સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુની જેમ હિંમત અને સમજદારી બતાવીએ

ઈસુની જેમ હિંમત અને સમજદારી બતાવીએ

‘તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રીતિ રાખો છો. હમણાં જોકે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો.’—૧ પીત. ૧:૮.

૧, ૨. (ક) હંમેશ માટેનું જીવન મેળવવા આપણે શું કરવું જોઈએ? (ખ) જીવનના માર્ગ પરથી ભટકી ન જવા આપણે શું કરી શકીએ?

આપણે યહોવાના સેવક બનીએ છીએ ત્યારે જાણે એક મુસાફરી શરૂ કરીએ છીએ. જો આપણે યહોવાને વફાદાર રહીશું તો એ મુસાફરીમાં સફળ થઈને હંમેશ માટેનું જીવન મેળવી શકીશું. ઈસુએ કહ્યું હતું, “અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.” (માથ. ૨૪:૧૩) આપણી મંજિલ સુધી પહોંચવા જરૂરી છે કે “અંત સુધી” યહોવાને વફાદાર રહીએ. પછી, ભલે એ અંત આપણા જીવનનો હોય કે આ દુષ્ટ દુનિયાનો. આ જગતને લીધે આપણે માર્ગમાંથી ફંટાઈ ન જઈએ માટે સાવધ રહેવું જરૂરી છે. (૧ યોહા. ૨:૧૫-૧૭) જીવનના એ માર્ગ પરથી ભટકી ન જવા આપણે શું કરી શકીએ?

ઈસુએ બેસાડેલા સૌથી ઉત્તમ દાખલાને અનુસરી શકીએ. બાઇબલમાંથી ઈસુની જીવનઢબ વિશે ઘણું શીખવા મળે છે. એ શીખવાથી આપણે ઈસુને વધુ સારી રીતે ઓળખી શકીશું. તેમ જ, તેમના પરનો આપણો પ્રેમ અને વિશ્વાસ વધશે. (૧ પીતર ૧:૮, ૯ વાંચો.) પ્રેરિત પીતરે જણાવ્યું હતું કે, ઈસુએ આપણા માટે દાખલો બેસાડ્યો છે, જેથી તેમને સારી રીતે અનુસરી શકીએ. (૧ પીત. ૨:૨૧) જો આપણે ઈસુને અનુસરવા બનતા પ્રયત્નો કરીશું તો અંત સુધી ટકી શકીશું. * આના પહેલાંના લેખમાં આપણે ઈસુની નમ્રતા અને દયાના ગુણો વિશે શીખ્યા હતા. એ પણ જોયું હતું કે આપણે કઈ રીતે ઈસુના એ ગુણોને અનુસરી શકીએ. આ લેખમાં આપણે ઈસુની હિંમત અને સમજદારી વિશે શીખીશું. તેમ જ, એ ગુણો કઈ રીતે બતાવી શકીએ એ પણ જોઈશું.

ઈસુએ હિંમત બતાવી

૩. હિંમત એટલે શું? એ આપણને શાનાથી મળે છે?

હિંમત એક એવો ગુણ છે જેના લીધે આપણું મન મક્કમ બને છે અને મુશ્કેલીઓ છતાં ટકી રહેવા મદદ મળે છે. હિંમતનો ગુણ આપણને સત્યના પક્ષે ઊભા રહેવા ઉત્તેજન આપશે. કસોટીના સમયોમાં એ ગુણ આપણું મન શાંત રાખવા અને ઈશ્વરમાં શ્રદ્ધા બતાવવા પ્રેરશે. એક રીતે જોઈએ તો હિંમતનો ગુણ ડર, આશા અને પ્રેમની લાગણીઓ સાથે જોડાયેલો છે. કઈ રીતે? જો આપણે ઈશ્વરનો ડર રાખીશું, તો આપણને માણસોની બીક નહિ લાગે. (૧ શમૂ. ૧૧:૭; નીતિ. ૨૯:૨૫) યહોવામાં આપણી આશા હશે તો આપણું ધ્યાન સુંદર ભાવિ પર રહેશે, હમણાંની કસોટીઓ પર નહિ! (ગીત. ૩૧:૨૪) જો આપણામાં નિઃસ્વાર્થ પ્રેમ હશે તો સતાવણીથી ડરી જઈશું નહિ. (યોહા. ૧૫:૧૩) ઈશ્વરમાં ભરોસો રાખવાથી અને તેમના દીકરા ઈસુને અનુસરવાથી આપણને હિંમત મળે છે.—ગીત. ૨૮:૭.

૪. તરુણ ઈસુએ કઈ રીતે હિંમત બતાવી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

એક વાર “મંદિરમાં ધર્મગુરુઓની વચમાં” બેસેલા ઈસુએ ઘણી હિંમત બતાવી હતી. એ સમયે ઈસુ ફક્ત ૧૨ વર્ષના હતા. (લુક ૨:૪૧-૪૭ વાંચો.) એ ધર્મગુરુઓ મુસા દ્વારા અપાયેલા નિયમો સારી રીતે જાણતા હતા. એ નિયમોને પાળવું અઘરું બનાવે એવા યહુદી રીતરિવાજોથી પણ તેઓ વાકેફ હતા. તેઓ ઘણા જ્ઞાની છે એ જોઈને ઈસુ ચૂપ રહ્યા નહિ. તે ડર્યા વગર ‘તેઓને સવાલો પૂછતા’ રહ્યા. ઈસુના એ સવાલો બાળકો પૂછે એવા સામાન્ય સવાલો ન હતા. અરે, તેમના પ્રશ્નો તો ધર્મગુરુઓનું ધ્યાન ખેંચે અને વિચારતા કરી દે એવા હતા. ઈસુને મૂંઝવણમાં મૂકવા કદાચ તેઓએ પ્રશ્નો પૂછ્યા હશે, પણ એમાં સફળ થયા નહિ. ત્યાં હાજર બધાં લોકો ઈસુની વાતો સાંભળીને ‘તેમની બુદ્ધિથી અને તેમના જવાબોથી નવાઈ પામ્યા.’ સાચે જ, શાસ્ત્રમાં જણાવેલા સત્યના પક્ષમાં ઊભા રહીને તરુણ ઈસુએ ઘણી હિંમત બતાવી!

૫. સાક્ષીકાર્યમાં ઈસુએ કઈ અલગ અલગ રીતોએ હિંમત બતાવી?

ઈસુએ સાક્ષીકાર્યમાં પણ અલગ અલગ રીતોએ હિંમત બતાવી. દાખલા તરીકે, ધર્મગુરુઓ પોતાના જૂઠા શિક્ષણથી લોકોને ગેરમાર્ગે દોરતા, એટલે ઈસુએ તેઓનો ઢોંગ ખુલ્લો પાડ્યો. (માથ. ૨૩:૧૩-૩૬) ઉપરાંત, જગતના વલણથી ઈસુ દૂર રહ્યા. (યોહા. ૧૬:૩૩) તેમના સાક્ષીકાર્યનો વિરોધ થયો હોવા છતાં, તે એમાં લાગુ રહ્યા. (યોહા. ૫:૧૫-૧૮; ૭:૧૪) તેમણે મંદિરમાં થઈ રહેલાં ખોટાં કાર્યો બંધ કરાવીને બે વાર મંદિરને શુદ્ધ કર્યું હતું. સાચી ભક્તિને ભ્રષ્ટ કરનાર લોકોને તેમણે હિંમત બતાવીને ત્યાંથી હાંકી કાઢ્યા.—માથ. ૨૧:૧૨, ૧૩; યોહા. ૨:૧૪-૧૭.

૬. જીવનના છેલ્લા દિવસે ઈસુએ કઈ રીતે હિંમત બતાવી?

ચાલો હવે જોઈએ કે, પોતાના જીવનના છેલ્લા દિવસે ઈસુએ કઈ રીતે હિંમત બતાવી. તે જાણતા હતા કે યહુદા ઈસકારીઓત તેમને દગો આપશે પછી તેમની જોડે શું બનશે. છતાં, પાસ્ખાના ભોજન પછી તેમણે તેને કહ્યું, “તું જે કરવાનો છે, તે જલદી કર.” (યોહા. ૧૩:૨૧-૨૭) ગેથસેમાનેની વાડીમાં સૈનિકો ઈસુને પકડવા આવ્યા ત્યારે તેમણે હિંમત બતાવી અને પોતાની ઓળખ છુપાવી નહિ. પોતાનું જીવન ખતરામાં હતું તોપણ તેમણે શિષ્યોનો વિચાર કર્યો. શિષ્યોને બચાવવા તેમણે સૈનિકોને કહ્યું, “આ માણસોને જવા દો!” (યોહા. ૧૮:૧-૮) યહુદી ઉચ્ચ અદાલતમાં પોતાના પર મુકદ્દમો ચાલતો હતો ત્યારે પણ ઈસુ હિંમત ન હાર્યા. તે જાણતા હતા કે મુખ્ય યાજકો તેમને મારી નાંખવાનું બહાનું શોધે છે. છતાં, તેમણે હિંમતથી કબૂલ્યું કે તે ખ્રિસ્ત છે અને ઈશ્વરના દીકરા છે. (માર્ક ૧૪:૬૦-૬૫) વધસ્તંભ પર છેલ્લા શ્વાસ સુધી તે યહોવાને વફાદાર રહ્યા. એવા ક્રૂર મરણની છેલ્લી ઘડીએ તે પોકારી ઊઠ્યા, “સંપૂર્ણ થયું”!—યોહા. ૧૯:૨૮-૩૦.

ઈસુની જેમ હિંમત બતાવીએ

૭. તરુણો, તમે યહોવાના સાક્ષી છો માટે તમને કેવું લાગે છે? તમારામાં હિંમત છે એવું બતાવવા તમે શું કરશો?

આપણે પણ ઈસુ જેવી હિંમત બતાવી શકીએ છીએ. સ્કૂલમાં. તરુણો, તમે યહોવાના સાક્ષી છો એવું તમે સ્કૂલમાં જણાવ્યું હશે. એ જાણીને તમારી સાથે ભણતા મિત્રો અથવા બીજાઓ કદાચ તમારી મજાક ઉડાવતા હશે. છતાં, તમે ગર્વથી યહોવાનું નામ જણાવો છો ત્યારે હિંમત બતાવો છો. (ગીતશાસ્ત્ર ૮૬:૧૨ વાંચો.) અમુક લોકો કદાચ તમને ઉત્ક્રાંતિવાદમાં માનવાનું દબાણ કરે. પરંતુ, તમે ભરોસો રાખી શકો કે સૃષ્ટિના સર્જન વિશે બાઇબલ જે જણાવે છે એ સાચું છે. બની શકે કે અમુક લોકો તમારી ‘આશા વિશે ખુલાસો માગે.’ (૧ પીત. ૩:૧૫) તેઓને જવાબ આપવા તમે આપણી પુસ્તિકા ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગની મદદ લઈ શકો. * તેઓને જવાબ આપવાથી તમને સંતોષ મળશે કે તમે હિંમતથી સત્યના પક્ષમાં ઊભા રહો છો.

૮. હિંમતથી ખુશખબર જણાવવાના આપણી પાસે કયાં કારણો છે?

સાક્ષીકાર્યમાં. યહોવાના સાક્ષીઓ હોવાથી આપણે ‘પ્રભુની મદદથી હિંમત રાખીને બોલવું’ જરૂરી છે. (પ્રે.કૃ. ૧૪:૩) શા માટે? એનું પહેલું કારણ એ કે આપણે બાઇબલમાંથી શીખવીએ છીએ, જેનું દરેક વચન સત્ય છે. (યોહા. ૧૭:૧૭) બીજું કારણ કે, આપણે યહોવા “સાથે કામ કરનારા” હોવાથી તે આપણને પવિત્ર શક્તિથી મદદ આપે છે. (૧ કોરીં. ૩:૯; પ્રે.કૃ. ૪:૩૧) ત્રીજું કારણ કે, યહોવા અને લોકો માટે આપણને પ્રેમ છે. તેથી, લોકો ખુશખબર જાણે માટે આપણે બનતું બધું કરવા પ્રેરાઈએ છીએ. (માથ. ૨૨:૩૭-૩૯) આપણામાં હિંમત હોવાથી આપણે ક્યારેય સાક્ષીકાર્યમાં પીછેહઠ કરીશું નહિ. ધર્મગુરુઓએ જેઓનાં “મન આંધળાં” કર્યાં છે તેઓને સત્યના પ્રકાશમાં લાવવાનો આપણો નિર્ણય મક્કમ છે. (૨ કોરીં. ૪:૪) ભલે લોકો આપણો સંદેશો ન સાંભળે અથવા વિરોધ કરે, આપણે તો ખુશખબર જણાવતા રહીશું.—૧ થેસ્સા. ૨:૧, ૨.

૯. કસોટીઓમાં આપણે કઈ રીતે હિંમત બતાવી શકીએ?

કસોટીઓમાં. યહોવામાં ભરોસો રાખવાથી કસોટીઓનો સામનો કરવા અડગ શ્રદ્ધા અને હિંમત મળશે. ખરું કે, પ્રિયજન મરણ પામે ત્યારે આપણે ખૂબ દુઃખી થઈએ છીએ, પણ આપણે આશા ગુમાવતા નથી. આપણને ભરોસો છે કે “સર્વ દિલાસા”ના ઈશ્વર યહોવા આપણને હિંમત આપશે. (૨ કોરીં. ૧:૩, ૪; ૧ થેસ્સા. ૪:૧૩) બીમારી કે ઈજાને લીધે અમુક વાર આપણે ઘણી પીડા સહીએ છીએ. એવા સમયે પણ આપણે એવી સારવાર લેતા નથી, જેના લીધે યહોવા નાખુશ થાય. (પ્રે.કૃ. ૧૫:૨૮, ૨૯) બની શકે કે, હતાશાને લીધે આપણે પોતાને ‘દોષ આપવા’ લાગીએ. પરંતુ, આપણે હાર માનતા નથી. કારણ કે, આપણે જાણીએ છીએ કે “નિરાશામાં ડૂબેલાં” સેવકો પાસે યહોવા છે. *૧ યોહા. ૩:૧૯, ૨૦; ગીત. ૩૪:૧૮, સંપૂર્ણ.

ઈસુએ સમજદારી બતાવી

૧૦. સમજદારી એટલે શું? એક ઈશ્વરભક્ત પોતાનાં વાણી અને વર્તનમાં કઈ રીતે સમજદારી બતાવી શકે?

૧૦ સમજદારી એવો ગુણ છે જે આપણને ખરાં અને ખોટાં વચ્ચેનો ફરક પારખવા મદદ કરે છે. તેમ જ, જે ખરું છે એ જ કરવા પ્રેરે છે. (હિબ્રૂ ૫:૧૪) એક સમજદાર ઈશ્વરભક્ત એવા નિર્ણયો લેશે જેનાથી તેનો ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત થાય. પોતાના શબ્દોથી બીજાઓને દુઃખ ન પહોંચે એનું તે ધ્યાન રાખે છે. યહોવા ખુશ થાય એ રીતે બોલીને તે બીજાઓને ઉત્તેજન આપે છે. (નીતિ. ૧૧:૧૨, ૧૩) તે ‘ક્રોધ કરવામાં ધીમો’ હોય છે. (નીતિ. ૧૪:૨૯) તે પોતાની “વર્તણૂક સીધી રાખે છે” અને જીવનમાં હંમેશાં સારા નિર્ણય લે છે. (નીતિ. ૧૫:૨૧) આપણે સમજદાર બનવા શું કરવું જોઈએ? આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ અને એના શિક્ષણને લાગુ પાડવું જોઈએ. (નીતિ. ૨:૧-૫, ૧૦, ૧૧) ઈસુએ જે રીતે સમજદારી બતાવી એના વિશે બાઇબલમાંથી શીખતા રહીએ અને તેમનું અનુકરણ કરીએ.

૧૧. ઈસુએ જે કંઈ કહ્યું એમાં કઈ રીતે સમજદારી બતાવી?

૧૧ ઈસુએ જે કંઈ કહ્યું અને કર્યું એમાં તેમણે સમજદારી બતાવી. તેમની બોલીમાં. ખુશખબર જણાવતી વખતે ઈસુ માયાળુ શબ્દો વાપરતા. એ સાંભળીને લોકો નવાઈ પામતા. (માથ. ૭:૨૮; લુક ૪:૨૨) ઈસુ ઘણી વાર શાસ્ત્રમાંથી વચનો વાંચતાં અથવા એનો ઉલ્લેખ કરતા. સંજોગો પ્રમાણે કયું શાસ્ત્રવચન લાગુ પાડવું એ તે ખૂબ સારી રીતે જાણતા હતા. (માથ. ૪:૪, ૭, ૧૦; ૧૨:૧-૫; લુક ૪:૧૬-૨૧) જે લોકોને તે શાસ્ત્રવચનોમાંથી સમજાવતા તેઓ પર એની ઊંડી અસર થતી. સજીવન થયા પછી ઈસુએ એમ્મૌસ ગામ તરફ જઈ રહેલા બે શિષ્યો જોડે વાત કરી. પોતાનાં વિશેની અમુક ભવિષ્યવાણીઓનો ખુલાસો તેમણે એ શિષ્યોને આપ્યો. પછીથી એ શિષ્યોએ કહ્યું: ‘તે એ માર્ગે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્રવચનોનો ખુલાસો કરી બતાવતા હતા, ત્યારે આપણાં મન આનંદી નહોતાં થતાં શું?’—લુક ૨૪:૨૭, ૩૨.

૧૨, ૧૩. ઈસુ ગુસ્સો કરવામાં ધીમા અને સંજોગોને ધ્યાનમાં રાખીને વર્તનારા હતા, એનાં ઉદાહરણો આપો.

૧૨ તેમની લાગણીઓ અને તેમના વલણમાં. ઈસુમાં સમજદારી હોવાને લીધે તે ‘ગુસ્સો કરવામાં ધીમા હતા.’ (નીતિ. ૧૬:૩૨) પોતાની લાગણીઓને તે કાબૂમાં રાખતા અને સ્વભાવે “નમ્ર” હતા. (માથ. ૧૧:૨૯) શિષ્યો ભૂલો કરે તોપણ ઈસુ તેઓની સાથે ધીરજથી વર્તતા. (માર્ક ૧૪:૩૪-૩૮; લુક ૨૨:૨૪-૨૭) પોતાની સાથે ખરાબ વર્તન થાય ત્યારે પણ ઈસુ શાંત રહેતા.—૧ પીત. ૨:૨૩.

૧૩ સમજદારીના ગુણને લીધે ઈસુ સંજોગોને ધ્યાનમાં રાખીને વર્તતા. તે નિયમશાસ્ત્રનો હેતુ જાણતા હતા. એના સિદ્ધાંતોને સમજતા હોવાથી તે લોકો સાથે યોગ્ય રીતે વર્તી શક્યા. દાખલા તરીકે, “લોહીવા”થી પીડાતી સ્ત્રીનો વિચાર કરીએ. (માર્ક ૫:૨૫-૩૪ વાંચો.) એ સ્ત્રી લોકોની ભીડમાંથી પસાર થઈને ઈસુના કપડાને અડકી અને સાજી થઈ. નિયમશાસ્ત્ર પ્રમાણે એ સ્ત્રી અશુદ્ધ હતી માટે તેણે લોકોને અડકવાનું ન હતું. (લેવી. ૧૫:૨૫-૨૭) જ્યારે ઈસુને જાણ થઈ કે એ સ્ત્રીએ શું કર્યું છે, ત્યારે તેમણે તેની સાથે કઠોર શબ્દોમાં વાત ન કરી. શા માટે? કારણ, તે સમજતા હતા કે ‘દયા અને વિશ્વાસ’ જેવા ગુણો નિયમના ચુસ્ત પાલન કરતાં વધારે મહત્ત્વના છે. (માથ. ૨૩:૨૩) દયાભાવથી ઈસુએ એ સ્ત્રીને કહ્યું: “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.” સમજદારીને લીધે બતાવેલી દયાનું એ કેવું સુંદર ઉદાહરણ!

૧૪. ઈસુએ કયો નિર્ણય લીધો? પોતાનું ધ્યાન સંદેશો ફેલાવવાના કામ પર રાખવા તેમણે શું કર્યું?

૧૪ તેમની જીવનઢબમાં. ઈસુની જીવનઢબમાં પણ સમજદારી દેખાઈ આવતી. તેમણે ખુશખબર ફેલાવવાના કામને પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. (લુક ૪:૪૩) તેમણે હંમેશાં એવા નિર્ણયો લીધા જેનાથી તેમનું ધ્યાન એ કામ પર રહે અને એને પૂરું કરી શકે. દાખલા તરીકે, તેમણે પોતાનું જીવન સાદું રાખ્યું, જેથી સમય અને શક્તિનો ઉપયોગ સંદેશો ફેલાવવાના કામમાં કરી શકે. (લુક ૯:૫૮) ઈસુને ખબર હતી કે પોતાના મૃત્યુ પછી પણ, શિષ્યો સાક્ષીકાર્ય ચાલું રાખી શકે એ માટે તેઓને તાલીમની જરૂર પડશે. (લુક ૧૦:૧-૧૨; યોહા. ૧૪:૧૨) તેમણે શિષ્યોને વચન આપ્યું કે એ કાર્યમાં પોતે તેઓને “જગતના અંત સુધી” સાથ આપશે.—માથ. ૨૮:૧૯, ૨૦.

ઈસુની જેમ સમજદારી બતાવીએ

લોકોનો રસ પારખીએ, તેમની જરૂરિયાત પ્રમાણે શબ્દો પસંદ કરીએ (ફકરો ૧૫ જુઓ)

૧૫. આપણે વાતચીતમાં સમજદારી બતાવવા શું કરવું જોઈએ?

૧૫ આપણે પણ ઈસુ જેવી સમજદારી બતાવી શકીએ છીએ. આપણી બોલીમાં. મંડળનાં ભાઈ-બહેનો સાથે વાતચીત કરતી વખતે તેઓને ઉત્તેજન આપતા શબ્દો બોલીએ. તેઓને નિરાશ કરનાર શબ્દો કદી ન બોલીએ. (એફે. ૪:૨૯) રાજ્યનો સંદેશો જણાવીએ ત્યારે આપણું બોલવું “કૃપાયુક્ત સલૂણું” હોવું જોઈએ, એટલે કે આપણે સમજી-વિચારીને બોલવું જોઈએ. (કોલો. ૪:૬) આપણે લોકોની જરૂરિયાત સમજવાનો પ્રયત્ન કરીએ. એ પછી, વાતચીતમાં તેઓને રસ પડે એવા વિષયો પસંદ કરીએ. તેઓ સાથે વાતચીત દરમિયાન સંજોગોને અનુરૂપ શબ્દો બોલીએ. આપણે દયાભાવથી વાત કરીશું તો લોકોને સંદેશો સાંભળવો ગમશે અને એ તેઓના દિલને સ્પર્શી જશે. શક્ય હોય તો આપણી માન્યતાઓનો ખુલાસો બાઇબલમાંથી આપીએ. કારણ કે, એમાં આપેલાં ઈશ્વરનાં વચનો શક્તિશાળી છે. આપણે જાણીએ છીએ કે આપણા શબ્દો કરતાં ઈશ્વરનાં વચનો ઘણાં વધારે અસરકારક છે.—હિબ્રૂ ૪:૧૨.

૧૬, ૧૭. (ક) કઈ રીતે બતાવી શકીએ કે આપણે ગુસ્સો કરવામાં ધીમા છીએ અને સંજોગો ધ્યાનમાં રાખીને વર્તીએ છીએ? (ખ) પોતાનું ધ્યાન સાક્ષીકાર્ય પર રાખવા આપણે શું કરીશું?

૧૬ આપણી લાગણીઓ અને આપણા વલણમાં. સમજદારીનો ગુણ આપણને તણાવભર્યા સંજોગોમાં લાગણીઓ પર કાબૂ રાખવા મદદ કરશે. ઉપરાંત, આપણે ‘ગુસ્સો કરવામાં ધીમા’ બનીશું. (યાકૂ. ૧:૧૯) કોઈ આપણું દિલ દુખાવે ત્યારે, તેણે એવું શા માટે કહ્યું અથવા કર્યું, એ સમજવાનો પ્રયત્ન કરીશું. આમ, તેના પર ગુસ્સે ન થવામાં અને માફી આપવામાં મદદ મળશે. (નીતિ. ૧૯:૧૧) આપણામાં સમજદારી હશે તો ભાઈ-બહેનોના સંજોગોને ધ્યાનમાં રાખીને વર્તીશું. આપણે તેઓ પાસેથી વધુ પડતી અપેક્ષા નહિ રાખીએ. એના બદલે, યાદ રાખીશું કે તેઓની સમસ્યાઓને આપણે પૂરી રીતે સમજી શકતા નથી. માટે તેઓ પોતાના વિચારો જણાવે ત્યારે આપણે ધ્યાનથી સાંભળીશું. તેમ જ, શક્ય હોય તો પોતાનો મત જતો કરીને તેઓ સાથે સહમત થઈશું.—ફિલિ. ૪:૫.

૧૭ આપણી જીવનઢબમાં. આપણને ખુશખબર જણાવવાનો સૌથી મોટો લહાવો મળ્યો છે. તેથી, આપણે જીવનમાં એવા નિર્ણયો લઈશું જેનાથી આપણું ધ્યાન સાક્ષીકાર્ય પર રહે. આપણે યહોવાની ભક્તિને જીવનમાં પ્રથમ રાખીશું. આપણે જીવનઢબ સાદી રાખીશું, જેથી આ છેલ્લા દિવસોમાં આપણાં સમય અને શક્તિનો ઉપયોગ સાક્ષીકાર્યમાં કરી શકીએ.—માથ. ૬:૩૩; ૨૪:૧૪.

૧૮. અનંતજીવનના માર્ગ પર ચાલતા રહેવા આપણે શું કરવું જોઈએ? તમારો નિર્ણય શો છે?

૧૮ એ કેટલી ખુશીની વાત છે કે આપણે ઈસુના અમુક સુંદર ગુણો વિશે શીખી શક્યા! જરા વિચાર કરો કે તેમના બીજા ગુણો વિશે શીખીને આપણને કેટલો ફાયદો થશે! ઈસુના એ બધા ગુણો વિશે શીખીને આપણને તેમના જેવા બનવાનું મન થશે. ચાલો, આપણે દૃઢ નિર્ણય લઈએ કે આપણે તેમને અનુસરતા રહીશું. ઈસુનાં પગલે ચાલવાથી આપણે અનંતજીવનના માર્ગ પરથી ભટકી જઈશું નહિ. ઉપરાંત, યહોવા સાથેનો આપણો સંબંધ વધુ મજબૂત થશે.

^ ફકરો. 2 પહેલો પીતર ૧:૮, ૯ની કલમો સ્વર્ગની આશા રાખતા ઈશ્વરભક્તો માટે લખાઈ હતી. જોકે, પૃથ્વીની આશા રાખતા ઈશ્વરભક્તો માટે પણ પીતરના એ શબ્દો લાગુ પાડી શકાય છે.

^ ફકરો. 7 વધુ માહિતી માટે તમે ઑક્ટોબર ૧૫, ૨૦૧૩ના ચોકીબુરજના પાન ૭માં લેખ “સૃષ્ટિ ઈશ્વરને પ્રગટ કરે છે” પણ જોઈ શકો.

^ ફકરો. 9 કસોટીઓ દરમિયાન અમુકે કઈ રીતે હિંમત બતાવી એ અનુભવો વાંચવા ડિસેમ્બર ૧, ૨૦૦૦ના ચોકીબુરજમાં પાન ૨૪-૨૮ અને જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૩ના સજાગ બનો!માં પાન ૨૦-૨૩ જુઓ. ઉપરાંત, જાન્યુઆરી ૨૨, ૧૯૯૫ના અંગ્રેજી સજાગ બનો!માં પાન ૧૧-૧૫ જુઓ.