સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હિંમત રાખો​—⁠યહોવા તમારો સહાયક છે!

હિંમત રાખો​—⁠યહોવા તમારો સહાયક છે!

“આપણે ખાતરીપૂર્વક [હિંમતથી, NW] કહી શકીએ છીએ, કે પ્રભુ [યહોવા] મને સહાય કરનાર છે.”—હિબ્રૂ ૧૩:૬.

૧, ૨. વિદેશ ગયેલી વ્યક્તિ જ્યારે પાછી ફરે, ત્યારે તેની સામે કેવા પડકારો ઊભા થાય છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

એડવર્ડ જણાવે છે, ‘વિદેશમાં મારી પાસે સારી નોકરી અને આવક હતી.’ * તે આગળ જણાવે છે, ‘પરંતુ, હું જ્યારે યહોવાના સાક્ષીઓ જોડે બાઇબલનો અભ્યાસ કરવા લાગ્યો, ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારે નોકરી કરતાં પણ મહત્ત્વની એક જવાબદારી નિભાવવાની છે. એ છે, કુટુંબના ભરણપોષણની જ નહિ, એની ભક્તિની જરૂરિયાતોની પણ દેખરેખ રાખવી. તેથી, હું મારા કુટુંબ સાથે રહેવા પાછો આવ્યો.’—એફે. ૬:૪.

એડવર્ડ જાણતા હતા કે કુટુંબ પાસે પાછા જવાથી તે યહોવાને ખુશ કરી શકશે. પરંતુ, અગાઉના લેખમાં બહેન મેરલીન વિશે જોઈ ગયા તેમ, એડવર્ડ માટે પણ કુટુંબ સાથે પોતાના સંબંધો સુધારવા સહેલા ન હતા. તેમને પણ પોતાનાં પત્ની અને બાળકોનું ભરણપોષણ કરવાં પૂરતા પૈસા કમાવવાના હતા. તે કઈ રીતે ગુજરાન ચલાવશે? તે મડળનાં ભાઈ-બહેનો પાસેથી કેવી આશા રાખી શકે?

ભક્તિ અને કૌટુંબિક જીવનમાં પડેલી તિરાડ પૂરવી

૩. મમ્મી કે પપ્પાની ગેરહાજરી બાળકોને કઈ રીતે અસર કરે છે?

એડવર્ડ કબૂલે છે કે, ‘મને સમજાઈ ગયું કે જ્યારે મારાં બાળકોને મારાં  માર્ગદર્શન અને પ્રેમની સૌથી વધારે જરૂર હતી, ત્યારે જ હું તેઓને છોડીને ગયો હતો. તેઓને બાઇબલની વાર્તાઓ વાંચી સંભળાવવા, તેઓ સાથે મળી પ્રાર્થના કરવા, તેઓને વહાલ કરવા અને સાથે રમવા, હું તેઓ પાસે ન હતો.’ (પુન. ૬:૭) એડવર્ડની મોટી દીકરી ઍના કહે છે, ‘અમારા પપ્પા પાસે ન હોવાને લીધે મને મનમાં જાણે એક જાતની બીક રહેતી. તે જ્યારે પાછા આવ્યા ત્યારે અમને એવું લાગતું જાણે અમે ફક્ત એ ચહેરો અને અવાજ ઓળખીએ છીએ. તે મને ગળે મળ્યા ત્યારે જાણે કોઈ પારકી વ્યક્તિ હોય એમ લાગ્યું.’

૪. પતિ કુટુંબ સાથે રહેતા ન હોય તો તેમની શિર તરીકેની જવાબદારી પર શી અસર થાય છે?

કુટુંબ સાથે રહેતા ન હોવાથી, પિતા પોતાની શિર તરીકેની જવાબદારી સારી રીતે નિભાવી શકતા નથી. એડવર્ડના પત્ની રૂબી જણાવે છે, ‘મારે મમ્મી અને પપ્પા, એમ બંનેની જવાબદારી નિભાવવી પડતી. કુટુંબ માટે નિર્ણય લેવાની મને ટેવ પડી ગઈ હતી. તેથી, એડવર્ડ પાછા આવ્યા ત્યારે મારે તેમને બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે આધીન રહેવાનું ફરીથી શીખવું પડ્યું. અરે, હજી પણ મારે અમુક વાર પોતાને યાદ અપાવું પડે છે કે મારા પતિ અહીં જ છે.’ (એફે. ૫:૨૨, ૨૩) એડવર્ડ કહે છે, ‘મારી દીકરીઓને કોઈ પણ પરવાનગી લેવા મમ્મી પાસે જવાની આદત પડી ગઈ હતી. તેથી, મેં અને રૂબીએ તેઓને અહેસાસ કરાવ્યો કે હવે અમે બંને ભેગાં મળીને નિર્ણય લઈશું. ઉપરાંત, મારે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે આગેવાની લેવાનું શીખવું પડ્યું.’

૫. ઘરે પાછા ફર્યા પછી એડવર્ડે કુટુંબ સાથેના સંબંધ સુધારવા શું કર્યું? એનું શું પરિણામ આવ્યું?

કુટુંબ સાથે સંબંધ સુધારવા અને તેઓને ભક્તિમાં મજબૂત કરવા એડવર્ડ બનતા પ્રયત્નો કરવા માંગતા હતા. તે જણાવે છે, ‘હું મારાં બાળકોને સત્ય શીખવવા માંગતો હતો. હું યહોવાને પ્રેમ કરું છું એ બાબત ફક્ત શબ્દોથી નહિ, પણ મારા વર્તનથી તેઓને બતાવવા માંગતો હતો.’ (૧ યોહા. ૩:૧૮) શું યહોવાએ એડવર્ડના પ્રયત્નોને આશીર્વાદ આપ્યો? ઍના જણાવે છે, ‘એક સારા પિતા બનવાના અને અમારા નજીક આવવાના તેમના પ્રયત્નો જોઈને, અમારા પર ઊંડી અસર થઈ છે. તેમને મંડળમાં પણ વધારે મહેનત કરતા જોઈને અમને ગર્વ થાય છે. આ દુનિયા અમને યહોવાથી દૂર ખેંચી જવા માંગતી હતી. પરંતુ, અમે જોયું કે મમ્મી-પપ્પાનું ધ્યાન સત્ય તરફ છે. તેથી અમે પણ તેઓને અનુસરવાનો પ્રયત્ન કર્યો. પપ્પાએ વચન આપ્યું હતું કે તે અમને ફરી ક્યારેય છોડીને નહિ જાય અને તેમણે એ વચન પાળ્યું છે. જો તે ગયા હોત તો હું કદાચ આજે યહોવાના સંગઠનમાં ન હોત.’

જવાબદારી સ્વીકારવી

૬. યુદ્ધના સમયમાં અમુક માબાપને શું જોવા મળ્યું?

બાલ્કન્સ વિસ્તારમાં યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે અમુક અનુભવો પરથી જોવા મળ્યું કે બાળકો માબાપ પાસે જ રહેવા ઇચ્છે છે. યુદ્ધ દરમિયાન ઘણાં સાક્ષી માબાપ નોકરીએ જઈ શક્યાં નહિ. એના લીધે, તેઓએ મોટા ભાગનો સમય બાળકો સાથે જ વિતાવ્યો. એ સમયમાં, તેઓ બાળકો સાથે રમતાં, વાતો કરતા અને અભ્યાસ કરતા. એ બાળકો યુદ્ધના સમયગાળામાં ઘણી તકલીફો હોવા છતાં વધારે ખુશ જોવાં મળ્યાં. એમાંથી શું તારણ કાઢી શકાય? બાળકોને પૈસા કે નવી નવી વસ્તુઓ કરતાં પણ વધારે, માબાપનો સાથ જોઈતો હોય છે. બાઇબલ જણાવે છે કે બાળકો પર માબાપ ધ્યાન અને તેઓને તાલીમ આપે છે ત્યારે, બાળકોને ઘણો ફાયદો થાય છે.—નીતિ. ૨૨:૬.

૭, ૮. (ક) વિદેશથી પાછા આવેલા અમુક પિતા કે માતા કેવી ભૂલ કરે છે? (ખ) બાળકોની ખરાબ લાગણીઓ દૂર કરવા માબાપ શું કરી શકે?

દુઃખની વાત છે કે વિદેશથી પાછા આવેલા પિતા કે માતા અમુક વાર પોતાનાં પ્રત્યે બાળકોની ખરાબ લાગણીઓ જોઈને કહે કે, “મેં આપેલા આટલા બધા ભોગની તમે કેમ જરાય કદર કરતા નથી?” જોકે, બાળકોનાં એવાં વર્તન પાછળનું કારણ મોટા ભાગે તેમનાં માબાપની ગેરહાજરી હોય છે. સંબંધોમાં આવેલી એ તિરાડ માબાપ કઈ રીતે પૂરી શકે?

કુટુંબની લાગણીઓ સારી રીતે સમજવા અને તેઓની સંભાળ રાખવા યહોવા પાસે મદદ માંગો. કુટુંબના સભ્યો સાથે વાત કરતી વખતે સ્વીકારો કે જે તિરાડ ઊભી થઈ છે એમાં અમુક હદે તમારો પણ વાંક છે. “મારાથી ભૂલ થઈ ગઈ છે,” એમ કહેવાથી  પણ સંબંધોમાં અમુક સુધારો આવી શકે. તમારા એવા સતત પ્રયત્નો પરથી લગ્નસાથી અને બાળકો તમારા સારા ઇરાદાને પારખી શકશે. સમય જતાં, મક્કમ નિર્ણય અને ધીરજ રાખવાથી તમે કુટુંબનો પ્રેમ અને સન્માન પાછાં મેળવી શકશો.

‘પોતાના કુટુંબની સંભાળ રાખવી’

૯. ‘પોતાના કુટુંબની સંભાળ રાખવા’ શા માટે અમીર બનવાની જરૂર નથી?

પ્રેરિત પાઊલે લખ્યું કે જ્યારે વૃદ્ધ ઈશ્વરભક્તો પોતાનું ગુજરાન ચલાવી ન શકે, ત્યારે તેઓનાં સંતાનો અને પૌત્રોએ મદદ કરવી જોઈએ. પાઊલે અરજ કરી કે દરેક ઈશ્વરભક્તે જીવન જરૂરી બાબતોમાં સંતોષ માનવો જોઈએ. તેઓએ માનવું જોઈએ કે ખાવા રોટલી, પહેરવાં કપડું અને માથે છાપરું મળી રહે તો પૂરતું છે. આપણે એશઆરામી જીવન અને પૈસેટકે સલામત ભાવિ બનાવવા પાછળ ન પડવું જોઈએ. (૧ તીમોથી ૫:૪, ૮; ૬:૬-૧૦ વાંચો.) આ જગત જલદી જ ‘જતું રહેશે.’ એવા જગતમાં, ઈશ્વરભક્તે ‘પોતાના કુટુંબની સંભાળ રાખવા’ અમીર બનવાની જરૂર નથી. (૧ યોહા. ૨:૧૫-૧૭) આપણે એવું ન વિચારવું જોઈએ કે “દોલત”થી બધી તકલીફોનો ઉકેલ આવી શકે છે. કુટુંબને ઈશ્વરની આવનાર ન્યાયી, નવી દુનિયામાં ‘ખરેખરાં જીવન’ની આશા મળી છે. પરંતુ, જો ધ્યાન ન રાખે તો કુટુંબ “ચિંતાઓ”ને લીધે એ આશા ગુમાવી શકે છે.—માર્ક ૪:૧૯; લુક ૨૧:૩૪-૩૬; ૧ તીમો. ૬:૧૯.

૧૦. શા માટે દેવું ન કરવામાં જ સમજદારી છે?

૧૦ યહોવા જાણે છે કે આપણને અમુક હદે પૈસાની જરૂર છે. પરંતુ, ઈશ્વરના જ્ઞાનની જેમ પૈસો આપણને બચાવી અને ટકાવી શકે નહિ. (સભા. ૭:૧૨; લુક ૧૨:૧૫) ઘણા કિસ્સામાં, વિદેશ જનારા લોકો ત્યાં જવા પાછળ થતા ખર્ચાનો ખરો અંદાજ લગાવી શકતા નથી. ઉપરાંત, ત્યાં ગયા પછી ઘણો પૈસો કમાવવા મળશે, એવી કોઈ ખાતરી પણ હોતી નથી. અરે, હકીકતમાં તો વિદેશ જવામાં મોટાં જોખમો રહેલાં છે. વિદેશ જઈને આવેલા ઘણા લોકો વધારે દેવું કરી બેસે છે. કોઈ ચિંતા વગર ઈશ્વરની ભક્તિ કરવાને બદલે, હવે તેઓએ લેણદારના પૈસા ચૂકવવા ચાકરી કરવી પડે છે. (નીતિવચનો ૨૨:૭ વાંચો.) તેથી, દેવું ન કરવામાં જ સૌથી મોટી સમજદારી છે.

૧૧. કેટલા પૈસા ખર્ચવા એ નક્કી કરવાથી કુટુંબને કઈ રીતે મદદ મળે છે?

૧૧ એડવર્ડ જાણતા હતા કે પાછા આવ્યા પછી કુટુંબનું ગુજરાન ચલાવવા સમજી-વિચારીને પૈસા ખર્ચવા પડશે. તેથી, તેમણે પોતાની પત્ની સાથે મળીને નક્કી કર્યું કે, કઈ બાબતોની ખરેખર જરૂર છે અને એ માટે તેઓ કેટલા પૈસા ખર્ચશે. દેખીતું છે કે હવે તેઓનું કુટુંબ પહેલાંની જેમ વધુ ખર્ચો કરી શકે એમ ન હતું. તેથી, ખોટો ખર્ચો ન કરીને કુટુંબમાં બધાએ સહકાર આપ્યો. * એડવર્ડ જણાવે છે, ‘વધુ ફી લેતી ખાનગી શાળામાંથી મેં મારાં બાળકોને સારી સરકારી શાળામાં મૂક્યાં.’ નિયમિત ભક્તિમાં અડચણ ન લાવે એવી નોકરી મળી રહે માટે ભાઈએ અને તેમના કુટુંબે મળીને પ્રાર્થના કરી. યહોવાએ તેઓની પ્રાર્થનાનો કઈ રીતે જવાબ આપ્યો?

૧૨, ૧૩. એડવર્ડે કુટુંબનું ગુજરાન ચલાવવા શું કર્યું અને જીવન સાદું બનાવવાના તેમના પ્રયત્નોને યહોવાએ કઈ રીતે આશીર્વાદ આપ્યો?

૧૨ એડવર્ડ કહે છે, ‘પહેલા બે વર્ષ તો અમને બહુ અઘરું પડ્યું. મેં બચાવેલી રકમ લગભગ વપરાઈ ગઈ હતી. ઓછી આવકમાંથી ઘર ચલાવવું અઘરું પડતું, તેમ જ હું ઘણો થાકી જતો. જોકે, અમે બધા નિયમિત રીતે બધી સભાઓમાં અને પ્રચારકાર્યમાં જઈ શકતા.’ એડવર્ડે નક્કી કર્યું કે પોતે એવી કોઈ નોકરીનો વિચાર પણ નહિ કરે, જેના લીધે તેમને કુટુંબથી મહિનાઓ કે પછી વર્ષો સુધી દૂર રહેવું પડે. તે જણાવે છે, ‘હું જુદા જુદા પ્રકારનું કામ શીખ્યો, જેથી જો એક પ્રકારનું કામ ન મળે તો બીજું કરી શકાય.’

કુટુંબનું ગુજરાન ચલાવવા શું તમે જુદાં જુદાં કામ શીખી શકો? (ફકરો ૧૨ જુઓ)

૧૩ એડવર્ડને પોતે લીધેલું દેવું થોડું થોડું કરીને ચૂકવવાનું હતું, તેથી તેમણે રકમનું ઘણું વ્યાજ આપવાનું હતું. તોપણ, તેમણે વ્યાજ ચૂકવવાનું પસંદ કર્યું જેથી કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરી શકે. તે કહે છે, ‘હવે મારો પગાર વિદેશમાં કમાતો એના ૧૦મા ભાગ જેટલો પણ નથી. પરંતુ, “યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી” કે અમે ભૂખે મરીએ.  અરે, અમે તો પાયોનિયરીંગ કરવાનું નક્કી કર્યું એ પછી પૈસેટકે અમારી ચિંતા ઓછી થઈ અને ગુજરાન ચલાવવું ઘણું સહેલું બન્યું.’—યશા. ૫૯:૧.

સગાંઓ તરફથી આવતું દબાણ

૧૪, ૧૫. ભક્તિના ભોગે દુનિયાથી મળતા ફાયદા લેવાનો સગાંઓ દબાણ કરે ત્યારે કુટુંબ શું કરી શકે? આપણે સારો દાખલો બેસાડીએ ત્યારે કેવું પરિણામ આવે છે?

૧૪ ઘણા દેશોમાં સગાંઓ અને મિત્રોને વસ્તુઓ અને પૈસાની ભેટ આપવી પડે છે. એડવર્ડ કહે છે, ‘અમારાં સમાજમાં એમ કરવું સામાન્ય છે અને બીજાઓને કંઈક આપવામાં અમને આનંદ પણ થાય છે. પરંતુ, દરેક બાબત એક હદમાં સારી લાગે. હું મારાં સગાંઓને ખોટું ન લાગે એ રીતે સમજાવું છું કે મારાથી બનતું હું આપીશ, પણ મારા કુટુંબની ભક્તિની જરૂરિયાતોના ભોગે નહિ.’

૧૫ અમુક સગાંઓ એવી વ્યક્તિથી નારાજ કે ગુસ્સે થઈ શકે જે પોતાના કુટુંબ સાથે જ રહેવાનું અથવા વિદેશથી પાછા ફરવાનું નક્કી કરે છે. અરે, કદાચ સગાંઓ તેને સ્વાર્થી કે પછી પ્રેમ વગરની પણ કહે. શા માટે? કારણ કે, એ સગાંઓને તેની પાસેથી પૈસાની આશા હોય છે. (નીતિ. ૧૯:૬, ૭) એડવર્ડની દીકરી ઍના જણાવે છે કે ભક્તિના ભોગે દુનિયાથી મળતા ફાયદા લેવાનો આપણે નકાર કરીએ છીએ. એમ કરવાથી અમુક સગાંઓ જોઈ શકે છે કે આપણા માટે ભક્તિ બહુ મહત્ત્વની છે. પરંતુ, જો આપણે તેઓની માંગણી પૂરી કરતા રહીશું, તો તેઓ એ મહત્ત્વ ક્યારેય નહિ સમજે.—વધુ માહિતી: ૧ પીતર ૩:૧, ૨.

ઈશ્વરમાં વિશ્વાસ બતાવવો

૧૬. (ક) કઈ રીતે ખોટાં કારણો આપી વ્યક્તિ “પોતાને છેતરી” શકે છે? (યાકૂ. ૧:૨૨) (ખ) યહોવા કેવા નિર્ણયને આશીર્વાદ આપે છે?

૧૬ એક બહેન પોતાનાં પતિને અને બાળકોને છોડીને ધનવાન દેશમાં જાય છે. તે ત્યાંના એક વડીલને કહે છે, ‘હું અહીં આવી શકું માટે મારા કુટુંબે ઘણા ભોગ આપવા પડ્યા. મારા પતિને વડીલ તરીકેની જવાબદારી પણ જતી કરવી પડી. તેથી, હું ખરેખર ચાહું છું કે યહોવા મારા આ નિર્ણયને આશીર્વાદ આપે.’ ખરું કે, યહોવામાં શ્રદ્ધા રાખીને લીધેલા નિર્ણયોને તે હંમેશાં આશીર્વાદ આપે છે. પરંતુ, તેમની ઇચ્છા વિરુદ્ધ લીધેલા નિર્ણયને તે કઈ રીતે આશીર્વાદ આપી શકે? એમાંય, એવા નિર્ણયને જેના લીધે યહોવાની ભક્તિમાં મળતાં લહાવાનો ભોગ આપવો પડે!—હિબ્રૂ ૧૧:૬; ૧ યોહાન ૫:૧૩-૧૫ વાંચો.

૧૭. આપણે શા માટે નિર્ણય લેતા પહેલાં યહોવાનું માર્ગદર્શન લેવું જોઈએ? એમ કરવા શું કરવું જોઈએ?

૧૭ વચન આપતા અને નિર્ણય લેતા પહેલાં  યહોવાનું માર્ગદર્શન લો, જેથી પસ્તાવું ન પડે. તેમનાં વિચારો, દોરવણી અને પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરો. (૨ તીમો. ૧:૭) વિચાર કરો કે, “શું હું સતાવણી જેવા અઘરા સંજોગોમાં પણ યહોવાની આજ્ઞા પાળવા માંગું છું? જો હા, તો શું હું અઘરું જીવન જીવવું ન પડે માટે આજ્ઞા માનવાનું છોડી દઈશ?” (લુક ૧૪:૩૩) વડીલો પાસે મદદ માંગો, જેથી તમને બાઇબલ આધારિત સલાહ મળે. યહોવામાં શ્રદ્ધા બતાવો અને તમને મદદ કરવાના તેમના વચનમાં ભરોસો રાખો. ખરું કે, વડીલો તમારા વતી નિર્ણય લઈ શકતા નથી. પરંતુ, તેઓ તમને એવી પસંદગી કરવામાં જરૂર મદદ કરી શકે જેના લીધે પછીથી પણ ખુશી મળે.—૨ કોરીં. ૧:૨૪.

૧૮. કુટુંબના ભરણપોષણની જવાબદારી કોની છે? આપણે તેઓને કેવી રીતે મદદ કરી શકીએ?

૧૮ કુટુંબના ભરણપોષણનો દરરોજનો “બોજો” ઉઠાવવાની જવાબદારી યહોવાએ શિરને આપી છે. આપણે એવા શિર માટે પ્રાર્થના અને કદર કરવી જોઈએ જે એ જવાબદારી સારી રીતે નિભાવે છે. તેઓ પોતાના કુટુંબથી દૂર થતા નથી પછી ભલેને તેઓ સામે લાલચો આવે અથવા કોઈ દબાણ કરે. એવાં ભાઈ-બહેનો પર અણધાર્યા સંજોગો જેમ કે, આફતો અથવા તાત્કાલિક સારવારની જરૂર આવી પડે ત્યારે, પ્રાર્થના ઉપરાંત કંઈક વધારે કરવાની જરૂર છે. એવા સમયે તેઓને સાચો પ્રેમ અને લાગણી બતાવવાની આપણી પાસે સારી તક રહેલી છે. (ગલા. ૬:૨, ૫; ૧ પીત. ૩:૮) શું તમે કોઈ ભાઈ કે બહેનને નજીકમાં કામ શોધવામાં મદદ કરી શકો? અથવા શું તમે તેઓને મુશ્કેલ સમયમાં પૈસાથી અથવા ખાવાનું આપીને મદદ કરી શકો? એમ કરશો તો, તેઓને નોકરી માટે પોતાના કુટુંબથી દૂર થવું નહિ પડે.—નીતિ. ૩:૨૭, ૨૮; ૧ યોહા. ૩:૧૭.

યાદ રાખો કે યહોવા તમારો સહાયક છે!

૧૯, ૨૦. આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને મદદ કરશે?

૧૯ બાઇબલ આપણને સલાહ આપે છે: ‘તમારો સ્વભાવ નિર્લોભી થાય. પોતાની પાસે જે હોય એનાથી સંતોષી રહો, કેમ કે યહોવાએ કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ. તો આપણે હિંમતથી કહી શકીએ કે, યહોવા મને સહાય કરનાર છે. હું ડરીશ નહિ, માણસ મને શું કરનાર છે?’ (હિબ્રૂ ૧૩:૫, ૬) એ સલાહને આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ?

૨૦ ગરીબ દેશમાં રહેતા એક વડીલ જણાવે છે: ‘લોકો ઘણી વાર કહે છે કે યહોવાના સાક્ષીઓ કેટલા ખુશ રહે છે. તેઓના ધ્યાનમાં એ પણ આવે છે કે ગરીબ સાક્ષીઓ પણ હંમેશાં સારાં કપડાં પહેરે છે અને જરૂરી વસ્તુઓ તેઓ પાસે હોય છે.’ એ બાબત ઈસુએ આપેલા વચનને ખરું સાબિત કરે છે. (માથ. ૬:૨૮-૩૦, ૩૩) સાચે જ, સ્વર્ગમાંના પિતા તમને પ્રેમ કરે છે. તેમ જ, તમારા માટે અને તમારા કુટુંબ માટે જે સારું છે એ જ તે ઇચ્છે છે. “યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” (૨ કાળ. ૧૬:૯) તેમણે કુટુંબને લગતી અને ગુજરાન ચલાવવા વિશેની આજ્ઞાઓ આપી છે. એ આજ્ઞાઓ પાળીને બતાવીએ છીએ કે આપણને યહોવા પર પ્રેમ અને ભરોસો છે. “કેમ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.”—૧ યોહા. ૫:૩.

૨૧, ૨૨. યહોવામાં ભરોસો બતાવવાનો તમે શા માટે નિર્ણય કર્યો છે?

૨૧ એડવર્ડ કહે છે, ‘હું જાણું છું કે મારા કુટુંબથી દૂર રહીને મેં જે સમય ગુમાવ્યો, એ પાછો મેળવવો શક્ય નથી. પરંતુ, જે થઈ ચૂક્યું છે એના પર હું અફસોસ કર્યા કરતો નથી. હું પહેલાં જેઓ સાથે કામ કરતો હતો તેઓમાંના ઘણા આજે અમીર છે, પણ દુઃખી છે. તેઓનાં કુટુંબમાં ઘણા ગંભીર કોયડા છે. જ્યારે કે, અમારું કુટુંબ બહુ ખુશ છે! હું આ દેશમાં એવાં ભાઈ-બહેનોને જોઈને અચરજ પામું છું, જેઓ ગરીબ હોવાં છતાં ભક્તિની બાબતોને પ્રથમ રાખે છે. અમે બધા ઈસુએ આપેલા વચનને અનુભવીએ છીએ.’—માથ્થી ૬:૩૩ વાંચો.

૨૨ હિંમત રાખો! યહોવાની આજ્ઞા પાળો અને તેમના પર ભરોસો રાખો. એક સારા શિર બનવા તમને યહોવા અને કુટુંબ પ્રત્યેનો પ્રેમ મદદ કરશે. પરિણામે, તમે અનુભવ કરશો કે ‘યહોવા તમારો સહાયક છે.’

^ ફકરો. 1 નામ બદલ્યાં છે.

^ ફકરો. 11 જુલાઈ ૧, ૨૦૧૧ના ચોકીબુરજમાં લેખ “ચાદર પ્રમાણે સૉડ તાણો—શું એ શક્ય છે?” જુઓ.