સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૨

ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૨

‘જેની તમને અગત્ય છે, એ તમારા પિતા જાણે છે.’—માથ. ૬:૮.

૧-૩. એક બહેનને શા માટે ખાતરી છે કે યહોવા તેમની જરૂરિયાતો જાણે છે?

લેઈના એક નિયમિત પાયોનિયર છે. ૨૦૧૨માં તે જર્મની ગયાં હતાં, ત્યારનો એક બનાવ તે કદીયે નહિ ભૂલે. તેમને ખાતરી છે કે યહોવાએ તેમની બે પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. એરપોર્ટ પહોંચવા એ બહેન ટ્રેનમાં જઈ રહ્યાં હતાં. મુસાફરી દરમિયાન તે કોઈને પ્રચાર કરી શકે એ માટે તેમણે પ્રાર્થના કરી. એરપોર્ટ પહોંચ્યાં પછી, તેમને જાણવા મળ્યું કે તેમનું વિમાન કોઈ કારણસર બીજા દિવસે ઊપડવાનું છે. તેમના મોટા ભાગના પૈસા ખર્ચાઈ ગયા હોવાથી, તેમણે રાત રોકાવાની જગ્યા માટે યહોવાને પ્રાર્થના કરી.

લેઈનાની પ્રાર્થના પૂરી થઈ એટલામાં તેમણે કોઈકને કહેતા સાંભળ્યા: ‘અરે, લેઈના! કેમ છે? તું અહીંયા!’ એ યુવાન લેઈના સાથે સ્કૂલમાં ભણતો હતો. તે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો હતો. તેનાં મમ્મી અને દાદી પણ સાથે હતાં. તેઓ તેને એરપોર્ટ પર મૂકવાં આવ્યાં હતાં. લેઈનાએ તેઓને પોતાની મૂંઝવણ જણાવી ત્યારે એ યુવાનનાં મમ્મી અને દાદીએ લેઈનાને પોતાના ઘરે રોકાવા કહ્યું. તેઓએ લેઈનાને તેની માન્યતા અને પાયોનિયરીંગ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા.

બીજા દિવસે, સવારનો ચા-નાસ્તો કર્યાં પછી લેઈનાએ બાઇબલ વિશે તેઓના બીજા પ્રશ્નોના પણ જવાબ આપ્યા. લેઈનાએ તેઓની જરૂરી વિગતો લઈ લીધી, જેથી તેઓની ફરી મુલાકાત માટે કોઈને મોકલી શકે. લેઈના સલામત રીતે ઘરે પહોંચી ગયાં અને હજીયે પાયોનિયરીંગ કરે છે. તેમને લાગે છે કે યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી, તે તેમની જરૂરિયાતો જાણતા હતા અને તેમણે તેમની મદદ કરી.—ગીત. ૬૫:૨.

૪. આપણે હવે શાની ચર્ચા કરીશું?

આપણે અચાનક કોઈ મુશ્કેલીમાં મુકાઈ જઈએ ત્યારે, પ્રાર્થનામાં તરત યહોવાની મદદ માંગી શકીએ છીએ. તે આપણી એવી પ્રાર્થના પણ ખુશીથી સાંભળે છે. (ગીત. ૩૪:૧૫; નીતિ. ૧૫:૮) જોકે, ઈસુએ શીખવેલી પ્રાર્થના બતાવે છે કે અમુક બીજી અગત્યની બાબતો પણ છે, જેના વિશે આપણે પ્રાર્થના કરવી જ જોઈએ. આ લેખમાં આપણે એ પ્રાર્થનાના છેલ્લા ચાર મુદ્દાની ચર્ચા કરીશું. એનાથી યહોવાને વળગી રહેવા આપણને મદદ મળશે.—માથ્થી ૬:૧૧-૧૩ વાંચો.

‘દિવસની અમારી રોટલી આજ અમને આપો’

૫, ૬. પૂરતું ખાવાનું હોય તોપણ શા માટે “અમારી રોટલી” વિશે પ્રાર્થના કરવી જોઈએ?

નોંધ કરો કે ઈસુએ “અમારી રોટલી” વિશે પ્રાર્થના કરવા કહ્યું, ફક્ત “મારી રોટલી” વિશે નહિ. આફ્રિકામાં સરકીટ નિરીક્ષકની સેવા આપતા ભાઈ વિક્ટર કહે છે: ‘હું અને મારી પત્ની યહોવાનો દિલથી આભાર માનીએ છીએ. કારણ કે, જમવાનું ક્યાંથી આવશે અથવા ઘરનું ભાડું કોણ ભરશે, એવી અમને ચિંતા કરવી પડતી નથી. ભાઈ-બહેનો અમારી જરૂરિયાતોની દેખભાળ રાખે છે. હું પણ તેઓ માટે પ્રાર્થના કરું છું, જેથી તેઓને પૈસેટકે મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ મળે.’

આપણી પાસે પૂરતું ખાવાનું હોય શકે. પરંતુ, આપણાં ઘણાં ભાઈ-બહેનો ગરીબ છે. તેમજ, અમુક કુદરતી આફતોમાં સપડાયાં છે. આપણે તેઓને માટે પ્રાર્થના કરવાની સાથે સાથે બીજી રીતે પણ મદદનો હાથ લંબાવી શકીએ. દાખલા તરીકે, આપણી પાસે જે કંઈ હોય એમાંથી તેઓને આપી શકીએ. ઉપરાંત, દુનિયાભરમાં ચાલી રહેલાં આપણાં કામમાં મદદ કરવા નિયમિત પ્રદાનો આપી શકીએ. આપણે જાણીએ છીએ કે એ પ્રદાનોથી, જરૂરિયાતમાં હોય એવાં ભાઈ-બહેનોને મદદ મળે છે.—૧ યોહા. ૩:૧૭.

૭. કયો દાખલો આપીને ઈસુએ શીખવ્યું કે ‘આવતી કાલને માટે ચિંતા ન કરવી’ જોઈએ?

પ્રાર્થના કરવાનું શીખવ્યા પછી, ઈસુએ આપણને ફક્ત રોજબરોજની જરૂરિયાતો પર ધ્યાન આપવા શીખવ્યું. તેમણે કહ્યું કે યહોવા જો રસ્તા પરનાં ફૂલોની કાળજી લેતા હોય, તો ‘ઓછી શ્રદ્ધાવાળાઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે? તેથી અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો.’ પછી તેમણે એ વિચાર પર ફરી ભાર આપતા કહ્યું: ‘આવતી કાલને માટે ચિંતા ન કરો.’ (માથ. ૬:૩૦-૩૪) આપણે ફક્ત આજની જરૂરિયાતનો વિચાર કરવો જોઈએ અને એ મેળવીને સંતોષ પામવો જોઈએ. દાખલા તરીકે, આપણે આવી જરૂરિયાતો માટે પ્રાર્થના કરી શકીએ: રહેવા માટે જગ્યા, કુટુંબની સંભાળ લેવા નોકરી-ધંધો તેમજ, તંદુરસ્ત રહેવા સારા નિર્ણયો લેવા મદદ. પરંતુ, એનાથી પણ મહત્ત્વનું કંઈક છે, જેના વિશે પ્રાર્થના કરવી બહુ જરૂરી છે.

૮. ઈસુના શબ્દો, “દિવસની અમારી રોટલી” આપણને શું યાદ અપાવે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ઈસુના શબ્દો, “દિવસની અમારી રોટલી” આપણને તેમની બીજી એક વાત યાદ પણ અપાવે છે. તેમણે કહ્યું હતું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માથ. ૪:૪) તેથી, આપણે પ્રાર્થના કરવી જોઈએ કે યહોવા આપણને શીખવતા રહે અને તેમને વળગી રહેવા જોઈતી મદદ આપે.

‘અમારાં ઋણો અમને માફ કરો’

૯. આપણું પાપ જાણે દેવું છે, એમ શા માટે કહી શકાય?

ઈસુએ શીખવ્યું હતું: ‘અમારાં ઋણો અમને માફ કરો.’ બીજા એક પ્રસંગે તેમણે શીખવ્યું: ‘અમારાં પાપ અમને માફ કરો.’ (માથ. ૬:૧૨; લુક ૧૧:૪) તેમણે એવું શા માટે શીખવ્યું? કેમ કે આપણાં પાપ એ જાણે એક ઋણ કે દેવું છે. વર્ષ ૧૯૫૧માં ધ વૉચટાવરમાં સમજાવવામાં આવ્યું: ‘પાપ કરવાને લીધે આપણે જાણે યહોવાના દેવાદાર બનીએ છીએ. કયા અર્થમાં? યહોવા હંમેશાં આપણાં પ્રેમ અને આધીનતાના હક્કદાર છે. પરંતુ, પાપ કરીએ છીએ ત્યારે આપણે તેમને એ પ્રેમ અને આધીનતા બતાવવાનું ચૂકી જઈએ છીએ. એના લીધે યહોવા ચાહે તો આપણી સાથેનો સંબંધ તોડી શકે છે. પાપ કરવું એ તો યહોવાની દરકાર ન કરવા જેવું છે.’—૧ યોહા. ૫:૩.

૧૦. યહોવા આપણા પાપની માફી શાના આધારે આપે છે? એ માટે આપણને કેવું લાગવું જોઈએ?

૧૦ યહોવાએ ઈસુના બલિદાનથી આપણાં પાપની માફી માટે કિંમત ચૂકવી છે. એ માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ! આપણને દરરોજ યહોવા તરફથી માફીની જરૂર પડે છે. ખરું કે, ઈસુએ ૨,૦૦૦ વર્ષો પહેલાં એ બલિદાન આપ્યું હતું. છતાં, આજે પણ આપણને તેમના બલિદાનથી લાભ થાય છે. એ કીમતી ભેટ માટે આપણે હંમેશાં યહોવાનો આભાર માનવો જોઈએ. સાચે જ, પાપ અને મરણમાંથી આપણને છોડાવવા એ કિંમત આપણામાંથી બીજું કોઈ ચૂકવી શક્યું ન હોત! (ગીતશાસ્ત્ર ૪૯:૭-૯; ૧ પીતર ૧:૧૮, ૧૯ વાંચો.) ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં આ શબ્દો પણ હતા: ‘અમારાં પાપ અમને માફ કરો.’ નોંધ લો કે તેમણે એવા શબ્દો વાપર્યા નહિ કે ‘મારાં પાપ માફ કરો.’ એ શું બતાવે છે? એ જ કે માફી માટે ઈશ્વરની એ પ્રેમાળ ગોઠવણ, મંડળનાં બધાં ભાઈ-બહેનો માટે છે, ફક્ત આપણા માટે નહિ. યહોવા ચાહે છે કે આપણે તેઓનું હંમેશાં ભલું ઇચ્છીએ. તેમજ, યહોવા સાથેનો તેઓનો સંબંધ મજબૂત બને એવું ચાહીએ. ભાઈ-બહેનો આપણને ખોટું લગાડે ત્યારે, તરત માફ કરીએ. મોટા ભાગે તેઓની ભૂલો નજીવી હોય છે, તેથી માફ કરીને આપણે તેઓને પ્રેમ બતાવીએ છીએ. ઉપરાંત, યહોવા તરફથી મળતી માફી માટે આપણે તેમનો ઉપકાર માનીએ છીએ.—કોલો. ૩:૧૩.

જો તમે ચાહતા હો કે ઈશ્વર તમને માફ કરે, તો તમે બીજાઓને માફ કરો (ફકરો ૧૧ જુઓ)

૧૧. બીજાઓને માફી આપવી કેમ જરૂરી છે?

૧૧ બની શકે કે, અપૂર્ણતાને લીધે આપણને કોઈની ભૂલને માફ કરવી અઘરી લાગે. (લેવી. ૧૯:૧૮) કદાચ એ ભૂલ વિશે આપણે બીજાઓને કહેવા લાગીએ. એમ કરવાથી કદાચ મંડળના અમુક લોકો આપણા પક્ષે થવા લાગે. પરંતુ, એનાથી મંડળનો સંપ જોખમમાં મુકાઈ શકે. એવું ચાલવા દઈશું તો, યહોવાએ આપેલી ઈસુના બલિદાનની ભેટ માટે કદર બતાવવાનું ચૂકી જઈશું. અરે, એ ભેટના ફાયદા નહિ મળે! (માથ. ૧૮:૩૫) જો આપણે બીજાઓને માફ નહિ કરીએ, તો યહોવા આપણને માફ નહિ કરી શકે. (માથ્થી ૬:૧૪, ૧૫ વાંચો.) ઉપરાંત, જો આપણે ચાહીએ કે યહોવા આપણને માફ કરે, તો તે જે કામને ધિક્કારે છે એવાં કામ કરતા ન રહીએ.—૧ યોહા. ૩:૪, ૬.

‘અમને પરીક્ષણમાં ન લાવો’

૧૨, ૧૩. (ક) ઈસુના બાપ્તિસ્મા પછી શું થયું? (ખ) આપણે લલચાઈ જઈએ ત્યારે શા માટે બીજાને દોષ આપી શકીએ નહિ? (ગ) ઈસુએ છેક મરણ સુધી યહોવાને વફાદાર રહીને શું સાબિત કર્યું?

૧૨ ઈસુએ શીખવેલી પ્રાર્થનાના શબ્દો ‘અમને પરીક્ષણમાં ન લાવો’ આપણને શું યાદ અપાવે છે? એને સમજવા વિચાર કરો કે ઈસુના બાપ્તિસ્માના થોડા જ સમય પછી શું બન્યું હતું. ઈશ્વરની શક્તિ ઈસુને વેરાન પ્રદેશમાં દોરી ગઈ, જેથી “ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય.” (માથ. ૪:૧; ૬:૧૩) યહોવાએ ઈસુનું પરીક્ષણ શા માટે થવા દીધું? આદમ અને હવાએ યહોવાના રાજનો નકાર કર્યો હતો. એનાથી ઊભા થયેલા સવાલનો જવાબ આપવા યહોવાએ ઈસુને ધરતી પર મોકલ્યા. આદમ-હવાના બંડથી ઊઠેલા પ્રશ્નોના જવાબ સાબિત કરવામાં સમય લાગે એમ હતું. જેમ કે, યહોવાએ જે રીતે મનુષ્યોને બનાવ્યા એમાં શું કોઈ ખોટ હતી? ‘દુષ્ટ શેતાનથી’ પરીક્ષણ થાય ત્યારે શું એક સંપૂર્ણ વ્યક્તિ યહોવાને વફાદાર રહી શકે? મનુષ્યો જાતે રાજ કરે એ શું તેઓ માટે વધારે સારું કહેવાશે? (ઉત. ૩:૪, ૫) એ બધા પ્રશ્નોના જવાબ, યહોવા પોતાને સંતોષ થાય એ રીતે ભાવિમાં આપશે. એ સમયે, સ્વર્ગ અને પૃથ્વી પર બધા જાણશે કે રાજ કરવાની યહોવાની રીત જ સૌથી સારી છે.

૧૩ યહોવા પવિત્ર છે. તેથી, તે કોઈને ખોટું કરવા લલચાવતા નથી. એવું કામ તો ‘પરીક્ષણ કરનાર’ એટલે કે શેતાન કરે છે. (માથ. ૪:૩) શેતાન આપણને ઘણી રીતોએ લલચાવે છે. પરંતુ, પસંદગી આપણા હાથમાં છે. લાલચમાં પડવું કે એનાથી દૂર રહેવું, એનો નિર્ણય આપણે કરવાનો છે. (યાકૂબ ૧:૧૩-૧૫ વાંચો.) શેતાને લાલચ આપી ત્યારે ઈસુએ તરત જ શાસ્ત્રવચનો ટાંકીને એ લાલચને નકારી. એમ કરીને ઈસુએ ઈશ્વર પ્રત્યે વફાદારી બતાવી. જોકે, શેતાને ત્યાં જ હાર માની નહિ. તે “ફરી તક મળે ત્યાં સુધી” રાહ જોતો રહ્યો. (લુક ૪:૧૩, NW) શેતાને ભલે કોઈ પણ ચાલ અજમાવી, ઈસુએ હંમેશાં યહોવાને જ વિશ્વના રાજા ગણીને તેમની આજ્ઞા માની. તેમણે સાબિત કર્યું કે, એક સંપૂર્ણ મનુષ્ય આકરી કસોટીમાં પણ યહોવાને વફાદાર રહી શકે છે. તેમ છતાં, ઈસુના પગલે ચાલનાર લોકોને શેતાન હજીયે ફસાવવાનો પ્રયત્ન કરતો રહે છે. તે ચાહે છે કે યહોવાને તમે વફાદાર ન રહો.

૧૪. લાલચનો સામનો કરવા આપણે શું કરવાની જરૂર છે?

૧૪ યહોવાના રાજ સામે ઊઠેલા પ્રશ્નોનો હજી જવાબ આપવાનો બાકી છે. તેથી, શેતાન તરફથી આવતાં પરીક્ષણોને યહોવા ચાલવાં દે છે. યહોવા આપણને ‘પરીક્ષણમાં લાવતા નથી.’ આપણે તેમને વફાદાર રહી શકીએ છીએ એવો યહોવાને પૂરો ભરોસો છે. એ માટે તે આપણને મદદ પણ કરવા માંગે છે. જોકે, તે આપણને ખરું કરવા માટે દબાણ કરતા નથી. તે આપણી મરજીને માન આપે છે. તેમને વફાદાર રહેવું કે નહિ એની પસંદગી તેમણે આપણા પર છોડી છે. આપણે લલચાઈ ન જવા બે બાબતો કરવાની જરૂર છે: યહોવાની નજીક રહીએ અને પ્રાર્થનામાં તેમની મદદ માંગતા રહીએ. લાલચોને નકારવા યહોવા કઈ રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે?

યહોવાની નજીક રહો અને પ્રચાર કરવામાં ઉત્સાહી બનો (ફકરો ૧૫ જુઓ)

૧૫, ૧૬. (ક) આપણે કઈ લાલચો નકારવાની જરૂર છે? (ખ) આપણે લાલચમાં પડી જઈએ તો એમાં દોષ કોનો કહેવાશે?

૧૫ શેતાનની લાલચોનો સામનો કરવા યહોવા આપણને પવિત્ર શક્તિ આપે છે. જોખમોથી આપણને સાવધ કરવા તેમણે બાઇબલ અને મંડળ આપ્યાં છે. યહોવા આપણને ચેતવે છે કે આપણે સમય, પૈસા અને શક્તિ નકામી બાબતોમાં ન વેડફીએ. એસ્પેન અને જેન યુરોપના એક અમીર દેશમાં રહે છે. ત્યાં પ્રકાશકોની વધુ જરૂરવાળા વિસ્તારમાં તેઓ વર્ષોથી નિયમિત પાયોનિયર તરીકે સેવા આપતા હતાં. પરંતુ, પછી તેઓને બાળક થયું હોવાથી તેઓએ પાયોનિયરીંગ બંધ કરવું પડ્યું. હાલમાં તેઓને બે બાળકો છે. એસ્પેન જણાવે છે: ‘પહેલાં કરતાં હાલમાં અમે ઈશ્વરભક્તિનાં કામોમાં વધુ સમય આપી શકતાં નથી. તેથી, અમે અવારનવાર યહોવાને પ્રાર્થના કરીએ છીએ કે અમને લાલચોમાં પડવા ન દે. અમારી ભક્તિ અને પ્રચારનો ઉત્સાહ જાળવી રાખવા પણ અમે યહોવાની મદદ માંગીએ છીએ.’

૧૬ આપણે બીજી એક લાલચમાં પડી જવાથી પણ બચવાનું છે. એ છે પોર્નોગ્રાફી જોવાની લાલચ. જો આપણે એ લાલચમાં પડી જઈશું, તો દોષનો ટોપલો શેતાન પર નહિ નાંખી શકીએ. શા માટે? કારણ કે, શેતાનનું જગત આપણને ખોટું કામ કરવાનું દબાણ કરી શકતું નથી. કેટલીક વ્યક્તિઓ ખોટાં વિચારોને તરત દૂર કરતી નથી માટે પોર્નોગ્રાફીમાં ફસાય છે. જ્યારે કે, આપણાં હજારો ભાઈ-બહેનો એવી લાલચને નકારી શક્યાં છે. આપણે પણ એમ કરી શકીએ છીએ.—૧ કોરીં. ૧૦:૧૨, ૧૩.

‘એ દુષ્ટથી અમારો છૂટકો કરો’

૧૭. (ક) યહોવા ‘એ દુષ્ટથી આપણો છૂટકો કરે’ એવું આપણે ચાહતા હોઈએ તો શું કરવું જોઈએ? (ખ) આપણને કઈ રાહત બહુ જલદી મળવાની છે?

૧૭ યહોવા ‘એ દુષ્ટથી આપણો છૂટકો કરે’ એવું ચાહતા હોઈએ તો શું કરવું જોઈએ? આપણે શેતાનના ‘જગતનો ભાગ ન’ બનીએ. તેમજ ‘જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખીએ.’ (યોહા. ૧૫:૧૯; ૧ યોહા. ૨:૧૫-૧૭) યહોવા જ્યારે શેતાન અને તેના જગતનો કાયમ માટે નાશ કરશે, ત્યારે આપણને કેટલી રાહત મળશે! એમ થાય ત્યાં સુધી, આપણે કદી ન ભૂલીએ કે શેતાન “ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” આપણને યહોવાની ભક્તિ કરવાથી રોકવા શેતાન પોતાનાથી બનતું બધું જ કરશે. તેથી, આપણે યહોવાને પ્રાર્થના કરવી જ જોઈએ કે શેતાનથી તે આપણું રક્ષણ કરે.—પ્રકટી. ૧૨:૧૨, ૧૭.

૧૮. શેતાનની દુનિયાના અંતમાંથી બચવા આપણે શું કરવું જોઈએ?

૧૮ શેતાન વગરની દુનિયામાં શું તમે રહેવા ચાહતા નથી? તો કેમ નહિ કે ઈશ્વરનું રાજ્ય આવે, તેમનું નામ પવિત્ર મનાવાય અને પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી થાય, એ માટે પ્રાર્થના કરતા રહીએ! હંમેશાં યહોવા પર આધાર રાખીએ! તે તમારી સંભાળ રાખશે અને વફાદાર બની રહેવામાં જોઈતી બધી મદદ પૂરી પાડશે. ચાલો, ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવવા આપણાથી બનતું બધું જ કરીએ!