સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“જેઓનો ઈશ્વર યહોવા છે”

“જેઓનો ઈશ્વર યહોવા છે”

“જેઓનો ઈશ્વર યહોવા છે તેઓને ધન્ય છે.”ગીત. ૧૪૪:૧૫.

૧. ઈશ્વરની ભક્તિ કરતા લોકો વિશે અમુકનું શું માનવું છે?

આજના સમયમાં, ઘણા લોકોનું કહેવું છે કે દુનિયાના મોટા મોટા ધર્મો પણ મનુષ્યોની તકલીફો દૂર કરી શકતા નથી. અમુક માને છે કે ઈશ્વર એવા ધર્મોનો સ્વીકાર કરતા નથી, જે ખરાબ કામો કરે અને ઈશ્વર વિશે સત્ય ન શીખવે. તેઓનું એમ પણ માનવું છે કે કોઈ પણ ધર્મની સારી વ્યક્તિને ઈશ્વર ચોક્કસ સ્વીકારે છે. પરંતુ, શું એમ માનવું યોગ્ય છે? કે પછી, ઈશ્વર એવું ઇચ્છે છે કે, તેમની ભક્તિ કરતા લોકોએ જૂઠા ધર્મોથી અલગ થવું જોઈએ? ચાલો, જવાબ મેળવવા ઈશ્વરભક્તોનો ઇતિહાસ તપાસીએ.

ઈશ્વરે પોતાના લોકો સાથે કરાર કર્યો

૨. યહોવાએ કોને પોતાના લોકો બનાવ્યા? (શરૂઆતનું ચિત્ર જુઓ.) તેઓએ યહોવા સાથે ખાસ સંબંધમાં આવવા શું કરવાનું હતું?

લગભગ ૪,૦૦૦ વર્ષ પહેલાં યહોવાએ અમુકને પોતાના ખાસ લોકો તરીકે પસંદ કર્યા. બાઇબલમાં ઈબ્રાહીમને ‘વિશ્વાસીઓના પૂર્વજ’ કહેવામાં આવ્યા છે. તે એક મોટા કુટુંબના આગેવાન હતા જેમાં ઘણા સેવકો પણ હતા. (રોમ. ૪:૧૧; ઉત. ૧૪:૧૪) કનાનમાં લોકો તેમને  ‘મોટા સરદાર’ તરીકે માન આપતા. (ઉત. ૨૧:૨૨; ૨૩:૬) યહોવાએ ઈબ્રાહીમ અને તેમના વંશજો સાથે એક કરાર કર્યો હતો. (ઉત. ૧૭:૧, ૨, ૧૯) યહોવાએ ઈબ્રાહીમને કહ્યું, ‘મારી અને તારી વચ્ચે, તેમ જ તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંના દરેક પુરુષની સુન્નત કરવી જોઈએ. એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.’ (ઉત. ૧૭:૧૦, ૧૧) તેથી, ઈબ્રાહીમ અને તેમના કુટુંબના દરેક પુરુષની સુન્નત થઈ. (ઉત. ૧૭:૨૪-૨૭) સુન્નત દ્વારા ઈબ્રાહીમના વંશજો, યહોવા સાથે એક ખાસ સંબંધમાં આવ્યા.

૩. ઈબ્રાહીમના વંશજો કઈ રીતે એક “સમુદાય” બન્યા?

ઈબ્રાહીમના પૌત્ર યાકૂબ, જે ઈસ્રાએલ નામથી પણ ઓળખાતા, તેમને ૧૨ દીકરા હતા. (ઉત. ૩૫:૧૦, ૨૩-૨૬) વખત વીત્યો તેમ, એ દીકરા ઈસ્રાએલના ૧૨ કુળોના પૂર્વજો બન્યા. (પ્રે.કૃ. ૭:૮) યાકૂબના પુત્ર યુસફને ઇજિપ્ત (મિસર) લઈ જવામાં આવ્યા હતા. સમય જતાં, યુસફને ફારૂન તરફથી મોટો અધિકાર આપવામાં આવ્યો. દુકાળ પડ્યો ત્યારે આખા ઇજિપ્તમાં અનાજના પુરવઠા સંભાળવાનું કામ યુસફને સોંપવામાં આવ્યું. એ દુકાળને લીધે યાકૂબ અને તેમનું કુટુંબ પણ ઇજિપ્તમાં આવ્યું. (ઉત. ૪૧:૩૯-૪૧; ૪૨:૬) ઇજિપ્તમાં યાકૂબનાં સંતાનો વધતાં ગયાં અને એક “સમુદાય” બન્યાં.—ઉત. ૪૮:૪; પ્રેરિતોનાં કૃત્યો ૭:૧૭ વાંચો.

યહોવા દ્વારા પોતાના લોકોનો બચાવ

૪. શરૂઆતમાં ઈસ્રાએલીઓ અને ઇજિપ્તના લોકો વચ્ચે કેવો સંબંધ હતો?

યાકૂબના વંશજો ઇજિપ્તના ગોશેન પ્રદેશમાં ૨૦૦થી વધુ વર્ષ રહ્યા. (ઉત. ૪૫:૯, ૧૦) ફારૂને ઈસ્રાએલીઓને ઇજિપ્તમાં રહેવાની મંજૂરી આપી કેમ કે તે યુસફને સારી રીતે જાણતા હતા અને માન આપતા હતા. (ઉત. ૪૭:૧-૬) આશરે ૧૦૦ વર્ષ ઈસ્રાએલીઓ શાંતિથી રહી શક્યા. ત્યાં ઈસ્રાએલીઓ નાનાં ગામોમાં રહેતાં અને ઢોર-ઢાંક ઉછેરતાં. આમ તો ઇજિપ્તના લોકો ભરવાડોને ધિક્કારતા. પરંતુ, ફારૂનની આજ્ઞાને કારણે તેઓએ ઈસ્રાએલીઓને ત્યાં રહેવા દેવા પડ્યા.—ઉત. ૪૬:૩૧-૩૪.

૫, ૬. (ક) ઇજિપ્તમાં ઈશ્વરના લોકોની પરિસ્થિતિ કઈ રીતે બદલાઈ ગઈ? (ખ) બાળક હતા ત્યારે મુસાનો કઈ રીતે બચાવ થયો અને યહોવાએ પોતાના લોકો માટે શું કર્યું?

જોકે, થોડાક સમય પછી ઇજિપ્તના લોકોએ ઈસ્રાએલીઓને ગુલામ બનાવ્યા. બાઇબલ કહે છે, ‘હવે મિસર દેશ ઉપર એક નવો રાજા થયો કે જે યુસફને ઓળખતો ન હતો. તેણે પોતાના લોકોને કહ્યું કે જુઓ, ઈસ્રાએલના વંશજો આપણા કરતાં ઘણા તથા બળવાન છે.’ તેથી, એ લોકો ઈસ્રાએલીઓ પાસે સખત મજૂરી કરાવવા લાગ્યા. તેઓ ઈંટો બનાવવાનું કામ, ખેતરનું કામ અને બીજી કાળી મજૂરી કરાવવા લાગ્યા. તેઓ ઈસ્રાએલીઓ સાથે ક્રૂર રીતે વર્તવા લાગ્યા.—નિર્ગ. ૧:૮, ૯, ૧૩, ૧૪.

નવા ફારૂને એવું ફરમાન આપ્યું કે દરેક ઈસ્રાએલી નર બાળકને જન્મતા જ મારી નાખવામાં આવે. (નિર્ગ. ૧:૧૫, ૧૬) એ સમયમાં યોખેબેદ નામની ઈસ્રાએલી સ્ત્રીએ મુસાને જન્મ આપ્યો. એ બાળક ત્રણ મહિનાનું થયું ત્યારે તેની માતાએ તેને એક ટોપલીમાં મૂક્યું. પછી એ ટોપલી નાઈલ નદી કિનારે ઝાડીઓ પાસે વહેતી મૂકી. એ બાળક ફારૂનની દીકરીને મળ્યું અને તેણે એને પોતાના દીકરા તરીકે અપનાવ્યું. તેણે એના ઉછેર માટે યોખેબેદને જ બોલાવી. સમય જતાં, મુસા યહોવાના એક વફાદાર સેવક બન્યા. (નિર્ગ. ૨:૧-૧૦; હિબ્રૂ ૧૧:૨૩-૨૫) યહોવાએ પોતાના લોકો પર થતી ક્રૂરતા જોઈ અને તેઓને ઇજિપ્તમાંથી છોડાવવા મુસાને આગેવાન તરીકે પસંદ કર્યા. (નિર્ગ. ૨:૨૪, ૨૫; ૩:૯, ૧૦) એ રીતે, યહોવાએ ઈસ્રાએલીઓને “છોડાવ્યા.”—નિર્ગ. ૧૫:૧૩; પુનર્નિયમ ૧૫:૧૫ વાંચો.

 ઈશ્વરના લોકો એક રાષ્ટ્ર બન્યા

૭, ૮. યહોવાના લોકો કઈ રીતે એક પવિત્ર દેશજાતિ બન્યા હતા?

યહોવાએ ઈસ્રાએલીઓને પોતાના લોકો તરીકે પસંદ તો કર્યા, પણ તેઓ માટે નિયમો અને યાજકોની ગોઠવણ હજુ થઈ ન હતી. તેથી, તેઓ એક રાષ્ટ્ર તરીકે હજુ વ્યવસ્થામાં આવ્યા ન હતા. એ કારણે જ, હારૂને અને મુસાએ ફારૂન પાસે જઈને આમ કહ્યું: ‘ઈસ્રાએલનો ઈશ્વર કહે છે, કે મારા લોકને અરણ્યમાં મારા માટે પર્વ પાળવા જવા દે.’—નિર્ગ. ૫:૧.

પરંતુ ફારૂન, ઈસ્રાએલીઓને જવા દેવા માંગતો ન હતો. તેથી, પોતાના લોકોને છોડાવવા યહોવા ઇજિપ્ત પર દસ આફતો લાવ્યા. છેવટે, યહોવાએ ફારૂન અને તેના સૈન્યનો લાલ સમુદ્રમાં નાશ કર્યો. (નિર્ગ. ૧૫:૧-૪) એ બનાવના આશરે ત્રણ મહિનામાં યહોવાએ ઈસ્રાએલીઓ સાથે સિનાય પર્વત પાસે કરાર કર્યો. યહોવાએ કહ્યું: “હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો.” આમ, ઈસ્રાએલીઓ “પવિત્ર દેશજાતિ” બન્યા.—નિર્ગ. ૧૯:૫, ૬.

૯, ૧૦. (ક) પુનર્નિયમ ૪:૫-૮માં સમજાવ્યા પ્રમાણે, કઈ રીતે ઈસ્રાએલીઓ બીજી પ્રજા કરતા જુદા તરી આવતા? (ખ) પોતે “ઈશ્વરની પવિત્ર પ્રજા છે” એમ બતાવવા, ઈસ્રાએલીઓએ શું કરવાનું હતું?

ઇજિપ્તમાં હતા ત્યારે યહોવાના લોકોની આગેવાની કુટુંબના શિર લેતા. તેઓ જ સરદારો, ન્યાયાધીશો અને યાજકો તરીકે સેવા આપતા. (ઉત. ૮:૨૦; ૧૮:૧૯; અયૂ. ૧:૪, ૫) પરંતુ, ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા પછી યહોવાએ ઈસ્રાએલીઓને નિયમો આપ્યા, જેથી તેઓ બીજાં રાષ્ટ્રોથી અલગ તરી આવે. (પુનર્નિયમ ૪:૫-૮ વાંચો; ગીત. ૧૪૭:૧૯, ૨૦) મુસાને અપાયેલા નિયમો પ્રમાણે આખા રાષ્ટ્ર માટે યાજકની સેવા આપવા એક સમૂહની પસંદગી થઈ. ઉપરાંત, એ નિયમો મુજબ જ્ઞાની અને સમજુ “વડીલો”ને ન્યાયાધીશો તરીકે નીમવામાં આવ્યા. (પુન. ૨૫:૭, ૮) એ નિયમોમાં ભક્તિને અને રોજબરોજના જીવનને લગતાં સૂચનો હતાં.

૧૦ ઈસ્રાએલીઓ વચનના દેશમાં પ્રવેશવાના હતા ત્યારે, યહોવાએ ફરી એકવાર એ નિયમો યાદ અપાવ્યા. મુસાએ ઈસ્રાએલને કહ્યું, ‘તને આપેલા વચન પ્રમાણે યહોવાએ આજ કબૂલ કર્યું છે કે તું તેમની ખાસ પ્રજા છે અને તેમની સર્વ આજ્ઞાઓ તારે પાળવી. જે દેશજાતિઓને તેમણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતાં તને કીર્તિમાં, માનમાં તથા સન્માનમાં વધારવાનું તેમણે કબૂલ કર્યું છે. અને તું યહોવાના કહ્યા પ્રમાણે તેમની પવિત્ર પ્રજા થશે.’—પુન. ૨૬:૧૮, ૧૯.

બીજી જાતિના લોકો પણ ભક્તિમાં જોડાઈ શકતા

૧૧-૧૩. (ક) ઈસ્રાએલીઓ સાથે ભક્તિમાં બીજા કોણ જોડાયા? (ખ) બીજી જાતિના લોકોએ યહોવાની ભક્તિમાં જોડાવવા શું કરવાની જરૂર હતી?

૧૧ ખરું કે, ઈસ્રાએલ યહોવાની પસંદ કરાએલી પ્રજા હતી. છતાં, યહોવાએ બીજી જાતિના લોકોને ઈસ્રાએલીઓ સાથે રહેવાથી રોક્યા નહિ. દાખલા તરીકે, ઈશ્વરે ઇજિપ્તની ગુલામીમાંથી જેઓને છોડાવ્યા તેઓમાં “મિશ્રિત લોકોનો જથ્થો” પણ હતો. એમાં ઇજિપ્તના વતનીઓ પણ હોય શકે. (નિર્ગ. ૧૨:૩૮) ઇજિપ્ત પર સાતમી આફત આવી ત્યારે ફારૂનના કેટલાક સેવકોએ મુસાની ચેતવણી ધ્યાનમાં લીધી હતી. તેથી, “મિશ્રિત લોકો”માં એ સેવકો પણ આવ્યા હોય શકે.—નિર્ગ. ૯:૨૦.

૧૨ કનાનમાં પ્રવેશવા ઈસ્રાએલીઓ યરદન નદી પાર કરે એ પહેલાં મુસાએ તેઓને કહ્યું કે તેઓ મધ્યે રહેનારા પરદેશી પર પ્રીતિ રાખે. (પુન. ૧૦:૧૭-૧૯) બીજી જાતિના લોકો જો ઈશ્વરના નિયમો, જેમ કે દસ આજ્ઞાઓ પાળવા તૈયાર હોય, તો તેઓ ઈસ્રાએલીઓ મધ્યે રહી શકતા હતા. (લેવી. ૨૪:૨૨) એવા અમુક લોકો યહોવાના ભક્તો બન્યા હતા. જેમ કે, રૂથ એક  મોઆબી સ્ત્રી હતી, જે યહોવાની ભક્તિ કરવા ઇચ્છતી હતી. ઈસ્રાએલી નાઓમીને તેણે કહ્યું, “તારા લોક તે મારા લોક, ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે.” (રૂથ ૧:૧૬) બીજી જાતિનું કુટુંબ જો યહુદી બનવા ઇચ્છે, તો તેઓમાંના પુરુષોએ સુન્નત કરાવવાની હતી. (નિર્ગ. ૧૨:૪૮, ૪૯) એ લોકોને પણ યહોવા પોતાની પસંદ કરાયેલી પ્રજાનો ભાગ બનાવવા ખુશ હતા.—ગણ. ૧૫:૧૪, ૧૫.

પોતાની મધ્યે રહેનારા વિદેશીઓ પર ઈસ્રાએલીઓ પ્રેમ રાખતા (ફકરા ૧૧-૧૩ જુઓ)

૧૩ સુલેમાનની એક પ્રાર્થના બતાવે છે કે બીજી જાતિના લોકોને પણ યહોવા સ્વીકારે છે. મંદિરના સમર્પણ વખતે સુલેમાને આમ પ્રાર્થના કરી: ‘પરદેશી કે જેઓ તમારા ઈસ્રાએલી લોકોમાંના ન હોય તેઓ જ્યારે તમારા મોટા નામ અને પરાક્રમી હાથ તેમ જ તમે લંબાવેલા હાથને લીધે દૂર દેશથી આવે, ને આવીને તેઓ આ મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તમારા રહેઠાણ સ્વર્ગમાંથી તે સાંભળજો. અને તે પરદેશી જે સઘળી બાબત વિશે તમને વિનંતી કરે તે પ્રમાણે તમે કરજો, જેથી પૃથ્વીના બધા લોકો તમારું નામ જાણીને તમારા ઈસ્રાએલી લોકોની જેમ તમારી બીક રાખે. અને તેઓ જાણે કે આ મંદિર જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય છે.’ (૨ કાળ. ૬:૩૨, ૩૩) ઈસુના સમયમાં પણ બીજી જાતિના લોકો, ઈશ્વરે પસંદ કરેલા લોકો સાથે મળીને યહોવાની ભક્તિ કરી શકતા હતા.—યોહા. ૧૨:૨૦; પ્રે.કૃ. ૮:૨૭.

સાક્ષીઓનું રાષ્ટ્ર

૧૪-૧૬. (ક) ઈસ્રાએલીઓ કયા અર્થમાં યહોવાના સાક્ષીઓ હતા? (ખ) આજે પણ યહોવા પોતાના લોકો પાસે કઈ આશા રાખે છે?

૧૪ ઈસ્રાએલીઓ યહોવાની ભક્તિ કરતા. જ્યારે કે, બીજાં રાષ્ટ્રો પોતપોતાના દેવોની ભક્તિ કરતા. તેથી, આ એક મહત્ત્વનો સવાલ ઊભો થયો: “સાચો ઈશ્વર કોણ છે?” યશાયાના સમયમાં યહોવાએ એ સવાલનો જવાબ આપવાનો નિર્ણય કર્યો. યહોવાએ કહ્યું કે જેમ એક મુકદ્દમો ચલાવીને યોગ્ય નિષ્કર્ષ કાઢવામાં આવે છે, તેમ એ સવાલનો જવાબ આપવામાં આવે. તેથી, યહોવાએ જણાવ્યું કે બીજાં રાષ્ટ્રોના દેવો પોતાને ઈશ્વર સાબિત કરવા સાક્ષીઓ રજૂ કરે. યહોવાએ કહ્યું: “તેઓ પોતાના સાક્ષી હાજર કરે કે તેઓ સાચા ઠરે; અને તેઓ સાંભળીને કહે, કે એ ખરું છે.”—યશા. ૪૩:૯.

 ૧૫ બીજાં રાષ્ટ્રોના દેવો પોતાને ઈશ્વર સાબિત ન કરી શક્યા. તેઓ તો મૂર્તિઓ હતા, જે બોલી કે ચાલી ન શકે. અરે, તેઓને બીજી જગ્યાએ જવા માણસોના સહારાની જરૂર પડતી. (યશા. ૪૬:૫-૭) જ્યારે કે, યહોવાએ પોતાના લોકોને કહ્યું: ‘તમે મારા સાક્ષી છો અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો અને સમજો કે હું તે છું. મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી અને મારા પછી કોઈ થવાનો નથી. હું, હું જ યહોવા છું. મારા વિના બીજો કોઈ તારણહાર નથી. તમે મારા સાક્ષી છો, હું જ ઈશ્વર છું.’—યશા. ૪૩:૧૦-૧૨.

૧૬ અદાલતમાં હાજર સાક્ષીઓ સત્યના પક્ષમાં સાક્ષી આપે છે. એવી જ રીતે, યહોવાના લોકોને સાચા ઈશ્વર વિશે સત્ય જણાવવાનો અનેરો લહાવો હતો. ઈશ્વરે તેઓ વિશે આમ કહ્યું: “મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.” (યશા. ૪૩:૨૧) ઈસ્રાએલીઓ યહોવાના લોકો તરીકે ઓળખાતા હતા. યહોવાએ તેઓને ઇજિપ્તમાંથી છોડાવ્યા હતા. તેથી, તે ઇચ્છતા હતા કે ઈસ્રાએલીઓ દિલથી તેમની આજ્ઞા પાળે અને તેમને સર્વોપરી ઈશ્વર તરીકે મહિમા આપે. યહોવા આજે પણ પોતાના લોકો પાસેથી એવી જ આશા રાખે છે. યહોવાના લોકોએ કેવું વલણ બતાવવું જોઈએ, એ વિશે મીખાહ પ્રબોધકે આમ લખ્યું: “સર્વ પ્રજાઓ પોતપોતાના ઈશ્વરના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે અને અમે સદાસર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.”—મીખા. ૪:૫.

એક બંડખોર પ્રજા

૧૭. યહોવાએ શા માટે ઈસ્રાએલીઓને એક નકામા દ્રાક્ષવેલા જેવા ગણ્યા?

૧૭ દુઃખની વાત છે કે ઈસ્રાએલીઓ યહોવાને વફાદાર ન રહ્યા. તેઓ બીજાં રાષ્ટ્રોની જેમ પથ્થર અને લાકડામાંથી બનેલી મૂર્તિઓને ભજવા લાગ્યા. અરે, તેઓએ જૂઠી ઉપાસના માટે વેદીઓ પણ બનાવી! એ પછી, લગભગ ઈસવીસન પૂર્વે ૮૦૦માં, પ્રબોધક હોશીઆએ ઈસ્રાએલીઓને એવા દ્રાક્ષવેલા સાથે સરખાવ્યા જેને સારાં ફળ આવવાનાં બંધ થયાં. તેમણે કહ્યું: ‘તેઓનું હૃદય ઢોંગી છે, હવે તેઓ દોષિત ઠરશે.’ (હોશી. ૧૦:૧, ૨) એ પછી, લગભગ ૧૫૦ વર્ષ બાદ, યિર્મેયાએ પણ તેઓને દ્રાક્ષવેલા સાથે સરખાવ્યાં. તેમણે કહ્યું કે એ દ્રાક્ષવેલો પહેલાં ઉત્તમ હતો પણ પછી નકામો બની ગયો. યિર્મેયા દ્વારા યહોવાએ બિનવફાદાર પ્રજાને કહ્યું: ‘તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ તારા સંકટમાં જો તને બચાવી શકે તો ભલે તેઓ ઊઠે.’ પછી, યહોવાએ પોતાના લોકો વિશે કહ્યું, ‘મારા લોકો મને વીસરી ગયા છે.’—યિર્મે. ૨:૨૧, ૨૮, ૩૨.

૧૮, ૧૯. (ક) યહોવાએ કઈ રીતે જાહેર કર્યું કે તે પોતાના લોકો તરીકે એક નવી પ્રજાની પસંદગી કરશે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૮ સાચી ભક્તિ કરવાને બદલે ઈસ્રાએલીઓ ખોટાં કામ કરીને ખરાબ ફળો આપવાં લાગ્યાં. યહોવાના સાક્ષી બની રહેવાની જગ્યાએ તેઓ મૂર્તિપૂજકો બન્યા. એ કારણે ઈસુએ ઢોંગી યહુદી આગેવાનોને કહ્યું હતું, “ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.” (માથ. ૨૧:૪૩) હવે, યહોવા જેઓને પસંદ કરે ફક્ત તેઓ જ નવી “પ્રજા”નો ભાગ બનવાના હતા. યહોવા તેઓ જોડે એક “નવો કરાર” કરવાના હતા. યહોવાએ તેઓ વિશે કહ્યું, “હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોક થશે.”—યિર્મે. ૩૧:૩૧-૩૩.

૧૯ ઈસ્રાએલીઓ વફાદાર ન રહ્યા ત્યારે યહોવાએ પ્રથમ સદીમાં પોતાની પ્રજા તરીકે અમુક લોકોને પસંદ કર્યા, જેઓ “સ્વર્ગીય ઈસ્રાએલ” કહેવાયા. હવે સવાલ થાય કે, આજે કયા લોકો યહોવાના છે? ઈશ્વરની ભક્તિ કરવા માંગતા લોકો કઈ રીતે સાચા ભક્તોને પારખી શકે? એ સવાલોની ચર્ચા આવતા લેખમાં કરીશું.