સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક શબ્દ—જે ઘણું કહી જાય છે

એક શબ્દ—જે ઘણું કહી જાય છે

“હે સ્ત્રી.” વિરુદ્ધ જાતિની વ્યક્તિને સંબોધવા ઈસુ અમુક વાર એ શબ્દનો ઉપયોગ કરતા. દાખલા તરીકે, ૧૮ વર્ષથી વાંકી વળી ગયેલી એક સ્ત્રીને સાજી કરતી વખતે ઈસુએ કહ્યું: “હે સ્ત્રી, તને તારી બીમારીમાંથી સાજી કરવામાં આવે છે.” (લુક ૧૩:૧૦-૧૩) ઈસુએ મરિયમ માગદાલેણ સાથે વાત કરતી વખતે પણ એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. (યોહા. ૨૦:૧૫) કોઈ સ્ત્રી સાથે કોમળતાથી વાત કરવા બાઇબલ સમયમાં એ શબ્દ વપરાતો. પરંતુ, બીજો એક શબ્દ હતો જે હજી વધારે કોમળતા દર્શાવતો.

અમુક સ્ત્રીઓને સંબોધતી વખતે બાઇબલમાં એ શબ્દનો ઉપયોગ થયો છે. એ શબ્દ માયાળુપણાની અને કોમળતાની લાગણીઓને વણી લે છે. ૧૨ વર્ષથી લોહીવાથી પીડાતી એક સ્ત્રી જોડે વાત કરતી વખતે ઈસુએ એ શબ્દનો ઉપયોગ કર્યો હતો. નિયમ પ્રમાણે એ સ્ત્રી અશુદ્ધ હતી. એટલે, ટોળાની વચ્ચે થઈને તે ઈસુ પાસે આવી, એ નિયમ વિરુદ્ધનું હતું. તેથી, દલીલ કરી શકાય કે, તેણે એ હાલતમાં બીજાઓથી દૂર રહેવું જોઈતું હતું. (લેવી. ૧૫:૧૯-૨૭) પરંતુ, સાજી થવા તે કંઈ પણ કરવા તૈયાર હતી. હકીકતમાં, “તેણે ઘણા વૈદોના હાથે ખૂબ સહન કર્યું હતું; અને તેણે પોતાની પાસે જે કંઈ હતું એ સર્વ વાપરી નાખ્યું હતું અને કંઈ ફાયદો થવાને બદલે, તેની હાલત વધારે ખરાબ થઈ હતી.”—માર્ક ૫:૨૫, ૨૬.

એ સ્ત્રી ચૂપચાપ રીતે ટોળામાં થઈને પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાની કોરને અડકી. તરત જ તે સાજી થઈ! તે સ્ત્રી ચાહતી હતી કે, કોઈનું ધ્યાન જાય એ પહેલાં તે ત્યાંથી સરકી જાય. પરંતુ, ઈસુએ પૂછ્યું: “મને કોણ અડક્યું?” (લુક ૮:૪૫-૪૭) એ સાંભળીને તે સ્ત્રી ખૂબ જ ડરી ગઈ અને ધ્રૂજવા લાગી. તે ઈસુને પગે પડી અને “તેમને બધી હકીકત જણાવી દીધી.”—માર્ક ૫:૩૩.

એ સ્ત્રીને સાંત્વના આપતા ઈસુએ માયાળુ રીતે તેને કહ્યું: “દીકરી, હિંમત રાખ!” (માથ. ૯:૨૨) અમુક નિષ્ણાતો પ્રમાણે “દીકરી” માટે હિબ્રૂ અને ગ્રીકમાં જે શબ્દ છે, તે ‘માયાળુપણું અને કોમળતા’ દર્શાવવા પણ વાપરી શકાય છે. ઈસુએ તે સ્ત્રીને વધુ આશ્વાસન આપતા કહ્યું: “તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. શાંતિથી જા અને આ પીડાદાયક બીમારીમાંથી સાજી થા.”—માર્ક ૫:૩૪.

“દીકરી.” ધનવાન ઇઝરાયેલી બોઆઝે મોઆબી સ્ત્રી રૂથને એ શબ્દ કહીને બોલાવી હતી. રૂથ એક અજાણ્યા વ્યક્તિના ખેતરમાંથી વધેલું અનાજ ભેગું કરી રહી હતી. એટલે, તે થોડી મૂંઝાયેલી અને થોડી ગભરાયેલી હતી. બોઆઝે તેને કહ્યું: ‘મારી દીકરી, સાંભળ.’ પછી, તેના ખેતરમાંથી અનાજ ભેગું કરતા રહેવા તેને અરજ કરી. રૂથે ઘૂંટણે પડીને બોઆઝને પૂછ્યું કે તે એક પરદેશી પ્રત્યે શા માટે આટલી કરુણાથી વર્તે છે? બોઆઝે તેની હિંમત વધારતા કહ્યું: ‘તારી સાસુ સાથે તું જે રીતે વર્તી છે, તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે. યહોવા તારા કામનું ફળ તને આપો.’—રૂથ ૨:૮-૧૨.

મંડળના વડીલો માટે ઈસુ અને બોઆઝે કેવો જોરદાર દાખલો બેસાડ્યો છે! અમુક વાર કોઈ બહેનને શાસ્ત્રમાંથી મદદ અને ઉત્તેજન આપવા બે વડીલો મુલાકાત લેતા હોય છે. યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીને અને એ બહેનનું ધ્યાનથી સાંભળ્યા પછી વડીલો તેને પવિત્ર શાસ્ત્રમાંથી સાંત્વના અને દિલાસો આપે છે.—રોમ. ૧૫:૪.