી બનવું, હું વધુ પસંદ કરીશ!’ એલા માટે યહોવા એવી એક  જીવંત વ્યક્તિ હતા, જે જાણે તેમની આગળ ઊભી હતી. એવી શ્રદ્ધાને લીધે તે યહોવાને વિશ્વાસુ રહી શક્યાં.

૮, ૯. (ક) માણસના ડર પર જીત મેળવવા શું જરૂરી છે? (ખ) માણસોના ડર નીચે દબાઈ જઈશ એમ લાગે ત્યારે શાના પર ધ્યાન આપવું જોઈએ?

યહોવામાં શ્રદ્ધા રાખીને તમે ડર પર જીત મેળવી શકશો. જો કોઈ અધિકારીઓ તમને ભક્તિ કરવાથી રોકવાનો પ્રયત્ન કરે, તો કદાચ લાગે કે જાણે તમારું જીવન અને ભાવિ માણસોના હાથમાં છે. તમને કદાચ થાય કે, “શું યહોવાની ભક્તિ કરતા રહીને અધિકારીઓને ગુસ્સે કરવામાં સમજદારી ખરી?” યાદ રાખીએ કે યહોવામાં શ્રદ્ધા રાખવાથી ડર પર જીત મેળવી શકાય છે. (નીતિવચનો ૨૯:૨૫ વાંચો.) યહોવા પૂછે છે, ‘શા માટે મરનાર માણસથી અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેનાથી તારે ડરવું જોઈએ?’—યશા. ૫૧:૧૨, ૧૩.

તમારું ધ્યાન સર્વશક્તિમાન પિતા પર રાખો. અન્યાયી સત્તાધારીઓનો જુલમ જે લોકો સહી રહ્યા છે તેઓની પીડાને યહોવા જુએ છે, અનુભવે છે અને તેઓ વતી પગલાં ભરે છે. (નિર્ગ. ૩:૭-૧૦) શ્રદ્ધાને લીધે જો તમારે મોટા અધિકારીઓની આગળ ઊભા રહેવું પડે તો એ વખતે “તમે ચિંતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે.” (માથ. ૧૦:૧૮-૨૦) માનવીય અધિકારીઓ અને સરકારોની યહોવા આગળ કોઈ જ વિસાત નથી. હમણાંથી જ શ્રદ્ધાને મજબૂત કરશો તો, તમે યહોવાને એક એવી વ્યક્તિ તરીકે જોઈ શકશો જે મદદ આપવા તત્પર છે.

તેમણે યહોવાનાં વચનો પર શ્રદ્ધા રાખી

૧૦. (ક) ઈસવીસન પૂર્વે ૧૫૧૩ના નીસાન મહિનામાં યહોવાએ ઈસ્રાએલીઓને શું કરવા કહ્યું? (ખ) મુસાએ શા માટે ઈશ્વરના કહ્યા પ્રમાણે કર્યું?

૧૦ ઈસવીસન પૂર્વે ૧૫૧૩ના નીસાન મહિનામાં યહોવાએ મુસા અને હારૂનને કહ્યું કે ઈસ્રાએલીઓને એક સંદેશો જણાવે. એ સંદેશો હતો કે તેઓ એક તંદુરસ્ત હલવાન અથવા બકરો કાપે અને એનું લોહી બારસાખ પર છાંટે. (નિર્ગ. ૧૨:૩-૭) ખરું કે, ઈસ્રાએલીઓએ એવું કામ પહેલાં ક્યારેય કર્યું ન હતું. છતાં, પ્રેરિત પાઊલ મુસા વિશે જણાવે છે કે, “વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી, રખેને પ્રથમજનિતોનો નાશ કરનાર તેઓને અડકે.” (હિબ્રૂ ૧૧:૨૮) મુસાને ખબર હતી કે યહોવા ભરોસાપાત્ર છે. એ માટે, ઇજિપ્તના પ્રથમજનિતોનો ખાતમો કરવાના યહોવાના વચન પર મુસાએ શ્રદ્ધા રાખી.

૧૧. મુસાએ શા માટે બીજાઓને ચેતવ્યા?

૧૧ મુસાને સાથી ભાઈ-બહેનો પર પ્રેમ હતો. મુસાના પોતાના દીકરા એ સમયે દૂર મિદ્યાનમાં સલામત જગ્યાએ હતા. (નિર્ગ. ૧૮:૧-૬) છતાં, આજ્ઞાનું પાલન કરીને તેમણે ઈસ્રાએલીઓના એ બધાં કુટુંબોને ચેતવ્યાં જેઓના પ્રથમ જન્મેલા દીકરા ખતરામાં હતા. મુસા તેઓના જીવને “નાશ કરનાર”થી બચાવવા માંગતા હતા. * એ માટે તેમણે તરત જઈને ‘ઈસ્રાએલના સર્વ વડીલોને બોલાવીને તેઓને કહ્યું, કે “હલવાનો લઈને પાસ્ખા કાપો.”’—નિર્ગ. ૧૨:૨૧.

૧૨. યહોવાએ આપણને કયો સંદેશો જાહેર કરવા કહ્યું છે?

૧૨ આજે યહોવાના લોકો સ્વર્ગદૂતોના માર્ગદર્શન નીચે આ મહત્ત્વનો સંદેશો જાહેર કરી રહ્યા છે: ‘ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો કેમ કે તેમના ન્યાયનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને પાણીના ઝરાઓ ઉત્પન્ન કર્યાં, તેમની આરાધના કરો.’ (પ્રકટી. ૧૪:૭) એ સંદેશો જાહેર કરવાનો હમણાં જ સમય છે. આપણે પોતાના પડોશીઓને ચેતવવા જોઈએ કે તેઓ મહાન બાબેલોનમાંથી નીકળી જાય, જેથી “આવનારા અનર્થોમાંનો કોઈ પણ” તેઓ પર આવી ન પડે. (પ્રકટી. ૧૮:૪) “બીજાં ઘેટાં”ના સભ્યો પણ અભિષિક્તો સાથે જોડાઈને લોકોને “ઈશ્વરની સાથે સમાધાન” કરવા અરજ કરે છે.—યોહા. ૧૦:૧૬; ૨ કોરીં. ૫:૨૦.

યહોવાનાં વચનોમાં શ્રદ્ધા રાખવાથી ખુશખબર જાહેર કરવાની તમારી ઇચ્છા વધશે (ફકરો ૧૩ જુઓ)

૧૩. ખુશખબર જણાવવાની તમારી ઇચ્છા શાનાથી વધશે?

૧૩ આપણને પૂરી ખાતરી છે કે ‘ન્યાયનો સમય’  આવી પહોંચ્યો છે. આપણને એવી પણ ખાતરી છે કે યહોવાના જણાવ્યા પ્રમાણે પ્રચારકાર્ય પણ એટલી જ તત્પરતાથી થઈ રહ્યું છે. પ્રેરિત યોહાને સંદર્શનમાં, ‘ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા, જેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા છે.’ (પ્રકટી. ૭:૧) શું શ્રદ્ધાની નજરથી તમે પણ એ ચાર દૂતોને જોઈ શકો છો, જેઓ આ પૃથ્વી પર મોટી વિપત્તિ લાવતા વિનાશક વાયુ મુક્ત કરવા તૈયાર છે? જો તમે એ દૂતોને શ્રદ્ધાની નજરે જોશો તો તમે પૂરા ભરોસાથી ખુશખબર જાહેર કરી શકશો.

૧૪. ‘દુષ્ટને ખોટા માર્ગથી ફરવાની ચેતવણી’ આપવા આપણને ક્યાંથી ઉત્તેજન મળે છે?

૧૪ હાલમાં, આપણે યહોવા સાથેની મિત્રતાનો અને હંમેશ માટેના જીવનની આશાનો આનંદ માણી રહ્યા છીએ. તેમ છતાં, આપણે પોતાની જવાબદારી સમજીએ છીએ કે, ‘દુષ્ટનો જીવ બચાવવા માટે, તેને ખોટા માર્ગથી ફરવાની ચેતવણી’ આપીએ. (હઝકીએલ ૩:૧૭-૧૯ વાંચો.) આપણા પર કોઈના લોહીનો દોષ ન આવે ફક્ત એટલા માટે જ સંદેશો જાહેર કરતા નથી. આપણને તો યહોવા અને પડોશીઓ માટે પ્રેમ છે. ઈસુએ ભલા સમરૂનીના દૃષ્ટાંતમાં સમજાવ્યું કે ખરાં પ્રેમ અને દયા કોને કહેવાય. તેથી, આપણે આ સવાલ પર વિચાર કરવો જોઈએ: “શું હું પણ એ સમરૂનીની જેમ ‘કરુણા આવવાને’ લીધે સંદેશો જાહેર કરું છું?” આપણે એ દૃષ્ટાંતમાં જણાવેલા યાજક અને લેવીની જેમ જરાય બનવા માંગતા નથી. આપણે તેઓની જેમ બહાનું કાઢીને “બીજી બાજુએ” ચાલ્યા જવા માંગતા નથી. (લુક ૧૦:૨૫-૩૭) આપણને ઈશ્વરનાં વચનોમાં પૂરો ભરોસો અને પડોશીઓ માટે પ્રેમ છે. તેથી, મોડું થઈ જાય એ પહેલાં આપણે સંદેશો જાહેર કરવામાં બનતું બધું કરવા માંગીએ છીએ.

 “લાલ સમુદ્રમાં થઈને પાર ગયા”

૧૫. ઈસ્રાએલીઓને શા માટે લાગ્યું કે હવે તેઓ માટે બચવાનો કોઈ રસ્તો નથી?

૧૫ ઇજિપ્ત છોડ્યા પછી ઈસ્રાએલીઓ જ્યારે જોખમમાં આવી પડ્યા, ત્યારે “અદૃશ્ય”માં શ્રદ્ધા રાખવાથી મુસાને મદદ મળી. બાઇબલ જણાવે છે: ‘ઈસ્રાએલીઓએ નજર કરી તો, જુઓ, મિસરીઓ તેમની પાછળ ધસી આવતા હતા. તેઓ બહુ ડર્યા અને તેઓએ યહોવાને પોકાર કર્યો.’ (નિર્ગ. ૧૪:૧૦-૧૨) એવા સંજોગો ઊભા થશે એનો અંદાજ ઈસ્રાએલીઓને થઈ જવો જોઈતો હતો. કારણ કે, યહોવાએ તેઓને પહેલેથી જ જણાવ્યું હતું કે ‘હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ, ને તે તેઓની પાછળ આવશે. અને ફારૂન ઉપર તથા તેના સઘળા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.’ (નિર્ગ. ૧૪:૪) યહોવાએ જણાવ્યું હોવા છતાં, ઈસ્રાએલીઓએ શ્રદ્ધા ન બતાવી. તેઓએ ફક્ત આગળ દેખાતો લાલ સમુદ્ર, પાછળ ઝડપથી આવતા ફારૂનના યુદ્ધ રથો અને આગેવાની લેતા ૮૦ વર્ષના વૃદ્ધ ઘેટાંપાળકને જ જોયાં. તેઓને લાગ્યું કે હવે તેઓ માટે બચવાનો કોઈ જ રસ્તો નથી.

૧૬. મુસાને કઈ રીતે શ્રદ્ધાને લીધે હિંમત મળી?

૧૬ જ્યારે કે, મુસા જરાય ડગ્યા નહિ. શા માટે નહિ? કારણ કે, તે શ્રદ્ધાની નજરે સમુદ્ર અને સૈન્ય કરતાં વધુ શક્તિશાળી કંઈક જોઈ શક્યા. તે, ‘યહોવા જે બચાવ કરશે’ એ જોઈ શક્યા. તે જાણતા હતા કે યહોવા ઈસ્રાએલીઓ વતી લડશે. (નિર્ગમન ૧૪:૧૩, ૧૪ વાંચો.) મુસાની શ્રદ્ધાથી ઈશ્વરના લોકોને હિંમત અને ઉત્તેજન મળ્યાં. બાઇબલ જણાવે છે: ‘વિશ્વાસથી તેઓ, જેમ કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ, લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. જ્યારે કે, એવો પ્રયત્ન કરવા જતા મિસરીઓ ડૂબી મર્યા.’ (હિબ્રૂ ૧૧:૨૯) ત્યાર બાદ, એ ‘લોકો યહોવાથી ડર્યા અને યહોવા પર તથા મુસા પર તેઓનો વિશ્વાસ બેઠો.’—નિર્ગ. ૧૪:૩૧.

૧૭. ભાવિમાં બનનાર કયા બનાવો આપણી શ્રદ્ધાની પરખ કરશે?

૧૭ જલદી જ એવું લાગશે કે જાણે આપણાં જીવન પણ જોખમમાં છે. મોટી વિપત્તિના અંત સુધીમાં દુનિયાની સરકારો આપણા સંગઠન કરતાં ઘણાં મોટાં ધાર્મિક સંગઠનોનો પૂરેપૂરો નાશ કરી ચૂકી હશે. (પ્રકટી. ૧૭:૧૬) યહોવાએ પહેલાંથી જણાવ્યું છે કે આપણી હાલત જાણે ‘એવા ગામડાં’ જેવી થશે ‘જેઓને કોટ, ભૂંગળો કે દરવાજા નથી.’ (હઝકી. ૩૮:૧૦-૧૨, ૧૪-૧૬) મનુષ્યની નજરે જોતાં લાગશે કે જાણે આપણું બચવું અશક્ય છે. એવા સમયે તમે શું કરશો?

૧૮. સમજાવો કે મોટી વિપત્તિ વખતે આપણે શ્રદ્ધામાં શા માટે અડગ રહી શકીએ છીએ.

૧૮ જોકે, આપણે ડરથી ડગી ન જઈએ. શા માટે નહિ? કારણ કે, પોતાના લોકો પરના એ હુમલા વિશે યહોવાએ પહેલેથી કહી જણાવ્યું છે. તેમણે એનું પરિણામ પણ જણાવી દીધું છે. ‘યહોવા કહે છે, કે ગોગ ઈસ્રાએલના દેશ પર ચઢી આવશે તે દિવસે મારા કોપનો ધુમાડો ઊંચે ચઢશે. કેમ કે મારા આવેશમાં અને ક્રોધની અગ્નિમાં હું બોલ્યો છું.’ (હઝકી. ૩૮:૧૮-૨૩) એ પછી, યહોવા એવા બધાનો નાશ કરશે, જેઓ ઈશ્વરભક્તોને નુકસાન પહોંચાડવા ચાહે છે. ‘યહોવાના મોટા અને ભયંકર દિવસ’ના પરિણામ પર તમારી શ્રદ્ધા હશે તો, ‘યહોવા જે બચાવ કરશે’ એ તમે જોઈ શકશો. તેમ જ, તેમને વફાદાર રહી શકશો.—યોએ. ૨:૩૧, ૩૨.

૧૯. (ક) યહોવા અને મુસા વચ્ચેની મિત્રતા કેટલી ગાઢ હતી? (ખ) તમારા સર્વ માર્ગોમાં યહોવાની સલાહ સ્વીકારશો, તો તમને કેવા આશીર્વાદો મળશે?

૧૯ એવા રોમાંચક બનાવો માટે હમણાંથી તૈયાર રહો. એમ કરવા ‘અદૃશ્યને જોતા રહો.’ નિયમિત પ્રાર્થના અને અભ્યાસથી યહોવા સાથેની તમારી મિત્રતા મજબૂત કરતા જાઓ. મુસાની યહોવા સાથે એવી જ ગાઢ મિત્રતા હતી. તેમ જ, તેમનો યહોવાએ એવી શક્તિશાળી રીતે ઉપયોગ કર્યો કે બાઇબલમાં નોંધાયું કે મુસાને “યહોવા મોઢામોઢ” ઓળખતા હતા. તે ખાસ પ્રબોધક હતા. (પુન. ૩૪:૧૦) શ્રદ્ધા દ્વારા તમે પણ યહોવાને એટલા નજીકથી ઓળખી શકો છો કે જાણે તેમને નજરોનજર જોતા હો. બાઇબલ ઉત્તેજન આપે છે કે તમે ‘તમારા સર્વ માર્ગોમાં’ તેમની સલાહ સ્વીકારો. એમ કરશો તો ‘તે તમારા રસ્તા સીધા કરશે.’—નીતિ. ૩:૬.

^ ફકરો. 11 યહોવાએ પોતાના દૂતને મોકલીને ઇજિપ્તના પ્રથમ જન્મેલા દીકરાઓનો નાશ કર્યો.—ગીત. ૭૮:૪૯-૫૧.