સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજ્યગૃહ—ઉપાસનાનું આપણું સ્થળ

રાજ્યગૃહ—ઉપાસનાનું આપણું સ્થળ

“તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે.”—યોહા. ૨:૧૭.

ગીતો: ૧૨ (૯૩), ૨૪ (૨૦૦)

૧, ૨. (ક) પ્રાચીન સમયમાં યહોવાના સેવકો ભક્તિ માટે કઈ જગ્યાઓ વાપરતા? (ખ) યરુશાલેમમાં આવેલા મંદિર વિશે ઈસુને કેવું લાગતું હતું? (ગ) આપણે આ લેખમાં શાની ચર્ચા કરીશું?

પ્રાચીન સમયના હોય કે આજના, ઈશ્વરભક્તો પાસે ભક્તિ માટે કોઈને કોઈ સ્થળ રહ્યું છે. હાબેલે યહોવાને અર્પણ કર્યું ત્યારે, તેમણે કદાચ વેદી બાંધી હતી. (ઉત. ૪:૩, ૪) નુહ, ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ અને મુસાએ પણ વેદીઓ બાંધી હતી. (ઉત. ૮:૨૦; ૧૨:૭; ૨૬:૨૫; ૩૫:૧; નિર્ગ. ૧૭:૧૫) યહોવાએ ઈસ્રાએલીઓને મુલાકાતમંડપ બાંધવાનું કહ્યું હતું. (નિર્ગ. ૨૫:૮) પછીથી, તેમણે મંદિર બાંધવા માટે પણ તેઓને માર્ગદર્શન આપ્યું હતું. (૧ રાજા. ૮:૨૭, ૨૯) બાબેલોનની ગુલામીમાંથી નીકળી આવ્યા પછી, ઈસ્રાએલીઓ નિયમિત રીતે સભાસ્થાનોમાં મળતા. (માર્ક ૬:૨; યોહા. ૧૮:૨૦; પ્રે.કૃ. ૧૫:૨૧) શરૂઆતના ખ્રિસ્તીઓ ભક્તિ કરવા ઘરોમાં ભેગા થતાં. (પ્રે.કૃ. ૧૨:૧૨; ૧ કોરીં. ૧૬:૧૯) આજે, દુનિયાભરમાં આવેલાં હજારો રાજ્યગૃહમાં યહોવાના લોકો ભેગા મળે છે. ત્યાં તેઓ યહોવા વિશે શીખે છે અને તેમની ભક્તિ કરે છે.

યરુશાલેમમાં આવેલા યહોવાના મંદિર માટે ઈસુને ઊંડું માન હતું. મંદિર માટે તેમનો પ્રેમ જોઈને શિષ્યોને એક ઈશ્વરભક્તના આ શબ્દો યાદ આવ્યા: “તારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે.” (ગીત. ૬૯:૯; યોહા. ૨:૧૭) ખરું કે, એ સમયમાં યરુશાલેમનું મંદિર યહોવાનું “ઘર” કહેવાતું. જોકે, આજે આપણું રાજ્યગૃહ યહોવાનું “ઘર” કે “મંદિર” તરીકે ઓળખાતું નથી. (૨ કાળ. ૫:૧૩; ૩૩:૪) તોપણ, ઉપાસનાની આપણી જગ્યાઓ માટે આપણને ઊંડું માન હોવું જોઈએ. આ લેખમાં આપણે બાઇબલના અમુક સિદ્ધાંતોની ચર્ચા કરીશું. એમાંથી આપણે શીખીશું કે રાજ્યગૃહમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ. આપણે એ પણ શીખીશું કે રાજ્યગૃહની કાળજી કઈ રીતે રાખવી જોઈએ. તેમજ, રાજ્યગૃહ માટે થતાં ખર્ચા ઉપાડવામાં કઈ રીતે ટેકો આપવો જોઈએ. *

સભાઓ માટે માન બતાવીએ

૩-૫. રાજ્યગૃહ શાના માટે છે? સભાઓ માટે આપણને કેવું લાગવું જોઈએ?

યહોવાના સાક્ષીઓ તરીકે, આપણા માટે રાજ્યગૃહ એ યહોવાની ભક્તિ કરવા માટેનું મુખ્ય સ્થળ છે. સભાઓ આપણા માટે ઈશ્વર તરફથી મળેલી એક ભેટ છે, જેનાથી તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે. સભાઓમાં આપણને તેમના સંગઠન દ્વારા ઉત્તેજન અને જરૂરી માર્ગદર્શન મળે છે. દર અઠવાડિયે આપણને ‘યહોવાની મેજ’ પર આવીને જમવાનું આમંત્રણ મળે છે. (૧ કોરીં. ૧૦:૨૧) યહોવા અને ઈસુ પાસેથી એવો આવકાર મળવો એ કેટલા મોટા સન્માનની વાત છે! એ ખાસ આમંત્રણનું મહત્ત્વ ક્યારેય ઓછું થવા દઈએ નહિ.

આપણે સભાઓમાં યહોવાની ભક્તિ કરવા અને એકબીજાને ઉત્તેજન આપવા ભેગા મળવું જોઈએ. એમ કરવા યહોવાએ આપણને સાફ જણાવ્યું છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫ વાંચો.) આપણે યહોવાને ખૂબ માન આપીએ છીએ. પરંતુ, નાનાં નાનાં કારણોને લીધે સભાઓમાં ન જઈએ, તો શું આપણે યહોવાને માન આપ્યું કહેવાય? આપણે સભાઓ માટે અગાઉથી તૈયારી કરી રાખવી જોઈએ. તેમજ, એમાં ભાગ લેવા માટે આતુર રહેવું જોઈએ. આમ, આપણે સભાઓ માટે કદર બતાવીએ છીએ.—ગીત. ૨૨:૨૨.

સભાઓમાં આપણા સારાં વર્તનથી અને રાજ્યગૃહની આપણે કેટલી કાળજી રાખીએ છીએ, એનાથી દેખાઈ આવશે કે આપણે યહોવાને કેટલું માન આપીએ છીએ. યહોવાનું પવિત્ર નામ આપણાં રાજ્યગૃહ ઉપર લખેલું હોય છે. તેથી, આપણાં સારાં વર્તનથી યહોવાના નામને મહિમા મળે છે.—વધુ માહિતી: ૧ રાજાઓ ૮:૧૭.

૬. આપણાં રાજ્યગૃહ અને ત્યાં આવતા લોકો વિશે અમુકનું શું કહેવું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

રાજ્યગૃહ માટે આપણો આદર લોકોના ધ્યાનમાં આવે છે. જેમ કે, તુર્કીના એક રહેવાસીએ આમ કહ્યું: ‘રાજ્યગૃહની સાફ-સફાઈ અને વ્યવસ્થા જોઈને હું ઘણો પ્રભાવિત થયો. ત્યાં આવેલા લોકોએ શોભતાં કપડાં પહેર્યાં હતાં, તેઓના ચહેરા પર સ્મિત હતું અને પ્રેમથી મને આવકાર આપ્યો. એ બધું મને ખૂબ ગમ્યું.’ પછીથી, એ વ્યક્તિ બધી સભાઓમાં આવવા લાગી અને તેમણે જલદી જ બાપ્તિસ્મા લીધું. ઇંડોનેશિયાનો દાખલો લો. ત્યાંના એક શહેરમાં આપણું નવું રાજ્યગૃહ બાંધવામાં આવ્યું હતું. ત્યાંનાં ભાઈ-બહેનોએ પડોશીઓ, અમુક સરકારી અધિકારીઓ અને મેયરને એ જોવા આમંત્રણ આપ્યું. રાજ્યગૃહનું ઉત્તમ બાંધકામ, એની ડિઝાઈન અને સુંદર બગીચો જોઈને, મેયર ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યું: ‘આ જગ્યાની સાફ-સફાઈ અને સુંદરતા તમારી સાચી શ્રદ્ધાની ઝલક આપે છે.’

આપણા અયોગ્ય વર્તનથી યહોવાનો અનાદર થાય છે (ફકરા ૭, ૮ જુઓ)

૭, ૮. રાજ્યગૃહમાં આપણે કઈ રીતે યહોવાને માન બતાવી શકીએ?

આપણને સભાઓમાં આવવાનું આમંત્રણ યહોવા આપે છે. તેથી, તે આપણા પહેરવેશ અને વર્તનની પરવા કરે છે. સભામાં આપણું વર્તન કેવું હોવું જોઈએ એના વિશે આપણે એકદમ ચુસ્ત નિયમો બનાવતા નથી. તેમજ, ઘરમાં હોઈએ એ રીતે પણ વર્તતા નથી. આપણે યોગ્ય વલણ જાળવી રાખીએ છીએ. ખરું કે યહોવા ચાહે છે કે રાજ્યગૃહમાં આવેલાં બધાં ભાઈ-બહેનો અને મહેમાનો સભાઓનો આનંદ માણે. જોકે, આપણે કોઈ પણ રીતે સભાઓનો અનાદર કરવા ચાહતા નથી. એટલે, આપણે સભાઓમાં લઘરવઘર અથવા ઘરનાં કપડાંમાં આવતા નથી. ઉપરાંત, આપણે સભાઓ દરમિયાન એસએમએસ કે ફોન કરવાનું તેમજ ખાવા-પીવાનું ટાળીએ છીએ. માતા-પિતાએ પોતાનાં બાળકોને શીખવવું જોઈએ કે રાજ્યગૃહમાં રમત-ગમત કે દોડાદોડી ન કરવી જોઈએ.—સભા. ૩:૧.

યહોવાના મંદિરમાં લોકોને વેપાર કરતા જોઈને, ઈસુ ગુસ્સે ભરાયા અને તેઓને બહાર કાઢી મૂક્યા. (યોહા. ૨:૧૩-૧૭) આપણાં રાજ્યગૃહો યહોવાની ભક્તિ કરવા માટે અને તેમના વિશે શીખવા માટે છે. તેથી, રાજ્યગૃહમાં વેપાર-ધંધાને લગતી કોઈ પણ પ્રવૃત્તિ કરવી યોગ્ય નહિ કહેવાય.—વધુ માહિતી: નહેમ્યા ૧૩:૭, ૮.

રાજ્યગૃહો બાંધવા મદદ કરીએ

૯, ૧૦. (ક) યહોવાના લોકો રાજ્યગૃહ બાંધકામ કઈ રીતે હાથ ધરે છે? એનું શું પરિણામ આવ્યું છે? (ખ) બાંધકામનો ખર્ચ ઉપાડી નથી શકતાં એવાં મંડળોને યહોવાના સંગઠને કેવી મદદ આપી છે?

દુનિયા ફરતે યહોવાના લોકો સુંદર રાજ્યગૃહો બાંધવામાં સખત મહેનત કરે છે. સ્વયંસેવકો એની ડિઝાઈન, એનું બાંધકામ અને એનું સમારકામ કરવાં કોઈ પૈસા લેતા નથી. પરિણામે, પાછલાં પંદર વર્ષોમાં દુનિયા ફરતે ૨૮,૦૦૦ કરતાં વધુ રાજ્યગૃહો બાંધવામાં આવ્યાં છે. એટલે કે, રોજનાં પાંચ રાજ્યગૃહો બંધાય છે!

૧૦ જ્યાં રાજ્યગૃહ બાંધવાની જરૂર હોય ત્યાં યહોવાનું સંગઠન સ્વયંસેવકો મોકલે છે. ભાઈ-બહેનોએ આપેલાં પ્રદાનો એ કામમાં વાપરવામાં આવે છે. એ બાબતે આપણે બાઇબલનો આ સિદ્ધાંત લાગુ પાડીએ છીએ: જેની પાસે ઘણું છે તેણે, અછત હોય એવાને આપવું. (૨ કોરીંથી ૮:૧૩-૧૫ વાંચો.) એનું શું પરિણામ આવ્યું? જે મંડળો રાજ્યગૃહ બાંધકામનો ખર્ચ ઉપાડી શકતાં ન હતાં તેઓ માટે રાજ્યગૃહ બનાવી આપવામાં આવ્યાં છે.

૧૧. નવું રાજ્યગૃહ મેળવીને અમુક ભાઈ-બહેનોને કેવું લાગે છે? તેઓની લાગણીઓ જાણીને તમને કેવું લાગે છે?

૧૧ કોસ્ટા રિકાના એક મંડળે આમ લખીને જણાવ્યું: ‘અમારા રાજ્યગૃહની સામે અમે ઊભા રહીએ છીએ ત્યારે, લાગે છે કે જાણે અમે સપનું જોઈ રહ્યા છીએ! અમારા માનવામાં જ આવતું નથી. અમારું સુંદર રાજ્યગૃહ ફક્ત આઠ જ દિવસમાં તૈયાર થઈ ગયું. એ પણ ઝીણામાં ઝીણું કામ પતાવવાની સાથે. ખરેખર, યહોવાના આશીર્વાદો, સંગઠને કરેલી ગોઠવણો અને અમારાં વહાલાં ભાઈ-બહેનોના સહકારને લીધે જ એ શક્ય બન્યું છે. ભક્તિનું આ સ્થળ અમારા માટે યહોવા તરફથી અમૂલ્ય ભેટ છે, એક કીમતી મોતી જેવું છે. એ મેળવીને અમે ખૂબ જ ખુશ છીએ.’ યહોવાએ જે કર્યું છે એ માટે ભાઈ-બહેનોની કદર જોઈને આપણને ઘણી ખુશી થાય છે. દુનિયા ફરતે આપણાં ભાઈ-બહેનો પોતાનું રાજ્યગૃહ મેળવે છે, એ જાણીને આપણને કેટલો આનંદ થાય છે! રાજ્યગૃહ બાંધકામ પર યહોવાનો આશીર્વાદ આપણે સાફ જોઈ શકીએ છીએ. કારણ કે કોઈ પણ રાજ્યગૃહ બાંધવામાં આવે કે તરત જ, વધુને વધુ લોકો સભાઓમાં આવીને યહોવા વિશે શીખવા લાગે છે.—ગીત. ૧૨૭:૧.

૧૨. રાજ્યગૃહ બાંધકામમાં તમે કઈ રીતે મદદ કરી શકો?

૧૨ રાજ્યગૃહ બાંધકામમાં તમે કઈ રીતે મદદ આપી શકો? તમે એમાં સ્વયંસેવક તરીકે કામ કરી શકો. તેમજ, એના ખર્ચાને પહોંચી વળવા આપણે બધા પૈસેટકે મદદ કરી શકીએ. એ કામમાં આપણાથી બનતી મદદ કરવાથી આપણને ઘણી ખુશી મળે છે. વધુ મહત્ત્વનું તો, આપણે યહોવાને મહિમા આપીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે આપણે બાઇબલ સમયના ઈશ્વરભક્તોને અનુસરીએ છીએ. તેઓ ઉપાસનાની જગ્યાના બાંધકામ માટે પૈસેટકે ફાળો આપવા આતુર હતા.—નિર્ગ. ૨૫:૨; ૨ કોરીં. ૯:૭.

રાજ્યગૃહની ચોખ્ખાઈ જાળવીએ

૧૩, ૧૪. રાજ્યગૃહને ચોખ્ખું અને વ્યવસ્થિત રાખવા આપણે બાઇબલના કયા સિદ્ધાંતો પાળીએ છીએ?

૧૩ યહોવા શુદ્ધ અને પવિત્ર ઈશ્વર છે. તે વ્યવસ્થાના ઈશ્વર છે. તેથી, આપણે આપણું રાજ્યગૃહ ચોખ્ખું અને વ્યવસ્થિત રાખવું જ જોઈએ. (૧ કોરીંથી ૧૪:૩૩, ૪૦ વાંચો.) યહોવાની જેમ પવિત્ર અને શુદ્ધ બનવા આપણે પોતાનાં વિચારો, કાર્યો અને ભક્તિ શુદ્ધ રાખીએ છીએ. એટલું જ નહિ, આપણે શરીરથી પણ શુદ્ધ રહીએ છીએ.—પ્રકટી. ૧૯:૮.

૧૪ આપણે રાજ્યગૃહ ચોખ્ખું અને વ્યવસ્થિત રાખીએ છીએ ત્યારે, લોકોને એમાં આવવા ગર્વથી આમંત્રણ આપી શકીએ છીએ. ઉપરાંત, લોકો જોઈ શકશે કે આપણે સ્વચ્છ નવી દુનિયા વિશે જે શીખવીએ છીએ, એ પ્રમાણે રહીએ પણ છીએ. તેઓ જોઈ શકશે કે આપણે એવા પવિત્ર અને શુદ્ધ ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, જે આ પૃથ્વીને એક સુંદર બાગ જેવી બનાવી દેશે.—યશા. ૬:૧-૩; પ્રકટી. ૧૧:૧૮.

૧૫, ૧૬. (ક) રાજ્યગૃહને કાયમ ચોખ્ખું રાખવું કેમ સહેલું નથી? છતાં આપણે શા માટે એને ચોખ્ખું રાખવું જોઈએ? (ખ) તમારા રાજ્યગૃહની સાફ-સફાઈનું કામ કઈ રીતે ગોઠવવામાં આવે છે? દરેક પાસે કયો લહાવો છે?

૧૫ અમુક લોકો સાફ-સફાઈને વધુ મહત્ત્વ આપે છે, જ્યારે કે અમુક આપતા નથી. તેઓના એ વિચારો તેમના ઉછેર પર આધાર રાખે છે. અમુક લોકો ધૂળ-માટી કે કાદવવાળા વિસ્તારોમાં રહે છે. અમુક લોકો પાસે પૂરતું પાણી કે સાફ-સફાઈ માટેની વસ્તુઓ નથી હોતી. ભલે આપણે ગમે એ વિસ્તારમાં રહેતા હોઈએ, કે ચોખ્ખાઈ વિશે લોકોના ગમે તે વિચારો હોય, આપણે પોતાનું રાજ્યગૃહ ચોખ્ખું અને વ્યવસ્થિત રાખવું જોઈએ. યાદ રાખીએ કે એ યહોવાની ભક્તિ કરવાની જગ્યા છે.—પુન. ૨૩:૧૪.

૧૬ આપણું રાજ્યગૃહ ચોખ્ખું રાખવા માંગતા હોઈએ, તો દરેક બાબતે વ્યવસ્થા જાળવવાની જરૂર છે. વડીલો સાફ-સફાઈ માટે સમયપત્રક તૈયાર કરે છે. તેમજ, એ માટે જરૂરી વસ્તુઓ અને સાધનો હોય એનું ધ્યાન રાખે છે. સફાઈ કામ સારી રીતે થાય એ માટે તેઓ ગોઠવણો કરે છે. રાજ્યગૃહમાં અમુક વસ્તુઓને દરેક સભા પછી ચોખ્ખી કરવી પડતી હોય છે. જ્યારે કે, અમુક વસ્તુઓ વારંવાર સાફ કરવી પડતી નથી. રાજ્યગૃહની સાફ-સફાઈમાં ભાગ લેવાનો આપણને દરેકને લહાવો મળ્યો છે.

રાજ્યગૃહની કાળજી લઈએ

૧૭, ૧૮. (ક) જે રીતે પ્રાચીન સમયના ઈશ્વરભક્તો મંદિરની કાળજી લેતા હતા, એમાંથી શું શીખી શકાય? (ખ) આપણે રાજ્યગૃહની કાળજી શા માટે લેવી જ જોઈએ?

૧૭ આપણે જરૂરી સમારકામ કરીને પણ રાજ્યગૃહને સારી હાલતમાં રાખીએ છીએ. પ્રાચીન સમયના ઈશ્વરભક્તોએ પણ એમ જ કર્યું હતું. દાખલા તરીકે, યહુદાના રાજા યહોઆશના રાજ દરમિયાન લોકોએ મંદિર માટે પૈસેટકે ફાળો આપ્યો હતો. રાજાએ યાજકોને હુકમ કર્યો કે મંદિરમાં જ્યાં કંઈ સમારકામની જરૂર હોય ત્યાં એ પૈસા વાપરે. (૨ રાજા. ૧૨:૪, ૫) ૨૦૦થી વધુ વર્ષો પછી, રાજા યોશીયાએ પણ મંદિરનાં પ્રદાનો સમારકામ માટે વાપર્યાં હતાં.—૨ કાળવૃત્તાંત ૩૪:૯-૧૧ વાંચો.

૧૮ અમુક શાખા સમિતિઓના ધ્યાનમાં આવ્યું છે કે તેમના દેશના લોકોને ઇમારતો અથવા સાધનોને સારી હાલતમાં રાખવાની આદત નથી. બની શકે કે તેઓના દેશમાં બહુ થોડા લોકોને ખબર છે કે કઈ રીતે સમારકામ કરવું જોઈએ. અથવા એમ પણ બને કે સમારકામ કરાવવા તેઓ પાસે પૂરતા પૈસા નથી. પરંતુ, આપણે જરૂરી સમારકામ નહિ કરીએ તો, રાજ્યગૃહ અસ્તવ્યસ્ત દેખાવા લાગશે અને એ લોકોની નજરમાં આવશે. એનાથી તેઓને સારી સાક્ષી મળશે નહિ. એના બદલે, આપણે તો રાજ્યગૃહની કાળજી લેવા માંગીએ છીએ. યહોવાને મહિમા આપવા ચાહીએ છીએ. તેમજ, આપણે ભાઈ-બહેનોના પૈસા વેડફવા માંગતા નથી. એ બધું કરવા આપણે પૂરો પ્રયત્ન કરીએ છીએ.

આપણું રાજ્યગૃહ હંમેશાં ચોખ્ખું અને સારી હાલતમાં રાખવું જોઈએ (ફકરા ૧૬, ૧૮ જુઓ)

૧૯. યહોવાની ભક્તિ માટે તમે જ્યાં ભેગા મળો છો, એ જગ્યા માટે કઈ રીતે આદર બતાવશો?

૧૯ રાજ્યગૃહ એ યહોવાને અર્પણ કરવામાં આવેલું સ્થળ છે. એના પર કોઈ વ્યક્તિ કે મંડળની માલિકી નથી. આ લેખમાં શીખ્યા તેમ, બાઇબલના સિદ્ધાંતો આપણને ઉપાસનાની જગ્યા માટે યોગ્ય વલણ રાખવા મદદ કરે છે. યહોવાને માન આપતા હોવાથી આપણે સભાઓ અને રાજ્યગૃહને પણ માન આપીએ છીએ. આપણે વધુ રાજ્યગૃહો બાંધવા માટે પૈસેટકે ખુશીથી ફાળો આપીએ છીએ. તેમજ, રાજ્યગૃહને ચોખ્ખું રાખવા અને એની સંભાળ લેવા સખત મહેનત કરીએ છીએ. યહોવાની ભક્તિનાં સ્થળ માટે આપણે પણ ઈસુની જેમ ઉત્સાહ અને આદર બતાવીએ છીએ.—યોહા. ૨:૧૭.

^ ફકરો. 2 આ લેખમાં મોટા ભાગે રાજ્યગૃહને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. જોકે, એના સિદ્ધાંતો આપણાં સંમેલનગૃહો અને ભક્તિ માટેની આપણી બીજી જગ્યાઓને પણ એટલા જ લાગુ પડે છે.