સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અંધકારમાંથી બહાર લાવવામાં આવ્યા

અંધકારમાંથી બહાર લાવવામાં આવ્યા

“[યહોવા] તમને અંધકારમાંથી પોતાના અદ્ભુત પ્રકાશમાં લાવ્યા છે.”—૧ પીત. ૨:૯.

ગીતો: ૧, ૧૪

૧. યરૂશાલેમના વિનાશ વખતે શું થયું હતું?

બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર બીજાએ ઈસવીસન પૂર્વે ૬૦૭માં યરૂશાલેમ પર હુમલો કર્યો. તેણે અને તેના વિશાળ સૈન્યે કરેલા કત્લેઆમ વિશે બાઇબલ કહે છે: “[નબૂખાદનેસ્સારે] તેઓના જુવાનોને તરવારથી મારી નાખ્યા; યુવાન, યુવતી, પ્રૌઢ, કે વૃદ્ધ પર તેણે દયા રાખી નહિ; . . . તેઓએ ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું તથા યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો, ને તેમાંના સર્વ મહેલોને બાળીને ભસ્મ કર્યા, તથા તેઓમાંનાં સર્વ મૂલ્યવાન પાત્રોનો નાશ કર્યો.”—૨ કાળ. ૩૬:૧૭, ૧૯.

૨. યહોવાએ યહુદીઓને કઈ ચેતવણી આપી હતી અને એની અવગણનાનું કેવું પરિણામ આવવાનું હતું?

યરૂશાલેમના વિનાશથી શું યહુદીઓને નવાઈ લાગી હશે? જરાય નહિ. કારણ કે, વર્ષોથી ઈશ્વરે પ્રબોધકો મોકલીને તેઓને ચેતવ્યા હતા કે, જો તેઓ યહોવાની આજ્ઞાઓ નહિ પાળે, તો બાબેલોનીઓ તેઓ પર ચડાઈ કરશે. ઘણા યહુદીઓ તરવારથી માર્યા જશે અને બચી જનારા મોટા ભાગના લોકોએ આખું જીવન બાબેલોનની ગુલામીમાં વિતાવવું પડશે. (યિર્મે. ૧૫:૨) એ ગુલામીમાં તેઓનું જીવન કેવું બનવાનું હતું? યહુદીઓ બાબેલોનની ગુલામીમાં આવ્યા, એવી રીતે શું ખ્રિસ્તીઓ ક્યારેય પણ ગુલામીમાં આવ્યા છે? જો એમ હોય, તો ક્યારે?

ગુલામીમાં જીવન

૩. બાબેલોનની ગુલામીનું જીવન કઈ રીતે ઇજિપ્તની ગુલામી કરતાં અલગ હતું?

પ્રબોધકોના શબ્દો એકદમ સાચા પડ્યા. જોકે, યહોવાએ યિર્મેયા દ્વારા અગાઉથી જણાવ્યું હતું કે, તેઓ ગુલામ તરીકેની નવી પરિસ્થિતિને સ્વીકારે અને સૌથી સારું જીવન જીવવા પ્રયત્ન કરે. તેમણે કહ્યું હતું: ‘તમે બાબેલોનમાં ઘરો બાંધીને તેમાં વસો; અને વાડીઓ રોપીને તેનાં ફળ ખાઓ; વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેની શાંતિ શોધો, ને તેને માટે યહોવાને વિનંતી કરો; કેમ કે તેનામાં શાંતિ હશે તો તમને શાંતિ મળશે.’ (યિર્મે. ૨૯:૫,) જે યહુદીઓએ એ આજ્ઞા પાળી, તેઓ ગુલામીમાં પણ સામાન્ય લોકોની જેમ જીવન જીવી શક્યા. બાબેલોનીઓએ યહુદીઓને તેઓના રોજબરોજના કામ કરવાની અને આખા દેશમાં છૂટથી ફરવાની પરવાનગી આપી હતી. એ સમયે બાબેલોન વેપાર-ધંધાનું મુખ્ય કેન્દ્ર હતું. પ્રાચીન લખાણો બતાવે છે કે, ગુલામીમાં હતા ત્યારે ઘણા યહુદીઓ ચીજવસ્તુઓની લે-વેચ કરવાનું શીખ્યા હતા; અમુકે અલગ અલગ ક્ષેત્રમાં મહારત હાંસલ કરી હતી. અમુક યહુદીઓ ધનવાન પણ બન્યા હતા. એક સમયે ઇઝરાયેલીઓ પણ સદીઓ સુધી ઇજિપ્તની ગુલામીમાં હતા અને તેઓએ ઘણું વેઠ્યું હતું. જોકે, એની સરખામણીએ યહુદીઓનું બાબેલોનની ગુલામીમાં જીવન ઘણું સરળ હતું.—નિર્ગમન ૨:૨૩-૨૫ વાંચો.

૪. બેવફા યહુદીઓ જોડે બીજા કોણે ભોગવવું પડ્યું? તેઓ માટે યહોવાના બધા નિયમો પૂરી રીતે પાળવા કેમ અઘરું હતું?

ગુલામ બનેલા અમુક યહુદીઓ યહોવાના વફાદાર સેવકો હતા. તેઓએ કોઈ ભૂલ કરી ન હતી છતાં, તેઓએ પણ આખા ઇઝરાયેલ રાષ્ટ્ર જોડે ભોગવવું પડ્યું. યહુદીઓને જીવન જરૂરિયાતો તો મળી રહેતી, પણ સાચી ઉપાસના વિશે શું? યહોવાનું મંદિર અને વેદીનો નાશ થઈ ચૂક્યો હતો અને અગાઉની ગોઠવણ મુજબ યાજકો ઉપાસનાને લગતા કામો કરી શકતા ન હતા. છતાં, વફાદાર યહુદીઓએ યહોવાએ આપેલા નિયમો પાળવા બનતું બધું જ કર્યું. દાખલા તરીકે, દાનીયેલ, શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ એવા ખોરાકનો નકાર કર્યો જેની યહુદીઓને મનાઈ હતી. તેમ જ, બાઇબલ જણાવે છે કે, દાનીયેલ નિયમિત રીતે યહોવાને પ્રાર્થના કરતા. (દાની. ૧:૮; ૬:૧૦) તેમ છતાં, મૂર્તિપૂજક લોકોની સત્તા નીચે વફાદાર યહુદીઓ પૂરી રીતે નિયમો પાળી શકતા ન હતા.

૫. યહોવાએ પોતાના લોકોને કઈ આશા આપી હતી? આ વચન શા માટે નોંધપાત્ર હતું?

શું ઇઝરાયેલીઓ ફરીથી ક્યારેય યહોવા ચાહે છે એ રીતે તેમની ઉપાસના કરી શકવાના હતા? એ સમયે તેઓને કદાચ એ અશક્ય લાગ્યું હશે. કારણ કે બાબેલોનીઓ ક્યારેય પોતાના ગુલામોને આઝાદ કરતા ન હતા. પણ, તેઓ માટે આશાનું એક કિરણ હતું. યહોવાએ વચન આપ્યું હતું કે, તેમના લોકો આઝાદ થશે. સમય જતાં તેઓ આઝાદ થયા પણ ખરા. હા, યહોવાનાં વચનો હંમેશાં સાચા પડે છે!—યશા. ૫૫:૧૧.

શું ખ્રિસ્તીઓ ક્યારેય પણ બાબેલોનની ગુલામીમાં હતા?

૬, ૭. શા માટે આપણી સમજણમાં ફેરફાર કરવાની જરૂર છે?

શું ખ્રિસ્તીઓએ ક્યારેય પણ બાબેલોનની ગુલામી જેવું કંઈક અનુભવ્યું છે? વર્ષો સુધી ચોકીબુરજ મૅગેઝિનમાં જણાવવામાં આવતું હતું કે, વફાદાર ખ્રિસ્તીઓ ૧૯૧૮માં બાબેલોનની ગુલામીમાં ગયા અને ૧૯૧૯માં આઝાદ થયા. જોકે, આ અને આવતા લેખમાં આપણે શીખીશું કે, આ સમજણમાં શા માટે ફેરફાર કરવાની જરૂર છે.

આનો વિચાર કરો: મહાન બાબેલોન તો જૂઠા ધર્મનું જગત સામ્રાજ્ય છે. અને યહોવાના લોકો કંઈ ૧૯૧૮માં જૂઠા ધર્મના ગુલામ બન્યા ન હતા. ખરું કે, એ દરમિયાન અભિષિક્તોને સતાવવામાં આવ્યા હતા. પણ, એ સતાવણી મોટા ભાગે સરકાર તરફથી હતી, જૂઠા ધર્મ તરફથી નહિ. પ્રથમ વિશ્વયુદ્ધનાં વર્ષો અગાઉથી યહોવાના અભિષિક્ત સેવકોએ પોતાને જૂઠા ધર્મથી અલગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેથી, એમ માનવું યોગ્ય છે કે, યહોવાના લોકો ૧૯૧૮માં મહાન બાબેલોનની ગુલામીમાં ગયા ન હતા.

ઈશ્વરના લોકો બાબેલોનની ગુલામીમાં ક્યારે ગયા?

૮. પ્રેરિતોના મરણ પછી શું બન્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

સાલ ૩૩ પેન્તેકોસ્તના દિવસે ખ્રિસ્તી બનેલા હજારો લોકોને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા. તેઓ “પસંદ કરેલી જાતિ, રાજાઓ તરીકે સેવા આપતા યાજકો, પવિત્ર પ્રજા અને ઈશ્વરની સંપત્તિ તરીકે પસંદ થયેલા લોકો” બન્યા. (૧ પીતર ૨:૯, ૧૦ વાંચો.) પ્રેરિતો જીવ્યા ત્યાં સુધી તેઓએ મંડળોની સારી કાળજી લીધી હતી. જોકે, તેઓના મરણ પછી મંડળમાં એવા લોકો ઊભા થયા જેઓ “શિષ્યોને પોતાની પાછળ ખેંચી જવા આડી-અવળી વાતો” કરતા હતા. (પ્રે.કા. ૨૦:૩૦; ૨ થેસ્સા. ૨:૬-૮) એમાંના અમુક વડીલો તરીકે મંડળમાં ભારે જવાબદારીઓ ઉપાડતા હતા. એવા લોકોને લીધે ખ્રિસ્તી મંડળમાં ધીરે-ધીરે પાદરીવર્ગની શરૂઆત થઈ. તેઓએ ઈસુના આ શબ્દોની અવગણના કરી: “તમે બધા ભાઈઓ છો.” (માથ. ૨૩:૮) મંડળમાં વર્ચસ્વ ધરાવનાર અમુકને એરિસ્ટોટલ અને પ્લેટો જેવા માણસોની ફિલસૂફી ખૂબ ગમતી હતી. તેઓએ માણસોની ફિલસૂફીઓને સાચા શિક્ષણ જોડે ભેળવી દીધી.

૯. કઈ રીતે રોમન સરકાર અને ચર્ચ સાથે મળીને કામ કરવાં લાગ્યાં? એનું શું પરિણામ આવ્યું?

ઈ.સ. ૩૧૩માં મૂર્તિપૂજક રોમન સામ્રાજ્ય પર સમ્રાટ કોન્સ્ટેન્ટાઈન રાજ કરતો હતો. તેણે ખ્રિસ્તી ધર્મમાં ભેળસેળ કરી અને પછી એ ધર્મને કાનૂની મંજૂરી આપી. ત્યાર બાદ, ચર્ચે અને રોમન સરકારે હાથ મિલાવ્યા અને તેઓ સાથે મળીને કામ કરવાં લાગ્યાં. દાખલા તરીકે, કોન્સ્ટેન્ટાઈને ધાર્મિક આગેવાનો સાથે એક સભા ભરી, જેને કાઉન્સિલ ઑફ નાઇસીયા કહેવામાં આવે છે. એ સભા પછી, સમ્રાટે એરીએસ નામના એક પાદરીને ગુલામ બનાવ્યો. કારણ કે, તેણે ઈસુને ઈશ્વર તરીકે માનવાનો નકાર કર્યો. સમય જતાં, થિઑડૉશસ રોમન સામ્રાજ્યનો સમ્રાટ બન્યો અને કૅથલિક ચર્ચને રોમન સામ્રાજ્યના મુખ્ય ધર્મ તરીકેની માન્યતા મળી. ઇતિહાસકારો પ્રમાણે થિઑડૉશસના સમયમાં મૂર્તિપૂજક રોમ “ખ્રિસ્તી” બન્યું. હકીકત એ છે કે, ત્યાર સુધીમાં તો ખ્રિસ્તી ધર્મમાં ખોટા શિક્ષણે પગપેસારો કરી દીધો હતો અને તે મહાન બાબેલોનનો ભાગ બની ગયો હતો. જોકે, ત્યારે પણ અમુક વફાદાર અભિષિક્તો હતા. ઈસુએ આપેલા ઉદાહરણ પ્રમાણે તેઓ ઘઉંના દાણા જેવા હતા. એ વફાદાર ભક્તો યહોવાની ઉપાસનામાં બનતું બધું કરી રહ્યા હતા. પરંતુ, લોકોને તેઓની વાત સાંભળવામાં જરાય રસ ન હતો. (માથ્થી ૧૩:૨૪, ૨૫, ૩૭-૩૯ વાંચો.) તેઓ સાચે જ બાબેલોનની ગુલામીમાં આવી ગયા હતા!

૧૦. અમુક લોકો શા માટે ચર્ચના શિક્ષણ પર સવાલ ઉઠાવવા લાગ્યા?

૧૦ ઈસુના મરણ પછીની અમુક સદીઓ સુધી મોટા ભાગના લોકો હજી પણ ગ્રીક અથવા લૅટિનમાં બાઇબલ વાંચી શકતા હતા. તેઓ ચર્ચના શિક્ષણને બાઇબલના શિક્ષણ સાથે સરખાવી શકતા હતા. અમુક લોકો પારખી શક્યા કે, ચર્ચનું શિક્ષણ ખોટું છે. એટલે તેઓએ એનો નકાર કર્યો. પરંતુ, બીજાઓને એ વિશે જણાવવું જોખમભર્યું હતું. અરે, તેઓનું જીવન પણ જોખમમાં મુકાય શકતું હતું.

૧૧. ચર્ચે કઈ રીતે બાઇબલને લોકો સુધી પહોંચવા ન દીધું?

૧૧ સમય વીતતો ગયો તેમ, ગ્રીક અને લૅટિન ભાષા બોલતા લોકોની સંખ્યા સાવ ઘટી ગઈ. ચર્ચના આગેવાનોએ બાઇબલ ભાષાંતરના દરેક પ્રયાસ પર રોક મૂકી દીધી. પરિણામે, ફક્ત ચર્ચના આગેવાનો અને અમુક ભણેલા લોકો જ બાઇબલ વાંચી શકતા હતા. તેઓમાંના પણ અમુકને તો બરાબર વાંચતા-લખતા આવડતું ન હતું. જો કોઈ વ્યક્તિ ચર્ચના શિક્ષણ સાથે સહમત ન થાય, તો તેને કડક સજા થતી. એટલે, વફાદાર અભિષિક્ત ખ્રિસ્તીઓએ નાના સમૂહમાં મળવું પડતું, જ્યારે કે અમુક માટે તો એ પણ શક્ય ન હતું. “યાજકો” તરીકે સેવા આપવા અભિષિક્ત થયેલા લોકોની હાલત બાબેલોનના યહુદી ગુલામો જેવી હતી. એ અભિષિક્તો પણ વ્યવસ્થા મુજબ યહોવાની ઉપાસના કરી શકતા ન હતા. મહાન બાબેલોને પૂરી રીતે લોકોને પોતાની મુઠ્ઠીમાં કરી દીધા હતા.

ઘોર અંધકારમાં આશાનું કિરણ

૧૨, ૧૩. કયાં બે કારણોને લીધે સાચા ખ્રિસ્તીઓને ગુલામીમાંથી આઝાદ થવા મદદ મળી?

૧૨ સાચા ખ્રિસ્તીઓ માટે પૂરી આઝાદીથી ઈશ્વરની ઉપાસના કરવી શું ક્યારેય શક્ય બનવાની હતી? હા, આશાનું કિરણ દેખાવા લાગ્યું. એના બે કારણો છે. પહેલું, આશરે ૧૪૫૦માં પ્રિન્ટિંગ મશીનની શોધ થઈ. એ શોધ પહેલાં બાઇબલની નકલો હાથથી ઉતારવામાં આવતી હતી. પણ, એ સહેલું ન હતું. એક કુશળ નકલ કરનાર વ્યક્તિને આખા બાઇબલની એક નકલ બનાવતા દસ મહિના લાગી શકતા. તેમ જ, તેઓ એ નકલ ચામડાના વીંટા પર બનાવતા. પરિણામે, બાઇબલની થોડી જ નકલો પ્રાપ્ય હતી અને એ પણ ખૂબ મોંઘી હતી. જોકે, પ્રિન્ટિંગ મશીન અને કાગળની મદદથી એક કુશળ વ્યક્તિ એક જ દિવસમાં ૧,૩૦૦થી વધુ પાનાં છાપી શકતી.

પ્રિન્ટિંગ મશીનની શોધ અને બાઇબલ ભાષાંતર માટે બતાવેલી હિંમતને લીધે બાબેલોનની પકડ ઢીલી પડી (ફકરા ૧૨, ૧૩ જુઓ)

૧૩ બીજું કારણ, બાઇબલનું ભાષાંતર. ૧૬મી સદીની શરૂઆતમાં અમુકે ઘણી હિંમત બતાવીને બાઇબલનો સામાન્ય લોકોની ભાષામાં અનુવાદ કર્યો. ઘણા અનુવાદકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એ કામ કર્યું. એના લીધે ચર્ચના આગેવાનો ખૂબ જ રોષે ભરાયા. શા માટે? તેઓને બીક હતી કે, ઈશ્વરનો ડર રાખતા લોકો પોતાની ભાષામાં બાઇબલ વાંચશે તો ચર્ચના શિક્ષણ પર સવાલ ઉઠાવશે. જેમ કે, “બાઇબલમાં ક્યાં બતાવ્યું છે કે નરકમાં લોકોને રિબાવવામાં આવે છે? બાઇબલમાં ક્યાં લખવામાં આવ્યું છે કે, ગુજરી ગયેલા લોકો માટે વિધિ કરવા પાદરીઓને પૈસા આપવા? બાઇબલની કઈ કલમો પોપ અને પાદરીવર્ગ વિશે જણાવે છે?” ચર્ચનું મોટા ભાગનું શિક્ષણ એરિસ્ટોટલ અને પ્લેટોની ફિલસૂફી પર આધારિત હતું. એ માણસો ઈસુના જન્મની સદીઓ પહેલાં થઈ ગયા હતા. લોકો જ્યારે ચર્ચના એ ખોટા શિક્ષણ પર સવાલ ઉઠાવતા, ત્યારે એના આગેવાનો ખૂબ ગુસ્સે ભરાતા. જેઓ તેમના શિક્ષણનો નકાર કરતા તેઓને મોતની સજા ફટકારવામાં આવતી. ચર્ચના આગેવાનો લોકોને બાઇબલ વાંચવાથી અને સવાલો પૂછવાથી રોકવા માંગતા હતા. મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ સફળ થયા. પરંતુ, થોડા હિંમતવાન લોકોએ મહાન બાબેલોનની કઠપૂતળી બનવાનો નકાર કરી દીધો. તેઓ બાઇબલમાંથી સત્ય શીખ્યા અને વધુ શીખવા ઉત્સુક હતા. જૂઠા ધર્મના અંધકારમાં સત્યનો ઉદય નજીક હતો.

૧૪. (ક) બાઇબલ શીખવા આતુર લોકોએ શું કર્યું? (ખ) ભાઈ રસેલે સત્ય શોધવા કેવા પ્રયત્નો કર્યા?

૧૪ ઘણા લોકો હવે બાઇબલ વાંચવા અને એમાંથી શીખવા ચાહતા હતા. તેમ જ, શીખેલી વાતો બીજાઓને જણાવવા આતુર હતા. શેમાં માનવું અને શેમાં ન માનવું, એ નક્કી કરવા હવે તેઓ ચર્ચ પર નિર્ભર રહેવા માંગતા ન હતા. એટલે, તેઓ એવા દેશોમાં નાસી ગયા જ્યાં છૂટથી બાઇબલનો અભ્યાસ કરી શકે. એવો જ એક દેશ અમેરિકા હતો. ૧૮૭૦ સુધીમાં ચાર્લ્સ ટેઝ રસેલ અને બીજા અમુકે બાઇબલનો ઊંડો અભ્યાસ શરૂ કરી દીધો હતો. શરૂઆતમાં ભાઈ રસેલ જાણવા ચાહતા હતા કે કયો ધર્મ સત્ય શીખવી રહ્યો છે. તેમણે ચર્ચના શિક્ષણને અને અન્ય ધર્મોના શિક્ષણને બાઇબલના શિક્ષણ જોડે સરખાવ્યું. જલદી જ તેમને ખ્યાલ આવ્યો કે એમાંનો કોઈ પણ ધર્મ પૂરી રીતે બાઇબલનું શિક્ષણ પાળતો નથી. એક સમયે તેમણે ચર્ચના આગેવાનોને એ વિશે વાત કરી. તેમને આશા હતી કે તેમને અને તેમના સમૂહને જે બાઇબલ સત્ય જડ્યું છે એ આગેવાનો સ્વીકારશે અને બીજાઓને પણ શીખવશે. પરંતુ, એ આગેવાનોને એમાં કોઈ રસ ન હતો. એ બાઇબલ વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો કે, જો તેઓએ ઈશ્વરની સાચી ઉપાસના કરવી હોય, તો ખોટા ધર્મમાંથી બહાર આવવું જ પડશે.—૨ કોરીંથીઓ ૬:૧૪ વાંચો.

૧૫. (ક) સાચા ખ્રિસ્તીઓ બાબેલોનની ગુલામીમાં ક્યારે આવ્યા? (ખ) આવતા લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

૧૫ આ લેખમાં આપણે જોઈ ગયા કે સાચા ખ્રિસ્તીઓ પ્રેરિતોના મરણના થોડા સમય પછી બાબેલોનની ગુલામીમાં ગયા. જોકે, આપણે હજી કેટલાક સવાલોના જવાબ મેળવવાના બાકી છે. જેમ કે, આપણે શા માટે કહી શકીએ કે, ૧૯૧૪ના કેટલાક વર્ષો અગાઉથી જ અભિષિક્તોએ મહાન બાબેલોનની ગુલામીમાંથી બહાર આવવાનું શરૂ કરી દીધું હતું? શું એ ખરું છે કે, યહોવા પોતાના સેવકોથી નારાજ થયા હતા, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પ્રચારકામ લગભગ ઠપ થઈ ગયું હતું? શું ખરેખર અમુક ભાઈઓ એ સમયે તટસ્થ રહ્યા ન હતા અને યહોવાની કૃપા ગુમાવી બેઠા હતા? છેવટે, જો ખ્રિસ્તીઓ પ્રેરિતોના મરણ પછી જૂઠા ધર્મની ગુલામીમાં ગયા હતા, તો આઝાદ ક્યારે થયા? આ રસપ્રદ સવાલો છે, એના જવાબો આપણે આવતા લેખમાં જોઈશું.