સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘યહોવા વિશેના શિક્ષણ’ માટે રાષ્ટ્રો તૈયાર કરાયાં

‘યહોવા વિશેના શિક્ષણ’ માટે રાષ્ટ્રો તૈયાર કરાયાં

‘અધિકારીએ જોયું ત્યારે તેમણે પ્રભુ યહોવા વિશેના શિક્ષણથી નવાઈ પામીને વિશ્વાસ કર્યો.’—પ્રે.કૃ. ૧૩:૧૨.

૧-૩. ઈસુના શિષ્યો માટે “સર્વ દેશનાઓ”ને ખુશખબર જણાવવી કેમ સહેલી ન હતી?

ઈસુએ પોતાના શિષ્યોને એક મોટી જવાબદારી સોંપી હતી. તેમણે તેઓને આજ્ઞા આપી કે “સર્વ દેશનાઓને શિષ્ય કરો.” પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની એ સુવાર્તા શિષ્યોએ ‘આખા જગતમાં પ્રગટ કરવાની’ હતી.—માથ. ૨૪:૧૪; ૨૮:૧૯.

શિષ્યોને ઈસુ માટે ખૂબ પ્રેમ હતો અને રાજ્યની ખુશખબર તેઓને પ્રિય હતી. પરંતુ, તેઓને કદાચ થયું હશે: “ઈસુએ આપેલી એ આજ્ઞા અમે કઈ રીતે પૂરી કરીશું?” એવી ચિંતા કરવાનાં તેઓ પાસે ઘણાં કારણો હતાં. એક તો, એ સમયે થોડા જ શિષ્યો હતા. બીજું, તેઓએ લોકોને શીખવવાનું હતું કે જે ઈસુને મારી નાખવામાં આવ્યા, તે જ ઈશ્વરના દીકરા છે. ઉપરાંત, ઘણા લોકો માનતા હતા કે ઈસુના શિષ્યો ‘અભણ અને અજ્ઞાન માણસો છે.’ (પ્રે.કૃ. ૪:૧૩) યહુદી ધર્મગુરુઓની જેમ ઈસુના શિષ્યો કોઈ ધાર્મિક શાળામાં ભણ્યા ન હતા. વધુમાં, યહુદી આગેવાનો સદીઓથી ચાલતાં આવેલાં રીતરિવાજો શીખવતા હતા. જ્યારે કે, શિષ્યોનો સંદેશો સાવ જુદું જ શીખવતો. યહુદી લોકોની નજરોમાં શિષ્યોનું કોઈ માન ન હતું. તેથી, શિષ્યોને લાગ્યું હશે, “અમારા લોકો અમારું નથી સાંભળતા, તો આ શક્તિશાળી રોમન સામ્રાજ્યમાં કોણ અમારું સાંભળશે?”

ઈસુએ પોતાના શિષ્યોને ચેતવ્યા હતા કે લોકો તેઓને ધિક્કારશે, વિરોધ કરશે અને અમુકને મારી પણ નાંખશે. (લુક ૨૧:૧૬, ૧૭) તેઓનાં મિત્રો અને કુટુંબીજનો તેઓને દગો દેશે. ઉપરાંત, એવા લોકો ઊભા થશે જેઓ પોતાને ઈસુના શિષ્યો કહેવડાવશે પણ જૂઠું શિક્ષણ ફેલાવશે. ગુનાઓ અને હિંસાથી ભરેલા વિસ્તારોમાં શિષ્યોએ ખુશખબર જણાવવી પડશે. (માથ. ૨૪:૧૦-૧૨) તેઓ “પૃથ્વીના છેડા સુધી” કઈ રીતે પહોંચી શકશે? (પ્રે.કૃ. ૧:૮) ચોક્કસ, શિષ્યોને ચિંતા હશે કે આટલા બધા પડકારોમાં તેઓ કઈ રીતે એ સોંપણી પૂરી કરશે.

૪. ખુશખબર ફેલાવવાના કામનું કેવું પરિણામ આવ્યું?

શિષ્યો જાણતા હતા કે, એ સોંપણી પૂરી કરવી સહેલી નથી. છતાં, તેઓએ ઈસુની આજ્ઞા માની. તેઓએ ખુશખબર યરુશાલેમમાં, સમરૂનમાં અને બીજા ઘણા દેશોમાં ફેલાવી. એ પછીનાં લગભગ ૩૦ વર્ષોમાં તેઓએ ઘણા અલગ અલગ વિસ્તારોમાં જઈને રાજ્ય સંદેશો જણાવ્યો. તેથી, પ્રેરિત પાઊલ કહી શક્યા: ‘એ સુવાર્તા આકાશ તળેનાં સર્વને પ્રગટ થઈ છે.’ આમ, જુદા જુદા દેશના ઘણા લોકો શિષ્યો બન્યા. (કોલો. ૧:૬, ૨૩) દાખલા તરીકે, એક વાર પ્રેરિત પાઊલ સૈપ્રસ નામના ટાપુ પર ખુશખબર જણાવી રહ્યા હતા. એ સમયે, ‘પ્રભુ યહોવા વિશેના શિક્ષણથી નવાઈ પામીને’ એક રોમન અધિકારી શિષ્ય બન્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૬-૧૨ વાંચો.

૫. (ક) ઈસુએ શિષ્યોને કયું વચન આપ્યું હતું? (ખ) ઇતિહાસનું એક પુસ્તક પ્રથમ સદી માટે શું જણાવે છે?

શિષ્યો જાણતા હતા કે આખી પૃથ્વી પર સંદેશો જણાવવાનું કામ ફક્ત તેઓની મહેનતથી નહિ થઈ શકે. જોકે, તેઓને ખબર હતી કે ઈસુ પોતાના વચન પ્રમાણે તેઓને સાથ આપશે. ઉપરાંત, પવિત્ર શક્તિની મદદ મળતી રહેશે. (માથ. ૨૮:૨૦) બની શકે કે પ્રથમ સદીના સંજોગોને લીધે પણ શિષ્યોને એ કામમાં મદદ મળી. ઇતિહાસનું એક પુસ્તક જણાવે છે કે પ્રથમ સદીનો સમય પ્રચારકામ શરૂ કરવા માટે સૌથી સારો સમય હતો. એ પુસ્તક એમ પણ જણાવે છે કે વખત વીત્યો તેમ, ખ્રિસ્તીઓએ અનુભવ્યું કે તેઓ માટે ઈશ્વરે માર્ગ તૈયાર કર્યો હતો.

૬. (ક) આપણે આ લેખમાં શાની ચર્ચા કરીશું? (ખ) આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

પ્રથમ સદીમાં શિષ્યો સારી રીતે સંદેશો જાહેર કરી શકે માટે શું યહોવાએ સંજોગો બદલ્યા? બાઇબલ એ વિશે કંઈ જણાવતું નથી. પરંતુ, આપણે એટલું તો જાણીએ છીએ કે શિષ્યો સંદેશો ફેલાવતા રહે એવી યહોવાની ઇચ્છા હતી. શેતાન તેઓનું કામ રોકી શક્યો નહિ. આ લેખમાં આપણે પ્રથમ સદીની અમુક બાબતો વિશે ચર્ચા કરીશું, જેના લીધે શિષ્યો માટે સંદેશો જણાવવો આસાન બન્યો. આવતા લેખમાં જોઈશું કે આપણા સમયમાં કઈ બાબતોને લીધે દુનિયા ફરતે ખુશખબર ફેલાવવામાં મદદ મળી છે.

રોમમાં શાંતિનો યુગ

૭. રોમમાં શાંતિનો યુગ એટલે શું? કઈ રીતે એ યુગ અલગ હતો?

પ્રથમ સદી દરમિયાન રોમન સામ્રાજ્યમાં ઘણાં વર્ષો સુધી શાંતિનો સમય રહ્યો. એને લેટિન ભાષામાં પાક્સ રોમાના કહેવાય છે એટલે કે રોમમાં શાંતિ. એ યુગ દરમિયાન નાનામાં નાના વિરોધને પણ રોમન સરકાર દબાવી દેતી. એ શાંતિના યુગને લીધે શિષ્યો માટે સંદેશો ફેલાવવો સહેલો બન્યો. ખરું કે, ઈસુએ ભાખ્યું હતું તેમ એ સમયમાં પણ અમુક યુદ્ધો થતાં હતાં. (માથ. ૨૪:૬) દાખલા તરીકે, સાલ ૭૦માં રોમનોએ યરુશાલેમનો નાશ કર્યો. તેમ જ, તેઓએ રોમન સામ્રાજ્યની સરહદો પર અમુક નાની લડાઈઓ કરી હતી. પરંતુ, રોમન સામ્રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શાંતિ હતી. તેથી, શિષ્યો સહેલાઈથી મુસાફરી કરી શક્યા અને સંદેશો જણાવી શક્યા. શાંતિનો એ યુગ લગભગ ૨૦૦ વર્ષ ચાલ્યો. હાલનું એક પુસ્તક જણાવે છે: ‘માનવીય ઇતિહાસમાં ક્યારેય આટલા લાંબા સમય સુધી શાંતિ રહી નથી. આટલા બધા લોકો મધ્યે અત્યાર સુધી આવી શાંતિ ક્યારેય આવી નથી.’

૮. શાંતિના યુગને લીધે શિષ્યોને કઈ મદદ મળી?

ઈસુના સમયના આશરે ૨૫૦ વર્ષ પછી ઓરીજેન નામના એક વિદ્વાને શાંતિના એ યુગ વિશે લખ્યું હતું. તેમણે જણાવ્યું હતું: ‘રોમ, ઘણા દેશો પર રાજ કરતું હતું. તેથી, શિષ્યો માટે એ બધા જ દેશોમાં સાક્ષીકાર્ય કરવું સહેલું બન્યું. પોતાના દેશની રક્ષા કરવા લોકો યુદ્ધો લડવામાં વ્યસ્ત ન હતા. તેઓ પોતાના ગામમાં શાંતિથી રહેતા. એ કારણે, પ્રેમ અને શાંતિની જે ખુશખબર શિષ્યોએ જણાવી એ સાંભળવાની તક ઘણા લોકોને મળી.’ ખરું કે એ સમય દરમિયાન પણ શિષ્યોની સતાવણી થઈ હતી. પરંતુ, તેઓએ શાંતિના એ સમયનો સૌથી સારો ઉપયોગ કર્યો. તેઓએ બધે જ ખુશખબર ફેલાવી.—રોમ. ૧૨:૧૮-૨૧ વાંચો.

મુસાફરી સહેલી બની

૯, ૧૦. શાના લીધે શિષ્યો માટે મુસાફરી કરવી સહેલી હતી?

રોમનોએ આખા સામ્રાજ્યને જોડતા ઘણા રસ્તાઓ બનાવ્યા હતા. એ રસ્તાઓની લંબાઈ કુલ મળીને ૮૦,૦૦૦ કિ.મી. કરતાં વધુ હતી. એ રસ્તાઓને લીધે રોમન સૈનિકો કોઈ પણ વિસ્તારમાં તરત પહોંચી શકતા. આમ, તેઓ પોતાના રાજ્યોનું સારી રીતે રક્ષણ કરી શકતા અને લોકો પર કાબૂ રાખી શકતા. ખ્રિસ્તીઓ પણ એ રસ્તાઓનો ઉપયોગ કરતા. તેઓ માટે જંગલો, રણ પ્રદેશો તેમજ પહાડો પાર કરીને બીજા વિસ્તારોમાં સંદેશાને જાહેર કરવું શક્ય બન્યું.

૧૦ મુસાફરી માટે રોમનો રસ્તાઓ ઉપરાંત જળમાર્ગોનો ઉપયોગ કરતા. તેઓ નહેરો અને નદીઓ પરની મુસાફરી હોડીમાં કરતા. ઉપરાંત, આખા સામ્રાજ્યમાં આવેલાં સેંકડો દરિયાઈ બંદરો સુધી પહોંચવા તેઓ દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરતા. અરે, તેઓ પાસે ૯૦૦થી વધુ દરિયાઈ માર્ગો હતા. ખ્રિસ્તીઓ પણ હોડીમાં મુસાફરી કરીને ઘણા વિસ્તારો સુધી પહોંચી શક્યા. તેઓને બીજા દેશોમાં પ્રવેશવા પાસપોર્ટ જેવા કાનૂની દસ્તાવેજોની જરૂર ન હતી. વધુમાં, રોમન રાજ્યમાં રસ્તાઓ પર લૂંટારા ઘણા ઓછા હતા. કારણ, તેઓ જાણતા હતા કે ગુનેગારોને રોમનો આકરી સજા કરે છે. દરિયામાં પણ રોમન સૈનિકોનાં જહાજોની અવરજવર ઘણી રહેતી. તેથી, દરિયાઈ લૂંટારાઓ પણ સાહસ ન કરતા માટે લોકોને દરિયાઈ મુસાફરી સલામત લાગતી. ખરું કે, પાઊલની મુસાફરી દરમિયાન અમુક વાર વહાણ ભાંગી પડ્યાં અને બીજા દરિયાઈ જોખમો આવ્યાં હતાં. પરંતુ, તેમના પર દરિયાઈ લૂંટારાઓનો હુમલો થયો હોય, એવું બાઇબલ ક્યાંય જણાવતું નથી. તેથી, કહી શકાય કે રોમન સામ્રાજ્યમાં મુસાફરી કરવી મોટા ભાગે સલામત હતી.—૨ કોરીં. ૧૧:૨૫, ૨૬.

ગ્રીક ભાષા

કોડેક્સને લીધે શાસ્ત્રવચન શોધવું ઘણું સહેલું બન્યું (ફકરો ૧૨ જુઓ)

૧૧. શિષ્યોએ શા માટે ગ્રીક ભાષાનો ઉપયોગ કર્યો?

૧૧ રોમન સામ્રાજ્ય એવા વિસ્તારો સુધી ફેલાયેલું હતું જ્યાં એક સમયે ગ્રીક સમ્રાટ મહાન સિકંદર રાજ કરતો હતો. એવા વિસ્તારોના લોકો “કોયને ગ્રીક” ભાષા બોલતા શીખી ગયા હતા. તેથી, શિષ્યોએ સંદેશો જણાવવા એ ભાષાનો ઉપયોગ કર્યો. એ સમય સુધીમાં હિબ્રૂ શાસ્ત્રવચનોનું ગ્રીકમાં ભાષાંતર થઈ ચૂક્યું હતું. એ ભાષાંતર સેપ્ટુઆજીંટ તરીકે ઓળખાતું. મિસરમાં રહેતા યહુદીઓએ એનું ભાષાંતર કર્યું હતું. ઘણા લોકો સેપ્ટુઆજીંટથી વાકેફ હતા માટે શિષ્યો એમાંથી શીખવી શક્યા. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ બાઇબલનો બાકીનો ભાગ ગ્રીક ભાષામાં લખ્યો. ગ્રીક ભાષાનું શબ્દભંડોળ ખૂબ મોટું હતું. એ કારણે, બાઇબલનાં ઊંડાં સત્યો સમજાવવા માટે એ ભાષા સારી હતી. ગ્રીક ભાષાને લીધે મંડળો પણ એકબીજા સાથે સંપર્કમાં અને એકતામાં રહ્યાં.

૧૨. (ક) કોડેક્સ શું છે? વીંટાઓ કરતાં એનો ઉપયોગ શા માટે સહેલો પડતો? (ખ) મોટા ભાગના ખ્રિસ્તીઓએ કોડેક્સનો ઉપયોગ ક્યારથી શરૂ કર્યો?

૧૨ પ્રથમ સદીના ખ્રિસ્તીઓ શાસ્ત્રવચનોમાંથી શીખવવાં વીંટાઓનો ઉપયોગ કરતા. જોકે, વીટાંનો ઉપયોગ કરવો અને એને કાયમ સાથે રાખવો સહેલો ન હતો. શાસ્ત્રવચન બતાવવા તેઓને દરેક વાર વીંટો ખોલવો પડતો અને પાછો વીંટવો પડતો. સામાન્ય રીતે, વીંટાની ફક્ત એક જ બાજુ લખી શકાતું. માથ્થીની સુવાર્તાથી એક આખો વીંટો ભરાઈ જતો. એ પછી, કોડેક્સ વાપરવાનું ચલણ વધ્યું. પુસ્તકનો સૌથી પહેલો પ્રકાર કોડેક્સ હતો, જેને પાનાં સીવીને બનાવવામાં આવતો. વીંટા કરતાં એવા પુસ્તકને ખોલવું અને શાસ્ત્રવચન શોધવું સહેલું હતું. ઇતિહાસકારોનું કહેવું છે કે ખ્રિસ્તીઓમાં એ પ્રકારના પુસ્તકનો વપરાશ બહુ જલદી શરૂ થઈ ગયો હતો. બીજી સદી સુધીમાં તો, મોટા ભાગના ખ્રિસ્તીઓએ એ પ્રકારના પુસ્તકનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.

રોમન કાયદો

૧૩, ૧૪. (ક) પાઊલે તેમની રોમન નાગરિકતાનો ઉપયોગ કઈ રીતે કર્યો? (ખ) રોમન કાયદાનો લાભ ખ્રિસ્તીઓને કઈ રીતે થયો?

૧૩ પ્રથમ સદીના ખ્રિસ્તીઓને રોમન કાયદાથી પણ મદદ મળી. રોમન કાયદા પ્રમાણે એના નાગરિકોને અમુક હક્ક અને રક્ષણ મળતાં. રોમન નાગરિક હોવાથી પ્રેરિત પાઊલે અમુક વાર એ હક્કનો લાભ લીધો. એક વાર રોમન સૈનિકોએ યરુશાલેમમાં તેમની ધરપકડ કરી. સૈનિકો તેમને કોરડા મારવાના હતા ત્યારે, પાઊલે જણાવ્યું કે તે રોમન નાગરિક છે. તેમણે સૂબેદારને યાદ અપાવ્યું કે એક રોમન નાગરિકને મુકદ્દમો ચલાવ્યા વગર સજા આપી શકાતી નથી. ત્યારે ‘જેઓ તેમની તપાસ કરવાની તૈયારીમાં હતા, તેઓ તરત તેમને મૂકીને જતા રહ્યા. તે રોમન છે એ જાણ્યાથી અને પોતે પાઊલને બંધાવ્યો હોવાથી સૂબેદાર પણ ડરી ગયો.’—પ્રે.કૃ. ૨૨:૨૫-૨૯.

૧૪ પાઊલની નાગરિકતા રોમન કાયદા હેઠળ હતી, જેની અસર તેમની સાથે ફિલિપીમાં થયેલા વર્તન પર પડી. (પ્રે.કૃ. ૧૬:૩૫-૪૦) એફેસસમાં ગુસ્સે ભરાયેલું એક ટોળું ખ્રિસ્તીઓને મારવા આવ્યું. એ સમયે એક સરકારી અધિકારીએ એ ટોળાને શાંત પાડ્યું. અધિકારીએ એ લોકોને ચેતવ્યા કે તેઓ રોમન કાયદો તોડી રહ્યા છે. (પ્રે.કૃ. ૧૯:૩૫-૪૧) પાઊલ કાઈસારીઆમાં હતા ત્યારે પોતાના હક્કનો ઉપયોગ કરીને રોમન સમ્રાટ આગળ હાજર થવાની માંગ કરી. ત્યાં તે સુવાર્તાની પક્ષમાં બોલ્યા. (પ્રે.કૃ. ૨૫:૮-૧૨) આમ, ખ્રિસ્તીઓએ રોમન કાયદાનો લાભ ઉઠાવીને ‘ખુશખબરનું રક્ષણ કર્યું અને પ્રચાર કરવા કાયદેસર હક્ક’ મેળવ્યો.—ફિલિ. ૧:૭, NW.

ઘણા દેશોમાં યહુદીઓ હતા

૧૫. પ્રથમ સદીના યહુદીઓ ક્યાં ક્યાં વસ્યા હતા?

૧૫ પ્રથમ સદીમાં, યહુદીઓ ફક્ત ઈસ્રાએલમાં જ નહિ, પણ બીજા ઘણા દેશોમાં વસ્યા હતા. એના લીધે પણ સંદેશો આખી દુનિયામાં ફેલાવવો સહેલો બન્યો. સદીઓ અગાઉ ઘણા યહુદીઓને બંદી બનાવીને આશ્શૂર લઈ જવામાં આવ્યા હતા. સમય જતાં, બીજા ઘણાને બાબેલોન લઈ જવામાં આવ્યા. જ્યારે ઈરાનીઓ બાબેલોન પર રાજ કરતા હતા, ત્યારે યહુદીઓ ઈરાનના સામ્રાજ્યમાં વસવા લાગ્યા. (એસ્તે. ૯:૩૦) ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યાં સુધીમાં યહુદીઓ આખા રોમન સામ્રાજ્યમાં ફેલાઈ ગયા હતા. જેમ કે, મિસર અને ઉત્તર આફ્રિકાના બીજા વિસ્તારો, ગ્રીસ, એશિયા માયનોર (તુર્કી) અને મેસોપોટેમિયા (ઇરાક). એવું માનવામાં આવે છે કે આખા રોમન સામ્રાજ્યની વસ્તી આશરે ૬ કરોડ હતી. એમાંથી લગભગ ૪૦ લાખ યહુદીઓ હતા. ભલે તેઓ જુદા જુદા દેશોમાં વસ્યા, છતાં પોતાના ધર્મને પાળતા હતા.—માથ. ૨૩:૧૫.

૧૬, ૧૭. (ક) યહુદીઓ ઘણા દેશોમાં વસ્યા હોવાથી બીજા લોકોને શું લાભ થયો? (ખ) યહુદીઓની કઈ રીતને પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ અપનાવી?

૧૬ યહુદીઓ ઘણા દેશોમાં વસ્યા હોવાને લીધે બિનયહુદી લોકોને પણ તેઓ પાસેથી હિબ્રૂ શાસ્ત્રવચનો વિશે જાણવા મળ્યું. ઉપરાંત, યહુદી માન્યતાઓ વિશે પણ લોકો શીખ્યા. દાખલા તરીકે, બિનયહુદી લોકો શીખ્યા કે એક જ સાચા ઈશ્વર છે. અને તેમના ભક્તોએ તેમના નિયમો પાળવા જોઈએ. તેઓ એ પણ શીખ્યા કે હિબ્રૂ શાસ્ત્રવચનો ઈશ્વર તરફથી મળ્યાં છે અને એમાં મસીહ વિશે ભવિષ્યવાણીઓ છે. (લુક ૨૪:૪૪) એટલે જ્યારે ખ્રિસ્તીઓએ ખુશખબર જણાવી ત્યારે યહુદીઓ અને બિનયહુદીઓ એ સંદેશાની અમુક માહિતી અગાઉથી જાણતા હતા. પાઊલ પણ એવા લોકોને શોધવા ચાહતા હતા જેઓ ખુશખબર સ્વીકારે. એ માટે તે ઘણી વાર યહુદીઓના ધાર્મિક સ્થળોએ જતા અને લોકોને શાસ્ત્રમાંથી સમજાવતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧, ૨ વાંચો.

૧૭ યહુદીઓ પોતાના ધાર્મિક સ્થળોએ અને બીજી જગ્યાએ ઉપાસના માટે નિયમિત રીતે ભેગા મળતા. તેઓ ગીતો ગાતાં, પ્રાર્થના કરતા અને શાસ્ત્રવચનોની ચર્ચા કરતા. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ તેઓની એ રીત અપનાવી. આજે, આપણે પણ સભાઓમાં એ જ પ્રમાણે કરીએ છીએ.

સાક્ષીકાર્યમાં યહોવાની મદદ

૧૮, ૧૯. (ક) પ્રથમ સદીના સંજોગોને લીધે ખ્રિસ્તીઓને કઈ રીતે મદદ મળી? (ખ) આ લેખની ચર્ચા કર્યા પછી તમને યહોવા વિશે કેવું લાગે છે?

૧૮ પ્રથમ સદીનો સમય ઇતિહાસનો એક અજોડ યુગ હતો. રોમન સામ્રાજ્યમાં શાંતિનો માહોલ હતો, મોટા ભાગના લોકો ગ્રીક ભાષા જાણતા હતા અને નાગરિકોને કાયદાને લીધે રક્ષણ મળતું. એ સમયમાં મુસાફરી કરવી સહેલી હતી. બીજા દેશોના લોકો પણ યહુદીઓ અને હિબ્રૂ શાસ્ત્રવચનો વિશે જાણતા હતા. એ બધાં કારણોને લીધે, ઈશ્વર તરફથી મળેલું કામ કરતા રહેવામાં ખ્રિસ્તીઓને મદદ મળી.

૧૯ ઈસુ પૃથ્વી પર આવ્યા એનાં આશરે ૪૦૦ વર્ષ પહેલાં પ્લેટો નામનો એક ગ્રીક ફિલસૂફ થઈ ગયો. તેણે લખ્યું હતું, ‘સર્જનહાર વિશે જાણવું લોકો માટે ખૂબ મુશ્કેલ છે. અરે, તેમના વિશે દુનિયા ફરતે દરેકને જણાવવું અશક્ય છે!’ જ્યારે કે, ઈસુએ કહ્યું: “માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.” (લુક ૧૮:૨૭) એમાં કોઈ શંકા નથી કે સાક્ષીકાર્ય યહોવાની મદદથી શક્ય બને છે. તેમની ઇચ્છા છે કે, ‘સર્વ દેશના લોકો’ રાજ્યની ખુશખબર સાંભળે અને તેમને ઓળખે. (માથ. ૨૮:૧૯) આવતા લેખમાં જોઈશું કે આજે કઈ રીતે આખી પૃથ્વી પર એ ખુશખબર ફેલાવવામાં આવી રહી છે.