સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ખ્રિસ્તની જેમ પરિપક્વ બનવા પ્રગતિ કરી રહ્યા છો?

શું તમે ખ્રિસ્તની જેમ પરિપક્વ બનવા પ્રગતિ કરી રહ્યા છો?

‘પૂરેપૂરી વૃદ્ધિ પામીએ, જેથી ખ્રિસ્તની જેમ આપણે પરિપક્વ થઈએ.’—એફે. ૪:૧૩, NW.

ગીતો: ૨૫ (191), ૧૫ (124)

૧, ૨. યહોવાના દરેક ભક્તનું લક્ષ્ય શું હોવું જોઈએ? ઉદાહરણ આપો.

બજારમાં એક ગૃહિણી તાજાં ફળ ખરીદવાં એમાં શું જોશે? તે જોશે કે ફળ સડેલું તો નથી ને? શું એને તરત ખાઈ શકાશે? તે એને સૂંઘી પણ જોશે. ફળ કેટલું મોટું છે કે કેટલું સસ્તું છે, ફક્ત એટલું જોઈને તે એને ખરીદી નહિ લે. પણ તે એવું ફળ પસંદ કરશે, જે પૂરી રીતે પાકી ગયું હોય, એટલે કે “પરિપક્વ” હોય.

એક વ્યક્તિ યહોવા વિશે શીખતી જાય છે તેમ, સમર્પણ અને બાપ્તિસ્મા લેવા તરફ પ્રગતિ કરે છે. બાપ્તિસ્મા પછી પણ તે પ્રગતિ કરવામાં લાગુ રહે છે. તેનું લક્ષ્ય ઈશ્વરનો એક પરિપક્વ સેવક બનવાનું હોય છે. પરંતુ, અહીં પરિપક્વ બનવાનો અર્થ ઉંમરમાં મોટાં થવું એવો નથી. એ તો, યહોવાની ભક્તિમાં વ્યક્તિની પ્રગતિને બતાવે છે. એટલે કે, યહોવા સાથે તેના ગાઢ સંબંધને દર્શાવે છે. પ્રેરિત પાઊલ ચાહતા હતા કે એફેસી મંડળનાં ભાઈ-બહેનો એ અર્થમાં પરિપક્વ બને. તેમણે તેઓને શ્રદ્ધામાં એક થવા અને ઈસુ વિશે શીખતા રહેવા ઉત્તેજન આપ્યું, જેથી તેઓ ‘પૂરેપૂરી વૃદ્ધિ પામે અને ખ્રિસ્તની જેમ પરિપક્વ બને.’—એફે. ૪:૧૩, NW.

૩. પ્રથમ સદીના એફેસી મંડળમાં અને આજનાં આપણાં મંડળોમાં શું સરખાપણું છે?

પ્રેરિત પાઊલે એફેસી મંડળને પત્ર લખ્યો ત્યારે, એ મંડળ બન્યાને કેટલાંક વર્ષો વીતી ચૂક્યાં હતાં. એ મંડળમાં ઘણાં અનુભવી અને પરિપક્વ ભાઈ-બહેનો હતાં. પરંતુ, કેટલાંક ભાઈ-બહેનો એવાં હતાં, જેઓને યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત બનાવવાની જરૂર હતી. આજે આપણાં મંડળોમાં પણ એવું જોવા મળે છે. ઘણાં ભાઈ-બહેનો એવાં છે, જેઓએ વર્ષોથી યહોવાની સેવા કરી છે અને પરિપક્વ બન્યાં છે. જોકે, મંડળમાં કેટલાંક ભાઈ-બહેનો એવાં છે, જેઓને પરિપક્વ બનવાની જરૂર છે. દાખલા તરીકે, દર વર્ષે હજારો લોકો બાપ્તિસ્મા લઈને મંડળનો ભાગ બને છે. એવાં ભાઈ-બહેનોએ પરિપક્વ બનવા પ્રગતિ કરવાની જરૂર છે. તમારા વિશે શું?—કોલો. ૨:૬, ૭.

તમે કઈ રીતે પ્રગતિ કરી શકો?

૪, ૫. પરિપક્વ ભાઈ-બહેનો કઈ રીતે એકબીજાથી અલગ હોય શકે? પરંતુ, તેઓમાં એક જેવું શું હોય છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

સ્વાભાવિક છે કે તમે જે પાકેલાં ફળો પસંદ કર્યાં, એ બધાં જ ફળો દેખાવે એક સરખાં નહિ હોય. જોકે, એ દરેક પાકેલા ફળમાં અમુક બાબતો એક સરખી હોય છે, જે સાબિત કરે છે કે એ પાકેલું છે. પરિપક્વ ભાઈ-બહેનો વિશે પણ એવું જ છે. તેઓ બધાં એક સરખાં હોતાં નથી. તેઓ અલગ અલગ દેશ અને સંસ્કૃતિમાંથી આવેલાં હોય છે. તેઓની ઉંમર અને પસંદગીઓ પણ એક જેવી હોતી નથી. છતાં, પરિપક્વ ભાઈ-બહેનોમાં અમુક ગુણો એક સરખા હોય છે, જે સાબિત કરે છે કે તેઓ પરિપક્વ વ્યક્તિ છે. એ ગુણો કયા છે?

એક પરિપક્વ વ્યક્તિ ઈસુનું અનુકરણ કરે છે અને ‘તેમને પગલે ચાલે’ છે. (૧ પીત. ૨:૨૧) ઈસુએ કહ્યું હતું કે, એક વ્યક્તિએ પૂરા દિલથી, પૂરા જીવથી અને પૂરા મનથી યહોવાને પ્રેમ કરવો બહુ જરૂરી છે. તેમજ, જેવો પોતાના પર તેવો જ પોતાના પાડોશી પર પ્રેમ કરવો જરૂરી છે. (માથ. ૨૨:૩૭-૩૯) યહોવાનો એક પરિપક્વ સેવક એ સલાહને પાળવા પૂરો પ્રયત્ન કરે છે. તેની જીવનઢબ પરથી દેખાઈ આવે છે કે યહોવા સાથે તેનો સંબંધ અને બીજા લોકો પ્રત્યેનો પ્રેમ તેના માટે સૌથી મહત્ત્વના છે.

વૃદ્ધ ભાઈઓ મંડળમાં આગેવાની લઈ રહેલા યુવાનોને સાથ-સહકાર આપીને ઈસુ જેવી નમ્રતા બતાવે છે (ફકરો ૬ જુઓ)

૬, ૭. (ક) પરિપક્વ વ્યક્તિમાં બીજા કયા સારા ગુણો દેખાઈ આવે છે? (ખ) આપણે કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

એક પરિપક્વ વ્યક્તિમાં પ્રેમના ગુણની સાથે સાથે બીજા ઘણા સારા ગુણો દેખાઈ આવે છે. જેમ કે, નમ્રતા, સંયમ અને ધીરજ. (ગલા. ૫:૨૨, ૨૩) એ ગુણો હોવાને લીધે, તે મુશ્કેલ સંજોગોમાં ચિડાઈ જવાને બદલે, સંયમ રાખીને એનો સામનો કરે છે. ભારે નિરાશાના સમયમાં પણ તે આશા ગુમાવતી નથી, તે ધીરજ રાખે છે. તેના વ્યક્તિગત અભ્યાસ દરમિયાન તે બાઇબલના સિદ્ધાંતો વિશે શીખતી રહે છે, જેના લીધે તે ખરાં-ખોટાં વચ્ચે ભેદ પારખી શકે છે. આમ, બાઇબલ સિદ્ધાંતોથી કેળવાયેલા અંતઃકરણ પ્રમાણે ચાલવાને લીધે, તે સારા નિર્ણયો લઈ શકે છે. એક પરિપક્વ વ્યક્તિ નમ્રતાનો ગુણ બતાવે છે. * તે હંમેશાં યાદ રાખે છે કે પોતાની બુદ્ધિ કરતાં યહોવાનું માર્ગદર્શન અને તેમનાં ધોરણો વધારે સારાં છે. તે ખુશખબર જણાવવાનાં કામમાં ઘણી ઉત્સાહી હોય છે અને મંડળમાં સંપ જાળવી રાખવા બનતું બધું કરે છે.

ભલે આપણે ગમે તેટલાં વર્ષોથી યહોવાની સેવા કરતાં હોઈએ, છતાં આપણે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: “ઈસુને વધુ સારી રીતે અનુસરવા, મારે કેવા ફેરફારો કરવા જોઈએ, જેથી હું ભક્તિમાં પ્રગતિ કરતો રહું?”

‘પરિપક્વ લોકો માટે ભારે ખોરાક’

૮. શાસ્ત્રને લગતાં ઈસુના જ્ઞાન અને સમજણ વિશે શું કહી શકાય?

ઈસુ બહુ સારી રીતે શાસ્ત્ર જાણતા અને સમજતા હતા. અરે, ૧૨ વર્ષની ઉંમરે તેમણે મંદિરમાં ધર્મગુરુઓ જોડે ચર્ચા કરતી વખતે, શાસ્ત્રમાંથી ઉલ્લેખ કર્યો. ત્યારે જે લોકોએ ‘તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી અને તેમના જવાબોથી દંગ રહી ગયા.’ (લુક ૨:૪૬, ૪૭) સમય જતાં, સાક્ષીકાર્યમાં પણ અસરકારક રીતે શાસ્ત્રનો ઉપયોગ કરીને, તેમણે પોતાના વિરોધીઓને ચૂપ કરી દીધા.—માથ. ૨૨:૪૧-૪૬.

૯. (ક) વ્યક્તિગત અભ્યાસ કરવા એક પરિપક્વ વ્યક્તિ કેવાં પગલાં ભરે છે? (ખ) આપણે કયા હેતુથી બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ?

પરિપક્વ બનવા ચાહતી વ્યક્તિ ઈસુના ઉદાહરણને અનુસરે છે અને બાઇબલની સમજણ મેળવવા પૂરો પ્રયત્ન કરે છે. બાઇબલની ઊંડી સમજણ મેળવવા તે નિયમિત એનો અભ્યાસ કરે છે. કારણ કે, તે જાણે છે કે ‘પુખ્ત ઉંમરનાઓ માટે ભારે ખોરાક છે.’ (હિબ્રૂ ૫:૧૪) એવી વ્યક્તિ બાઇબલનું ખરું “જ્ઞાન” મેળવવા ઇચ્છે છે. (એફે. ૪:૧૩) આપણે દરેકે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: “શું હું દરરોજ બાઇબલ વાંચું છું? શું મેં નિયમિત રીતે વ્યક્તિગત અભ્યાસ કરવાનો સમય નક્કી કર્યો છે? દર અઠવાડિયે શું હું કુટુંબ તરીકેની ભક્તિ કરું છું?” બાઇબલનો અભ્યાસ કરતી વખતે આપણો હેતુ એવા સિદ્ધાંતો પર સંશોધન કરવાનો હોવો જોઈએ, જે આપણને યહોવાના વિચારો અને લાગણીઓ જાણવામાં મદદ કરે. આપણે એ સિદ્ધાંતોને આધારે નિર્ણયો લેવા જોઈએ. એમ કરવાથી, યહોવા સાથેનો સંબંધ મજબૂત બનાવવા આપણને મદદ મળશે.

૧૦. પરિપક્વ વ્યક્તિને યહોવાની સલાહ અને સિદ્ધાંતો વિશે કેવું લાગે છે?

૧૦ એક પરિપક્વ વ્યક્તિ સમજે છે કે તેણે બાઇબલનું જ્ઞાન લેવા ઉપરાંત કંઈક કરવાની જરૂર છે. તે જાણે છે કે યહોવાની સલાહ અને સિદ્ધાંતોને પ્રેમ કરવો જરૂરી છે. એ પ્રેમની સાબિતી આપવા તે યહોવાની ઇચ્છા પ્રમાણે જીવે છે. તે પોતાની મરજી પ્રમાણે જીવતી નથી. તે પોતાની જીવનઢબ, વિચારો અને પોતાનું વર્તન પણ બદલી નાખે છે. જેમ કે, તે ઈસુનું અનુકરણ કરે છે અને એક નવું વ્યક્તિત્વ અપનાવે છે. એ નવું વ્યક્તિત્વ ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયીપણામાં અને સત્યની પવિત્રતામાં સરજાએલું’ છે. (એફેસી ૪:૨૨-૨૪ વાંચો.) ઉપરાંત, પરિપક્વ વ્યક્તિ હંમેશાં યાદ રાખે છે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે. તેથી, જ્યારે તે બાઇબલનો અભ્યાસ કરે છે ત્યારે, ઈશ્વરની પવિત્ર શક્તિ તેને જ્ઞાન, પ્રેમ અને યહોવા સાથેના સંબંધમાં વધતી જવા મદદ કરે છે.

સંપ ફેલાવો

૧૧. કુટુંબ અને મિત્રો પાસેથી ઈસુને કેવો અનુભવ થયો?

૧૧ ઈસુ એક સંપૂર્ણ વ્યક્તિ હતા. પૃથ્વી પર હતા ત્યારે તે અપૂર્ણ માનવીઓથી ઘેરાયેલા હતા. તેમનાં માબાપ અને ભાઈ-બહેનો પણ અપૂર્ણ હોવાને લીધે ભૂલો કરતાં. અરે, ઈસુના સૌથી નજીકના શિષ્યોએ ઘમંડ અને સ્વાર્થ જેવા અવગુણો બતાવ્યા હતા! દાખલા તરીકે, ઈસુના જીવનની છેલ્લી રાતે, તેમના શિષ્યો અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા કે, તેઓમાં “કોણ મોટો ગણાય.” (લુક ૨૨:૨૪) તેઓના એ વિચારો કેટલા ભૂલભરેલા હતા! છતાં, ઈસુ જાણતા હતા કે જલદી જ તેમના શિષ્યો પરિપક્વ બનશે અને સંપ ભરેલું મંડળ ઊભું કરશે. ઈસુએ એ રાતે પ્રાર્થના કરી કે તેમના શિષ્યો સંપીને રહે. ઈસુએ સ્વર્ગમાંના પિતાને અરજ કરી: ‘હે પિતા, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય. જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય.’—યોહા. ૧૭:૨૧, ૨૨.

૧૨, ૧૩. (ક) ઈસુના અનુયાયીઓ તરીકે આપણો ધ્યેય શો હોવો જોઈએ? (ખ) એક ભાઈ કઈ રીતે મંડળમાં સંપ ફેલાવવાનું શીખ્યા?

૧૨ યહોવાનો પરિપક્વ સેવક મંડળમાં સંપ ફેલાવે છે. (એફેસી ૪:૧-૬, ૧૫, ૧૬ વાંચો.) ઈસુના અનુયાયીઓ તરીકે આપણો ધ્યેય એકબીજા સાથે “જોડાઈને” સંપથી કામ કરવાનો છે. એવો સંપ જાળવી રાખવા દરેક સેવક નમ્ર હોવો જરૂરી છે. બીજાઓની અપૂર્ણતાને લીધે સહન કરવું પડે તોપણ, એક પરિપક્વ વ્યક્તિ મંડળમાં સંપ જાળવી રાખવા ખૂબ મહેનત કરે છે. આપણા વિશે શું? આપણે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: “કોઈ ભાઈ કે બહેન ભૂલ કરે ત્યારે તેમની સાથે મારું વર્તન કેવું હોય છે? કોઈ મારી લાગણી દુભાવે ત્યારે મને એ વ્યક્તિ વિશે કેવું લાગે છે? શું હું તેની સાથે બોલવાનું બંધ કરી દઉં છું કે પછી સંબંધ સુધારવાનો પ્રયત્ન કરું છું?” એક પરિપક્વ વ્યક્તિ મતભેદોને તોડી પાડે છે, ભાઈ-બહેનોનાં દિલોને નહિ!

૧૩ ભાઈ યૂવેનો વિચાર કરો. અગાઉ તે, બીજાઓની ભૂલોને મન પર લઈ લેતા અને ખિજાઈ જતા. પરંતુ, તેમણે બાઇબલ અને ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ પુસ્તકમાંથી દાઊદના જીવન પર અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. તેમણે શા માટે દાઊદનું પાત્ર પસંદ કર્યું? કારણ કે, દાઊદે પણ ઈશ્વરના બીજા સેવકોએ ઊભી કરેલી તકલીફોનો સામનો કર્યો હતો. જેમ કે, રાજા શાઊલે દાઊદને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. અમુક લોકો દાઊદને પથ્થરે મારી નાંખવા ચાહતા હતા. અરે, તેમની પત્નીએ તેમની હાંસી ઉડાવી! (૧ શમૂ. ૧૯:૯-૧૧; ૩૦:૧-૬; ૨ શમૂ. ૬:૧૪-૨૨) ખરું કે, અમુક લોકોએ દાઊદ સાથે ખરાબ વર્તન કર્યું હતું. પણ લોકોના એવા વર્તનને લીધે દાઊદે યહોવા સાથેની મિત્રતામાં તિરાડ પડવા દીધી નહિ. તેમણે તો દયાનો ગુણ બતાવ્યો. ભાઈ યૂવેએ સ્વીકાર્યું કે તેમને પણ દાઊદને અનુસરવાની જરૂર હતી. બાઇબલના એ અભ્યાસ પરથી ભાઈ શીખી શક્યા કે બીજાઓ ભૂલ કરે ત્યારે પોતે કઈ રીતે વર્તવું જોઈએ. બીજાઓની ભૂલો મનમાં ભરી ન રાખવાની તેમને જરૂર હતી. તેમજ, મંડળમાં સંપ ફેલાવવાની જરૂર હતી. શું તમારો ધ્યેય પણ એ જ છે?

યહોવાને માર્ગે ચાલનારને મિત્ર બનાવો

૧૪. ઈસુએ પોતાના મિત્રોની પસંદગી કઈ રીતે કરી?

૧૪ ઈસુ ખ્રિસ્ત સ્વભાવે મળતાવડા હતા. સ્ત્રી-પુરુષ, યુવાન-વૃદ્ધ, અરે બાળકોને પણ તેમની સાથે ઘણી મજા આવતી. પરંતુ, પોતાના નજીકના મિત્રો પસંદ કરવામાં તેમણે હંમેશાં સાવચેતી રાખી. તેમણે પ્રેરિતોને કહ્યું હતું: “જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.” (યોહા. ૧૫:૧૪) જેઓ ઈસુને વફાદારીથી અનુસરતા અને યહોવાની ભક્તિ પૂરા દિલથી કરતા, એવા લોકોને જ ઈસુએ ગાઢ મિત્રો બનાવ્યા હતા. શું તમે પણ એવા મિત્રો પસંદ કરો છો, જેઓ યહોવાને દિલથી ચાહે છે? એ શા માટે મહત્ત્વનું છે?

૧૫. યહોવાના પરિપક્વ સેવકો સાથે મિત્રતા કરવાથી યુવાનોને કઈ રીતે મદદ મળશે?

૧૫ મોટા ભાગનાં ફળો સૂર્યનો ઊનો તડકો મળવાથી સારી રીતે પાકે છે. એ જ પ્રમાણે, આપણાં ભાઈ-બહેનોનાં પ્રેમ અને હૂંફ મળવાથી તમને પરિપક્વ બનવામાં ઘણી મદદ મળશે. શું તમે એક યુવાન છો અને જીવનમાં આગળ શું કરવું એના પર વિચારી રહ્યા છો? એમ હોય તો સારું રહેશે કે તમે એવાં ભાઈ-બહેનોને તમારા મિત્રો બનાવો, જેઓ લાંબા સમયથી યહોવાની સેવા કરે છે અને મંડળમાં સંપ ફેલાવે છે. એવાં ભાઈ-બહેનોએ પોતાના જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ જોયા હશે. તેમજ, તેઓએ યહોવાની ભક્તિમાં ઘણા પડકારોનો સામનો ધીરજથી કર્યો હશે. તેઓ તમને જીવનનો સૌથી સારો માર્ગ પસંદ કરવા મદદ કરશે. તેઓની સંગતમાં રહેશો તો, તમને સારા નિર્ણયો લેવામાં અને ભક્તિમાં પરિપક્વ બનવામાં ખૂબ મદદ મળશે.—હિબ્રૂ ૫:૧૪ વાંચો.

૧૬. એક બહેન યુવાન હતાં ત્યારે, મંડળનાં પરિપક્વ ભાઈ-બહેનોએ તેમને કઈ રીતે મદદ આપી?

૧૬ હૅલ્ગા નામના બહેનનો વિચાર કરો. બહેન પોતાની સ્કૂલના છેલ્લા વર્ષને યાદ કરે છે. તે જણાવે છે કે તેમની સાથે ભણતા બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ધ્યેયો વિશે ચર્ચા કરતા હતા. તેઓમાંથી ઘણાને ઉચ્ચ ભણતર મેળવવું હતું, જેથી સફળ કારકિર્દી બનાવી શકે. જ્યારે કે, હૅલ્ગાએ એ વિશે મંડળના પરિપક્વ મિત્રો સાથે ચર્ચા કરી. તેઓ વિશે બહેન જણાવે છે: ‘તેઓમાંથી ઘણા મારા કરતાં મોટા હતા અને તેઓએ મને ઘણી મદદ આપી. તેઓએ મને પૂરા સમયની સેવામાં જોડાવા ઉત્તેજન આપ્યું. ત્યાર બાદ મેં પાંચ વર્ષ પાયોનિયરીંગ કર્યું. એ વાતને હવે વર્ષો વીતી ગયાં છે. મને એ વાતની ખુશી છે કે મેં મોટા ભાગની મારી યુવાની યહોવાની સેવામાં વિતાવી. એમ કરવાનો મને જરાય અફસોસ નથી!’

૧૭, ૧૮. યહોવાની સેવા સૌથી સારી રીતે કરવા આપણે શું કરવું જોઈએ?

૧૭ આપણે ઈસુનું અનુકરણ કરીશું તો એક પરિપક્વ વ્યક્તિ બનવા તરફ પ્રગતિ કરીશું. આપણે યહોવાની વધુ નિકટ આવીશું અને તેમની સેવા કરવાની આપણી ઇચ્છા વધશે. વ્યક્તિ જ્યારે પરિપક્વ બને છે ત્યારે તે યહોવાની સેવામાં સૌથી સારું કરી શકે છે. ઈસુએ પોતાના અનુયાયીઓને ઉત્તેજન આપ્યું હતું: ‘તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે.’—માથ. ૫:૧૬.

૧૮ આપણે શીખી ગયા કે એક પરિપક્વ ભાઈ કે બહેન, મંડળને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. તે જે રીતે પોતાનું અંતઃકરણ વાપરે છે, એના પરથી દેખાઈ આવે છે કે તે કેટલા પરિપક્વ છે. સારા નિર્ણયો લેવામાં કઈ રીતે આપણું અંતઃકરણ મદદ કરી શકે? મંડળનાં ભાઈ-બહેનો પોતાના અંતઃકરણ પ્રમાણે કોઈ નિર્ણય લે ત્યારે, આપણે કઈ રીતે તેઓના નિર્ણયને માન આપી શકીએ? એ સવાલોની ચર્ચા આપણે આવતા લેખમાં કરીશું.

^ ફકરો. 6 દાખલા તરીકે, કોઈ વૃદ્ધ અને અનુભવી ભાઈ વર્ષોથી મંડળમાં કોઈ જવાબદારી ઉપાડે છે. એ ભાઈને પોતાની સોંપણી કોઈ યુવાન ભાઈને આપવાનું જણાવવામાં આવી શકે. તેમજ, કહેવામાં આવી શકે કે એ યુવાન ભાઈને પૂરો સાથ-સહકાર આપે.