સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“દરેકને યોગ્ય ઉત્તર” આપવા, શું કરીશું?

“દરેકને યોગ્ય ઉત્તર” આપવા, શું કરીશું?

‘તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત હોય, જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.’—કોલો. ૪:૬.

૧, ૨. (ક) યોગ્ય પ્રશ્નો પૂછવા ખૂબ મહત્ત્વના છે, એ સમજાવતો અનુભવ જણાવો. (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આપણે અઘરા વિષયો પર વાત કરવાથી શા માટે ડરવું ન જોઈએ?

કેટલાક વર્ષો પહેલાં આપણાં એક બહેનની તેમનાં પતિ સાથે બાઇબલમાંથી ચર્ચા થઈ. તેમનાં પતિ ચર્ચના સભ્ય હતા. તેઓની ચર્ચા દરમિયાન પતિએ જણાવ્યું કે પોતે ત્રૈક્યમાં માને છે. જોકે, બહેન પારખી ગયાં કે પતિ પોતાની એ માન્યતા પૂરી રીતે સમજાવી શકતા નથી. તેથી, બહેને ખોટું ન લાગે એ રીતે પૂછ્યું, ‘શું તમે માનો છો કે પિતા ઈશ્વર છે, ઈસુ પણ ઈશ્વર છે અને પવિત્ર આત્મા પણ ઈશ્વર છે. તેમ છતાં, તેઓ ત્રણ નહિ પણ એક ઈશ્વર છે?’ એ સાંભળીને પતિને નવાઈ લાગી અને તેમણે કહ્યું, ‘ના. હું એમ નથી માનતો!’ પરિણામે, ઈશ્વર વિશેના સત્યની તેઓ સારી ચર્ચા કરી શક્યાં.

એ અનુભવમાંથી શીખવા મળે છે કે સમજી-વિચારીને કરેલા યોગ્ય પ્રશ્નો ખૂબ મહત્ત્વના છે. એ પણ શીખવા મળે છે કે ત્રૈક્ય, નરક અથવા  સર્જનહાર વિશેના અઘરા વિષયો પર વાત કરવાથી આપણે જરાય ડરવું ન જોઈએ. આપણે જો યહોવા અને તેમના તરફથી મળતી તાલીમ પર આધાર રાખીશું, તો સાંભળનારના દિલ સુધી પહોંચી શકીશું. (કોલો. ૪:૬) બીજાઓને સારી રીતે શીખવવા ચાલો જોઈએ કે આપણે કઈ રીતે: (૧) વ્યક્તિના વિચારો બહાર કાઢવા પ્રશ્નો પૂછીશું. (૨) બાઇબલના આધારે સમજાવીશું. (૩) મુદ્દો સમજાવવા ઉદાહરણોનો ઉપયોગ કરીશું.

વ્યક્તિના વિચારો બહાર કાઢવા પ્રશ્નો પૂછીશું

૩, ૪. વ્યક્તિની માન્યતા જાણવા માટે સવાલો પૂછવા કેમ મહત્ત્વના છે? દાખલો આપો.

પ્રશ્નો પૂછીને આપણે પારખી શકીએ કે વ્યક્તિ શું માને છે. વ્યક્તિના વિચારો જાણવા શા માટે મહત્ત્વના છે? નીતિવચનો ૧૮:૧૩ જણાવે છે, “સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.” સાચે જ, એ સારું રહેશે કે આપણે બાઇબલ આધારિત ચર્ચામાં ઊતરીએ એ પહેલાં વ્યક્તિના વિચારો જાણી લઈએ. નહિતર આપણે એવી માન્યતાને ખોટી ઠરાવવામાં સમય વેડફીશું, જેને એ વ્યક્તિ પોતે પણ માનતી નથી.—૧ કોરીં. ૯:૨૬.

દાખલા તરીકે, આપણે કોઈની સાથે નરક વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ધ્યાન રાખીએ કે, દરેક વ્યક્તિ એવું માનતી નથી કે નરક એક એવી જગ્યા છે, જ્યાં બળતી જ્વાળાઓમાં દુષ્ટ લોકોને પીડા આપવામાં આવે છે. તેથી, આપણે સવાલ પૂછી શકીએ કે, “નરક વિશે લોકોનું જુદું જુદું માનવું છે. તમારું શું માનવું છે?” વ્યક્તિનો જવાબ સાંભળ્યા પછી જ આપણે તેને બાઇબલમાંથી સારી રીતે સમજાવી શકીશું.

૫. વ્યક્તિ કેમ એવું માને છે, એ જાણવા સવાલો કઈ રીતે મદદ કરશે?

સમજી-વિચારીને પૂછેલા સવાલોથી આપણે જાણી શકીશું કે વ્યક્તિ કેમ એવું માને છે. દાખલા તરીકે પ્રચારમાં કદાચ આપણને એવી વ્યક્તિ મળે, જે ઈશ્વરમાં માનતી નથી. એવાં કિસ્સામાં કદાચ આપણે તરત ધારી લઈએ કે તે ઉત્ક્રાંતિ અથવા એવા કોઈ વિચારોને લીધે એવું માને છે. (ગીત. ૧૦:૪) જ્યારે કે, અમુક લોકોનો ઈશ્વરમાંથી વિશ્વાસ એટલે ઊઠી ગયો છે, કેમ કે તેઓએ ઘણી દુઃખ-તકલીફો વેઠી છે અથવા જોઈ છે. તેઓ વિચારે છે કે પ્રેમાળ સર્જનહાર હોય તો દુઃખ-તકલીફો કેમ ચાલવા દે. તેથી, જો વ્યક્તિ ઈશ્વરના અસ્તિત્વ પર શંકા ઉઠાવે, તો તેને પૂછીએ કે, “શું તમે પહેલાંથી એવું માનો છો?” જો તે “ના” કહે તો આપણે પૂછીએ કે “શા કારણે હવે તમને ઈશ્વરના અસ્તિત્વ પર શંકા છે?” જવાબ સાંભળ્યા પછી જ આપણે તેને સારી રીતે મદદ કરી શકીશું.—નીતિવચનો ૨૦:૫ વાંચો.

૬. સવાલ પૂછ્યા પછી આપણે શું કરવું જોઈએ?

સવાલ પૂછીને વ્યક્તિના જવાબને ધ્યાનથી સાંભળીએ અને તેની લાગણીઓ આપણે સમજીએ છીએ એમ બતાવીએ. દાખલા તરીકે, કોઈ કહે કે જીવનમાં કરુણ ઘટના બનવાને લીધે તેમને ઈશ્વરના અસ્તિત્વ પર શંકા જાય છે. એવા સમયે, ઈશ્વર છે એનો પુરાવો તરત આપવાને બદલે પહેલાં વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ બતાવીએ. ઉપરાંત, જણાવીએ કે એવી ઘટના બને ત્યારે આવા વિચારો થવા સ્વાભાવિક છે. (હબા. ૧:૨, ૩) આપણે ધીરજ રાખીશું અને પ્રેમથી વર્તીશું તો વ્યક્તિને વધુ શીખવાની ઇચ્છા થશે. *

 બાઇબલના આધારે સમજાવીશું

પ્રચારકાર્ય સારી રીતે કરવા, શાની જરૂર છે? (ફકરો ૭ જુઓ)

૭. પ્રચારમાં સારું ફળ મેળવવા, શું કરવું જોઈએ?

ચાલો જોઈએ કે, બાઇબલના આધારે કઈ રીતે સમજાવી શકાય. પ્રચારકાર્યમાં આપણું સૌથી મહત્ત્વનું સાધન બાઇબલ છે. એ આપણને “સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર” કરે છે. (૨ તીમો. ૩:૧૬, ૧૭) પ્રચારકાર્ય સારી રીતે કરવા, જરૂરી નથી કે આપણે ઘણી બધી કલમો બતાવીએ. પરંતુ, મહત્ત્વનું છે કે આપણે જે કલમ બતાવીએ એને સારી રીતે સમજાવીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨, ૩ વાંચો.) એમ કરવામાં મદદ મળે માટે ચાલો ત્રણ સંજોગોનો વિચાર કરીએ.

૮, ૯. (ક) ઈસુ ઈશ્વર સમાન છે એમ માનનાર વ્યક્તિને કઈ એક રીતથી સમજાવી શકાય? (ખ) એ વિશે વ્યક્તિને સારી રીતે સમજાવવા તમને કઈ રીત કામ લાગી છે?

સંજોગ ૧: પ્રચારકાર્ય દરમિયાન, કોઈ એવું મળે જે માને છે કે ઈસુ ઈશ્વર સમાન છે. એવા કિસ્સામાં આપણે વ્યક્તિને બાઇબલની કઈ કલમો દ્વારા સમજાવીશું? આપણે વ્યક્તિને યોહાન ૬:૩૮ વાંચવાનું કહી શકીએ, જ્યાં ઈસુ જણાવે છે: ‘હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગમાંથી ઊતર્યો છું.’ કલમ વાંચ્યા પછી આપણે વ્યક્તિને પૂછી શકીએ કે, “ઈસુ પોતે જ ઈશ્વર હોય તો તેમને સ્વર્ગમાંથી નીચે કોણે મોકલ્યા? જેમણે ઈસુને મોકલ્યા, શું તે ઈસુ કરતાં ચઢિયાતા નહિ હોય? દેખીતું છે કે, જે કોઈ ઉપરી હોય તે જ બીજાને મોકલી શકે છે.”

આપણે ફિલિપી ૨:૯ પણ વાંચી શકીએ. પ્રેરિત પાઊલે ત્યાં જણાવ્યું છે કે ઈસુના મરણ અને સજીવન થયા પછી ઈશ્વરે શું કર્યું. કલમ કહે છે: ‘ઈશ્વરે ઈસુને ઘણા ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં તેમને શ્રેષ્ઠ નામ આપ્યું.’ એ કલમને સમજાવવા આપણે વ્યક્તિને કદાચ આમ પૂછી શકીએ, “ઈસુ મરણ પામ્યા એ પહેલાં જો તે ઈશ્વર સમાન હોય અને ઈશ્વરે તેમને સજીવન કરીને ઘણા ઊંચા કર્યા, તો શું ઈશ્વર કરતાં પણ ઈસુ ઊંચા થયા ન કહેવાય? પરંતુ, શું ઈશ્વર કરતાં કોઈ ચઢિયાતો બની શકે?” વ્યક્તિને જો બાઇબલ પ્રત્યે માન હશે અને તે પ્રામાણિક હશે, તો એ સવાલો તેને વધુ વિચાર કરવા પ્રેરશે.—પ્રે.કૃ. ૧૭:૧૧.

૧૦. (ક) નરકમાં માનનાર વ્યક્તિને આપણે કઈ રીતે સમજાવી શકીએ? (ખ) એ વિશે વ્યક્તિને યોગ્ય સમજણ આપવા તમને કઈ રીત કામ લાગી છે?

૧૦ સંજોગ ૨: કોઈ ઘરમાલિક ચુસ્ત રીતે  માને છે કે ખરાબ લોકોને નરકમાં હંમેશ માટે પીડા થવી જ જોઈએ. ઘરમાલિક કદાચ નરકમાં એટલા માટે માને છે, કેમ કે તેનું માનવું છે કે દુષ્ટ કામો કરનારને શિક્ષા થવી જ જોઈએ. એવું માનનાર વ્યક્તિને આપણે કઈ રીતે સમજાવી શકીએ? પહેલા, તેને આપણે ખાતરી આપવી જોઈએ કે દુષ્ટ લોકોને સજા ચોક્કસ કરાશે. (૨ થેસ્સા. ૧:૯) પછી, આપણે તેને ઉત્પત્તિ ૨:૧૬, ૧૭ વાંચવા કહીએ. એ કલમ બતાવે છે કે પાપની સજા મરણ છે. આપણે કદાચ તેને સમજાવી શકીએ કે આદમે પાપ કર્યું માટે આખી માણસજાત જન્મથી જ પાપી છે. (રોમ. ૫:૧૨) જોકે, આપણે તેનું ધ્યાન એ બાબત પર દોરીએ કે, ઈશ્વરે ક્યારેય જણાવ્યું નથી કે તે દુષ્ટોને નરકમાં સજા કરશે. પછી આપણે ઉત્પત્તિ ૩:૧૯ વાંચી શકીએ. એમાં જણાવ્યું છે કે તેઓને પાપ માટે કઈ સજા થઈ, ત્યાં નરકનો કોઈ ઉલ્લેખ નથી. એના બદલે ઈશ્વરે આદમને કહ્યું કે ‘તું ધૂળમાં પાછો મળી જશે.’ “જો આદમને નરકમાં સજા થવાની હોત તો, શું એમ કહેવું વાજબી હોત કે તે ધૂળમાં પાછો મળી જશે?” આવો સવાલ પ્રામાણિક વ્યક્તિને એ વિષય પર વધુ વિચારવા પ્રેરશે.

૧૧. (ક) બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે, એમ માનનાર વ્યક્તિને સમજાવવાની એક રીત કઈ છે? (ખ) એ વિષય પર સમજણ આપવા તમે વ્યક્તિને કઈ રીતે મદદ કરી છે?

૧૧ સંજોગ ૩: પ્રચારકાર્ય દરમિયાન, કોઈ એવું મળે જે માને છે કે બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે. આવી માન્યતાને લીધે વ્યક્તિ બાઇબલની કલમોને પોતાની રીતે સમજે છે. દાખલા તરીકે, જો આપણે તેને પ્રકટીકરણ ૨૧:૪ની કલમ વાંચી આપીએ, તો તે કદાચ કહેશે કે એ સ્વર્ગમાંના જીવન વિશે કહે છે. (વાંચો.) એવી વ્યક્તિને કઈ રીતે સમજાવીશું? બીજી કલમોનો ઉપયોગ કર્યા વગર આપણે એ જ કલમની વિગતો પર ધ્યાન દોરીશું. કલમમાં જણાવ્યું છે કે, “મરણ ફરીથી થનાર નથી.” આપણે વ્યક્તિને પૂછી શકીએ કે “કોઈ વસ્તુને ફરીથી થવા માટે, શું પહેલા એ હોવી જરૂરી છે?” તે કદાચ હા કહેશે. પછી, આપણે તેને કહી શકીએ કે સ્વર્ગમાં ક્યારેય કોઈનું મરણ થતું નથી. મરણ તો પૃથ્વી પર જ થાય છે. તેથી, એમ માનવું યોગ્ય છે કે પ્રકટીકરણ ૨૧:૪ના આશીર્વાદો પૃથ્વી પર ભાવિમાં મળનાર જીવન વિશે જ છે.—ગીત. ૩૭:૨૯.

મુદ્દો સમજાવવા દૃષ્ટાંતોનો ઉપયોગ કરીશું

૧૨. ઈસુ શા માટે દૃષ્ટાંતો આપતાં?

૧૨ પ્રચારકાર્ય દરમિયાન ઈસુએ સવાલો ઉપરાંત દૃષ્ટાંતોનો પણ ઉપયોગ કર્યો હતો. (માથ્થી ૧૩:૩૪, ૩૫ વાંચો.) ઉદાહરણોની મદદથી ઈસુ સાંભળનારાઓના ઇરાદા પારખી લેતા. (માથ. ૧૩:૧૦-૧૫) દૃષ્ટાંતોથી ઈસુ ખૂબ સારી અને યાદ રહી જાય એવી રીતે લોકોને શીખવતા. આપણે પણ શીખવતી વખતે દૃષ્ટાંતોનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ?

૧૩. ઈસુ કરતાં ઈશ્વર મોટા છે, એ સમજાવવા આપણે શું કહી શકીએ?

૧૩ સારું રહેશે કે, આપણે સહેલાં દૃષ્ટાંતોનો ઉપયોગ કરીએ. દાખલા તરીકે, ઈસુ કરતાં ઈશ્વર મોટા છે, એમ સમજાવવા આપણે કદાચ આવું કોઈ ઉદાહરણ આપી શકીએ. આપણે કહી શકીએ કે ઈશ્વર અને ઈસુએ એકબીજા સાથેના સંબંધને પિતા અને દીકરાના સંબંધ સાથે સરખાવ્યો. (લુક ૩:૨૧, ૨૨; યોહા. ૧૪:૨૮) એ પછી આપણે ઘરમાલિકને પૂછીએ કે, “ધારો કે તમે એવું શીખવો છો કે બે વ્યક્તિઓ સમાન છે અને કોઈ એકબીજાથી મોટી નથી. તો પછી, તમે કુટુંબમાં જોવા મળતા  કયા બે લોકોના સંબંધથી તેઓને સરખાવશો?” ઘરમાલિક કદાચ કહે કે જોડીયા ભાઈઓ વચ્ચેનો સંબંધ. તે એમ કહે તો આપણે કહીશું કે, “એ એકદમ યોગ્ય સરખામણી છે. જો આપણે સહેલાઈથી એવું ઉદાહરણ આપી શકીએ, તો શું ઈસુ જે મહાન શિક્ષક છે, તે એવું ઉદાહરણ ન આપી શક્યા હોત? એના બદલે, તેમણે તો ઈશ્વરને પોતાના પિતા તરીકે સંબોધ્યા. એમ કરીને ઈસુએ જણાવ્યું કે ઈશ્વર તેમના કરતાં મોટા છે અને ઘણો વધારે અધિકાર ધરાવે છે.”

૧૪. કયા દૃષ્ટાંતથી સમજાવીશું કે શેતાનનો ઉપયોગ કરી લોકોને નરકમાં પીડા આપવી, ઈશ્વર માટે અયોગ્ય છે?

૧૪ ચાલો, બીજો એક દાખલો જોઈએ. અમુક લોકો માને છે કે શેતાન નરકનો અધિકારી છે. આપણે માતા-પિતાને કઈ રીતે સમજાવી શકીએ કે શેતાનનો ઉપયોગ કરી લોકોને નરકમાં પીડા આપવી, ઈશ્વર માટે અયોગ્ય છે? આપણે આવું કંઈક કહી શકીએ: “માની લો કે તમારો દીકરો તમારું જરાય સાંભળતો નથી અને ઘણાં ખોટાં કામ કરે છે. એ જોઈ તમે શું કરશો?” માતા-પિતા કદાચ કહે કે, “અમે તેને સુધારવાનો પ્રયત્ન કરીશું. દીકરો ખોટાં કામ છોડી દે માટે તેને વારેઘડીએ ચેતવીશું.” (નીતિ. ૨૨:૧૫) એ સમયે પૂછી શકો કે “તમારા આટલા પ્રયત્નો છતાં જો દીકરો તમારું ન સાંભળે તો શું કરશો?” મોટા ભાગનાં માતા-પિતા કહેશે કે “આખરે અમે તેને શિક્ષા કરીશું.” ત્યારે તેઓને પૂછી શકાય કે, “જો, તમને ખબર પડે કે કોઈ દુષ્ટ વ્યક્તિની સંગતને લીધે તે ખોટા માર્ગે ચઢ્યો છે, તો શું કરશો?” માબાપ ચોક્કસ કહેશે કે, “અમને એ વ્યક્તિ પર ગુસ્સો આવશે.” પછી આપણે દૃષ્ટાંતનો મુદ્દો જણાવતા કહી શકીએ, “હવે, તમને ખબર છે કે એ દુષ્ટ વ્યક્તિની અસરને લીધે દીકરો બગડી ગયો છે તો, શું તમે એ વ્યક્તિને કહેશો કે તમારા વતી દીકરાને શિક્ષા કરે?” એમાં કોઈ શંકા નથી કે તેઓ ના કહેશે. એ સાફ બતાવે છે કે ઈશ્વર ખરાબ લોકોને શિક્ષા કરવા શેતાનનો ઉપયોગ કદી નહિ કરે. કારણ કે, શેતાને જ એ લોકોને ખરાબ કામ તરફ વાળ્યા છે.

નિરાશ ન થઈએ

૧૫, ૧૬. (ક) દરેક વ્યક્તિ ઈશ્વરનો સંદેશો સ્વીકારશે એવી આશા આપણે શા માટે રાખતા નથી? (ખ) શીખવવાના કામમાં સફળ થવા, શું આપણી પાસે ખાસ આવડત હોવી જરૂરી છે? સમજાવો.

૧૫ આપણે ધ્યાનમાં રાખીએ કે, બધા જ લોકો કંઈ રાજ્યનો સંદેશો નહિ સ્વીકારે. (માથ. ૧૦:૧૧-૧૪) પછી ભલે આપણે ગમે તેટલા સારા સવાલો પૂછીએ, સમજણ આપીએ કે દૃષ્ટાંતનો ઉપયોગ કરીએ. ઈસુ પૃથ્વી પરના સૌથી મહાન શિક્ષક થઈ ગયા. છતાં, બહુ થોડા લોકોએ તેમનો સંદેશો સ્વીકાર્યો.—યોહા. ૬:૬૬; ૭:૪૫-૪૮.

૧૬ બીજી બાજુ, કોઈને કદાચ લાગે કે પોતે સારા શિક્ષક નથી. તોપણ, તે પ્રચારમાં સારું કરી શકે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩ વાંચો.) બાઇબલ આપણને ખાતરી આપે છે કે “જેઓ હંમેશનું જીવન પામવા માટે સારું મન રાખતા” હશે, તેઓ ખુશખબર સ્વીકારશે. (પ્રે.કૃ. ૧૩:૪૮, NW) તેથી ચાલો, શીખવવાની કળામાં સુધારો કરતા રહીએ. પરંતુ, જો કોઈ સંદેશો ન સ્વીકારે તો નિરાશ ન થઈએ. યહોવા આપણને જે તાલીમ આપી રહ્યા છે એનો પૂરો લાભ ઉઠાવીએ. તેમ જ, ભરોસો રાખીએ કે એનાથી આપણને અને સાંભળનારને ફાયદો થશે. (૧ તીમો. ૪:૧૬) “દરેકને યોગ્ય ઉત્તર” આપવા યહોવા આપણને મદદ કરશે. આવતા લેખમાં જોઈશું કે, કઈ રીતે સોનેરી નિયમ પ્રચારકાર્યમાં સફળ થવાની એક ચાવી છે.

^ ફકરો. 6 ઑક્ટોબર ૧, ૨૦૦૯ના ધ વૉચટાવરમાં લેખ “ઈઝ ઈટ પોસીબલ ટુ બિલ્ડ ફેઇથ ઈન અ ક્રિએટર?” જુઓ.