સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ‘જાગતા રહેશો’?

શું તમે ‘જાગતા રહેશો’?

“તમે જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી.”—માથ. ૨૫:૧૩.

૧, ૨. (ક) છેલ્લા દિવસો વિશે ઈસુએ શું જણાવ્યું? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

જરા કલ્પના કરો કે, ઈસુ જૈતુનના પહાડ પર બેઠા છે. ત્યાંથી યરુશાલેમનું મંદિર સાફ દેખાય છે. તે પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાનને એક રોમાંચક ભવિષ્યવાણી કહી રહ્યા છે. એ ચારેય શિષ્યો ઈસુની વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે. ઈસુ શાના વિશે કહી રહ્યા છે? તે જ્યારે સ્વર્ગમાં રાજ કરતા હશે અને દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસો ચાલતા હશે ત્યારે શું બનશે, એના વિશે તે શિષ્યોને કહી રહ્યા છે. તે જણાવે છે કે, એ રોમાંચક સમય દરમિયાન પૃથ્વી પર “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” ઈસુનો પ્રતિનિધિ હશે અને બધા અનુયાયીઓને વખતસરનું ખાવાનું આપશે.—માથ. ૨૪:૪૫-૪૭.

એ ભવિષ્યવાણીમાં જ ઈસુ પછીથી દસ કુમારિકાઓનું દૃષ્ટાંત જણાવે છે. (માથ્થી ૨૫:૧-૧૩ વાંચો.) આ લેખમાં આપણે આ સવાલોની ચર્ચા કરીશું: (૧) એ દૃષ્ટાંતનો મુખ્ય બોધપાઠ શો છે? (૨) વફાદાર અભિષિક્ત જનોએ કઈ રીતે દૃષ્ટાંતની સલાહ લાગુ પાડી છે અને એમ કરવાનું શું પરિણામ આવ્યું છે? (૩) ઈસુના દૃષ્ટાંતમાંથી આજે આપણ દરેકને શો લાભ થાય છે?

દૃષ્ટાંતમાંથી કયો મૂળ બોધપાઠ મળે છે?

૩. દસ કુમારિકાઓના દૃષ્ટાંતને પહેલાં કઈ રીતે સમજાવવામાં આવતું? એનું શું પરિણામ આવી શકે?

આના પહેલાંના લેખમાં આપણે શીખી ગયા કે હાલનાં વર્ષોમાં વિશ્વાસુ ચાકરે બાઇબલના અહેવાલો સમજાવવાની રીતમાં ફેરફાર કર્યો છે. વિશ્વાસુ ચાકર હવે અહેવાલોની શક્ય પરિપૂર્ણતા કે એના બીજા અર્થ પર વધુ પડતું ધ્યાન આપવાને બદલે, એમાંથી મળતા બોધપાઠ પર ખાસ ધ્યાન આપે છે. ઈસુએ આપેલા દસ કુમારિકાઓના દૃષ્ટાંતનો વિચાર કરો. પહેલાં આપણાં સાહિત્યમાં જણાવવામાં આવતું કે મશાલો, તેલ અને કુપ્પી, કોઈ બાબતને કે વ્યક્તિને રજૂ કરે છે. શું એવું બની શકે કે નાની-નાની વિગતો પર ધ્યાન આપવાથી એ દૃષ્ટાંતમાં રહેલો મહત્ત્વનો બોધપાઠ ચૂકી જવાય? એ સવાલનો જવાબ અગત્યનો છે.

૪. (ક) દૃષ્ટાંતમાં જણાવેલ વર કોણ છે? (ખ) કુમારિકાઓ કોણ છે?

ચાલો, આપણે ઈસુએ આપેલા દસ કુમારિકાના દૃષ્ટાંતનો મૂળ બોધપાઠ સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણે એનાં પાત્રો વિશે જોઈશું. એમાં જણાવેલ વર કોણ છે? એ ઈસુ પોતે છે. કારણ કે, એ દૃષ્ટાંત આપવાની અગાઉ ઈસુએ પોતાને વર તરીકે ઉલ્લેખ્યા હતા. (લુક ૫:૩૪, ૩૫) એમાં કુમારિકાઓ કોણ છે? એ અભિષિક્ત ખ્રિસ્તીઓની “નાની ટોળી”ને દર્શાવે છે. એવું શાને આધારે કહી શકાય? દૃષ્ટાંતમાં જણાવવામાં આવ્યું છે કે વર આવે એ પહેલાં કુમારિકાઓ પોતાની મશાલો લઈને તૈયાર હોવી જોઈએ. હવે નોંધ કરો કે, ઈસુ આ કલમમાં પોતાના અભિષિક્ત શિષ્યોને શું જણાવે છે: ‘તમારી કમર બાંધેલી અને તમારા દીવા સળગતા રાખો. તેમ જ, જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની રાહ જુએ છે, તેઓના જેવા તમે થાઓ.’ (લુક ૧૨:૩૨, ૩૫, ૩૬) વધુમાં, પ્રેરિત પાઊલ અને પ્રેરિત યોહાને પણ ઈસુના અભિષિક્ત શિષ્યોને પવિત્ર કુમારિકાઓ સાથે સરખાવ્યા છે. (૨ કોરીં. ૧૧:૨; પ્રકટી. ૧૪:૪) તેથી, આપણે સમજી શકીએ કે માથ્થી ૨૫:૧-૧૩માં ઈસુએ આપેલી સલાહ અને ચેતવણી તેમના અભિષિક્ત શિષ્યો માટે છે.

૫. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તેમનું દૃષ્ટાંત કયા સમયગાળાને લાગુ પડશે?

હવે વિચારીએ કે ઈસુની સલાહ કયા સમયગાળાને લાગુ પડે છે? દૃષ્ટાંતના અંતિમ ભાગમાં ઈસુએ જે કહ્યું એમાંથી આપણને જવાબ મળે છે. તેમણે કહ્યું હતું: “વર આવી પહોંચ્યો.” (માથ. ૨૫:૧૦) જુલાઈ ૧૫, ૨૦૧૩ના ચોકીબુરજમાં આપણે માથ્થી ૨૪ અને ૨૫ અધ્યાયમાંની ભવિષ્યવાણી વિશે શીખી ગયા. એમાં જોયું કે, ઈસુએ તેમના ‘આવવા’ વિશે આઠ વાર જણાવ્યું છે. ઈસુનું ‘આવવું’ કયા સમયગાળાને બતાવે છે? તેમનું આવવું, મોટી વિપત્તિ દરમિયાન થશે, જ્યારે તે ન્યાયાધીશ તરીકે આવશે અને આ દુષ્ટ જગતનો નાશ કરશે. તેથી, આપણે કહી શકીએ કે ઈસુએ આપેલું એ દૃષ્ટાંત છેલ્લા દિવસોને લાગુ પડે છે, પણ તેમનું ‘આવવું’ મોટી વિપત્તિ દરમિયાન થશે.

૬. દૃષ્ટાંતમાંથી કયો મૂળ બોધપાઠ મળે છે?

એ દૃષ્ટાંતમાંથી કયો મૂળ બોધપાઠ મળે છે? યાદ કરો કે એ દૃષ્ટાંત આપતા પહેલાં, ઈસુએ શાના વિશે વાત કરી છે. માથ્થી ૨૪ના અંતમાં તેમણે વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરની ચર્ચા કરી છે. એ ચાકર, અભિષિક્ત ભાઈઓના એક નાના સમૂહને બતાવે છે, જે છેલ્લા દિવસો દરમિયાન ખ્રિસ્તના શિષ્યોમાં આગેવાની લેશે. ઈસુએ તેઓને પોતાની વફાદારી જાળવી રાખવા વિશે સાવધ કર્યા. એ પછી ઈસુ ૨૫મા અધ્યાયમાં દસ કુમારિકાઓનું દૃષ્ટાંત કહે છે. એના દ્વારા તે છેલ્લા દિવસોના સમયગાળાના તેમના બધા અભિષિક્તોને સલાહ આપે છે. એ દૃષ્ટાંતનો બોધપાઠ ‘જાગતા રહેવા’ વિશે છે, જેથી અભિષિક્તો સ્વર્ગનું ઇનામ ન ગુમાવે. (માથ. ૨૫:૧૩) ચાલો, આપણે એ દૃષ્ટાંત વિશે વિચારીએ અને જોઈએ કે એની સલાહ અભિષિક્તોએ કઈ રીતે લાગુ પાડી છે.

અભિષિક્તો કઈ રીતે દૃષ્ટાંતનો બોધપાઠ લાગુ પાડે છે?

૭, ૮. (ક) શાને લીધે સમજદાર કુમારિકાઓ તૈયાર હતી? (ખ) અભિષિક્તો કઈ રીતે તૈયાર છે?

દૃષ્ટાંતમાં ઈસુ ભાર મૂકે છે કે મૂર્ખ કુમારિકાઓની સરખામણીમાં સમજદાર કુમારિકાઓ વરના આવવાના સમયે તૈયાર હતી. શાને લીધે? સમજદાર કુમારિકાઓ સુસજ્જ અને સજાગ હતી. જોકે, દસેય દસ કુમારિકાઓએ સજાગ રહેવાનું હતું અને રાત્રિ દરમિયાન પોતાની મશાલો સળગતી રાખવાની હતી. એમ કરવા સમજદાર કુમારિકાઓએ વધારાનું તેલ લીધું હતું. તેથી, તેઓ તૈયાર રહી શકી. જ્યારે કે મૂર્ખ કુમારિકાઓએ એમ કર્યુ નહિ. ચાલો, હવે વિચારીએ કે વફાદાર અભિષિક્ત ખ્રિસ્તીઓ કઈ રીતે ઈસુના આવવાને લઈને તૈયાર છે.

અભિષિક્તો આ જગતના અંત સુધી પોતાની સોંપણી પ્રમાણે કરવા તૈયાર છે. તેઓ સમજ્યા છે કે ઈશ્વરની સેવા કરવા માટે તેઓએ શેતાનના જગતમાંથી મળતી સુખ-સાહેબી જતી કરવી પડશે. એમ કરવાની તેઓ ઇચ્છા પણ બતાવે છે. તેઓએ યહોવાની સેવા વફાદારીથી કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. તેઓએ અંત નજીક હોવાથી નહિ, પણ યહોવાને અને તેમના દીકરા ઈસુને ખૂબ ચાહતા હોવાથી એ નિર્ણય લીધો છે. તેઓ પોતાની વફાદારી જાળવી રાખવા સખત પ્રયત્નો કરે છે. શેતાનના જગતની મોહમાયા, અનૈતિકતા અને સ્વાર્થી વલણના રંગે તેઓ જરા પણ રંગાતા નથી. સમજદાર કુમારિકાઓ પોતાની મશાલો લઈને તૈયાર હતી. એ જ રીતે, અભિષિક્તો પણ જ્યોતિઓની જેમ પ્રકાશી રહ્યા છે. તેઓ વરના આવવા માટે ધીરજથી રાહ જોઈ રહ્યા છે. ભલે પછી, વરને આવવામાં મોડું થતું હોય એમ લાગે.—ફિલિ. ૨:૧૫.

૯. (ક) ઈસુના કયા શબ્દોથી સજાગ રહેવા વિશે ચેતવણી મળે છે? (ખ) “જુઓ, વર આવ્યો!” એવા પોકારને અભિષિક્તોએ કેવો જવાબ આપ્યો છે? (ફૂટનોટ પણ જુઓ.)

સમજદાર કુમારિકાઓ સજાગ હોવાને કારણે પણ વરના આવવાને સમયે તૈયાર હતી. પરંતુ, વરને આવવામાં મોડું થઈ રહ્યું છે, એમ માનીને બધી જ કુમારિકાઓ “ઝોકાં ખાઈને ઊંઘી ગઈ.” શું એમ બનવું અભિષિક્ત ખ્રિસ્તીઓના કિસ્સામાં પણ શક્ય છે? હા, કદાચ તેઓ પણ ખ્રિસ્તના આવવાની રાહ જોતા “ઊંઘી” જઈ શકે, એટલે કે તેઓનું ધ્યાન ભટકી જઈ શકે. ઈસુ સારી રીતે સમજતા હતા કે, તેમના આવવાની રાહ જોતા કોઈનું પણ ધ્યાન ભટકી શકે. પછી ભલેને, એ વ્યક્તિ ઈસુના આવવાને લઈને ગમે તેટલી તૈયાર અને આતુર કેમ ન હોય! તેથી, વફાદાર અભિષિક્ત ખ્રિસ્તીઓ જાગતા રહેવા માટે સખત મહેનત કરે છે. દૃષ્ટાંતમાં “જુઓ, વર આવ્યો!” એ પોકારને દસેય દસ કુમારિકાઓ ધ્યાન આપે છે. પરંતુ, તેઓમાં ફક્ત તૈયાર કુમારિકાઓ અંત સુધી ટકી રહે છે. (માથ. ૨૫:૫, ૬; ૨૬:૪૧) છેલ્લા દિવસો દરમિયાન વફાદાર અભિષિક્ત ખ્રિસ્તીઓએ પણ એમ કર્યું છે. તેઓ “જુઓ, વર આવ્યો!” એ પોકાર પ્રત્યે ધ્યાન આપીને જાગૃત રહ્યા છે. ઈસુ આવવાની તૈયારીમાં છે, એના ઠોસ પુરાવાઓને તેઓએ સ્વીકાર્યા છે અને તેઓ ઈસુના આવવા માટે તૈયાર છે. * ચાલો, હવે એ દૃષ્ટાંતના અંત વિશે જોઈએ અને એમાં જે સમયગાળા વિશે જણાવ્યું છે એના પર ધ્યાન આપીએ.

સમજદારને ઇનામ અને મૂર્ખને સજા

૧૦. કુમારિકાઓ વચ્ચેની વાતચીત વિશે કયો સવાલ થઈ શકે?

૧૦ દૃષ્ટાંતના અંત ભાગમાં મૂર્ખ કુમારિકાઓ સમજદાર કુમારિકાઓ પાસે તેલ માંગે છે. પણ સમજદાર કુમારિકાઓ મદદ કરવાની મના કરે છે. (માથ્થી ૨૫:૮, ૯ વાંચો.) તેથી સવાલ થાય કે, વફાદાર અભિષિક્તોએ ક્યારે મદદની જરૂરવાળાને મના કરી છે? યાદ કરો કે દૃષ્ટાંતમાં કયો સમયગાળો બતાવવામાં આવ્યો છે. વરનું આવવું, એટલે કે ઈસુનું ન્યાય કરવા આવવું મોટી વિપત્તિના અંતિમ ભાગમાં થશે. તેથી, કુમારિકાઓ વચ્ચેની વાતચીત મોટી વિપત્તિનો અંત આવે એના થોડા જ સમય પહેલાં થવી જોઈએ. આપણે એવું શાને આધારે કહી શકીએ? કેમ કે, એ સમય સુધીમાં અભિષિક્તોને આખરી મુદ્રા મળી ચૂકી હશે.

૧૧. (ક) મોટી વિપત્તિ શરૂ થાય એની પહેલાં શું થશે? (ખ) સમજદાર કુમારિકાઓ મૂર્ખ કુમારિકાઓને બહાર જઈને તેલ વેચાતું લઈ આવવા કહે છે, એનો શો અર્થ થાય છે?

૧૧ તેથી, મોટી વિપત્તિ શરૂ થાય એ પહેલાં પૃથ્વી પરના બધા જ વફાદાર અભિષિક્તો પર આખરી મુદ્રા થઈ ગઈ હશે. (પ્રકટી. ૭:૧-૪) ત્યારથી તેઓને પૂરેપૂરી ખાતરી થશે કે તેઓ ચોક્કસ સ્વર્ગમાં જશે. પરંતુ, મોટી વિપત્તિ અગાઉનાં વર્ષોનો વિચાર કરો. જે અભિષિક્તો જાગતા નહિ રહે અને પોતાની વફાદારી જાળવવી નહિ રાખે, તેઓનું શું થશે? તેઓ પર આખરી મુદ્રા નહિ થાય. તેઓની જગ્યા લેવા એ સમય સુધીમાં બીજા વફાદાર સેવકો અભિષિક્ત થઈ ચૂક્યા હશે. એક વાર મોટી વિપત્તિ શરૂ થઈ જશે પછી, મૂર્ખ જનો બાબેલોનનો નાશ થતો જોઈને ચોંકી જશે. એ વખતે તેઓને ભાન થશે કે પોતે ઈસુના આવવા માટે તૈયાર નથી. એ સમયે, જો તેઓ મદદ માટે હાથ લંબાવે તો શું થશે? એનો જવાબ દૃષ્ટાંતમાં આપ્યો છે. સમજદાર કુમારિકાઓ મૂર્ખ કુમારિકાઓને તેલ આપવાની મના કરે છે. એને બદલે, તેઓને બહાર જઈને તેલ વેચાતું લાવવા જણાવવામાં આવે છે. એ સમય ‘મધરાત’નો હોવાથી તેઓને તેલ આપવા ત્યાં કોઈ હોતું નથી. હવે બહુ મોડું થઈ ગયું હોય છે!

૧૨. (ક) આખરી મુદ્રા થતા પહેલાં, જે અભિષિક્તો વફાદાર ન રહે તેઓ સાથે મોટી વિપત્તિ દરમિયાન શું બનશે? (ખ) જેઓ મૂર્ખ કુમારિકા જેવા છે તેઓને કયો જવાબ મળશે?

૧૨ મોટી વિપત્તિ દરમિયાન, વફાદાર અભિષિક્ત જનો એવા કોઈને મદદ નહિ કરી શકે, જેઓ વફાદાર ન રહ્યા હોય. મદદ માટે એ સમયે બહુ મોડું થઈ ગયું હશે. તો પછી, વફાદાર ન રહેનારનું શું થશે? નોંધ લો કે જે મૂર્ખ કુમારિકાઓ તેલ ખરીદવા બહાર ગઈ તેઓ સાથે શું થયું. કલમ જણાવે છે: “વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું.” ઈસુ જ્યારે મોટી વિપત્તિના અંત ભાગમાં મહિમા સાથે આવશે, ત્યારે તે વફાદાર અભિષિક્ત જનોને સ્વર્ગમાં એકઠા કરશે. (માથ. ૨૪:૩૧; ૨૫:૧૦; યોહા. ૧૪:૧-૩; ૧ થેસ્સા. ૪:૧૭) પરંતુ, વફાદારી નહિ જાળવનારને ઈસુ ત્યજી દેશે. મૂર્ખ કુમારિકાઓની જેમ તેઓ પણ કહેશે: “ઓ સ્વામી, સ્વામી, અમારે માટે ઉઘાડ!” તેઓને ઈસુ શો જવાબ આપશે? દુઃખની વાત છે કે ઈસુ તેઓને એ જ જવાબ આપશે, જે બકરાં જેવા લોકોને આપશે: “હું તમને ખચીત કહું છું કે હું તમને ઓળખતો નથી.”—માથ. ૭:૨૧-૨૩; ૨૫:૧૧, ૧૨.

૧૩. (ક) અભિષિક્તોમાંના ઘણા વફાદાર નહિ રહે, એવું શા માટે ન કહી શકાય? (ખ) ઈસુએ આપેલા દૃષ્ટાંતથી કઈ રીતે જાણી શકાય કે અભિષિક્ત ખ્રિસ્તીઓમાં તેમને પૂરો ભરોસો છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૩ શું ઈસુ એવું કહેવા માંગતા હતા કે ઘણા અભિષિક્તો વફાદાર નહિ રહે અને તેઓની જગ્યાએ બીજાઓને પસંદ કરવા પડશે? ના. માથ્થીના ૨૪મા અધ્યાયમાં વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને એક ચેતવણી આપવામાં આવી છે. ઈસુએ તેને ભૂંડો ચાકર ન બનવા ચેતવ્યો. પરંતુ, એનો અર્થ એમ નથી કે ઈસુ એવી અપેક્ષા રાખતા હતા કે તે ચાકર દુષ્ટ બનશે જ. એવી જ રીતે, દસ કુમારિકાઓનું દૃષ્ટાંત એક ચેતવણી તરીકે આપવામાં આવ્યું છે. દૃષ્ટાંતમાં પાંચ કુમારિકાઓ મૂર્ખ અને પાંચ સમજદાર હતી. એનો અર્થ એવો નથી કે અભિષિક્તોમાંથી અડધા ભાગના વફાદાર નહિ રહે. એ બતાવે છે કે દરેક અભિષિક્ત પાસે પસંદગી રહેલી છે. તે પોતે નક્કી કરી શકે કે તે તૈયાર અને સજાગ રહેશે, કે પછી મૂર્ખ અને બિનવફાદાર બનશે. પાઊલે પણ એવી જ ચેતવણી પોતાનાં અભિષિક્ત ભાઈ-બહેનોને આપી હતી. (હિબ્રૂ ૬:૪-૯ વાંચો; વધુ માહિતી: પુનર્નિયમ ૩૦:૧૯) તેમણે તેઓને સ્પષ્ટ રીતે ચેતવ્યાં. જોકે, તેમને પૂરો ભરોસો હતો કે તેમનાં સાથી અભિષિક્ત ભાઈ-બહેનો પોતાનું ઇનામ મેળવશે જ. એવી જ રીતે, ઈસુનું દૃષ્ટાંત પણ ચેતવણીરૂપ હતું. તેમને પણ અભિષિક્તોમાં એવો જ મક્કમ ભરોસો હતો. તે જાણે છે કે તેમનો દરેક અભિષિક્ત સેવક પોતાની વફાદારી જાળવી શકે છે અને અદ્ભુત ઇનામ મેળવી શકે છે.

ખ્રિસ્તનાં “બીજાં ઘેટાં” કઈ રીતે લાભ મેળવી શકે?

૧૪. શા માટે કહી શકાય કે દસ કુમારિકાઓના દૃષ્ટાંતમાંથી “બીજાં ઘેટાં” પણ લાભ મેળવી શકે છે?

૧૪ ઈસુએ આપેલું એ દૃષ્ટાંત અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે હતું. પણ શું “બીજાં ઘેટાં” પણ એમાંથી લાભ મેળવી શકે? (યોહા. ૧૦:૧૬) હા. દૃષ્ટાંતનો બોધપાઠ એકદમ સરળ છે કે, “જાગતા રહો.” ઈસુએ એકવાર કહ્યું હતું, “જે હું તમને કહું છું તે સર્વને કહું છું, કે જાગતા રહો.” (માર્ક ૧૩:૩૭) ઈસુ ચાહે છે કે તેમના બધા જ શિષ્યો તૈયાર અને સજાગ રહે. એ માટે બીજાં ઘેટાં પણ અભિષિક્તોના ઉદાહરણને અનુસરી શકે, જેઓએ સેવાકાર્યને જીવનમાં સૌથી પ્રથમ મૂક્યું છે. ઈશ્વરને વફાદાર રહેવાનો નિર્ણય દરેકે જાતે કરવો પડશે. દૃષ્ટાંતમાં સમજદાર કુમારિકાઓ પાસેથી મૂર્ખ કુમારિકાઓ તેલ માંગે છે. તેઓની એ માંગણી પૂરી કરવામાં આવતી નથી. એ આપણને યાદ અપાવે છે કે આપણા બદલે કોઈ બીજું વફાદાર રહી શકે નહિ. આપણા વતી બીજું કોઈ સત્યમાં ટકી શકે નહિ કે સજાગ રહી શકે નહિ. આપણે દરેકે અદલ ન્યાયાધીશ ઈસુ ખ્રિસ્તને જાતે જવાબ આપવો પડશે. તે જલદી જ આવી રહ્યા છે. એટલે, આપણે તૈયાર રહેવું જ જોઈએ!

આપણા વતી બીજું કોઈ વફાદાર કે સજાગ રહી શકતું નથી

૧૫. શા માટે ખ્રિસ્ત અને તેમની કન્યાના લગ્નને લઈને સાચા ખ્રિસ્તીઓમાં ઉત્સાહ છવાયેલો છે?

૧૫ ઈસુના એ દૃષ્ટાંતમાં જે લગ્નનો ઉલ્લેખ થયો છે, એને લઈને બધા જ સાચા ખ્રિસ્તીઓ ઉત્સાહી છે. આવનાર સમયમાં, આર્માગેદનના યુદ્ધ પછી, અભિષિક્તો ઈસુ ખ્રિસ્તની કન્યા બનશે. (પ્રકટી. ૧૯:૭-૯) સ્વર્ગમાંના એ લગ્નથી પૃથ્વી પરના દરેકને લાભ થશે. કારણ કે, એ બધા જ મનુષ્યો માટે એક સંપૂર્ણ સરકારની ખાતરી આપે છે. ભલે આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની, ચાલો આપણે બધા જ તૈયાર અને જાગતા રહેવાનો ઇરાદો મક્કમ બનાવીએ. એમ કરીશું તો જ આપણે યહોવા તરફથી ભાવિમાં મળનારા અદ્ભુત આશીર્વાદો માણી શકીશું!

^ ફકરો. 9 દૃષ્ટાંતમાં “જુઓ, વર આવ્યો!” એ પોકાર વચ્ચે (કલમ ૬) અને વરના આવવા (કલમ ૧૦) વચ્ચે, એક સમયગાળો બતાવવામાં આવ્યો છે. છેલ્લા દિવસો દરમિયાન અભિષિક્ત જનો જાગતા રહ્યા છે. તેઓ ઈસુની હાજરી દર્શાવતી નિશાનીઓ પારખી શક્યા છે. એ કારણે, તેઓ જાણે છે કે ઈશ્વરના રાજ્યમાં ઈસુ રાજ કરી રહ્યા છે. તેમ છતાં, ઈસુ આવે ત્યાં સુધી તેઓએ જાગતા રહેવું જ પડશે.