સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજ્યને શોધો, બીજી વસ્તુઓને નહિ

રાજ્યને શોધો, બીજી વસ્તુઓને નહિ

“તમે તેનું [ઈશ્વરનું] રાજ્ય શોધો, અને એ વાનાં પણ તમને આપવામાં આવશે.”—લુક ૧૨:૩૧.

ગીતો: ૪૦, ૪૪

૧. જરૂરિયાત અને ઇચ્છા વચ્ચે શો ફરક છે?

એવું કહેવાય છે કે મનુષ્યની જરૂરિયાત થોડી જ હોય છે, પણ તેની ઇચ્છાઓનો કોઈ પાર હોતો નથી. એમ લાગે છે કે મોટા ભાગના લોકોને જરૂરિયાત અને ઇચ્છા વચ્ચેનો ફરક ખબર નથી. “જરૂરિયાત” એવી વસ્તુઓને રજૂ કરે છે, જે જીવન જીવવા માટે જરૂરી છે. જેમ કે, ખોરાક, કપડાં અને મકાન. જ્યારે કે, “ઇચ્છા” એવી વસ્તુઓને દર્શાવે છે જે મેળવવાની આપણને તમન્ના તો છે, પણ રોજબરોજના જીવન માટે એની જરૂર હોતી નથી.

૨. એવી અમુક વસ્તુઓ કઈ છે, જેને મેળવવાની લોકો ઇચ્છા રાખે છે?

ગરીબ દેશમાં રહેતી વ્યક્તિ અને અમીર દેશમાં રહેતી વ્યક્તિની ઇચ્છા એકબીજાથી તદ્દન જુદી હોય શકે. અમુક દેશોમાં લોકો મોબાઇલ ફોન, બાઇક કે જમીનનો નાનો ટુકડો મેળવવાની ઇચ્છા રાખે છે. જ્યારે કે, બીજા દેશોમાં લોકો તિજોરી ભરીને મોંઘાં કપડાં, મોટો બંગલો અથવા મોંઘી ગાડીની ઇચ્છા રાખે છે. ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ અથવા આપણી પાસે ગમે તેટલા પૈસા હોય, આપણામાં વધુને વધુ મેળવવાની ઇચ્છા પેદા થઈ શકે છે. અને એ પણ એવી વસ્તુઓ માટે જેની આપણને જરૂર નથી અથવા પોસાતી નથી.

ધનદોલતનો મોહ, એક ફાંદો

૩. ધનદોલતનો મોહ એટલે શું?

ધનદોલતનો મોહ એટલે શું? એ એક એવું વલણ છે, જેના લીધે વ્યક્તિનું ધ્યાન ઈશ્વર સાથેના સંબંધને બદલે બીજી વસ્તુઓ મેળવવા પર વધારે હોય છે. તે પોતાની જરૂરિયાત પૂરી કરીને સંતોષ પામતી નથી, પણ હંમેશાં વધુને વધુ વસ્તુઓ મેળવવા ચાહે છે. અરે, જેઓ પાસે બહુ પૈસા નથી અથવા મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદી શકતા નથી, તેઓમાં પણ ધનદોલતનો મોહ આવી શકે. તેઓ કદાચ ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખવાનું છોડી દઈ શકે.—હિબ્રૂ ૧૩:૫.

૪. શેતાન કઈ રીતે “આંખોની લાલસા”નો ઉપયોગ કરે છે?

શેતાન આપણા દિલમાં એવું ઠસાવવા ચાહે છે કે, જો આપણી પાસે બહુ બધી વસ્તુઓ હશે, તો જ આપણે જીવનનો આનંદ માણી શકીશું. તેથી, તે આ દુનિયા અને “આંખોની લાલસા”નો ઉપયોગ કરીને આપણા મનમાં વધારે મેળવવાની ઇચ્છા જગાડવાનો પ્રયત્ન કરે છે. (૧ યોહા. ૨:૧૫-૧૭; ઉત. ૩:૬; નીતિ. ૨૭:૨૦) આપણે સતત એવી જાહેરાતો સાંભળીએ છીએ અને જોઈએ છીએ, જે આપણને નવી વસ્તુઓ ખરીદવા લલચાવે છે. શું તમે ક્યારેય કોઈ વસ્તુ એટલા માટે ખરીદી હતી, કારણ કે તમને એ જોવામાં બહુ આકર્ષક લાગી હતી અથવા તમે એની જાહેરાત જોઈ હતી? જો એમ હોય, તો કદાચ પછીથી તમને અહેસાસ થયો હશે કે એ વસ્તુની તમને ખરેખર જરૂર ન હતી. જો આપણે બિનજરૂરી ચીજો ખરીદ્યા કરીશું, તો આપણું જીવન અઘરું બની જશે. એનાથી, આપણી પાસે બાઇબલનો અભ્યાસ કરવા, સભાઓની તૈયારી કરવા તેમજ સભામાં અને પ્રચારમાં નિયમિત જવા પૂરતો સમય નહિ રહે. આમ, એવી વસ્તુઓ યહોવાની સેવામાંથી આપણું ધ્યાન ફંટાવી શકે છે. તેથી, પ્રેરિત યોહાનની આ ચેતવણી યાદ રાખો: “જગત તથા તેની લાલસા જતાં રહે છે.”

૫. જેઓ પોતાની શક્તિ ઘણી બધી વસ્તુઓ મેળવવા માટે વાપરે છે, તેઓ સાથે શું થઈ શકે?

શેતાન ચાહે છે કે આપણે આપણો સમય અને શક્તિ યહોવા માટે નહિ, પણ વધુને વધુ વસ્તુઓ મેળવવા પાછળ વાપરીએ. (માથ. ૬:૨૪) પણ, જો આપણે ઘણી બધી વસ્તુઓ મેળવવાની ઇચ્છા રાખીશું, તો આપણા જીવનનો કોઈ હેતુ નહિ રહે. આપણે હતાશ થઈ જઈ શકીએ અથવા પૈસાની તંગી પડી શકે. એનાથી પણ ખરાબ તો એ કે, યહોવા અને તેમના રાજ્ય પરની આપણી શ્રદ્ધા નબળી પડી જઈ શકે. (૧ તીમો. ૬:૯, ૧૦; પ્રકટી. ૩:૧૭) ઈસુએ કહ્યું હતું કે, “બીજી વસ્તુઓનો લોભ” એવા કાંટા જેવો છે, જે બીને વધતા અને ફળ આપતા અટકાવે છે.—માર્ક ૪:૧૪, ૧૮, ૧૯.

૬. બારૂખના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

પ્રબોધક યિર્મેયાના મદદનીશ બારૂખનો જરા વિચાર કરો. બારૂખ જ્યારે પોતાને માટે ‘મહત્તા શોધવા’ લાગ્યા, ત્યારે યહોવાએ તેમને યાદ અપાવ્યું કે બહુ જલદી યરૂશાલેમનો વિનાશ કરવામાં આવશે. પણ તેમણે બારૂખને વચન આપ્યું કે, તે બારૂખનો જીવ બચાવશે. (યિર્મે. ૪૫:૧-૫) એથી વિશેષ અપેક્ષા રાખવી બારૂખ માટે યોગ્ય ન હતી. કારણ કે, યહોવા કંઈ લોકોની માલમિલકત બચાવવાના ન હતા. (યિર્મે. ૨૦:૫) આજે, આપણે શેતાનની દુનિયાના અંત ભાગમાં જીવી રહ્યા છીએ. તેથી, પોતાના માટે વધુને વધુ વસ્તુઓ મેળવવાનો આ સમય નથી. આપણે એવી અપેક્ષા રાખવી ન જોઈએ કે, એ બધું મહાન વિપત્તિ પછી પણ આપણી પાસે રહેશે. પછી, ભલેને એ વસ્તુઓ આપણા માટે ગમે તેટલી કીમતી કેમ ન હોય!—નીતિ. ૧૧:૪; માથ. ૨૪:૨૧, ૨૨; લુક ૧૨:૧૫.

૭. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું અને શા માટે?

પોતાની અને કુટુંબની કાળજી રાખવાની સાથે સાથે, આપણે કઈ રીતે સૌથી મહત્ત્વની બાબત પર ધ્યાન રાખી શકીએ? આપણે કઈ રીતે ધનદોલતના મોહથી દૂર રહી શકીએ? આપણી જરૂરિયાત વિશે વધુ પડતી ચિંતા ન કરવા આપણને ક્યાંથી મદદ મળશે? પહાડ પરના ઉપદેશમાં ઈસુએ એ વિશે આપણને સૌથી સરસ સલાહ આપી હતી. (માથ. ૬:૧૯-૨૧) ચાલો, આપણે માથ્થી ૬:૨૫-૩૪ વાંચીએ અને એની ચર્ચા કરીએ. એનાથી આપણને ખાતરી મળશે કે આપણે રાજ્યની શોધ કરતા રહેવું જોઈએ, બીજી વસ્તુઓની નહિ.—લુક ૧૨:૩૧.

યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડે છે

૮, ૯. (ક) શા માટે આપણી જરૂરિયાતો વિશે વધુ પડતી ચિંતા ન કરવી જોઈએ? (ખ) માણસો અને તેઓની જરૂરિયાતો વિશે ઈસુ શું જાણતા હતા?

માથ્થી ૬:૨૫ વાંચો. ઈસુના શિષ્યોને ચિંતા હતી કે, તેઓ શું ખાશે, શું પીશે અને શું પહેરશે. એ વિશે ઈસુ જાણતા હતા. તેથી, પહાડ પરના ઉપદેશમાં તેમણે કહ્યું કે, “તમારા જીવને માટે ચિંતા ન કરો.” ઈસુ તેઓને એ સમજાવવા ચાહતા હતા કે તેઓએ એ બધી બાબતો વિશે શા માટે ચિંતા કરવી ન જોઈએ. તે જાણતા હતા કે, જો શિષ્યો જરૂરી ચીજવસ્તુઓની પણ વધુ પડતી ચિંતા કરશે, તો જે વધારે મહત્ત્વનું છે એ પરથી તેઓનું ધ્યાન ફંટાઈ જશે. ઈસુ પોતાના શિષ્યોની ખૂબ કાળજી રાખતા હતા. તેથી, તેમણે પહાડ પરના ઉપદેશમાં ચાર વખત એ જોખમ વિશે ચેતવણી આપી હતી.—માથ. ૬:૨૭, ૨૮, ૩૧, ૩૪.

પરંતુ, આપણે શું ખાઈશું, શું પીશું કે શું પહેરીશું એ વિશે ઈસુએ શા માટે ચિંતા કરવાની ના પાડી છે? શું આપણને ખોરાક અને કપડાંની જરૂર પડતી નથી? ચોક્કસ પડે છે. અને જો આપણી પાસે એ ખરીદવા પૂરતા પૈસા ન હોય, તો આપણને ચિંતા થાય એ સ્વાભાવિક છે. મનુષ્યની એ લાગણી ઈસુ સારી રીતે સમજતા હતા. લોકોને શાની જરૂર છે એની પણ ઈસુને ખબર હતી. તે એ પણ જાણતા હતા કે, “છેલ્લા સમયમાં” તેમના શિષ્યોએ કપરા સંજોગોમાં જીવવું પડશે. (૨ તીમો. ૩:૧) અને એ હકીકત છે કે, આજે મોટા ભાગના લોકોને નોકરી મળતી નથી અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ઘણી જગ્યાઓએ લોકો એટલા ગરીબ છે કે, તેઓને ખાવાના સાંસા પડે છે. પરંતુ, ઈસુ એ પણ જાણતા હતા કે વ્યક્તિનો ‘જીવ ખોરાક કરતાં, ને શરીર કપડાં કરતાં અધિક’ છે.

૧૦. કઈ બાબત સૌથી મહત્ત્વની છે, એ વિશે ઈસુએ શિષ્યોને શું કહ્યું હતું?

૧૦ અગાઉ ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું હતું કે, પ્રાર્થના કરે ત્યારે તેઓએ પોતાની જરૂરિયાતો માટે આકાશમાંના પિતા પાસે માંગવું જોઈએ. તેઓ આ પ્રમાણે પ્રાર્થના કરી શકતા હતા: ‘દિવસની અમારી રોટલી આજ અમને આપો.’ (માથ. ૬:૧૧) બીજા એક પ્રસંગે ઈસુએ તેઓને આમ પ્રાર્થના કરવાનું જણાવ્યું: ‘દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપો.’ (લુક ૧૧:૩) પણ એનો અર્થ એવો થતો નથી કે, આપણી જરૂરિયાતો વિશે આપણે સતત વિચાર્યા કરવું જોઈએ. હકીકતમાં ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું કે, પોતાની જરૂરિયાતો કરતાં ઈશ્વરનું રાજ્ય આવે એ માટે પ્રાર્થના કરવી વધારે મહત્ત્વનું છે. (માથ. ૬:૧૦; લુક ૧૧:૨) શિષ્યો ચિંતામાં ડૂબી ન જાય એ માટે ઈસુએ તેઓને યાદ અપાવ્યું કે યહોવા પોતાની દરેક સૃષ્ટિની સંભાળ રાખે છે. એ શબ્દોથી શિષ્યોને ચોક્કસ દિલાસો મળ્યો હશે!

૧૧, ૧૨. યહોવા આકાશનાં પક્ષીઓની જે રીતે કાળજી રાખે છે, એમાંથી આપણને શું શીખવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૧ માથ્થી ૬:૨૬ વાંચો. ‘આકાશનાં પક્ષીઓનો’ વિચાર કરીએ. કદમાં નાના હોવા છતાં તેઓ ઘણું ખાય છે. જો પક્ષીઓ માણસો જેટલા મોટા હોત, તો તેઓને માણસો કરતાં વધારે ખોરાકની જરૂર પડત. તેઓ ફળ, બી, જીવડાં, અળસિયાં અને ઇયળો ખાય છે. પણ, ખોરાક મેળવવા તેઓને બી વાવવાની કે કાપણી કરવાની જરૂર પડતી નથી. યહોવા તેઓની જરૂરિયાતો પૂરી કરે છે. (ગીત. ૧૪૭:૯) તેમણે આખી ધરતી પર પુષ્કળ ખોરાક પ્રાપ્ય બનાવ્યો છે. જોકે, તે પક્ષીઓની ચાંચમાં ખોરાક મૂકતા નથી, એને શોધવા તેઓએ મહેનત કરવી પડે છે.

૧૨ ઈસુને ખાતરી હતી કે, જો પિતા બધાં પક્ષીઓની કાળજી લે છે, તો માણસોની કાળજી ચોક્કસ લેશે. [1] (૧ પીત. ૫:૬, ૭) ખરું કે, પક્ષીઓની જેમ આપણે મહેનતુ બનવાની જરૂર છે, આળસુ નહિ. યહોવા કંઈ આપણા મોઢામાં કોળિયો નહિ મૂકે. પણ, અનાજને ઉગાડવા અથવા એને ખરીદવા પૈસા કમાવવા આપણે મહેનત કરવી પડશે. અને યહોવાના આશીર્વાદથી આપણી મહેનત રંગ લાવશે. જ્યારે આપણી પાસે પૂરતા પૈસા કે ખોરાક નહિ હોય, ત્યારે પણ તે આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે. જરૂર પડે ત્યારે, આપણને મદદ કરવા તે બીજાઓને પ્રેરશે, જેથી તેઓ તેમની વસ્તુઓમાંથી આપણને આપે. યહોવાએ પક્ષીઓને રહેવા માટે ઘર પૂરું પાડ્યું છે. માળો બાંધવા યહોવાએ પક્ષીઓને આવડત આપી છે અને જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડી છે. એવી જ રીતે, યહોવા આપણા કુટુંબને રહેવા માટે યોગ્ય જગ્યા પણ પૂરી પાડશે.

૧૩. આકાશનાં પક્ષીઓ કરતાં આપણે અધિક છીએ એવું શાના આધારે કહી શકાય?

૧૩ ઈસુએ શિષ્યોને યાદ અપાવ્યું કે, યહોવા પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે. એ પછી, તેમણે શિષ્યોને પૂછ્યું: “તેઓ કરતાં તમે અધિક નથી શું?” (વધુ માહિતી: લુક ૧૨:૬, ૭) એવું કહ્યું ત્યારે ઈસુના મનમાં ચોક્કસ એ વાત ચાલતી હશે કે તે બહુ જલદી જ બધા માણસો માટે પોતાનું જીવન બલિદાન કરવાના છે. ઈસુએ પક્ષીઓ કે પ્રાણીઓ માટે પોતાનું જીવન આપ્યું ન હતું. એને બદલે, તે આપણા માટે મરણ પામ્યા હતા, જેથી આપણે હંમેશ માટે જીવી શકીએ.—માથ. ૨૦:૨૮.

૧૪. ચિંતા કરવાથી મનુષ્યો શું કરી શકતા નથી?

૧૪ માથ્થી ૬:૨૭ વાંચો. ચિંતા કરવાથી કોઈ પોતાના કદને એક હાથભર પણ વધારી શકતું નથી, એ શબ્દો દ્વારા ઈસુ શું કહેવા માંગતા હતા? એ જ કે, આપણી જરૂરિયાતો વિશે ચિંતા કરવાથી આપણે પોતાનું જીવન લંબાવી શકતા નથી. હકીકતમાં તો, વધુ પડતી ચિંતાને કારણે આપણે બીમાર પડી શકીએ કે જીવન પણ ગુમાવી શકીએ!

૧૫, ૧૬. (ક) યહોવા ખેતરનાં ફૂલઝાડની જે રીતે કાળજી લે છે, એમાંથી આપણને શું શીખવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ અને શા માટે?

૧૫ માથ્થી ૬:૨૮-૩૦ વાંચો. આપણી પાસે પહેરવા માટે સરસ કપડાં હોય ત્યારે, આપણને ઘણી ખુશી થાય છે. ખાસ કરીને આપણે પ્રચારમાં, સભામાં કે સંમેલનમાં જઈએ છીએ ત્યારે. પરંતુ, શું આપણે ‘કપડાં માટે ચિંતા’ કરવી જોઈએ? ફરી એક વાર ઈસુએ પોતાના શિષ્યોને યાદ અપાવ્યું કે, યહોવા પોતાની દરેક સૃષ્ટિની કઈ રીતે કાળજી રાખે છે. એ સમજાવવા ઈસુએ “ખેતરનાં ફૂલઝાડોનો” દાખલો આપ્યો. એમાંથી કોઈએ પોતાના માટે કપડાં સીવવા પડતા નથી. તેમ છતાં, ઈસુએ કહ્યું કે એ એટલા સુંદર છે કે, “સુલેમાન પણ પોતાના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.”

૧૬ એ પછી ઈસુએ શું કહ્યું એનો વિચાર કરો. તેમણે કહ્યું: ‘એ માટે ખેતરના ઘાસને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે?’ ચોક્કસ તે પહેરાવશે. પણ, ઈસુના શિષ્યોએ વધારે શ્રદ્ધા રાખવાની જરૂર હતી. (માથ. ૮:૨૬; ૧૪:૩૧; ૧૬:૮; ૧૭:૨૦) તેઓએ એવો ભરોસો રાખવાનો હતો કે, યહોવા તેઓની સંભાળ રાખવા ચાહે છે અને તે ચોક્કસ એવું કરશે. આપણા વિશે શું? શું આપણને એવો ભરોસો છે કે, યહોવા આપણી કાળજી લેશે?

૧૭. કઈ બાબત યહોવા સાથેના આપણા સંબંધને જોખમમાં મૂકી શકે છે?

૧૭ માથ્થી ૬:૩૧, ૩૨ વાંચો. યહોવાને ઓળખતા નથી એવા ઘણા લોકો ઢગલો પૈસા કમાવવા અને વસ્તુઓ મેળવવાને વધુ મહત્ત્વ આપે છે. પણ, જો આપણે એવું કરીશું, તો યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં મુકાશે. આપણે જાણીએ છીએ કે યહોવા આપણા પિતા છે અને તે આપણને પ્રેમ કરે છે. અને આપણને ભરોસો છે કે, જો તેમની આજ્ઞાઓ પાળીશું અને રાજ્યને જીવનમાં પ્રથમ મૂકીશું, તો તે આપણી બધી જરૂરિયાતો પૂરી પાડશે. અરે, એથી પણ વિશેષ કરશે. આપણે એ પણ સમજીએ છીએ કે, યહોવા સાથે સારો સંબંધ રાખવાથી આપણને સાચી ખુશી મળશે. તેમ જ, આપણી જરૂરિયાત પ્રમાણે જે “અન્નવસ્ત્ર” મળે છે, એનાથી સંતુષ્ટ રહેવા મદદ મળશે.—૧ તીમો. ૬:૬-૮.

શું તમારા જીવનમાં ઈશ્વરનું રાજ્ય પ્રથમ સ્થાને છે?

૧૮. આપણા દરેક વિશે યહોવા શું જાણે છે અને તે આપણા માટે શું કરશે?

૧૮ માથ્થી ૬:૩૩ વાંચો. જો આપણે રાજ્યને જીવનમાં પ્રથમ મૂકીશું, તો યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડશે. ઈસુએ સમજાવ્યું કે શા માટે એ વચન પર ભરોસો રાખવાની જરૂર છે. તેમણે કહ્યું: ‘તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે.’ (ફિલિ. ૪:૧૯) કોઈ વસ્તુની આપણને જરૂર છે એવો આપણને અહેસાસ થાય એના પહેલાં યહોવાને એની જાણ હોય છે. તે જાણે છે કે આપણું કયું કપડું હવે ફાટવાની તૈયારીમાં છે. તે એ પણ જાણે છે કે તમને કયા ખોરાકની જરૂર પડશે. તેમને એ પણ ખબર છે કે, તમને અને તમારા કુટુંબને રહેવા માટે જગ્યાની જરૂર છે. યહોવા ખાતરી કરશે કે, આપણને જેની ખરેખર જરૂર છે એ વસ્તુ આપણને મળી રહે.

૧૯. ભાવિ વિશે શા માટે વધુ પડતી ચિંતા ન કરવી જોઈએ?

૧૯ માથ્થી ૬:૩૪ વાંચો. ફરી એક વાર ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, ક્યારેય “ચિંતા ન કરો.” યહોવા દરરોજની આપણી જરૂરિયાતો પૂરી પાડશે. તેથી, ભાવિમાં શું થશે એ વિશે વધુ પડતી ચિંતા કરવાની જરૂર નથી. જો ચિંતા કર્યા કરીશું, તો આપણે પોતાના પર ભરોસો રાખવા લાગી જઈશું અને એનાથી યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં મુકાશે. સારું રહેશે કે, આપણે યહોવા પર પૂરેપૂરો ભરોસો રાખીએ.—નીતિ. ૩:૫, ૬; ફિલિ. ૪:૬, ૭.

રાજ્યને પ્રથમ શોધતા રહો અને યહોવા તમારી કાળજી રાખશે

રાજ્યને પ્રથમ રાખવા શું તમે તમારું જીવન સાદું બનાવી શકો? (ફકરો ૨૦ જુઓ)

૨૦. (ક) યહોવાની સેવામાં તમે કયો ધ્યેય રાખી શકો? (ખ) જીવન સાદું બનાવવા તમે શું કરી શકો?

૨૦ જો આપણે વધુ વસ્તુઓ મેળવવા માટે આપણી શક્તિ વેડફી નાખીશું, તો યહોવાની સેવા કરવા માટે આપણી પાસે પૂરતી શક્તિ નહિ હોય. એ કેટલા અફસોસની વાત કહેવાશે! આપણે યહોવાને સૌથી શ્રેષ્ઠ આપવું જોઈએ. જેમ કે, શું તમે પ્રકાશકોની વધુ જરૂર હોય એવા મંડળમાં મદદ આપવા જઈ શકો? શું તમે પાયોનિયરીંગ કરી શકો? જો તમે પાયોનિયર હો, તો રાજ્ય પ્રચારકો માટે શાળામાં જવાનું વિચાર્યું છે? શું તમે અઠવાડિયાના અમુક દિવસો બેથેલ કે ભાષાંતર કેન્દ્રમાં સેવા આપી શકો? કદાચ તમે લોકલ ડિઝાઈન/કન્સ્ટ્રક્શન વૉલન્ટિયર બની શકો અને રાજ્યગૃહ બાંધકામમાં મદદ કરી શકો. વિચારો કે, જીવનને હજી વધુ સાદું બનાવવા તમે શું કરી શકો, જેથી રાજ્યનાં કામ કરવા માટે તમારી પાસે વધુ સમય અને શક્તિ હોય. “ જીવન કઈ રીતે સાદું બનાવવું” બૉક્સમાં અમુક સૂચનો આપવામાં આવ્યાં છે. તમારે શું કરવું જોઈએ એ નક્કી કરવા પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગો. પછી, એ મુજબ જરૂરી ફેરફારો કરવાનું શરૂ કરો.

૨૧. યહોવાની નજીક જવા આપણને શું મદદ કરશે?

૨૧ ઈસુએ આપણને રાજ્યને પ્રથમ શોધતા રહેવાનું શીખવ્યું છે. એવું કરીએ છીએ ત્યારે આપણી જરૂરિયાતો માટે વધુ પડતી ચિંતા કરવાથી દૂર રહીએ છીએ. આપણે યહોવાની વધુ નજીક જઈ શકીએ છીએ, કારણ કે આપણે ભરોસો રાખીએ છીએ કે તે આપણી કાળજી રાખશે. આપણે પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખવાનું શીખીશું. એનાથી, આપણને ગમી જાય એવી દરેક વસ્તુઓ અથવા દુનિયામાં જે છે એ બધું ખરીદવા લલચાઈશું નહિ. પછી ભલેને આપણને એ પોસાતું કેમ ન હોય. જો આપણે જીવન સાદું રાખીશું, તો યહોવાને વફાદાર રહેવા અને તેમણે વચન આપ્યું છે એ “ખરેખરું જીવન” મેળવવા મદદ મળશે.—૧ તીમો. ૬:૧૯.

^ [૧] (ફકરો ૧૨) યહોવાના અમુક ભક્તોને કોઈક વાર પૂરતું ખાવાનું મળતું નથી. યહોવા એવું શા માટે થવા દે છે, એ સમજવા સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ, પાન ૨૨ પરનો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”