સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના રાજ્યને વફાદાર બની રહીએ!

ઈશ્વરના રાજ્યને વફાદાર બની રહીએ!

‘તેઓ જગતનો ભાગ નથી.’—યોહા. ૧૭:૧૬.

ગીતો: ૬ (૪૩), ૨ (૧૫)

૧, ૨. (ક) આપણે શા માટે યહોવાને વફાદાર રહીએ છીએ? વફાદારી જાળવવા કોઈનો પણ પક્ષ ન લેવો શા માટે જરૂરી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) દુનિયાના લોકો કોના પ્રત્યે વફાદારી બતાવે છે અને એનું પરિણામ શું આવે છે?

યહોવાના સેવકો કોઈ પણ પ્રકારના પક્ષપાત કે તકરારથી દૂર રહે છે. પછી ભલેને એ કોઈ દેશ, નાતજાત કે પછી સમાજને લગતી તકરાર કેમ ન હોય! કારણ કે સમર્પણ વખતે આપણે યહોવાને વચન આપ્યું હતું કે તેમને પ્રેમ, વફાદારી અને આધીનતા બતાવીશું. (૧ યોહા. ૫:૩) આપણે ગમે તે જગ્યાએ રહેતા હોઈએ અથવા ગમે તે દેશ કે સમાજમાંથી આવતા હોઈએ, આપણે યહોવાનાં ધોરણોને વળગી રહીએ છીએ. યહોવા અને તેમના રાજ્ય પ્રત્યે વફાદારી, આપણા માટે સૌથી કીમતી છે. (માથ. ૬:૩૩) એ કારણથી કહી શકીએ કે આપણે આ ‘જગતનો ભાગ નથી.’—યશા. ૨:૪; યોહાન ૧૭:૧૧, ૧૫, ૧૬ વાંચો.

આજે દુનિયાના ઘણા લોકો પોતાના દેશ, જાતિ કે સમાજ પ્રત્યે વફાદારી બતાવે છે. અરે, પોતાના દેશના ખેલાડીઓની ટીમ પ્રત્યે તેઓને ઘણો લગાવ હોય છે. પણ દુઃખની વાત છે કે એવું વલણ, બીજા પક્ષની વ્યક્તિ માટે હરીફાઈ, અદેખાઈ અને નફરતની ભાવના જગાડે છે. અરે, એવી ભાવનાને લીધે અમુકનાં ખૂન પણ થયાં છે. ખરું કે આપણે એવા ભેદભાવ કે તકરારમાં નથી પડતા. છતાં, એવી તકરારો આપણને કે આપણા કુટુંબને અસર કરી શકે. એના લીધે અમુક વાર આપણે પણ ઘોર અન્યાયનો ભોગ બની શકીએ. ખાસ કરીને, જ્યારે સરકાર એકતરફી નિર્ણય લે, ત્યારે અન્યાય થયો હોય એમ લાગવા લાગે. એમ લાગવું સ્વાભાવિક છે, કેમ કે ઈશ્વરે આપણામાં ન્યાય-અન્યાય પારખવાની ક્ષમતા મૂકી છે. (ઉત. ૧:૨૭; પુન. ૩૨:૪) કોઈ અન્યાય જોઈને તમને કેવું લાગે છે? એ વખતે શું તમે કોઈનો પણ પક્ષ ન લેવાનું વલણ જાળવી રાખો છો?

૩, ૪. (ક) દુનિયાની તકરારોમાં આપણે કેમ કોઈનો પક્ષ લેતા નથી? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

કોઈ પણ તકરાર ઊભી થાય ત્યારે, સરકારો શીખવે છે કે એક સારા નાગરિકે કોઈ એકના પક્ષે થઈ જવું જોઈએ. પરંતુ, ઈસુને અનુસરતા હોવાથી, આપણે રાજકારણ કે યુદ્ધમાં કોઈ પણ રીતે ભાગ લેતા નથી. (માથ. ૨૬:૫૨) સાચા ખ્રિસ્તીઓ જાણે છે કે શેતાનની દુષ્ટ દુનિયાનો કોઈ એક ભાગ બીજા કરતાં સારો હોય જ ન શકે. (૨ કોરીં. ૨:૧૧) તેથી, દુનિયાનાં લડાઈ-ઝઘડામાં આપણે પડતા નથી.—યોહાન ૧૫:૧૮, ૧૯ વાંચો.

અપૂર્ણતાને લીધે, આપણામાંથી અમુકમાં ભેદભાવ કરવાનું જૂનું વલણ હજી પણ હોય શકે. (યિર્મે. ૧૭:૯; એફે. ૪:૨૨-૨૪) આ લેખમાં આપણે અમુક સિદ્ધાંતો જોઈશું, જે ભાગલા પાડતી ખોટી લાગણીઓથી દૂર રહેવા આપણને મદદ કરશે. ઉપરાંત, રાજ્યને વફાદાર રહેવા માટે યહોવા અને ઈસુ જેવા વિચારો કઈ રીતે કેળવી શકીએ એની આપણે ચર્ચા કરીશું.

આપણે જગતને કોઈ પણ રીતે ટેકો આપતા નથી

૫, ૬. પૃથ્વી પર હતા ત્યારે ઈસુને જુદા જુદા સમૂહના લોકો માટે કેવું લાગતું અને શા માટે?

કોઈનો પણ પક્ષ ન લેવાનું વલણ જાળવી રાખવું અઘરું લાગે, તો શું કરી શકો? વિચારો કે એવા સંજોગોમાં ઈસુએ શું કર્યું હોત. ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે યહુદાના, ગાલીલના અને સમરૂનના લોકો વચ્ચે તકરારો અને મતભેદો હતાં. જેમ કે, યહુદીઓ અને સમરૂનીઓ એકબીજા સાથે વાત પણ ન કરતા. (યોહા. ૪:૯) ફરોશીઓ અને સાદુકીઓ ઘણી બાબતોમાં એકબીજાથી સહમત ન હતા. (પ્રે.કૃ. ૨૩:૬-૯) નિયમશાસ્ત્ર શીખેલા યહુદીઓ પોતાને સામાન્ય લોકો કરતાં ચઢિયાતા ગણતા. (યોહા. ૭:૪૯) ઉપરાંત, કર ઉઘરાવનાર અને રોમનોને યહુદીઓ નફરત કરતા. (માથ. ૯:૧૧) જ્યારે કે, ઈસુએ કદીએ કોઈના પ્રત્યે ભેદભાવ રાખ્યો નહિ. ખરું કે, ઈસુએ હંમેશાં યહોવા વિશેના સત્યનો બચાવ કર્યો અને તે જાણતા હતા કે ઈસ્રાએલ તો ઈશ્વરની ખાસ પ્રજા છે. તોપણ, તેમણે કદીએ શિષ્યોને ઉત્તેજન આપ્યું નહિ કે તેઓ પોતાને બીજાઓથી ચઢિયાતા ગણે. (યોહા. ૪:૨૨) એના બદલે, તેમણે બધા લોકો પર પ્રેમ કરવાનું શીખવ્યું.—લુક ૧૦:૨૭.

ઈસુની નજરે શા માટે કોઈ એક સમૂહના લોકો ચઢિયાતા ન હતા? કેમ કે, ઈસુ પણ તેમના પિતા યહોવા જેવું જ અનુભવે છે. યહોવા માટે બધા જ લોકો સરખા છે. યહોવાએ મનુષ્યોને બનાવ્યા ત્યારે, તે ચાહતા હતા કે આખી પૃથ્વી જુદા જુદા પ્રકારના લોકોથી ભરાઈ જાય. (ઉત. ૧:૨૭, ૨૮) તેથી, યહોવા અને ઈસુ કોઈ જાતિ, દેશ કે ભાષાના લોકોને બીજાઓ કરતાં ચઢિયાતા નથી ગણતા. (પ્રે.કૃ. ૧૦:૩૪, ૩૫; પ્રકટી. ૭:૯, ૧૩, ૧૪) આપણે પણ તેઓના ઉત્તમ દાખલાને અનુસરવું જોઈએ.—માથ. ૫:૪૩-૪૮.

૭, ૮. (ક) આપણે કોના પક્ષે છીએ અને શા માટે? (ખ) મનુષ્યોની તકલીફોના હલ વિશે આપણે શું યાદ રાખવું જોઈએ?

આપણે શા માટે કોઈ માનવીય નેતા કે સરકારને ટેકો આપતા નથી? કારણે કે આપણે યહોવાના પક્ષે છીએ અને તે જ આપણા રાજા છે. શેતાને એદન બાગમાં દાવો કર્યો હતો કે મનુષ્યો માટે યહોવા સારા રાજા નથી. મનુષ્યોને શેતાન મનાવવા ચાહતો હતો કે ઈશ્વર કરતાં તે વધુ સારું કરી શકે છે. પરંતુ, કોના પક્ષે રહેવું, એ નિર્ણય યહોવાએ મનુષ્યો પર છોડ્યો છે. તમે કોના પક્ષે રહેશો? યહોવાની રીત તમારા કરતાં વધુ સારી છે, એમ માનીને શું તમે તેમને આધીન રહો છો? કે પછી પોતાની મરજી પ્રમાણે વર્તો છો? શું તમને ખાતરી છે કે તેમનું જ રાજ્ય આપણી બધી મુશ્કેલીઓનો અંત લાવી શકે છે? કે પછી, તમે એમ માનો છો કે ઈશ્વર વગર માણસો સારી રીતે રાજ કરી શકે છે?—ઉત. ૩:૪, ૫.

દાખલા તરીકે, કોઈ રાજકીય દળ, કાર્યકર્તાઓનું જૂથ કે એના જેવી બીજી સંસ્થા વિશે કોઈ તમારો વિચાર પૂછે તો તમે શું કહેશો? બની શકે કે એમાંનું કોઈ જૂથ સારું હોય અને લોકોની મદદ કરવા માગતું હોય. પરંતુ, આપણે જાણીએ છીએ કે ફક્ત યહોવાનું રાજ્ય માણસોની બધી તકલીફોનો હલ લાવી શકે છે અને બધા અન્યાયને દૂર કરી શકે છે. મંડળમાં પણ આપણે પોતાની મરજી પ્રમાણે કરવાને બદલે, યહોવાના માર્ગદર્શનને વળગી રહીએ છીએ. એટલે જ આપણાં મંડળો એકતામાં રહી શકે છે.

૯. પ્રથમ સદીના અમુક ખ્રિસ્તીઓમાં કઈ સમસ્યા હતી? તેઓએ શું કરવાની જરૂર હતી?

પ્રથમ સદીમાં કોરીંથનાં અમુક ભાઈ-બહેનો વચ્ચે વિવાદ ઊભો થયો હતો. તેઓમાંના અમુક કહેતા કે ‘હું પાઊલનો છું,’ તો બીજા કહેતા કે ‘હું આપોલસનો છું.’ જ્યારે કે અમુક પોતાને ‘કેફાસના’ તો અમુક પોતાને ‘ખ્રિસ્તના’ કહેતા. પાઊલને આ બાબતની ખબર પડી ત્યારે તેમને આંચકો લાગ્યો. એ ખૂબ ગંભીર સમસ્યા હતી. એ તો મંડળની શાંતિ માટે જોખમ હતું. તેથી, તેમણે ભાઈ-બહેનોને પૂછ્યું, ‘શું ખ્રિસ્તના ભાગલા પડ્યા છે?’ પાઊલે તેઓને સલાહ આપતા કહ્યું: ‘ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે, તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેશો. પણ, એક જ મનના તથા એક જ મતના થઈને, પૂરેપૂરી એકતા રાખો.’ આજે પણ એ સલાહ એટલી જ લાગુ પડે છે. આપણા મંડળમાં પણ કોઈ પણ પ્રકારના ભાગલા ન હોવા જોઈએ.—૧ કોરીં. ૧:૧૦-૧૩; રોમનો ૧૬:૧૭, ૧૮ વાંચો.

૧૦. પાઊલે અભિષિક્તોને શું યાદ અપાવ્યું? એમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૦ પાઊલે અભિષિક્ત ભાઈ-બહેનોને યાદ કરાવ્યું કે તેઓ સ્વર્ગના નાગરિકો હોવાથી, તેઓએ દુન્યવી બાબતો પર મન લગાડવું ન જોઈએ. (ફિલિ. ૩:૧૭-૨૦) * અભિષિક્ત ભાઈ-બહેનો ઈશ્વર અને ઈસુના રાજદૂતો છે. એક દેશનો રાજદૂત બીજા દેશમાં હોય ત્યારે ત્યાંના રાજકારણમાં અથવા ત્યાંની કોઈ સમસ્યામાં પડતો નથી. એવી જ રીતે, એક અભિષિક્ત માટે દુનિયાની સમસ્યાઓ અને રાજકારણમાં ભાગ લેવો યોગ્ય નહિ કહેવાય. (૨ કોરીં. ૫:૨૦) પૃથ્વીની આશા રાખતા ભક્તો પણ સ્વર્ગના રાજ્યને વફાદાર રહે છે અને આ જગતની તકરારોમાં પડતા નથી.

યહોવાના રાજ્યને વફાદાર રહેવાની પોતાને તાલીમ આપીએ

૧૧, ૧૨. (ક) યહોવાના રાજ્યને વફાદાર રહેવા આપણે કેવું વલણ ટાળવું જોઈએ? (ખ) એક બહેનને અમુક જાતિના લોકો માટે કેવું લાગતું હતું? તેમને પોતાના વલણમાં સુધારો કરવામાં શાનાથી મદદ મળી?

૧૧ દુનિયામાં ઘણા લોકોને પોતાનાં જેવી ભાષા કે સમાજ-સંસ્કૃતિના લોકો માટે ખાસ લાગણી હોય છે. તેઓ જે વિસ્તારમાંથી આવે છે એના માટે તેઓને ગર્વ હોય છે. જોકે, એવા વલણને આપણામાં કદીયે આવવા દઈએ નહિ. કોઈ પણ સંજોગોમાં પક્ષ ન લેવાનું વલણ જાળવી રાખવા, આપણે પોતાના ખોટા વિચારો બદલવા જોઈએ. તેમજ, પોતાનું અંતઃકરણ કેળવવું જોઈએ. આપણે એમ કઈ રીતે કરી શકીએ?

૧૨ ચાલો, મીરજેતા * બહેનનો દાખલો લઈએ. તેમનો જન્મ જે દેશમાં થયો હતો, એ દેશ પહેલાં યુગોસ્લાવિયા તરીકે ઓળખાતો. તે જે વિસ્તારમાં મોટાં થયાં હતા ત્યાંના લોકો સર્બિયાના લોકોને નફરત કરતા. યહોવા વિશે આપણાં બહેન શીખ્યાં ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે યહોવા કોઈ નાત-જાતને ચઢિયાતી ગણતા નથી. પરંતુ, લોકો એકબીજાને નફરત કરે એવું તો શેતાન ચાહે છે. તેથી, બહેને પોતાનાં વિચારો અને લાગણીઓમાં સુધારો લાવવા સખત પ્રયત્નો કર્યા. પરંતુ, તેમના વિસ્તારમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે, તેમને સર્બિયાના લોકો માટે ફરી નફરત જાગવા લાગી. અરે, તે સર્બિયાના લોકોને ખુશખબર જણાવવા પણ ચાહતા ન હતાં. જોકે, તેમને ખ્યાલ હતો કે એમ કરવું ખોટું છે. તેથી, તેમણે યહોવાને પ્રાર્થનામાં આજીજી કરી કે એ લાગણી દૂર કરવા તેમને મદદ કરે. બહેને પાયોનિયરીંગ શરૂ કરવા વિશે પણ પ્રાર્થના કરી. બહેન જણાવે છે: ‘મને અનુભવ થયો છે કે સેવાકાર્યમાં વધુ ધ્યાન આપવાથી સૌથી સારી મદદ મળે છે. હું ખુશખબર જણાવવાના કામમાં યહોવાના પ્રેમાળ સ્વભાવને અનુસરવાનો પ્રયત્ન કરું છું. આમ, મારી દરેક ખોટી લાગણી પીગળી જાય છે.’

૧૩. (ક) થીઑલા બહેન સાથે શું બન્યું? એવા સંજોગોમાં તેમણે શું કર્યું? (ખ) થીઑલા બહેનના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

૧૩ થીઑલા નામનાં બહેન મૅક્સિકોનાં છે. તે યુરોપ રહેવાં ગયાં. ત્યાંનાં મંડળમાં બીજાં અમુક ભાઈ-બહેનો પણ હતા, જેઓ લૅટિન અમેરિકાનાં બીજા વિસ્તારોનાં હતાં. થીઑલાનું કહેવું છે કે એ ભાઈ-બહેનો, થીઑલાના દેશની, એનાં રીતરિવાજની અને લોકસંગીતની મજાક ઉડાવતા. એના લીધે તેમને બહુ ખોટું લાગતું. એવી લાગણી ન થાય એ માટે બહેને પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. જો આપણે એવાં સંજોગોમાં મુકાઈ જઈએ તો આપણને કેવું લાગશે? હજીયે આપણામાંના અમુક એવા હશે, જેઓ પોતાના દેશ કે સમાજ વિશે અપમાનજનક વાતો સાંભળીને લાગણીવશ થઈ જાય છે. આપણે એવું કંઈ કહેવા કે કરવા માંગતા નથી જેનાથી કોઈ એક દેશ કે જાતિનાં ભાઈ-બહેનો બીજાઓ કરતાં ચઢિયાતાં દેખાય. આપણે ભાઈ-બહેનો કે બીજા લોકો વચ્ચે ભાગલા પાડવા માંગતા નથી.—રોમ. ૧૪:૧૯; ૨ કોરીં. ૬:૩.

૧૪. યહોવા જેવા વિચારો કેળવવા તમે પોતાને કઈ રીતે તાલીમ આપી શકો?

૧૪ આપણે જાણીએ છીએ કે યહોવાના બધા ભક્તો એકતામાં રહે છે. તેથી, આપણે કદીયે કોઈ દેશ કે વિસ્તારને બીજા કરતાં ચઢિયાતો ગણવો જોઈએ નહિ. બની શકે કે તમારા કુટુંબીજનોની અને તમે જ્યાં મોટા થયા હો, એ વિસ્તારની અસર તમારા વિચારો પડી હોય. એના લીધે, તમારામાં અમુક વાર કોઈ દેશ, જાતિ, સમાજ કે ભાષાના લોકો માટે હજીયે નફરત જાગી શકે. જો એમ હોય તો એ ખોટી લાગણીઓ કાઢવા તમે શું કરી શકો? પહેલાં એ વિચારો કે જેઓને પોતાના દેશ માટે ઘમંડ છે અથવા બીજાઓ કરતાં પોતાને ચઢિયાતા ગણે છે, તેઓને યહોવા કેવા ગણે છે. કેમ નહિ કે તમે વ્યક્તિગત બાઇબલ અભ્યાસમાં અથવા કુટુંબ તરીકેની ભક્તિમાં એ વિષય પર વધુ સંશોધન કરો! જેમ યહોવા બધા લોકોને એકસરખાં ગણે છે, તેમ તમે ગણી શકો એ માટે પ્રાર્થના કરો.—રોમનો ૧૨:૨ વાંચો.

દુનિયા ભલે ડરાવે-ધમકાવે, યહોવાને વફાદાર રહેવા આપણે તેમનું જ સાંભળીશું (ફકરા ૧૫, ૧૬ જુઓ)

૧૫, ૧૬. (ક) આપણે દુનિયાથી જુદા તરી આવીએ છીએ, એ જોઈને અમુક લોકો આપણી સાથે કઈ રીતે વર્તશે? (ખ) બાળકો યહોવાને વફાદાર રહે, એ માટે માબાપ તેઓને કઈ રીતે મદદ કરી શકે?

૧૫ આપણે સાફ મનથી યહોવાની સાચી ભક્તિ કરવા માંગીએ છીએ. તેથી, આપણે કેટલીક વાર સ્કૂલના દોસ્તો, પડોશીઓ અથવા સાથે કામ કરનાર લોકોથી જુદા તરી આવીએ છીએ. (૧ પીત. ૨:૧૯) બની શકે કે આપણે એ લોકોના જેવા ન હોવાને લીધે તેઓ આપણને નફરત કરે. એ વિશે ઈસુએ આપણને પહેલેથી ચેતવ્યા હતા. જોકે, આપણે યાદ રાખીએ કે મોટા ભાગના વિરોધીઓને હજુ ઈશ્વરના રાજ્ય વિશે કંઈ ખબર નથી. તેઓ નથી સમજી શકતા કે શા માટે સરકારોને નહિ, પણ યહોવાના રાજ્યને વફાદાર રહેવું આપણા માટે મહત્ત્વનું છે.

૧૬ દુનિયા આપણને ગમે તે કહે કે કરે, યહોવાને વફાદાર રહેવા આપણે તેમનું જ સાંભળીશું. (દાની. ૩:૧૬-૧૮) ખાસ કરીને આપણા તરુણો માટે દુનિયાના લોકોથી જુદા તરી આવવું અઘરું લાગી શકે. એટલા માટે માબાપો, તમારાં બાળકોને સ્કૂલમાં હિંમત રાખવા મદદ કરો. સ્કૂલમાં પોતે ધ્વજવંદન કે દેશભક્તિની ઉજવણીમાં ભાગ નહિ લે, એ વિશે જણાવતા બાળકોને કદાચ બીક લાગી શકે. એમ હોય તો કેમ નહિ કે કુટુંબ તરીકે ભક્તિ દરમિયાન એ વિષય પર અભ્યાસ કરો! એનાથી તમને જોવા મળશે કે એમાં ભાગ લેવાને યહોવા કેવું ગણે છે. બાળકોને પોતાની માન્યતા હિંમત અને માનપૂર્વક જણાવવાનું શીખવો. (રોમ. ૧:૧૬) ઉપરાંત, જરૂર લાગે તો તમે તેઓના શિક્ષકો સાથે આપણી માન્યતાઓ વિશે વાત કરી શકો. એનાથી બાળકોને મદદ મળશે.

યહોવાની દરેક રચનાનો આનંદ માણીએ

૧૭. આપણે કેવું ન વિચારવું જોઈએ અને શા માટે?

૧૭ આપણે જ્યાં મોટા થયા હોઈએ ત્યાંનાં ખોરાક, ભાષા, કુદરતી સૌંદર્ય અને રિવાજોનો મોટા ભાગે આનંદ માણીએ છીએ. પણ શું આપણને એવું લાગે છે કે આપણને જે ગમે છે એ બીજાઓની પસંદગી કરતાં વધારે સારું છે? વિચારો કે યહોવાએ સૃષ્ટિમાં શા માટે વિવિધતા રાખી છે. તે ચાહે છે કે આપણે એ બધાનો આનંદ માણીએ. (ગીત. ૧૦૪:૨૪; પ્રકટી. ૪:૧૧) તો પછી, શા માટે આપણે કોઈ બાબત કરવાની એક રીતને બીજી રીત કરતાં વધારે સારી ગણીએ?

૧૮. બીજા લોકો વિશે યહોવા જેવા વિચારો કેળવવા આપણા માટે કેમ સારું છે?

૧૮ યહોવા ચાહે છે કે બધા પ્રકારના લોકો તેમના વિશે શીખે, તેમની ભક્તિ કરે અને હંમેશ માટે જીવે. (યોહા. ૩:૧૬; ૧ તીમો. ૨:૩, ૪) આપણે બીજાઓના વિચારો સાંભળવાની ઇચ્છા બતાવીએ છીએ. ભલે તેઓના વિચારો આપણા કરતાં અલગ લાગે તોપણ ઘણી વાર એને સ્વીકારવા જોઈએ. જો આપણે એમ કરીશું, તો જીવવાની મજા આવશે અને આપણાં ભાઈ-બહેનો સાથે સંપીને રહી શકીશું. આપણે યહોવાને અને તેમના રાજ્યને વફાદાર રહેતા હોવાથી, દુનિયાની તકરારોમાં કોઈનો પક્ષ લેતા નથી. શેતાનની દુનિયામાં રહેલાં ઘમંડ અને હરીફાઈના વલણને આપણે ધિક્કારીએ છીએ. યહોવાએ આપણને શાંતિ અને નમ્રતાના ગુણોને ચાહવાનું શીખવ્યું છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ! આપણે પણ ગીતશાસ્ત્રના આ લેખક જેવું અનુભવીએ છીએ: “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!”—ગીત. ૧૩૩:૧.

^ ફકરો. 10 ફિલિપી મંડળનાં અમુક ભાઈ-બહેનો પાસે કદાચ રોમની નાગરિકતા હતી. એના લીધે, તેઓ પાસે વધારે હક્ક હતા. જ્યારે કે રોમની નાગરિકતા ન ધરાવતાં ભાઈ-બહેનો પાસે ઓછા હક્ક હતા.

^ ફકરો. 12 અમુક નામ બદલ્યાં છે.