સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂઠા ધર્મની ગુલામીમાંથી આઝાદી

જૂઠા ધર્મની ગુલામીમાંથી આઝાદી

“ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો.”—પ્રકટી. ૧૮:૪.

ગીતો: ૩, ૨૧

૧. શાના પરથી કહી શકાય કે યહોવાના લોકો મહાન બાબેલોનની ગુલામીમાંથી છૂટવાના હતા? આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

પાછલા લેખમાં આપણે શીખી ગયા કે, વફાદાર ખ્રિસ્તીઓ મહાન બાબેલોનની ગુલામીમાં ગયા હતા. પણ, ખુશીની વાત છે કે તેઓ કાયમ માટે ગુલામીમાં રહેવાના ન હતા. શાના આધારે એમ કહી શકાય? કારણ કે યહોવાએ પોતાના લોકોને જૂઠા ધર્મના જગત સામ્રાજ્યમાંથી “બહાર નીકળી” આવવાની આજ્ઞા આપી હતી. (પ્રકટીકરણ ૧૮:૪ વાંચો.) એ સાબિત કરે છે કે, સમય જતાં ખ્રિસ્તીઓ મહાન બાબેલોનના પંજામાંથી આઝાદ થવાના હતા. એ બનાવ વિશે જાણવા આપણે આતુર છીએ, ખરું ને? પરંતુ, એ પહેલાં આપણે આ સવાલોના જવાબ મેળવવા જરૂરી છે: મહાન બાબેલોન વિરુદ્ધ બાઇબલ વિદ્યાર્થીઓએ કયું હિંમતભર્યું પગલું ભર્યું? પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભાઈઓએ પ્રચારકામમાં કેવો ઉત્સાહ બતાવ્યો? શું એ ખરું છે કે, એ સમય દરમિયાન યહોવાના લોકોને સુધારાની જરૂર હતી, એટલે તેઓને બાબેલોનની ગુલામીમાં મોકલવામાં આવ્યા?

બાબેલોનનું પતન

૨. બાઇબલ વિદ્યાર્થીઓએ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં કયો નિર્ણય લઈ લીધો હતો?

પ્રથમ વિશ્વયુદ્ધનાં વર્ષો અગાઉથી, ચાર્લ્સ ટેઝ રસેલ અને બીજા બાઇબલ વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હતો કે ચર્ચનું શિક્ષણ બાઇબલ આધારિત નથી. એટલે, તેઓ જૂઠા ધર્મ સાથે કોઈ પણ સંબંધ રાખવા માંગતા ન હતા. ૧૮૭૯ના ઝાયન્સ વૉચ ટાવરમાં જણાવ્યું હતું કે એવું દરેક ચર્ચ જે ખ્રિસ્તની વફાદાર કન્યા હોવાનો દાવો કરે છે, પણ સરકારોને સાથ આપે છે, એ તો હકીકતમાં મહાન બાબેલોનનો ભાગ છે! એ જ મહાન બાબેલોન જેને બાઇબલમાં વેશ્યા કહેવામાં આવી છે.—પ્રકટીકરણ ૧૭:૧, ૨ વાંચો.

૩. જૂઠા ધર્મનો ભાગ નથી એ દર્શાવવા બાઇબલ વિદ્યાર્થીઓએ શું કર્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

વફાદાર ઈશ્વરભક્તો જાણતા હતા કે જો તેઓ જૂઠા ધર્મને ટેકો આપતા રહેશે, તો યહોવાની કૃપા ગુમાવી દેશે. એટલે, ઘણાઓએ પોતાના ચર્ચને પત્ર લખીને જણાવ્યું કે હવેથી તેઓ ચર્ચનો ભાગ નથી. અમુકે તો ચર્ચના બધા સભ્યો સામે એ પત્ર વાંચ્યો. અમુક ચર્ચમાં એવો પત્ર વાંચવાની પરવાનગી ન હતી. એટલે, તેઓએ ચર્ચના બધા સભ્યોને પત્ર મોકલીને જાણ કરી. બાઇબલ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે જૂઠા ધર્મ સાથે તેઓનો કોઈ સંબંધ નથી. જો એવું પગલું તેઓએ વર્ષો અગાઉ ભર્યું હોત, તો જીવ ગુમાવવો પડ્યો હોત. પરંતુ, ૧૮૭૦ સુધીમાં ઘણા દેશોની સરકારોએ ચર્ચને પહેલાં જેટલો ટેકો આપવાનું બંધ કરી દીધું હતું. એટલે, લોકો બાઇબલ વિશે ખુલ્લેઆમ વાત કરી શકતા હતા અને ચર્ચના શિક્ષણ જોડે અસહમતી દર્શાવી શકતા હતા.

૪. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મહાન બાબેલોન પ્રત્યે યહોવાના લોકોનું વલણ કેવું હતું?

મોટા ભાગના બાઇબલ વિદ્યાર્થીઓએ પોતાનાં કુટુંબ, નજીકના મિત્રો અને ચર્ચના સભ્યોને જણાવી દીધું હતું કે તેઓ જૂઠા ધર્મનો ભાગ નથી. જોકે, તેઓ સમજતા હતા કે એટલું જ પૂરતું નથી. હવે, તેઓ આખી દુનિયાને જણાવવા ચાહતા હતા કે મહાન બાબેલોન હકીકતમાં તો ધાર્મિક વેશ્યા છે! એ માટે ડિસેમ્બર ૧૯૧૭થી ૧૯૧૮ના શરૂઆતના ગાળામાં બાઇબલ વિદ્યાર્થીઓએ એક ઝુંબેશની યોજના કરી. તેઓએ એક એવી પત્રિકાનું વિતરણ કર્યું, જેમાં મહાન બાબેલોનની પડતી વિશે લેખ હતો. તેઓએ એની એક કરોડ નકલ વહેંચી! એ પત્રિકાએ ચર્ચના જૂઠાણા પરથી પડદો ઉઠાવ્યો. જરા વિચારો, એનાથી ચર્ચના આગેવાનો ગુસ્સાથી કેટલા લાલચોળ થયા હશે! પરંતુ, બાઇબલ વિદ્યાર્થીઓએ પાછી પાની ન કરી. તેઓ પ્રચાર કરવા અને ‘માણસોના બદલે ઈશ્વરની આજ્ઞા પાળવા’ મક્કમ હતા. (પ્રે.કા. ૫:૨૯) જોઈ શકાય કે, એ વફાદાર ઈશ્વરભક્તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ગુલામીમાં ગયા ન હતા; પણ તેઓ તો જૂઠા ધર્મમાંથી આઝાદ થઈ રહ્યા હતા અને બીજાઓને પણ આઝાદ થવા મદદ કરી રહ્યા હતા.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સેવાકાર્યમાં ઉત્સાહ જાળવી રાખ્યો

૫. શાના પરથી કહી શકાય કે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભાઈઓએ ઉત્સાહથી પ્રચાર કર્યો હતો?

અગાઉ આપણે માનતા હતા કે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈશ્વરના લોકોએ તેમની કૃપા ગુમાવી દીધી હતી. શા માટે? કારણ કે, તેઓએ ઉત્સાહથી પ્રચાર કર્યો ન હતો. એ જ કારણે આપણે માનતા હતા કે, યહોવાએ પોતાના લોકોને થોડા સમય માટે મહાન બાબેલોનની ગુલામીમાં જવા દીધા હતા. જોકે, ૧૯૧૪થી ૧૯૧૮ના સમયના વફાદાર ઈશ્વરભક્તોએ પછીથી જણાવ્યું કે, એક સમૂહ તરીકે તેઓએ પ્રચારમાં લાગુ રહેવા બનતું બધું કર્યું હતું. એ સમય દરમિયાન, બાઇબલ વિદ્યાર્થીઓ જોડે જે બન્યું હતું એને સારી રીતે જાણવાથી આપણને બાઇબલના અમુક બનાવો સમજવા મદદ મળે છે.

૬, ૭. (ક) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બાઇબલ વિદ્યાર્થીઓ સામે કયા પડકારો હતા? (ખ) શું બતાવે છે કે બાઇબલ વિદ્યાર્થીઓ ઉત્સાહી હતા?

હકીકતમાં, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બાઇબલ વિદ્યાર્થીઓ પ્રચારકામમાં ખૂબ વ્યસ્ત હતા. પણ, તેઓ સામે અમુક પડકારો હતા. ચાલો એમાંના બે વિશે વાત કરીએ. પહેલો, હજી તેઓ પ્રચારમાં બાઇબલનો ઉપયોગ કરવાનું શીખ્યા ન હતા. એ દિવસોમાં તેઓ ફક્ત સાહિત્યનું વિતરણ કરતા. તેથી, જ્યારે ધ ફિનિસ્ડ મિસ્ટ્રી પુસ્તક પર સરકારે પ્રતિબંધ મૂક્યો, ત્યારે ઘણા ભાઈઓ માટે પ્રચાર કરવો અઘરું બની ગયું. બીજો પડકાર એ હતો કે, એ જ વર્ષે સ્પેનિશ ફ્લૂ નામની ચેપી બીમારી ફાટી નીકળી. એના લીધે ભાઈઓ માટે મુસાફરી કરવી અને પ્રચાર કરવો ખૂબ મુશ્કેલ બની ગયું. આવા પડકારો હોવા છતાં, બાઇબલ વિદ્યાર્થીઓએ પ્રચારકામમાં લાગુ રહેવા બનતા પ્રયાસો કર્યા.

એ બાઇબલ વિદ્યાર્થીઓ ઉત્સાહી હતા! (ફકરા ૬, ૭ જુઓ)

દાખલા તરીકે, ૧૯૧૪માં બાઇબલ વિદ્યાર્થીઓના નાના સમૂહે “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” રજૂ કર્યો. તે અવાજવાળી એક અનોખી ફિલ્મ હતી, જેમાં સ્લાઈડનો ઉપયોગ કરવામાં આવતો. એમાં આદમથી લઈને ઈસુના હજાર વર્ષના રાજ્યની ઝલક હતી. ૧૯૧૪માં જ ૯૦ લાખ કરતાં વધારે લોકોએ એ ડ્રામા જોયો હતો. જરા વિચારો, આજે આખી દુનિયામાં જેટલા યહોવાના સાક્ષીઓ છે, એના કરતાં પણ વધારે લોકોએ એ ડ્રામા જોયો હતો! બીજા અહેવાલો બતાવે છે કે, ૧૯૧૬માં ૮ લાખ ૯ હજાર કરતાં વધારે લોકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં યોજાયેલા જાહેર પ્રવચનોમાં હાજરી આપી હતી અને ૧૯૧૮માં એ આંકડો લગભગ ૯ લાખ ૫૦ હજાર સુધી પહોંચી ગયો હતો. આમ, સ્પષ્ટ છે કે એ બાઇબલ વિદ્યાર્થીઓ ઉત્સાહી હતા!

૮. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યહોવાના લોકોમાં આગેવાની લેતા ભાઈઓએ બાઇબલ વિદ્યાર્થીઓને કઈ રીતે ઉત્તેજન આપ્યું?

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, યહોવાના લોકોમાં આગેવાની લેતા ભાઈઓએ બાઇબલ વિદ્યાર્થીઓને સાહિત્ય અને ઉત્તેજન આપવા સખત મહેનત કરી હતી. એવા પ્રેમાળ સાથને લીધે તેઓને પ્રચારમાં લાગુ રહેવા હિંમત મળી. ભાઈ રીચર્ડ બાર્બર એ સમયના ઉત્સાહી પ્રચારક હતા. તેમણે કહ્યું હતું: ‘અમુક પ્રવાસી નિરીક્ષકના કામને ચાલુ રાખવામાં અમે સફળ થયા હતા. તેમ જ, ધ વૉચ ટાવર મૅગેઝિનનું વિતરણ કરતા રહ્યા અને એને કેનેડા મોકલતા રહ્યા, જ્યાં એના પર પ્રતિબંધ હતો. મારા અનેક મિત્રો પાસે ધ ફિનિસ્ડ મિસ્ટ્રી નામનું પુસ્તક હતું. પરંતુ, એને જપ્ત કરી લેવામાં આવ્યું હતું. જોકે, એ પુસ્તકની ખિસ્સામાં આવી જાય એવી નકલો તેઓ સુધી પહોંચતી કરવાનો મને સુંદર લહાવો મળ્યો. ભાઈ રધરફર્ડે વિનંતી કરી કે અમે પશ્ચિમ યુનાઈટેડ સ્ટેટ્સનાં અનેક શહેરોમાં સંમેલનો ભરીએ તેમજ મિત્રોને ઉત્તેજન આપવા ત્યાં વક્તાઓ મોકલીએ.’

અમુક સુધારાની જરૂર હતી

૯. (ક) ૧૯૧૪થી ૧૯૧૯ના સમયગાળામાં શા માટે યહોવાના લોકોને સુધારો કરવાની જરૂર હતી? (ખ) શું માનવું વાજબી નહિ કહેવાય?

બાઇબલ વિદ્યાર્થીઓએ અમુક પાસાઓમાં સુધારો કરવાની જરૂર હતી. દાખલા તરીકે, તેઓ પૂરી રીતે સમજ્યા ન હતા કે સરકારોને આધીન રહેવાની યહોવાની આજ્ઞાનો શો અર્થ થાય છે. (રોમ. ૧૩:૧) એટલે, સમૂહ તરીકે તેઓ યુદ્ધ દરમિયાન હંમેશાં તટસ્થ રહ્યા ન હતા. જેમ કે, યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિએ લોકોને અરજ કરી હતી કે મે ૩૦, ૧૯૧૮ના રોજ શાંતિ માટે પ્રાર્થના કરે. ધ વૉચ ટાવર મૅગેઝિનમાં બાઇબલ વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવામાં આવ્યું હતું કે, તેઓ પણ એ દિવસે પ્રાર્થના કરે. અમુક ભાઈઓએ પૈસે-ટકે યુદ્ધને ટેકો આપ્યો, તો અમુક સૈનિકો બન્યા અને યુદ્ધમાં ગયા. ખરું કે, તેઓએ સુધારો કરવાની જરૂર હતી. પણ, એમ માનવું વાજબી નહિ કહેવાય કે સુધારા માટે તેઓને મહાન બાબેલોનની ગુલામીમાં ધકેલવામાં આવ્યા હતા. હકીકતમાં, બાઇબલ વિદ્યાર્થીઓ પોતાની ફરજ સમજ્યા હતા. એટલે, પ્રથમ વિશ્વયુદ્ધ સુધીમાં તો તેઓએ પોતાને જૂઠા ધર્મના જગત સામ્રાજ્યમાંથી લગભગ પૂરી રીતે અલગ કરી દીધા હતા.—લુક ૧૨:૪૭, ૪૮ વાંચો.

૧૦. બાઇબલ વિદ્યાર્થીઓએ જીવન પ્રત્યે કઈ રીતે માન બતાવ્યું?

૧૦ ખરું કે, એ સમયના બાઇબલ વિદ્યાર્થીઓને તટસ્થ રહેવા વિશે ઊંડી સમજણ ન હતી. છતાં, તેઓના મનમાં એક વાત સ્પષ્ટ હતી કે ખૂન કરવું ખોટું છે. એટલે, ભલે અમુક ભાઈઓ સૈનિકો બન્યા અને પ્રથમ વિશ્વયુદ્ધમાં હથિયાર ઉઠાવ્યા, પણ એને ઉગામવાનો તેઓએ નકાર કરી દીધો. જે સૈનિકોએ ખૂન કરવાનો નકાર કર્યો, તેઓને યુદ્ધમાં પ્રથમ હરોળમાં મૂકવામાં આવ્યા, જેથી તેઓ માર્યા જાય.

૧૧. બાઇબલ વિદ્યાર્થીઓએ યુદ્ધમાં ભાગ લેવાનો નકાર કર્યો ત્યારે સરકારોએ કેવું વલણ બતાવ્યું?

૧૧ ભાઈઓની વફાદારી જોઈને શેતાન ખૂબ ગુસ્સે ભરાયો. તેણે “દુષ્ટ અધિકારીઓ”ની મદદથી “નિયમસર ઉપદ્રવ” કર્યો. (ગીત. ૯૪:૨૦) અમેરિકાની સેનામાં જેમ્સ ફ્રેંકલિન બેલ નામનો એક ઉચ્ચ અધિકારી હતો. તેણે ભાઈ રધરફર્ડ અને વાન એમબર્ગને કહ્યું કે, સરકારે એક નિયમ ઘડવાનો પ્રયાસ કર્યો છે, જે અંતર્ગત યુદ્ધમાં ભાગ લેવાનો નકાર કરનારને મોતની સજા ફટકારવામાં આવશે. એ અધિકારી બાઇબલ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વાત કરતો હતો. પછી, ગુસ્સામાં લાલ-પીળા થઈને તેણે ભાઈ રધરફર્ડને કહ્યું કે, રાષ્ટ્રપતિએ એ નિયમ બનતા અટકાવી દીધો છે. તેણે કહ્યું: ‘પરંતુ, તમને લોકોને કઈ રીતે સકંજામાં લેવા એ અમે જાણીએ છીએ અને એમ કરીશું પણ ખરા!’

૧૨, ૧૩. (ક) આઠ ભાઈઓને શા માટે સજા ફટકારવામાં આવી? (ખ) સજા ફટકારવાને લીધે શું એ ભાઈઓએ હાર માની લીધી? સમજાવો.

૧૨ છેવટે સરકારોએ બાઇબલ વિદ્યાર્થીઓને સજા ફટકારવાની એક રીત શોધી કાઢી. ભાઈ રધરફર્ડ, વાન એમબર્ગ અને તેમના બીજા છ સાથી ભાઈઓને કેદ કરવામાં આવ્યા. એ ભાઈઓ વૉચ ટાવર સોસાયટીના પ્રતિનિધિઓ હતા. મુકદ્દમો હાથ ધરી રહેલા ન્યાયાધીશે કહ્યું: ‘એ આઠ લોકો તો જર્મનીના સૈનિકોની બનેલી ટુકડી કરતાં પણ વધારે ખતરનાક છે. આ લોકોએ સરકાર, સેના અને ચર્ચનું ઘોર અપમાન કર્યું છે અને તેઓને સખત શિક્ષા થવી જોઈએ.’ [1] એ આઠ ભાઈઓને જોર્જિયાના ઍટલૅંટામાં લાંબા કારાવાસમાં મોકલવામાં આવ્યા. જોકે, યુદ્ધના અંતે તેઓને છોડી મૂકવામાં આવ્યા અને તેઓ પર થોપેલા બધા આરોપો રદ કરવામાં આવ્યા.

૧૩ જેલમાં પણ એ આઠ ભાઈઓ યહોવાની આજ્ઞા મુજબ કરવા મક્કમ હતા. આપણે કઈ રીતે એમ કહી શકીએ? જેલમાંથી આઝાદી મેળવવા તેઓએ યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો હતો. એમાં તેઓએ જણાવ્યું હતું કે, બાઇબલ ખૂન કરવાની મનાઈ કરે છે. તેથી, યહોવાનો સમર્પિત સેવક જો જાણી-જોઈને એ નિયમનું ઉલ્લંઘન કરે, તો તે ઈશ્વરની કૃપા ગુમાવી દેશે અને નાશ પામશે. તેઓએ સમજાવ્યું કે એ આજ્ઞાને લીધે તેઓ કોઈનું ખૂન કરી શકતા નથી અને કરશે પણ નહિ. રાષ્ટ્રપતિને એવો પત્ર લખવો ઘણી હિંમત માંગી લે છે! એમાં કોઈ શંકા નથી કે, યહોવાની આજ્ઞા મુજબ કરવા તેઓ ખૂબ મક્કમ હતા, તેઓ હાર માનવાના ન હતા.

ઈશ્વરના લોકો આખરે આઝાદ થયા

૧૪. કલમોનો ઉપયોગ કરીને સમજાવો કે ૧૯૧૪થી ૧૯૧૯ દરમિયાન શું બન્યું હતું.

૧૪ ૧૯૧૪થી ૧૯૧૯ની શરૂઆત સુધીમાં બાઇબલ વિદ્યાર્થીઓ જોડે જે બન્યું એનું વર્ણન માલાખી ૩:૧-૩માં કરવામાં આવ્યું છે. (વાંચો.) ‘પ્રભુ’ યહોવા અને ‘કરારના દૂત’ ઈસુ ખ્રિસ્ત ‘લેવીના પુત્રોની’ એટલે કે અભિષિક્તોની તપાસ કરવા આવ્યા. યહોવાએ તેઓને સુધાર્યા અને શુદ્ધ કર્યા. હવે તેઓ એક નવી સોંપણી માટે તૈયાર હતા. ૧૯૧૯માં ઈસુએ તેઓને “વિશ્વાસુ અને સમજુ ચાકર” તરીકે નીમ્યા અને યહોવાના લોકોને માર્ગદર્શન અને સૂચનો આપવાનું કામ સોંપ્યું. (માથ. ૨૪:૪૫) હવે, યહોવાના લોકો બાબેલોનની ગુલામીમાંથી આઝાદ હતા. એ ઘડીથી લઈને આજ સુધી તેઓ યહોવાની ઇચ્છા વિશે વધુ શીખી રહ્યા છે. યહોવા માટેનો તેઓનો પ્રેમ ખૂબ ગાઢ બન્યો છે. એ આશીર્વાદ માટે તેઓ યહોવાના ખૂબ જ આભારી છે. [2]

૧૫. આપણે કઈ રીતે બતાવી શકીએ કે, આઝાદ કરવા બદલ આપણે યહોવાના આભારી છીએ?

૧૫ મહાન બાબેલોનની બેડીઓમાંથી આપણને આઝાદ કરવા બદલ આપણે યહોવાના કેટલા આભારી છીએ! શેતાને સાચી ભક્તિને પોતાના પગ નીચે કચડી નાંખવાનો પૂરો પ્રયાસ કર્યો. પણ, તેના પ્રયાસો પર પાણી ફરી વળ્યું, તે સાવ નિષ્ફળ ગયો! જોકે, આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાએ આપણને શા માટે આઝાદ કર્યા છે. યહોવાનો હેતુ બધા લોકોનું જીવન બચાવવાનો છે. (૨ કોરીં. ૬:૧) પરંતુ, નમ્ર દિલના લાખો ને લાખો લોકો હજી પણ જૂઠા ધર્મની બેડીઓમાં છે. એમાંથી છૂટવા તેઓને આપણી મદદની જરૂર છે. તેથી, ચાલો અગાઉના વફાદાર ભાઈઓનું અનુકરણ કરવા અને બીજાઓને આઝાદ કરવા બનતા પ્રયાસ કરીએ!

^ [૧] (ફકરો ૧૨) ફેઈથ ઓન ધ માર્ચ, પાન ૯૯, એ. એચ. મેક્મીલન.

^ [૨] (ફકરો ૧૪) બાબેલોનમાં યહુદીઓની ગુલામી અને પ્રેરિતોના મરણ બાદ મંડળમાં થયેલી ભેળસેળ પછી ખ્રિસ્તીઓ જોડે જે બન્યું, એમાં ઘણી સમાનતા છે. જોકે, આપણે એમ કહી નથી શકતા કે, યહુદીઓની ગુલામી અભિષિક્ત ખ્રિસ્તીઓ જોડે જે બન્યું એને દર્શાવે છે. તેથી, દરેક વિગતની પરિપૂર્ણતા શોધવાનો પ્રયાસ ન કરવો જોઈએ. એ બંને બનાવોમાં અમુક ફરક છે. જેમ કે, યહુદીઓ ૭૦ વર્ષ સુધી ગુલામીમાં હતા, જ્યારે કે ખ્રિસ્તીઓની ગુલામી ઘણા લાંબા સમય સુધી ચાલી હતી.