સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વર્ણવી ન શકાય એવી ભેટ, શું તમને પ્રેમ બતાવવા પ્રેરે છે?

વર્ણવી ન શકાય એવી ભેટ, શું તમને પ્રેમ બતાવવા પ્રેરે છે?

“ઈશ્વરના અનિર્વાચ્ય [વર્ણવી ન શકાય એવા] દાનને માટે તેની સ્તુતિ થાઓ.”—૨ કોરીં. ૯:૧૫.

ગીતો: ૫૩, ૧૮

૧, ૨. (ક) ઈશ્વરની ‘અવર્ણનીય ભેટ’માં શું સમાયેલું છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

યહોવાએ પોતાના સૌથી વહાલા દીકરા ઈસુને આપણા માટે ધરતી પર મોકલ્યા. એમ કરીને તેમણે આપણા પર સૌથી મહાન પ્રેમ બતાવ્યો છે. એના કરતાં વિશેષ ભેટ શું હોય શકે! (યોહા. ૩:૧૬; ૧ યોહા. ૪:૯, ૧૦) પ્રેરિત પાઊલ એ ભેટને “અનિર્વાચ્ય દાન” એટલે કે વર્ણવી ન શકાય એવી ભેટ કહે છે. (૨ કોરીં. ૯:૧૫) પાઊલે શા માટે એવા શબ્દો વાપર્યા?

પાઊલ જાણતા હતા કે ઈસુનું બલિદાન તો, ઈશ્વરનાં બધાં અદ્ભુત વચનો પૂરાં થશે જ એની બાંયધરી છે. (૨ કોરીંથી ૧:૨૦ વાંચો.) આમ, ઈશ્વરે આપેલી ‘અવર્ણનીય ભેટ’માં ઈસુનું બલિદાન તેમજ યહોવા આપણા પ્રત્યે જે ભલાઈ અને અતૂટ પ્રેમ બતાવે છે, એનો સમાવેશ થાય છે. એવી અનમોલ ભેટનું વર્ણન આપણે પૂરી રીતે સમજી શકીએ એ રીતે કરવું અશક્ય છે. એ અનમોલ ભેટની આપણા પર કેવી અસર થવી જોઈએ? આ વર્ષે સ્મરણપ્રસંગ બુધવાર, માર્ચ ૨૩, ૨૦૧૬ના રોજ ઊજવવામાં આવશે. ઈશ્વરની એ અવર્ણનીય ભેટ આપણને સ્મરણપ્રસંગ માટે મન તૈયાર કરવા કઈ રીતે મદદ કરશે?

ઈશ્વરે આપેલી ખાસ ભેટ

૩, ૪. (ક) કોઈ તમને ભેટ આપે ત્યારે તમને કેવું લાગે છે? (ખ) કોઈ ખાસ ભેટ કઈ રીતે તમારું જીવન બદલી શકે?

આપણને કોઈ ભેટ મળે છે ત્યારે, આપણે ઘણા ખુશ થઈએ છીએ. અરે, અમુક ભેટ આપણા માટે એટલી ખાસ હોય છે કે એ આપણું જીવન બદલી નાંખે છે. એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. ધારો કે તમે કોઈ ગુનામાં સંડોવાઈ ગયા છો અને એની સજા મોત છે. એવામાં એક અજાણી વ્યક્તિ આવે છે અને તમને મળેલી મોતની સજા તે પોતાને માથે લે છે. તે તમારા બદલે મરવા તૈયાર થાય છે! એ વ્યક્તિને લીધે તમને મળેલ જીવનની ભેટ માટે તમને કેવું લાગશે?

એ પ્રેમાળ અને ખાસ ભેટને લીધે તમે ચોક્કસ પોતાના જીવનમાં સુધારો કરવા પ્રેરાશો. એ ભેટથી પ્રેરાઈને તમે લોકો પ્રત્યે વધારે ઉદાર અને પ્રેમાળ બનવાનો પ્રયત્ન પણ કરશો. અરે, જેઓએ તમને દુઃખ પહોંચાડ્યું હોય તેઓને પણ દિલથી માફી આપવા પ્રેરાશો. તેમ જ, જીવનભર તમે એ બલિદાન માટે કદર બતાવવા ચાહશો.

૫. ઈશ્વરે આપેલી ભેટ કઈ રીતે બીજી કોઈ પણ ભેટ કરતાં ઘણી મોટી છે?

આપણે દાખલામાં જીવનની જે ભેટ વિશે જોયું, એના કરતાં કેટલીય મોટી ભેટ યહોવાએ આપણને આપી છે. એ છે તેમના દીકરા ઈસુની કુરબાની. (૧ પીત. ૩:૧૮) આપણે જાણીએ છીએ કે આદમ દ્વારા આપણને દરેકને વારસામાં પાપ મળ્યું છે અને પાપની સજા મોત છે. (રોમ. ૫:૧૨) પરંતુ, પ્રેમથી પ્રેરાઈને યહોવાએ પોતાના દીકરા ઈસુને “સર્વ માણસોને માટે મરણ પામવા” પૃથ્વી પર મોકલ્યા. (હિબ્રૂ ૨:૯) ઈસુની કુરબાનીથી મનુષ્યો માટે પાપ અને મોતમાંથી છૂટકારો મેળવવો શક્ય બન્યો છે. એટલું જ નહિ, એ બલિદાનને લીધે મોત કાયમ માટે નાબૂદ થશે. (યશા. ૨૫:૭, ૮; ૧ કોરીં. ૧૫:૨૨, ૨૬) ઈસુમાં વિશ્વાસ રાખનારા બધા જ લોકો કાયમ માટે શાંતિમાં જીવશે. તેઓમાંના કેટલાક લોકો ઈસુ સાથે સ્વર્ગમાં રાજા તરીકે રાજ કરશે. બાકીના લોકો પૃથ્વી પર ઈશ્વરના રાજ્યની પ્રજા તરીકે જીવશે. (રોમ. ૬:૨૩; પ્રકટી. ૫:૯, ૧૦) યહોવાએ આપેલી એ ભેટમાં બીજું શું સમાયેલું છે?

૬. (ક) યહોવાની ભેટના કયા આશીર્વાદો જોવા તમે આતુર છો? (ખ) ઈશ્વરની ભેટ તમને કઈ ત્રણ બાબતો કરવા પ્રેરશે?

ઈશ્વરની ભેટમાં બીજું ઘણું સમાયેલું છે. જેમ કે, આખી ધરતીનું બાગ જેવું સુંદર બનવું, બીમારોનું સાજા થવું અને મરણ પામેલા લોકોનું જીવતા થવું. (યશા. ૩૩:૨૪; ૩૫:૫, ૬; યોહા. ૫:૨૮, ૨૯) ખરેખર, એ ‘અવર્ણનીય ભેટ’ માટે આપણે યહોવા અને ઈસુને ખૂબ પ્રેમ કરીએ છીએ! એ ભેટ આપણને શું કરવા માટે પ્રેરશે? એ આપણને (૧) ઈસુને પગલે ચાલવા, (૨) આપણાં ભાઈ-બહેનોને પ્રેમ કરવા અને (૩) બીજાઓને દિલથી માફ કરવા પ્રેરશે.

“ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે”

૭, ૮. ઈસુએ બતાવેલા પ્રેમ વિશે આપણને કેવું લાગવું જોઈએ અને એ આપણને શાની પ્રેરણા આપશે?

ઈસુએ બતાવેલા પ્રેમને લીધે આપણે એવું જીવન જીવવા પ્રેરાવું જોઈએ, જેનાથી તેમને આદર મળે. પ્રેરિત પાઊલે કહ્યું: “ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે.” (૨ કોરીંથી ૫:૧૪, ૧૫ વાંચો.) પાઊલ જાણતા હતા કે જો આપણે ઈસુના મહાન પ્રેમને પૂરી રીતે સમજીશું, તો એ આપણને ઈસુને પ્રેમ અને આદર બતાવવા ફરજ પાડશે, એટલે કે પ્રેરશે. સાચે જ, યહોવાએ આપણા માટે જે કંઈ કર્યું છે એને પૂરી રીતે સમજીશું, તો તેમના માટેનો પ્રેમ આપણને એવું જીવન જીવવા પ્રેરશે, જે ઈસુને આદર આપે છે. એમ કઈ રીતે બનશે?

યહોવા માટેનો પ્રેમ આપણને ઈસુનાં પગલે ચાલવા પ્રેરશે. (૧ પીત. ૨:૨૧; ૧ યોહા. ૨:૬) યહોવા અને ઈસુ ખ્રિસ્તને આધીન રહીએ છીએ ત્યારે, આપણે તેઓ પરનો પ્રેમ સાબિત કરીએ છીએ. ઈસુએ કહ્યું હતું: ‘જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે એને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ તેમજ તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.’—યોહા. ૧૪:૨૧; ૧ યોહા. ૫:૩.

૯. આપણા પર કયાં દબાણો આવે છે?

સ્મરણપ્રસંગના સમયગાળામાં એ વાત પર મનન કરવું સારું રહેશે કે આપણું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે. માટે, ચાલો આવા સવાલો પર વિચાર કરીએ: “હું જીવનનાં કયાં પાસાંમાં ઈસુને અનુસરવામાં સારું કરી રહ્યો છું? અને કયાં પાસાંમાં મારે હજી સુધારો કરવાની જરૂર છે?” એ સવાલો પર વિચારવું બહુ જરૂરી છે, કેમ કે શેતાનની દુનિયા આપણને એના રંગમાં રંગી નાંખવા માંગે છે. (રોમ. ૧૨:૨) જો ધ્યાન નહિ રાખીએ, તો કદાચ આપણે દુનિયાના ફિલસૂફો, શિક્ષકો, નામી હસ્તીઓ, કે પછી રમતજગતના ખેલાડીઓને પગલે ચાલવાનું દબાણ અનુભવવા લાગીશું. (કોલો. ૨:૮; ૧ યોહા. ૨:૧૫-૧૭) આપણે એ દબાણનો સામનો કઈ રીતે કરી શકીએ?

૧૦. આ સ્મરણપ્રસંગના સમયગાળામાં આપણે કેવા સવાલો પર વિચાર કરી શકીએ? અને એના જવાબો આપણને શું કરવાનું ઉત્તેજન આપશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૦ સ્મરણપ્રસંગના સમયગાળામાં આવાં અમુક પાસાં તપાસવાં સમય કાઢવો સારું રહેશે. જેમ કે, આપણી પાસે કેવાં કપડાં, ફિલ્મો અને ગીતોનો સંગ્રહ છે. આપણાં કૉમ્પ્યુટર, મોબાઇલ કે ટેબ્લેટમાં શું છે, એની પણ તપાસ કરીએ. આપણે આ સવાલો પર વિચારી શકીએ: “જો ઈસુ મારી સાથે અહીં હોય અને મારાં કપડાં જુએ, તો શું મને શરમ લાગશે?” (૧ તીમોથી ૨:૯, ૧૦ વાંચો.) “શું મારાં કપડાં પરથી દેખાઈ આવે છે કે હું ઈસુને પગલે ચાલું છું? શું ઈસુને એ ફિલ્મો જોવી ગમશે જે મારી પાસે છે? શું તેમને એ ગીતો સાંભળવાં ગમશે જે મારી પાસે છે? ઈસુ જો મારો મોબાઇલ કે ટેબ્લેટ વાપરવા માટે લે અને એમાં જે કંઈ જુએ એ શું મને શરમમાં મૂકશે? હું જે વીડિયો ગેમ રમું છું એના વિશે શું? શું હું ઈસુને સમજાવી શકીશ કે એ ગેમ મને શા માટે ગમે છે?” બની શકે કે આપણી પાસે એવી કોઈ વસ્તુ હોય, જે ખ્રિસ્તને પગલે ચાલવામાં આપણી આડે આવે. યહોવા માટેના પ્રેમથી પ્રેરાઈને આપણે ચોક્કસ એવી વસ્તુ દૂર કરીશું. પછી, ભલે એ ગમે તેટલી મોંઘી કેમ ન હોય! (પ્રે.કા. ૧૯:૧૯, ૨૦) યાદ કરો કે યહોવાને આપણે સમર્પણ કર્યું ત્યારે, શું વચન આપ્યું હતું. આપણે ઈસુને આદર મળે એ રીતે જીવવાનું વચન આપ્યું હતું, ખરુંને! તેથી, આપણી પાસે એવું કંઈ ન રાખવું જોઈએ, જેના લીધે ઈસુનાં પગલે ચાલવું મુશ્કેલ બને.—માથ. ૫:૨૯, ૩૦; ફિલિ. ૪:૮.

૧૧. (ક) કઈ રીતે યહોવા અને ઈસુ માટેનો પ્રેમ આપણને પ્રચાર કરવા પ્રેરે છે? (ખ) કઈ રીતે પ્રેમ આપણને મંડળમાં બીજાઓને મદદ કરવાનું ઉત્તેજન આપશે?

૧૧ ઈસુ માટેનો પ્રેમ આપણને ઉત્સાહથી લોકોને ખુશખબર જણાવવા અને શીખવવા પ્રેરે છે. (માથ. ૨૮:૧૯, ૨૦; લુક ૪:૪૩) સ્મરણપ્રસંગના સમયગાળામાં શું તમે રોજબરોજનાં કામકાજમાં એવા ફેરફારો કરી શકો, જેથી ૩૦ અથવા ૫૦ કલાકનું સહાયક પાયોનિયરીંગ કરી શકો? આપણા એક વિધુર ભાઈનો વિચાર કરો. તે ૮૪ વર્ષના છે. તેમને લાગતું હતું કે પોતાની ઉંમર અને નબળી તંદુરસ્તીને લીધે પોતે પાયોનિયરીંગ નહિ કરી શકે. પરંતુ, તેમની આસપાસ રહેતા પાયોનિયરોએ તેમને મદદ કરી. તેઓએ એ ભાઈને આવવા-જવા મદદ આપી અને એવો પ્રચારવિસ્તાર પસંદ કર્યો, જેમાં તે આરામથી પ્રચાર કરી શકે. પરિણામે, એ ભાઈ ૩૦ કલાકનું સહાયક પાયોનિયરીંગ કરવાનો ધ્યેય હાંસલ કરી શક્યા. માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન તમારા મંડળમાં, શું તમે પણ કોઈને સહાયક પાયોનિયરીંગ કરવામાં મદદ આપી શકો? ખરું કે, પાયોનિયરીંગ કરવું બધાં માટે શક્ય હોતું નથી. પરંતુ, યહોવાની સેવામાં શું તમે વધુ સમય-શક્તિ આપી શકો? એમ કરીશું તો આપણે બતાવી શકીશું કે પાઊલની જેમ આપણે પણ ઈસુના પ્રેમથી પ્રેરાયા છીએ. ઈશ્વરનો પ્રેમ આપણને બીજું શું કરવાનું ઉત્તેજન આપશે?

બીજાઓને પ્રેમ બતાવવાની ફરજ પાડે છે

૧૨. યહોવાનો પ્રેમ આપણને શું કરવાની પ્રેરણા આપે છે?

૧૨ યહોવાના પ્રેમને લીધે આપણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવા પ્રેરાવું જોઈએ. પ્રેરિત યોહાને લખ્યું: “વહાલાંઓ, જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ રાખ્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.” (૧ યોહા. ૪:૭-૧૧) તેથી, જો યહોવાનો પ્રેમ મેળવવા ઇચ્છતા હોઈએ, તો એ સમજવું જરૂરી છે કે ભાઈ-બહેનો પ્રત્યે પ્રેમ બતાવવો આપણી ફરજ છે. (૧ યોહા. ૩:૧૬) આપણે તેઓ પ્રત્યે પ્રેમ કઈ રીતે બતાવી શકીએ?

૧૩. બીજાઓને પ્રેમ કરવામાં ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?

૧૩ ઈસુના દાખલામાંથી આપણને શીખવા મળે છે કે બીજાઓને પ્રેમ કઈ રીતે બતાવી શકાય. પૃથ્વી પરના જીવન દરમિયાન ઈસુએ લોકોને મદદ કરી હતી, ખાસ કરીને લાચાર લોકોને. તેમણે બીમાર, અપંગ, આંધળા અને મૂકબધિર લોકોને સાજા કર્યા હતા. (માથ. ૧૧:૪, ૫) ઈશ્વરને ઓળખવા ચાહતા લોકોને શીખવવામાં ઈસુને ઘણો આનંદ આવતો. જ્યારે કે, એ સમયના યહુદી ધર્મગુરુઓ એવા લોકોને “શાપિત” ગણતા હતા. (યોહા. ૭:૪૯) ઈસુને એ નમ્ર લોકો પર પ્રેમ હતો અને તેઓની સેવામાં તેમણે સખત મહેનત કરી.—માથ. ૨૦:૨૮.

શું તમે કોઈ વૃદ્ધ ભાઈ કે બહેનને પ્રચારકાર્યમાં મદદ આપી શકો? (ફકરો ૧૪ જુઓ)

૧૪. ભાઈઓ પરનો પ્રેમ બતાવવા તમે શું કરી શકો?

૧૪ સ્મરણપ્રસંગના સમયગાળામાં ભાઈ-બહેનોને મદદરૂપ થવા વિશે વિચારવું પણ સારું રહેશે. એમાંય ખાસ તો આપણા વૃદ્ધજનો માટે વિચાર કરીએ. કેમ નહિ કે તેઓની મુલાકાત લઈએ! અથવા શું તમે તેઓને કોઈક વાર જમવાનું પૂરું પાડી શકો? અથવા શું તેઓને ઘરનાં કોઈ કામકાજમાં મદદ કરી શકો? શું તમે તેઓને સભાઓમાં લાવવા-લઈ જવા તમારું વાહન વાપરી શકો? અથવા શું પ્રચારમાં તેમની સાથે કામ કરવાની ગોઠવણ કરી શકો? (લુક ૧૪:૧૨-૧૪ વાંચો.) યહોવાનો પ્રેમ તમને ભાઈ-બહેનો પ્રત્યે પ્રેમ બતાવવા મદદ કરશે!

ભાઈ-બહેનોને દિલથી માફી આપવા પ્રેરે છે

૧૫. આપણે શું સમજવું ખૂબ જરૂરી છે?

૧૫ યહોવાનો પ્રેમ આપણને આપણાં ભાઈ-બહેનોને માફ કરવા પણ પ્રેરે છે. આપણે બધાંને આદમ દ્વારા વારસામાં પાપ અને મરણ મળ્યું છે. તેથી, આપણામાંથી કોઈ પણ એમ ન કહી શકે કે ‘મને ઈસુના બલિદાનની જરૂર નથી.’ અરે, સૌથી વફાદાર ઈશ્વરભક્તને પણ ઈસુના બલિદાનની જરૂર છે. યહોવાએ આપણામાંના દરેકનાં પાપનું ઘણું મોટું દેવું માફ કર્યું છે! એ સમજવું શા માટે ખૂબ મહત્ત્વનું છે? એનો જવાબ મેળવવા, ચાલો ઈસુએ આપેલું એક દૃષ્ટાંત જોઈએ.

૧૬, ૧૭. (ક) રાજા અને ચાકરના દૃષ્ટાંતમાંથી આપણે શું શીખવું જોઈએ? (ખ) ઈસુના એ દૃષ્ટાંત પર મનન કર્યા પછી તમે કયો મક્કમ નિર્ણય લીધો છે?

૧૬ ઈસુએ એક રાજાનું દૃષ્ટાંત આપ્યું હતું, જેમાં રાજા પોતાના એક ચાકરનું ૧૦ હજાર તાલંત, એટલે કે ૬ કરોડ દીનારનું દેવું માફ કરે છે. પરંતુ, એ ચાકર તેના સાથીદારનું ૧૦૦ દીનાર જેટલું નાનું અમથું દેવું પણ માફ કરતો નથી. રાજાએ તેના પર જે દયા બતાવી એમાંથી ચાકરે શીખવાની જરૂર હતી. પણ તેણે તો, પોતાના સાથીદાર પર જરાય રહેમ ન કરી. તેના એવા વર્તન વિશે સાંભળીને રાજા બહુ જ ગુસ્સે ભરાયા. રાજાએ કહ્યું: “અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તને એ બધું લેણું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી ઘટારત ન હતી?” (માથ. ૧૮:૨૩-૩૫) એ રાજાની જેમ યહોવાએ પણ આપણાં પાપનું ઘણું મોટું દેવું માફ કર્યું છે. તો પછી, યહોવાએ આપણને બતાવેલાં પ્રેમ અને દયાને લીધે આપણને શું કરવાની પ્રેરણા મળવી જોઈએ?

૧૭ સ્મરણપ્રસંગ માટે પોતાનું મન તૈયાર કરીએ તેમ આવા સવાલો પર વિચાર કરીએ: “શું કોઈ ભાઈ કે બહેને મને દુઃખ પહોંચાડ્યું છે, અને તેમને માફી આપવી મને અઘરી લાગે છે?” જો એમ હોય તો એ સમયગાળો સારી તક આપે છે કે આપણે યહોવાને અનુસરીએ, જે “ક્ષમા કરવા તત્પર” રહે છે. (નહે. ૯:૧૭; ગીત. ૮૬:૫) યહોવાએ બતાવેલી મોટી દયાની જો કદર કરીશું, તો આપણે બીજાઓ પર દયા બતાવીશું અને તેઓને દિલથી માફ કરીશું. જો આપણે બીજાઓને પ્રેમ કરતા નથી અને માફી આપતા નથી, તો એવી અપેક્ષા રાખી શકતા નથી કે યહોવા આપણને પ્રેમ કરે તેમજ માફી આપે. (માથ. ૬:૧૪, ૧૫) ખરું કે, બીજાઓને માફ કરવાથી એ હકીકત બદલાતી નથી કે આપણને દુઃખ પહોંચ્યું છે. પરંતુ, માફી આપી દેવાથી આપણો આનંદ જરૂર જળવાઈ રહેશે.

૧૮. યહોવાના પ્રેમથી પ્રેરાઈને એક બહેને શું કર્યું?

૧૮ આપણાં ભાઈ-બહેનોની ખામીઓને સહન કરવી આપણા માટે પડકાર બની શકે. (કોલોસી ૩:૧૩, ૧૪; એફેસી ૪:૩૨ વાંચો.) ચાલો લીલી નામનાં એક બહેનનો અનુભવ જોઈએ. પડકારો છતાં પ્રેમ બતાવવામાં તેમણે સારું ઉદાહરણ બેસાડ્યું છે. [1] તેમણે કેરોલ નામનાં એક વિધવા બહેનને મદદ આપી હતી. દાખલા તરીકે, તે પોતાની ગાડીમાં કેરોલને જરૂર પડે ત્યાં લઈ જતાં, જરૂરી વસ્તુઓની ખરીદીમાં અને બીજાં ઘણાં કામોમાં મદદ આપતાં. એ બધી મદદ આપ્યા છતાં, કેરોલ હંમેશાં લીલીના વાંધાવચકા કાઢતા. એના લીધે લીલી માટે કેરોલને મદદ આપવી અમુક વાર અઘરું બનતું. પરંતુ, લીલીએ હંમેશાં કેરોલના સારા ગુણો પર ધ્યાન આપ્યું. અમુક વર્ષો પછી, કેરોલ ઘણાં બીમાર થયાં અને ગુજરી ગયાં. એ દરમિયાન લીલી હંમેશાં કેરોલને મદદ આપતાં રહ્યાં. સમજી શકાય કે લીલી માટે કેરોલને મદદ આપવી એક પડકાર હતો. છતાં, લીલી આમ જણાવે છે, ‘હું એ સમયની રાહ જોઉં છું જ્યારે કેરોલને સજીવન કરવામાં આવશે! તે સંપૂર્ણ બનશે ત્યારે તેમને વધુ નજીકથી ઓળખવાની હું તમન્ના રાખું છું.’ ખરેખર, યહોવાનો પ્રેમ ભાઈ-બહેનોની ખામીઓને સહન કરવા મદદ આપે છે. ઉપરાંત, એ સમયની રાહ જોવાનું ઉત્તેજન આપે છે જ્યારે આખી માનવજાત સંપૂર્ણ બનશે.

૧૯. ઈશ્વરની ‘અવર્ણનીય ભેટ’ તમને શાની પ્રેરણા આપે છે?

૧૯ યહોવાએ આપણને ખરેખર એક ‘અવર્ણનીય ભેટ’ આપી છે. ચાલો, એ ભેટ માટે હંમેશાં કદર બતાવતા રહીએ! યહોવા અને ઈસુએ આપણા માટે જે જે કર્યું છે, એના પર મનન કરવા સ્મરણપ્રસંગનો સમયગાળો ઉત્તમ છે. તેઓનો પ્રેમ આપણને ઈસુને પગલે ચાલવા, ભાઈ-બહેનોને પ્રેમ બતાવવા અને તેઓને દિલથી માફ કરવા પ્રેરે છે.

^ [૧] (ફકરો ૧૮) આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.