સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારીએ!

સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારીએ!

‘હું મારા પગ મૂકવાના સ્થાનને મહિમાવાન કરીશ.’—યશા. ૬૦:૧૩.

ગીતોઃ ૬ (૪૩), ૧૮ (૧૩૦)

૧, ૨. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં “પાયાસન” શબ્દ શાને દર્શાવે છે?

યહોવા ઈશ્વરે કહ્યું: ‘આકાશો મારું રાજ્યાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે.’ (યશા. ૬૬:૧) ઈશ્વરે “પાયાસન” વિશે કહ્યું હતું કે ‘હું મારા પગ મૂકવાના સ્થાનને મહિમાવાન કરીશ.’ (યશા. ૬૦:૧૩) કઈ રીતે ઈશ્વર પોતાના પાયાસનને મહિમાવાન કરશે, એટલે કે સુંદર બનાવશે? અને જેઓ તેમના પાયાસન એટલે કે પૃથ્વી પર જીવે છે, તેઓ માટે એનો શો અર્થ રહેલો છે?

બાઇબલના હિબ્રૂ શાસ્ત્રવચનોમાં “પાયાસન” શબ્દ, પ્રાચીન ઈસ્રાએલના મંદિર માટે પણ વપરાયો છે. (૧ કાળ. ૨૮:૨; ગીત. ૧૩૨:૭) યહોવાને એ મંદિર ખૂબ સુંદર લાગતું, કેમ કે એ સાચી ઉપાસનાનું મુખ્ય સ્થળ હતું. અને પૃથ્વી પર યહોવાને મહિમા આપવા એનો ઉપયોગ કરવામાં આવતો.

૩. આજે સાચી ભક્તિ કઈ રીતે શક્ય બની છે? સાચી ભક્તિની ગોઠવણની શરૂઆત ક્યારે થઈ?

શું આજે પણ સાચી ભક્તિ માટે કોઈ મુખ્ય સ્થળ છે? ના. આજે સાચી ભક્તિ માટે પહેલાંના સમયની જેમ મંદિર જેવી કોઈ ઇમારત વાપરવામાં આવતી નથી. જોકે, આજે સાચી ભક્તિ માટે એક ગોઠવણ છે, જેનાથી યહોવાને મહિમા મળે છે. એટલો બધો મહિમા જે કોઈ પણ મંદિર કે ઇમારત કદી આપી શકતી નથી. ઈશ્વરે કરેલી એ ગોઠવણને લીધે સર્વ લોકો તેમના મિત્ર બની શકે છે અને તેમની ભક્તિ કરી શકે છે. એ ગોઠવણ ઈસુના બલિદાનને લીધે જ શક્ય બની છે. ઈસુએ સાલ ૨૯માં બાપ્તિસ્મા લીધું અને યહોવાએ તેમને પ્રમુખ યાજક તરીકે અભિષિક્ત કર્યા ત્યારે, એ ગોઠવણની શરૂઆત થઈ.—હિબ્રૂ ૯:૧૧, ૧૨.

૪, ૫. (ક) ગીતશાસ્ત્ર ૯૯ પ્રમાણે યહોવાના સાચા ભક્તો શું કરવા ચાહે છે? (ખ) આપણે કયા સવાલ પર વિચારવું જોઈએ?

સાચી ભક્તિ કરવા માટેની ઈશ્વરે કરેલી ગોઠવણના આપણે ખૂબ આભારી છીએ! એની કદર બતાવવા આપણે યહોવા ઈશ્વરનું નામ અને ઈસુના બલિદાનની કિંમત વિશે લોકોને જણાવીએ છીએ. આજે આપણે ૮૦ લાખ કરતાં પણ વધારે ભક્તો, યહોવા ઈશ્વરની દરરોજ ભક્તિ કરીએ છીએ. એ કેટલી અદ્ભુત બાબત છે! જ્યારે કે ઘણા ધર્મના લોકોની ખોટી માન્યતા છે કે મર્યા પછી તેઓ સ્વર્ગમાં જશે અને ત્યાં ઈશ્વરને મહિમા આપશે. પણ યહોવાના લોકો જાણે છે કે તેમને અહીં અને આજે મહિમા આપવો કેટલો મહત્ત્વનો છે!

યહોવાને મહિમા આપીને આપણે, પ્રાચીન ઈશ્વરભક્તોને અનુસરીએ છીએ. એ વિશ્વાસુ ભક્તો વિશે ગીતશાસ્ત્ર ૯૯:૧-૩, ૫-૭માં જણાવવામાં આવ્યું છે. (વાંચો.) મુસા, હારૂન અને શમૂએલ જેવા વફાદાર ભક્તોએ, પ્રાચીન સમયમાં સાચી ભક્તિ માટે ઈશ્વરે જે ગોઠવણ કરી હતી, એને પૂરેપૂરો ટેકો આપ્યો હતો. ખરું કે, પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો ભાવિમાં ઈસુ સાથે સ્વર્ગમાં યાજકો તરીકે સેવા આપશે. પરંતુ, ત્યાં સુધી તેઓ પૃથ્વી પર સાચી ભક્તિની ગોઠવણમાં વફાદારીથી સેવા આપે છે. “બીજા ઘેટાં”નાં લાખો ભાઈ-બહેનો તેઓને વફાદારીથી સાથ આપી રહ્યાં છે. (યોહા. ૧૦:૧૬) એ બંને સમૂહો એક થઈને યહોવાની ઉપાસના કરી રહ્યા છે. જોકે, આપણે દરેકે આ સવાલ પર વિચાર કરવો જોઈએ: “યહોવાએ કરેલી ભક્તિ માટેની ગોઠવણને શું હું પૂરેપૂરો સાથ-સહકાર આપું છું?”

ભક્તિની ગોઠવણમાં સેવા આપતાં લોકોને ઓળખીએ

૬, ૭. શરૂઆતના ખ્રિસ્તી મંડળમાં કઈ મુશ્કેલી ઊભી થવા લાગી? વર્ષ ૧૯૧૯ સુધીમાં શું બન્યું?

ભવિષ્યવાણી પ્રમાણે, ખ્રિસ્તી મંડળ બન્યું એનાં ૧૦૦ કરતાં ઓછાં વર્ષોમાં સત્યમાં ભેળસેળ થવા લાગી. (પ્રે.કૃ. ૨૦:૨૮-૩૦; ૨ થેસ્સા. ૨:૩, ૪) એ સમય પછી, ઈશ્વરના સાચા ભક્તોને ઓળખવું વધુને વધુ અઘરું બનતું ગયું. એની સદીઓ પછી યહોવાએ ઈસુને રાજા તરીકે નિયુક્ત કર્યા અને સાચી ભક્તિ માટેની ગોઠવણમાં સેવા આપતા લોકોને પારખવા તેમનો ઉપયોગ કર્યો.

વર્ષ ૧૯૧૯ સુધીમાં તો યહોવાની ઇચ્છા પ્રમાણે ભક્તિ કરતા લોકોની ઓળખ સ્પષ્ટ થઈ ગઈ. યહોવા તેઓની ભક્તિને પૂરી રીતે માન્ય કરે એ માટે તેઓએ એમાં સુધારા કર્યા. (યશા. ૪:૨, ૩; માલા. ૩:૧-૪) આમ, સેંકડો વર્ષો પહેલાં પ્રેરિત પાઊલને થયેલું એક દર્શન પરિપૂર્ણ થવા લાગ્યું.

૮, ૯. પાઊલે દર્શનમાં જોયેલો ‘પારાદેશ’ શાને રજૂ કરે છે?

પાઊલને થયેલા દર્શનનું વર્ણન બીજો કોરીંથી ૧૨:૧-૪માં કરવામાં આવ્યું છે. (વાંચો.) એ દર્શનમાં યહોવાએ પાઊલને એવું કંઈક બતાવ્યું, જે ભાવિમાં થવાનું હતું. એ દર્શનમાં પાઊલે જોયેલો ‘પારાદેશ’ ત્રણ બાબતોને રજૂ કરી શકે. પહેલી, એ જલદી જ આવનાર બાગ જેવી સુંદર પૃથ્વીને રજૂ કરી શકે. (લુક ૨૩:૪૩) બીજી, નવી દુનિયામાં જે શાંતિ અને સંપનો માહોલ હશે એને રજૂ કરી શકે. અને ત્રીજી, સ્વર્ગમાં રહેલી અદ્ભુત પરિસ્થિતિને પણ દર્શાવી શકે, જે ‘ઈશ્વરનો પારાદેશ’ કહેવાય છે.—પ્રકટી. ૨:૭.

પાઊલે જણાવ્યું કે ‘માણસથી બોલી શકાય નહિ, એવી વાતો તેમના સાંભળવામાં આવી.’ શા માટે તેમણે એમ કહ્યું? કેમ કે, તેમના માટે એ અદ્ભુત બાબતોને વિગતવાર સમજાવવાનો સમય હજી આવ્યો ન હતો. પરંતુ, આજે યહોવાના લોકોને મળતા આશીર્વાદો વિશે બીજાઓને જણાવવાનો સમય આવી ગયો છે.

૧૦. સંપ અને શાંતિનો માહોલ કઈ રીતે સાચી ભક્તિની ગોઠવણ સાથે જોડાયેલાં છે?

૧૦ આપણે જોઈ ગયા તેમ પારાદેશ તો સંપ અને શાંતિભર્યા માહોલને પણ રજૂ કરે છે. આપણા સાહિત્યમાં અવારનવાર એવા માહોલ વિશે જણાવવામાં આવે છે. એવો શાંતિ અને સંપભર્યો માહોલ ફક્ત યહોવાના સાક્ષીઓ મધ્યે જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતો નથી. એ ઉત્તમ માહોલને લીધે યહોવા અને ભાઈ-બહેનો સાથે પ્રેમભર્યો સંબંધ કેળવવો, આપણા માટે શક્ય બને છે. એ શાંતિ અને સંપનો માહોલ તો સાચી ભક્તિ માટેની ગોઠવણનો એક મહત્ત્વનો ભાગ છે. એ યહોવાની ભક્તિ કરનારા લોકોની ઓળખ છે.—માલા. ૩:૧૮.

૧૧. આપણી પાસે કયો લહાવો છે?

૧૧ વર્ષ ૧૯૧૯થી યહોવાએ અપૂર્ણ માનવીઓને સંપ અને શાંતિનો માહોલ કેળવવા અને વધારવાની તક આપી છે. એ કેવો અદ્ભુત લહાવો છે! એ માહોલને વધારવા શું તમે મદદ કરી રહ્યા છો? આજે પૃથ્વી પર યહોવાના નામને મહિમા આપનારું કામ ચાલી રહ્યું છે. એમાં જોડાઈને આપણે યહોવા સાથે કામ કરનારા બની શકીએ છીએ. શું તમે એ લહાવાની કદર કરી રહ્યા છો?

સંગઠનને યહોવા વધુ સુંદર બનાવી રહ્યા છે

૧૨. આપણે કઈ રીતે જાણીએ છીએ કે યશાયા ૬૦:૧૭ની ભવિષ્યવાણી પૂરી થઈ છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૨ યશાયા પ્રબોધકે ભાખ્યું હતું કે ધરતી પરના ઈશ્વરના સંગઠનમાં ઘણાં અદ્ભુત ફેરફારો અને સુધારા-વધારા થશે. (યશાયા ૬૦:૧૭ વાંચો.) યુવાનો અને સત્યમાં નવાં ભાઈ-બહેનોએ એ સુધારા-વધારા વિશે ફક્ત સાંભળ્યું કે વાંચ્યું હશે. પરંતુ, એવાં ઘણાં ભાઈ-બહેનો છે, જેઓએ એ અદ્ભુત ફેરફારો અનુભવવાનો લહાવો માણ્યો છે! એ વિશ્વાસુ સેવકોને પૂરેપૂરી ખાતરી છે કે ઈશ્વર તેમના સંગઠનને માર્ગદર્શન આપવા રાજા ઈસુનો ઉપયોગ કરી રહ્યા છે. એ વહાલાં ભાઈ-બહેનોના અનુભવો આપણે સાંભળીએ છીએ ત્યારે, યહોવા પર આપણી શ્રદ્ધા અને ભરોસો વધારે મજબૂત થાય છે.

૧૩. ગીતશાસ્ત્ર ૪૮:૧૨-૧૪ પ્રમાણે આપણે શું કરવાની જરૂર છે?

૧૩ યહોવાના સંગઠન વિશે આપણે બધાએ બીજાઓને જણાવવું જ જોઈએ. શેતાનના દુષ્ટ જગતમાં હોવા છતાં, આપણાં ભાઈ-બહેનો વચ્ચે સંપ અને શાંતિનો માહોલ છે. એ સાચે જ એક ચમત્કાર છે! એ માહોલ વિશે અને યહોવાના સંગઠનની અદ્ભુત બાબતો વિશે ‘આવતી પેઢીઓને’ જણાવવાની કેટલી મજા આવશે!—ગીતશાસ્ત્ર ૪૮:૧૨-૧૪ વાંચો.

૧૪, ૧૫. વર્ષ ૧૯૭૦ પછીથી સંગઠનમાં કયા ફેરફારો થયા? એનાથી સંગઠનને કઈ રીતે ફાયદો થયો છે?

૧૪ યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગમાં ઘણા ફેરફારો થયા છે. એનાથી સંગઠનની સુંદરતામાં વધારો થયો છે. આપણાં મંડળોમાં એવાં ઘણાં વૃદ્ધ ભાઈ-બહેનો છે, જેઓએ એ ફેરફારો અનુભવ્યા છે. તેઓને યાદ છે કે પહેલાં કોઈ એક વડીલ મંડળના સેવક તરીકે સેવા આપતા. પરંતુ, આજે મંડળમાં વડીલોનું જૂથ સેવા આપે છે. પહેલાં દુનિયાભરના દેશોની શાખા કચેરીઓમાં એક જ શાખા સેવક હતા. જ્યારે કે, આજે શાખા સમિતિ હોય છે. તેમજ, પહેલાં વૉચટાવર સોસાયટીના પ્રમુખ માર્ગદર્શન આપતાં. પરંતુ, હવે યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ એ કામ કરે છે. ખરું કે એ સમયે એ બધા ભાઈઓને મદદ કરનારા વિશ્વાસુ સહાયકો હતા. તેમ છતાં મંડળમાં, શાખામાં અને મુખ્યમથકમાં બધા નિર્ણયો લેવાની જવાબદારી કોઈ એક જ વ્યક્તિ પર રહેતી. પરંતુ, વર્ષ ૧૯૭૦ પછીથી એમાં સુધારા કરવામાં આવ્યા, જેથી એક વ્યક્તિની જગ્યાએ વડીલોનું જૂથ નિર્ણયો લે.

૧૫ એવા ફેરફારોથી સંગઠનને શા માટે ફાયદો થયો છે? કારણ કે, એ બધા ફેરફારો શાસ્ત્રની વધુ સારી સમજણ પર આધારિત હતા. એક જ વ્યક્તિ નિર્ણયો લે એની જગ્યાએ, બધા વડીલોના સારા ગુણોથી યહોવાના સંગઠનને ઘણો ફાયદો થાય છે. કેમ કે, બધા જ વડીલો યહોવા તરફથી ‘માણસોમાં દાન’ તરીકે અપાયા છે.—એફે. ૪:૮; નીતિ. ૨૪:૬.

લોકોને ખરેખર જેની જરૂર છે એ માર્ગદર્શન યહોવા પૂરું પાડી રહ્યા છે (ફકરા ૧૬, ૧૭ જુઓ)

૧૬, ૧૭. હાલમાં થયેલા કયા ફેરફારો તમને ગમ્યા છે? શા માટે?

૧૬ હાલમાં જ આપણાં સાહિત્યમાં કરવામાં આવેલા કેટલાક ફેરફારો વિશે વિચારો. આપણાં સાહિત્યમાં લોકોને ઉપયોગી અને રસ પડે એવા લેખ આવે છે. તેમજ, આપણું સાહિત્ય જોવામાં આકર્ષક હોય છે. એવું સાહિત્ય આપવાની આપણને કેટલી મજા આવે છે! ઉપરાંત, આપણા સાક્ષી કામમાં આજની ટૅક્નોલૉજીના વપરાશ વિશે જરા વિચારો. દાખલા તરીકે, આપણી jw.org વેબસાઈટ વધુને વધુ લોકો જોઈ શકે છે. તેમજ, તેઓને ખરેખર જેની જરૂર છે એ માહિતી મેળવી શકે છે. એ બધાથી સાફ દેખાઈ આવે છે કે યહોવાને લોકોમાં ઊંડો રસ છે અને તેઓને ખૂબ પ્રેમ કરે છે.

૧૭ મંડળની સભાઓમાં થયેલા ફેરફારોની પણ આપણે કેટલી કદર કરીએ છીએ! એના લીધે, આપણને કુટુંબ તરીકે ભક્તિની સાંજ કે પછી, વ્યક્તિગત અભ્યાસ માટે સમય મળે છે. આપણાં સંમેલનોના કાર્યક્રમમાં કરવામાં આવેલા ફેરફારનો વિચાર કરો. દર વર્ષે એ કાર્યક્રમો વધુને વધુ સારા બની રહ્યા છે! બાઇબલ આધારિત જુદી જુદી શાળાઓમાં મળતી તાલીમ માટે પણ આપણે કેટલા આભારી છીએ! આ બધા ફેરફારો સાબિત કરે છે કે આજે યહોવા પોતાના સંગઠનને દોરી રહ્યા છે. તેમજ, સંપ અને શાંતિના માહોલને તે વધારે સુંદર બનાવી રહ્યા છે!

આપણે સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારીએ

૧૮, ૧૯. સંપ અને શાંતિના માહોલમાં વધારો કરવા આપણે શું કરીશું?

૧૮ સંપ અને શાંતિના માહોલમાં વધારો કરવાનું સન્માન યહોવાએ આપણે આપ્યું છે. આપણે એ કઈ રીતે કરી શકીએ? રાજ્યની ખુશખબર ફેલાવવામાં અને શિષ્યો બનાવવાના કામમાં વધુ ઉત્સાહી બનીને. આપણે કોઈ વ્યક્તિને યહોવાનો સેવક બનવા મદદ કરીએ છીએ ત્યારે, આપણે સંપ અને શાંતિના માહોલમાં વૃદ્ધિ કરીએ છીએ.—યશા. ૨૬:૧૫; ૫૪:૨.

૧૯ આપણે ખ્રિસ્તી ગુણો કેળવવા મહેનત કરીએ છીએ ત્યારે પણ, સંપ અને શાંતિના માહોલમાં વધારો કરીએ છીએ. આ રીતે બીજાઓની નજરમાં સંપ અને શાંતિનો માહોલ વધુ આકર્ષક બને છે. ખરું કે, બાઇબલની આપણી સમજણને લીધે લોકો સંગઠન તરફ આકર્ષાય છે. જોકે, મોટા ભાગના લોકો પહેલાં આપણાં શુદ્ધ અને શાંતિભર્યા આચરણથી સંગઠન તરફ આકર્ષાય છે. અને પછી, તેઓ યહોવા અને ઈસુ તરફ ખેંચાય છે.

સંપ અને શાંતિના માહોલમાં વૃદ્ધિ કરવા તમે મદદ કરી શકો છો (ફકરા ૧૮, ૧૯ જુઓ)

૨૦. નીતિવચનો ૧૪:૩૫ પ્રમાણે આપણી કઈ ઇચ્છા હોવી જોઈએ?

૨૦ આપણી મધ્યે સંપ અને શાંતિનો માહોલ જોઈને, યહોવા અને ઈસુ કેટલા ખુશ થતા હશે! હાલમાં આપણે એ માહોલની સુંદરતા વધારવામાં આનંદ માણીએ છીએ. જોકે એ તો એક નાની ઝલક છે. જરા વિચારો, ભાવિમાં આખી ધરતીને બાગ જેવી સુંદર બનાવવાની કેટલી મજા આવશે! નીતિવચનો ૧૪:૩૫ જણાવે છે કે “બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે.” આપણે એ શબ્દો હંમેશાં યાદ રાખવા જોઈએ. ચાલો, બુદ્ધિમાન બનીને સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારવા મહેનત કરીએ!