સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ

આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ

‘તમારા હાથ શુદ્ધ કરો અને તમારા મન પવિત્ર કરો.’—યાકૂ. ૪:૮.

૧. ઘણા લોકો શાને સામાન્ય ગણી રહ્યા છે?

આપણે બહુ જ અનૈતિક જગતમાં જીવીએ છીએ. દાખલા તરીકે, ઘણા લોકો માને છે કે સજાતીય સંબંધો બાંધવામાં કંઈ ખોટું નથી. કેટલાક એવું પણ માને છે કે લગ્નસાથી સિવાયની વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવામાં કોઈ જ વાંધો નથી. આજનાં પુસ્તકો, ફિલ્મો, ગીતો અને જાહેરાતો જાતીય અનૈતિકતાથી ખદબદે છે. (ગીત. ૧૨:૮) જ્યારે કે, યહોવા આપણને એવી રીતે જીવવા મદદ કરે છે, જેનાથી આપણે તેમને ખુશ કરી શકીએ. આપણે આ અધમ જગતમાં પણ શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ.—૧ થેસ્સાલોનીકી ૪:૩-૫ વાંચો.

૨, ૩. (ક) શા માટે મનમાંથી ખોટી ઇચ્છાઓ કાઢી નાંખવી જોઈએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવાને ખુશ કરવા આપણે એવી દરેક બાબતને નકારવી જોઈએ, જેનાથી તેમને નફરત છે. પરંતુ, જેમ ગલમાં ભરાયેલા ખોરાકથી માછલી લલચાઈ શકે, તેમ આપણે પણ પોતાની અપૂર્ણતાને લીધે ખોટાં કામો તરફ લલચાઈ શકીએ. તેથી, જો આપણા મનમાં ખોટા વિચારો આવે, તો તરત જ એને કાઢી નાંખવા જોઈએ. એમ નહિ કરીએ તો એ વિચારો આપણાં દિલોદિમાગ પર સવાર થઈ જશે. એવામાં જો લાલચ આવે તો એમાં આપણે ફસાઈ શકીએ. બાઇબલ યોગ્ય જ કહે છે: “દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે.”—યાકૂબ ૧:૧૪, ૧૫ વાંચો.

ઘડીભર માટે જાગેલી ઇચ્છા વધીને પાપનું મોટું રૂપ લઈ શકે છે. તેથી, આપણે શી ઇચ્છા રાખીએ છીએ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ, ખોટી ઇચ્છાઓને તરત નકારવી જોઈએ. આમ, આપણે ખોટાં જાતીય કામોથી અને એનાં ખરાબ પરિણામોથી બચી શકીએ છીએ. (ગલા. ૫:૧૬) આ લેખમાં આપણે ત્રણ બાબતોની ચર્ચા કરીશું, જે આપણને ખોટી ઇચ્છાઓ સામે લડવા મદદ કરશે. એ છે: (૧) યહોવા સાથેની આપણી મિત્રતા, (૨) બાઇબલમાંથી સલાહ અને (૩) બાઇબલ આધારે સારા નિર્ણયો લેતાં ભાઈ-બહેનોની મદદ.

“ઈશ્વરની પાસે જાઓ”

૪. યહોવાના મિત્ર બની રહેવું કેમ જરૂરી છે?

જેઓ ‘ઈશ્વરની પાસે જવા’ ચાહે છે, એટલે કે તેમના મિત્ર બનવા માંગે છે, તેઓને બાઇબલ આ સલાહ આપે છે: “તમારા હાથ શુદ્ધ કરો” અને “તમારાં મન પવિત્ર કરો.” (યાકૂ. ૪:૮) જો આપણે યહોવાને પાક્કા મિત્ર ગણતા હોઈશું, તો આપણે તેમને ફક્ત સારાં કાર્યોથી નહિ, પણ સારા વિચારોથી પણ ખુશ કરીશું. જો આપણા વિચારો શુદ્ધ અને પવિત્ર હશે, તો આપણું દિલ પણ એવું જ રહેશે. (ગીત. ૨૪:૩, ૪; ૫૧:૬; ફિલિ. ૪:૮) યહોવા સમજે છે કે આપણે અપૂર્ણ છીએ. તે એ પણ જાણે છે કે આપણે ખોટી બાબતો વિચારવા લાગી શકીએ. પરંતુ, આપણે તેમને નારાજ કરવા ચાહીશું નહિ. એટલે, ખોટા વિચારોને મનમાંથી કાઢી નાંખવા બનતું બધું જ કરીશું. (ઉત. ૬:૫, ૬) તેમજ, વિચારો શુદ્ધ રાખવા સખત પ્રયત્ન કરીશું.

૫, ૬. ખોટી ઇચ્છાઓ સામે લડવામાં પ્રાર્થના આપણને કઈ રીતે મદદ કરી શકે?

ખોટા વિચારો સામે લડવા આપણે પ્રાર્થનામાં યહોવાની મદદ માંગતા રહીશું તો, તે જરૂર મદદ કરશે. આપણે શુદ્ધ અને પવિત્ર આચરણ જાળવી શકીએ માટે તેમની પવિત્ર શક્તિ આપણને બળ આપશે. પ્રાર્થનામાં યહોવાને જણાવીએ કે આપણે પોતાના વિચારોથી પણ તેમને ખુશ કરવા ચાહીએ છીએ. (ગીત. ૧૯:૧૪) આપણે નમ્રભાવે તેમને પૂછીએ કે આપણા દિલમાં શું એવી કોઈ ખોટી ઇચ્છા છે, જે આપણને પાપમાં પાડી શકે. (ગીત. ૧૩૯:૨૩, ૨૪) અઘરા સંજોગોમાં પણ ખોટાં કામોથી દૂર રહેવા અને જે સારું છે એ કરવા યહોવા પાસે મદદ માંગતા રહીએ.—માથ. ૬:૧૩.

આપણે યહોવા વિશે શીખવા લાગ્યા એ પહેલાં કદાચ એવી બાબતો કરતા હતા, જેનાથી તેમને નફરત છે. બની શકે એવી ખોટી ઇચ્છાઓ હજી પણ આપણામાં જાગતી હોય. છતાં, આપણામાં પૂરેપૂરું બદલાણ લાવવા અને યહોવાને ગમતું કરવા તે આપણને મદદ કરી શકે છે. રાજા દાઊદે એ અનુભવ્યું હતું. બાથશેબા સાથે વ્યભિચારનું પાપ કર્યાનો તેમણે પસ્તાવો બતાવ્યો. તેમણે પ્રાર્થનામાં યહોવા પાસે “શુદ્ધ હૃદય” માંગ્યું. તેમજ, તેમની આજ્ઞા માને એવું મન આપવા વિનંતી કરી. (ગીત. ૫૧:૧૦, ૧૨) પરંતુ, ખોટી ઇચ્છાઓનાં મૂળ મનમાં ઊંડાં ઊતર્યાં હોય અને સારા વિચારોને ઘેરી લેતાં હોય તો શું? એવા સંજોગોમાં પણ યહોવા આપણને મદદ કરી શકે છે. તેમની આજ્ઞાઓ પાળવાની અને સારું કરવાની ઇચ્છા, તે આપણા મનમાં એટલી હદે વધારશે કે ખોટી ઇચ્છાઓ દૂર થઈ જશે. તે આપણને અયોગ્ય વિચારો પર કાબૂ રાખવા મદદ કરશે.—ગીત. ૧૧૯:૧૩૩.

મનમાં ખોટી ઇચ્છાનું બીજ ઊગે એ પહેલાં એને કાઢી નાંખો (ફકરો ૬ જુઓ)

“વચનના પાળનારા થાઓ”

૭. ખોટાં વિચારો અને ઇચ્છા તજી દેવાં બાઇબલ કઈ રીતે મદદ કરે છે?

યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ બાઇબલમાંથી આપે છે. એમાં આપણને ઈશ્વરના ડહાપણભર્યા વિચારો જોવા મળે છે. એ વિચારો શુદ્ધ અને પવિત્ર છે. (યાકૂ. ૩:૧૭) તેથી, આપણે દરરોજ બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણું મન શુદ્ધ વિચારોથી ભરાય છે. (ગીત. ૧૯:૭, ૧૧; ૧૧૯:૯, ૧૧) ઉપરાંત, બાઇબલમાં એવાં દાખલા અને ચેતવણીઓ છે, જે ખોટાં વિચારો અને ઇચ્છા તજી દેવાં આપણી મદદ કરે છે.

૮, ૯. (ક) એક યુવાન ખોટાં કામ કરનારી એક સ્ત્રી સાથે શા માટે વ્યભિચાર કરી બેઠો? (ખ) નીતિવચનો અધ્યાય ૭માં બતાવેલો કિસ્સો આપણને કેવા સંજોગો ટાળવા મદદ કરે છે?

નીતિવચનો ૫:૮માં બાઇબલ આપણને ખોટાં કામોથી દૂર રહેવા ચેતવે છે. નીતિવચનો અધ્યાય ૭માં આપણને એક યુવાનનો કિસ્સો જોવા મળે છે. તે એક રાતે એવી સ્ત્રીના ઘર પાસેથી પસાર થાય છે, જે ખોટાં કામ કરતી હતી. એ સ્ત્રી “વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ થએલી” રસ્તામાં ઊભી હોય છે. યુવાન પાસે એ સ્ત્રી આવીને તેને પકડે છે અને ચુંબન કરે છે. યુવાનને એ સ્ત્રી એવી વાતો કહે છે, જેનાથી એ યુવાનની ઇચ્છાઓ જાગી ઊઠે છે. યુવાન એ ખોટી ઇચ્છાના ઊભરાને શમાવી શકતો નથી. પરિણામે, તે સ્ત્રી સાથે વ્યભિચાર કરી બેસે છે. તે પોતાના ઘરેથી પાપ કરવાનું વિચારીને નીકળ્યો ન હતો. તોપણ, તે પાપમાં પડી જાય છે. એના લીધે, તેણે પોતાનાં કર્યાં ભોગવવાં પડે છે. જો તેણે જોખમનો વિચાર કર્યો હોત, તો એ સ્ત્રીથી દૂર રહ્યો હોત.—નીતિ. ૭:૬-૨૭.

એ યુવાનની જેમ કદાચ આપણે પણ જોખમનો વિચાર ન કરવાને લીધે ખોટા નિર્ણયો લઈ શકીએ છીએ. દાખલા તરીકે, અમુક ટી.વી. ચેનલો પર રાતના સમયે અશ્લીલ કાર્યક્રમો ચાલતા હોય છે. તેથી, ચેનલો પર શું ચાલે છે, એ જોવા એને બદલતા રહેવું જોખમી બની શકે છે. અરે, કોઈ ઇન્ટરનેટ લિન્ક કઈ વેબસાઇટ પર લઈ જશે એનો વિચાર કર્યા વગર ક્લિક કરવું પણ જોખમી છે. એ જ પ્રમાણે એવી વેબસાઇટ કે ચેટરૂમ પર જવું ફાંદામાં પાડી શકે, જ્યાં અશ્લીલ જાહેરાતો કે પોર્નોગ્રાફીની લિન્ક હોય. એ જોવાથી મનમાં ખોટી ઇચ્છાઓ જાગી શકે. અને એ આપણને યહોવાની આજ્ઞા તોડવા તરફ લઈ જઈ શકે.

૧૦. ફ્લર્ટ કરવું કેમ જોખમી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૦ બાઇબલ એ પણ જણાવે છે કે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે કેવું વર્તન હોવું જોઈએ. (૧ તીમોથી ૫:૨ વાંચો.) ઈશ્વરના સેવકો કોઈ પણ રીતે ફ્લર્ટ કરતા નથી. એટલે કે પોતાના લગ્નસાથી અથવા ભાવિ લગ્નસાથી સિવાય બીજા કોઈને રોમેન્ટિક લાગણી બતાવતા નથી. જ્યારે કે, અમુક લોકો એવું વિચારે છે કે કોઈને અડ્યા વગર ફક્ત પોતાના હાવભાવથી કે નજરોથી એવી લાગણી વ્યક્ત કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ, એમ કરવાથી તો એકબીજા સાથે ફ્લર્ટ કરનાર સ્ત્રી-પુરુષના મનમાં ખોટા વિચારો જાગી શકે. એ વિચારો અનૈતિક કામ તરફ દોરી જઈ શકે. એવું બન્યું છે અને એવું બની શકે છે.

૧૧. યુસફ પાસેથી આપણે શું શીખી શકીએ?

૧૧ આપણા માટે યુસફે સારું ઉદાહરણ બેસાડ્યું છે. પોટીફારની પત્નીએ યુસફને જાતીય સંબંધ બાંધવા લલચાવ્યો. પરંતુ, યુસફે તેને સાફ મના કરી દીધી. છતાં, એ સ્ત્રીએ તેને લલચાવવાનું બંધ કર્યું નહિ. તે દરરોજ યુસફને “તેની પાસે રહેવા” કહેતી. (ઉત. ૩૯:૭, ૮, ૧૦) બાઇબલના એક નિષ્ણાત સમજાવે છે કે, પોટીફારની પત્નીને લાગ્યું હશે કે જો તેઓ બંને એકાંતમાં હશે તો યુસફ તેની તરફ આકર્ષાશે. એ સ્ત્રીના ચેનચાળામાં ન ફસાવવાનો યુસફે પાક્કો નિર્ણય કર્યો હતો. તેમજ, તેમણે એ સ્ત્રી સામે કોઈ વળતા ચેનચાળા કર્યા નહિ. આમ, યુસફે પોતાના મનમાં ખોટી ઇચ્છાના બીજને ઊગવા દીધું નહિ. યાદ કરો કે, એ સ્ત્રીએ યુસફનું વસ્ત્ર પકડ્યું અને જાતીય સંબંધ બાંધવા દબાણ કર્યું ત્યારે યુસફે શું કર્યું? ‘તે પોતાનું વસ્ત્ર એ સ્ત્રીના હાથમાં રહેવા દઈને બહાર નાસી ગયા.’—ઉત. ૩૯:૧૨.

૧૨. આપણે જે જોતા રહીએ છીએ એની અસર આપણા દિલ પર કઈ રીતે થાય છે?

૧૨ ઈસુએ ચેતવણી આપી હતી કે આપણે જે જોતા રહીએ છીએ એની અસર આપણા દિલ પર થાય છે. એ આપણામાં વાસના જગાડી શકે છે. ઈસુએ કહ્યું હતું: ‘સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કર્યા કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.’ (માથ. ૫:૨૮) એવું જ કંઈક રાજા દાઊદ સાથે બન્યું હતું. ‘તેમણે ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ.’ (૨ શમૂ. ૧૧:૨) પરંતુ, તેમણે સ્ત્રીને જોવાનું બંધ કર્યું નહિ અને તેના વિશે વિચારતા રહ્યા. એ સ્ત્રી કોઈકની પત્ની હતી, તોપણ દાઊદે એ સ્ત્રીની ઇચ્છા રાખી અને તેની સાથે વ્યભિચાર કર્યો.

૧૩. શા માટે આપણે પોતાની આંખો સાથે “કરાર” કરવાની જરૂર છે અને એ કઈ રીતે કરી શકીએ?

૧૩ આપણે ખોટા વિચારોને મનમાં આવતા રોકવા હોય તો અયૂબને અનુસરીએ. તેમણે કહ્યું: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે.” (અયૂ. ૩૧:૧, ૭, ૯) અયૂબની જેમ આપણે પણ કદીયે કોઈને ખોટી નજરે ન જોવાનું નક્કી કરીએ. તેમજ કૉમ્પ્યુટર, જાહેરાતો, મૅગેઝિન અથવા બીજી કોઈ જગ્યાએ અશ્લીલ ચિત્રો દેખાય તો તરત જ નજર ફેરવી લઈએ.

૧૪. શુદ્ધ અને પવિત્ર રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૪ આપણે જેની ચર્ચા કરી ગયા એના પર વિચાર કરશો તો તમને શું જોવા મળી શકે? કદાચ તમને ખોટા વિચારો સામે લડવા વધારે પ્રયત્નો કરવાની જરૂર દેખાય. જો તમારે ફેરફારો કરવાની જરૂર હોય તો એ તરત જ કરવા જોઈએ. તમે યહોવાનું કહેવું માનશો તો જાતીય અનૈતિકતાથી દૂર રહી શકશો. તેમજ શુદ્ધ અને પવિત્ર રહી શકશો.—યાકૂબ ૧:૨૧-૨૫ વાંચો.

“વડીલોને બોલાવવા”

૧૫. ખોટી ઇચ્છાઓ સામે લડવું અઘરું લાગે ત્યારે મદદ માંગવી શા માટે જરૂરી છે?

૧૫ જો તમને ખોટી ઇચ્છાઓ સામે લડવું અઘરું લાગતું હોય તો શું કરશો? તમે મંડળમાં એવા કોઈની સાથે વાત કરી શકો, જેઓ ઘણાં વર્ષોથી સત્યમાં છે અને બાઇબલમાંથી સારી સલાહ આપી શકે છે. ખરું કે, પોતાની અંગત વાત બીજાને જણાવવી એ તમારા માટે સહેલું નહિ હોય. પરંતુ, મદદ માંગવી પણ જરૂરી છે. (નીતિ. ૧૮:૧; હિબ્રૂ ૩:૧૨, ૧૩) અનુભવી ભાઈ-બહેનો તમને એ જોવા મદદ કરશે કે તમારે ક્યાં સુધારા-વધારા કરવાની જરૂર છે. એ ફેરફારો કરો અને યહોવા સાથેની તમારી મિત્રતા જાળવી રાખો.

૧૬, ૧૭. (ક) જેઓને ખોટી ઇચ્છાઓ સામે લડવું અઘરું લાગે છે, તેઓને વડીલો કઈ રીતે મદદ કરી શકે? દાખલો આપો. (ખ) જેઓ પોર્નોગ્રાફીની આદતમાં પડી ગયા છે, તેઓએ કેમ તાત્કાલિક મદદ માંગવી જોઈએ?

૧૬ મંડળના વડીલો આપણને સૌથી સારી મદદ આપવા કેળવાયેલા છે. (યાકૂબ ૫:૧૩-૧૫ વાંચો.) બ્રાઝિલના એક યુવાન ભાઈનો દાખલો લો. તે વર્ષોથી ખોટી ઇચ્છાઓ સામે લડી રહ્યા હતા અને એના પર જીત મેળવવી તેમને અઘરું લાગતું હતું. તે કહે છે: ‘મને ખબર હતી કે મારા વિચારોથી યહોવા નાખુશ થાય છે. પણ મારી મુશ્કેલી વિશે બીજાઓને જણાવવામાં મને શરમ આવતી હતી.’ એક વડીલને ખ્યાલ આવ્યો કે એ યુવાનને મદદની જરૂર છે. તેથી, તેમણે તેને ઉત્તેજન આપ્યું કે તે વડીલોની મદદ લે. યુવાન કહે છે: ‘વડીલો જે રીતે મારી સાથે પ્રેમ અને દયાથી વર્ત્યા એ જોઈને મને ખૂબ નવાઈ લાગી. તેઓ મારી લાગણીઓ સમજી શક્યા. જોકે, હું પોતાને એ મદદને લાયક ગણતો ન હતો. મારી મુશ્કેલીને તેઓએ ધ્યાનથી સાંભળી. તેઓએ મને બાઇબલમાંથી ખાતરી આપી કે યહોવા મને બહુ પ્રેમ કરે છે. તેઓએ મારી સાથે પ્રાર્થના પણ કરી. તેઓના એવા પ્રેમાળ વર્તનને લીધે હું તેમની બાઇબલ આધારિત સલાહ સ્વીકારી શક્યો.’ યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કર્યા પછી, યુવાન જણાવે છે: ‘હવે હું સમજી શકું છું કે મનમાં ભાર ઊંચકીને ફરવા કરતાં બીજાની મદદ માંગીને મનનો ભાર હળવો કરવો કેટલું જરૂરી છે.’

૧૭ જો તમને પોર્નોગ્રાફી જોવાની આદત હોય તો એને છોડવા તરત જ મદદ માંગવી જોઈએ. તમે મદદ માંગવામાં જેટલું મોડું કરશો, એટલું જ વ્યભિચારમાં પડવાનું જોખમ વધશે. એવું કામ કરી બેસવાથી બીજાઓને તમે દુઃખ પહોંચાડશો અને લોકોને યહોવાનું અપમાન કરવાની તક આપશો. ઘણાં ભાઈ-બહેનો મદદ માટે વડીલોની પાસે આવ્યાં છે અને તેઓની સલાહ સ્વીકારી છે. તેઓ યહોવાને ખુશ કરવા અને મંડળનો ભાગ બની રહેવા એમ કરે છે.—ગીત. ૧૪૧:૫; હિબ્રૂ ૧૨:૫, ૬; યાકૂ. ૧:૧૫.

શુદ્ધ અને પવિત્ર રહેવાના નિર્ણયમાં મક્કમ રહો!

૧૮. તમે શું કરવાનો પાક્કો નિર્ણય કર્યો છે?

૧૮ શેતાનનું જગત વધુને વધુ અનૈતિક થતું જાય છે. જ્યારે કે, યહોવાના સેવકો પોતાના વિચારો શુદ્ધ અને પવિત્ર રાખવા અથાક પ્રયત્નો કરતા રહે છે. એવા સેવકો પર યહોવાને ગર્વ છે. ચાલો, યહોવાની નજીક રહીએ. તેમજ, બાઇબલ અને મંડળમાંથી મળતી સલાહ પ્રમાણે કરીએ. એમ કરીશું ત્યારે આપણે શુદ્ધ અંતઃકરણ જાળવી શકીશું અને ખુશ રહીશું શકીશું. (ગીત. ૧૧૯:૫, ૬) ભાવિનો વિચાર કરો, જ્યારે શેતાનનો નાશ કરવામાં આવશે. એ પછી આપણે ઈશ્વરની શુદ્ધ અને પવિત્ર નવી દુનિયામાં કાયમ માટે જીવી શકીશું.