સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

 આપણો ઇતિહાસ

જાપાનમાં ફેલાયો સત્યનો પ્રકાશ

જાપાનમાં ફેલાયો સત્યનો પ્રકાશ

ટોકિયોમાં જાહેર પ્રવચન વિશેની આમંત્રણ પત્રિકાઓનો ઉપયોગ થયો હતો અને એ બે હવાઇ જહાજમાંથી ઓસાકા શહેર પર વરસાવવામાં આવી

જાપાનમાં જન્મેલા એક ભાઈ પ્રવાસી નિરીક્ષક તરીકે અમેરિકામાં સેવા આપતા હતા. સપ્ટેમ્બર ૬, ૧૯૨૬માં તે મિશનરી તરીકે જાપાન પહોંચ્યા. ત્યાં તેમના આવકાર માટે એક વ્યક્તિ રાહ જોઈ રહી હતી. આખા જાપાનમાં, ધ વૉચ ટાવરના સાહિત્ય માટે લવાજમ ભરતી ફક્ત એ જ વ્યક્તિ હતી. એ વ્યક્તિએ કોબે શહેરમાં બાઇબલ અભ્યાસ કરતા એક સમૂહની શરૂઆત કરી હતી. એ શહેરમાં, જાન્યુઆરી ૨, ૧૯૨૭માં બાઇબલ વિદ્યાર્થીઓનું પહેલું સંમેલન યોજાયું હતું. એમાં ૩૬ લોકોએ હાજરી આપી હતી અને ૮ વ્યક્તિઓએ બાપ્તિસ્મા લીધું. એ એક સારી શરૂઆત હતી. પરંતુ, એ નાનકડો સમૂહ જાપાનના ૬ કરોડ લોકો પર સત્યનો પ્રકાશ કઈ રીતે ફેલાવવાનો હતો?

મે ૧૯૨૭માં એ ઉત્સાહી બાઇબલ વિદ્યાર્થીઓએ બાઇબલ પ્રવચનોની શૃંખલાની જાહેરાત કરવા એક ઝૂંબેશ શરૂ કરી. પહેલું પ્રવચન ઓસાકા શહેરમાં થવાનું હતું. ભાઈઓએ આખા શહેરમાં રસ્તાઓની કોરે અને બીજી જગ્યાઓએ એના વિશે નાનાં-મોટાં બોર્ડ લગાડ્યાં. તેઓએ ત્યાંની ૩,૦૦૦ પ્રખ્યાત વ્યક્તિઓને આમંત્રણ પત્રો મોકલ્યા. તેઓએ ૧ લાખ ૫૦ હજાર જેટલી પત્રિકાઓ વહેંચી. ઉપરાંત, ઓસાકાના મુખ્ય છાપાઓમાં પણ એની જાહેરાત આપી. તેમ જ, ટ્રેનની ૪ લાખ ટિકિટો પર પણ એ જાહેરાત છપાવી. પ્રવચનના દિવસે તેઓએ બે હવાઇ જહાજમાંથી ૧ લાખ પત્રિકાઓ શહેર પર વરસાવી. પરિણામે, લગભગ ૨,૩૦૦ લોકોએ ઓસાકા અસાહી નામના હૉલમાં એ પ્રવચન સાંભળ્યું, જેનો વિષય હતો: “ઈશ્વરનું રાજ્ય હાથવેંતમાં છે.” અરે, જગ્યા ન હોવાને કારણે લગભગ એક હજાર લોકોને પાછા જવું પડ્યું. પ્રવચન પછી, સવાલ-જવાબની ચર્ચા માટે ગોઠવણ કરવામાં આવી હતી, જેમાં વધુ જાણવા માટે આશરે ૬૦૦ લોકો રોકાયા. પછીના મહિનાઓમાં ક્યોટો અને પશ્ચિમી જાપાનના બીજાં શહેરોમાં બાઇબલ આધારિત જાહેર પ્રવચનો આપવામાં આવ્યાં.

ઑક્ટોબર ૧૯૨૭માં બાઇબલ વિદ્યાર્થીઓએ ટોકિયોમાં પ્રવચનની ગોઠવણ કરી. ફરી એક વાર, પ્રધાન મંત્રી, સંસદના સભ્યો, ધર્મગુરુઓ અને સેનાના આગેવાનોને આમંત્રણો મોકલવામાં આવ્યા. ઘણાં પોસ્ટરથી, છાપાંથી અને ૭ લાખ ૧૦ હજાર પત્રિકાઓથી પ્રવચન વિશે જાહેરાત કરવામાં આવી. જાપાનના પાટનગરમાં ત્રણ પ્રવચનો થયાં, જેની કુલ હાજરી ૪,૮૦૦ લોકોની હતી.

જોશીલાં પાયોનિયર ભાઈ-બહેનો

કાટસુઓ અને હજીનો મિયુરા

પાયોનિયર (કોલ્પોર્ચર) ભાઈ-બહેનોએ રાજ્યનો સંદેશો લોકોના ઘરે ઘરે પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. જાપાનમાં સૌથી પહેલા પાયોનિયર, બહેન માતસુઈ ઈશી હતાં. તેમણે અને તેમના પતિ જીઝોએ મળીને જાપાનનો પોણા ભાગનો વિસ્તાર આવરી લીધો હતો. જેમ કે, જાપાનના ઉત્તરમાં આવેલા સાપોરોથી લઈને સેન્ડાઈ, ટોકિયો, યોકોહામા, નાગોયા, ઓસાકા, ક્યોટો, ઓકાયામા અને ટોકુશીમા સુધીનો વિસ્તાર. બહેન ઈશીએ અને તેમનાં મોટાં બહેન સાકીકો તનાકાએ ત્યાંના ઉચ્ચ સરકારી અધિકારીઓની મુલાકાત લીધી. એમાંની એક વ્યક્તિએ બહેનો પાસેથી ધ હાર્પ ઑફ ગોડ અને ડેલિવેરેન્સ નામનાં પુસ્તકો મંગાવ્યાં. તેમણે કેદખાનાના પુસ્તકાલયમાં મૂકવા બંને પુસ્તકની ૩૦૦ પ્રતો મંગાવી હતી.

કાટસુઓ અને હજીનો મિયુરાએ પણ બહેન ઈશી પાસેથી પુસ્તકો લીધાં અને તેઓ તરત સત્યને પારખી શક્યાં. વર્ષ ૧૯૩૧માં  બાપ્તિસ્મા લીધા પછી તેઓ પાયોનિયર બન્યાં. વર્ષ ૧૯૩૦ પહેલાં, હારુચી અને તાને યામાડા તેમ જ તેઓના કુટુંબના ઘણા સભ્યોએ રાજ્યનો સંદેશો સ્વીકાર્યો. હારુચીના કુટુંબે પાયોનિયર સેવા શરૂ કરી. તેમની દીકરી યુકીકો, બેથેલમાં સેવા આપવા ટોકિયો ગઈ.

“યેહૂ” નામની ગાડીઓ

મોટી “યેહૂ”માં ૬ જણ રહી શકતા

એ સમયે કાર કે એના જેવું વાહન વસાવવું બહુ મોંઘું પડતું. ઉપરાંત, ત્યારે રસ્તાઓ પણ સારા ન હતા. તેથી, કાઝુમી મિનોયુરા અને બીજા યુવાન પાયોનિયર ભાઈ-બહેનો પૈડાંવાળા ઘર, “યેહૂ”નો ઉપયોગ કરતા. એ ગાડીનું નામ પ્રાચીન ઈસ્રાએલના ઈશ્વરભક્ત “યેહૂ” પરથી રાખવામાં આવ્યું. જે એક જોશીલા રથ ચાલક હતા અને પછીથી રાજા બન્યા હતા. (૨ રાજા. ૧૦:૧૫, ૧૬) “યેહૂ” ગાડી બે પ્રકારની હતી. એમાંથી મોટી ગાડીનું માપ ૭.૨ ફૂટ લાંબું, ૬.૨ ફૂટ પહોળું અને ૬.૨ ફૂટ ઊંચું થતું. એમાં લગભગ ૬ લોકો રહી શકતા. એવી ત્રણ ગાડીઓ બનાવવામાં આવી. ઉપરાંત, શાખાએ ૧૧ નાની “યેહૂ” પણ બનાવી, જે સાઇકલથી ખેંચવામાં આવતી અને બે જણ એમાં રહી શકતા. કિચી ઈવાસાકીએ એવી “યેહૂ” બનાવવામાં મદદ કરી હતી. તે જણાવે છે, ‘દરેક “યેહૂ”માં એક તંબૂ રાખતા અને કારની બેટરી પણ રાખતા, જેથી પ્રકાશ માટે વીજળી મળી રહે.’ પાયોનિયર ભાઈ-બહેનો આખા જાપાનમાં સત્યનો પ્રકાશ ફેલાવી રહ્યાં હતાં. એ ભલે, જાપાનના ઉત્તરમાં આવેલું હોક્કોઈડો હોય કે પછી દક્ષિણમાં આવેલું ક્યૂશૂ. સંદેશો ફેલાવવાં એ ભાઈ-બહેનો “યેહૂ” ગાડીને ધક્કો મારીને અથવા ખેંચીને ઊંચી પહાડી તેમ જ ખીણોમાં આવેલા વિસ્તારોમાં લઈ જતાં.

નાની “યેહૂ”માં ૨ જણ રહી શકતા

એ સમયના પાયોનિયર ઈકુમતસુ ઓટાએ જણાવ્યું, ‘શહેરમાં પહોંચ્યા પછી, આસપાસની નદીના કિનારે કે પછી ખુલ્લા મેદાનમાં અમારી “યેહૂ”માં અમે મુકામ કરતા. સૌથી પહેલા અમે ત્યાંની પ્રખ્યાત વ્યક્તિઓ જેમ કે, મેયરને મળતા. ત્યાર બાદ, અમે ઘરે ઘર જઈને બીજા લોકોને પણ સાહિત્ય આપતા. બધા વિસ્તારો આવરી લીધા પછી અમે બીજા શહેરમાં જતાં.’

કોબે શહેરમાં થયેલું ૩૬ લોકોનું ‘નાનું દેખાતું’ સંમેલન, ભાવિમાં થનાર મોટાં કામનો એક “આરંભ” હતો. (ઝખા. ૪:૧૦) પાંચ વર્ષ પછી, ૧૯૩૨માં મળેલા અહેવાલોમાં જોવા મળ્યું કે, એ વર્ષે ૧૦૩ પાયોનિયર અને પ્રકાશકોએ ૧૪ હજાર પુસ્તકોનું વિતરણ કર્યું હતું. આજે પણ જાપાનનાં મોટાં શહેરોમાં જાહેરના સાક્ષીકાર્ય માટે બહુ સારી ગોઠવણો કરવામાં આવે છે. ત્યાંના આશરે ૨ લાખ ૨૦ હજાર પ્રકાશકો મળીને આખા જાપાનમાં સત્યનો પ્રકાશ ફેલાવે છે.—જાપાનના આપણા ઇતિહાસમાંથી.

કિચી ઈવાસાકીએ દોરેલાં “યેહૂ”નાં ચિત્રો, જે તેમણે જાપાન બેથેલમાં બનાવી હતી