સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજા દેશમાં સેવા આપતી વખતે તમારી શ્રદ્ધા જાળવી રાખો

બીજા દેશમાં સેવા આપતી વખતે તમારી શ્રદ્ધા જાળવી રાખો

“મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે.”—ગીત. ૧૧૯:૧૧.

ગીતો: ૧૪૨, ૪૭

૧-૩. (ક) આપણા જીવનમાં કઈ બાબતને મહત્ત્વ આપવું જોઈએ? (ખ) નવી ભાષા શીખતા લોકો કયા પડકારોનો સામનો કરે છે અને એનાથી કયા સવાલો ઊભા થાય છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

મોટા ભાગના યહોવાના સાક્ષીઓ આજે પ્રચારકામમાં વ્યસ્ત છે. એમ કરીને તેઓ “દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાને” ખુશખબર જણાવવાની ભવિષ્યવાણી પૂરી કરી રહ્યા છે. (પ્રકટી. ૧૪:૬) ખુશખબર ફેલાવવા શું તમે પણ નવી ભાષા શીખી રહ્યા છો? અમુક ભાઈ-બહેનો મિશનરી તરીકે અથવા જ્યાં પ્રચારકોની વધુ જરૂર છે, એવા વિસ્તારોમાં સેવા આપે છે. બીજા અમુકે પોતાના વતનમાં જ બીજી ભાષા બોલતા મંડળમાં જવાનું શરૂ કરી દીધું છે.

દરેક ઈશ્વરભક્તે પોતાની અને કુટુંબની ભક્તિને લગતી જરૂરિયાતોને મહત્ત્વ આપવું જોઈએ. (માથ. ૫:૩) ખરું કે, અમુક વખતે આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ કે, વ્યક્તિગત અભ્યાસમાંથી પૂરો ફાયદો નથી ઉઠાવી શકતા. પરંતુ, જેઓ બીજી ભાષા બોલતા મંડળમાં સેવા આપે છે, તેઓને બીજા અનેક પડકારોનો સામનો કરવો પડે છે.

બીજી ભાષાના મંડળોમાં સેવા આપતાં ભાઈ-બહેનોએ નવી ભાષા શીખવાની હોય છે. તેમ જ, તેઓએ ઈશ્વરના ઊંડા વિચારો જાણવા નિયમિત રીતે અભ્યાસ પણ કરવાનો હોય છે. (૧ કોરીં. ૨:૧૦) તેથી સવાલ થાય કે, મંડળમાં જે શીખવવામાં આવે છે એ જો તેઓ સમજી જ ન શકતા હોય, તો તેઓ કઈ રીતે એ કરી શકે? તેમ જ, બીજી ભાષાના મંડળમાં સેવા આપતાં માતા-પિતાએ શા માટે ખાતરી કરવી જોઈએ કે સત્ય બાળકોના દિલને અસર કરે છે?

યહોવા સાથેની મિત્રતામાં તિરાડ પાડતું જોખમ

૪. કઈ બાબત યહોવા સાથેની આપણી મિત્રતામાં તિરાડ પાડી શકે? એક દાખલો આપો.

જો આપણે બીજી ભાષામાં બાઇબલનું શિક્ષણ સમજી ન શકીએ, તો એક મોટું જોખમ રહેલું છે. એનાથી, યહોવા સાથેની મિત્રતામાં તિરાડ પડી શકે છે. નહેમ્યાના સમયનો વિચાર કરો. તે જ્યારે યરૂશાલેમ પાછા આવ્યા, ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે અમુક બાળકો હિબ્રૂ ભાષા બોલી શકતા નથી. (નહેમ્યા ૧૩:૨૩, ૨૪ વાંચો.) હિબ્રૂ ભાષા આવડતી ન હોવાને લીધે તે બાળકો શાસ્ત્ર સમજી શકતા ન હતા. એટલે, યહોવા અને તેમના લોકો સાથેનો તેઓનો સંબંધ નબળો પડી ગયો હતો.—નહે. ૮:૨,.

૫, ૬. બીજી ભાષાના મંડળમાં સેવા આપતાં અમુક માતા-પિતાના ધ્યાનમાં કઈ મુશ્કેલી આવી છે? એ મુશ્કેલી પાછળનું કારણ શું છે?

બીજી ભાષાના મંડળમાં સેવા આપતાં અમુક માતા-પિતાના ધ્યાન પર એક મુશ્કેલી આવી છે. તેઓનાં બાળકોનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી રહ્યો છે. કારણ કે, મંડળમાં જે શીખવવામાં આવે છે, એને બાળકો પૂરી રીતે સમજી શકતા નથી. એને લીધે, એ માહિતી તેઓના દિલ પર અસર કરતી નથી. પેડ્રો [1] નામના ભાઈ અને તેમનું કુટુંબ દક્ષિણ અમેરિકાથી ઑસ્ટ્રેલિયા રહેવા ગયું છે. ભાઈ જણાવે છે: ‘ભક્તિને લગતી બાબતોની વાત આવે ત્યારે, જરૂરી છે કે એમાં દિલ અને લાગણીઓ જોડાયેલાં હોય.’—લુક ૨૪:૩૨.

પોતાની ભાષામાં કંઈ વાંચીએ ત્યારે, એ આપણા દિલમાં ઊતરી જાય છે. જ્યારે કે, બીજી ભાષામાં વાંચીએ ત્યારે, એમ થતું નથી. ઉપરાંત, બીજી ભાષામાં વાતચીત કરવી અઘરું હોય છે. બની શકે કે, આપણે એટલા કંટાળી જઈએ કે યહોવા સાથેની મિત્રતા પર એની ખરાબ અસર પડે. તેથી, બીજી ભાષાના મંડળમાં સેવા કરવા મન મક્કમ રાખીએ તેમ, એનું પણ ધ્યાન રાખીએ કે યહોવા સાથેની મિત્રતામાં તિરાડ ન પડે.—માથ. ૪:૪.

તેઓએ યહોવા સાથેની મિત્રતામાં તિરાડ પડવા દીધી નહિ

૭. બાબેલોનીઓએ કઈ રીતે દાનીયેલને તેઓની સંસ્કૃતિ અને ધર્મ અપનાવવા દબાણ કર્યું?

દાનીયેલ અને તેમના મિત્રોને બાબેલોનમાં બંદી બનાવવામાં આવ્યા હતા. બાબેલોનીઓએ તેઓ પર ત્યાંની સંસ્કૃતિ અને ધર્મને અપનાવવાનું દબાણ કર્યું. આપણે કઈ રીતે એમ કહી શકીએ? બાબેલોનના લોકોએ એ યુવાનોને “ખાલદીઓની વિદ્યા” શીખવી અને તેઓને બાબેલોની નામ આપ્યાં. (દાની. ૧:૩-૭) દાનીયેલનું નવું નામ બેલ પરથી હતું, જે બાબેલોનનો મુખ્ય દેવ હતો. કદાચ રાજા નબૂખાદનેસ્સાર દાનીયેલના મનમાં એવું ઠસાવવા ચાહતો હતો કે, બાબેલોનનો દેવ તો દાનીયેલના ઈશ્વર, યહોવા કરતાં વધારે શક્તિશાળી છે.—દાની. ૪:૮.

૮. દાનીયેલે કઈ રીતે યહોવા સાથેની મિત્રતાને મજબૂત રાખી?

બાબેલોનમાં દાનીયેલને રાજાનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. પરંતુ, તેમણે “પોતાના મનમાં ઠરાવ કર્યો” હતો કે તે યહોવાનો નિયમ તોડશે નહિ. (દાની. ૧:૮) તે “પવિત્ર શાસ્ત્ર”માંથી અભ્યાસ કરતા રહ્યા, જે હિબ્રૂ ભાષામાં હતું. (દાની. ૯:૨) આમ, વિદેશમાં હોવા છતાં તેમણે યહોવા સાથેની મિત્રતાને મજબૂત રાખી. અરે, બાબેલોનમાં આવ્યાને ૭૦ વર્ષો પછી પણ તે પોતાના હિબ્રૂ નામ “દાનીયેલ”થી ઓળખાતા હતા.—દાની. ૫:૧૩.

૯. ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખક પર યહોવાના વચનોની કેવી અસર થઈ હતી?

ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખકને યહોવાના વચનોમાંથી હિંમત મળી અને તે બીજા લોકો કરતાં અલગ તરી આવ્યા. રાજાના દરબારના અમુક સભ્યો તેમનો વિરોધ કરતા હતા, અને તેમણે એ લોકોના તીખા વેણને લીધે ઘણું સહન કરવું પડ્યું. (ગીત. ૧૧૯:૨૩, ૬૧) તેમ છતાં, તે લાગણીઓમાં તણાઈ ન ગયા, પણ યહોવાનાં વચનોને પોતાના દિલમાં ઉતાર્યાં.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧, ૪૬ વાંચો.

યહોવા સાથેની મિત્રતાને ગાઢ બનાવો

૧૦, ૧૧. (ક) બાઇબલનો અભ્યાસ કરતી વખતે આપણો ધ્યેય શો હોવો જોઈએ? (ખ) આપણે કઈ રીતે પોતાના ધ્યેયને પહોંચી વળી શકીએ? દાખલો આપીને સમજાવો.

૧૦ ખરું કે, આપણે મંડળની કે નોકરી-ધંધાની જવાબદારીને લીધે ઘણા વ્યસ્ત હોઈએ છીએ. પરંતુ, આપણે બધાએ વ્યક્તિગત અભ્યાસ અને કુટુંબ તરીકેની ભક્તિ માટે સમય કાઢવાની જરૂર છે. (એફે. ૫:૧૫, ૧૬) આપણો ધ્યેય ફક્ત અમુક પાનાં વાંચવાનો કે સભામાં જવાબ આપવા તૈયારી કરવાનો જ ન હોવો જોઈએ. આપણો ધ્યેય તો એ હોવો જોઈએ કે, ઈશ્વરનો શબ્દ આપણા દિલને અસર કરે અને આપણી શ્રદ્ધા મજબૂત કરે.

૧૧ એ ધ્યેયને પહોંચી વળવા આપણે સમતોલ રહેવાની જરૂર છે. અભ્યાસ કરીએ ત્યારે, આપણે ફક્ત બીજાઓની જરૂરિયાતો વિશે જ નહિ, પરંતુ પોતાની જરૂરિયાતો વિશે પણ વિચારવાની જરૂર છે. (ફિલિ. ૧:૯, ૧૦) આપણને એ અહેસાસ હોવો જોઈએ કે પ્રચાર, સભા કે પ્રવચન માટે તૈયારી કરીએ છીએ ત્યારે, મોટા ભાગે એ માહિતીને પોતાના પર લાગુ પાડતા નથી. એ સમજવા ચાલો રસોઈયાનો દાખલો જોઈએ. બીજાઓ આગળ ખોરાક પીરસતા પહેલાં તેણે એ ચાખવો પડે છે. પણ, તે ફક્ત ખોરાક ચાખીને જ જીવી ન શકે. જો તે તંદુરસ્ત રહેવા માંગતો હોય, તો તેણે નિયમિત રીતે પૌષ્ટિક ખોરાક લેવો પડશે. એવી જ રીતે, જો યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવો હોય, તો આપણે નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવો પડશે. ઊંડો અભ્યાસ ભારે ખોરાક જેવો છે, જે ભક્તિને લગતી આપણી ભૂખ મિટાવશે.

૧૨, ૧૩. અમુકને શા માટે માતૃભાષામાં બાઇબલ અભ્યાસ કરવો ફાયદાકારક લાગે છે?

૧૨ બીજી ભાષાના મંડળમાં સેવા આપતાં ઘણાં ભાઈ-બહેનોને લાગે છે કે, “માતૃભાષા”માં નિયમિત રીતે બાઇબલ અભ્યાસ કરવાથી ઘણો ફાયદો થાય છે. (પ્રે.કા. ૨:૮) અરે, મિશનરીઓ પણ જાણે છે કે, પોતાની સોંપણીમાં લાગુ રહેવા, તેઓ મંડળમાંથી મળતા પાયારૂપી શિક્ષણ પર જ આધાર રાખી ન શકે. તેઓએ કંઈક વધારે કરવાની જરૂર છે.

૧૩ ભાઈ એલેન આઠ વર્ષથી ફારસી ભાષા શીખી રહ્યા છે. તે કબૂલે છે: ‘હું ફારસી ભાષામાં સભાની તૈયારી કરું છું ત્યારે, મારું પૂરું ધ્યાન એ ભાષા પર હોય છે. એ સમયે મારું મન ભાષા સમજવામાં એટલું ડૂબેલું હોય છે કે, હું જે વાંચું છું એની અસર મારા હૃદય પર થતી નથી. તેથી, બાઇબલ અને બીજાં સાહિત્યનો મારી માતૃભાષામાં અભ્યાસ કરવા હું નિયમિત રીતે સમય ફાળવું છું.’

બાળકના દિલમાં શું છે એ જાણો

૧૪. માતા-પિતાએ શાની ખાતરી કરવી જોઈએ અને શા માટે?

૧૪ માતા-પિતાએ એ ખાતરી કરવાની જરૂર છે કે, બાળકોનાં મન અને દિલ સુધી સત્ય પહોંચે છે કે નહિ. સર્ઝ અને તેમના પત્ની મુરિયેલનો વિચાર કરો. તેઓએ ત્રણથી વધુ વર્ષ બીજી ભાષાના મંડળમાં સેવા આપી હતી. તેઓનાં ધ્યાનમાં આવ્યું કે, તેઓનાં ૧૭ વર્ષના દીકરાને સભા કે પ્રચારમાં મજા આવતી નથી. મુરિયેલ કહે છે: ‘ફ્રેંચ બોલતા લોકોને પ્રચાર કરવો તેને બહુ ગમતું, જે અમારી માતૃભાષા છે. પરંતુ, હવે બીજી ભાષા બોલતા લોકોને પ્રચાર કરવામાં તેને કંટાળો આવતો.’ સર્ઝ જણાવે છે: ‘જ્યારે અમને અહેસાસ થયો કે, આ સંજોગને લીધે ભક્તિમાં તેની પ્રગતિ અટકી ગઈ છે, ત્યારે અમે અમારાં જૂના મંડળમાં પાછા જવાનો નિર્ણય લીધો.’

તમારાં બાળકોના દિલને સત્ય અસર કરે છે કે નહિ, એની ખાતરી કરો (ફકરા ૧૪, ૧૫ જુઓ)

૧૫. (ક) મંડળ બદલવું કે નહિ એનો નિર્ણય લેવા માતા-પિતાને શું મદદ કરી શકે? (ખ) પુનર્નિયમ ૬:૫-૭ માતા-પિતાને કઈ સલાહ આપે છે?

૧૫ બાળકો જે ભાષા સમજે છે એ ભાષાના મંડળમાં પાછા જવું કે નહિ, એનો નિર્ણય લેવા માતા-પિતાને શું મદદ કરી શકે? સૌથી પહેલા, તેઓએ આવા સવાલો પર વિચાર કરવાની જરૂર છે: બાળકને યહોવાને પ્રેમ કરવાનું શીખવવા શું તેઓ પાસે પૂરતાં સમય અને શક્તિ છે? એમ કરવાની સાથે સાથે શું તેઓ બાળકને બીજી ભાષા શીખવી શકશે? બીજું, કદાચ તેઓના ધ્યાનમાં આવે કે, બીજી ભાષાના મંડળમાં સેવાને લગતી પ્રવૃત્તિઓમાં બાળકને મજા આવતી નથી. અરે, તે તો બીજી ભાષાના મંડળમાં રહેવા જ નથી માંગતું. આ કારણોને લીધે, માતા-પિતા કદાચ એ ભાષાના મંડળમાં પાછા જવાનો નિર્ણય લઈ શકે, જે ભાષા બાળક સારી રીતે સમજતું હોય. સમય જતાં, બાળકનો યહોવા સાથેનો સંબંધ મજબૂત થાય પછી માતા-પિતા બીજી ભાષાના મંડળમાં ફરી પાછા જવાનો નિર્ણય લઈ શકે.—પુનર્નિયમ ૬:૫-૭ વાંચો.

૧૬, ૧૭. બાળકોને યહોવા વિશે શીખવવા અમુક માતા-પિતાને ક્યાંથી મદદ મળી છે?

૧૬ અમુક માતા-પિતા પોતાનાં બાળકો સાથે બીજી ભાષાના મંડળ કે ગ્રૂપમાં સેવા આપે છે. પરંતુ, બાળકો માતૃભાષામાં યહોવા વિશે શીખી શકે માટે તેઓ નવી-નવી રીતો અજમાવે છે. ભાઈ ચાર્લ્સને ત્રણ દીકરીઓ છે. તેઓની ઉંમર ૧૩, ૧૨ અને ૯ વર્ષ છે. ભાઈનું કુટુંબ લિંગાલા ભાષા બોલતા ગ્રૂપની સભાઓમાં જાય છે. તે જણાવે છે: ‘અમે નિર્ણય લીધો કે અમે બાળકો સાથેનો અભ્યાસ અને કુટુંબ તરીકેની ભક્તિ અમારી માતૃભાષામાં કરીશું. પરંતુ, અમે અમુક રમતો અને બીજી પ્રવૃત્તિઓ કરતી વખતે લિંગાલા ભાષાનો ઉપયોગ કરતા. જેમ કે, સભાની તૈયારી કરવી, સેવાકાર્ય માટે રજૂઆત તૈયાર કરવી અને લોકોને અભિવાદન કરવું. આમ, બાળકો મજા માણવાની સાથે સાથે ભાષા પણ શીખી શકે છે.’

સ્થાનિક ભાષા શીખવા અને સભામાં ભાગ લેવા પ્રયત્ન કરો (ફકરા ૧૬, ૧૭ જુઓ)

૧૭ ભાઈ કેવિનને પાંચ અને આઠ વર્ષની બે દીકરીઓ છે. ભાઈનું કુટુંબ બીજી ભાષાના મંડળમાં સેવા આપે છે અને એ ભાષા તેઓની દીકરીઓ હજી પૂરી રીતે સમજી શકતી નથી. તેથી, પોતાની દીકરીઓને સત્ય શીખવવા તે ખૂબ જ મહેનત કરે છે. તે જણાવે છે: ‘અમે બાળકોનો અભ્યાસ ફ્રેંચ ભાષામાં ચલાવીએ છીએ, જે અમારી માતૃભાષા છે. એ સમયે અમે અમારી દીકરીઓને પણ એમાં સામેલ કરીએ છીએ. ઉપરાંત, અમે મહિનામાં એક વખત ફ્રેંચ ભાષાની સભામાં જવાનો પણ ધ્યેય રાખ્યો છે. તેમ જ, વૅકેશનનો ઉપયોગ અમારી માતૃભાષાનાં સંમેલનોમાં હાજર રહેવા કરીએ છીએ.’

૧૮. (ક) બાળકને મદદ કરવાની વાત આવે ત્યારે, યોગ્ય નિર્ણય લેવા રોમનો ૧૫:૧, ૨ કઈ રીતે મદદ કરી શકે? (ખ) અમુક માતા-પિતાએ કયાં સૂચનો આપ્યાં છે? (નોંધ જુઓ.)

૧૮ દરેક કુટુંબે પોતે નક્કી કરવાનું છે કે, બાળકો માટે અને યહોવા સાથેના પોતાના સંબંધ માટે સૌથી સારું શું છે. [2] (ગલા. ૬:૫) અગાઉ આપણે મુરિયેલ વિશે જોઈ ગયા. તે જણાવે છે કે, બીજી ભાષાના મંડળમાં સેવા આપવાની તેમની અને તેમનાં પતિની દિલની ઇચ્છા હતી. પરંતુ, પોતાના દીકરાનો યહોવા પ્રત્યેનો પ્રેમ મજબૂત કરવા તેઓએ પોતાના મંડળમાં પાછા જવાનો નિર્ણય લીધો. (રોમનો ૧૫:૧, ૨ વાંચો.) સર્ઝ જાણે છે કે તેઓએ ખરો નિર્ણય લીધો હતો. તે કહે છે: ‘ફ્રેંચ મંડળમાં પાછા આવ્યા એ સમયથી અમારા દીકરાએ ભક્તિમાં સારી પ્રગતિ કરી અને બાપ્તિસ્મા લીધું. તે આજે નિયમિત પાયોનિયર તરીકે સેવા આપે છે. એટલું જ નહિ, હવે તે પોતે બીજી ભાષાના મંડળમાં સેવા આપવા ઉત્સુક છે.’

બાઇબલને તમારા દિલને સ્પર્શી જવા દો

૧૯, ૨૦. આપણે કઈ રીતે બાઇબલ પ્રત્યેનો પ્રેમ બતાવી શકીએ?

૧૯ યહોવા બધા લોકોને ખૂબ જ ચાહે છે. તેમણે સેંકડો ભાષાઓમાં બાઇબલ પ્રાપ્ય કરાવ્યું છે, જેથી ‘બધા પ્રકારના લોકો સત્યનું ચોકસાઈભર્યું જ્ઞાન મેળવે.’ (૧ તિમો. ૨:૪) તે જાણે છે કે, જો બાઇબલને એ ભાષામાં વાંચીશું જે આપણે સારી રીતે સમજીએ છીએ, તો તેમની સાથેનો આપણો સંબંધ વધારે મજબૂત થશે.

૨૦ યહોવા સાથેની મિત્રતા ગાઢ બનાવવા આપણે બધાએ સખત મહેનત કરવાની જરૂર છે. એમ કરવા, બાઇબલને એ ભાષામાં વાંચવાની જરૂર છે, જે આપણે સારી રીતે સમજીએ છીએ. એમ કરીને આપણે આપણા કુટુંબની પણ ભક્તિને લગતી જરૂરિયાતો પૂરી કરી શકીશું. તેમ જ, બતાવી શકીશું કે આપણે ઈશ્વરના વચન, બાઇબલને ખૂબ પ્રેમ કરીએ છીએ.—ગીત. ૧૧૯:૧૧.

^ [૧] (ફકરો ૫) નામ બદલ્યાં છે.

^ [૨] (ફકરો ૧૮) તમારા કુટુંબને મદદ કરે એવા બાઇબલ સિદ્ધાંતો વિશે જાણવા ઑક્ટોબર ૧૫, ૨૦૦૨ ચોકીબુરજનો “પરદેશીઓ! તમે કઈ ભાષામાં બાળકોને સત્ય શીખવશો?” લેખ જુઓ.