સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હવે, તમે ઈશ્વરની પ્રજા છો’

‘હવે, તમે ઈશ્વરની પ્રજા છો’

“તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ તમે ઈશ્વરની પ્રજા છો.”૧ પીત. ૨:૧૦.

૧, ૨. પેન્તેકોસ્ત ૩૩ના દિવસે શું બન્યું? યહોવાના નવા રાષ્ટ્રના સભ્યો કોણ બન્યા? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

સાલ ૩૩ પેન્તેકોસ્તના દિવસે, યહોવાના લોકોના ઇતિહાસમાં એક ખાસ પ્રસંગ બન્યો. યહોવાએ એક નવું રાષ્ટ્ર બનાવ્યું, જે “ઈશ્વરના ઈસ્રાએલ” અથવા સ્વર્ગમાંના ઈસ્રાએલ તરીકે ઓળખાયું. (ગલા. ૬:૧૬) એ નવા રાષ્ટ્રના બધા સભ્યોને ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ દ્વારા પસંદ કર્યા છે. નવા રાષ્ટ્રના સભ્યો વિશે પાઊલે જણાવ્યું કે તેઓને ઈબ્રાહીમના વંશજોની જેમ સુન્નત કરાવવાની જરૂર નથી. કારણ કે, પવિત્ર શક્તિ દ્વારા હવે તેઓના “હૃદયની સુન્નત” થાય છે.—રોમ. ૨:૨૯, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

ઈશ્વરના નવા રાષ્ટ્રના સૌથી પહેલા સભ્યો કોણ બન્યા? પ્રેરિતો અને આશરે ૧૦૦ બીજા શિષ્યો, જેઓ પેન્તેકોસ્તના દિવસે યરૂશાલેમમાં એક ઓરડીમાં ભેગા થયા હતા. (પ્રે.કૃ. ૧:૧૨-૧૫) તેઓને યહોવાએ પોતાની પવિત્ર શક્તિથી અભિષિક્ત કરીને પોતાના દીકરાઓ બનાવ્યા. (રોમ. ૮:૧૫, ૧૬; ૨ કોરીં. ૧:૨૧) એનાથી સાબિતી મળી કે નવો કરાર અમલમાં આવ્યો છે અને યહોવાએ ઈસુના બલિદાનની કિંમત સ્વીકારી છે. (લુક ૨૨:૨૦; હિબ્રૂ ૯:૧૫ વાંચો.) અભિષિક્ત થયેલા શિષ્યો યહોવાના નવા રાષ્ટ્રના સભ્યો બન્યા. પવિત્ર શક્તિની મદદથી તેઓ ઘણી ભાષાઓ  બોલી અને સમજી શક્યા. ઉપરાંત, “ઈશ્વરનાં મોટાં કામો વિશે” લોકોને શીખવી શક્યા.—પ્રે.કૃ. ૨:૧-૧૧.

ઈશ્વરના નવા રાષ્ટ્રના લોકો

૩-૫. (ક) પેન્તેકોસ્તના દિવસે પીતરે યહુદીઓને શું કહ્યું? (ખ) નવું બનેલું રાષ્ટ્ર કઈ રીતે વધતું ગયું?

યહોવાએ પ્રેરિત પીતરનો એક ખાસ રીતે ઉપયોગ કર્યો. પીતરે યહુદીઓ અને યહુદી બનેલાઓને એ નવા રાષ્ટ્રનો ભાગ બનવાનું આમંત્રણ આપ્યું. એટલે કે, ખ્રિસ્તી મંડળના સભ્ય બનવાનું આમંત્રણ આપ્યું. પેન્તેકોસ્તના દિવસે પીતરે યહુદીઓના ટોળાને હિંમતથી જણાવ્યું કે ઈસુના ખૂનનો દોષ તેઓને માથે છે અને હવે તેઓએ ઈસુને “પ્રભુ તથા ખ્રિસ્ત” તરીકે સ્વીકારવાની જરૂર છે. ટોળાએ જ્યારે પૂછ્યું કે તેઓ એમ કઈ રીતે કરી શકે ત્યારે પીતરે કહ્યું: ‘પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામે, જેથી તમારાં પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર શક્તિનું દાન મળે.’ (પ્રે.કૃ. ૨:૨૨, ૨૩, ૩૬-૩૮) એ દિવસે લગભગ ૩,૦૦૦ લોકો ઈશ્વરના નવા રાષ્ટ્રનો ભાગ બન્યા. (પ્રે.કૃ. ૨:૪૧) એ પછી, પ્રેરિતો ઉત્સાહથી પ્રચાર કરતા ગયા અને બીજા ઘણાએ સત્ય સ્વીકાર્યું. (પ્રે.કૃ. ૬:૭) આમ, નવા રાષ્ટ્રના સભ્યોમાં વધારો થઈ રહ્યો હતો.

હવે, ઈસુના શિષ્યો સમરૂનીઓને પણ ખુશખબર જણાવવા લાગ્યા. તેઓમાંના ઘણાએ સત્ય સ્વીકાર્યું અને બાપ્તિસ્મા લીધું, પણ હજુ તેઓ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા ન હતા. યરૂશાલેમથી નિયામક જૂથના ભાઈઓએ, એ સમરૂનીઓની મુલાકાત લેવા પીતર અને યોહાનને મોકલ્યા. બંને પ્રેરિતોએ સમરૂનીઓ પર હાથ મૂક્યા ‘એટલે તેઓ પવિત્ર શક્તિ પામ્યા.’ (પ્રે.કૃ. ૮:૫, ૬, ૧૪-૧૭) એ રીતે સમરૂની ભાઈ-બહેનો પણ અભિષિક્ત થયાં અને સ્વર્ગમાંના ઈસ્રાએલના સભ્યો બન્યાં.

પીતરે કર્નેલ્યસ અને તેમના ઘરના લોકોને ખુશખબર જણાવી (ફકરો ૫ જુઓ)

સાલ ૩૬માં પીતર દ્વારા યહોવાએ નવા રાષ્ટ્રનું આમંત્રણ હજી વધારે લોકો સુધી પહોંચાડ્યું. પીતરે રોમન અધિકારી કર્નેલ્યસ, તેમનાં સગાઓ અને મિત્રોને ખુશખબર જણાવી. (પ્રે.કૃ. ૧૦:૨૨, ૨૪, ૩૪, ૩૫) બાઇબલ જણાવે છે: ‘પીતર બોલી રહ્યા હતા એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ બધાં ઉપર પવિત્ર શક્તિ રેડવામાં આવી. ત્યારે વિદેશીઓ ઉપર પણ પવિત્ર શક્તિનું દાન રેડાયું છે એ જોઈને પીતર સાથે આવેલા યહુદી વિશ્વાસીઓ નવાઈ પામ્યા.’ (પ્રે.કૃ. ૧૦:૪૪, ૪૫) ત્યાર બાદ, સુન્નત ન થયેલા બિનયહુદીઓને પણ ઈશ્વરના નવા રાષ્ટ્રનો ભાગ બનવાનું આમંત્રણ મળ્યું.

“પોતાના નામની ખાતર એક પ્રજા”

૬, ૭. નવા રાષ્ટ્રના સભ્યોએ શું કરવાનું હતું?

સાલ ૪૯માં નિયામક જૂથની એક સભા ભરાઈ હતી. એ સમયે શિષ્ય યાકૂબે કહ્યું, “પહેલાં ઈશ્વરે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સીમોને [પીતરે] કહી સંભળાવ્યું છે.” (પ્રે.કૃ. ૧૫:૧૪) યહોવાએ “પોતાના નામની ખાતર એક પ્રજા” પસંદ કરીને જે રાષ્ટ્ર બનાવ્યું, એમાં યહુદી અને બિનયહુદી  ખ્રિસ્તીઓ હતા. (રોમ. ૧૧:૨૫, ૨૬ક) ત્યાર બાદ પીતરે લખ્યું, “તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ તમે ઈશ્વરની પ્રજા છો.” એ નવું રાષ્ટ્ર બનાવવાનો હેતુ સમજાવતા પીતરે કહ્યું: “તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો.” (૧ પીત. ૨:૯, ૧૦) નવા રાષ્ટ્રના સભ્યોએ યહોવા વિશે હિંમતથી સાક્ષી આપવાની હતી. તેમ જ, યહોવાને જ રાજ કરવાનો હક્ક છે એમ બીજા લોકોમાં જાહેર કરવાનું હતું.

યહોવા હવે નવા રાષ્ટ્રનો ઉપયોગ કરી રહ્યા હતા માટે એના વિશે તેમણે કહ્યું: “મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.” (યશા. ૪૩:૨૧) નવા રાષ્ટ્રના સભ્યોએ હિંમતથી લોકોને જણાવ્યું કે યહોવા જ એકમાત્ર ખરા ઈશ્વર છે અને બીજા દેવો તો જૂઠા છે. (૧ થેસ્સા. ૧:૯, ૧૦) એ પછી તેઓ યહોવા અને ઈસુ વિશેની સાક્ષી “યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી” ફેલાવવા લાગ્યા.—પ્રે.કૃ. ૧:૮; કોલો. ૧:૨૩.

૮. પ્રથમ સદીમાં પ્રેરિત પાઊલે ઈશ્વરના લોકોને કઈ ચેતવણી આપી?

પ્રેરિત પાઊલ હિંમતથી સાક્ષી આપતા. તેમણે જૂઠા ધર્મોના જ્ઞાનીઓ આગળ પણ યહોવાને જ સાચા ઈશ્વર જાહેર કર્યા. તેમણે સમજાવ્યું: ‘ઈશ્વરે જગત અને તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું છે. તે આકાશ અને પૃથ્વીના પ્રભુ’ છે. (પ્રે.કૃ. ૧૭:૧૮, ૨૩-૨૫) પાઊલે મંડળીઓને ચેતવ્યા: ‘હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે. તેમ જ, તમારામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.’ (પ્રે.કૃ. ૨૦:૨૯, ૩૦) પ્રથમ સદી પૂરી થઈ ત્યાં સુધીમાં તો જૂઠું શિક્ષણ ફેલાવતી ઘણી વ્યક્તિઓ ઊભી થઈ ચૂકી હતી.—૧ યોહા. ૨:૧૮, ૧૯.

૯. પ્રેરિતોના મૃત્યુ પછી ઈશ્વરના લોકોનું શું થયું?

પ્રેરિતોના મૃત્યુ પછી મંડળોમાં જૂઠું શિક્ષણ ફેલાવતી વ્યક્તિઓ વધવા લાગી અને તેઓએ ઘણાં ચર્ચ ઊભાં કર્યાં. પોતાને ખ્રિસ્તી કહેવડાવતા એ લોકો યહોવાના “નામની ખાતર એક પ્રજા” બન્યા નહિ. એના બદલે તેઓએ પોતાનાં બાઇબલ ભાષાંતરોમાંથી “યહોવા” નામ કાઢી નંખાવ્યું. તેઓએ બીજી ઘણી રીતોએ યહોવાનું અપમાન કર્યું. તેઓ જૂઠાં રીતરિવાજો પાળવાં લાગ્યાં અને એવું શિક્ષણ ફેલાવવા લાગ્યા જે બાઇબલ આધારિત ન હતું. તેઓએ ધર્મને નામે યુદ્ધો કર્યાં અને દાવો કર્યો કે તેઓ ઈશ્વર માટે લડી રહ્યા છે. તેઓએ ભ્રષ્ટ અને અશ્લીલ કામો કર્યાં. એવું સદીઓ સુધી ચાલ્યું. એ દરમિયાન પૃથ્વી પર એવા થોડા જ ભક્તો હતા જે યહોવાને વફાદાર રહ્યા. એ સમયગાળામાં યહોવાના “નામની ખાતર એક પ્રજા” કહેવાય એવો કોઈ સંગઠિત સમૂહ ન હતો.

ઈશ્વરના લોકો ફરી સંગઠિત થયા

૧૦, ૧૧. (ક) ઈસુએ “ઘઉં” અને “કડવા દાણા” વિશે શું ભાખ્યું હતું? (ખ) વર્ષ ૧૯૧૪ પછી ઈસુની એ ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી?

૧૦ ઈસુએ ઘઉં અને કડવા દાણા વિશે એક દૃષ્ટાંત આપ્યું હતું. એમાં તેમણે જણાવ્યું હતું કે, જૂઠા શિક્ષણને લીધે સાચા ધર્મને ઓળખવો ઘણો અઘરો બનશે. ઈસુએ દૃષ્ટાંતમાં કહ્યું, ‘માણસના દીકરાએ ખેતરમાં સારું બી વાવ્યું. એ પછી, “માણસો ઊંઘતા હતા તેવામાં” શેતાને આવીને એ જ ખેતરમાં કડવા દાણા વાવ્યા. એ સારા અને કડવા દાણા “આ જગતને અંતે” જુદા કરાશે, પણ ત્યાં સુધી સાથે ઊગશે.’ ઈસુએ સમજાવ્યું કે “સારું બી” એ ‘રાજ્યનાં સંતાન’ છે. જ્યારે કે કડવા દાણા ‘શેતાનનાં સંતાન’ છે. જગતના અંતના સમયમાં માણસનો દીકરો સ્વર્ગદૂતો મોકલીને ઘઉંના અને  કડવા દાણાના છોડને અલગ કરશે. ત્યાર બાદ સ્વર્ગદૂતો રાજ્યનાં સંતાનોને ભેગાં કરશે. (માથ. ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) હવે સવાલ થાય કે, તેઓને કઈ રીતે ભેગાં કરાશે? પૃથ્વી પર ઈશ્વરભક્તોને કઈ રીતે ફરી એકવાર સંગઠિત કરાશે?

૧૧ ‘આ જગતના અંત’નો સમય વર્ષ ૧૯૧૪માં શરૂ થયો. એ સમયે પૃથ્વી પર આશરે પાંચ હજાર અભિષિક્તો હતા. એ વર્ષમાં પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે અભિષિક્ત થયેલા રાજ્યનાં સંતાનો હજુ મહાન બાબેલોનની ગુલામીમાં હતા. પરંતુ, વર્ષ ૧૯૧૯માં યહોવાએ તેઓને જૂઠા ધર્મોથી આઝાદ કર્યા. ત્યાર પછી સાચા અને જૂઠા ખ્રિસ્તીઓ વચ્ચેનો ફરક સાફ દેખાઈ આવ્યો. યહોવાએ “રાજ્યના સંતાનોને” ભેગા કરીને સંગઠિત સમૂહ બનાવ્યો. યશાયાએ એ વિશે આમ ભાખ્યું હતું: “શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? શું પ્રજા એકાએક જન્મ પામે? પરંતુ સિયોનને પ્રસવવેદના થઈ કે તરત જ તેણે પોતાનાં છોકરાંને જન્મ આપ્યો.” (યશા. ૬૬:૮) આ કિસ્સામાં સિયોન, સ્વર્ગદૂતોથી બનેલા યહોવાના સંગઠનને રજૂ કરે છે. તો પછી સિયોનનું ‘જન્મ આપવું’ શાને રજૂ કરે છે? એ અભિષિક્તોનું સંગઠિત થઈને રાષ્ટ્ર બનવાને રજૂ કરે છે.

૧૨. અભિષિક્તોએ કઈ રીતે પોતાને યહોવાના “નામની ખાતર એક પ્રજા” સાબિત કરી છે?

૧૨ પ્રથમ સદીના ઈશ્વરભક્તોની જેમ આજે “રાજ્યનાં સંતાનો” યહોવા માટે સાક્ષી આપે છે. (યશાયા ૪૩:૧, ૧૦, ૧૧ વાંચો.) તેઓ “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા” રાજ્યની ખુશખબર જાહેર કરે છે. તેમ જ, તેઓ પોતાનાં સારાં વર્તનને લીધે પણ બીજા લોકોથી અલગ તરી આવે છે. (માથ. ૨૪:૧૪; ફિલિ. ૨:૧૫) સાક્ષીકાર્યથી તેઓએ લાખો લોકોને યહોવા સાથે સારો સંબંધ કેળવવા મદદ કરી છે.—દાનીયેલ ૧૨:૩ વાંચો.

“અમે તારી સાથે આવીશું”

૧૩, ૧૪. અભિષિક્ત ન હોય એવા લોકોની ભક્તિ યહોવા સ્વીકારે માટે તેઓએ શું કરવું જોઈએ? એ વિશે બાઇબલમાં શું ભાખવામાં આવ્યું હતું?

૧૩ આપણે ગયા લેખમાં જોયું કે પ્રાચીન  ઈસ્રાએલીઓ સાથે જે વિદેશીઓ ભક્તિમાં જોડાતા તેઓને યહોવા સ્વીકારતા. (૧ રાજા. ૮:૪૧-૪૩) આજે, જેઓ અભિષિક્ત નથી તેઓએ પણ અભિષિક્તો સાથે જોડાઈને યહોવાની ભક્તિ કરવી જોઈએ.

૧૪ વર્ષો અગાઉ પ્રબોધકોએ ભાખ્યું હતું કે અંતના સમયમાં ઘણા લોકો યહોવાના સેવકો સાથે ભક્તિમાં જોડાશે. યશાયાએ કહ્યું હતું: “ઘણા લોકો જઈને કહેશે, ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે ચઢી જઈએ; તે આપણને તેના માર્ગ શીખવશે, ને આપણે તેના રસ્તામાં ચાલીશું; કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરૂશાલેમમાંથી નીકળશે.” (યશા. ૨:૨, ૩) ઝખાર્યાએ ભાખ્યું હતું કે, ‘ઘણા લોકો અને બળવાન પ્રજાઓ યરૂશાલેમમાં સૈન્યોના ઈશ્વર યહોવાની શોધ કરવા તેમ જ યહોવાની કૃપા માંગવા માટે આવશે.’ એ લોકો “દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી” આવશે. તેઓ ઈશ્વરની ભક્તિ કરવા સ્વર્ગમાંના ઈસ્રાએલ સાથે જોડાશે અને કહેશે “અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”—ઝખા. ૮:૨૦-૨૩.

૧૫. “બીજા ઘેટાં”ના લોકો કયા અર્થમાં સ્વર્ગમાંના ઈસ્રાએલ ‘સાથે આવે છે’?

૧૫ “બીજા ઘેટાં”ના લોકો જ્યારે સ્વર્ગમાંના ઈસ્રાએલ સાથે સાક્ષીકાર્યમાં ભાગ લે છે, ત્યારે તેઓ જાણે ‘સાથે આવે છે.’ (માર્ક ૧૩:૧૦) એમ કરીને તેઓ ઈશ્વરની પ્રજાનો ભાગ બને છે. તેઓ અને અભિષિક્તો મળીને “એક ટોળું” બને છે, જેના “ઉત્તમ ઘેટાંપાળક” ઈસુ છે.—યોહાન ૧૦:૧૪-૧૬ વાંચો.

યહોવાના લોકો સાથે રહીને રક્ષણ મેળવો

૧૬. આર્માગેદન લાવતા પહેલા યહોવા શું કરશે?

૧૬ મહાન બાબેલોનનો નાશ થયા પછી, યહોવાના લોકોને ખતમ કરવાના ઇરાદાથી એક મોટો હુમલો થશે. એમાંથી બચવા આપણને યહોવાના રક્ષણની જરૂર પડશે. એ બધું કેવી રીતે બનશે? યહોવા યોગ્ય સમયે પોતાની ઇચ્છા પ્રમાણે બનાવોને વળાંક આપશે. ‘જુદી જુદી પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા’ યહોવાના લોકો પર ગોગ હુમલો કરશે. (હઝકી. ૩૮:૧૦-૧૨) પરંતુ, યહોવા પોતાના લોકોને બચાવવા તરત વચ્ચે પડશે અને ગોગ તેમ જ તેના સૈન્યની વિરુદ્ધ તે યુદ્ધ કરશે. એ યુદ્ધથી, “મોટી વિપત્તિ”નો અંતિમ ભાગ એટલે કે આર્માગેદન શરૂ થશે. (માથ. ૨૪:૨૧; હઝકી. ૩૮:૨-૪) આમ, યહોવા પોતાનું પવિત્ર નામ મહિમાવંત કરશે અને આખા વિશ્વ પર રાજ કરવાનો હક્ક તેમને જ છે એમ સાબિત કરશે. યહોવા કહે છે, ‘હું મારી મહાનતા અને પવિત્રતા જાહેર કરીશ અને હું ઘણી પ્રજાઓની દૃષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.’—હઝકી. ૩૮:૧૮-૨૩.

મોટી વિપત્તિ વખતે આપણું પોતાના મંડળ સાથે હોવું જરૂરી છે (ફકરા ૧૬-૧૮ જુઓ)

૧૭, ૧૮. (ક) ગોગ હુમલો કરે એ પહેલા યહોવા પોતાના લોકોને કયાં સૂચનો આપશે? (ખ) યહોવા પાસેથી રક્ષણ મેળવવા આપણે શું કરવું જોઈએ?

૧૭ ગોગ હુમલો કરે એ પહેલાં યહોવા પોતાના સેવકોને જાણે આમ કહેશે: “ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે માંહે રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે.” (યશા. ૨૬:૨૦) એ સમયે યહોવા આપણા રક્ષણ માટે જરૂરી માર્ગદર્શન આપશે. ત્યારે કદાચ, આપણાં મંડળો જ આપણી માટે “ઓરડી” હોય શકે.

૧૮ મોટી વિપત્તિમાંથી રક્ષણ મેળવવા આપણે બે હકીકતો સ્વીકારવી જોઈએ. પહેલી કે, યહોવાના લોકો આજે પૃથ્વી પર છે અને બીજી કે, એ લોકોને યહોવાએ મંડળોમાં સંગઠિત કર્યા છે. આપણે કાયમ યહોવાના લોકોના પક્ષમાં રહીએ અને આપણા મંડળથી ક્યારેય દૂર ન થઈએ. એક ઈશ્વરભક્તે કહ્યું તેમ આપણે પણ પૂરા ભરોસાથી કહીએ, ‘યહોવાની પાસે તારણ છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ છે.’—ગીત. ૩:૮.