સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે

શોકમાં ડૂબેલાઓને દિલાસો આપો

શોકમાં ડૂબેલાઓને દિલાસો આપો

આપણાં સગાં કે મિત્ર મરણના શોકમાં ડૂબેલા હોય ત્યારે, કોઈ વાર તેમને કઈ રીતે મદદ કરવી એ આપણને સૂઝતું નથી. ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો કે શું કહેવું અથવા શું કરવું. એટલે, કદાચ આપણે ચૂપ રહીએ અથવા કંઈ કરીએ જ નહિ. પણ, તેમને મદદ થાય એવું ઘણું આપણે કરી શકીએ છીએ.

મોટા ભાગે, તેઓને તમારા સાથની અને “સાંભળીને દુઃખ થયું” જેવા સાદા શબ્દોની જરૂર હોય છે. કેટલાક સમાજમાં, વ્યક્તિને ભેટવું, તેના હાથને સ્પર્શ કરવો કે તેના ખભા પર હાથ મૂકવો, બતાવે છે કે તમને એ વ્યક્તિ માટે લાગણી છે. શોક કરનાર વ્યક્તિ વાત કરવા ચાહે તો તેનું ધ્યાનથી સાંભળો. શક્ય હોય તો, તેઓના કુટુંબ માટે કંઈક કરવું જોઈએ. જો તેઓને વાંધો ન હોય, તો તમે અંતિમક્રિયાની તૈયારીમાં મદદ કરી શકો. કદાચ ખોરાક બનાવવો, બાળકોનું ધ્યાન રાખવું જેવાં રોજબરોજનાં કામ કરી શકો. મોટી મોટી વાતો કરવાને બદલે એવાં કામ વધારે મદદરૂપ થશે.

સમય જતાં, તમે મરણ પામેલી વ્યક્તિ વિશે વાત કરી શકો. કદાચ તેના સારા ગુણો કે તેની સાથેના સારા અનુભવો યાદ કરી શકો. એવી વાતચીતથી શોકમાં ડૂબેલી વ્યક્તિના ચહેરા પર સ્મિત આવી શકે. દાખલા તરીકે, ઇયાન મરણ પામ્યા એનાં છ વર્ષ પછી, તેમના પત્ની પામ બહેન કહે છે: “કેટલીક વાર લોકો મને ઇયાનનાં એવાં સારાં કામો વિશે જણાવે છે, જે હું જાણતી ન હતી. એનાથી મને સારું લાગે છે.”

સંશોધકો જણાવે છે કે કોઈ કરુણ બનાવ બને ત્યારે, શોકમાં ડૂબેલી વ્યક્તિને તરત તો ઘણી મદદ મળે છે. પણ, થોડા સમય પછી તેની જરૂરિયાતો વિશે મિત્રો ભૂલી જાય છે અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. એટલા માટે, શોકમાં ડૂબેલા મિત્રને નિયમિત રીતે મળવા જાઓ. * શોકમાં ડૂબેલા ઘણા લોકો આવી મુલાકાતની ઘણી જ કદર કરે છે, કેમ કે ત્યારે તેઓ પોતાના દિલનો બોજ હળવો કરી શકે છે.

જાપાનના કોરી બહેનનો વિચાર કરો. તેમનાં મમ્મી ગુજરી ગયાં એના પંદર મહિના પછી, તેમનાં મોટા બહેન ગુજરી ગયાં. આ બનાવોથી તે પડી ભાંગ્યાં હતાં. પણ, પ્રેમાળ મિત્રોએ તેમને નિયમિત રીતે સાથ-સહકાર આપ્યો. મોટી ઉંમરનાં બહેન રીતસુકો કોરીનાં ગાઢ મિત્ર બનવાનો પ્રયત્ન કરતાં હતાં. કોરી જણાવે છે: “સાચું કહું, એમ થાય એવું હું ઇચ્છતી ન હતી. મમ્મીની જગ્યા કોઈ બીજું લે એવું હું ચાહતી ન હતી અને કોઈ તેમની જગ્યા લઈ પણ ન શકે. જોકે, રીતસુકો મારી સાથે ખૂબ પ્રેમથી વર્ત્યાં, એટલે અમારો સંબંધ ગાઢ થયો. દર અઠવાડિયે અમે પ્રચારમાં સાથે જતાં, સભાઓમાં પણ સાથે જતાં. તે મને તેમના ઘરે ચા પીવા લઈ જતાં, જમવાનું બનાવીને લાવતાં, ઘણી વાર તેમણે મને પત્રો અને કાર્ડ પણ મોકલ્યાં. રીતસુકોના આનંદી સ્વભાવની મારા જીવન પર સારી અસર પડી.”

કોરીનાં મમ્મીનાં મરણને બાર વર્ષ વીતી ચૂક્યાં છે. આજે કોરી અને તેમનાં પતિ પોતાનો પૂરો સમય સેવાકાર્યમાં આપે છે. કોરી જણાવે છે: “રીતસુકો હજુ પણ મને એટલો જ પ્રેમ કરે છે. હું મારા શહેરમાં પાછી જઉં ત્યારે અચૂક તેમને મળવા જાઉં છું અને તેમની વાતો સાંભળીને ઘણું ઉત્તેજન મેળવું છું.”

સાયપ્રસના પોલી બહેનને પણ એવી જ મદદ મળી. તે એક યહોવાના સાક્ષી છે. પોલીના પતિ સોઝોસ, એક પ્રેમાળ વ્યક્તિ હતા. બીજાઓની સંભાળ રાખવા માટે તેમણે સારું ઉદાહરણ બેસાડ્યું. તે વિધવાઓ અને અનાથોને પોતાના ઘરે બોલાવીને જમાડતા. (યાકૂબ ૧:૨૭) પણ, દુઃખની વાત છે કે ૫૩ વર્ષની ઉંમરે તે બ્રેઇન ટ્યુમરને કારણે મરણ પામ્યા. પોલી કહે છે: “૩૩ વર્ષનાં લગ્નજીવન પછી, મેં મારા પ્રેમાળ પતિનો સાથ ગુમાવી દીધો.”

દુઃખી વ્યક્તિને જુદી જુદી રીતે મદદ કરી શકાય

દફનવિધિ પછી, પોલી પોતાનાં ૧૫ વર્ષના દીકરા ડેનિયલ સાથે કેનેડા રહેવા આવ્યાં. ત્યાં તેઓ યહોવાના સાક્ષીઓની સભામાં જવા લાગ્યા. યાદો તાજી કરતા પોલી કહે છે: “નવા મંડળના મિત્રો અમારા મુશ્કેલ સંજોગો વિશે કંઈ જાણતા ન હતા. અમારી સાથે શું બન્યું એ તેઓને ખબર ન હતી. તોપણ, તેઓ અમારી પાસે આવીને પ્રેમાળ શબ્દોથી અને સલાહથી દિલાસો આપતા. મારા દીકરાને તેના પપ્પાની સૌથી વધારે ખોટ સાલતી હતી ત્યારે, મંડળના ભાઈઓએ તેને ઘણી મદદ કરી. કેટલી મૂલ્યવાન મદદ! મંડળમાં આગેવાની લેતા ભાઈઓએ ડેનિયલમાં ખૂબ રસ લીધો. એક ભાઈ જ્યારે ઘરે મિત્રોને બોલાવે કે બહાર રમવા જાય, ત્યારે ડેનિયલને કદી ભૂલતા નહિ.” આજે પોલી અને તેમનો દીકરો ડેનિયલ ખુશ છે.

શોકમાં ડૂબેલી વ્યક્તિને આપણે ઘણી રીતે મદદ અને દિલાસો આપી શકીએ છીએ. શાસ્ત્ર આપણને આવનાર ભાવિની આશા આપે છે, જેનાથી દિલાસો મળે છે. (wp16-E No. 3)

^ ફકરો. 6 અમુક લોકો પોતાના કૅલેન્ડરમાં મરણ તારીખ નોંધી રાખે છે. આમ, તેઓ યાદ રાખી શકે છે કે ક્યારે મિત્રો કે સગાંને દિલાસો આપવાનો છે.