સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય

ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

‘એક માણસ આદમથી જગતમાં પાપ આવ્યું, ને પાપથી મરણ.’—રોમનો ૫:૧૨

“શું તમને હંમેશ માટે જીવવું છે?” એ સવાલ તમને પૂછવામાં આવે તો, તમે શું કહેશો? મોટા ભાગના લોકો કદાચ હા કહેશે, પણ તેઓને લાગે છે કે એવું જીવન શક્ય નથી એટલે એનો વિચાર પણ ન કરાય. તેઓ કહે છે કે, ‘આપણે જન્મ્યા છીએ, એટલે મરવાના તો છીએ જ!’

પણ, એ જ લોકોને જો એમ પૂછવામાં આવે કે, “શું તમે મરવા તૈયાર છો?” તો સામાન્ય સંજોગોમાં મોટા ભાગના લોકો ના પાડશે. એ શું બતાવે છે? સ્વાભાવિક રીતે આપણ દરેકને જીવવાની ઇચ્છા હોય છે. પછી ભલેને જીવનમાં ગમે તેટલી દુઃખ-તકલીફો કેમ ન આવે! બાઇબલ જણાવે છે કે ઈશ્વરે મનુષ્યોમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. એમાં લખ્યું છે કે, ‘તેમણે લોકોનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે.’—સભાશિક્ષક ૩:૧૧.

જોકે, કડવી હકીકત એ છે કે મનુષ્યો મરણ પામે છે! તો પછી મરણ આવ્યું ક્યાંથી? બીજું કે, શું ઈશ્વરે એનો કોઈ ઉકેલ કાઢ્યો છે? બાઇબલમાંથી જવાબો જાણીને આપણા દિલને ટાઢક મળે છે. અને એ પણ સ્પષ્ટ થાય છે કે, ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

મરણ આવ્યું ક્યાંથી?

બાઇબલમાં ઉત્પત્તિના પહેલા ત્રણ અધ્યાયો એ વિશે માહિતી આપે છે. એમાં જણાવ્યું છે કે ઈશ્વરે પ્રથમ યુગલ આદમ-હવાને હંમેશ માટે જીવવાની તક આપી હતી. જોકે, હંમેશ માટે જીવવા તેઓએ એક આજ્ઞા પાળવાની હતી. એ અહેવાલ જણાવે છે કે તેઓએ કઈ રીતે ઈશ્વરની આજ્ઞા તોડી અને હંમેશ માટે ના જીવનની તક ગુમાવી દીધી. એ બનાવ એટલી સાદી રીતે જણાવવામાં આવ્યો છે કે, ઘણા લોકો એને દંતકથા ગણે છે. પણ સુવાર્તાનાં પુસ્તકોની જેમ, ઉત્પત્તિનું પુસ્તક પણ એક સચોટ ઐતિહાસિક અહેવાલ હોવાની બધી ખાસિયતો ધરાવે છે. *

આદમે આજ્ઞા તોડી એનું શું પરિણામ આવ્યું? બાઇબલ એનો જવાબ આપતા જણાવે છે: ‘એક માણસ આદમથી જગતમાં પાપ આવ્યું, ને પાપથી મરણ; અને બધાએ પાપ કર્યું, તેથી બધા માણસોમાં મરણનો પ્રસાર થયો.’ (રોમનો ૫:૧૨) ઈશ્વરની આજ્ઞા ન માનીને આદમે પાપ કર્યું. આમ, તેણે હંમેશ માટે જીવવાની તક ગુમાવી અને સમય જતાં મરણ પામ્યો. આપણે તેના વંશજો હોવાથી, વારસામાં આપણને પાપ મળ્યું છે. પરિણામે, આપણામાં બીમારી, ઘડપણ અને મરણ આવ્યાં છે. એ હકીકત આજના વૈજ્ઞાનિકોએ કરેલી શોધની સુમેળમાં છે. તેઓએ શોધી કાઢ્યું છે કે માબાપનાં અમુક લક્ષણો અથવા બીમારીઓ બાળકોમાં વારસાગત આવે છે. પરંતુ, શું ઈશ્વરે કોઈ ઉકેલ કાઢ્યો છે?

ઈશ્વરે ઉકેલ કાઢ્યો છે

હા, ઈશ્વરે ગોઠવણ કરી છે! આદમે હંમેશ માટેના જીવનની જે તક ગુમાવી, એ તક તેના વંશજોને ઈશ્વરે જાણે પાછી ખરીદી આપી છે. ઈશ્વરે એમ કઈ રીતે કર્યું?

બાઇબલમાં રોમનો ૬:૨૩માં જણાવ્યું છે કે ‘પાપનું વેતન મરણ છે.’ એનો અર્થ થાય કે પાપના પરિણામે મરણ આવે છે. આદમે પાપ કર્યું એટલે તે મરી ગયો. એવી જ રીતે, આપણે પાપ કરીએ છીએ ત્યારે એના વેતનરૂપે આપણા પર મરણ આવે છે. જોકે, આપણો કોઈ વાંક ન હોવા છતાં આપણે જન્મથી પાપી ગણાઈએ છીએ. તેથી, ઈશ્વરે આપણા પર પ્રેમ બતાવીને પોતાના દીકરા ઈસુને મોકલ્યા. તેમણે આપણા વતી પાપનું વેતન ચૂકવ્યું. તેમણે એ કઈ રીતે કર્યું?

ઈસુના જીવનની કુરબાનીથી હંમેશ માટેના જીવનનું દ્વાર ખુલ્યું છે

આદમ સંપૂર્ણ માણસ હતો. તેણે આજ્ઞા તોડી માટે આપણામાં પાપ અને મરણ આવ્યાં. તેથી, આપણને પાપના બંધનમાંથી છોડાવવા એક એવા સંપૂર્ણ માણસની જરૂર હતી, જે છેલ્લા શ્વાસ સુધી આજ્ઞાંકિત રહે. એ વાતને બાઇબલ આ રીતે સમજાવે છે: “જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.” (રોમનો ૫:૧૯) એ ‘આજ્ઞાપાલન કરનાર’ તો ઈસુ હતા. સ્વર્ગ છોડીને તે એક સંપૂર્ણ માણસ * તરીકે આવ્યા અને આપણા વતી મોતને ભેટ્યા. પરિણામે, આપણા માટે ઈશ્વર આગળ એક ન્યાયી વ્યક્તિ તરીકે ઊભા રહેવું અને હંમેશ માટે જીવવું શક્ય બન્યું છે.

ઈસુ પીડા સહીને મોતને ભેટ્યા

આપણને પાપના વેતનમાંથી મુક્ત કરવા ઈસુએ શા માટે મરવાની જરૂર પડી? શું આખા વિશ્વના માલિક એક ફરમાન બહાર પાડી શક્યા ન હોત કે આદમના વંશજોને હંમેશ માટે જીવવાની પરવાનગી મળે? તે ચોક્કસ એમ કરી શક્યા હોત! એમ કરવાનો તેમની પાસે અધિકાર હતો. પરંતુ, એમ કરવાથી તેમણે જ ઘડેલો આ નિયમ ખોટો પડત: ‘પાપનું વેતન મરણ છે.’ એ નિયમ કંઈ નાનો-સૂનો નથી, જે સગવડ પ્રમાણે બદલી નંખાય. એ તો અદ્દલ ન્યાયનો પાયો છે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૮.

જો ઈશ્વરે એ નિયમને અવગણ્યો હોત, તો લોકોને કદાચ થાત કે તેમણે બીજા કિસ્સાઓમાં પણ પોતાના નિયમોને અવગણ્યા હશે. દાખલા તરીકે, આદમના વંશજોમાંથી કોણ કોણ હંમેશ માટેનું જીવન મેળવશે, એની પસંદગી શું ઈશ્વરે ન્યાયી રીતે કરી હશે? બીજું કે, તે જે વચનો આપે છે એ પૂરાં કરશે, એવો ભરોસો પણ શું રાખી શકાય? પરંતુ, ઈશ્વર આપણા બચાવની ગોઠવણમાં પોતાના ન્યાયી નિયમને વળગી રહ્યા. એ સાબિતી આપે છે કે જે ખરું છે, ઈશ્વર એ જ કરશે.

ઈસુનું બલિદાન આપીને ઈશ્વરે મનુષ્યો માટે સુંદર પૃથ્વી પર હંમેશ માટેના જીવનનું દ્વાર ખોલ્યું. યોહાન ૩:૧૬માં જણાવેલાં ઈસુના આ શબ્દો પર ધ્યાન આપો: “ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” ઈસુની કુરબાની દ્વારા ઈશ્વરે અદ્દલ ન્યાય કર્યો. જોકે, એનાથી પણ વિશેષ તો એમાં મનુષ્યો માટે ઈશ્વરનો અપાર પ્રેમ દેખાઈ આવે છે.

પરંતુ, સવાલ થાય કે શા માટે ઈસુએ પીડા સહન કરીને મરવું પડ્યું? આકરી કસોટીમાં વફાદાર રહીને ઈસુએ શેતાનને તેના સવાલનો જબરદસ્ત જવાબ આપ્યો. શેતાને એવો દાવો કર્યો હતો કે કસોટીમાં મનુષ્યો ઈશ્વરને વફાદાર નહિ રહે. (અયૂબ ૨:૪, ૫) શેતાને સંપૂર્ણ આદમને પાપ કરવા માટે મનાવી લીધો, એટલે કદાચ તેનો એ દાવો યોગ્ય લાગે. પરંતુ, આદમની જેમ ઈસુ પણ સંપૂર્ણ હતા અને તે આકરી કસોટીમાં પણ વફાદાર રહ્યા. (૧ કોરીંથી ૧૫:૪૫) આમ, તેમણે સાબિત કરી આપ્યું કે જો આદમે ચાહ્યું હોત, તો તે પણ ઈશ્વરને વફાદાર રહી શક્યો હોત. ઈસુએ સતાવણીઓમાં પણ વફાદાર રહીને આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. (૧ પીતર ૨:૨૧) ઈસુએ આજ્ઞા પાળી એનું ઈશ્વરપિતાએ તેમને અદ્ભુત ઇનામ આપ્યું. ઈસુને સ્વર્ગમાં અવિનાશી જીવન મળ્યું.

તમે કઈ રીતે ફાયદો મેળવી શકો?

ઈસુએ સાચે જ જીવનની કુરબાની આપી છે. હંમેશ માટેના જીવનનું દ્વાર હવે ખુલ્લું છે. શું તમારે હંમેશ માટે જીવવું છે? એવું જીવન મેળવવા શું કરવું જોઈએ, એ જણાવતા ઈસુએ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

આ મૅગેઝિનના પ્રકાશકો તમને સાચા ઈશ્વર યહોવા અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત વિશે વધુ શીખવા આમંત્રણ આપે છે. તમારા વિસ્તારના યહોવાના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે. તમે અમારી વેબસાઇટ www.pr418.com પરથી વધુ માહિતી પણ મેળવી શકો. (w૧૬-E No. ૨)

^ ફકરો. 8 ફેબ્રુઆરી ૧, ૨૦૧૧ ચોકીબુરજ પાન ૪માં આ લેખ જુઓ: “શું એદન બાગ ખરેખર હતો?” એ મૅગેઝિન યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ ફકરો. 13 ઈશ્વરે સ્વર્ગમાંથી પોતાના દીકરાનું જીવન મરિયમ નામની સ્ત્રીની કૂખમાં મૂક્યું. આમ, ચમત્કારિક રીતે મરિયમને ગર્ભ રહ્યો. ઈશ્વરની શક્તિએ મરિયમની કૂખમાં ઈસુનું રક્ષણ કર્યું, જેથી વારસાગત અપૂર્ણતા ન આવે.—લુક ૧:૩૧, ૩૫.