સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને જાણો છો?

શું તમને જાણો છો?

રક્તપિત્ત થયેલાઓ સાથે ઈસુ જે રીતે વર્ત્યા, એ કેમ એ સમયના રિવાજથી અલગ હતું?

પ્રાચીન સમયમાં, યહુદીઓ રક્તપિત્તની બીમારીથી ખૂબ ડરતા હતા. એ ભયંકર બીમારી વ્યક્તિના જ્ઞાનતંતુઓ પર હુમલો કરીને કાયમી નુકસાન પહોંચાડે છે અને તેને કદરૂપી બનાવી દે છે. એ સમયે રક્તપિત્તનો કોઈ ઇલાજ ન હતો. એ બીમારી થતી તેઓને અલગ રાખવામાં આવતા અને તેઓએ પોતાની સ્થિતિ વિશે બીજાઓને ચેતવવાના હતા.—લેવીય ૧૩:૪૫, ૪૬.

રક્તપિત્ત થયેલાઓ સાથે કઈ રીતે વર્તવું એ વિશે શાસ્ત્ર જણાવતું હતું. પણ, યહુદી ધર્મગુરુઓએ એની ઉપરવટ જઈને નિયમો બનાવ્યા હતા. આમ, તેઓએ રક્તપિત્ત થયેલા લોકોનું જીવવું હરામ કરી દીધું હતું. દાખલા તરીકે, રાબ્બીઓના નિયમ પ્રમાણે દરેક માણસે રક્તપિત્ત થયેલાઓથી ૬ ફૂટ (૨ મીટર) જેટલું અંતર રાખવું જરૂરી હતું. પણ, જો પવન વહેતો હોય, તો ૧૫૦ ફૂટ (૪૫ મીટર) જેટલું અંતર રાખવું પડતું. તાલમુડ પાળનારા લોકોમાંથી અમુકે શાસ્ત્રનો ખોટો અર્થ કાઢ્યો હતો. તેઓ સમજતા હતા કે “છાવણી બહાર” રહેવું, એટલે કે રક્તપિત્ત થયેલાને શહેરની બહાર કાઢી મૂકવો. તેથી, જ્યારે કોઈ રાબ્બી રક્તપિત્ત થયેલાને શહેરમાં જોતો, ત્યારે તે તેને પથરા મારતો અને કહેતો: “તારી જગ્યાએ જા અને બીજા લોકોને અશુદ્ધ ના કર.”

ઈસુ તેઓ સાથે એ રીતે વર્ત્યા ન હતા. રક્તપિત્ત થયેલાઓને હડસેલી કાઢવાને બદલે ઈસુ તેઓને સ્પર્શ કરતા અને સાજા કરતા હતા.—માથ્થી ૮:૩. (wp16-E No. 4)

કયા નિયમને આધારે યહુદી ધર્મગુરુઓ છૂટાછેડાની પરવાનગી આપતા હતા?

છૂટાછેડાનું પ્રમાણપત્ર ઈ.સ. ૭૧/૭૨

પહેલી સદીમાં, છૂટાછેડા આપવાની બાબતે ધર્મગુરુઓમાં ઘણા મતભેદ હતા. એટલે, એક વાર અમુક ફરોશીઓએ ઈસુને ફસાવવાના ઇરાદાથી આ સવાલ પૂછ્યો: “પુરુષ ગમે તે કારણે પોતાની પત્નીને છૂટાછેડા આપે એ શું યોગ્ય છે?”—માથ્થી ૧૯:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

જો કોઈ માણસને તેની પત્નીમાં ‘કંઈ દોષ જણાય,’ તો મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તે તેને છૂટાછેડા આપી શકતો. (પુનર્નિયમ ૨૪:૧, સંપૂર્ણ) ઈસુના સમયમાં રાબ્બીઓના બે જૂથ હતાં. એ બંને જૂથ મુસાના નિયમનો અલગ અલગ અર્થ કાઢતા. શામાઈ જૂથ પ્રમાણે છૂટાછેડા આપવાનું ફક્ત એક કારણ હતું, ‘ખરાબ ચારિત્ર્ય’ એટલે કે વ્યભિચાર. જ્યારે કે હિલેલ જૂથ પ્રમાણે, લગ્નજીવનમાં આવતી નાની-મોટી મુશ્કેલીઓને લીધે પણ એક માણસ છૂટાછેડા આપી શકતો હતો. એટલું જ નહિ, એ જૂથ પ્રમાણે જો કોઈ માણસની પત્નીએ ખાવાનું સારી રીતે બનાવ્યું ન હોય કે માણસને બીજી સ્ત્રી વધારે સુંદર લાગતી હોય, તો તે પત્નીને છૂટાછેડા આપી શકતો.

તો પછી, ઈસુએ ફરોશીઓને કેવો જવાબ આપ્યો? તેમણે સાદા શબ્દોમાં કહ્યું: ‘વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છૂટાછેડા આપીને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.’—માથ્થી ૧૯:૬,. (wp16-E No. 4)