સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સરકારી કર્મચારીઓ સાથે કામ કરતી વખતે યહોવાના સેવકોએ બાઇબલથી કેળવાયેલા અંતઃકરણનો ઉપયોગ કરવો જોઈએ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

યહોવાના સેવકો શાના આધારે નક્કી કરી શકે કે, સરકારી કર્મચારીને ભેટ કે બક્ષિસ આપવી કે નહિ?

એ નક્કી કરવા ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડશે. યહોવાના સેવકો પ્રમાણિક હોવા જોઈએ. યહોવાનો નિયમ તૂટતો ન હોય ત્યારે, જે દેશમાં રહેતા હોય, ત્યાંના નિયમો પાળવા એ યહોવાના લોકોની જવાબદારી છે. (માથ. ૨૨:૨૧; રોમ. ૧૩:૧, ૨; હિબ્રૂ ૧૩:૧૮) તેઓ લોકોની લાગણીઓ અને રીતભાતને આદર આપે છે અને ‘પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કરે’ છે. (માથ. ૨૨:૩૯; રોમ. ૧૨:૧૭, ૧૮; ૧ થેસ્સા. ૪:૧૧, ૧૨) એ સિદ્ધાંતોને લાગુ પાડીને, દુનિયાના અલગ અલગ ભાગમાં રહેતા યહોવાના સેવકો નક્કી કરી શકે કે ભેટ અને બક્ષિસ આપવી કે નહિ.

અમુક દેશોમાં લોકોએ સરકારી કર્મચારીઓ પાસેથી પોતાના હકનું મેળવવા કંઈ આપવું પડતું નથી. સરકારી કર્મચારીઓને એ સેવા માટે સરકાર તરફથી પગાર આપવામાં આવે છે. તેથી, તેઓ બીજું કંઈ માંગતા નથી કે કોઈ અપેક્ષા રાખતા નથી. અમુક દેશોમાં, સરકારી કર્મચારીઓ પોતાની જવાબદારી બરાબર નિભાવતા હોય, તોપણ પોતાના કાર્ય માટે કંઈ લે કે કંઈ અપેક્ષા રાખે, એ ગેરકાયદેસર ગણાય છે. એ ભેટ મેળવીને તેઓ કંઈ ખોટું કરવાના ન હોય, તોપણ એવી ભેટ સ્વીકારવી એ લાંચ ગણાશે. આવા સંજોગોમાં, યહોવાના સેવકોએ ભેટ કે બક્ષિસ આપવી કે નહિ, એવો સવાલ જ ઊભો નથી થતો. આવી ભેટ આપવી ખોટું ગણાશે.

જોકે, અમુક દેશોમાં સરકારી કર્મચારીઓ માટે એવા કોઈ નિયમો હોતા નથી અથવા નિયમો હોય તો એને કડક રીતે પાળવામાં આવતા નથી. ત્યાંના કર્મચારીઓ પોતાના કામ પ્રત્યે યોગ્ય વલણ બતાવતા નથી. અમુક દેશોમાં, સરકારી કર્મચારીઓ પોતાની પદવીનો દુરુપયોગ કરે છે. કામ કરાવવા આવતા લોકો પાસે તેઓ પૈસા કે બીજી કોઈ વસ્તુની માગણી કરે છે. જો લોકો એ ન આપે, તો તેઓ કામ કરવા તૈયાર થતા જ નથી. કદાચ અમુક સરકારી કામો કરવાં કર્મચારીઓ બક્ષિસ માંગે છે. જેમ કે, લગ્નની નોંધણી કરાવવા, કર ભરવા કે બાંધકામની પરવાનગી મેળવવા. જો બક્ષિસ આપવામાં ન આવે, તો કર્મચારીઓ જાણીજોઈને અવરોધ ઊભા કરે છે. આમ, લોકોને કાયદેસરના હકનું મેળવવું પણ અઘરું થઈ પડે છે કે પછી મળતું જ નથી. એક દેશમાં એવું નોંધવામાં આવ્યું છે કે, અગ્નિશામક દળના માણસોને જ્યાં સુધી સારી એવી રકમ બક્ષિસ તરીકે આપવામાં ન આવે, ત્યાં સુધી તેઓ આગ હોલવતા નથી.

અમુક સમયે, પોતાના હકનું મેળવવા વ્યક્તિ કદાચ ભેટ આપે એ યોગ્ય કહેવાશે

આવી બક્ષિસ આપવી જ્યાં સામાન્ય છે, ત્યાં રહેતા અમુકનું માનવું છે કે બક્ષિસ આપ્યા વગર કામ કરાવવું અશક્ય છે. એવા સંજોગોમાં, એક ખ્રિસ્તી કદાચ વિચારે કે એ બક્ષિસ પોતાના હકનું મેળવવા માટે આપવી પડતી વધારાની ફી છે. પરંતુ, ઈશ્વરની નજરમાં શું યોગ્ય છે અને શું અયોગ્ય છે, એ તેણે ભૂલવું ન જોઈએ. પોતાના હકનું મેળવવા બક્ષિસ આપવી અને ગેરકાયદેસર કામ કરાવવા લાંચ આપવી એ બંનેમાં તો આભ-જમીનનો ફરક છે. ભ્રષ્ટાચારને લીધે અમુક લોકો હકદાર ન હોય એવી સેવા મેળવવા કર્મચારીઓને લાંચ આપે છે. અમુક લોકો દંડ ભરવાથી બચવા માટે પોલીસ કે સરકારી અધિકારીને લાંચ આપે છે. “લાંચ” લઈને પોતે ભ્રષ્ટ બનવું ખોટું છે, એ જ રીતે “લાંચ” આપીને લોકોને ભ્રષ્ટ કરવા પણ ખોટું છે. એ બંને કિસ્સાઓમાં ન્યાયને મચકોડવામાં આવે છે.—નિર્ગ. ૨૩:૮; પુન. ૧૬:૧૯; નીતિ. ૧૭:૨૩.

બાઇબલથી કેળવાયેલું અંત:કરણ હોવાથી યહોવાના મોટા ભાગના પરિપક્વ સેવકોને લાગે છે કે કર્મચારીઓએ માંગ કરેલી રકમ આપવી યોગ્ય નથી. તેઓને લાગે છે કે એવું કરવાથી તેઓ ભ્રષ્ટાચારને વધારે વેગ આપે છે. તેથી, તેઓ એવી કોઈ પણ માંગણીને નકારી કાઢે છે.

યહોવાના પરિપક્વ સેવકો જાણે છે કે ગેરકાયદેસર કામ કરાવવા માટે ભેટ આપવી એ લાંચ આપવા જેવું છે. સ્થાનિક સંજોગો કે લોકોની લાગણીને માન આપવા માટે અમુક લોકો કદાચ બક્ષિસ આપે છે. તેઓ માને છે કે પોતાના હકનું મેળવવા અથવા પોતાના કામમાં વિલંબ ન થાય એ માટે બક્ષિસ આપી શકે છે. અમુક કિસ્સામાં, સરકારી હૉસ્પિટલમાં કોઈ ફી વગર સારી સારવાર મળી હોવાથી યહોવાના કેટલાક લોકો ડૉક્ટરો અને નર્સોનો આભાર માનવા અમુક ભેટ આપે છે. સારવાર મેળવ્યા પછી તેઓ એ ભેટ આપે છે, જેથી સ્ટાફને એવું ન લાગે કે બીજાઓ કરતાં તેઓને સારી સારવાર મળે એ માટે તેઓ લાંચ આપી રહ્યા છે.

અલગ અલગ દેશોના બધા સંજોગો વિશે અહીં ચર્ચા કરવી શક્ય નથી. તેથી, સ્થાનિક સંજોગો ભલે ગમે તે હોય પણ યહોવાના ભક્તો એવો માર્ગ પસંદ કરશે, જેથી તેઓનું અંતઃકરણ ડંખે નહિ. (રોમ. ૧૪:૧-૬) તેઓએ ગેરકાયદેસર કામો ટાળવાં જોઈએ. (રોમ. ૧૩:૧-૭) તેઓ એવાં કોઈ કામ નહિ કરે, જેનાથી યહોવાનું નામ બદનામ થાય કે પછી કોઈ વ્યક્તિ ઠોકર ખાય. (માથ. ૬:૯; ૧ કોરીં. ૧૦:૩૨) ઉપરાંત, તેઓના નિર્ણયમાં પડોશી માટેનો પ્રેમ દેખાઈ આવવો જોઈએ.—માર્ક ૧૨:૩૧.

બહિષ્કૃત વ્યક્તિને મંડળમાં પાછી લેવાની જાહેરાત કરવામાં આવે ત્યારે મંડળ કઈ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી શકે?

લુકના ૧૫મા અધ્યાયમાં ઈસુએ એક અસરકારક ઉદાહરણ આપ્યું હતું. એ ઉદાહરણમાં ઈસુએ એક માણસ વિશે જણાવ્યું હતું, જેની પાસે ૧૦૦ ઘેટાં હતા. જ્યારે તેનું એક ઘેટું ખોવાયું ત્યારે નવ્વાણુંને અરણ્યમાં મૂકીને ‘ખોવાએલું જડે ત્યાં લગી તે એની શોધ’ કરવા નીકળી ગયો. ઈસુએ પછી જણાવ્યું: ‘એ તેને મળે છે, ત્યારે હર્ષથી તે એને પોતાના ખભા પર ચઢાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે, કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું એ મને મળ્યું છે.’ એ ઉદાહરણને અંતે ઈસુએ કહ્યું: “હું તમને કહું છું, કે એ જ રીતે જે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે.”—લુક ૧૫:૪-૭.

અહેવાલ જણાવે છે કે, ઈસુએ એ શબ્દો ફરોશીઓ અને શાસ્ત્રીઓના ખોટા વિચારો સુધારવા કહ્યા હતા. તેઓ ઈસુની ટીકા કરતા હતા, કારણ કે તે દાણીઓ અને પાપીઓ સાથે સંગત રાખતા હતા. (લુક ૧૫:૧-૩) ઈસુએ ભારપૂર્વક જણાવ્યું કે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે, સ્વર્ગમાં આનંદ છવાઈ જાય છે. આપણે આ સવાલ પર વિચાર કરી શકીએ: “એક પાપી પસ્તાવો કરીને સાચા રસ્તે આવે અને એનાથી જો સ્વર્ગમાં આનંદ છવાઈ જતો હોય, તો શું પૃથ્વી પર પણ ખુશી થવી ન જોઈએ?”—હિબ્રૂ. ૧૨:૧૩.

જ્યારે કોઈ બહિષ્કૃત વ્યક્તિને મંડળમાં પાછી લેવામાં આવે, ત્યારે આપણને ખુશી થાય છે. એ વ્યક્તિએ ઈશ્વર પ્રત્યે પોતાની વફાદારી જાળવી રાખવાની છે. પરંતુ, મંડળમાં પાછા ફરવા જરૂરી છે કે તે પસ્તાવો કરે. અને તેણે પસ્તાવો કર્યો છે એ જાણીને આપણને ખુશી થાય છે. તેથી, જ્યારે વડીલો જાહેર કરે કે કોઈ વ્યક્તિને મંડળમાં પાછી લેવામાં આવી છે, ત્યારે બની શકે કે ભાઈ-બહેનો પોતાની ખુશી વ્યક્ત કરવા માનપૂર્વક તાળીઓ પાડીને તેને વધાવી લે.