સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

“રાહેલ પોતાનાં છોકરાંને લીધે રડે છે,” એ શબ્દો દ્વારા યિર્મેયા શું કહેવા માંગતા હતા?

યિર્મેયા ૩૧:૧૫માં જણાવ્યું છે: ‘યહોવા કહે છે, કે રૂદનનો, મોટા વિલાપનો સાદ રામાહમાં સાંભળવામાં આવે છે, રાહેલ પોતાનાં છોકરાંને લીધે રડે છે; અને તે પોતાનાં છોકરાં સંબંધી દિલાસો લેવા ના પાડે છે, કેમ કે તેઓ મૃત્યુ પામ્યા છે.’

રાહેલના મૃત્યુના ઘણાં વર્ષો પછી તેમના બે દીકરાનું મૃત્યુ થયું હતું. તેથી, રાહેલના મૃત્યુના આશરે ૧,૦૦૦ વર્ષો પછી લખેલા યિર્મેયાના એ શબ્દોમાં કંઈક ભૂલ હોય એમ લાગી શકે.

રાહેલના મોટા દીકરાનું નામ યુસફ હતું. (ઉત. ૩૦:૨૨-૨૪) રાહેલ પોતાના નાના દીકરાને જન્મ આપતી વખતે ગુજરી ગયાં. એ નાના દીકરાનું નામ બિન્યામીન હતું. તો પછી, યિર્મેયા ૩૧:૧૫માં શા માટે કહેવામાં આવ્યું છે કે, ‘રાહેલ પોતાનાં છોકરાંને લીધે રડે છે કારણ કે તેઓ મૃત્યુ પામ્યા છે’?

યુસફના બે દીકરા હતા, મનાશ્શે અને એફ્રાઈમ. (ઉત. ૪૧:૫૦-૫૨; ૪૮:૧૩-૨૦) સમય જતાં, એફ્રાઈમનું કુળ ઈસ્રાએલના ઉત્તરી રાજ્યનું સૌથી શક્તિશાળી કુળ બન્યું. તેમ જ, ૧૦ કુળથી બનેલા ઉત્તરી રાજ્યને એફ્રાઈમનું કુળ રજૂ કરતું હતું. રાહેલના નાના દીકરા બિન્યામીનનું કુળ, બે કુળથી બનેલા દક્ષિણી રાજ્યનો ભાગ હતું. તેથી, કહી શકાય કે રાહેલ તો ઈસ્રાએલના ઉત્તરી અને દક્ષિણી રાજ્યોની બધી માતાઓને રજૂ કરે છે.

યિર્મેયાનું પુસ્તક લખાયું એ સમય સુધીમાં તો આશ્શૂરોએ ઈસ્રાએલના ઉત્તરી રાજ્યને જીતી લીધું હતું. તેઓ ઘણા લોકોને બંદી બનાવીને લઈ ગયા હતા. બની શકે કે એ સમયે એફ્રાઈમના અમુક વંશજો નાસીને યહુદાહ જતા રહ્યા હશે. ઈસવીસન પૂર્વે ૬૦૭માં બાબેલોને બે કુળોથી બનેલાં દક્ષિણી રાજ્ય યહુદાહને બંદી બનાવી લીધું. એમાંના ઘણાને યરૂશાલેમથી આશરે ૮ કિ.મી. દૂર ઉત્તરમાં આવેલા રામાહ શહેરમાં લઈ જવામાં આવ્યા. (યિર્મે. ૪૦:૧) અમુક બંદીવાનોને કદાચ એ શહેરમાં મારી નાખવામાં આવ્યા. એ શહેર બિન્યામીનના વિસ્તારમાં આવેલું હતું, જ્યાં રાહેલને દફનાવવામાં આવ્યાં હતાં. (૧ શમૂ. ૧૦:૨) આમ, કહી શકાય કે રાહેલનું રડવું તો એ રૂદનને રજૂ કરે છે, જે બિન્યામીન કુળના અથવા બીજા લોકોની કતલને લીધે થયું હશે. એવું પણ બની શકે કે યિર્મેયાના શબ્દો ઈસ્રાએલની બધી માતાઓને દર્શાવે છે, જેઓ યહોવાના લોકોની કતલને લીધે કે બંદી બનવાને લીધે રડી હતી.

સમજી શકાય કે રાહેલના રડવા વિશે યિર્મેયાના શબ્દો ભવિષ્યવાણી તરીકે કહેવામાં આવ્યા હતા. એ ભવિષ્યવાણી સદીઓ પછી, ઈસુના સમયમાં સાચી પડી. હેરોદ રાજાએ બેથલેહેમમાં બે વર્ષથી નાનાં બાળકોની કતલ કરવાનો હુકમ જાહેર કર્યો. એ શહેર યરૂશાલેમની દક્ષિણમાં આવેલું હતું. જરા વિચારો કે એ બાળકોનાં ‘મૃત્યુ પામવાથી’ તેઓની માતાએ કેવો વિલાપ કર્યો હશે. એ વિલાપ એટલો મોટો હતો કે જાણે એનો અવાજ રામાહ સુધી સંભળાયો.—માથ. ૨:૧૬-૧૮.

યિર્મેયા અને ઈસુ, બંનેના સમયમાં ‘રાહેલનું પોતાના છોકરાંને લીધે રડવું’ એ બધી યહુદી માતાના રૂદનને દર્શાવે છે, જેઓ પોતાનાં બાળકોની કતલને લીધે રડે છે. પરંતુ, જેઓ મૃત્યુ પામ્યા છે અને “શત્રુ” મરણના “દેશમાં ગયા છે,” તેઓને સજીવન કરવામાં આવશે. મૃત્યુ પામેલા લોકોને ઈશ્વર જ્યારે સજીવન કરશે ત્યારે એ લોકો પણ પાછા આવશે.—યિર્મે. ૩૧:૧૬; ૧ કોરીં. ૧૫:૨૬.