સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જાણવાનો પ્રયત્ન કરો કે ભાઈ-બહેનોને શાની જરૂર છે; રોજબરોજના જીવનમાં મદદની, લાગણીમય રીતે સહારાની કે પછી બાઇબલમાંથી ઉત્તેજનની?

શું તમે પોતાના મંડળને મદદરૂપ બની શકો?

શું તમે પોતાના મંડળને મદદરૂપ બની શકો?

સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ શિષ્યોને કહ્યું: “પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો.” (પ્રે.કૃ. ૧:૮) પરંતુ, આખી દુનિયામાં ખુશખબર પહોંચાડવી તેઓ માટે કઈ રીતે શક્ય બનવાની હતી?

ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટીન ગુડમેનનું કહેવું છે કે, ‘રોમન સામ્રાજ્યની શરૂઆતમાં, ખ્રિસ્તીઓ જાણતા હતા કે તેઓના જીવનનું લક્ષ્ય શું છે. એના લીધે તેઓ બીજા ધર્મોના લોકોથી, અરે યહુદીઓથી પણ જુદા તરી આવતા.’ ખુશખબર જણાવવા ઈસુ ખ્રિસ્ત ગામે ગામ ફર્યા. સાચા ખ્રિસ્તીઓએ તેમના દાખલાને અનુસરવાનું હતું અને “ઈશ્વરના રાજ્યની સુવાર્તા” દરેક જગ્યાએ પહોંચાડવાની હતી. જેઓ સત્ય માટે તરસ્યા હતા એવા લોકોને તેઓએ શોધી કાઢવાના હતા. (લુક ૪:૪૩) એ કારણે જ પ્રથમ સદીના મંડળમાં “પ્રેરિતો” નીમવામાં આવ્યા હતા. “પ્રેરિતો” શબ્દનો અર્થ થાય કે કોઈ કામ માટે મોકલાયેલા લોકો. (માર્ક ૩:૧૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન) ઈસુએ તેમના અનુયાયીઓને આજ્ઞા કરી: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.”—માથ. ૨૮:૧૮-૨૦.

ખરું કે, ઈસુના ૧૨ પ્રેરિતો આજે પૃથ્વી પર નથી, પણ યહોવાના ઘણા સેવકો પોતાના સેવાકાર્યમાં તેઓનું અનુકરણ કરે છે. વધુ જરૂર હોય ત્યાં જઈને સેવા આપવાનું તેઓને આમંત્રણ આપવામાં આવે ત્યારે તેઓ કહે છે: “હું આ રહ્યો; મને મોકલ.” (યશા. ૬:૮) અમુક તો દૂર દૂરના દેશમાં સેવા આપવા જાય છે. જેમ કે, ગિલયડ શાળામાં તાલીમ પામેલાં હજારો ભાઈ-બહેનો. બીજા અમુક, પોતાના જ દેશમાં એવી જગ્યાએ સેવા આપવા ગયા છે, જ્યાં જરૂર વધુ છે. કેટલાકે નવી ભાષા શીખી છે, જેથી કોઈ મંડળને કે ગ્રૂપને મદદ કરી શકે. એ બધું કરવું કંઈ હંમેશાં સહેલું હોતું નથી. પણ યહોવા અને બીજાઓ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવવા એ ભાઈ-બહેનો ત્યાગ આપવા તૈયાર હતાં. વધુ જરૂર હોય ત્યાં સેવા આપી શકે માટે તેઓએ યોજનાપૂર્વક કામ કર્યું અને પોતાનાં સમય, શક્તિ અને પૈસાનો સારો ઉપયોગ કર્યો. (લુક ૧૪:૨૮-૩૦) એ ભાઈ-બહેનો જે કરી રહ્યાં છે એ ખરેખર મૂલ્યવાન સેવા છે.

જોકે, આપણા બધા માટે નવી ભાષા શીખવી અથવા જરૂર વધુ હોય ત્યાં સેવા આપવા જવું શક્ય હોતું નથી. છતાં, આપણે બધા પોતાના મંડળમાં મિશનરી જેવું કામ જરૂર કરી શકીએ છીએ.

મિશનરી જેવું કામ પોતાના મંડળમાં કરીએ

બીજાઓને મદદ આપવા તેઓની રોજબરોજની જરૂરિયાતોમાં સહાય કરો

પ્રથમ સદીમાં મોટા ભાગના ખ્રિસ્તીઓ પોતાના વતનમાં જ રહેતા. તેઓ કંઈ મિશનરી ન હતા. તેમ છતાં, તેઓ પ્રચારકાર્યમાં બહુ ઉત્સાહથી ભાગ લેતા. પાઊલે તીમોથીને કહ્યું: “સુવાર્તિકનું કામ કર, તારું સેવાકાર્ય પૂર્ણ કર.” (૨ તીમો. ૪:૫) એ શબ્દો પ્રથમ સદીના ખ્રિસ્તીઓને જેટલા લાગુ પડતા હતા એટલા જ આજે આપણને પણ લાગુ પડે છે. બધા જ ખ્રિસ્તીઓએ રાજ્યનો સંદેશો ફેલાવવાની અને શિષ્યો બનાવવાની આજ્ઞા પ્રમાણે કરવું જ જોઈએ. ભલે આપણે મિશનરી ન હોઈએ, પણ તેઓ જેવા બનીને આપણે પોતાના મંડળને ઘણી રીતોએ મદદરૂપ થઈ શકીએ છીએ. ચાલો, એમ કરવાની અમુક રીતો જોઈએ.

દાખલા તરીકે, કોઈ મિશનરી જ્યારે નવા દેશમાં સેવા આપવા જાય છે, ત્યારે તેમની માટે આખો માહોલ નવો ને અજાણ્યો હોય છે. એ નવી જીવનઢબમાં પોતાને ઢાળવા તેઓએ નવી રીતો અપનાવી પડે છે. ભલે આપણે તેઓની જેમ સેવા આપવા બીજા દેશમાં ન જઈ શકીએ, પણ લોકોને સંદેશો જણાવવાની નવી રીતો જરૂર અપનાવી શકીએ, ખરુંને? જેમ કે, વર્ષ ૧૯૪૦માં આપણાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવામાં આવ્યું હતું કે રસ્તાઓ પર આવતા-જતા લોકોને પ્રચાર કરવા માટે અઠવાડિયામાં એક દિવસ ફાળવે. શું તમે પ્રચારની એ રીત અજમાવી છે? ટ્રૉલી દ્વારા થતા પ્રચારકાર્ય વિશે શું? શું તમે એ અજમાવ્યું છે? કેમ નહિ કે, મિશનરીઓની જેમ પ્રચારની નવી રીતો અપનાવવા હંમેશાં તૈયાર રહીએ!

તેઓને ‘સુવાર્તિકનું કામ કરવાનું’ ઉત્તેજન આપો

જો તમે યોગ્ય વલણ રાખશો તો પ્રચારકાર્ય માટે ધગશ અને ઉત્સાહ બતાવી શકશો. વધુ જરૂર હોય ત્યાં સેવા આપવા જનાર અથવા નવી ભાષા શીખનાર ભાઈ-બહેનો મોટા ભાગે સારી આવડતો ધરાવતાં હોય છે અને ત્યાંના મંડળને ઘણાં મદદરૂપ બને છે. દાખલા તરીકે, પ્રચારકાર્ય માટે તેઓ પહેલ કરતા હોય છે. ત્યાંના મંડળમાં આગેવાની લેવા સ્થાનિક ભાઈઓ સક્ષમ બને ત્યાં સુધી મિશનરીઓ ઘણી વાર જવાબદારી ઉઠાવી લે છે. જો તમે બાપ્તિસ્મા પામેલા ભાઈ હો, તો શું તમે મંડળમાં સેવકાઈ ચાકર તરીકે અથવા વડીલ તરીકે ભાઈ-બહેનોની સેવા કરવાની ‘ઇચ્છા રાખો છો’?—૧ તીમો. ૩:૧.

“દિલાસારૂપ” બનો

ભાઈ-બહેનોને જરૂરી મદદ આપો

આપણે બીજી અમુક રીતોએ પણ મંડળને મદદરૂપ બની શકીએ છીએ. જેઓને જરૂરિયાત હોય એવાં ભાઈ-બહેનો માટે આપણે “દિલાસારૂપ” એટલે કે હિંમત બાંધનાર બની શકીએ છીએ. પછી ભલેને આપણે નાના હોઈએ કે મોટા, યુવાન હોઈએ કે વૃદ્ધ, ભાઈ હોઈએ કે બહેન!—કોલો. ૪:૧૧.

આપણે ભાઈ-બહેનોને મદદ કરવા ચાહતા હોઈએ તો જરૂરી છે કે તેઓને સારી રીતે જાણીએ. બાઇબલ ઉત્તેજન આપે છે કે, આપણે “એકબીજાનો વિચાર કરીએ.” એટલે કે, જ્યારે પણ આપણે ભાઈ-બહેનો સાથે ભેગા મળીએ, ત્યારે તેઓની જરૂરિયાતો જાણવાનો પ્રયત્ન કરીએ. (હિબ્રૂ ૧૦:૨૪) જોકે, એનો અર્થ એમ નથી કે આપણે તેઓના અંગત જીવનમાં માથું મારીએ અને નાનામાં નાની વિગતો જાણવાનો પ્રયત્ન કરીએ. આપણે તો તેઓને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને જાણવાનું છે કે તેઓને શાની જરૂર છે. કદાચ તેઓને રોજબરોજના જીવનમાં મદદની, કે પછી લાગણીમય રીતે સહારાની જરૂર હોય. બની શકે કે તેઓને બાઇબલમાંથી ઉત્તેજનની જરૂર હોય. એમાં કોઈ શંકા નથી કે અમુક કિસ્સામાં ફક્ત વડીલો અથવા સેવકાઈ ચાકરો જ તેઓને મદદ કરી શકે છે. (ગલા. ૬:૧) પરંતુ, આપણે એવાં વૃદ્ધ ભાઈ-બહેનોને કે કુટુંબોને મદદ જરૂર કરી શકીએ, જેઓ મુશ્કેલીઓનો સામનો કરતાં હોય.

તેઓને મુશ્કેલીઓનો સામનો કરવા લાગણીમય રીતે સહારો આપો

ભાઈ સેલ્વાટૉરનો વિચાર કરો. પૈસાની સખત તંગીને લીધે તેમણે પોતાનો ધંધો, ઘર અને બીજી કેટલીક વસ્તુઓ વેચી દેવી પડી. તેમને પોતાના કુટુંબની ચિંતા કોરી ખાતી હતી. પરંતુ, મંડળના એક કુટુંબના ધ્યાનમાં આવ્યું કે એ ભાઈને મદદની જરૂર છે. એ કુટુંબે ભાઈને કેટલાક રૂપિયા આપ્યા તેમજ ભાઈ અને તેમની પત્નીને કામ-ધંધો મેળવવામાં મદદ કરી. એ દુઃખી કુટુંબને સાંભળવામાં અને ઉત્તેજન આપવામાં તેઓની સાથે કેટલીક સાંજ વિતાવી. એ બંને કુટુંબના સભ્યો એકબીજાના સારા મિત્રો બન્યા. મુશ્કેલ સમયમાં સાથે વિતાવેલી એ પળો તેઓ માટે આજે મીઠી યાદો બની ગઈ છે.

સાચા ખ્રિસ્તીઓ બીજાઓને પોતાની માન્યતાઓ જણાવવાથી ક્યારેય અચકાતા નથી. આપણે ઈસુને અનુસરવું જ જોઈએ અને બધાને જણાવવું જ જોઈએ કે ઈશ્વરે કેવાં સુંદર વચનો આપ્યાં છે. ખરું કે, અમુક ભાઈ-બહેનો જરૂર વધુ હોય ત્યાં સેવા આપવા જઈ શકે છે, જ્યારે કે બીજા અમુક એમ કરી શકતા નથી. તેમ છતાં, આપણા મંડળને મદદરૂપ બનવા આપણે બનતો પ્રયાસ તો કરી જ શકીએ. (ગલા. ૬:૧૦) બીજાઓ માટે કંઈક કરીએ છીએ ત્યારે આપણને ખુશી મળે છે. તેમ જ, ‘સર્વ સારાં કામમાં એનું ફળ ઉપજાવતા’ રહી શકીએ છીએ.—કોલો. ૧:૧૦; પ્રે.કૃ. ૨૦:૩૫.