સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘યહોવા તારા ઈશ્વર પર પ્રેમ કર’

‘યહોવા તારા ઈશ્વર પર પ્રેમ કર’

‘યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર.’—માથ. ૨૨:૩૭.

૧. શા માટે પિતા અને દીકરા વચ્ચેનો પ્રેમ વધતો રહ્યો છે?

યહોવાના દીકરા, ઈસુ ખ્રિસ્તે જાહેર કર્યું: ‘હું પિતા પર પ્રેમ રાખું છું.’ (યોહા. ૧૪:૩૧) ઈસુએ એમ પણ કહ્યું: ‘પિતા પોતાના દીકરાને પ્રેમ કરે છે.’ (યોહા. ૫:૨૦) એ જાણીને આપણને નવાઈ લાગતી નથી કેમ કે પૃથ્વી પર આવતાં પહેલાં, ઈસુ યુગોના યુગોથી ઈશ્વર સાથે “કુશળ કારીગર” તરીકે કામ કરતા હતા. (નીતિ. ૮:૩૦) યહોવા સાથે કામ કરતા હોવાથી, ઈસુ તેમના ગુણો વિશે ઘણું શીખી શક્યા છે. તેમ જ, પિતાને પ્રેમ કરવાનાં તેમની પાસે અઢળક કારણો છે. સાચે જ, એકબીજાની સાથે હોવાથી તેઓ વચ્ચેનો પ્રેમ વધતો રહ્યો છે.

૨. (ક) પ્રેમમાં શું સમાયેલું છે? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

તમે કોઈને ત્યારે જ પ્રેમ કરી શકો જ્યારે તેના પ્રત્યે તમને ઊંડી લાગણી હોય. દાઊદે એક ગીતમાં લખ્યું: ‘હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રીતિ રાખું છું.’ (ગીત. ૧૮:૧) આપણને પણ ઈશ્વર માટે એવી જ લાગણી હોવી જોઈએ, કેમ કે તેમને પણ આપણા પ્રત્યે એવી જ લાગણી છે. જો આપણે યહોવાના કહ્યાં પ્રમાણે કરીશું તો તે આપણા પ્રત્યે પ્રેમ બતાવશે. (પુનર્નિયમ ૭:૧૨, ૧૩ વાંચો.) આપણે ઈશ્વરને જોઈ શકતા નથી, તોપણ શું તેમને પ્રેમ કરવો શક્ય છે? યહોવાને પ્રેમ કરવાનો શો અર્થ થાય? આપણે તેમને શા માટે પ્રેમ કરવો જોઈએ? આપણે યહોવા પ્રત્યે પ્રેમ કઈ રીતે બતાવી શકીએ?

 શા માટે ઈશ્વરને પ્રેમ કરવો શક્ય છે

૩, ૪. ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખવો આપણા માટે કેમ શક્ય છે?

ઈશ્વર “અદૃશ્ય” છે, તેથી આપણે તેમને જોઈ શકતા નથી. (૧ તીમો. ૧:૧૭) તેમ છતાં, તેમના પ્રત્યે પ્રેમ બતાવવો શક્ય છે. બાઇબલ પણ એવો પ્રેમ બતાવવાની આજ્ઞા આપે છે. દાખલા તરીકે, મુસાએ ઈસ્રાએલીઓને કહ્યું: ‘તમારા ઈશ્વર યહોવા પર તમે પૂરા દિલથી, પૂરા મનથી અને પૂરા બળથી પ્રીતિ કરો.’—પુન. ૬:૫.

ઈશ્વર પ્રત્યે ઊંડો પ્રેમ રાખવો આપણા માટે કેમ શક્ય છે? કારણ કે, તેમણે આપણને એ રીતે બનાવ્યા છે. તેમણે આપણામાં ભક્તિની ભૂખ અને પ્રેમ બતાવવાની ક્ષમતા મૂકી છે. એ ભક્તિની ભૂખ સંતોષાય છે ત્યારે યહોવા માટે આપણો પ્રેમ વધે છે અને આપણે ખુશ થઈએ છીએ. ઈસુએ કહ્યું, “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે. કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.” (માથ. ૫:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) માણસોના મનમાં રહેલી ભક્તિની ભૂખ માટે એક પુસ્તકમાં આમ કહેવામાં આવ્યું છે: ‘દુનિયાભરના માણસોમાં જોવા મળતી સર્વોપરી માટેની શોધ અને તેનામાં શ્રદ્ધાને લીધે આપણને નવાઈ અને આશ્ચર્ય થાય છે.’—મૅન ડઝ નોટ સ્ટૅન્ડ અલોન, એ. સી. મોરીસન.

૫. આપણે શાના પરથી જાણી શકીએ કે ઈશ્વરની શોધ કરવી નકામી નથી?

શું ઈશ્વરની શોધ કરવી નકામી છે? ના, બિલકુલ નહિ. કારણ, તે ઇચ્છે છે કે આપણે તેમને શોધીએ. પ્રેરિત પાઊલે અરિયોપગસમાં ભેગા થયેલા ટોળાને સાક્ષી આપી હતી. એ જગ્યાથી પ્રાચીન આથેન્સના લોકોની દેવીનું મંદિર પાર્થેનોન દેખાતું હતું. તેમ છતાં, પાઊલે તેઓને જણાવ્યું કે તમે એ ઈશ્વરને શોધી શકો છો, જેણે “જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું.” પછી પાઊલે સમજાવ્યું કે, ‘ઈશ્વર માણસોના હાથે બાંધેલાં મંદિરોમાં રહેતા નથી.’ તેમણે એમ પણ જણાવ્યું કે ‘ઈશ્વરે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વી પર રહેવા માટે એક માણસમાંથી ઉત્પન્ન કરી. તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય અને તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી, જેથી તેઓ ઈશ્વરને શોધે. તેઓ ઈશ્વરને માટે કદાચ ફંફોસીને તેમને પામે. પરંતુ, તે આપણામાંના કોઈથી વેગળા નથી.’ (પ્રે.કૃ. ૧૭:૨૪-૨૭) હા, લોકો ઈશ્વરને શોધી શકે છે. દુનિયાભરમાં ૭૫ લાખ કરતાં વધુ સાક્ષીઓ ‘ખરેખર ફંફોસીને ઈશ્વરને પામ્યા’ છે અને તેઓ સાચે જ તેમને પ્રેમ કરે છે.

ઈશ્વરને પ્રેમ કરવાનો શો અર્થ થાય

૬. ઈસુએ કઈ આજ્ઞાને “પહેલી અને મોટી” જણાવી હતી?

આપણને યહોવા માટે દિલથી પ્રેમ થવો જોઈએ. એ વાત ઈસુએ સાફ સાફ જણાવી હતી. એક ફરોશીએ જ્યારે તેમને પૂછ્યું કે ‘ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?’ ત્યારે તેમણે કહ્યું, ‘તારા ઈશ્વર યહોવા પર તું પૂરા હૃદયથી, ને પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. એ, પહેલી અને મોટી આજ્ઞા છે.’—માથ. ૨૨:૩૪-૩૮.

૭. ઈશ્વરને (ક) “પૂરા હૃદયથી” (ખ) “પૂરા જીવથી” (ગ) “પૂરા મનથી” પ્રેમ કરવાનો અર્થ શો થાય?

ઈસુએ “પૂરા હૃદયથી” ઈશ્વરને પ્રેમ કરવા વિશે કહ્યું ત્યારે, તેમના કહેવાનો અર્થ હતો કે આપણે યહોવાને પૂરા દિલથી, ઇચ્છાઓથી અને લાગણીઓથી પ્રેમ કરીએ. “પૂરા જીવથી” પ્રેમ કરવાનો અર્થ થાય કે જીવનના દરેક પાસાંમાં તેમને પ્રેમ બતાવીએ. તેમ જ, “પૂરા મનથી” પ્રેમ કરવો એટલે કે આપણા બધા જ વિચારોમાં તેમને પ્રેમ બતાવવો જોઈએ. આમ, ઈસુ ભાર મૂકવા માંગતા હતા કે આપણાથી બનતી બધી રીતોએ યહોવા માટે પ્રેમ બતાવીએ.

૮. ઈશ્વર માટે આપણે પ્રેમ કઈ રીતે બતાવીશું?

આપણે ઈશ્વરને પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી પ્રેમ કઈ રીતે બતાવીશું? એ માટે આપણે બાઇબલનો ખંતથી અભ્યાસ કરીશું, તેમની ઇચ્છા પ્રમાણે કરવા બનતું બધું કરીશું અને ઉત્સાહથી તેમના રાજ્યની ખુશખબર ફેલાવીશું. (માથ. ૨૪:૧૪; રોમ. ૧૨:૧, ૨) યહોવા માટેનો સાચો પ્રેમ આપણને તેમની નજીક લાવશે. (યાકૂ.  ૪:૮) ખરું કે, આપણે યહોવાને પ્રેમ કરવાનાં બધાં કારણોનું લિસ્ટ બનાવી શકતા નથી. છતાં, ચાલો એમાંનાં અમુક કારણો પર વિચાર કરીએ.

યહોવાને શા માટે પ્રેમ કરવો જોઈએ

૯. સર્જનહાર અને પૂરું પાડનાર યહોવાને તમે શા માટે પ્રેમ કરો છો?

યહોવા આપણા સર્જનહાર અને પૂરું પાડનાર છે. પાઊલે કહ્યું: “તેનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છીએ.” (પ્રે.કૃ. ૧૭:૨૮) યહોવાએ આપણને રહેવા સુંદર પૃથ્વી આપી છે. (ગીત. ૧૧૫:૧૬) આપણું જીવન ટકાવી રાખવા ખોરાક અને બીજી જરૂરી વસ્તુઓ આપી છે. પાઊલ એટલે જ લુસ્ત્રાના મૂર્તિપૂજકોને કહી શક્યા કે, ‘જીવતા ઈશ્વર તમારું ભલુ કરીને, આકાશથી વરસાદ અને ફળવંત ઋતુઓ તમને આપીને તેમ જ, અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને પોતાને વિશે સાક્ષી’ આપે છે. (પ્રે.કૃ. ૧૪:૧૫-૧૭) આપણા સર્જનહાર અને પૂરું પાડનાર યહોવાને પ્રેમ બતાવવાનું શું એ પૂરતું કારણ નથી?—સભા. ૧૨:૧.

૧૦. પાપ અને મરણને દૂર કરવા ઈશ્વરે જે ગોઠવણ કરી છે, એ વિશે આપણને કેવું લાગવું જોઈએ?

૧૦ આદમ દ્વારા વારસામાં મળેલાં પાપ અને મરણને દૂર કરવાનું ઈશ્વરે શક્ય બનાવ્યું છે. (રોમ. ૫:૧૨) બાઇબલ કહે છે: ‘આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.’ (રોમ. ૫:૮) યહોવાએ આપણા પર એટલો પ્રેમ કર્યો કે પોતાના દીકરાનું આપણા માટે બલિદાન આપ્યું. (યોહા. ૩:૧૬) તેથી, આપણે જ્યારે ખરો પસ્તાવો કરીને એ બલિદાનમાં વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પાપોની માફી મેળવવી શક્ય બને છે. એ જાણીને યહોવા માટે આપણું દિલ પ્રેમથી કેવું છલકાઈ જાય છે!

૧૧, ૧૨. ઈશ્વરે આપણને કઈ કઈ આશા આપી છે?

૧૧ યહોવાએ આપણને ‘આનંદ અને શાંતિથી’ ભરી દેતી આશા આપી છે. (રોમ. ૧૫:૧૩) એ આશાને લીધે વિશ્વાસની કસોટીમાં ટકી રહેવું શક્ય બને છે. અભિષિક્તો જ્યારે ‘મરણ સુધી વિશ્વાસુ રહે છે ત્યારે તેઓને સ્વર્ગમાં જીવનનો મુગટ’ મળે છે. (પ્રકટી. ૨:૧૦) પૃથ્વીની આશા રાખનારા ભક્તો પણ અંત સુધી વફાદાર રહેશે તો, સુંદર ધરતી પર કાયમ જીવવાનો આનંદ માણશે. (લુક ૨૩:૪૩) એવા ભાવિ વિશે તમને કેવું લાગે છે? સાચે જ, આપણને ખુશી અને શાંતિ મળે છે. તેમ જ, ‘દરેક ઉત્તમ અને સંપૂર્ણ દાન’ આપનાર ઈશ્વર માટે આપણું દિલ પ્રેમથી ઊભરાય છે.—યાકૂ. ૧:૧૭.

૧૨ લોકોને સજીવન કરવાની આશા ઈશ્વરે આપણને આપી છે. (પ્રે.કૃ. ૨૪:૧૫) સ્નેહીજનોનું મરણ થાય ત્યારે આપણને ઘણું જ દુઃખ થાય છે. પરંતુ, તેઓના સજીવન થવાની આશાને કારણે આપણે ‘બીજા માણસો જેઓને આશા નથી તેઓની જેમ શોક’ કરતા નથી. (૧ થેસ્સા. ૪:૧૩) ગુજરી ગયેલા લોકોને યહોવા પ્રેમને લીધે સજીવન કરવા ચાહે છે. એમાંય, ખાસ તો અયૂબ જેવા વફાદાર ભક્તોને સજીવન કરવા તે આતુર છે. (અયૂ. ૧૪:૧૫) સજીવન થયેલા લોકો ફરી પોતાનાં સગાં અને મિત્રોને મળતાં હશે ત્યારે, આ ધરતી પર કેવો આનંદ છવાયો હશે! આવી અદ્ભુત આશા આપનાર ઈશ્વર માટે આપણા દિલમાં પ્રેમ સમાયે સમાતો નથી!

૧૩. ઈશ્વર આપણી કાળજી રાખે છે, એની શી સાબિતી છે?

૧૩ યહોવા ખરેખર આપણી કાળજી રાખે છે. (ગીતશાસ્ત્ર ૩૪:૬, ૧૮, ૧૯; ૧ પીતર ૫:૬, ૭ વાંચો.) આપણે જાણીએ છીએ કે વફાદાર ભક્તોને મદદ કરવા પ્રેમાળ પિતા હંમેશાં તૈયાર છે. તેથી તેમના “ચારાનાં ઘેટાં” તરીકે આપણે સલામતી અનુભવીએ છીએ. (ગીત. ૭૯:૧૩) ઉપરાંત, મસીહી રાજ દ્વારા ઈશ્વર આપણા માટે જે કરવાના છે એમાં તેમનો પ્રેમ દેખાઈ આવે છે. તેમણે પસંદ કરેલા રાજા ઈસુ ખ્રિસ્ત દુનિયામાંથી હિંસા, અન્યાય અને દુષ્ટતા દૂર કરશે. એ પછી, વફાદાર મનુષ્યોને કાયમી શાંતિ અને સમૃદ્ધિ મળશે. (ગીત. ૭૨:૭, ૧૨-૧૪, ૧૬) આવા ભાવિ વિશે જાણીને ઉત્તેજન મળે છે કે આપણે કાળજી રાખનાર પિતાને પૂરા દિલથી, જીવથી, શક્તિથી અને મનથી પ્રેમ કરીએ.—લુક ૧૦:૨૭.

૧૪. ઈશ્વરે આપણને કયો અજોડ લહાવો આપ્યો છે?

૧૪ ઈશ્વરે આપણને તેમના સાક્ષી બનવાનો  અજોડ લહાવો આપ્યો છે. (યશા. ૪૩:૧૦-૧૨) રાજ્યને ટેકો અને દુષ્ટ જગતમાં લોકોને સાચી આશા આપવાની યહોવાએ આપણને તક આપી છે. ઉપરાંત, લોકોને ખુશખબર જણાવવા માટે આપણને શ્રદ્ધા અને હિંમત મળી છે. કારણ કે એ સંદેશો બાઇબલમાંથી છે જેમાં ઈશ્વરનાં વચનો છે, જે કદી ખોટાં પડતાં નથી. (યહોશુઆ ૨૧:૪૫; ૨૩:૧૪ વાંચો.) હકીકતમાં તો યહોવાના આશીર્વાદોનો અને તેમને પ્રેમ કરવાનાં કારણોનો કોઈ પાર નથી. તોપણ, યહોવા પ્રત્યેના પ્રેમની સાબિતી આપણે કઈ રીતે આપી શકીએ?

ઈશ્વર પ્રત્યે પ્રેમ કઈ રીતે બતાવી શકીએ

૧૫. બાઇબલનો અભ્યાસ કરી, એને લાગુ પાડવાથી આપણને શી મદદ મળે છે?

૧૫ બાઇબલનો ખંતીલો અભ્યાસ કરી, એને લાગુ પાડીને. એમ કરવાથી આપણે બતાવીશું કે યહોવાને પ્રેમ કરીએ છીએ. તેમ જ, બાઇબલને ‘આપણા પગોને માટે દીવારૂપ’ બનાવવા માંગીએ છીએ. (ગીત. ૧૧૯:૧૦૫) મુશ્કેલીઓના સમયમાં આવું પ્રેમાળ વચન આપણને દિલાસો આપે છે: ‘હે ઈશ્વર, તમે ભાંગેલા અને નમ્ર હૃદયને ધિક્કારતા નથી.’ ‘હે યહોવા, તમારી કૃપાએ મને ઝીલી લીધો. પુષ્કળ ચિંતા થાય ત્યારે તમારા દિલાસાઓ મને ખુશ કરે છે.’ (ગીત. ૫૧:૧૭; ૯૪:૧૮, ૧૯) તકલીફો સહન કરનારાઓ પ્રત્યે યહોવા દયા બતાવે છે. ઈસુને પણ લોકો પર દયા આવે છે. (યશા. ૪૯:૧૩; માથ. ૧૫:૩૨) બાઇબલનો અભ્યાસ કરવાથી આપણને જાણવા મળે છે કે યહોવા આપણને પ્રેમ કરે છે. અને એ જાણીને, આપણો તેમના પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બને છે.

૧૬. શા માટે નિયમિત પ્રાર્થના કરવાથી ઈશ્વર માટે આપણો પ્રેમ વધે છે?

૧૬ નિયમિત પ્રાર્થના કરીને. એમ કરીને આપણે “પ્રાર્થનાના સાંભળનાર”ની નજીક જઈએ છીએ. (ગીત. ૬૫:૨) ઈશ્વર પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા છે, એ જોઈને તેમના માટે આપણી લાગણી વધે છે. દાખલા તરીકે, તમે અનુભવ્યું હશે કે તમારી શક્તિ ઉપરાંત ઈશ્વર પરીક્ષણ આવવા દેતા નથી. (૧ કોરીં. ૧૦:૧૩) આપણને કોઈ ચિંતા સતાવે ત્યારે પ્રાર્થનામાં તેમની સામે મન ઠાલવવાથી “ઈશ્વરની શાંતિ”નો અનુભવ થાય છે. (ફિલિ. ૪:૬, ૭) અમુક વખતે નહેમ્યાની જેમ મનમાં પ્રાર્થના કરવાથી પણ આપણને જવાબ મળે છે. (નહે. ૨:૧-૬) ‘પ્રાર્થનામાં લાગુ રહેવાથી’ અને આપણી અરજોનો  જવાબ મળે છે, એ પારખવાથી ઈશ્વર માટે પ્રેમ વધે છે. તેમ જ, એવો ભરોસો મળે છે કે ભાવિમાં વિશ્વાસની કસોટી વખતે ટકી રહેવા તે જ આપણને મદદ કરશે.—રોમ. ૧૨:૧૨.

૧૭. ઈશ્વરને દિલથી પ્રેમ કરતા હોઈશું તો સભાઓ પ્રત્યે આપણું વલણ કેવું હશે?

૧૭ સભાઓ અને સંમેલનોમાં નિયમિત રીતે જઈને. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) ઈસ્રાએલીઓ યહોવા વિશે સાંભળવા અને શીખવા ભેગા મળતા. ત્યાં તેઓ યહોવાની ભક્તિ કરવા અને તેમના નિયમો પાળવા વિશે શીખતા. (પુન. ૩૧:૧૨) આપણે જો ઈશ્વરને દિલથી પ્રેમ કરતા હોઈશું તો સભાઓમાં જવું બોજ નહિ લાગે. (૧ યોહાન ૫:૩ વાંચો.) તેથી, ચાલો એક પણ સભા ન ચૂકવા આપણે બનતું બધું કરીએ. યહોવા માટેનો આપણો જે પહેલો પ્રેમ હતો એને ઠંડો ન પડવા દઈએ.—પ્રકટી. ૨:૪.

૧૮. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ આપણને શું કરવાની પ્રેરણા આપે છે?

૧૮ “સુવાર્તાની સત્યતા” બીજાઓને ઉત્સાહથી જણાવીને. (ગલા. ૨:૫) ઈશ્વર પ્રત્યેનો પ્રેમ આપણને પ્રેરણા આપે છે કે તેમના વહાલા દીકરાના મસીહી રાજ્ય વિશે લોકોને જણાવીએ. એ દીકરો આર્માગેદન વખતે ‘સત્યને માટે સવારી કરશે.’ (ગીત. ૪૫:૪; પ્રકટી. ૧૬:૧૪, ૧૬) સાચે જ, બીજાઓને ઈશ્વરનો પ્રેમ અને નવી દુનિયા લાવવાનું તેમનું વચન જણાવવામાં અનેરો આનંદ મળે છે!—માથ. ૨૮:૧૯, ૨૦.

૧૯. પોતાના ટોળાની સંભાળ રાખવા ઈશ્વરે કરેલી ગોઠવણની આપણે શા માટે કદર કરવી જોઈએ?

૧૯ પોતાના ટોળાની સંભાળ રાખવા ઈશ્વરે કરેલી ગોઠવણની કદર કરીને. (પ્રે.કૃ. ૨૦:૨૮) યહોવા આપણું ભલુ ઇચ્છે છે. તેથી, તેમણે વડીલોની ગોઠવણ કરી છે. વડીલો ‘પવનથી સંતાવાની જગા તથા તોફાનમાં આશરો જેવા, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવા, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવા’ છે. (યશા. ૩૨:૧, ૨) સખત પવન અથવા તોફાનમાં સંતાવાની જગ્યા મળે ત્યારે, આપણે એની કદર કરીએ છીએ. સૂર્યના ધગધગતા તડકામાં કોઈ છાંયડો મળે ત્યારે આપણને કેટલી રાહત થાય છે! એવી જ રીતે, મુશ્કેલીઓ હોવા છતાં ભક્તિમાં ટકી રહેવા વડીલો આપણા માટે મદદ અને તાજગી આપનાર બને છે. તેથી, મંડળમાં આગેવાની લેનાર ભાઈઓનું કહેવું માનીએ. એમ કરીને બતાવીએ છીએ કે ઈશ્વરે જે “માણસોને દાન આપ્યાં” તેઓની આપણે કદર કરીએ છીએ. તેમ જ, પુરવાર કરીએ છીએ કે આપણને ઈશ્વર માટે અને મંડળીના શિર ખ્રિસ્ત માટે પ્રેમ છે.—એફે. ૪:૮; ૫:૨૩; હિબ્રૂ ૧૩:૧૭.

યહોવાએ ઘેટાંપાળકો પૂરા પાડ્યા છે જેઓ ટોળાની ખરેખર ચિંતા રાખે છે (ફકરો ૧૯ જુઓ)

ઈશ્વરના પ્રેમમાં વધતા રહીએ

૨૦. તમે ઈશ્વરને પ્રેમ કરતા હશો તો યાકૂબ ૧:૨૨-૨૫ની સલાહ પાળવા શું કરશો?

૨૦ યહોવા સાથે જો તમારો પ્રેમાળ સંબંધ હશે, તો તમે ‘વચનના પાળનારા થશો કેવળ સાંભળનારા જ નહિ.’ (યાકૂબ ૧:૨૨-૨૫ વાંચો.) વચન “પાળનાર” હશો તો પ્રચાર કામ અને સભાઓમાં ઉત્સાહથી ભાગ લેશો. એમ કરીને બતાવશો કે તમને યહોવા પ્રત્યે ખરેખર પ્રેમ છે. ઉપરાંત, તેમની ઇચ્છા પ્રમાણે કરવા તમે તેમના “સંપૂર્ણ નિયમ”ને પાળશો.—ગીત. ૧૯:૭-૧૧.

૨૧. દિલથી કરેલી પ્રાર્થનાને શાની સાથે સરખાવી શકાય?

૨૧ યહોવા માટેનો પ્રેમ આપણને દિલથી પ્રાર્થના કરવા દોરશે. ઈસ્રાએલીઓને આપેલા નિયમોમાં દરરોજ ધૂપ બાળવાનો એક નિયમ હતો. એનો ઉલ્લેખ કરતા દાઊદે કહ્યું, ‘મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ અને મારા હાથોનું ઊંચું થવું એ સંધ્યાકાળના યજ્ઞ જેવું થાઓ.’ (ગીત. ૧૪૧:૨; નિર્ગ. ૩૦:૭, ૮) તમારી નમ્ર વિનંતીઓ, અરજો, દિલથી પ્રશંસા અને આભારના શબ્દો પણ સુગંધી ધૂપ જેવાં બને છે ત્યારે યહોવા ખુશ થાય છે.—પ્રકટી. ૫:૮.

૨૨. આવતા લેખમાં આપણે શાના વિશે શીખીશું?

૨૨ ઈસુએ જણાવ્યું કે ઈશ્વર અને પડોશીઓને આપણે પ્રેમ કરવો જોઈએ. (માથ. ૨૨:૩૭-૩૯) આવતા લેખમાં એ ગુણ વિશે વધુ ચર્ચા કરીશું. એ વખતે જોઈશું કે યહોવા અને તેમના સિદ્ધાંતો માટે પ્રેમ રાખવાથી પડોશીઓ પ્રત્યે પ્રેમ બતાવવા મદદ મળે છે.