સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ વિષય પર ચર્ચા

ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું? (ભાગ ૧)

ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું? (ભાગ ૧)

યહોવાના સાક્ષીઓ લોકો સાથે નીચે બતાવેલી રીત પ્રમાણે વાત કરે છે. કલ્પના કરો કે, કૅમરન નામના યહોવાના સાક્ષી જૉનના ઘરે આવીને વાત કરી રહ્યા છે.

સમજણ મેળવવા ‘શોધ કરતા રહીએ’

કૅમરન: જૉન, આપણે થોડા સમયથી બાઇબલમાંથી ચર્ચા કરી રહ્યા છીએ. એમાં મને બહુ જ મજા આવે છે. * ગયા વખતે તમે ઈશ્વરના રાજ્ય વિશે પૂછ્યું હતું. એ પણ પૂછ્યું હતું કે યહોવાના સાક્ષીઓ કેમ એવું માને છે કે, ઈશ્વરના રાજ્યએ ૧૯૧૪માં રાજ કરવાનું શરૂ કર્યું?

જૉન: બરાબર. હું તમારું એક પુસ્તક વાંચતો હતો. એમાંથી મને જાણવા મળ્યું કે ઈશ્વરનું રાજ્ય ૧૯૧૪માં શરૂ થયું છે. એ વાંચીને નવાઈ લાગી. કેમ કે, તમે કહો છો કે, તમારી દરેક માન્યતા બાઇબલ આધારિત હોય છે.

કૅમરન: હા, એ સાચી વાત છે.

જૉન: મેં આખું બાઇબલ વાંચ્યું છે. પણ, બાઇબલમાં ૧૯૧૪ વિશે કંઈ જોવા મળ્યું નહિ. એટલે, મેં ઓનલાઇન બાઇબલમાં “૧૯૧૪” વિશે સંશોધન કર્યું. પણ, “કંઈ જ મળ્યું નહિ.”

કૅમરન: હું તમારી બે બાબતોની પ્રશંસા કરું છું. એક તો, તમે આખું બાઇબલ વાંચ્યું, જે બતાવે છે કે તમને બાઇબલ માટે બહુ પ્રેમ છે.

જૉન: એના જેવું બીજું કોઈ પુસ્તક નથી.

કૅમરન: સાચી વાત. બીજું કે, તમારા પ્રશ્નોના જવાબો મેળવવા તમે બાઇબલમાં સંશોધન કર્યું. બાઇબલ ઉત્તેજન આપે છે કે, સમજણ મેળવવા ‘શોધ કરતા રહો.’ * તમે એમ જ કર્યું છે. તમે ઘણી મહેનત કરો છો, એ સારી વાત કહેવાય.

જૉન: મારે વધારે શીખવું છે. તમે જે પુસ્તકમાંથી શીખવો છો એમાંથી મેં સંશોધન કર્યું અને ૧૯૧૪ વિશે અમુક માહિતી મળી. એમાં લખ્યું છે કે એક રાજાને સ્વપ્ન આવ્યું હતું. તેણે એક મોટું ઝાડ જોયું જેને કાપી નાખવામાં આવ્યું. અને કદાચ એ પાછું વધવા લાગ્યું.

કૅમરન: બરાબર. એ ભવિષ્યવાણી દાનીયેલના ચોથા અધ્યાયમાં નોંધવામાં આવી છે. એ બતાવે છે કે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને એક સ્વપ્ન આવ્યું હતું.

જૉન: હા, એ જ ભવિષ્યવાણી. મેં એ ઘણી વાર વાંચી છે. પણ સાચું કહું, મને જરાય સમજ ન પડી કે ઈશ્વરના રાજ્ય અને ૧૯૧૪ સાથે એનો શું સંબંધ.

કૅમરન: ઈશ્વરે એ ભવિષ્યવાણી લખવા દાનીયેલને પ્રેરણા આપી હતી. પણ, દાનીયેલ એનો પૂરો અર્થ સમજ્યા ન હતા.

જૉન: એવું?

કૅમરન: હા, દાનીયેલ ૧૨:૮માં તે પોતે જણાવે છે, “મેં તે સાંભળ્યું, પણ હું સમજ્યો નહિ.”

જૉન: હું એકલો જ નથી જેને આ ભવિષ્યવાણીની સમજ ન પડી હોય. એ જાણીને મને ઘણું સારું લાગ્યું.

કૅમરન: દાનીયેલ એનો અર્થ સમજ્યા નહિ. કારણ કે, માણસોને એની પૂરી સમજણ મળે એ માટે ઈશ્વરનો સમય હજુ આવ્યો ન હતો. પરંતુ, આજે આપણે એને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.

જૉન: એવું તમે શાના આધારે કહો છો?

કૅમરન: ચાલો, એના પછીની કલમ જોઈએ. દાનીયેલ ૧૨:૯ જણાવે છે: ‘અંતના સમય સુધી એ વાતો ખાનગી તથા બંધ રાખવામાં’ આવી છે. જેથી, એના ઘણા સમય પછી એટલે ‘અંતના સમયે’ એની સમજણ આપવામાં આવે. આવનાર દિવસોમાં આપણે અભ્યાસ દરમિયાન અમુક પુરાવાઓ જોઈશું, જે બતાવે છે કે આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ. *

જૉન: તમે મને દાનીયેલની ભવિષ્યવાણી સમજાવશો?

કૅમરન: હા, કેમ નહિ.

નબૂખાદનેસ્સારને આવેલું સ્વપ્ન

કૅમરન: ચાલો, ફરી જોઈએ કે રાજા નબૂખાદનેસ્સારને શું સ્વપ્ન આવ્યું હતું. પછી એનો અર્થ જોઈએ.

જૉન: સારું.

કૅમરન: સ્વપ્નમાં નબૂખાદનેસ્સારે એક મોટું ઝાડ જોયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી. પછી તેણે જોયું કે, ઈશ્વરના સ્વર્ગદૂતે ઝાડ કાપવાની આજ્ઞા આપી. જોકે, ઈશ્વરે જણાવ્યું કે એ ઝાડના ઠૂંઠાંને જમીનમાં રહેવા દેવામાં આવે, જેથી “સાત કાળ” વીત્યા પછી એ ફરી વધે. * આ ભવિષ્યવાણી નબૂખાદનેસ્સાર રાજાને પ્રથમ લાગુ પડી. જેની ટોચ આકાશ સુધી પહોંચતી હોય એવા ઝાડની જેમ, એ રાજા ખૂબ શક્તિશાળી હતો. તેમ છતાં, તેની રાજસત્તાને ‘સાત વર્ષ’ સુધી અટકાવવામાં આવી. એ શું તમને યાદ છે?

જૉન: ના.

કૅમરન: કઈ વાંધો નહિ. બાઇબલ જણાવે છે કે નબૂખાદનેસ્સારે સાત વર્ષ માટે પોતાની સમજશક્તિ ગુમાવી. એ સમય દરમિયાન તે રાજ કરી શક્યો નહિ. પરંતુ, સાત કાળ એટલે કે સાત વર્ષ પછી, નબૂખાદનેસ્સારે પાછી સમજશક્તિ મેળવી અને એ ફરી રાજ કરવા લાગ્યો. *

જૉન: અહીં સુધી મને સમજ પડી ગઈ. પરંતુ, એનો ઈશ્વરના રાજ્ય અને ૧૯૧૪ સાથે શું સંબંધ?

કૅમરન: ટૂંકમાં જોઈએ તો આ ભવિષ્યવાણી બે વખત પૂરી થઈ. પ્રથમ વાર રાજા નબૂખાદનેસ્સારની સત્તા અટકાવવામાં આવી ત્યારે. અને બીજી વાર ઈશ્વરની સત્તા અટકાવવામાં આવી ત્યારે. આમ, એ ભવિષ્યવાણી ઈશ્વરના રાજ્યને પણ લાગુ પડે છે.

જૉન: ઈશ્વરના રાજ્યને પણ લાગુ પડે છે! કઈ રીતે?

કૅમરન: એ ભવિષ્યવાણીમાં જ એનો જવાબ આપવામાં આવ્યો છે. દાનીયેલ ૪:૧૭ પ્રમાણે એ ભવિષ્યવાણી એટલા માટે કરવામાં આવી હતી કે, “માણસો જાણે કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને પોતાની મરજી હોય તેને તે આપે છે.” તમે જોયું, અહીં “માણસોના રાજ્ય” વિશે લખ્યું છે.

જૉન: હા. અહીં કહે છે કે, “ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે.”

કૅમરન: તેથી, એ ભવિષ્યવાણી ફક્ત નબૂખાદનેસ્સારને જ લાગુ પડતી ન હોય શકે. પણ, “માણસોના રાજ્ય” પર ઈશ્વરના અધિકારને બતાવે છે. આ રીતે આગળ પાછળની કલમો તપાસવાથી એ ભવિષ્યવાણી સહેલાઈથી સમજી શકાય છે.

જૉન: એટલે?

દાનીયેલના પુસ્તકનો મુખ્ય વિષય

કૅમરન: બાઇબલમાં દાનીયેલનું પુસ્તક વારંવાર એક જ વિષય પર વાત કરે છે. એ બતાવે છે કે, ઈશ્વરના રાજ્યમાં ઈસુ રાજા તરીકે રાજ કરશે. ચાલો, આપણે દાનીયેલ ૨:૪૪ વાંચીએ. તમે એ વાંચશો?

જૉન: હા, એ જણાવે છે: ‘તે રાજાઓના સમયમાં સ્વર્ગના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, અને એ રાજ્ય અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, અને એ સર્વકાળ ટકશે.’

કૅમરન: તમને નથી લાગતું કે, આ કલમ ઈશ્વરના રાજ્ય વિશે વાત કરે છે?

જૉન: ચોક્કસ ના કહી શકું.

કૅમરન: જોયું, અહીં લખ્યું છે કે એ રાજ્ય “સર્વકાળ ટકશે.” એવું ફક્ત ઈશ્વરના રાજ્ય વિશે જ કહી શકાય. કારણ કે, માણસની સરકાર કાયમ માટે નથી ટકતી, ખરું ને?

જૉન: સાચી વાત.

કૅમરન: દાનીયેલના પુસ્તકમાં બીજી એક ભવિષ્યવાણી છે જે ઈશ્વરના રાજ્ય વિશે કહે છે. ભાવિમાં થનાર રાજા વિશે દાનીયેલ ૭:૧૩, ૧૪ આમ કહે છે: ‘તેમને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં કે, જેથી બધા લોકો, પ્રજાઓ અને સર્વ ભાષાઓ બોલનાર માણસો તેમના તાબે થાય; તેમની સત્તા સનાતન છે અને તેમના રાજ્યનો કદી નાશ નહિ થાય.’ તમે નોંધ કર્યું, આ ભવિષ્યવાણી શાના વિશે છે?

જૉન: રાજ્ય વિશે.

કૅમરન: બરાબર. પરંતુ કોઈ સામાન્ય રાજ્ય નહિ. જુઓ અહીં કહે છે, એ રાજ્યને ‘બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો’ પર અધિકાર આપવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં, એ રાજ્ય આખી પૃથ્વી પર રાજ કરશે.

જૉન: હવે હું એ કલમનો અર્થ સમજ્યો. સાચે, એ એવું જ કહે છે.

કૅમરન: જુઓ, એ ભવિષ્યવાણી બીજું શું કહે છે: ‘તેમની સત્તા સનાતન છે અને તેમના રાજ્યનો કદી નાશ નહિ થાય.’ આપણે દાનીયેલ ૨:૪૪માં જે વાંચ્યું એ જ અહીં પણ કહે છે, ખરું ને?

જૉન: હા.

કૅમરન: આપણે જે ચર્ચા કરી એનો ફરી ટૂંકમાં વિચાર કરીએ. દાનીયેલના ચોથા અધ્યાયમાં કરવામાં આવેલી ભવિષ્યવાણીનું કારણ એ હતું કે, “માણસો જાણે કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે.” એ બતાવે છે કે, આ ભવિષ્યવાણી નબૂખાદનેસ્સારને જ લાગુ પડતી ન હતી. પણ, એ મોટા પાયે પૂરી થનાર છે. દાનીયેલના આખા પુસ્તકમાં બીજી અનેક ભવિષ્યવાણીઓ છે, જે બતાવે છે કે, ઈશ્વરના રાજ્યમાં ઈસુ રાજા તરીકે રાજ કરશે. હવે તમને શું લાગે છે? દાનીયેલના ચોથા અધ્યાયમાં જણાવેલી ભવિષ્યવાણી શું ઈશ્વરના રાજ્ય વિશે વાત કરે છે?

જૉન: હા, એ માની શકાય. પણ, એનો ૧૯૧૪ સાથે શું સંબંધ છે?

“સાત કાળ વીતે”

કૅમરન: ચાલો, આપણે ફરી રાજા નબૂખાદનેસ્સાર વિશે જોઈએ. એ ભવિષ્યવાણીમાં તેની સરખામણી એક મોટા ઝાડ સાથે કરવામાં આવી હતી. અને એ ઝાડને કાપી નાખવામાં આવ્યું અને સાત કાળ વીતે નહિ ત્યાં સુધી રહેવા દેવામાં આવ્યું. એટલે, કે તેની રાજસત્તાને સાત વર્ષ સુધી અટકાવવામાં આવી હતી. એ સમય દરમિયાન રાજાની સમજશક્તિ ચાલી ગઈ હતી. સાત વર્ષ પછી તેની સમજશક્તિ પાછી આવી ત્યારે, સાત કાળ પૂરા થયા અને તે ફરી રાજ કરવા લાગ્યો. આમ, એ ભવિષ્યવાણી પહેલી વાર પૂરી થઈ. બીજી વાર એ ભવિષ્યવાણી પૂરી થઈ ત્યારે થોડા સમય માટે ઈશ્વરની સત્તા અટકાવવામાં આવી હતી. જોકે, એનો અર્થ એ નથી કે ઈશ્વર કોઈ રીતે નિષ્ફળ ગયા છે.

જૉન: એટલે, તમે શું કહો છો?

કૅમરન: એમ કહેવામાં આવતું કે બાઇબલના સમયમાં ઈસ્રાએલના રાજાઓ ‘યહોવાના રાજ્યાસન’ પર બેસતા. * અને ઈશ્વરના કહેવાથી તેઓ યરૂશાલેમમાંથી લોકો પર રાજ કરતા. યહોવા રાજ કરે છે, એવી જ રીતે તે રાજાઓએ પણ રાજ કરવાનું હતું. સમય વીત્યો તેમ મોટા ભાગના એ રાજાઓ યહોવાના માર્ગે ચાલ્યા નહિ. તેઓની મોટા ભાગની પ્રજાએ પણ એવું જ કર્યું. એટલે, યહોવાએ ઈસવીસન પૂર્વે ૬૦૭માં બાબેલોનને ઈસ્રાએલીઓ પર જીત મેળવવા દીધી. એ સમય પછી યરૂશાલેમમાંથી કોઈ પણ રાજાઓ યહોવાના રાજ્યાસન પર બેસતા નહિ. એ અર્થમાં યહોવાની સત્તાને અટકાવી દેવામાં આવી. હવે તમે સમજ્યા?

જૉન: હા, હવે સમજ પડી.

કૅમરન: ઈ.સ. પૂર્વે ૬૦૭માં ઈશ્વરના રાજ્યને અટકાવવામાં આવ્યું અને સાત કાળ શરૂ થયા. એ સાત કાળના અંતે પોતાના રાજ્યાસન પર બેસવા યહોવાએ નવી વ્યક્તિને પસંદ કરી, જેમણે સ્વર્ગમાંથી રાજ શરૂ કર્યું. એ સમયે, દાનીયેલના પુસ્તકમાંથી વાંચેલી બીજી ભવિષ્યવાણીઓ પૂરી થઈ. તો સવાલ થાય કે સાત કાળ ક્યારે પૂરા થયા? એ સવાલના જવાબ પરથી જાણી શકીશું કે ક્યારે ઈશ્વરની સરકારે રાજ કરવાનું શરૂ કર્યું?

જૉન: એવું! શું સાત કાળ ૧૯૧૪માં પૂરા થયા?

કૅમરન: હા. હવે તમે સમજ્યા.

જૉન: એની શું સાબિતી?

કૅમરન: ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમના સેવાકાર્ય દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સાત કાળ હજી પૂરા થયા ન હતા. * એના પરથી કહી શકીએ કે, એ સમયગાળો ઘણો લાંબો હોવો જોઈએ. ઈસુ પૃથ્વી પર આવ્યા એની સદીઓ પહેલાં એ સમયગાળો શરૂ થયો હતો. અને ઈસુ સ્વર્ગમાં ગયા એની સદીઓ પછી પણ એ ચાલુ રહ્યો. યાદ રાખીએ કે “અંતના સમય સુધી” કોઈને દાનીયેલની ભવિષ્યવાણીઓનો અર્થ સમજાયો નહિ. * ૧૯મી સદીના અંત ભાગમાં અમુક બાઇબલ વિદ્યાર્થીઓ આ ભવિષ્યવાણીનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યા. એના પરથી તેઓ પારખી શક્યા કે સાત કાળનો સમય ૧૯૧૪માં પૂરો થશે. એ પછી, દુનિયાના મોટા મોટા બનાવોએ સાબિતી આપી કે ૧૯૧૪માં ઈશ્વરની સરકારે સ્વર્ગમાં રાજ કરવાનું શરૂ કર્યું છે. એ સમયથી દુષ્ટ દુનિયાના અંતનો સમય શરૂ થયો. એટલે કે, છેલ્લા દિવસોની શરૂઆત થઈ. મને ખબર છે કે, આ બધું સમજવું સહેલું નથી.

જૉન: સાચું કહું, આ બરાબર સમજવા માટે મારે ફરીથી બધું વાંચવું પડશે.

કૅમરન: ચિંતા ન કરશો. આ ભવિષ્યવાણીઓનો અર્થ અને એ ક્યારે પૂરી થઈ એ સમજવા મને પણ સમય લાગ્યો હતો. આશા રાખું કે આપણી ચર્ચામાંથી તમને ખાતરી થઈ હશે કે, રાજ્ય વિશે યહોવાના સાક્ષીઓની માન્યતા બાઇબલ આધારિત છે.

જૉન: તમારી માન્યતા વિશે તમે જે રીતે બાઇબલમાંથી બતાવો છો એનાથી હું હંમેશાં પ્રભાવિત છું.

કૅમરન: તમે પણ એ જ ચાહો છો ને? આગળ મેં કહ્યું એમ એક સાથે બધી જ માહિતી સમજવી સહેલી નથી. તમને હજી પણ અમુક સવાલો થતા હશે. આપણે જોઈ ગયા તેમ ઈશ્વરના રાજ્ય વિશેના સાત કાળ ઈ.સ. પૂર્વે ૬૦૭માં શરૂ થયા હતા. પરંતુ, એ સાત કાળ ૧૯૧૪માં પૂરા થયા એ કઈ રીતે કહી શકીએ? *

જૉન: હું એનો વિચાર કરતો હતો.

કૅમરન: સાત કાળ કેટલો લાંબો છે એ સમજવા બાઇબલ આપણને મદદ કરે છે. આવતી વખતે આપણે એના વિશે વાત કરીશું.

જૉન: એ સારું રહેશે. ▪ (w૧૪-E ૧૦/૦૧)

શું બાઇબલના કોઈ વિષય પર તમને સવાલ છે? શું તમને યહોવાના સાક્ષીઓની માન્યતા કે તેઓની પ્રવૃત્તિઓ વિશે વધુ જાણવું છે? એમ હોય તો યહોવાના સાક્ષીને પૂછતા અચકાશો નહિ. તેઓ રાજીખુશીથી તમને એ વિશે સમજાવશે.

^ ફકરો. 5 યહોવાના સાક્ષીઓ લોકોને જુદા જુદા વિષય પર બાઇબલ આધારિત સાહિત્યમાંથી ફ્રીમાં શીખવે છે.

^ ફકરો. 21 એ વિશે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૯ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

^ ફકરો. 61 છેલ્લા દિવસોની ભવિષ્યવાણી વિશે ઈસુએ કહ્યું: “વિદેશીઓના સમયો પૂરા નહિ થશે, ત્યાં સુધી યરુશાલેમ [ઈશ્વરના કહેવાથી રાજ કરતા રાજાઓ] વિદેશીઓથી ખૂંદી નંખાશે.” (લુક ૨૧:૨૪) એ બતાવે છે કે, ઈશ્વરની સત્તા અટકાવવામાં આવી એ સમયગાળો ઈસુ પૃથ્વી પર હતા ત્યારે પણ ચાલતો હતો અને છેલ્લા દિવસો સુધી ચાલતો રહેશે.

^ ફકરો. 65 એ વિશે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૨૧૫-૨૧૭ જુઓ. તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

આવતા અંકમાં ચર્ચા કરવામાં આવશે કે, સાત કાળ કેટલો લાંબો છે એ વિશે બાઇબલ શું કહે છે.