સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણાં વાણી-વર્તન પવિત્ર રાખીએ

આપણાં વાણી-વર્તન પવિત્ર રાખીએ

“સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ.”૧ પીત. ૧:૧૫.

૧, ૨. (ક) યહોવા પોતાના ભક્તો પાસેથી કઈ આશા રાખે છે? (ખ) આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?

લેવીયના પુસ્તકમાંથી પવિત્રતા વિશે ઉલ્લેખ કરવાની ઈશ્વરે પ્રેરિત પીતરને પ્રેરણા આપી હતી. પીતરે સમજાવ્યું કે પ્રાચીન ઈસ્રાએલીઓની જેમ ઈશ્વરભક્તોએ પણ પવિત્ર થવાની જરૂર છે. (૧ પીતર ૧:૧૪-૧૬ વાંચો.) “પવિત્ર” ઈશ્વર યહોવા આશા રાખે છે કે, અભિષિક્તો અને “બીજાં ઘેટાં”ના લોકો પોતાનાં વાણી-વર્તન સર્વ પ્રકારે પવિત્ર રાખવાં બનતો પ્રયત્ન કરે.—યોહા. ૧૦:૧૬.

આ લેખમાં, આપણે લેવીયના પુસ્તકમાંથી અમુક સિદ્ધાંતો જોઈશું. એના દ્વારા આપણને પવિત્ર રહેવા વિશેના ઈશ્વરનાં ધોરણો શીખવાં મળશે. તેમ જ, એને જીવનમાં લાગુ પાડવાં મદદ મળશે. આપણે આ સવાલોના જવાબ પણ મેળવીશું: તડજોડ કરવા વિશે આપણને કેવું લાગવું જોઈએ? યહોવાની માલિકીને ટેકો આપવા વિશે લેવીયનું પુસ્તક શું શીખવે છે? ઈસ્રાએલીઓનાં અર્પણો પરથી આપણે શું શીખી શકીએ?

તડજોડ કરવાથી સાવધ રહીએ

૩, ૪. (ક) શા માટે ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો સાથે ભક્તોએ ક્યારેય તડજોડ ન કરવી જોઈએ? (ખ) શા માટે આપણે ખાર ન રાખવો જોઈએ અથવા બદલો ન લેવો જોઈએ?

યહોવાને ખુશ કરવા આપણે હંમેશાં તેમનું કહેવું માનીએ. તેમના નિયમો અને સિદ્ધાંતો સાથે કોઈક વાર તડજોડ ચાલી જશે એવું ક્યારેય ન વિચારીએ. આજે, આપણે મુસાના નિયમને બંધાયેલા નથી. છતાં, એને સમજવાથી જાણી શકીશું કે યહોવાને શું માન્ય છે અને શું માન્ય નથી.  દાખલા તરીકે, ઈસ્રાએલીઓને કહેવામાં આવ્યું હતું: “તું વૈર ન વાળ, ને તારા લોકના વંશ પર ખાર ન રાખ, જેમ પોતાના પર તેમ જ તારા પડોશી પર પ્રીતિ રાખ; હું યહોવા છું.”—લેવી. ૧૯:૧૮.

યહોવા જરાય ઇચ્છતા નથી કે આપણે કોઈ પર ખાર રાખીએ અથવા બદલો લઈએ. (રોમ. ૧૨:૧૯) જો આપણે યહોવાના નિયમો અને સિદ્ધાંતો પર ધ્યાન નહિ આપીએ, તો તેમના નામનું અપમાન થશે અને એમાં શેતાન ઘણો ખુશ થશે. કોઈ આપણને જાણીજોઈને દુઃખ પહોંચાડે તોપણ મનમાં ગુસ્સો ભરી ન રાખીએ. બાઇબલ આપણને એવાં “માટીનાં પાત્રો” સાથે સરખાવે છે, જેમાં ‘ખજાનો રહેલો છે.’ એ ખજાનો આપણું સેવાકાર્ય છે. (૨ કોરીં. ૪:૧, ૭) પરંતુ, મનમાં ખાર રાખવો ઍસિડ જેવો છે, જે હીરા-મોતીના ખજાનાને નુકસાન પહોંચાડી શકે છે.

૫. હારૂન વિશેના અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

લેવીય ૧૦:૧-૧૧માં આપણને એક એવો બનાવ જોવા મળે છે જેના લીધે હારૂન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. યહોવાએ હારૂનના દીકરા નાદાબ અને અબીહૂનો અગ્નિથી નાશ કર્યો. એ પછી, યહોવાએ હારૂનને આજ્ઞા આપી કે તેમણે અથવા તેમના કુટુંબીજનોએ જરાય શોક પાળવો નહિ. યહોવા પ્રત્યે વફાદારીની એ કેવી મોટી કસોટી! જો તમારા કુટુંબનું કોઈ સભ્ય મંડળમાંથી કાઢી મૂકવામાં આવે, તો શું તમે હારૂન જેવી વફાદારી બતાવશો? શું તમે પવિત્ર રહેવા કુટુંબના એ સભ્યની સંગતથી દૂર રહેશો?—૧ કોરીંથી ૫:૧૧ વાંચો.

૬, ૭. (ક) ચર્ચમાં થનાર લગ્નનું આમંત્રણ સ્વીકારતા પહેલાં આપણે શું વિચારવું જોઈએ? (ફૂટનોટ જુઓ.) (ખ) ચર્ચમાં થનાર લગ્નમાં ભાગ ન લેવાનું કારણ આપણે કઈ રીતે સમજાવવું જોઈએ?

ખરું કે, હારૂન અને તેમના કુટુંબની જેમ કદાચ આપણી કસોટી ન થાય. પરંતુ, એવા સંજોગ વિશે શું જ્યારે કોઈ સગા-સંબંધી આપણને ચર્ચમાં થનાર લગ્નવિધિમાં ભાગ લેવાનું આમંત્રણ આપે? એવા લગ્નમાં ન જવા વિશે બાઇબલમાં કોઈ નિયમ નથી. જોકે, એમાં એવા સિદ્ધાંતો મળી રહે છે જેના આધારે આપણે નિર્ણય લઈ શકીએ. *

યહોવાને ખુશ કરવાનો અને પવિત્ર રહેવાનો આપણો નિર્ણય કદાચ સગાં-સંબંધી પૂરી રીતે સમજી ન શકે. (૧ પીત. ૪:૩, ૪) આપણે તેઓનું મનદુઃખ કરવા માંગતા નથી. તેથી, નમ્રભાવે પણ સ્પષ્ટ રીતે આપણી માન્યતાઓ વિશે તેઓને જણાવવું જોઈએ. બને ત્યાં સુધી કોઈ પ્રસંગ આવે એના કેટલાક સમય પહેલાં, તેમને આપણી માન્યતા વિશે જણાવી દેવું જોઈએ. આપણે લગ્નના આમંત્રણ માટે આભાર વ્યક્ત કરવો જોઈએ. એ પછી, આવું કંઈક જણાવી શકીએ, “હું તમને એ ખાસ પ્રસંગે ખૂબ ખુશ જોવા માંગું છું. પરંતુ, હું ધાર્મિક વિધિઓમાં ભાગ ન લઈને તમને અને તમારા મહેમાનોને શરમમાં મૂકવા ઇચ્છતો નથી.” આમ, આપણે માન્યતાઓ અને શ્રદ્ધામાં છૂટછાટ લેવાનું વલણ ટાળી શકીએ છીએ.

ફક્ત યહોવાને જ આપણા માલિક ગણીએ

૮. લેવીયનું પુસ્તક કઈ રીતે ભાર મૂકે છે કે યહોવા જ આખા વિશ્વના માલિક છે?

લેવીયનું પુસ્તક ભાર મૂકે છે કે યહોવા જ આખા વિશ્વના માલિક છે. નિયમો યહોવા તરફથી આવ્યા છે એવી માહિતી મૂળ હિબ્રૂ શાસ્ત્રમાં ૩૦થી વધુ વાર જોવા મળે છે. મુસા પણ જાણતા હતા કે નિયમો યહોવા તરફથી છે અને તેથી તેમણે બધું યહોવાના કહ્યાં પ્રમાણે જ કર્યું. (લેવી. ૮:૪, ૫) મુસાની જેમ આપણે પણ માલિક યહોવાના કહ્યા પ્રમાણે કરવું જોઈએ. એમ કરવા યહોવાનું સંગઠન આપણને ઘણી મદદ પૂરી પાડે છે. જોકે, અમુક વાર એકલા હોઈએ ત્યારે આપણી શ્રદ્ધાની કસોટી થઈ શકે છે. વેરાન જગ્યામાં ઈસુ સાથે પણ એવું જ બન્યું હતું. (લુક ૪:૧-૧૩) આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને તેમને જ આપણા માલિક ગણીએ. એમ કરીશું તો, આપણે કોઈની બીકને લીધે તડજોડ કરીશું નહિ. તેમ જ, છૂટછાટ લેવાનું  વલણ બતાવવા આપણને કોઈ જબરદસ્તી નહિ કરી શકે.—નીતિ. ૨૯:૨૫.

૯. દુનિયા ફરતે શા માટે ઈશ્વરના લોકોને નફરત કરવામાં આવે છે?

આપણને ખબર છે કે દુનિયા ફરતે યહોવાના લોકોની સતાવણી થઈ શકે છે. કેમ કે, એ વિશે ઈસુએ આમ જણાવ્યું હતું: “તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.” (માથ. ૨૪:૯) ભલે ને લોકો આપણને નફરત કરતા, પણ આપણે તો સાક્ષીકાર્યમાં લાગુ રહીએ છીએ. તેમ જ, વાણી-વર્તન સર્વ પ્રકારે પવિત્ર રાખીને આપણે પ્રમાણિક રીતે વર્તીએ છીએ. આપણે પોતાના શરીરને શુદ્ધ રાખવાની સાથે સાથે આપણા સંસ્કારોને ભ્રષ્ટ થવા દેતા નથી. આપણે સારા નાગરિકો પણ છીએ. તો પછી, અમુક લોકો શા માટે આપણને નફરત કરે છે? (રોમ. ૧૩:૧-૭) કારણ કે, આપણે ફક્ત યહોવાને આપણા માલિક ગણીએ છીએ અને તેમનું જ કહેવું માનીએ છીએ. આપણે ‘તેમની એકલાની’ ભક્તિ કરીએ છીએ. આપણે લોકોનું કહેવું માનીને ઈશ્વરનાં ન્યાયી નિયમો અને સિદ્ધાંતો સાથે તડજોડ કદી કરતા નથી.—માથ. ૪:૧૦.

૧૦. યહોવાને વફાદાર ન રહેનાર એક ભાઈ સાથે શું બન્યું?

૧૦ આપણે આ ‘જગતનો ભાગ’ નથી. એટલે જ આપણે રાજકારણ અને યુદ્ધોમાં કોઈ પણ રીતે ભાગ લેતા નથી. (યોહાન ૧૫:૧૮-૨૧; યશાયા ૨:૪ વાંચો.) પરંતુ, અમુક ભક્તો વફાદાર રહ્યા નથી. તેમણે યહોવાના સિદ્ધાંતો અને નિયમો સાથે તડજોડ કરી. જોકે, તેઓમાંના ઘણાએ પસ્તાવો કર્યો અને યહોવા તરફ પાછા ફર્યા છે. (ગીત. ૫૧:૧૭) જ્યારે કે, અમુકે પસ્તાવો કર્યો નહિ. દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હંગેરી દેશમાં કેટલાક ભાઈઓને વાંક વગર જેલમાં નાંખવામાં આવ્યા હતા. પછી, તેઓમાંથી ૪૫ વર્ષથી નાની ઉંમરના ૧૬૦ ભાઈઓને ત્યાંના અધિકારીઓએ એક શહેરમાં ભેગા કર્યા. તેઓને સેનામાં જોડાવાનો હુકમ કરવામાં આવ્યો. મોટા ભાગના ભાઈઓએ ના પાડી. પણ, ૯ ભાઈઓએ સૈનિક તરીકે શપથ લીધી અને સેનાની વરદી સ્વીકારી. બે વર્ષ પછી, એમાંના એક સૈનિકને વફાદાર સાક્ષીઓને મારી નાંખવાની સોંપણી મળી. એ સાક્ષીઓમાં તેનો સગો ભાઈ પણ હતો! એ તો સારું થયું કે હુકમ પાછો લેવામાં આવ્યો અને તેઓ બચી ગયા.

યહોવાને સૌથી સારું આપીએ

૧૧, ૧૨. પ્રાચીન ઈસ્રાએલીઓનાં અર્પણ પરથી આપણે શું શીખી શકીએ છીએ?

૧૧ ઈસ્રાએલીઓએ જે અર્પણો આપવાનાં હતાં એના વિશે નિયમશાસ્ત્ર નાનામાં નાની વિગત જણાવતું હતું. (લેવી. ૯:૧-૪, ૧૫-૨૧) એ અર્પણો, ઈસુના બલિદાનને દર્શાવતાં હોવાથી અર્પણો ખોટ વગરનાં હોવાં જરૂરી હતાં. ઉપરાંત, ઠરાવેલી રીત પ્રમાણે જ ઈસ્રાએલીઓએ દરેક અર્પણ ચઢાવવાનું હતું. જેમ કે, સુવાવડ પછી માતાએ અર્પણ કઈ રીતે ચઢાવવું, એ લેવીય ૧૨:૬માં બતાવ્યું હતું. કલમ જણાવે છે, ‘જ્યારે દીકરાને લીધે કે દીકરીને લીધે માતાના શુદ્ધ થવાના દિવસ પૂરા થાય, ત્યારે તે દહનીયાર્પણને માટે પહેલા વર્ષનું એક હલવાન અને પાપાર્થાર્પણને માટે કબૂતરનું એક બચ્ચું અથવા એક હોલો મુલાકાતમંડપના બારણા આગળ યાજકની પાસે લાવે.’ ખરું કે, ઠરાવેલી રીત પ્રમાણે જ અર્પણ કરવાનું હતું. છતાં, એ વિશેના યહોવાના નિયમ પરથી તેમનો પ્રેમ અને વાજબીપણું જોઈ શકાય છે. એવું શાને આધારે કહી શકીએ? ચાલો એ વિશે માતાએ આપવાના અર્પણનો જ દાખલો લઈએ. અર્પણ આપવા તેને જો ઘેટું ન પોસાય, તો બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાંનું અર્પણ તે આપી શકતી હતી. (લેવી. ૧૨:૮) ભલેને તેનું અર્પણ નાનું કેમ ન હોય, યહોવાને મન તો એ મોટા અર્પણ જેટલું જ કીમતી હતું. એના પરથી આપણને ઘણું શીખવા મળે છે.

૧૨ પ્રેરિત પાઊલે ઈશ્વરભક્તોને “સ્તુતિરૂપ યજ્ઞ” ચઢાવવાની અરજ કરી. (હિબ્રૂ ૧૩: ૧૫) યહોવાનું નામ જ્યારે આપણે લોકોને જણાવીએ છીએ ત્યારે જાણે સ્તુતિનું અર્પણ ચઢાવીએ છીએ. સાંભળી ન શકે એવાં ભાઈ-બહેનો તેઓની  ઇશારાની ભાષામાં ઈશ્વરની સ્તુતિ કરે છે. હરીફરી ન શકે એવાં ભાઈ-બહેનો પત્રો કે ટેલીફોન દ્વારા અથવા મળવા આવેલી વ્યક્તિઓને ખુશખબર જણાવીને યહોવાની સ્તુતિ કરે છે. સમજી શકાય કે, આપણી તંદુરસ્તી અને ક્ષમતા પ્રમાણે જ યહોવાની સ્તુતિ કરી શકીએ છીએ. છતાં, આપણે હંમેશાં તેમને સૌથી સારું આપવા બનતું બધું કરવું જોઈએ.—રોમ. ૧૨:૧; ૨ તીમો. ૨:૧૫.

૧૩. આપણે સાક્ષીકાર્યમાં વિતાવેલા સમયનો રિપોર્ટ શા માટે આપવો જોઈએ?

૧૩ યહોવાને પ્રેમ કરતા હોવાથી આપણે તેમને રાજીખુશીથી સ્તુતિનાં અર્પણો ચઢાવીએ છીએ. (માથ. ૨૨:૩૭, ૩૮) પરંતુ, પ્રચારકાર્યનો રિપોર્ટ દરમહિને ભરવા વિશે આપણું વલણ કેવું હોવું જોઈએ? આપણે ખુશીથી રિપોર્ટ આપવો જોઈએ, કેમ કે એનાથી યહોવા પ્રત્યે ભક્તિભાવ બતાવવાની તક મળે છે. (૨ પીત. ૧:૭) જોકે, એનો અર્થ એમ નથી કે રિપોર્ટમાં ઘણા કલાકો દેખાડવા માટે વ્યક્તિ સાક્ષીકાર્યમાં હદ ઉપરાંત સમય વિતાવે. હકીકત એ છે કે, જો વ્યક્તિનું શરીર સાથ ન આપે, તો ૧૫ મિનિટના સાક્ષીકાર્યનો રિપોર્ટ પણ તે આપી શકે. યહોવા, એ ભાઈ કે બહેનથી જરૂર ખુશ થશે કારણ કે તેમણે બનતું બધું કર્યું છે. યહોવા જાણે છે કે એ વ્યક્તિ તેમને પ્રેમ કરે છે અને સાક્ષી હોવાને એક લહાવો ગણે છે. એ વ્યક્તિના સાક્ષીકાર્યને આપણે પ્રાચીન સમયના ગરીબ ઈસ્રાએલીઓનાં અર્પણ સાથે સરખાવી શકીએ. ગરીબ ઈસ્રાએલીઓ પોતાની ક્ષમતા મુજબ યહોવાને ભેટ આપી શકતા. એવી જ રીતે, આજે બીમાર ભાઈ-બહેનો તેઓથી બને તેટલા સમયનો રિપોર્ટ ખુશીથી આપી શકે છે. આપણા રિપોર્ટના કલાકો આખી દુનિયામાં થતા સાક્ષીકાર્યના કલાકોમાં જોડવામાં આવે છે. એના પરથી, સેવાકાર્ય વિશે યોગ્ય યોજના બનાવવામાં સંગઠનને મદદ મળે છે. એ કારણને લીધે આપણે સેવાકાર્યમાં વિતાવેલા સમયનો રિપોર્ટ આપીએ છીએ.

અભ્યાસની આપણી આદતો અને ભક્તિ

૧૪. આપણે શા માટે અભ્યાસની આદતો પર વિચાર કરવો જોઈએ?

૧૪ આપણે લેવીયના પુસ્તકમાંથી ઘણા મહત્ત્વના મુદ્દા શીખી ગયા. એ પુસ્તકને બાઇબલમાં સામેલ કરવામાં આવ્યું છે, એ માટે ચોક્કસ તમારી કદર વધી હશે. (૨ તીમો. ૩:૧૬) શું હવે તમે પવિત્ર રહેવા વિશે વધુ મક્કમ છો? યહોવા ચાહે છે કે આપણે તેમને સૌથી સારું આપીએ. એ કેટલું યોગ્ય પણ છે! હવે તમે કદાચ બાઇબલનાં બીજાં પુસ્તકોનો પણ ઊંડો અભ્યાસ કરવા ચાહશો. (નીતિવચનો ૨:૧-૫ વાંચો.) અભ્યાસની તમારી આદતો પર પ્રાર્થનાપૂર્વક વિચાર કરો. આવા સવાલો તમને મદદ કરશે: “શું હું યહોવાને મારું સૌથી સારું આપી રહ્યો છું? કે પછી ટીવી, વીડિયો ગેમ, રમત-ગમત અથવા મારો શોખ મને સત્યમાં પ્રગતિ કરતા અટકાવે છે?” એમ હોય તો, પાઊલે હિબ્રૂના પુસ્તકમાં આપેલી સલાહ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

શું તમે કુટુંબ તરીકેની ભક્તિને અને વ્યક્તિગત અભ્યાસને સૌથી વધુ મહત્ત્વ આપો છો? (ફકરો ૧૪ જુઓ)

૧૫, ૧૬. હિબ્રૂ ખ્રિસ્તીઓ સાથે પાઊલે શા માટે કડક શબ્દોમાં વાત કરી?

૧૫ હિબ્રૂ ખ્રિસ્તીઓને પાઊલે કડક શબ્દોમાં કહ્યું: “તમે સાંભળવામાં મંદ” થયા છો. (હિબ્રૂ ૫:૭, ૧૧-૧૪ વાંચો.) તેમણે એવું શા માટે કહ્યું? કારણ કે યહોવાની જેમ તે પણ તેઓને પ્રેમ કરતા હતા અને તેઓની ચિંતા કરતા હતા. હિબ્રૂ ખ્રિસ્તીઓ સત્યમાં ઘણા વખતથી હતાં. તોપણ તેઓ શાસ્ત્રની ઊંડી સમજણ મેળવવા પ્રયત્ન ન કરતા. તેઓ જાણે  ફક્ત દૂધ પર જીવન ટકાવવા માંગતા હતા. ખરું કે, બાઇબલનું પાયારૂપી શિક્ષણ મહત્ત્વનું છે. પણ સમય વીતે તેમ સત્યમાં પ્રગતિ કરવા “ભારે ખોરાક” લેવો એટલે કે બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે.

૧૬ હિબ્રૂઓ હજુય બીજાઓને શીખવવા તૈયાર થયા ન હતા. અરે, તેઓને જ કોઈ શીખવે એવી જરૂર હતી. એવું કેમ થયું? કેમ કે, તેઓએ “ભારે ખોરાક” લીધો નહિ. તમે પણ આનો વિચાર કરી શકો: “બાઇબલનું ઊંડું શિક્ષણ લેવા વિશે મને કેવું લાગે છે? શું હું ઊંડું શિક્ષણ લેવા આતુર છું? કે પછી, હું ઊંડો અભ્યાસ અને પ્રાર્થના કરવાનું ટાળું છું? જો એમ હોય તો, અભ્યાસ કરવાની મારી રીતમાં ક્યાં ખામી છે?” આપણે લોકોને ખુશખબર જણાવવાની સાથે સાથે, તેઓને શીખવવાનું છે અને શિષ્યો બનાવવાના છે.—માથ. ૨૮:૧૯, ૨૦.

૧૭, ૧૮. (ક) આપણે શા માટે નિયમિત રીતે “ભારે ખોરાક” લેતા રહેવો જોઈએ? (ખ) સભામાં જતાં પહેલાં દારૂવાળું કોઈ પીણું પીવા વિશે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૭ બાઇબલનો અભ્યાસ કરવા વિશે યહોવા આપણને કોઈ બળજબરી કરતા નથી. કદાચ, બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો આપણને અઘરો લાગી શકે. તોપણ આપણે “ભારે ખોરાક” લેતા રહેવું જોઈએ. પછી ભલે આપણે સત્યમાં નવા હોઈએ કે વર્ષોથી હોઈએ. પવિત્ર રહેવું હોય તો બાઇબલનો સારો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે.

૧૮ પવિત્ર રહેવા આપણે ઈશ્વરનાં વચનો ધ્યાનથી તપાસવાં જોઈએ અને ઈશ્વરના કહ્યાં મુજબ કરવું જોઈએ. વિચાર કરો કે, હારૂનના દીકરા નાદાબ અને અબીહૂ શા માટે માર્યા ગયા. ‘યહોવાએ જે વિશે તેઓને આજ્ઞા કરી ન હતી, એવો અગ્નિ’ ચઢાવવાના કારણે. કદાચ, એ સમયે તેઓ નશામાં હતા. (લેવી. ૧૦:૧, ૨) એમ શાને આધારે કહી શકાય? ધ્યાન આપો કે તેઓનો નાશ થયા પછી યહોવાએ હારૂનને શું કહ્યું. (લેવીય ૧૦:૮-૧૧ વાંચો.) શું એ અહેવાલ એમ કહેવા માંગે છે કે સભામાં જતાં પહેલાં દારૂવાળું કોઈ પણ પીણું ન પીવાય? જરા આનો વિચાર કરો: આપણે મુસા દ્વારા અપાયેલા નિયમને બંધાયેલા નથી. (રોમ. ૧૦:૪) ઉપરાંત, અમુક દેશોમાં જમતી વખતે એવાં પીણાં પીવાનો રિવાજ છે. ત્યાંના ભાઈ-બહેનો સભામાં જતાં પહેલા વાજબી માત્રામાં એવાં પીણાં પીવે છે. હવે ઈસુના સમયનો વિચાર કરો. પાસ્ખાપર્વના ભોજન વખતે ત્યાં દ્રાક્ષદારૂના ચાર પ્યાલા હતા. પ્રભુના સાંજના ભોજનની શરૂઆત કરવા તેમણે પોતાના લોહીને રજૂ કરતો એ દ્રાક્ષદારૂ શિષ્યોને પીવા આપ્યો હતો. (માથ. ૨૬:૨૭) બાઇબલ પ્રમાણે તો, અતિશય દારૂ પીવો અથવા એની લતમાં પડવું એકદમ ખરાબ છે. (૧ કોરીં. ૬:૧૦; ૧ તીમો. ૩:૮) જેઓનું મન ડંખે તેઓ યહોવાની ભક્તિમાં ભાગ લેતા પહેલાં દારૂ પીવાનું ટાળે છે. જોકે, દરેક દેશના કાયદા અને રિવાજ જુદા હોય છે. તેથી, મહત્ત્વનું છે કે ઈશ્વરભક્તો “શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ” પારખે, જેથી પવિત્ર રહી શકે અને યહોવાને ખુશ કરી શકે.

૧૯. (ક) કુટુંબ તરીકેની ભક્તિ અને વ્યક્તિગત અભ્યાસને વધુ સારાં બનાવવાં શું કરવું જોઈએ? (ખ) તમે કઈ રીતે બતાવશો કે પવિત્ર રહેવાનો તમે મક્કમ નિર્ણય કર્યો છે?

૧૯ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી આપણને કીમતી રત્નો જેવાં બીજાં ઘણાં સિદ્ધાંતો જડી શકે છે. કુટુંબ તરીકેની ભક્તિને અને તમારા વ્યક્તિગત અભ્યાસને તમે વધુ સારાં બનાવી શકો છો. એમ કરવા આપણા સંગઠને પૂરી પાડેલી સંશોધન સામગ્રીનો ઉપયોગ કરી શકો. યહોવાને સારી રીતે ઓળખો અને તેમના હેતુઓ વિશે વધુ જાણો. તેમની સાથેનો સંબંધ મજબૂત કરો. (યાકૂ. ૪:૮) એક ઈશ્વરભક્તે પ્રાર્થના કરી તેમ તમે પણ યહોવાને કહો: ‘તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોને સમજવા મારી આંખો ઉઘાડો.’ (ગીત. ૧૧૯:૧૮) બાઇબલના નિયમો અને સિદ્ધાંતો સાથે કદી કોઈ તડજોડ કરીએ નહિ. “પવિત્ર” યહોવાનું કહેવું રાજીખુશીથી માનીએ. “ઈશ્વરની સુવાર્તા”ના પવિત્ર કામમાં ઉત્સાહથી ભાગ લઈએ. (૧ પીત. ૧:૧૫; રોમ. ૧૫:૧૫, ૧૬) આ છેલ્લા દિવસોમાં આપણને પવિત્ર રહેવાની ખાસ જરૂર છે. ચાલો, આપણાં વાણી-વર્તન પવિત્ર રાખીએ અને હંમેશાં યહોવાને જ આપણા માલિક ગણીએ.