સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુશ્કેલીઓમાં પણ ટકી રહો

મુશ્કેલીઓમાં પણ ટકી રહો

અનિતા * બહેન યહોવાના સાક્ષી બન્યાં હોવાથી તેમના પતિ ખૂબ નારાજ હતા. તે અનિતાને સભાઓમાં જવાથી રોકવાનો પ્રયત્ન કરતા. તેમણે અનિતાને યહોવાનું નામ પણ ન લેવાનો હુકમ કર્યો. અનિતાના મોઢે યહોવાનું નામ સાંભળતા જ, તેમના પતિ ખૂબ ગુસ્સે ભરાતા.

વધુમાં, અનિતાના પતિ ચાહતા ન હતા કે તેઓનાં બાળકો યહોવા વિશે શીખે અથવા સભામાં જાય. તેથી, પતિને જાણ ન થાય એ રીતે બાળકોને શીખવવું અનિતા માટે ઘણું અઘરું હતું.

અનિતાનો અનુભવ બતાવે છે કે કદાચ તમારા કુટુંબીજનો તમને યહોવાની ભક્તિ કરતા રોકે. અથવા તમને બીજી કોઈ મુશ્કેલી હોય શકે. જેમ કે, તમે લાંબા સમયથી કોઈ માંદગીમાં હો અથવા તમારું લગ્નસાથી કે બાળક મરણ પામ્યું હોય. કે પછી, તમારું કોઈ સ્નેહીજન યહોવાથી દૂર થઈ ગયું હોય. એવા મુશ્કેલ સંજોગોમાં યહોવાને વફાદાર રહેવા તમે શું કરી શકો?

પ્રેરિત પાઊલ જણાવે છે કે “તમારે ધીરજ રાખવાની જરૂર છે.” (હિબ્રૂ ૧૦:૩૬) તો પછી, ધીરજ રાખવા અને શ્રદ્ધામાં ટકી રહેવા આપણને શું મદદ કરી શકે?

મદદ માટે યહોવાને પ્રાર્થના કરો

તમે દુઃખ-તકલીફ સહેતા હો, ત્યારે યાદ રાખો કે યહોવા તમને ટકી રહેવા મદદ કરશે. મદદ માટે તેમને પ્રાર્થના કરો. બહેન ઍનાએ પણ એવું જ કર્યું. તેમના લગ્નજીવનને ૩૦ વર્ષ થયાં હતાં. અચાનક એક દિવસે તેમના પતિ મરણ પામ્યા. ઍના કહે છે, ‘એક દિવસે તે નોકરીએ ગયા અને કદી પાછા આવ્યા નહિ. તે ફક્ત બાવન વર્ષના જ હતા.’

ઍના પોતાની નોકરીમાં વ્યસ્ત રહ્યાં, પણ એને લીધે તેમનું દુઃખ દૂર થયું નહિ. તો પછી, તેમને શાના લીધે મદદ મળી? તે કહે છે, ‘મેં પ્રાર્થનામાં યહોવા આગળ મારું દિલ ઠાલવી દીધું અને તેમની મદદ માટે આજીજી કરી.’ ઍનાને ખબર છે કે યહોવાએ તેમને મદદ કરી, કેમ કે પ્રાર્થના કર્યા બાદ તેમને રાહત અને મનની શાંતિ મળતી. ઉપરાંત તે કહે છે, ‘યહોવા મારા પતિને સજીવન કરશે એમાં મને પૂરી શ્રદ્ધા છે.’—ફિલિ. ૪:૬, ૭.

યહોવા પોતાના ભક્તોની પ્રાર્થનાઓ સાંભળશે એવું તે વચન આપે છે. (ગીત. ૬૫:૨) તેમજ, ભક્તિમાં લાગુ રહેવા તેઓની દરેક જરૂરિયાત પૂરી પાડે છે. અરે, અઘરા સંજોગોમાં પણ તેઓને વફાદાર રહેવા તે મદદ કરે છે.

ભાઈ-બહેનોથી દૂર થશો નહિ

યહોવા બીજી એક રીતે પણ આપણને મદદ કરે છે. તેમણે આપણને મંડળ આપ્યું છે, જેમાં ઘણાં બધાં ભાઈ-બહેનો છે. થેસ્સાલોનીકામાં ભાઈ-બહેનો પર સતાવણી થઈ ત્યારે, તેઓ એકબીજાને જે રીતે મદદ કરતા એમાંથી આપણે શીખી શકીએ છીએ. એ સમય દરમિયાન, તેઓએ એકબીજાને ઉત્તેજન આપતા રહેવાની ખાસ જરૂર હતી. (૧ થેસ્સા. ૨:૧૪; ૫:૧૧) યહોવાને વફાદાર રહેવા તેઓએ એકબીજાને મદદ કરી. એમ કરવા તેઓ સભાઓમાં ભેગાં મળતાં રહ્યાં અને એકબીજાના ગાઢ મિત્રો બની રહ્યાં. તેઓની જેમ વફાદાર રહેવા આપણને શું મદદ કરી શકે?

મંડળનાં ભાઈ-બહેનો સાથે ગાઢ મિત્રતા બાંધીએ. એમ કરવાથી સંકટના સમયમાં “એકબીજાની ઉન્નતિ” માટે જરૂરી મદદ કરી શકીશું. (રોમ. ૧૪:૧૯, IBSI) પ્રેરિત પાઊલે સતાવણીઓ અને બીજી મુશ્કેલીઓને લીધે દુઃખ-તકલીફ સહન કરી. પરંતુ, યહોવાએ તેમને ટકી રહેવા હિંમત આપી. દાખલા તરીકે, યહોવાએ પાઊલને ઉત્તેજન આપવા મંડળનાં ભાઈ-બહેનોનો ઉપયોગ કર્યો. પાઊલ પોતાના એ મિત્રો વિશે આમ જણાવે છે: “તેઓ મને દિલાસારૂપ થયા છે.” (કોલો. ૪:૧૦, ૧૧) એ ભાઈ-બહેનો પાઊલને પ્રેમ કરતા હતાં. તેથી, જ્યારે પાઊલને મદદની જરૂર હતી, ત્યારે તેમને દિલાસો અને ઉત્તેજન આપી શક્યાં. કદાચ તમને પણ ભાઈ-બહેનોએ કરેલી મદદ કે કહેલી કોઈ વાત યાદ હશે, જેનાથી તમને ઉત્તેજન મળ્યું હતું.

વડીલોની મદદ લો

યહોવાએ આપણને મંડળમાં વડીલો પણ આપ્યા છે. એ ભાઈઓ તમને ઉત્તેજન આપી શકે છે અને બાઇબલમાંથી સારી સલાહ આપી શકે છે. તેઓ તો ‘વાયુથી સંતાવાની જગ્યા તથા તોફાનમાં આશ્રય જેવા, સૂકી ભૂમિમાં પાણીના ઝરણા જેવા, વેરાન પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવા છે.’ (યશા. ૩૨:૨) વડીલો આપણને મદદ કરવા તૈયાર છે એ જોઈને કેટલો દિલાસો મળે છે! તેથી, જો તમે અઘરા સંજોગોમાં આવી પડો તો વડીલોની પાસે જાઓ. તેઓ તમને યહોવાની ભક્તિમાં ટકી રહેવા મદદ કરશે.

ખરું કે, વડીલો આપણી બધી જ મુશ્કેલીઓ હલ કરી શકશે નહિ. તેઓ પણ આપણી જેમ અપૂર્ણ છે. (પ્રે.કૃ. ૧૪:૧૫) પરંતુ, તમે વડીલો પાસે જશો ત્યારે તે તમારી મુશ્કેલીઓ માટે પ્રાર્થના કરશે. એનાથી તમને ચોક્કસ સારું લાગશે. (યાકૂ. ૫:૧૪, ૧૫) દાખલા તરીકે, ઇટાલીમાં રહેતા એક ભાઈ ઘણાં વર્ષોથી ગંભીર બીમારી સહી રહ્યા છે. તેમને વડીલો પાસેથી ઘણું ઉત્તેજન મળ્યું. એ ભાઈ જણાવે છે, ‘વડીલોનો પ્રેમ અને સહકાર તેમજ તેઓની વારંવારની મુલાકાતોથી, મને ટકી રહેવા મદદ મળી છે.’ જો તમે પણ દુઃખ-તકલીફ સહી રહ્યા હો, તો યહોવા ચાહે છે કે તમે વડીલો પાસે મદદ માંગો.

યહોવાની ભક્તિ પર ધ્યાન આપો

જ્યારે આપણે યહોવાની ભક્તિ કરવા પર ધ્યાન આપીએ છીએ, ત્યારે આપણે યહોવાની મદદ જોઈ શકીએ છીએ. જોન નામના ભાઈએ એવું જ કર્યું. તે ૩૯ વર્ષના હતા ત્યારે તેમને જીવલેણ કૅન્સર થયું હતું. તે હજી તો યુવાન જ હતા. એટલે, તેમને પોતાની સાથે અન્યાય થયો હોય એમ લાગ્યું. તે પોતાની પત્ની અને દીકરાની ચિંતામાં હતા. તેમનો દીકરો ફક્ત ત્રણ વર્ષનો હતો. ભાઈ કહે છે, ‘મારી પત્નીએ અમારા બાળકની કાળજી લેવાની સાથે સાથે મારી પણ સંભાળ રાખવાની હતી. હૉસ્પિટલમાં મને લઈ જવો-લાવવો અને સારવારને લગતી બીજી જરૂરિયાતો તેણે હાથ ધરવી પડતી.’ કીમોથેરાપી લેવાને લીધે ભાઈ ઘણા થાકી જતા અને તેમને પેટની તકલીફ રહેતી. એ જ સમયગાળામાં તેમના પિતા સાવ પથારીવશ થઈ ગયા અને તેમની સારસંભાળ માટે કોઈકની મદદની જરૂર પડતી.

જોન અને તેમના કુટુંબને એ કટોકટીના સમયમાં શાનાથી મદદ મળી? ભલે જોન થાકી જતા, તોપણ પોતાનું કુટુંબ યહોવાની ભક્તિમાં મંદ ન પડે એનું તે ધ્યાન રાખતા. તે કહે છે: ‘ભલે મુશ્કેલ લાગે તોપણ અમે નિયમિત રીતે સભાઓમાં જતા, કુટુંબ તરીકેની ભક્તિ કરતા અને પ્રચારમાં ભાગ લેતા.’ જોન સમજી શક્યા કે યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત હોવો કેટલો જરૂરી છે. ખરું કે, શરૂ શરૂમાં તે બીમારીને લઈને આઘાત અને ચિંતામાં રહેતા, પણ પછીથી તે રાહત અને શાંતિ અનુભવવા લાગ્યા. તે જાણતા હતા કે યહોવા તેમને પ્રેમ કરે છે અને જોઈતી સહનશક્તિ આપે છે. એવી જ રીતે, જો તમે પણ ડર અને ચિંતામાં હો, તો યહોવા તમને પણ મદદ કરશે. જોન કહે છે, ‘યહોવાએ મને ટકી રહેવા શક્તિ આપી તેમ તમને પણ આપશે.’

તમે જ્યારે કોઈ દુઃખ-તકલીફમાં આવી પડો, ત્યારે પાઊલના આ શબ્દો ભૂલશો નહિ: “તમારે ધીરજ રાખવાની જરૂર છે.” યહોવાને પ્રાર્થના કરીને તેમના પર ભરોસો રાખો. મંડળનાં ભાઈ-બહેનોથી દૂર ન થાઓ. વડીલોની મદદ લો અને યહોવાની ભક્તિ કરવા પર ધ્યાન આપો. ભલેને હાલમાં તમને કોઈ પણ મુશ્કેલી હોય, યહોવા તમને મદદ કરશે. અરે, ભાવિની મુશ્કેલીઓમાં પણ તે તમારો સાથ નહિ છોડે!

^ ફકરો. 2 અમુક નામ બદલ્યાં છે.