સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચેતવણીને ધ્યાન આપો, પોતાનું જીવન બચાવો!

ચેતવણીને ધ્યાન આપો, પોતાનું જીવન બચાવો!

ડિસેમ્બર ૨૬, ૨૦૦૪ના દિવસે ૯.૧ની તીવ્રતાના ધરતીકંપે સિમલુ નામના ટાપુને હચમચાવી નાખ્યો. આ ટાપુ ઇંડોનેશિયાના સુમાત્રા વિસ્તારના ઉત્તર પશ્ચિમી કાંઠે આવેલો છે. ધરતીકંપ પછી, એ ટાપુ પર રહેતા બધા લોકો તરત દરિયા તરફ જોવા લાગ્યા. તેઓએ જોયું કે, દરિયો સામાન્ય કરતાં વધારે અંદર ખેંચાઈ રહ્યો છે. તેઓ તરત પહાડ તરફ દોડવા લાગ્યા અને ‘સ્મોંગ! સ્મોંગ!’ની બૂમો પાડી, જેનો અર્થ થાય સુનામી. બસ ૩૦ મિનિટની અંદર મોટા મોજાઓ આવ્યાં ને ઘણાં ઘરો અને ગામડાં નષ્ટ કરી નાંખ્યાં!

એ દિવસે આવેલા વિનાશક સુનામીનો સૌથી પહેલો ભોગ બનનાર આ સિમલુ ટાપુ હતો. એ ટાપુ પર ૭૮,૦૦૦ લોકો રહેતા હતા, છતાં ફક્ત ૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એ દિવસે બીજા વિસ્તારોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જેની સરખામણીમાં આ ૭ લોકો બહુ ઓછા કહેવાય. * એવું શા માટે? એ ટાપુના લોકો વચ્ચે આ કહેવત પ્રચલિત છે: ‘જો ધરતીકંપ થાય અને દરિયો પાછો ખેંચાય, તો તરત પહાડો તરફ ભાગો. કેમ કે, દરિયો પાછો ધસી આવશે.’ અગાઉ થયેલા અનુભવને લીધે સિમલુના લોકો દરિયામાં થયેલા ફેરફારથી તરત પારખી ગયા કે, સુનામી આવશે. અગાઉથી મળેલી એ ચેતવણીને લીધે ઘણા લોકોના જીવ બચી ગયા.

પવિત્ર શાસ્ત્ર પણ એક આવનાર વિનાશ વિશે જણાવે છે. એ કહે છે: “એવી મોટી વિપત્તિ આવી પડશે કે, તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.” (માથ્થી ૨૪:૨૧) પણ, એ વિપત્તિથી કંઈ પૃથ્વીનો અંત નહિ આવે. એટલે કે, અમુક બેદરકાર મનુષ્યો કે વિનાશક કુદરતી આફતને લીધે આ પૃથ્વીનો નાશ નહિ થાય. કેમ કે, ઈશ્વરે વચન આપ્યું છે કે, પૃથ્વી સદાને માટે રહેશે. (સભાશિક્ષક ૧:૪) ખરું કે, આવનાર વિનાશ તો ઈશ્વર તરફથી હશે. પણ, તેમણે જણાવ્યું છે: “જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.” બીજા શબ્દોમાં કહીએ તો, દુઃખ-તકલીફો અને દુષ્ટતાનો હંમેશ માટે અંત! (પ્રકટીકરણ ૧૧:૧૮; નીતિવચનો ૨:૨૨) એ ખરેખર અદ્ભૂત આશીર્વાદ છે.

વધુમાં, સુનામી, ધરતીકંપ અને જ્વાળામુખી નિર્દોષ લોકોનો પણ ભોગ લે છે. પરંતુ, આવનાર વિનાશમાં એવું નહિ બને. શાસ્ત્ર જણાવે છે: “ઈશ્વર પ્રેમ છે.” અને આ ઈશ્વર, જેમનું નામ યહોવા છે, તે વચન આપે છે: ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે અને એમાં તેઓ સદાકાળ રહેશે.’ (૧ યોહાન ૪:૮; ગીતશાસ્ત્ર ૩૭:૨૯) આ આવનાર મોટા વિનાશમાંથી તમે કઈ રીતે બચી શકો અને અદ્ભુત આશીર્વાદ મેળવી શકો? એ માટે જરૂરી છે કે, તમે અગાઉથી મળેલી ચેતવણીને ધ્યાન આપો!

દુનિયામાં થઈ રહેલાં બદલાણ તરફ ધ્યાન આપો

દુઃખ-તકલીફો અને દુષ્ટતાનો અંત ક્યારે આવશે એ વિશે આપણે નથી જાણી શકતા. ઈસુએ જણાવ્યું હતું: ‘એ દિવસ અને એ ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશના દૂતો નહિ તેમજ દીકરો પણ નહિ.’ જોકે, ઈસુ આપણને ‘જાગતા રહેવાનું’ ઉત્તેજન આપે છે. (માથ્થી ૨૪:૩૬; ૨૫:૧૩) ઈશ્વર અંત લાવે એ પહેલાં દુનિયાની કેવી હાલત હશે એ વિશે શાસ્ત્રમાં જણાવ્યું છે. સિમલુના લોકો દરિયામાં થયેલું બદલાણ જોઈને પારખી ગયા કે, સુનામી આવશે. એવી જ રીતે, દુનિયામાં થઈ રહેલાં બદલાણને જોઈને પારખી શકાય કે, અંત નજીક છે. આ લેખના બૉક્સમાં અમુક બનાવો જણાવ્યા છે, જેના વિશે શાસ્ત્રમાં ઉલ્લેખ થયો છે.

ખરું કે, બૉક્સમાં જણાવેલા અમુક બનાવો કેટલીક હદે અગાઉ પણ બન્યા છે. પરંતુ, ઈસુના કહ્યા પ્રમાણે ‘એ બધાં થતાં’ જોઈને આપણે જાણી શકીએ કે, અંત હાથવેંતમાં છે. (માથ્થી ૨૪:૩૩) તમે વિચારી શકો કે આ બધા બનાવો: (૧) ઇતિહાસમાં ક્યારે દુનિયા ફરતે બન્યા? (૨) ક્યારે એક જ સમયગાળામાં બન્યા? અને (૩) ક્યારથી મોટા પાયે થવા લાગ્યા? એના જવાબ પરથી પારખી શકાશે કે, આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ.

ઈશ્વરના પ્રેમની સાબિતી

અમેરિકાના એક રાષ્ટ્રપતિએ જણાવ્યું ‘અગાઉથી મળતી ચેતવણી જીવન બચાવે છે.’ વર્ષ ૨૦૦૪માં આવેલા સુનામી પછી, અસરગ્રસ્ત વિસ્તારોમાં અગાઉથી ચેતવણી આપવા સાધનો ગોઠવવામાં આવ્યાં. એ હેતુથી કે, ભાવિમાં એવી કોઈ આફત આવે તો લોકોના જીવ બચી શકે. એવી જ રીતે, અંત આવે એ પહેલાં ઈશ્વરે પણ અગાઉથી ચેતવણી આપવાની ગોઠવણ કરી છે. શાસ્ત્રની એક ભવિષ્યવાણી જણાવે છે: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં ફેલાવવામાં આવશે ત્યારે જ અંત આવશે.’—માથ્થી ૨૪:૧૪.

ગયા વર્ષે યહોવાના સાક્ષીઓએ ૧.૯ અબજ કલાકો ખુશખબર ફેલાવવામાં વિતાવ્યા. તેઓએ એ સંદેશો ૨૪૦ દેશોમાં અને ૭૦૦ કરતાં વધુ ભાષાઓમાં આપ્યો. તેઓના કામમાં થઈ રહેલી આવી વૃદ્ધિ સાબિતી આપે છે કે, અંત નજીક છે. તેઓ જાણે છે કે, ઈશ્વરના ન્યાયનો દિવસ જલદી આવી રહ્યો છે. યહોવાના સાક્ષીઓ બધા લોકોને ખૂબ પ્રેમ કરે છે, માટે તેઓને ચેતવવા બનતા બધા જ પ્રયત્નો કરે છે. (માથ્થી ૨૨:૩૯) આ માહિતી વાંચીને તમે પણ લાભ મેળવી શકો છો. એ તમારા સુધી પહોંચી છે એ જ યહોવાના પ્રેમની સાબિતી છે. યાદ રાખો કે, ‘કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઇચ્છીને ઈશ્વર તમારા વિશે ધીરજ રાખે છે.’ (૨ પીતર ૩:૯) શું તમે ઈશ્વરના પ્રેમાળ સાદ અને તેમણે અગાઉથી આપેલી ચેતવણી તરફ કાન ધરશો?

સલામત જગ્યાએ જલદી જાઓ!

સિમલુના લોકોનો ફરી વિચાર કરો. તેઓ મોજાઓને પાછાં ખેંચાતાં જોઈને, સલામતી માટે તરત પહાડો તરફ નાસી ગયા હતા. મોજાઓ પાછાં આવે એની તેઓએ રાહ ન જોઈ. તેઓએ તરત પગલાં ભર્યાં એને લીધે તેઓનું જીવન બચી ગયું. એ જ રીતે, આવનાર મોટી વિપત્તિમાંથી બચવા તમારે પણ જાણે એક પહાડ પર નાસી જવાની જરૂર છે. અને એ પણ મોડું થાય એ પહેલાં. કઈ રીતે? પ્રબોધક યશાયાએ ઈશ્વરની પ્રેરણાથી એક આમંત્રણ વિશે લખ્યું. એ આમંત્રણ ‘છેલ્લા દિવસોમાં’ એટલે કે, આપણા સમયમાં પણ એટલું જ લાગુ પડે છે. એ જણાવે છે: ‘ચાલો, આપણે યહોવાના પહાડ પર જઈએ, તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના રસ્તામાં ચાલીશું.’—યશાયા ૨:૨, ૩.

પહાડની ટોચ પરથી નજારો આખેઆખો અને સ્પષ્ટ જોઈ શકાય છે. તેમ જ, એ સલામત જગ્યા છે. એવી જ રીતે, બાઇબલ દ્વારા ઈશ્વરના માર્ગો વિશે જાણવાથી આખી દુનિયામાં લાખો લોકોને પોતાનું જીવન સુધારવા મદદ મળી છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) એમ કરવાથી તેઓ ‘ઈશ્વરના રસ્તામાં ચાલવાનું’ શરૂ કરે છે. તેમ જ, તેમની કૃપાનો અને રક્ષણનો આનંદ માણે છે.

શું તમે ઈશ્વરનું એ આમંત્રણ સ્વીકારશો? અને આ છેલ્લા દિવસોમાં શું તમે ઈશ્વરના પ્રેમાળ રક્ષણનો લાભ લેશો? આ લેખમાં આપેલા બૉક્સમાં ‘છેલ્લા સમયની’ જે સાબિતીઓ આપવામાં આવી છે, એને ધ્યાનથી તપાસવા અમે તમને અરજ કરીએ છીએ. બાઇબલની સ્પષ્ટ જાણકારી મેળવવા અને એને કઈ રીતે લાગુ પાડી શકાય એ વિશે વધારે જાણવા તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે. અથવા તમારા સવાલોનો જવાબ મેળવવા અમારી વેબસાઇટ www.pr418.com પર જાઓ. BIBLE TEACHINGS > BIBLE QUESTIONS ANSWERED વિભાગ જુઓ. (w૧૬-E No. ૨)

^ ફકરો. 3 વર્ષ ૨૦૦૪માં આ સુનામીએ ૨,૨૦,૦૦૦ લોકોનો ભોગ લીધો. કહેવાય છે કે, નોંધાયેલા ઇતિહાસમાં આ સુનામી સૌથી વિનાશક હતું.