સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યહોવાએ મારું જીવન આશીર્વાદોથી ભરી દીધું!

યહોવાએ મારું જીવન આશીર્વાદોથી ભરી દીધું!

મારો જન્મ ૧૯૨૭માં કૅનેડાના વાકા નામના એક નાના શહેરમાં થયો હતો. એ શહેર સેસ્કૅચેવાન નામના વિસ્તારમાં આવેલું છે. મારા કુટુંબમાં મારાં મમ્મી-પપ્પા, ચાર ભાઈઓ અને ત્રણ બહેનો હતાં. આમ, મને નાનપણથી જ મોટા કુટુંબમાં રહેવાનો અનુભવ થઈ ચૂક્યો હતો.

૧૯૩૦નો દાયકો સખત આર્થિક તંગીનો સમયગાળો હતો. એ તંગીની અસર મારા કુટુંબ પર પણ થઈ. પરંતુ, અમને ખોરાકની તંગી કદી ન પડી. ખરું કે, અમે બહુ અમીર ન હતાં, પણ અમારી પાસે કેટલીક મરઘીઓ અને એક ગાય હતી. એટલે અમને ઈંડાં, દૂધ, મલાઈ, ચીઝ અને માખણની ક્યારેય અછત પડી નહિ. જાનવરોની દેખરેખ રાખવા અને ઘરનાં બીજાં કામકાજ કરવાં અમે બધા મહેનત કરતાં.

એ સમયની મીઠી યાદો હજીયે મારા મનમાં છે. જેમ કે, પાનખરની મોસમમાં સફરજનની એ મીઠી સુગંધથી અમારી આખી ઓરડી મહેકી ઊઠતી. મારા પપ્પા શહેરમાં દૂધનાં ઉત્પાદનો અને ઈંડાં વેચવાં જતાં ત્યારે પાછા આવતી વખતે, ખોખું ભરીને તાજાં સફરજન લઈ આવતા. રોજ એક રસીલું સફરજન ખાવાની અમને ખૂબ મજા આવતી. અમારી માટે એ તો જાણે મિજબાની હતી.

અમારા કુટુંબે સત્ય અપનાવ્યું

હું ૬ વર્ષની હતી ત્યારે મારા કુટુંબને સત્ય મળ્યું. ચાલો, એ વિશે વધુ જણાવું. મારા સૌથી મોટા ભાઈ જૉની તેમના જન્મના થોડા જ સમય પછી ગુજરી ગયા હતા. એનાથી મારાં મમ્મી-પપ્પા ખૂબ જ હતાશ થઈ ગયાં. તેઓએ ચર્ચના પાદરીને પૂછ્યું કે, ‘મરણ પછી જૉનીનું શું થયું હશે?’ પાદરીએ તેઓને જણાવ્યું કે જૉનીનું બાપ્તિસ્મા થયું ન હતું, એટલે તે સ્વર્ગમાં ન જઈ શકે. તેથી, અત્યારે તે લીમ્બૉમાં * છે. પાદરીએ એમ પણ કહ્યું કે જો મારાં મમ્મી-પપ્પા પૈસા આપે, તો તે જૉની માટે પ્રાર્થના કરશે અને જૉની લીમ્બૉમાંથી સ્વર્ગમાં જશે. જરા વિચારો, એ જવાબ સાંભળીને તમને કેવું લાગ્યું હોત? મારાં મમ્મી-પપ્પા તો એટલાં બધાં નિરાશ થયાં કે તેઓએ એ પાદરી સાથે ફરી ક્યારેય વાત કરી નહિ. જોકે, તેઓને જૉની વિશેનો એ પ્રશ્ન સતાવતો રહેતો.

એક દિવસે મારાં મમ્મીને એક પુસ્તિકા મળી, જેનું નામ વ્હેર આર ધ ડેડ? હતું. એ પુસ્તિકા યહોવાના સાક્ષીઓએ બહાર પાડી હતી. મારાં મમ્મીએ ઘણી ઉત્સુકતાથી એને વાંચી લીધી. જ્યારે પપ્પા ઘરે આવ્યા, ત્યારે મમ્મીએ ઘણી ખુશીથી કહ્યું: ‘મને ખબર પડી ગઈ કે જૉનીનું શું થયું છે! તે અત્યારે સૂતો છે, પણ એક દિવસે તેને ઉઠાડવામાં આવશે.’ એ સાંજે મારા પપ્પાએ પણ એ પુસ્તિકા વાંચી લીધી. તેઓને બાઇબલમાંથી જાણવા મળ્યું કે ગુજરી ગયેલા લોકો તો જાણે ઊંઘી ગયા છે અને ભાવિમાં તેઓને સજીવન કરવામાં આવશે. એ હકીકત જાણીને મારાં મમ્મી-પપ્પાને ખૂબ જ દિલાસો મળ્યો.—સભા. ૯:૫, ૧૦; પ્રે.કૃ. ૨૪:૧૫.

મારાં મમ્મી-પપ્પા જે શીખ્યાં એનાથી અમારાં બધાંનું જીવન બદલાઈ ગયું. અમને ઘણી રાહત અને ખુશી મળી. તેઓએ યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલ શીખવાનું શરૂ કર્યું અને સભાઓમાં જવા લાગ્યાં. વાકા શહેરનાં એક નાના મંડળમાં તેઓ જતાં, જ્યાં મોટા ભાગના લોકો યુક્રેઇનના હતા. થોડા જ સમયમાં, મમ્મી-પપ્પા પણ સાક્ષીકામમાં ભાગ લેવા લાગ્યાં.

એના થોડા જ સમય પછી, અમે બ્રિટીશ કૉલંબિયામાં રહેવાં ગયાં. ત્યાંના મંડળે અમને પ્રેમથી આવકાર આપ્યો. અમારું આખું કુટુંબ સાથે મળીને રવિવારની સભા માટે ચોકીબુરજની તૈયારી કરતું. એ દિવસો યાદ કરું છું ત્યારે, દિલ ખુશીથી છલકાઈ ઊઠે છે! અમે બધાં જ ધીરે ધીરે બાઇબલના સત્ય માટે અને યહોવા માટે ઊંડો પ્રેમ કેળવી રહ્યાં હતાં. હું જોઈ શકતી હતી કે, યહોવા કઈ રીતે ઘણા આશીર્વાદો આપીને અમારું જીવન વધુ સારું બનાવી રહ્યા હતા.

હું અને મારાં ભાઈ-બહેનો હજી નાનાં હતાં. તેથી, બીજાઓને અમારી માન્યતાઓ વિશે જણાવવું અમને અઘરું લાગતું. જોકે, એક બાબતને લીધે અમને ઘણી મદદ મળી. હું અને મારી નાની બહેન ઈવા, સાથે મળીને દર મહિનાની રજૂઆત તૈયાર કરતાં. એ પછી, પ્રચાર માટેની સભામાં એ રજૂઆતનું દૃશ્ય કરી બતાવતાં. આમ, અમે શરમાળ હોવાં છતાં બીજાઓને બાઇબલમાંથી જણાવવાનું શીખી શક્યાં. બીજાઓને સંદેશો આપવાની અમને જે તાલીમ મળી એ માટે હું ખૂબ આભારી છું!

અમારા ઘરે અમુક વાર પૂરા સમયના સેવકો રોકાતા. બાળપણના એ દિવસો અમારા માટે યાદગાર છે! દાખલા તરીકે, અમારા સરકીટ નિરીક્ષક જૅક નૅથન જ્યારે અમારા મંડળની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તે અમારા ઘરે રોકાયા હતા. * અમને એ ખૂબ જ ગમ્યું હતું. તેમની પાસેથી અનુભવો સાંભળવાની અમને મજા આવી. તેમણે દિલથી અમારી પ્રશંસા કરી, એટલે અમને યહોવાની સેવા વફાદારીથી કરવાનું વધુ મન થયું.

નાનપણની મારી ઇચ્છા મને હજીયે યાદ છે. હું વિચારતી, ‘મોટી થઈને હું ભાઈ નૅથન જેવી બનીશ!’ જોકે, એ સમયે મને ખ્યાલ ન આવ્યો કે તેમનું ઉદાહરણ મને પૂરા સમયની સેવા માટે તૈયાર કરી રહ્યું હતું. પંદર વર્ષની ઉંમર સુધીમાં તો મેં નક્કી કરી લીધું કે હું યહોવાની જ સેવા કરીશ. વર્ષ ૧૯૪૨માં, મેં અને ઈવાએ બાપ્તિસ્મા લીધું.

શ્રદ્ધાની કસોટીઓ

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લોકો પર દેશભક્તિનું ઝનૂન સવાર હતું. ખાસ કરીને, અમારી સ્કૂલના શિક્ષિકા મીસ સ્કોટ તો એ વિશે કોઈનું જરાય ચલાવી લેતાં નહિ. તેમણે મારી બે બહેનો અને એક ભાઈને સ્કૂલમાંથી બેદખલ કરી દીધાં. કારણ કે, તેઓએ ધ્વજવંદન કરવાની મના કરી હતી. એ પછી તે મારાં શિક્ષિકાને મળ્યાં અને મને પણ કાઢી મૂકવા વિશે તેમને ઉશ્કેર્યાં. પરંતુ, મારાં શિક્ષિકાએ કહ્યું, ‘આપણે આઝાદ દેશના નાગરિકો છીએ અને અહીં દેશભક્તિની ઉજવણીમાં ભાગ લેવો કે ન લેવો એ નક્કી કરવાનો દરેકને પૂરો હક્ક છે.’ મીસ સ્કોટે ઘણું દબાણ કર્યું છતાં મારાં શિક્ષિકાએ કહ્યું, ‘એમ નહિ થાય, કેમ કે એ મારો નિર્ણય છે!’

મીસ સ્કોટે મારાં શિક્ષિકાને જવાબ આપ્યો, ‘એ તારો નિર્ણય નથી. જો તું મેલીટાને સ્કૂલમાંથી નહિ કાઢે, તો હું તારી વિરુદ્ધ ફરિયાદ કરીશ.’ મારાં શિક્ષિકાએ મારાં મમ્મી-પપ્પાને સમજાવ્યું કે તેમની નોકરી ખતરામાં છે. પોતાની નોકરી બચાવવા મને સ્કૂલમાંથી કાઢી મૂકવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી. જોકે, તેમણે સ્વીકાર્યું કે એમ કરવું ખોટું છે. ભલે અમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યાં, પણ અમે સ્કૂલનાં પુસ્તકો મેળવી લેતાં, જેથી અમે ઘરે રહીને ભણી શકીએ. થોડા સમય પછી અમે લગભગ ૩૨ કિ.મી. દૂર, બીજી એક જગ્યાએ રહેવાં ગયાં. ત્યાંની એક સ્કૂલમાં અમને દાખલો મળ્યો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આપણાં સાહિત્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. છતાં, અમે બાઇબલ લઈને ઘરે ઘરે સાક્ષી કામ કરતાં. એમ કરવાથી, અમે રાજ્યનો સંદેશો બાઇબલમાંથી સીધેસીધો જણાવવામાં કુશળ બન્યાં. એના લીધે, અમારી શ્રદ્ધા મજબૂત થઈ અને અમે યહોવાની મદદનો પણ અનુભવ કર્યો.

પૂરા સમયની સેવાની શરૂઆત

મારામાં હૅર-ડ્રેસિંગનો હુન્નર હતો અને મને કેટલાક ઇનામો પણ મળ્યાં

મેં અને ઈવાએ સ્કૂલનું ભણતર પૂરું કર્યું કે તરત જ અમે બંનેએ પાયોનિયરીંગ શરૂ કર્યું. ગુજરાન ચલાવવા મેં એક નાની દુકાનમાં નોકરી શરૂ કરી. એ મારી પહેલી નોકરી હતી. ઘરમાં મને હૅર-સ્ટાઇલ કરી આપવાનું ઘણું ગમતું, એટલે મેં હૅર-ડ્રેસિંગનો, છ મહિનાનો એક કોર્સ કર્યો. પછી, મને એક હૅર-સલૂનમાં નોકરી મળી, જ્યાં હું અઠવાડિયામાં બે દિવસ કામ કરતી. ઉપરાંત, મહિનામાં બે દિવસ હું એ કામ બીજાઓને શીખવતી. એ રીતે મેં પોતાનું ગુજરાન ચલાવ્યું, જેથી પૂરા સમયની સેવા ચાલુ રાખી શકું.

વર્ષ ૧૯૫૫માં, અમેરિકાના ન્યૂ યૉર્ક સીટી અને જર્મનીના ન્યૂરેમ્બર્ગ શહેરમાં થનાર સંમેલનોમાં જવાની મને ઇચ્છા હતી. એનો વિષય હતો, “વિજયી રાજ્ય.” હું ન્યૂ યૉર્કના સંમેલનમાં જઉં એ પહેલાં, મારી મુલાકાત ભાઈ નૅથન નૉર સાથે થઈ, જે મુખ્યમથકથી આવ્યા હતા. તે અને તેમના પત્ની કૅનેડાના વૅન્કૂવર શહેરમાં યોજાયેલા સંમેલનમાં આવ્યાં હતાં. તેઓની એ મુલાકાત દરમિયાન, મને તેમની પત્નીની હૅર-સ્ટાઇલ કરી આપવાનું કહેવામાં આવ્યું. મારાં કામથી ભાઈ નૉર ઘણા ખુશ થયા અને મને મળવાની ઇચ્છા દર્શાવી. અમે મળ્યાં ત્યારે મેં તેમને જણાવ્યું કે હું જર્મની જતાં પહેલાં ન્યૂ યૉર્ક આવવાનું વિચારી રહી છું. એટલે, તેમણે મને બ્રુકલિનના બેથેલમાં ૯ દિવસ માટે કામ કરવા આમંત્રણ આપ્યું.

એ ૯ દિવસોમાં મારું જીવન બદલાઈ ગયું. ન્યૂ યૉર્કમાં મારી મુલાકાત એક યુવાન ભાઈ થીઓડોર (ટૅડ) જૅરસ સાથે થઈ. અમને મળ્યાના થોડા સમયમાં તેમણે મને પૂછ્યું, ‘શું તમે પાયોનિયર છો?’ એ સવાલ સાંભળીને હું ખૂબ નવાઈ પામી. મેં કહ્યું: ‘ના.’ અમારી એ વાતચીત, મારી એક બહેનપણી લેવોન સાંભળી રહી હતી. તે વચ્ચે બોલી પડી: ‘હા, તે પાયોનિયર છે.’ ટૅડ મૂંઝાઈ ગયા. તેમણે લેવોનને પૂછ્યું: ‘મેલીટા વિશે કોણ વધારે જાણે છે, તે પોતે કે તમે?’ મેં તેમને સમજાવ્યું કે હું પાયોનિયરીંગ કરી રહી હતી અને સંમેલનમાંથી પાછી જઈશ ત્યારે ફરી શરૂ કરીશ.

ઈશ્વરને ચાહનાર લગ્નસાથી મળ્યો

ટૅડનો જન્મ વર્ષ ૧૯૨૫માં અમેરિકાના કૅન્ટકી શહેરમાં થયો હતો. તેમણે ૧૫ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું હતું. તેમના કુટુંબની કોઈ પણ વ્યક્તિ સત્યમાં ન આવી. તેમ છતાં, ટૅડ બાપ્તિસ્માનાં બે વર્ષ પછી નિયમિત પાયોનિયર બન્યા અને પૂરા સમયની સેવામાં જોડાયા. એ હતી તેમની ૬૭ વર્ષની સેવાની શરૂઆત!

જુલાઈ ૧૯૪૬માં ૨૦ વર્ષની ઉંમરે, ટૅડે ગિલયડ શાળાના ૭મા વર્ગમાં તાલીમ લીધી. ત્યારબાદ ક્લિવલૅન્ડ, ઓહાયોમાં પ્રવાસી નિરીક્ષક તરીકે તેમણે સેવા કરી. આશરે ૪ વર્ષો પછી, તેમને ઑસ્ટ્રેલિયાના બેથેલમાં શાખા નિરીક્ષક તરીકેની સોંપણી મળી.

જર્મનીના ન્યૂરેમ્બર્ગમાં એક સંમેલન યોજાયું હતું. ટૅડ ત્યાં આવ્યા હતા અને અમને થોડો સમય સાથે વિતાવવાની તક મળી હતી. અમારાં દિલોમાં પ્રેમનાં ફૂલ ખીલવાં લાગ્યાં. મને ઘણી ખુશી હતી કે ટૅડના બધા ધ્યેયો યહોવાની ભક્તિને લગતા હતા. તે દિલથી યહોવાની સેવા કરવા ચાહતા હતા. ટૅડ પોતાનાં કામ પ્રત્યે ઘણા સમર્પિત હતા. તે ભક્તિની બાબતે બહુ ગંભીર હતા, પણ સ્વભાવે પ્રેમાળ અને મળતાવડા હતા. મેં અનુભવ્યું કે તે પોતાના કરતાં બીજાઓની ભલાઈનું વધુ ધ્યાન રાખતા. સંમેલન પત્યા પછી, ટૅડ પાછા ઑસ્ટ્રેલિયા ગયા અને હું વૅન્કૂવર પાછી ફરી. અમે એકબીજાના સંપર્કમાં રહેવા પત્રો લખતા.

લગભગ પાંચ વર્ષ ઓસ્ટ્રેલિયામાં સેવા આપ્યા પછી, ટૅડ પાછા અમેરિકા આવ્યા. ત્યાર બાદ, તેમણે વૅન્કૂવરમાં આવીને પાયોનિયરીંગ શરૂ કર્યું. ટૅડને મારું કુટુંબ પસંદ કરવા લાગ્યું, એ જોઈને મને ખૂબ ખુશી થઈ. મારા મોટા ભાઈ મારી ઘણી ફિકર કરતા. જો કોઈ યુવાન ભાઈ મારામાં જરા પણ રસ બતાવે, તો તે મને તરત સાવધ કરતા. પરંતુ, તેમને પણ ટૅડ ગમી ગયા. એક દિવસે ભાઈએ મને કહ્યું, ‘મેલીટા, ટૅડ એક સારો છોકરો છે. તું તેની સાથે પ્રેમથી વર્તજે. જોજે, તેને ગુમાવી દેતી નહિ!’

વર્ષ ૧૯૫૬માં લગ્ન પછી અમે ઘણાં વર્ષો સુધી પૂરા સમયની સેવાનો આનંદ માણ્યો

હવે ટૅડ પર મારું દિલ પૂરેપૂરું આવી ગયું હતું. ડિસેમ્બર ૧૦, ૧૯૫૬માં અમારું લગ્ન થયું. અમે સાથે મળીને વૅન્કૂવર અને પછી કેલિફોર્નિયામાં પાયોનિયરીંગ કર્યું. ત્યાર બાદ, અમને મિઝૂરી અને આર્કન્સોમાં સરકીટ નિરીક્ષક તરીકે સોંપણી મળી. અમે કુલ ૧૮ વર્ષો પ્રવાસી કામ કર્યું. એ દરમિયાન, અમે અમેરિકાનો એક મોટો વિસ્તાર આવર્યો. પ્રવાસને લીધે અમે દર અઠવાડિયે જુદાં જુદાં ઘરમાં રહેતાં. સેવાકાર્યમાં અમને ઘણા સારા અનુભવો થયા. ભાઈ-બહેનોની સંગત માણવાની પણ અમને ખૂબ મજા આવતી. ખરું કે, પ્રવાસી કામમાં દર અઠવાડિયે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું આસાન ન હતું, તોપણ અમને એ કામ ગમતું.

ટૅડની એક વાત પ્રત્યે મને ખૂબ માન હતું. તે હંમેશાં યહોવા સાથેના પોતાના સંબંધને ખૂબ જ કીમતી ગણતા. વિશ્વના એકમાત્ર મહાન ઈશ્વરની પવિત્ર સેવા કરવામાં તેમને ખૂબ આનંદ આવતો. અમને સાથે મળીને બાઇબલ વાંચવાનું અને એમાંથી અભ્યાસ કરવાનું ખૂબ ગમતું. રોજ રાતે સૂતા પહેલાં, અમે પલંગની પાસે ઘૂંટણે પડતાં અને ટૅડ અમારા બંને માટે પ્રાર્થના કરતા. ત્યાર પછી, અમે બંને પોતપોતાની પ્રાર્થના પણ કરતાં. અમુક વાર ટૅડ પલંગ પરથી ઊઠીને ઘૂંટણે પડતા અને ફરી પ્રાર્થના કરતા. તે લાંબા સમય સુધી પ્રાર્થના કરતા. એવા સમયે હું સમજી જતી કે તેમને કોઈ ગંભીર ચિંતા સતાવી રહી છે. હું ટૅડની ખૂબ પ્રશંસા કરું છું કે ભલે વાત નાની હોય કે મોટી, તે હંમેશાં એ વિશે યહોવાને જણાવવા આતુર રહેતા.

અમારાં લગ્નનાં થોડાં વર્ષો પછી, ટૅડે મને જણાવ્યું કે તે સ્મરણપ્રસંગમાં હવેથી ખાવા-પીવામાં ભાગ લેશે. તેમણે મને કહ્યું, ‘મેં ખાસ આ વિશે યહોવા સાથે પ્રાર્થનામાં વાત કરી છે. મને પૂરી ખાતરી છે કે હું જે કરવા જઈ રહ્યો છું, એ યહોવાની પ્રેરણાથી છે.’ એ જાણીને મને બહુ નવાઈ ન લાગી કે યહોવાએ પોતાની શક્તિથી ટેડને અભિષિક્ત કર્યા છે અને સ્વર્ગમાં સેવા આપવા પસંદ કર્યા છે. ટૅડને મદદ કરીને હવે હું ખ્રિસ્તના ભાઈઓમાંના એકને મદદ કરી રહી હતી. હું એને એક લહાવો ગણવા લાગી.—માથ. ૨૫:૩૫-૪૦.

યહોવાની પવિત્ર સેવામાં એક નવી તક

વર્ષ ૧૯૭૪માં, ટૅડને યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના એક સભ્ય તરીકે સેવા આપવાનું આમંત્રણ મળ્યું. એ જાણીને અમને ખૂબ નવાઈ લાગી! અમે બ્રુકલિન બેથેલમાં સેવા આપવા લાગ્યાં. ટૅડ નિયામક જૂથના સભ્ય તરીકે પોતાની જવાબદારીઓ નિભાવતા. જ્યારે કે હું બેથેલ રૂમની સાફ-સફાઈ અને દેખરેખ કરતી અથવા ત્યાંના હેર-સલૂનમાં મદદ કરતી.

નિયામક જૂથના સભ્ય તરીકે ટૅડને જુદી જુદી શાખાઓની મુલાકાતે જવું પડતું. તેમને ખાસ કરીને એવા દેશોમાં રસ હતો, જ્યાં આપણાં કામ પર પાબંદી હતી. જેમ કે, તે સમયે સોવિયેટ યુનિયનની સત્તામાં આવતા પૂર્વ યુરોપના દેશો. એક વાર અમને કામમાંથી રજા લેવાની જરૂર પડી. અમે રજા લઈને સ્વીડન ગયાં હતાં. ત્યાં ટૅડે મને કહ્યું, ‘મેલીટા, પોલેન્ડમાં સાક્ષીકાર્ય પર પાબંદી લાગેલી છે. એટલે મને ત્યાંના ભાઈઓને મદદ કરવાનું બહુ ગમશે.’ અમે વિઝા લઈને પોલૅન્ડ ગયાં. એ દેશમાં પ્રચારકાર્યની દેખરેખ રાખતા અમુક ભાઈઓને તે મળ્યા. ટૅડ અને એ ભાઈઓની વાત કોઈ સાંભળી ન લે એ માટે તેઓ ચાલતાં ચાલતાં ઘણે દૂર ગયા. ચાર દિવસો દરમિયાન એ ભાઈઓ સાથે ઘણી સભાઓ થઈ. પિતા યહોવાનાં બીજાં બાળકોની મદદ કરવાથી, ટૅડને એક અનેરો સંતોષ મળતો. એ જોઈને મને ખૂબ સારું લાગતું.

વર્ષ ૧૯૭૭ના નવેમ્બર મહિનામાં અમે પોલૅન્ડની બીજી વાર મુલાકાત લીધી. નિયામક જૂથ વતી એફ. ડબલ્યૂ ફ્રાન્ઝ, ડેનિયેલ સિડલીક અને ટૅડે એ દેશની પહેલી વાર મુલાકાત લીધી હતી. એ સમયે ત્યાં પ્રચારકાર્ય પર હજીયે પાબંદી હતી. છતાં, ત્યાંનાં જુદાં જુદાં શહેરોના નિરીક્ષકો, પાયોનિયર અને વર્ષો જૂના પ્રકાશકો સાથે નિયામક જૂથના ભાઈઓ વાત કરી શક્યા.

આપણાં કામ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો ત્યારે, બીજી વ્યક્તિઓ સાથે ટૅડ મૉસ્કોના ન્યાય મંત્રાલય પાસે

એ પછીના વર્ષે ભાઈ મિલ્ટન હૅન્શેલ અને ટૅડ, ફરીથી પોલૅન્ડની મુલાકાતે ગયા. એ વખતે તેઓએ ત્યાંના સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી. એ અધિકારીઓ હવે સાક્ષીઓ પ્રત્યે અને તેઓનાં કામ પ્રત્યે થોડા નરમદિલ બન્યા હતા. વર્ષ ૧૯૮૨માં પોલૅન્ડની સરકારે આપણા ભાઈઓને એક દિવસના સંમેલનો યોજવાની પરવાનગી આપી. એ પછીના વર્ષે મોટાં સંમેલનો પણ યોજાયાં. એ મોટા ભાગે ભાડે લીધેલા હૉલમાં થતાં. વર્ષ ૧૯૮૫માં હજીયે પ્રતિબંધ લાગેલો હતો. તોપણ, મોટાં સ્ટેડિયમમાં આપણાં ચાર સંમેલનો ભરાયાં. પછી, ૧૯૮૯ના મે મહિનામાં વધુ મોટા સંમેલનો માટે યોજનાઓ ચાલી રહી હતી, એ દરમિયાન ત્યાંની સરકારે આપણને કાયદેસરની ઓળખ આપી. એ બનાવ ટૅડને સૌથી વધારે ખુશી આપનાર બનાવોમાંનો એક હતો.

પોલૅન્ડમાં એક મહાસંમેલન વખતે

તબિયતને લગતા પડકારો પર જીત મેળવી

વર્ષ ૨૦૦૭માં અમે પશ્ચિમ આફ્રિકાની શાખા કચેરીના સમર્પણ માટે જઈ રહ્યાં હતાં. એ દરમિયાન ઇંગ્લેન્ડમાં ટૅડને બ્લડ પ્રેશરની તકલીફ થઈ. ડૉક્ટરે તેમને એ પ્રવાસ ટાળવાની સલાહ આપી. ટૅડની તબિયત થોડી સુધરી પછી અમે અમેરિકા પાછાં આવ્યાં. પરંતુ, અમુક અઠવાડિયા પછી, બ્લડ પ્રેશર વધી જવાથી તેમના શરીરનો જમણો ભાગ લકવો મારી ગયો.

ટૅડની તબિયતમાં સુધારો થતાં સમય લાગી રહ્યો હતો. શરૂઆતમાં તે ઑફિસે જઈ શકતા ન હતા. જોકે, તેમને બોલવામાં કોઈ તકલીફ પડતી ન હતી. એ વાતે અમે યહોવાના ઘણા આભારી હતા. શરીરને લગતા પડકારો હોવા છતાં, ટૅડ પોતાની જવાબદારી અને રોજિંદા કામ સંભાળવા પૂરો પ્રયત્ન કરતા. તે બેથેલના અમારા રૂમના ટેલિફોનથી દર અઠવાડિયે નિયામક જૂથની સભામાં સામેલ થવાનો પણ પ્રયત્ન કરતા.

બેથેલમાં ટૅડને સરસ રીતે શારીરિક કસરત અને માલીસ કરી આપવામાં આવતી. એ બધા માટે ટૅડ ખૂબ જ આભારી હતા. તેમની તબિયતમાં ઘણોખરો સુધારો થયો. એના લીધે તે પોતાની અમુક સોંપણીને હાથ ધરવા લાગ્યા. એવા સંજોગોમાં પણ તે પોતાનો આનંદ હંમેશાં જાળવી રાખી શક્યા.

ત્રણ વર્ષ પછી, ટૅડનું બ્લડ પ્રેશર અતિશય વધી ગયું અને જૂન ૯, ૨૦૧૦ બુધવારના દિવસે તે ગુજરી ગયા. ખરું કે હું પહેલેથી જાણતી હતી કે કોઈને કોઈ દિવસે ટૅડ પૃથ્વી પરનું જીવન પૂરું કરશે અને સ્વર્ગનું જીવન મેળવશે. પરંતુ, હું તેમના જવાથી મોટી ખોટ અનુભવું છું. હું તેમને ખૂબ જ યાદ કરું છું. મારું એ દુઃખ હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. ટૅડને મદદ કરવાની મને જે કંઈ તક મળી એ માટે હું રોજ યહોવાનો આભાર માનું છું. અમે સાથે મળીને લગભગ ૫૩ વર્ષો સુધી, પૂરા સમયની સેવાનો આનંદ માણ્યો. તેમણે મને યહોવાની નજીક જવા મદદ કરી. એ માટે પણ હું યહોવાનો આભાર માનું છું. આજે ટૅડ પોતાની નવી સોંપણીમાં ખૂબ જ ખુશ અને સંતોષી હશે, એમાં મને કોઈ શંકા નથી.

નવા પડકારો

બેથેલમાં હૅર-ડ્રેસિંગના કામથી અને એની તાલીમ બીજાઓને આપવાથી મને ઘણી ખુશી મળતી

મારા પતિ સાથે વિતાવેલા દાયકાઓ દરમિયાન હું ઘણી ખુશ અને વ્યસ્ત રહી. પરંતુ, આજના પડકારો ઝીલવા સહેલું નથી. ટૅડ અને મને રાજ્યગૃહમાં અને બેથેલમાં આવતા મુલાકાતીઓને મળવાનું ખૂબ ગમતું. પરંતુ, હું પહેલાંની જેમ લોકોને એટલું મળી શકતી નથી. કેમ કે હવે મારું શરીર નબળું પડતું જાય છે અને મારા પ્રેમાળ પતિનો સાથ પણ રહ્યો નથી. જોકે, બેથેલનાં અને મંડળનાં વહાલાં ભાઈ-બહેનોનો સાથ મને ખૂબ ગમે છે. ભલે બેથેલનું જીવન સહેલું નથી, પણ હું અહીં રહીને યહોવાની સેવા કરી શકું છું, જેનો મને ખૂબ આનંદ છે. ખરું કે હવે હું જલદી થાકી જઉં છું અને લાંબો સમય ઊભી રહી શકતી નથી. પણ ખુશખબર ફેલાવવાનાં કામ પ્રત્યે મારો જોશ જરા પણ ઠંડો પડ્યો નથી. હું રસ્તે આવતા-જતા લોકોને ખુશખબર જણાવું છું અને બાઇબલ અભ્યાસ ચલાવું છું. એમ કરવાથી મને ખૂબ જ ખુશી અને સંતોષ મળે છે.

આજે દુનિયામાં ઘણા બધા ખરાબ બનાવો બની રહ્યા છે. પણ મને ખુશી એ વાતની છે કે મને એક પ્રેમાળ પતિ મળ્યા હતા. તેમની સાથે મળીને હું યહોવાની સેવા કરી શકી! યહોવાના આશીર્વાદોએ મારું જીવન ખુશીઓથી ભરી દીધું!—નીતિ. ૧૦:૨૨.

^ ફકરો. 8 “લીમ્બૉ” એ કૅથલિક માન્યતા છે. તેઓની એ માન્યતા પ્રમાણે જો કોઈ બાળક અથવા ભલી વ્યક્તિ બાપ્તિસ્મા લીધા વગર ગુજરી જાય તો તેનો આત્મા “લીમ્બૉ” નામની જગ્યામાં જાય છે.

^ ફકરો. 13 જૅક નૅથનનો જીવન અનુભવ સપ્ટેમ્બર ૧, ૧૯૯૦ના અંગ્રેજી ચોકીબુરજમાં પાન ૧૦-૧૪માં છપાયો છે.