સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૧

ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૧

‘તમારું નામ પવિત્ર મનાઓ.’—માથ. ૬:૯.

૧. માથ્થી ૬:૯-૧૩માં ઈસુએ શીખવેલી પ્રાર્થનાને આપણે પ્રચારમાં કઈ રીતે વાપરી શકીએ?

ઘણા લોકોને માથ્થી ૬:૯-૧૩ના શબ્દો મોઢે યાદ છે. પ્રચારમાં આપણે એ પ્રાર્થનાથી શીખવીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય એક સરકાર છે. એના દ્વારા તે આખી પૃથ્વીને સુંદર બાગમાં ફેરવી નાંખશે. ઉપરાંત, ‘તમારું નામ પવિત્ર મનાઓ’ શબ્દોનો ઉપયોગ કરીને આપણે બતાવીએ છીએ કે ઈશ્વરનું એક નામ છે, જેને આપણે હંમેશાં પવિત્ર ગણવું જોઈએ.—માથ. ૬:૯.

૨. પોતે શીખવેલી પ્રાર્થના વિશે ઈસુ શું ચાહતા ન હતા?

આજે ઘણા લોકો એ પ્રાર્થનાના શબ્દોનું રટણ કર્યા કરે છે. પરંતુ, શું ઈસુ ચાહતા હતા કે ઈશ્વરભક્તો એમ કરે? ના. ઈસુએ કહ્યું હતું: ‘તમે પ્રાર્થના કરો ત્યારે અમથો લવારો ન કરો,’ એટલે કે એકનાએક શબ્દો પ્રાર્થનામાં બોલ્યા ન કરો. (માથ. ૬:૭) બીજા એક સમયે શિષ્યોને ઈસુ પ્રાર્થના શીખવતા હતા ત્યારે, તેમણે ફરી એ જ પ્રાર્થના જણાવી. પરંતુ, તેમણે એના એ જ શબ્દો વાપર્યા નહિ. (લુક ૧૧:૧-૪) એ બતાવે છે કે ઈસુએ તો પ્રાર્થનાનો નમૂનો આપ્યો હતો, જેથી કઈ બાબતો વિશે પ્રાર્થના કરવી એ આપણે શીખી શકીએ.

૩. ઈસુએ શીખવેલી પ્રાર્થનાના અભ્યાસ દરમિયાન તમે શાના પર વિચાર કરી શકો?

આ અને આવતા લેખમાં આપણે ઈસુએ શીખવેલી પ્રાર્થનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. એમ કરીએ ત્યારે તમે આનો વિચાર કરી શકો: “એનાથી મને પ્રાર્થના વધારે સારી બનાવવા કઈ રીતે મદદ મળે છે?” ઉપરાંત, સૌથી મહત્ત્વનું કે “શું હું એ પ્રાર્થના પ્રમાણે જીવું છું?”

‘સ્વર્ગમાંના અમારા પિતા’

૪. ‘અમારા પિતા’ શબ્દો આપણને શું યાદ અપાવે છે? યહોવા કઈ રીતે આપણા પિતા છે?

‘અમારા પિતા’ એમ કહીને ઈસુએ પ્રાર્થના શરૂ કરી હતી. એ યાદ અપાવે છે કે યહોવા, દુનિયા ફરતેનાં બધાં જ ભાઈ-બહેનોના પિતા છે. (૧ પીત. ૨:૧૭) યહોવાએ જેઓને સ્વર્ગના જીવન માટે પસંદ કર્યા છે, તેઓને તેમણે દીકરાઓ તરીકે દત્તક લીધા છે. તેથી, એક ખાસ અર્થમાં યહોવા તેઓના પિતા છે. (રોમ. ૮:૧૫-૧૭) પૃથ્વીની આશા ધરાવનારા પણ યહોવાને ‘પિતા’ કહી શકે છે. કેમ કે, યહોવાએ તેઓને જીવન આપ્યું છે અને તે પ્રેમથી તેઓની જરૂરિયાતો પૂરી કરે છે. સંપૂર્ણ બની ગયા પછી, આખરી કસોટીમાં તેઓ યહોવાને વફાદાર બની રહેશે તો તેઓ “ઈશ્વરનાં છોકરાં” કહેવાશે.—રોમ. ૮:૨૧; પ્રકટી. ૨૦:૭, ૮.

૫, ૬. માબાપ પોતાનાં બાળકોને કઈ ઉત્તમ ભેટ આપી શકે છે? દરેક બાળકે એ ભેટનું શું કરવું જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

યહોવા આપણા સ્વર્ગમાંના પિતા છે અને તેમને જ આપણે પ્રાર્થના કરવી જોઈએ. માબાપ એ વાત શીખવીને પોતાનાં બાળકોને જાણે એક સુંદર ભેટ આપે છે. દક્ષિણ આફ્રિકામાં સેવા આપતા એક સરકીટ નિરીક્ષક આમ કહે છે: ‘અમારી દીકરીઓ જન્મી એ દિવસથી જ હું તેઓ સાથે દરરોજ રાતે પ્રાર્થના કરતો. હું ઘરે ન હોઉં ફક્ત ત્યારે જ એમ ન બનતું. અમારી દીકરીઓ ઘણી વાર કહેતી હોય છે કે તેઓને રાતની એ પ્રાર્થનાના શબ્દો યાદ નથી. જોકે, તેઓને પિતા યહોવા સાથે વાત કરવાનો એ પવિત્ર માહોલ હજીયે યાદ છે. તેમજ, પ્રાર્થનાથી મળતી શાંતિ અને રક્ષણ તેઓ ભૂલી નથી. જ્યારે તેઓ બંને જાતે પ્રાર્થના કરતી થઈ ત્યારે હું તેઓને મોટેથી પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપતો. એમ કરવાથી, હું યહોવા માટેના તેઓનાં વિચારો અને લાગણી જાણી શકતો. એના લીધે મને તેઓનાં દિલમાં શું છે એની ઝલક મળતી. એ પછી હું તેઓને પોતાની પ્રાર્થનામાં એ મુદ્દા સામેલ કરવા પ્રેમથી જણાવતો, જે ઈસુએ શીખવ્યા છે. હું એમ એ માટે કરતો, જેથી સમય જતાં તેઓ સારી પ્રાર્થના કરતા શીખે.’

તેમની દીકરીઓ મોટી થયા પછી પણ યહોવાની સાથે ગાઢ સંબંધ રાખી શકી છે. તેઓનાં લગ્ન થઈ ગયાં છે અને તેઓ પોતાના પતિ સાથે યહોવાની પૂરા સમયની સેવા કરી રહી છે. યહોવા સાથે બાળકોનો ગાઢ સંબંધ બનાવવો એ તો માબાપ તરફથી બાળકોને ઉત્તમ ભેટ છે. જોકે, દરેક બાળકે યહોવા સાથેની પોતાની દોસ્તી જાળવી રાખવા પ્રયત્નો કરતા રહેવાની જરૂર છે.—ગીત. ૫:૧૧, ૧૨; ૯૧:૧૪.

‘તમારું નામ પવિત્ર મનાઓ’

૭. આપણી પાસે કયો લહાવો છે અને આપણે શું કરવું જોઈએ?

ઈશ્વરનું નામ જાણવાનો અને તેમના ‘નામ માટે એક પ્રજા’ બનવાનો આપણને અજોડ લહાવો મળ્યો છે. (પ્રે.કૃ. ૧૫:૧૪; યશા. ૪૩:૧૦) આપણે યહોવાને પ્રાર્થના કરીએ છીએ કે ‘તમારું નામ પવિત્ર મનાઓ.’ આપણે વાણી-વર્તનથી યહોવાના નામનું અપમાન ન કરી બેસીએ, એ માટે તેમને વિનંતી પણ કરીએ છીએ. આપણે પહેલી સદીના અમુક લોકો જેવા ન બનીએ. તેઓ બીજાને જે કહેતા એ પોતે કરતા નહિ. તેથી, પાઊલે તેઓને લખ્યું: “તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરના નામની નિંદા થાય છે.”—રોમ. ૨:૨૧-૨૪.

૮, ૯. યહોવાનું નામ પવિત્ર મનાવવા ચાહતી વ્યક્તિઓને તે કઈ રીતે મદદ કરે છે, એનો એક દાખલો આપો.

આપણે યહોવાના નામને મહિમા આપવા બનતું બધું કરવા માંગીએ છીએ. નૉર્વેમાં રહેતાં આપણાં એક બહેનનો વિચાર કરો. તેમના પતિ ગુજરી ગયા પછી તે પોતાના બે વર્ષના બાળકને એકલા હાથે ઉછેરતાં હતાં. તે જણાવે છે: ‘એ ઘડી મારા જીવનની સૌથી કઠિન ઘડી હતી. હું દરરોજ પ્રાર્થના કરતી, લગભગ દર કલાકે પ્રાર્થના કરતી, જેથી લાગણીમય રીતે પોતાને સંભાળી શકું. હું મારા કોઈ ખોટા નિર્ણય કે બેવફાઈને લીધે યહોવાને મહેણાં મારવાનો મોકો શેતાનને આપવા ચાહતી ન હતી. યહોવાનું નામ હું પવિત્ર મનાવવા ઇચ્છું છું. તેમજ, ચાહું છું કે મારો દીકરો પોતાના પિતાને નવી દુનિયામાં ફરીથી મળી શકે.’—નીતિ. ૨૭:૧૧.

શું યહોવાએ એ બહેનની પ્રાર્થના સાંભળી? હા. તેમને ભાઈ-બહેનોની સંગતમાં રહેવાથી ઘણું ઉત્તેજન મળ્યું. પાંચ વર્ષ પછી તેમણે એક વડીલ ભાઈ સાથે લગ્ન કર્યાં. તેમનો દીકરો હવે ૨૦ વર્ષનો છે અને બાપ્તિસ્મા પામેલો પ્રકાશક છે. બહેન જણાવે છે: ‘હું ઘણી ખુશ છું કે મારા પતિએ મારા બાળકને ઉછેરવામાં મને મદદ કરી.’

૧૦. યહોવા શું કરીને પોતાનું નામ પૂરી રીતે પવિત્ર મનાવશે?

૧૦ જેઓ યહોવાનું અપમાન કરે છે અને તેમની સત્તાને સ્વીકારતા નથી, તેઓને નાબૂદ કરીને તે પોતાનું નામ પૂરી રીતે પવિત્ર મનાવશે. (હઝકીએલ ૩૮:૨૨, ૨૩ વાંચો.) એ સમયે, મનુષ્યો સંપૂર્ણ બની ગયા હશે અને સ્વર્ગ તેમજ પૃથ્વી પર દરેક જણ યહોવાને ભજશે. તેમજ, તેઓ યહોવાના પવિત્ર નામને મહિમા આપશે. છેવટે, આપણા પ્રેમાળ પિતા “સર્વમાં સર્વ” થશે.—૧ કોરીં. ૧૫:૨૮.

‘તમારું રાજ્ય આવો’

૧૧, ૧૨. વર્ષ ૧૮૭૬માં યહોવાએ પોતાના ભક્તોને શું સમજવા મદદ આપી?

૧૧ ઈસુ સ્વર્ગમાં ગયા એ પહેલાં શિષ્યોએ તેમને પૂછ્યું: ‘પ્રભુ, શું તમે આ સમયે ઈસ્રાએલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો?’ જવાબમાં ઈસુએ જણાવ્યું કે ઈશ્વરનું રાજ્ય ક્યારે શરૂ થશે એ જાણવાનો હજી તેઓ માટે સમય આવ્યો નથી. ઈસુએ તેઓને વધુ મહત્ત્વના કામ એટલે કે, પ્રચાર કરવા પર ધ્યાન આપવા જણાવ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૬-૮ વાંચો.) ઉપરાંત, તેમણે શિષ્યોને ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરવાનું શીખવ્યું અને રાજ્યની રાહ જોવા જણાવ્યું. તેથી, આપણે પણ ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરીએ છીએ.

૧૨ ઈસુ માટે સ્વર્ગમાં રાજ કરવાનો સમય પાસે આવી ગયો ત્યારે શું બન્યું? યહોવાએ પોતાના લોકોને એ બનાવના સમય વિશે સમજવા મદદ કરી. વર્ષ ૧૮૭૬માં ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલે આ વિષય પર લેખ લખ્યો: ‘વિદેશીઓના સમયો: એ ક્યારે પૂરા થશે?’ એમાં સમજાવવામાં આવ્યું કે દાનીયેલના પુસ્તકમાં જણાવેલા “સાત કાળ” તો ઈસુની ભવિષ્યવાણીમાં જણાવેલા “વિદેશીઓના સમયો”ને દર્શાવે છે. એ લેખમાં સમજણ આપવામાં આવી કે એ સમયો ૧૯૧૪માં પૂરા થશે. *દાની. ૪:૧૬; લુક ૨૧:૨૪.

૧૩. વર્ષ ૧૯૧૪માં શું બન્યું? દુનિયાભરમાં એ વર્ષથી થઈ રહેલા બનાવો શું સાબિત કરે છે?

૧૩ વર્ષ ૧૯૧૪માં યુરોપમાં યુદ્ધ ફાટી નીકળ્યું અને થોડા જ સમયમાં એ આખી દુનિયામાં ફેલાઈ ગયું. યુદ્ધને લીધે ઘણા ભયાનક દુકાળો પડ્યા. વર્ષ ૧૯૧૮માં એ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં તો, એક ઘાતક તાવને (ફ્લૂને) લીધે મોટી સંખ્યામાં લોકો મરણ પામ્યા. અરે, યુદ્ધમાં મરણ પામેલા લોકોની સંખ્યા કરતાં એ સંખ્યા વધારે હતી. એ બધા બનાવો તો ઈસુએ આપેલી “નિશાની”નો ભાગ હતા. એ નિશાનીથી સાબિત થયું કે ઈસુ ૧૯૧૪માં સ્વર્ગમાં રાજા બન્યા છે. (માથ. ૨૪:૩-૮; લુક ૨૧:૧૦, ૧૧) એ વર્ષમાં ઈસુ ‘જીતતા અને જીતવા માટે નીકળ્યા.’ (પ્રકટી. ૬:૨) ઈસુએ શેતાન અને તેના સાથી દૂતોને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધા. એ પછીથી, આ ભવિષ્યવાણી પૂરી થવા લાગી: “પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.”—પ્રકટી. ૧૨:૭-૧૨.

૧૪. (ક) આપણે ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના હજી પણ શા માટે કરીએ છીએ? (ખ) આજે આપણે કયું મહત્ત્વનું કામ કરવું જોઈએ?

૧૪ ઈસુ જ્યારથી સ્વર્ગમાં રાજા બન્યા છે, ત્યારથી શા માટે પૃથ્વી પર ભયાનક બાબતો બની રહી છે? એનો જવાબ સમજવા પ્રકટીકરણના અધ્યાય ૧૨ની એ ભવિષ્યવાણી મદદ કરે છે. ખરું કે, ઈસુ સ્વર્ગમાં રાજ કરે છે પણ પૃથ્વી પર તો હજીયે શેતાનનું રાજ છે. પરંતુ, ઈસુ બહુ જલદી આખી પૃથ્વી પરથી દરેક બૂરાઈ કાઢીને “જીતવા”નું પૂરું કરશે. ઈસુ એમ કરે ત્યાં સુધી આપણે ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરતા રહીએ. તેમજ, પ્રચારકાર્યમાં સતત લાગુ રહીએ. આપણું એ કામ ઈસુની આ ભવિષ્યવાણી પૂરી કરે છે: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે.’—માથ. ૨૪:૧૪.

‘પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ’

૧૫, ૧૬. ઈશ્વરની ઇચ્છા પૂરી થાય, શું ફક્ત એવી પ્રાર્થના કરવી પૂરતી છે? સમજાવો.

૧૫ લગભગ ૬,૦૦૦ વર્ષો પહેલાં ઈશ્વરની ઇચ્છા પૃથ્વી પર પૂરી થતી હતી. તેથી જ, ઈશ્વરે કહ્યું કે બધું જ “ઉત્તમોત્તમ” છે. (ઉત. ૧:૩૧) પછી, શેતાને બળવો કર્યો અને ત્યારથી મોટા ભાગના લોકોએ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કર્યું નથી. જોકે, આજે લગભગ ૮૦ લાખ લોકો એવા છે, જેઓ યહોવાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે. તેઓ પ્રાર્થના કરે છે કે ઈશ્વરની ઇચ્છા પૃથ્વી પર પૂરી થાય. તેમજ, તેઓ પોતે પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે. તેઓ એવી રીતે જીવે છે, જેનાથી ઈશ્વરને ખુશી મળે. ઉપરાંત, તેઓ ઉત્સાહથી ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવી રહ્યા છે.

શું તમે પોતાનાં બાળકોને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું શીખવો છો? (ફકરો ૧૬ જુઓ)

૧૬ આફ્રિકામાં રહેતાં ૮૦ વર્ષના એક મિશનરી બહેનનો દાખલો લો. એ બહેન ૧૯૪૮માં બાપ્તિસ્મા પામ્યાં હતાં. તે આમ જણાવે છે: ‘હું કાયમ પ્રાર્થના કરું છું કે ઘેટાં જેવાં બધા નમ્ર લોકો સુધી ઈશ્વરની ખુશખબર પહોંચે. મોડું થાય એ પહેલાં તેઓ યહોવાને ઓળખે. જ્યારે હું કોઈને સાક્ષી આપું છું ત્યારે યહોવા પાસે સમજશક્તિ માગું છું, જેથી એ વ્યક્તિના દિલ સુધી પહોંચી શકું. ઉપરાંત, વિનંતી કરું છું કે ઘેટાં જેવા જે નમ્ર લોકો સત્યમાં આવ્યા છે, તેઓની સારી કાળજી લેવા યહોવા આપણને મદદ કરે.’ એ વૃદ્ધ બહેને ઘણી વ્યક્તિઓને યહોવા વિશે શીખવા મદદ કરી છે. શું તમે એવા કોઈ વૃદ્ધ ભાઈ-બહેનને ઓળખો છો, જેઓ ઉત્સાહથી યહોવાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે?—ફિલિપી ૨:૧૭ વાંચો.

૧૭. મનુષ્યો અને પૃથ્વી માટે યહોવા જે કરશે એના વિશે જાણીને તમને કેવું લાગે છે?

૧૭ યહોવા જલદી જ પોતાના દુશ્મનોનો પૃથ્વી પરથી નાશ કરશે. ત્યાં સુધી, આપણે તેમની ઇચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરતા રહીશું. પછી, આખી દુનિયા બાગ જેવી સુંદર બનાવવામાં આવશે અને અબજો લોકોને સજીવન કરવામાં આવશે. ઈસુએ કહ્યું હતું, ‘એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ મારી વાણી સાંભળશે અને નીકળી આવશે.’ (યોહા. ૫:૨૮, ૨૯) સજીવન થયેલાં આપણાં સ્નેહીજનોને આવકારવાનો એ કેટલો અદ્ભુત અનુભવ હશે! ઈશ્વર ત્યારે આપણી “આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.” (પ્રકટી. ૨૧:૪) સજીવન થનારા લોકોમાંથી મોટા ભાગના લોકો “અન્યાયીઓ” હશે, એટલે કે યહોવા અને ઈસુને જાણતા નહિ હોય. તેઓને ઈશ્વરની ઇચ્છા વિશે શીખવવાની કેટલી મજા આવશે! એ શિક્ષણથી તેઓ પણ “અનંતજીવન” મેળવી શકશે.—પ્રે.કૃ. ૨૪:૧૫; યોહા. ૧૭:૩.

૧૮. મનુષ્યોને સૌથી વધારે શાની જરૂર છે?

૧૮ જ્યારે ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે તેમનું નામ પવિત્ર મનાવવામાં આવશે. ત્યારે આખા વિશ્વમાં બધા જ લોકો એક થઈને યહોવાની ભક્તિ કરશે. હા, ઈસુએ શીખવેલી પ્રાર્થનાની પહેલી ત્રણ વિનંતીઓ પૂરી કરીને, ઈશ્વર બધા મનુષ્યોની સૌથી મોટી જરૂરિયાતો પૂરી કરશે. આવતા લેખમાં આપણે એ પ્રાર્થનાની બીજી મહત્ત્વની વિનંતીઓ વિશે શીખીશું.

^ ફકરો. 12 સમયો વિશેની એ ભવિષ્યવાણી કઈ રીતે ૧૯૧૪માં પૂરી થઈ, એ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનાં પાન ૨૧૫-૨૧૭ જુઓ.