સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | તમે ક્યાંથી દિલાસો મેળવી શકો?

આપણને બધાને દિલાસાની જરૂર છે

આપણને બધાને દિલાસાની જરૂર છે

નાનપણમાં તમે પડી ગયા હો, એવો કોઈ કિસ્સો યાદ છે? કદાચ હાથમાં વાગ્યું હશે અથવા ઢીંચણ છોલાઈ ગયો હશે. તમને યાદ છે, મમ્મીએ આવીને શું કર્યું હતું? તેમણે તમારો જખમ સાફ કર્યો હશે અને પાટાપિંડી કરી આપી હશે. તમે રડતા હશો, પણ મમ્મીના પ્રેમાળ શબ્દોથી અને આલિંગનથી તમારું દર્દ ઓછું થઈ ગયું હશે. બાળપણમાં સહેલાઈથી એવી હૂંફ મળી રહેતી હતી.

પણ, મોટા થતા જઈએ તેમ જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે. મુશ્કેલીઓ વધતી જાય અને દિલાસો મળવાનું ઘટતું જાય. દુઃખની વાત છે કે મોટા થયા પછી, એવી સમસ્યાઓ આવે છે, જે પાટાપિંડી અને મમ્મીના આલિંગનથી જતી નથી. ચાલો, અમુક દાખલા જોઈએ.

  • શું તમે કદી નોકરી ગુમાવવાને કારણે હતાશ થઈ ગયા છો? જુલિયન નામના ભાઈને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા. તે ખૂબ ચિંતામાં પડી ગયા. તેમને થયું કે, ‘હું મારા કુટુંબની સંભાળ કઈ રીતે રાખીશ? મેં કંપનીમાં ઘણાં વર્ષો મહેનત કરી, તોપણ કેમ હવે હું તેઓને નકામો લાગુ છું?’

  • કદાચ તમારું લગ્નબંધન તૂટી જવાને કારણે તમે શોકમાં ડૂબી ગયા છો. રાકેલ નામના બહેન જણાવે છે: “૧૮ મહિના અગાઉ, અચાનક મારા પતિ મને છોડીને જતા રહ્યા. મારા પર દુઃખોનાં કાળાં વાદળો છવાઈ ગયાં. જાણે મારા દિલના ટૂકડે ટૂકડા થઈ ગયા હોય, એમ લાગતું હતું. શારીરિક અને માનસિક રીતે હું પીડા અનુભવતી હતી. મને ભાવિનો ડર લાગતો હતો.”

  • કદાચ તમને કોઈ એવી બીમારી છે, જેમાંથી સાજા થવાની શક્યતા ઓછી છે. તમને કદાચ પ્રાચીન સમયના માણસ અયૂબ જેવું લાગી શકે. તેમણે દુઃખી થઈને કહ્યું હતું: “મને કંટાળો આવે છે; હું હંમેશાં જીવવા ઇચ્છતો નથી.” (અયૂબ ૭:૧૬) લુઇસ નામના ભાઈ આશરે ૮૦ વર્ષના છે. કદાચ તેમના જેવી લાગણી તમને પણ થઈ હશે. તે કહે છે, ‘અમુક વાર મને લાગે છે કે બસ મોત આવે તો સારું.’

  • કદાચ સ્નેહીજનના મરણને કારણે તમને દિલાસો જોઈએ છે. રોબર્ટ નામના ભાઈ કહે છે: ‘અમારો દીકરો પ્લેન ક્રેશમાં મરણ પામ્યો. શરૂઆતમાં મને એ માનવામાં જ આવતું ન હતું. પણ પછી, જેમ શાસ્ત્ર જણાવે છે તેમ જાણે લાંબી તલવારે મને આરપાર વીંધી નાખ્યો હોય એટલી પીડા થઈ.’—લુક ૨:૩૫.

રોબર્ટ, લુઇસ, રાકેલ અને જુલિયનને મુશ્કેલ સંજોગો હોવા છતાં દિલાસો મળ્યો. એ દિલાસો તેઓને સૌથી ઉત્તમ વ્યક્તિ એટલે કે સર્વશક્તિમાન ઈશ્વર પાસેથી મળ્યો. ઈશ્વરે કઈ રીતે તેઓને દિલાસો આપ્યો? શું તે તમને જરૂરી દિલાસો આપશે? (wp16-E No. 5)