સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયાભરમાં સત્ય ફેલાવવા યહોવાની મદદ

દુનિયાભરમાં સત્ય ફેલાવવા યહોવાની મદદ

“હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશા. ૪૮:૧૭.

૧. શા માટે ખુશખબર ફેલાવવાનું કામ મુશ્કેલ બન્યું?

લગભગ ૧૩૦ વર્ષો પહેલાં યહોવાના સેવકોએ ખુશખબર ફેલાવવાનું કામ શરૂ કર્યું. એ સમય દરમિયાન તેઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. * શરૂઆતમાં એ સેવકોની સંખ્યા ખૂબ ઓછી હતી. એ નાના સમૂહે ખુશખબર ફેલાવી, પણ ઘણા લોકોને એ સંદેશો ગમ્યો નહિ. અમુક લોકો માનતા કે એ સેવકો ભણેલા-ગણેલા નથી. પ્રથમ સદીમાં પણ એવા જ સંજોગો હતાં. સમય જતાં, જ્યારે શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો, ત્યારે યહોવાના સેવકો પર સતાવણી વધી ગઈ. (પ્રકટી. ૧૨:૧૨) “છેલ્લા સમય”ના એ “સંકટના વખતો” દરમિયાન પણ, યહોવાના સેવકોએ ખુશખબર ફેલાવવાનું કામ ચાલુ રાખ્યું છે.—૨ તીમો. ૩:૧.

૨. યહોવા કઈ રીતે આપણા કાર્યમાં મદદ કરે છે?

યહોવાએ હંમેશાં પોતાના લોકોને મદદ કરી છે. તેમની ઇચ્છા છે કે ખુશખબર આખી પૃથ્વી પર ફેલાય. યહોવા કોઈ પણ સંજોગોમાં એ કામને બંધ થવા દેશે નહિ. અગાઉ યહોવાએ પ્રાચીન ઈસ્રાએલને બાબેલોનમાંથી છોડાવ્યા હતા. એવી જ રીતે, આપણા સમયમાં પણ તેમણે પોતાના ભક્તોને “મોટું બાબેલોન” એટલે કે જૂઠાં ધર્મોમાંથી છોડાવ્યા છે. (પ્રકટી. ૧૮:૧-૪) યહોવા જે શીખવે છે એનાથી દરેકને લાભ થાય છે. યહોવા આપણને સંપીને રહેવા મદદ કરે છે. તે આપણને તાલીમ આપે છે, જેથી આપણે બીજાઓને શીખવી શકીએ. (યશાયા ૪૮:૧૬-૧૮ વાંચો.) યહોવા આપણા સાક્ષીકાર્યમાં માર્ગદર્શન આપે છે, એનો અર્થ એવો નથી કે એ માટે તે દુનિયાના સંજોગોને બદલે છે. ખરું કે, દુનિયા ફરતે એવા સંજોગો ઊભા થયા છે, જેના લીધે આપણું કાર્ય સહેલું બન્યું છે. છતાં, શેતાનની દુષ્ટ દુનિયાને લીધે આપણે સતાવણીઓ અને ખરાબ સંજોગોનો સામનો કરવો પડે છે. જોકે, કોઈ એ હકીકતને નકારી શકતું નથી કે આજે પણ યહોવાની મદદથી જ આપણું કાર્ય થઈ રહ્યું છે.—યશા. ૪૧:૧૩; ૧ યોહા. ૫:૧૯.

૩. કઈ રીતે દાનીયેલની ભવિષ્યવાણીનો એકેએક શબ્દ સાચો પડ્યો છે?

દાનીયેલની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે, છેલ્લા સમયમાં ઘણા લોકો બાઇબલના સત્યને વધુ સારી રીતે સમજી શકશે. (દાનીયેલ ૧૨:૪ વાંચો.) ‘અંતનો સમય’ શરૂ થયો એના થોડા વખત પહેલાં, યહોવાએ પોતાના લોકોને બાઇબલનું શિક્ષણ સમજવા મદદ કરી. તેમણે પોતાના લોકોને હિંમત આપી, જેથી તેઓ ચર્ચે ફેલાવેલાં ખોટાં શિક્ષણને નકારી શકે. આજે, યહોવાના સાક્ષીઓ આખી દુનિયામાં બાઇબલનું સત્ય શીખવી રહ્યા છે. એ બતાવે છે કે દાનીયેલની ભવિષ્યવાણીનો એકેએક શબ્દ સાચો પડ્યો છે. આશરે ૮૦ લાખ લોકોએ બાઇબલનું એ સત્ય સ્વીકાર્યું છે અને તેઓ બીજા લોકોને શીખવી રહ્યા છે. કઈ બાબતોને લીધે આપણા સમયમાં દુનિયા ફરતે ખુશખબર ફેલાવવામાં મદદ મળી છે?

ઘણી ભાષાઓમાં બાઇબલ

૪. ૧૯મી સદી પૂરી થઈ ત્યાં સુધીમાં, કેટલી ભાષાઓમાં બાઇબલ પ્રાપ્ય હતું?

આજે ઘણા લોકો પાસે બાઇબલ છે. એના લીધે, એ લોકોને બાઇબલનું સત્ય શીખવવા આપણને મદદ મળે છે. પરંતુ, સંજોગો હંમેશાં એવા ન હતા. ઘણી સદીઓ સુધી ચર્ચના પાદરીઓ લોકોને બાઇબલ વાંચવાથી રોકતા. જો કોઈ બાઇબલ વાંચવાનો પ્રયત્ન કરે, તો પાદરીઓ તેઓને સતાવતા. અરે, બાઇબલનું ભાષાંતર કરનારા કેટલાકને તો તેઓએ મારી પણ નાખ્યા! પરંતુ, ૧૯મી સદીમાં અમુક સંસ્થાઓએ લગભગ ૪૦૦ ભાષાઓમાં આખા બાઇબલનું અથવા એના અમુક ભાગોનું ભાષાંતર અને છાપકામ કર્યું. ૧૯મી સદી પૂરી થઈ ત્યાં સુધીમાં ઘણા લોકો પાસે બાઇબલ હતું. જોકે, તેઓ બાઇબલનું શિક્ષણ સમજી શકતા ન હતા.

૫. બાઇબલનું ભાષાંતર કરવામાં યહોવાના સાક્ષીઓએ કેવી સફળતા મેળવી છે?

યહોવાના લોકો જાણતા હતા કે તેઓએ બાઇબલનું સત્ય બીજાઓને શીખવવું જોઈએ. તેઓએ એમ જ કર્યું. શરૂ શરૂમાં જે બાઇબલ ભાષાંતરો પ્રાપ્ય હતા, તેઓએ એનો ઉપયોગ કર્યો. એ બાઇબલ ભાષાંતરની પ્રતો તેઓ બીજા લોકોને આપતા. પરંતુ, વર્ષ ૧૯૫૦ પછી ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ બાઇબલ બહાર પાડવામાં આવ્યું. એ આખું બાઇબલ અથવા એના અમુક ભાગો ૧૨૦થી વધુ ભાષાઓ બહાર પાડવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૩માં સાક્ષીઓએ અંગ્રેજીમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલની સુધારેલી આવૃત્તિ બહાર પાડી છે. એની ભાષા સમજવામાં સરળ અને ભાષાંતર કરવામાં સહેલી છે. લોકોને સમજ પડે એવું બાઇબલ વાપરવાથી, તેઓને સત્ય શીખવવું સહેલું બન્યું છે.

શાંતિના સમયો

૬, ૭. (ક) છેલ્લાં ૧૦૦ વર્ષો દરમિયાન કયાં યુદ્ધો થયાં છે? (ખ) અમુક દેશોમાં શાંતિનો માહોલ હોવાથી આપણા કામમાં કેવી મદદ મળી છે?

છેલ્લાં ૧૦૦ વર્ષો દરમિયાન બે વિશ્વયુદ્ધ અને બીજાં અનેક યુદ્ધો થયાં છે. એ યુદ્ધોને લીધે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, યહોવાના સંગઠનમાં ભાઈ નાથાન નોર પ્રમુખ હતા. વર્ષ ૧૯૪૨ના મહાસંમેલનમાં ભાઈએ એક જોરદાર પ્રવચન આપ્યું. એનો વિષય હતો: “શાંતિ—શું એ કાયમ રહી શકે?” એ પ્રવચનમાં ભાઈએ પ્રકટીકરણ ૧૭ની ભવિષ્યવાણી સમજાવી. એમાંથી તેમણે સાબિત કરતા કહ્યું કે હાલમાં હજી આર્માગેદન નહિ આવે. તેમ જ, યુદ્ધ પૂરું થયા પછી શાંતિના સમયો આવશે. (પ્રકટી. ૧૭:૩, ૧૧) તો સવાલ થાય કે કઈ રીતે શાંતિના સમયો આવ્યા અને યહોવાના લોકોએ એ શાંતિના સમયનો સારો ઉપયોગ કઈ રીતે કર્યો છે?

એવું નથી કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે ચારેય બાજુ શાંતિનો માહોલ હતો. બીજા વિશ્વયુદ્ધ પછી પણ કેટલાક યુદ્ધો થયાં, જેમાં લાખો લોકો માર્યા ગયા. પરંતુ, ઘણા બધા દેશોમાં શાંતિનો માહોલ રહ્યો છે. એ કારણે, યહોવાના સાક્ષીઓ માટે એ દેશોમાં ખુશખબર ફેલાવવી સહેલી બની છે. એનું કેવું પરિણામ આવ્યું? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, દુનિયા ફરતે ૧ લાખ ૧૦ હજાર કરતાં પણ ઓછા યહોવાના સાક્ષીઓ હતા. જ્યારે કે, એ નાનો સમૂહ આજે વધીને ૮૦ લાખ લોકોનો થઈ ગયો છે. (યશાયા ૬૦:૨૨ વાંચો.) એ કેટલું સાચું છે કે આપણે શાંતિના સમયમાં વધુ લોકો સુધી ખુશખબર પહોંચાડી શકીએ છીએ!

મુસાફરીની સુવિધાઓ વધી

૮, ૯. આપણા સમયમાં કઈ રીતે મુસાફરી કરવી સહેલી બની છે? સુવિધાઓ વધવાથી કઈ રીતે આપણા કામમાં મદદ મળી છે?

યહોવાના લોકોએ અમેરિકામાં ખુશખબર ફેલાવવાનું કામ શરૂ કર્યું ત્યારે, મુસાફરી કરવી સહેલી ન હતી. ધ વૉચ ટાવર મૅગેઝિન બહાર પાડવામાં આવ્યું એનાં લગભગ ૨૧ વર્ષો પછી, વર્ષ ૧૯૦૦માં અમેરિકામાં આશરે ૮,૦૦૦ કાર હતી. એ સમયે સારા રસ્તાઓ બહુ ઓછા હતા. જ્યારે કે આજે દુનિયાભરમાં લગભગ ૧૫૦ કરોડ કાર છે. મોટા ભાગની જગ્યાઓમાં સારા રસ્તાઓ છે. યહોવાના લોકો એવાં સારાં રસ્તા અને કારનો ઉપયોગ કરે છે. તેઓ દૂર દૂરના એવા વિસ્તારોમાં લોકોને સાક્ષી આપવા જાય છે, જ્યાં પહોંચવું સહેલું નથી હોતું. કદાચ આપણે એવા વિસ્તારમાં રહેતા હોઈએ, જ્યાં મુસાફરી કરવી અઘરી હોય. છતાં, લોકોને ખુશખબર જણાવવા આપણે બનતું બધું કરીએ છીએ.—માથ. ૨૮:૧૯, ૨૦.

આપણે મુસાફરી કરવાની બીજી સુવિધાઓનો ઉપયોગ પણ કરીએ છીએ. જેમ કે, ટ્રક, જહાજ અને ટ્રેન દ્વારા આપણે બાઇબલ અને બીજાં સાહિત્ય દૂર દૂર સુધી પહોંચાડીએ છીએ. એના લીધે, છૂટાંછવાયેલા વિસ્તારોમાં રહેતાં આપણાં ભાઈ-બહેનો સુધી થોડા દિવસોમાં સાહિત્ય પહોંચાડવું શક્ય બન્યું છે. સરકીટ નિરીક્ષક, શાખા સમિતિના સભ્યો, મિશનરી અને બીજા ઘણા ભાઈઓ મુસાફરી માટે વિમાનનો ઉપયોગ કરે છે. તેથી, તેઓ માટે મહાસંમેલનમાં અને મંડળોમાં જઈને સહાય આપવી સહેલી બની છે. નિયામક જૂથના સભ્યો અને બીજા ભાઈઓ વિમાન દ્વારા આપણા મુખ્ય મથકથી બીજા દેશોમાં જાય છે. એમ કરીને તેઓ બીજા દેશનાં ભાઈ-બહેનોને ઉત્તેજન અને તાલીમ આપી શકે છે. આ બધી સુવિધાઓને લીધે યહોવાના લોકોને એકતામાં રહેવા માટે મદદ મળી છે.—ગીત. ૧૩૩:૧-૩.

અંગ્રેજી ભાષા અને ભાષાંતર

૧૦. શા માટે મોટા ભાગના લોકો અંગ્રેજી ભાષા વાપરે છે?

૧૦ પ્રથમ સદીમાં રોમન સામ્રાજ્યમાં ઘણા લોકો ગ્રીક ભાષા બોલતા હતા. એવી જ રીતે, આજે દુનિયાભરમાં ઘણા લોકો અંગ્રેજી ભાષા બોલી શકે છે. ઇંગ્લિશ એઝ અ ગ્લોબલ લેંગ્વેજ નામનું પુસ્તક જણાવે છે કે, દુનિયા ફરતે દર ચારમાંથી એક વ્યક્તિ અંગ્રેજી બોલી કે સમજી શકે છે. અંગ્રેજી ભાષાનો ઉપયોગ વેપાર, રાજકારણ, વિજ્ઞાન અને ટૅક્નોલૉજીમાં થાય છે. તેથી, ઘણા લોકો અંગ્રેજી ભાષા શીખે છે.

૧૧. યહોવાના લોકોના કામ પર અંગ્રેજી ભાષાની કેવી અસર થઈ છે?

૧૧ અંગ્રેજી ભાષા મોટા પાયે વપરાતી હોવાથી, સત્ય ફેલાવવું સહેલું બન્યું છે. શરૂઆતમાં આપણું સાહિત્ય અંગ્રેજી ભાષામાં જ બહાર પાડવામાં આવતું હતું. કારણ કે અંગ્રેજી ભાષા દુનિયાના મોટા ભાગોના દેશોમાં બોલાતી હતી. તેથી, ઘણા લોકોને અંગ્રેજી વાંચતા આવડતું હતું. આપણા મુખ્ય મથકે પણ અંગ્રેજી ભાષા બોલાય છે. જુદા જુદા દેશોમાં રહેનાર આપણાં ઘણાં ભાઈ-બહેનોને અંગ્રેજી આવડે છે. એવાં ભાઈ-બહેનોને તાલીમ આપવા પેટરસન, ન્યૂ યૉર્કમાં ચાલતી આપણી શાળાઓમાં બોલાવવામાં આવે છે.

૧૨. આપણું સાહિત્ય કેટલી ભાષાઓમાં મળી રહે છે? કૉમ્પ્યુટર પ્રોગ્રામથી કઈ મદદ મળી છે?

૧૨ દુનિયા ફરતેના લોકો સુધી ખુશખબર પહોંચાડવાની જવાબદારી આપણી છે. એ કારણે આપણા સાહિત્યનું ૭૦૦થી વધુ ભાષામાં ભાષાંતર થાય છે. આટલા મોટા પાયે ભાષાંતર કરવું કઈ રીતે શક્ય બન્યું છે? કૉમ્પ્યુટર અને એમાં વપરાતા પ્રોગ્રામની મદદથી. આપણા ભાઈઓએ એમ.ઈ.પી.એસ. નામનો કૉમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો છે, જેના લીધે ભાષાંતર કામમાં ઘણી મદદ મળી છે. આમ, દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓ “શુદ્ધ હોઠો” એટલે કે બાઇબલનું સત્ય સમજી શકે છે. ઉપરાંત, તેઓની એકતા વધી છે.—સફાન્યા ૩:૯ વાંચો.

કાયદા અને ચુકાદા

૧૩, ૧૪. કાયદા અને ચુકાદાથી કઈ રીતે આપણને મદદ મળી છે?

૧૩ પ્રથમ સદીના ખ્રિસ્તીઓને સેવાકાર્યમાં રોમન કાયદાઓને લીધે ઘણી મદદ મળી હતી. આજે પણ ઘણા દેશોમાં કાયદાને લીધે આપણું સેવાકાર્ય આસાન થયું છે. દાખલા તરીકે, અમેરિકાનો કાયદો લોકોને પોતાની મરજીનો ધર્મ પાળવાનો હક્ક આપે છે. ત્યાંના લોકો પોતાની શ્રદ્ધા વિશે છૂટથી બોલી શકે છે અને ભક્તિ માટે ભેગા મળી શકે છે. આમ, એ દેશમાં આપણાં ભાઈ-બહેનો કોઈ પણ અડચણ વગર સભાઓમાં અને સાક્ષીકાર્યમાં ભાગ લઈ શકે છે. અરે, અમેરિકામાં આવેલા આપણા મુખ્ય મથકથી, દુનિયાભરમાં થતાં આપણાં કાર્યની દેખરેખ રાખવી શક્ય બની છે. જોકે, અમુક વાર ખુશખબર જણાવવાનો હક્ક મેળવવા, ત્યાંનાં ભાઈ-બહેનો અદાલતમાં ગયાં છે. (ફિલિ. ૧:૭) ઉપરાંત, એ અદાલતોએ ન્યાય નથી આપ્યો ત્યારે, તેઓ ઉપરી અદાલતોમાં પણ ગયાં છે અને મોટા ભાગે જીત્યાં છે.

૧૪ કેટલીક વાર આપણે બીજા દેશોમાં પણ ભક્તિ અને પ્રચાર કરવાની છૂટ માટે અદાલતમાં ગયા છીએ. આપણા પક્ષમાં ચુકાદો ન આવ્યો હોય ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ગયા છીએ. દાખલા તરીકે, આપણે યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઈટ્સમાં ઘણી વાર અપીલ કરી છે. એ કોર્ટમાં આપણે જૂન ૨૦૧૪ સુધીમાં કુલ ૫૭ કેસ જીત્યા છીએ. એ કોર્ટનો ચુકાદો યુરોપના મોટા ભાગના દેશોને માનવો જ પડે છે. ભલે ને ‘બધાં રાષ્ટ્રો આપણો દ્વેષ કરે’ તોપણ, કાયદાને લીધે ઘણા દેશોમાં આપણે યહોવાની ભક્તિ છૂટથી કરી શકીએ છીએ.—માથ. ૨૪:૯.

કેટલીક નવી શોધ

આપણે દુનિયાભરમાં બાઇબલને લગતું સાહિત્ય પૂરું પાડીએ છીએ

૧૫. છાપકામમાં કઈ નવી પદ્ધતિ આવી છે? એનાથી આપણને કઈ રીતે ફાયદો થયો છે?

૧૫ છાપકામની નવી રીતોથી આપણે ખુશખબર વધુ લોકો સુધી પહોંચાડી શક્યા છીએ. વર્ષ ૧૪૫૦માં યોહાનસ ગુટેનબર્ગે છાપકામ માટેની એક પદ્ધતિ શોધી હતી. કેટલીક સદીઓ સુધી લોકો એ પદ્ધતિ વાપરતા હતા. છેલ્લાં ૨૦૦ વર્ષોમાં છાપકામની એ પદ્ધતિમાં ઘણો સુધારો થયો છે. ઑફસેટ પ્રિન્ટિંગ પદ્ધતિની શોધ પછી, છાપકામ કરવું વધુ ઝડપી અને સારું બન્યું છે. વધુમાં, કાગળ બનાવવું અને પુસ્તકોનું બાઇન્ડિંગ કરવું સસ્તું બન્યું છે. એ બધાને લીધે આપણાં સાહિત્યના છાપકામમાં શો ફાયદો થયો છે? વર્ષ ૧૮૭૯માં આપણું પહેલું વૉચ ટાવર ફક્ત અંગ્રેજીમાં છપાયું હતું. એમાં કોઈ ચિત્રો ન હતાં અને એની ૬,૦૦૦ પ્રતો છાપવામાં આવી હતી. આજે, એ મૅગેઝિન ૨૦૦થી વધુ ભાષામાં છપાય છે. એમાં સુંદર અને રંગીન ચિત્રો જોવાં મળે છે. એની પાંચ કરોડથી વધુ પ્રતો છાપવામાં આવે છે.

૧૬. કઈ નવી શોધથી આપણને દુનિયાભરમાં ખુશખબર ફેલાવવામાં મદદ મળી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૬ છેલ્લાં ૨૦૦ વર્ષોમાં થયેલી કેટલીક નવી શોધને લીધે, યહોવાના સેવકોને ખુશખબર ફેલાવવામાં ઘણી મદદ મળી છે. આપણે અગાઉ ટ્રેન, કાર અને વિમાનની શોધથી થયેલા ફાયદા વિશે જોઈ ગયા. એ ઉપરાંત આપણે આવાં સાધનો પણ ઉપયોગમાં લીધાં છે. જેમ કે, સાઇકલ, ટાઇપરાઇટર, બ્રેઈલ લિપિનાં સાધનો, ટેલિગ્રાફ, ટેલિફોન, કેમેરા, ઑડિયો-વીડિયો રેકૉર્ડિંગનાં સાધનો, રેડિયો, ટીવી, ફિલ્મો, કૉમ્પ્યુટર અને ઇન્ટરનેટ. ખરું કે, યહોવાના સાક્ષીઓએ એ બધી શોધ કરી નથી. પરંતુ, એ બધાની મદદથી સાક્ષીઓએ બાઇબલ અને એને લગતું સાહિત્ય ઘણી ભાષાઓમાં બહાર પાડ્યું છે. આમ, સાક્ષીઓ આખી દુનિયામાં ખુશખબર ફેલાવી શક્યા છે. એ રીતે, બાઇબલમાં ભાખ્યા પ્રમાણે સાક્ષીઓએ જાણે ‘વિદેશીઓનું દૂધ ચૂસ્યું’ છે.—યશાયા ૬૦:૧૬ વાંચો.

૧૭. (ક) પ્રચારકાર્ય વિશે શું સાફ દેખાઈ આવે છે? (ખ) યહોવા શા માટે ચાહે છે કે આપણે તેમની સાથે કામ કરીએ?

૧૭ આપણા કાર્યમાં યહોવા મદદ કરી રહ્યા છે, એ સાફ દેખાઈ આવે છે. યહોવાએ આપણને એ કામ આપ્યું છે. એવું નથી કે તે આપણી મદદ વગર એ કામ પૂરું નથી કરી શકતા. પરંતુ, તે આપણને પ્રેમ કરે છે અને ચાહે છે કે આપણે તેમની “સાથે કામ કરનાર” બનીએ. આપણે પણ ખુશખબર જણાવીને બતાવીએ છીએ કે આપણે યહોવાને અને લોકોને ચાહીએ છીએ. (૧ કોરીં. ૩:૯; માર્ક ૧૨:૨૮-૩૧) આપણે યહોવાના ઘણા આભારી છીએ કે તે દુનિયાભરમાં ખુશખબર ફેલાવવામાં મદદ આપે છે. તેથી ચાલો, યહોવા અને તેમના રાજ્યની ખુશખબર જણાવવાની દરેક તક ઝડપી લઈએ!

^ ફકરો. 1 લગભગ ૧૮૭૦થી યહોવાના સેવકો બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા. વર્ષ ૧૯૩૧માં તેઓએ યહોવાના સાક્ષીઓ નામ અપનાવ્યું.—યશા. ૪૩:૧૦.