સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ્રિસ્તના ભાઈઓને વફાદાર રહીને મદદ આપીએ

ખ્રિસ્તના ભાઈઓને વફાદાર રહીને મદદ આપીએ

‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે એ કર્યું એટલે એ મને કર્યું.’—માથ. ૨૫:૪૦.

૧, ૨. (ક) ઈસુ પોતાના ખાસ દોસ્તોને કયાં દૃષ્ટાંતો કહે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) ઘેટાં અને બકરાંના દૃષ્ટાંત વિશે આપણે શું જાણવાની જરૂર છે?

ઈસુ ખ્રિસ્ત પોતાના ખાસ દોસ્તો પીતર, આંદ્રિયા અને યોહાન સાથે અમુક રોમાંચક બનાવો વિશે વાતો કરી રહ્યા છે. ઈસુ તેઓને વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરના, દસ કુમારિકાના અને તાલંતના દૃષ્ટાંતો કહે છે. પછી, ઈસુ તેઓને બીજું એક દૃષ્ટાંત કહે છે. એમાં તે એ સમય વિશે જણાવે છે, જ્યારે “માણસનો દીકરો” બધી “દેશજાતિઓ”નો ન્યાય કરશે. તે કહે છે કે, “માણસનો દીકરો” લોકોને બે સમૂહમાં જુદા પાડશે, એકને તે ઘેટાં તરીકે ઓળખાવે છે અને બીજાને બકરાં. ઈસુ ત્રીજા એક મહત્ત્વના સમૂહની પણ વાત કરે છે, જેને તે રાજાના ‘ભાઈઓ’ તરીકે ઓળખાવે છે.—માથ્થી ૨૫:૩૧-૪૬ વાંચો.

પ્રેરિતોની જેમ, યહોવાના આપણા સમયના સેવકો પણ એ દૃષ્ટાંતમાં રસ લે છે. કેમ કે, એમાં લોકોના જીવનનો સવાલ છે. ઈસુએ કહ્યું હતું કે કેટલાક અનંતજીવન મેળવશે અને બીજાઓ નાશ પામશે. તેથી, એ બહુ જરૂરી છે કે આપણે એ દૃષ્ટાંતનો અર્થ સમજીએ અને જાણીએ કે અનંતજીવન મેળવવા આપણે શું કરવું જોઈએ. માટે ચાલો, આપણે આ લેખમાં આ પ્રશ્નોના જવાબ મેળવીએ: દૃષ્ટાંત સમજવા યહોવાએ કઈ રીતે મદદ કરી છે? આપણે કઈ રીતે જાણી શકીએ કે એ દૃષ્ટાંત પ્રચારકાર્ય કરવા પર ભાર મૂકે છે? પ્રચાર કોણે કરવો જોઈએ? અને શા માટે હમણાં “રાજા” અને તેમના “ભાઈઓ”ને આપણે વફાદાર રહેવું બહુ મહત્ત્વનું છે?

દૃષ્ટાંત સમજવા યહોવાની મદદ

૩, ૪. (ક) આ દૃષ્ટાંત સમજવા આપણે શું જાણવાની જરૂર છે? (ખ) વર્ષ ૧૮૮૧ના વૉચ ટાવરમાં એ દૃષ્ટાંતને કઈ રીતે સમજાવવામાં આવ્યું હતું?

ઘેટાં અને બકરાંના દૃષ્ટાંતનો અર્થ જાણવા માટે આપણે આ ત્રણ પ્રશ્નોના જવાબ મેળવવાની જરૂર છે: (૧) “માણસનો દીકરો” કે “રાજા” કોણ છે? ઘેટાં અને બકરાં તેમજ રાજાના “ભાઈઓ” કોણ છે? (૨) “માણસનો દીકરો” ક્યારે ઘેટાં અને બકરાંને જુદાં પાડશે અથવા તેઓનો ન્યાય કરશે? (૩) શા માટે કેટલાક લોકોને ઘેટાં અને બીજાઓને બકરાં કહેવામાં આવ્યા છે?

વર્ષ ૧૮૮૧ના વૉચ ટાવરમાં જણાવવામાં આવ્યું હતું કે “માણસનો દીકરો” અથવા “રાજા” એ ઈસુ છે. એમાં એમ પણ સમજાવ્યું હતું કે રાજાના “ભાઈઓ”માં તેઓનો સમાવેશ થાય છે, જેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે. ઉપરાંત, ખ્રિસ્તના “ભાઈઓ”માં પૃથ્વી પરના એ બધા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ સંપૂર્ણ થયા હશે. એટલું જ નહિ, એ વૉચ ટાવરમાં એમ પણ જણાવ્યું હતું કે ખ્રિસ્તનાં હજાર વર્ષના રાજ દરમિયાન લોકોને જુદા પાડવામાં આવશે. જેઓ જીવનના દરેક પાસામાં ઈશ્વરના પ્રેમને અનુસરશે તેઓ ઘેટાં તરીકે ઓળખાશે.

૫. ઈશ્વરના લોકો ૧૯૨૩માં એ દૃષ્ટાંતને કઈ રીતે સમજ્યા હતા?

થોડાં વર્ષો પછી, યહોવાએ તેમના સેવકોને એ દૃષ્ટાંત વધુ સ્પષ્ટ રીતે સમજવા મદદ આપી. ઑક્ટોબર ૧૫, ૧૯૨૩ના વૉચ ટાવરમાં જણાવવામાં આવ્યું કે “માણસનો દીકરો” ઈસુ છે. પરંતુ, તેમના “ભાઈઓ”માં ફક્ત એ લોકોનો સમાવેશ થાય છે, જેઓ ઈસુ સાથે રાજ કરશે. તેઓ બધા એ હજાર વર્ષના રાજ દરમિયાન સ્વર્ગમાં જ હશે. એ વૉચ ટાવરમાં ઘેટાંના સમૂહ વિશે પણ ચોખવટ થઈ. ઘેટાંનો સમૂહ એ લોકોને રજૂ કરે છે, જેઓ ઈસુ અને તેમના ભાઈઓના રાજ હેઠળ પૃથ્વી પરનું જીવન માણતા હશે. દૃષ્ટાંત પ્રમાણે એ લોકો રાજાના ભાઈઓને ન્યાયના કામમાં અથવા ઘેટાં-બકરાં જુદાં કરવામાં મદદ કરશે. તેથી એ બનાવ હજાર વર્ષનું રાજ શરૂ થતા પહેલાં, ઈસુના અભિષિક્ત ભાઈઓ પૃથ્વી પર હશે ત્યારે બનવો જોઈએ. એ લેખમાં એમ પણ લખ્યું હતું કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે અને માને છે કે ઈશ્વરનું રાજ્ય એક સારું જીવન આપશે, તેઓ ઘેટાં સાબિત થશે.

૬. વર્ષ ૧૯૯૫માં કઈ રીતે આપણી સમજણમાં ફેરફાર થયો?

ઘણાં વર્ષો સુધી આપણે માનતા હતા કે અંતના સમયમાં પ્રચારકાર્ય દ્વારા લોકોનો ન્યાય કરવામાં આવશે. લોકો આપણો સંદેશો સ્વીકારતા ત્યારે તેઓ ઘેટાં કહેવાતા અને સંદેશો નકારતા ત્યારે બકરાં કહેવાતા. પરંતુ, ૧૯૯૫માં આપણી એ સમજણમાં ફેરફાર આવ્યો. એ વર્ષના ચોકીબુરજમાં માથ્થી ૨૪:૨૯-૩૧ (વાંચો) અને માથ્થી ૨૫:૩૧, ૩૨ (વાંચો) વચ્ચે સરખામણી બતાવવામાં આવી. તેમ જ, એ પણ જણાવવામાં આવ્યું કે જ્યારે માણસનો દીકરો એટલે કે ઈસુ, મોટી વિપત્તિ દરમિયાન “પોતાના મહિમામાં” આવશે, ત્યારે તે લોકોનો ન્યાય કરશે. *

૭. હવે એ દૃષ્ટાંતની સ્પષ્ટ સમજણ શી છે?

આજે, આપણે ઘેટાં અને બકરાંનું દૃષ્ટાંત સ્પષ્ટ રીતે સમજીએ છીએ. આપણે જાણીએ છીએ કે “માણસનો દીકરો” અથવા “રાજા,” ઈસુ છે. રાજાના “ભાઈઓ” એ લોકો છે, જેઓ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયેલા છે અને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાના છે. (રોમ. ૮:૧૬, ૧૭) “ઘેટાં” અને “બકરાં” બધા દેશના લોકોને રજૂ કરે છે. તેઓનો ન્યાય મોટી વિપત્તિના અંતમાં કરવામાં આવશે, જે બહુ જલદી જ શરૂ થવાની છે. આપણે જાણીએ છીએ કે ઈસુ એ લોકોનો ન્યાય શાના આધારે કરશે. એ લોકો પૃથ્વી પરના અભિષિક્તો સાથે જે રીતે વર્ત્યા એના આધારે તેઓનો ન્યાય થશે. આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તેમણે વર્ષો દરમિયાન આ દૃષ્ટાંતને સમજવા મદદ કરી છે. તેમ જ, માથ્થી ૨૪ અને ૨૫નાં બીજાં દૃષ્ટાંતોની સમજણ પણ આપી છે.

એ દૃષ્ટાંત પ્રચારના મહત્ત્વ વિશે શીખવે છે

૮, ૯. શા માટે ઈસુએ ઘેટાંને “ન્યાયી” કહ્યાં?

ઘેટાં અને બકરાંના દૃષ્ટાંતમાં ઈસુએ ક્યાંય “પ્રચાર” કે “પ્રચારકાર્ય” જેવા શબ્દો વાપર્યા નથી. તો પછી આપણે શાના આધારે કહી શકીએ કે દૃષ્ટાંત, પ્રચારકાર્ય કરવા પર ઘણું મહત્ત્વ આપે છે?

જવાબ મેળવવા, ધ્યાનમાં રાખીએ કે ઈસુ પોતાના શિષ્યોને એ દૃષ્ટાંત દ્વારા એક બોધપાઠ શીખવવા માંગતા હતા. તે કંઈ ખરેખર ઘેટાં અને બકરાંની વાત કરતા ન હતા. એ જ રીતે, તેમનો અર્થ એવો ન હતો કે વ્યક્તિનો ન્યાય ઘેટાં તરીકે થાય એ માટે, તેણે ખરેખર અભિષિક્તોને ખોરાક અને કપડાં આપેલાં હોવાં જોઈએ, માંદગીમાં દેખભાળ લીધી હોવી જોઈએ અથવા કેદમાં મુલાકાત લીધી હોવી જોઈએ. ઘેટાંને ઈસુ “ન્યાયીઓ” તરીકે વર્ણવે છે. શા માટે? કારણ કે તેઓ અભિષિક્તોને ઈસુના ભાઈઓ ગણે છે અને મુશ્કેલીભર્યા આ છેલ્લા દિવસોમાં પણ તેઓ અભિષિક્તોને વફાદાર રહે છે.—માથ. ૧૦:૪૦-૪૨; ૨૫:૪૦, ૪૬; ૨ તીમો. ૩:૧-૫.

૧૦. ઘેટાં કઈ રીતે ખ્રિસ્તના ભાઈઓને મદદ કરી શકે?

૧૦ ઈસુએ, ઘેટાં અને બકરાંનું દૃષ્ટાંત આપ્યું ત્યારે, અંતના સમયમાં શું બનશે એ વિશે તે વાત કરી રહ્યા હતા. (માથ. ૨૪:૩) તેમણે કહ્યું: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે.’ (માથ. ૨૪:૧૪) ઈસુએ ઘેટાં અને બકરાંના દૃષ્ટાંતની અગાઉ તાલંતનું દૃષ્ટાંત આપ્યું હતું. એમાં તેમણે શીખવ્યું કે અભિષિક્તોએ પ્રચારકાર્યમાં મહેનત કરવી જ જોઈએ. પરંતુ, આજે પૃથ્વી પર અભિષિક્તો ઓછી સંખ્યામાં બાકી રહ્યા છે અને કામ અઢળક છે. જગતના અંત પહેલાં અભિષિક્તોએ “સર્વ પ્રજાઓમાં” રાજ્યની ખુશખબર ફેલાવવાની છે. તેઓ એ કામ કઈ રીતે પૂરું કરી શકશે? ઘેટાં અને બકરાંના દૃષ્ટાંતમાં આપણે શીખી ગયા તેમ ઈસુના ભાઈઓને “ઘેટાં” મદદ કરે છે. મદદ આપવાની એક સારી રીત કઈ છે? એ જ કે, ઈસુના ભાઈઓને પ્રચારકાર્યમાં પૂરો સાથ-સહકાર આપવો. શું એ માટે ફક્ત પૈસેટકે મદદ કરવી કે તેઓને ઉત્તેજન આપવું પૂરતું છે?

પ્રચારકાર્ય કોણે કરવું જોઈએ?

૧૧. કયો સવાલ ઊભો થઈ શકે અને શા માટે?

૧૧ આજે, ઈસુના ૮૦ લાખ શિષ્યો છે, જેમાંથી મોટા ભાગના અભિષિક્ત નથી. ઈસુએ તેઓને તાલંત નથી આપ્યાં. તેમણે તો અભિષિક્ત ભાઈઓને તાલંત આપ્યાં છે. (માથ. ૨૫:૧૪-૧૮) તેથી, કોઈને સવાલ થાય કે, “ઈસુએ જેઓને તાલંત આપ્યાં નથી, શું તેઓએ પ્રચાર કરવો જોઈએ?” ચાલો, આપણે એનો જવાબ મેળવીએ.

૧૨. માથ્થી ૨૮:૧૯, ૨૦ના ઈસુના શબ્દોમાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ ઈસુએ પ્રચાર કરવાની આજ્ઞા પોતાના બધા શિષ્યોને આપી. સજીવન થયા પછી ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ બીજાઓને પણ ‘શિષ્ય બનાવે’ અને તેઓને ઈસુએ આપેલી ‘સર્વ આજ્ઞા પાળવાનું શીખવતા જાય.’ એ નવા શિષ્યોએ પણ ઈસુની પ્રચાર કરવાની આજ્ઞા પાળવાની હતી. (માથ્થી ૨૮:૧૯, ૨૦ વાંચો.) તેથી, એમાં કોઈ શંકા નથી કે, આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની, આપણે બધાએ પ્રચાર કરવો જ જોઈએ.—પ્રે.કૃ. ૧૦:૪૨.

૧૩. યોહાને જોયેલા સંદર્શનમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ પ્રકટીકરણના પુસ્તકમાંથી શીખવા મળે છે કે અભિષિક્તો ઉપરાંત બીજાઓ દ્વારા પણ પ્રચારકાર્ય કરાશે. ઈસુએ આપેલાં સંદર્શનમાં પ્રેરિત યોહાન એક “કન્યા”ને જુએ છે, જે લોકોને આમંત્રણ આપે છે કે આવીને જીવનનું પાણી પીવે. એ કન્યા તો ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરનાર ૧,૪૪,૦૦૦ અભિષિક્તોને રજૂ કરે છે. (પ્રકટી. ૧૪:૧, ૩; ૨૨:૧૭) પાણી, ઈસુના બલિદાનને રજૂ કરે છે. એ બલિદાનથી લોકોને પાપ અને મરણ વિનાનું જીવન મેળવવા મદદ મળશે. (માથ. ૨૦:૨૮; યોહા. ૩:૧૬; ૧ યોહા. ૪:૯, ૧૦) અભિષિક્તો લોકોને ઉત્સાહથી જણાવી રહ્યા છે કે, લોકો કઈ રીતે ઈસુના બલિદાનમાંથી લાભ મેળવી શકે. (૧ કોરીં. ૧:૨૩) યોહાનને થયેલું સંદર્શન લોકોના બીજા એક સમૂહ વિશે પણ જણાવે છે, જેઓ અભિષિક્ત નથી અને પૃથ્વી પર જીવવાની આશા ધરાવે છે. તેઓને પણ આજ્ઞા કરવામાં આવી છે કે લોકોને ‘આવો!’ કહેવામાં જોડાય. તેઓ બીજાઓને ખુશખબર જણાવીને એ આજ્ઞા પાળે છે. તેથી, એ સંદર્શન દર્શાવે છે કે જે કોઈ સત્યનો સ્વીકાર કરે છે, તેણે બીજાઓને પ્રચાર કરવો જ જોઈએ.

૧૪. આપણે કઈ રીતે “ખ્રિસ્તનો નિયમ” પાળી શકીએ?

૧૪ જેઓ “ખ્રિસ્તનો નિયમ” પાળે છે તેઓએ પ્રચાર કરવો જ જોઈએ. (ગલા. ૬:૨) યહોવાના નિયમો તેમના બધા સેવકો માટે સરખા છે. પહેલાંના જમાનામાં ઈસ્રાએલીઓએ અને તેઓની મધ્યે રહેતા વિદેશીઓએ પણ એક સરખા નિયમો પાળવાના હતા. (નિર્ગ. ૧૨:૪૯; લેવી. ૨૪:૨૨) ખરું કે, ઈસ્રાએલીઓની જેમ આજે આપણે મુસાના નિયમોથી બંધાયેલા નથી. એને બદલે, આપણે દરેકે “ખ્રિસ્તનો નિયમ” પાળવો જ જોઈએ. પછી ભલે આપણે અભિષિક્ત હોઈએ કે નહિ. ઈસુએ શીખવેલા “નિયમ”માં સૌથી વધુ મહત્ત્વ પ્રેમ બતાવવા પર આપવામાં આવ્યું છે. (યોહા. ૧૩:૩૫; યાકૂ. ૨:૮) આપણે યહોવા, ઈસુ અને લોકોને પ્રેમ કરવો જ જોઈએ. અને પ્રેમ બતાવવાની ઉત્તમ રીત છે કે લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવીએ.—યોહા. ૧૫:૧૦; પ્રે.કૃ. ૧:૮.

૧૫. આપણે શા માટે કહી શકીએ કે ઈસુએ પોતાના બધા જ શિષ્યોને પ્રચાર કરવાની આજ્ઞા આપી હતી?

૧૫ ઈસુએ જે વાતો પોતાના અમુક શિષ્યોને કહી, એ કેટલીક વાર ઘણા શિષ્યોને લાગુ પડે છે. દાખલા તરીકે, ઈસુએ રાજ્યનો કરાર ફક્ત ૧૧ શિષ્યો સાથે કર્યો, પણ એ કરાર ૧,૪૪,૦૦૦ શિષ્યોને લાગુ પડે છે. (લુક ૨૨:૨૯, ૩૦; પ્રકટી. ૫:૧૦; ૭:૪-૮) ઈસુના સજીવન થયા પછી, તેમના થોડા જ શિષ્યોએ પ્રચાર કરવાની આજ્ઞા સાંભળી હતી. (પ્રે.કૃ. ૧૦:૪૦-૪૨; ૧ કોરીં. ૧૫:૬) પરંતુ, પ્રથમ સદીમાં તેમના બધા શિષ્યોએ એ આજ્ઞા પાળી. (પ્રે.કૃ. ૮:૪; ૧ પીત. ૧:૮) ભલે, ઈસુએ રૂબરૂ આવીને આપણામાંના કોઈને પ્રચાર કરવા કહ્યું નથી. છતાં, આપણે જાણીએ છીએ કે પ્રચાર કરવો જોઈએ. અરે, આજે ૮૦ લાખ સાક્ષીઓ પ્રચાર કરી રહ્યા છે! આપણે જાણીએ છીએ કે પ્રચાર કરવો, એ ઈસુમાં ભરોસો બતાવવાની સૌથી સારી રીત છે.—યાકૂ. ૨:૧૮.

વફાદાર બની રહેવાનો આ જ સમય છે

૧૬-૧૮. આપણે કઈ રીતે ખ્રિસ્તના ભાઈઓને મદદ કરી શકીએ? આપણે શા માટે હમણાં જ એમ કરવું જોઈએ?

૧૬ પૃથ્વી પર બાકી રહેલા ખ્રિસ્તના અભિષિક્તો પર શેતાન પોતાના હુમલાઓ દિવસે દિવસે વધારી રહ્યો છે. તે જાણે છે કે તેની પાસે હવે બસ “થોડો જ વખત” છે. (પ્રકટી. ૧૨:૯, ૧૨, ૧૭) શેતાનના સતત હુમલાઓ છતાં, અભિષિક્તો પ્રચાર કામમાં આગેવાની લઈ રહ્યા છે. તેમ જ, ઘણા મોટા પાયે ખુશખબર જાહેર કરવામાં આવી રહી છે, જે પહેલાં ક્યારેય બન્યું નથી. એ સાફ બતાવે છે કે અભિષિક્તો સાથે ઈસુ છે અને તે તેઓને દોરી રહ્યા છે.—માથ. ૨૮:૨૦.

૧૭ ખ્રિસ્તના ભાઈઓને મદદ કરવી એ તો આપણા માટે સન્માનની વાત છે! રાજ્યગૃહો, સંમેલનગૃહો અને શાખા કચેરીઓનાં બાંધકામમાં આપણે ધન-સંપત્તિ અને સમય-શક્તિ આપીને મદદ કરીએ છીએ. વડીલોને અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા નિમાયેલા બીજા ભાઈઓને આપણે દિલથી આધીન રહીએ છીએ. આમ, આપણે ખ્રિસ્તના ભાઈઓને મદદ કરવાની ઇચ્છા બતાવીએ છીએ.—માથ. ૨૪:૪૫-૪૭; હિબ્રૂ ૧૩:૧૭.

આપણે ખ્રિસ્તના ભાઈઓને ઘણી રીતોએ મદદ કરીએ છીએ (ફકરો ૧૭ જુઓ)

૧૮ જલદી જ અભિષિક્ત જનોને તેઓની આખરી મુદ્રા મળી જશે. ત્યાર પછી, સ્વર્ગદૂતો “પૃથ્વીના ચાર વાયુને” છૂટા મૂકશે અને મોટી વિપત્તિ શરૂ થશે. (પ્રકટી. ૭:૧-૩) આર્માગેદન શરૂ થાય એ પહેલાં, ઈસુ પોતાના બાકીના અભિષિક્તોને સ્વર્ગમાં લઈ લેશે. (માથ. ૧૩:૪૧-૪૩) ઈસુ આવે ત્યારે આપણો ન્યાય ઘેટાં તરીકે થાય માટે શું કરી શકીએ? ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને આપણે વફાદાર બની રહીએ. એમ કરવાનો આ જ સમય છે!

^ ફકરો. 6 આ દૃષ્ટાંતની વિગતવાર ચર્ચા માટે ઑક્ટોબર ૧૫, ૧૯૯૫ના ચોકીબુરજમાં આ બે લેખ જુઓ: “તમે ન્યાયાસન આગળ કઈ રીતે ઊભા રહેશો?” અને “ઘેટાં અને બકરાં માટે કયું ભાવિ રહેલું છે?