સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ સવાલોના જવાબો

બાઇબલ સવાલોના જવાબો

આપણે કેમ ઈસુનું મરણ યાદ કરવું જોઈએ?

ઈસુના મરણથી આપણા માટે કેવું ભાવિ શક્ય બન્યું છે?—યશાયા ૨૫:૮; ૩૩:૨૪

ઈસુનું મરણ ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો બનાવ હતો. આખી માણસજાતને ખરેખરું જીવન મળે એ માટે તે મરણ પામ્યા. માણસને એ રીતે બનાવ્યો ન હતો કે તે ખરાબ કામ કરે, બીમાર પડે અથવા મરણ પામે. (ઉત્પત્તિ ૧:૩૧) પરંતુ પહેલા માણસ, આદમ દ્વારા આખી દુનિયામાં પાપ આવ્યું. આપણને પાપ અને મરણમાંથી બચાવવા ઈસુએ પોતાનું જીવન આપ્યું.—માથ્થી ૨૦:૨૮; રોમનો ૬:૨૩ વાંચો.

ઈશ્વરે પોતાના એકનાએક દીકરાને પૃથ્વી પર મોકલીને માણસો માટે અપાર પ્રેમ બતાવ્યો. (૧ યોહાન ૪:૯, ૧૦) ઈસુએ શિષ્યોને રોટલી અને દ્રાક્ષારસ દ્વારા તેમના મરણને યાદ કરવાનું કહ્યું. ઈશ્વર અને ઈસુએ આપણા પર જે પ્રેમ બતાવ્યો એની કદર કરવાની એક રીત છે કે, દર વર્ષે આ પ્રસંગમાં હાજરી આપીએ.—લુક ૨૨:૧૯, ૨૦ વાંચો.

રોટલી ખાવામાં અને દ્રાક્ષારસ પીવામાં કોણ ભાગ લઈ શકે?

પહેલી વાર ઈસુએ શિષ્યોને પોતાના મરણને યાદ કરવા કહ્યું ત્યારે, તેમની સાથે એક કરાર કર્યો હતો. (માથ્થી ૨૬:૨૬-૨૮) એનાથી શિષ્યો અને બીજા અમુક લોકો માટે સ્વર્ગમાં રાજાઓ અને યાજકો બનવાનો માર્ગ ખુલ્યો. લાખો લોકો ઈસુના મરણને યાદ કરે છે. પણ જેઓને સ્વર્ગની આશા છે, તેઓ જ રોટલી ખાવામાં અને દ્રાક્ષારસ પીવામાં ભાગ લઈ શકે.—પ્રકટીકરણ ૫:૧૦ વાંચો.

લગભગ ૨,૦૦૦ વર્ષથી રાજાઓની પસંદગી યહોવા કરી રહ્યા છે. (લુક ૧૨:૩૨) પૃથ્વી પર જીવવાની આશા છે તેઓની સરખામણીમાં સ્વર્ગની આશા ધરાવતા લોકો બહુ ઓછા છે.—પ્રકટીકરણ ૭:૪, ૯, ૧૭ વાંચો. (w૧૫-E ૦૩/૦૧)