સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા પોતાના લોકોની આગેવાની લે છે

યહોવા પોતાના લોકોની આગેવાની લે છે

“યહોવા તને નિત્ય દોરશે.”—યશા. ૫૮:૧૧.

ગીતો: ૧૫૨, ૨૨

૧, ૨. (ક) યહોવાના સાક્ષીઓ કઈ રીતે બીજા ધર્મો કરતાં અલગ છે? (ખ) આ અને આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવાના સાક્ષીઓને ઘણી વાર પૂછવામાં આવે છે: “તમારા આગેવાન કોણ છે?” જવાબ સાંભળીને લોકોને ઘણી નવાઈ લાગે છે. કારણ કે, ઘણા ધર્મોમાં કોઈ પુરુષ અથવા કોઈ સ્ત્રી આગેવાની લે છે. જોકે, આપણને એ કહેતા બહુ ગર્વ મહેસૂસ થાય છે કે, આપણા આગેવાન કોઈ અપૂર્ણ માનવી નથી. આપણા આગેવાન તો ઈસુ ખ્રિસ્ત છે, જે તેમના પિતા યહોવાને આધીન છે.—માથ. ૨૩:૧૦.

“વિશ્વાસુ અને સમજુ ચાકર” નામનો સમૂહ આજે યહોવાના લોકોની આગેવાની લઈ રહ્યો છે. (માથ. ૨૪:૪૫) પરંતુ, આપણે કઈ રીતે જાણી શકીએ કે, ખરેખર તો યહોવા તેમના દીકરા દ્વારા આગેવાની લઈ રહ્યા છે? આ લેખમાં આપણે એના ત્રણ કારણોની ચર્ચા કરીશું. પોતાના લોકોને દોરવા યહોવા માણસોનો ઉપયોગ કરતા આવ્યા છે. તેમ છતાં, સાફ દેખાઈ આવે છે કે યહોવા તેમના લોકોના આગેવાન હતા અને આજે પણ છે.—યશા. ૫૮:૧૧.

પવિત્ર શક્તિએ તેઓને બળવાન કર્યા

૩. ઇઝરાયેલીઓની આગેવાની લેવા મુસાને ક્યાંથી મદદ મળી?

ઈશ્વરના પસંદ કરાયેલાઓને પવિત્ર શક્તિથી બળવાન કરવામાં આવ્યા. યહોવાએ મુસાને ઇઝરાયેલીઓના આગેવાન તરીકે પસંદ કર્યા હતા. એ મહત્ત્વની સોંપણી પૂરી કરવા મુસાને ક્યાંથી મદદ મળી? યહોવાએ ‘પોતાની પવિત્ર શક્તિ મુસા પર મૂકી’ હતી. (યશાયા ૬૩:૧૧-૧૪ વાંચો.) એ બતાવે છે કે, હકીકતમાં તો યહોવા પોતાના લોકોને દોરી રહ્યા હતા.

૪. શું બતાવે છે કે મુસા પર યહોવાની પવિત્ર શક્તિ હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

શું લોકો જોઈ શક્યા કે, મુસા પર યહોવાની પવિત્ર શક્તિ હતી? હા! યહોવાની પવિત્ર શક્તિની મદદથી મુસાએ અદ્ભુત ચમત્કારો કર્યા અને ઇજિપ્તના શક્તિશાળી રાજા આગળ યહોવાનું નામ જાહેર કર્યું. (નિર્ગ. ૭:૧-૩) પવિત્ર શક્તિની મદદથી મુસાને ધીરજવાન અને પ્રેમાળ આગેવાન બનવા મદદ મળી. બીજા રાષ્ટ્રોના ક્રૂર અને સ્વાર્થી આગેવાનો કરતાં તે એકદમ અલગ હતા. (નિર્ગ. ૫:૨, ૬-૯) સાફ જોઈ શકાય છે કે, યહોવાએ પોતાના લોકોને દોરવા મુસાને પસંદ કર્યા હતા.

૫. પોતાના લોકોને દોરવા યહોવાએ બીજા કયા લોકોને પવિત્ર શક્તિ આપી?

પોતાના લોકોને દોરવા યહોવાએ બીજા કયા લોકોને પવિત્ર શક્તિ આપી? બાઇબલ કહે છે: “નૂનનો દીકરો યહોશુઆ જ્ઞાનથી ભરપૂર હતો.” (પુન. ૩૪:૯) ‘યહોવાની શક્તિ ગિદિયોન પર આવી.’ (ન્યા. ૬:૩૪) અને ‘યહોવાની શક્તિ દાઊદ પર પરાક્રમસહિત આવી.’ (૧ શમૂ. ૧૬:૧૩) યહોવાની શક્તિથી તેઓ એવાં કામો કરી શક્યાં, જે પોતાની શક્તિથી કરી શક્યાં ન હોત. (યહો. ૧૧:૧૬, ૧૭; ન્યા. ૭:૭, ૨૨; ૧ શમૂ. ૧૭:૩૭, ૫૦) એ પરાક્રમી કામો કરવાં યહોવાએ તેઓને બળ આપ્યું હતું. એટલે, બધો માન-મહિમા ફક્ત યહોવાને જવો જોઈએ.

૬. યહોવા શા માટે ચાહતા હતા કે, ઇઝરાયેલીઓ તેમના આગેવાનોને માન આપે?

પવિત્ર શક્તિએ મુસા, યહોશુઆ, ગિદિયોન અને દાઊદને બળવાન કર્યા ત્યારે, ઇઝરાયેલીઓએ શું કરવાનું હતું? તેઓએ એ આગેવાનોને માન આપવાનું હતું. તેઓએ મુસા વિરુદ્ધ કચકચ કરી ત્યારે, યહોવાએ શું કહ્યું એના પર ધ્યાન આપો. તેમણે કહ્યું: “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે?” (ગણ. ૧૪:૨, ૧૧) એ બતાવે છે કે, યહોવાએ તેઓને આગેવાન બનાવ્યા હતા. લોકો જ્યારે એ આગેવાનોની આજ્ઞા પાળતા, ત્યારે હકીકતમાં તેઓ યહોવાની આગેવાની હેઠળ ચાલી રહ્યા હતા.

દૂતોએ તેઓને મદદ કરી

૭. દૂતોએ કઈ રીતે મુસાને મદદ કરી?

દૂતોએ ઈશ્વરના પસંદ કરાયેલાઓને મદદ કરી. (હિબ્રૂઓ ૧:૭, ૧૪ વાંચો.) મુસાને માર્ગદર્શન આપવા યહોવાએ દૂતોનો ઉપયોગ કર્યો. કઈ રીતે? સૌથી પહેલા, “ઈશ્વરે ઝાડવામાં દર્શન આપનાર દૂત દ્વારા તેમને [મુસાને] જ અધિકારી અને છોડાવનાર તરીકે મોકલ્યા.” (પ્રે.કા. ૭:૩૫) બીજું, યહોવાએ દૂતો દ્વારા મુસાને નિયમશાસ્ત્ર આપ્યું, જેથી તે ઇઝરાયેલીઓને માર્ગદર્શન આપી શકે. (ગલા. ૩:૧૯) ત્રીજું, યહોવાએ મુસાને કહ્યું: “જે જગા વિશે મેં તને કહ્યું છે, ત્યાં આ લોકોને દોરી જા; જો, મારો દૂત તારી આગળ ચાલશે.” (નિર્ગ. ૩૨:૩૪) બાઇબલ જણાવતું નથી કે, ઇઝરાયેલીઓએ કોઈ દૂતને એ બધાં કામો કરતાં જોયાં હતાં. જોકે, મુસાએ જે રીતે લોકોને દોર્યા અને માર્ગદર્શન આપ્યું, એ સાફ બતાવતું હતું કે દૂતોએ તેમની મદદ કરી હતી.

૮. દૂતે કઈ રીતે યહોશુઆ અને હિઝકિયાને મદદ કરી?

દૂતોએ કોને કોને મદદ કરી? બાઇબલ જણાવે છે કે, એક દૂત જે ‘યહોવાના સૈન્યનો સરદાર’ હતો, તેણે યહોશુઆને મદદ કરી. એ દૂતે યહોશુઆને કનાનીઓ પર જીત અપાવી. (યહો. ૫:૧૩-૧૫; ૬:૨, ૨૧) પછીથી, રાજા હિઝકિયા ઈશ્વરના લોકોની આગેવાની લેતા હતા ત્યારે, આશ્શૂરીઓના વિશાળ સૈન્યે યરૂશાલેમને કચડી નાંખવાની ધમકી આપી. એ સમયે, “યહોવાના દૂતે આવીને . . . એક લાખ પંચાશી હજાર માણસોને મારી નાખ્યા.”—૨ રાજા. ૧૯:૩૫.

૯. ઇઝરાયેલીઓએ શું કરવાનું હતું?

દૂતો સંપૂર્ણ છે. પણ તેમણે જે માણસોને મદદ કરી તેઓ અપૂર્ણ હતા. દાખલા તરીકે, એક પ્રસંગે મુસાએ યહોવાને મહિમા ન આપ્યો. (ગણ. ૨૦:૧૨) ગિબઓનીઓ કરાર કરવા આવ્યા ત્યારે, યહોશુઆએ યહોવાની સલાહ ન લીધી. (યહો. ૯:૧૪, ૧૫) એક સમયે, હિઝકિયા ઘમંડી બની ગયા. (૨ કાળ. ૩૨:૨૫, ૨૬) એ માણસો અપૂર્ણ હતા, તેમ છતાં ઇઝરાયેલીઓએ તેઓને આધીન રહેવાનું હતું. ઇઝરાયેલીઓ જોઈ શક્યા કે, એ માણસોને મદદ કરવા યહોવા દૂતોનો ઉપયોગ કરી રહ્યા છે. ખરેખર, યહોવા પોતાના લોકોને દોરી રહ્યા હતા!

નિયમશાસ્ત્રે તેઓને માર્ગદર્શન આપ્યું

૧૦. મુસાને કઈ રીતે નિયમશાસ્ત્ર દ્વારા માર્ગદર્શન મળ્યું?

૧૦ નિયમશાસ્ત્ર દ્વારા ઈશ્વરના પસંદ કરાયેલાઓને માર્ગદર્શન મળ્યું. ઇઝરાયેલીઓને આપેલા નિયમશાસ્ત્રને બાઇબલમાં ‘મુસાનું નિયમશાસ્ત્ર’ કહેવામાં આવ્યું છે. (૧ રાજા. ૨:૩) હકીકતમાં, એ નિયમશાસ્ત્ર આપનાર યહોવા હતા, જેને મુસાએ પણ પાળવાનું હતું. (૨ કાળ. ૩૪:૧૪) દાખલા તરીકે, યહોવાએ મુલાકાતમંડપ બાંધવાનું માર્ગદર્શન આપ્યું હતું. બાઇબલ જણાવે છે કે, ‘મુસાએ એ પ્રમાણે કર્યું; જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેમને આપી હતી તે પ્રમાણે જ તેમણે કર્યું.’—નિર્ગ. ૪૦:૧-૧૬.

૧૧, ૧૨. (ક) યહોશુઆ અને બીજા રાજાઓએ શું કરવાનું હતું? (ખ) નિયમશાસ્ત્રે એ આગેવાનોને કઈ રીતે મદદ કરી?

૧૧ યહોશુઆ આગેવાન બન્યા ત્યારે, તેમની પાસે નિયમશાસ્ત્ર હતું. યહોવાએ તેમને કહ્યું: “દિવસે તથા રાત્રે તેનું મનન કર કે, તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે.” (યહો. ૧:૮) પછીથી, ઈશ્વરના લોકોની આગેવાની રાજાઓના હાથમાં આપવામાં આવી. તેઓએ પણ દરરોજ નિયમશાસ્ત્ર વાંચવાનું હતું, એની નકલ ઉતારવાની હતી અને ‘એ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓ પાળીને એનો અમલ’ કરવાનો હતો.—પુનર્નિયમ ૧૭:૧૮-૨૦ વાંચો.

૧૨ આગેવાની લેનાર માણસોને નિયમશાસ્ત્રે કઈ રીતે માર્ગદર્શન આપ્યું? રાજા યોશિયાનો વિચાર કરો. મુસાનું નિયમશાસ્ત્ર મળી આવ્યું ત્યારે, તેમના એક મદદનીશે તેમને એ વાંચી સંભળાવ્યું. * “નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એમ થયું કે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં.” એ વચનો સાંભળીને યોશિયાને મૂર્તિઓનો નિકાલ કરવા પ્રેરણા મળી. પછી, તેમણે મોટા પાયે પાસ્ખાપર્વ ઊજવવાની ગોઠવણ કરી. (૨ રાજા. ૨૨:૧૧; ૨૩:૧-૨૩) યોશિયા અને બીજા વફાદાર ભક્તો નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલવા માંગતા હતા, એટલે લોકોને યહોવાનું માર્ગદર્શન આપવા તેઓએ પોતાના વિચારોમાં ફેરફાર કર્યા. એનાથી લોકોને યહોવાને આધીન રહેવા મદદ મળી.

૧૩. ઇઝરાયેલી આગેવાનો કઈ રીતે બીજાં રાષ્ટ્રના આગેવાનો કરતાં અલગ હતા?

૧૩ બીજાં રાષ્ટ્રોના આગેવાનો માર્ગદર્શન માટે માણસોના મર્યાદિત ડહાપણ પર આધાર રાખતા હતા. કનાની પ્રજા અને તેઓના આગેવાનોએ ઘૃણાસ્પદ કાર્યો કર્યાં હતાં. જેમ કે, પશુઓ અને નજીકના સગા સાથે જાતીય સંબંધ, સજાતીય સંબંધ, બાળકોનું બલિદાન અને મૂર્તિપૂજા. (લેવી. ૧૮:૬, ૨૧-૨૫) ઈશ્વરના લોકો પાસે શુદ્ધતા માટે જે નિયમો હતા, એવા કોઈ નિયમો બાબેલોન અને ઇજિપ્તના આગેવાનો પાસે ન હતા. (ગણ. ૧૯:૧૩) ઈશ્વરના લોકો જોઈ શક્યા કે, તેમના વફાદાર આગેવાનો શુદ્ધ ભક્તિ કરવા, સાફ-સુથરા રહેવા અને જાતીય શુદ્ધતા જાળવવા ઉત્તેજન આપે છે. સ્પષ્ટ છે કે, યહોવા વફાદાર આગેવાનોને દોરી રહ્યા હતા.

૧૪. યહોવાએ શા માટે અમુક આગેવાનોને શિસ્ત આપી?

૧૪ ઈશ્વરના લોકો પર રાજ કરનાર બધા રાજાઓ કંઈ ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા નહિ. અરે, અમુક તો યહોવાને જરાય આધીન ન રહ્યા. તેઓએ યહોવાની પવિત્ર શક્તિ, દૂતો અને નિયમશાસ્ત્રની મદદ ઠુકરાવી દીધી. અમુક કિસ્સામાં, યહોવાએ એ આગેવાનોને શિસ્ત આપી અથવા પદવી પરથી દૂર કર્યા. (૧ શમૂ. ૧૩:૧૩, ૧૪) સમય જતાં, પોતાના લોકોની આગેવાની લેવા યહોવા એક સંપૂર્ણ વ્યક્તિને નિયુક્ત કરવાના હતા.

યહોવાએ એક સંપૂર્ણ વ્યક્તિને આગેવાન નિયુક્ત કર્યા

૧૫. (ક) પ્રબોધકોએ કઈ રીતે બતાવ્યું કે, એક અજોડ આગેવાન આવવાના છે? (ખ) એ આગેવાન કોણ હતા?

૧૫ સદીઓથી યહોવાએ વચન આપ્યું હતું કે, તેમના લોકોને દોરવા તે એક અજોડ આગેવાન નિયુક્ત કરશે. જેમ કે, મુસાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું: “યહોવા તારો ઈશ્વર તારે માટે, તારી મધ્યેથી, તારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે; તેનું તમારે સાંભળવું.” (પુન. ૧૮:૧૫) એ પ્રબોધક વિશે યશાયાએ કહ્યું હતું કે, તે “સરદાર તથા અધિકારી” બનશે. (યશા. ૫૫:૪) મસીહ વિશે દાનીયેલે ભાખ્યું હતું કે, તે ‘સરદાર’ એટલે કે, આગેવાન બનશે. (દાની. ૯:૨૫) આખરે, ઈસુએ પોતાને ઈશ્વરના લોકોના “આગેવાન” તરીકે ઓળખાવ્યા. (માથ્થી ૨૩:૧૦ વાંચો.) ઈસુના શિષ્યો રાજીખુશીથી તેમનાં પગલે ચાલ્યા. તેઓને ભરોસો હતો કે, ઈસુ સાચે જ યહોવાના પસંદ કરાયેલા છે. (યોહા. ૬:૬૮, ૬૯) શિષ્યોને કઈ રીતે ખાતરી થઈ કે, યહોવા પોતાના લોકોને દોરવા હવે ઈસુનો ઉપયોગ કરવાના છે?

૧૬. શું બતાવે છે કે, ઈસુ પર યહોવાની શક્તિ હતી?

૧૬ ઈસુને પવિત્ર શક્તિથી બળવાન કરવામાં આવ્યા. ઈસુના બાપ્તિસ્મા પછી તરત “આકાશ ઊઘડી ગયું અને યોહાને પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરતી જોઈ.” ત્યાર બાદ, “પવિત્ર શક્તિ ઈસુને વેરાન પ્રદેશમાં દોરી ગઈ.” (માથ. ૩:૧૬-૪:૧) પૃથ્વી પર સેવાકાર્ય દરમિયાન, યહોવાની શક્તિની મદદથી ઈસુએ લોકોને શીખવ્યું અને ચમત્કારો કર્યા. (પ્રે.કા. ૧૦:૩૮) ઉપરાંત, પવિત્ર શક્તિની મદદથી તે પ્રેમ, આનંદ અને અડગ શ્રદ્ધા જેવા ગુણો બતાવી શક્યા. (યોહા. ૧૫:૯; હિબ્રૂ. ૧૨:૨) ઈશ્વરની પવિત્ર શક્તિ ઈસુ પર સાફ દેખાઈ આવતી હતી. એમાં કોઈ શંકા નથી કે, યહોવાએ ઈસુને આગેવાન બનાવ્યા હતા.

ઈસુના બાપ્તિસ્મા પછી દૂતોએ કઈ રીતે તેમને મદદ કરી? (ફકરો ૧૭ જુઓ)

૧૭. ઈસુને મદદ કરવા દૂતોએ શું કર્યું?

૧૭ દૂતોએ ઈસુને મદદ કરી. ઈસુએ બાપ્તિસ્મા લીધું પછી તરત “દૂતો આવીને તેમની સેવા કરવા લાગ્યા.” (માથ. ૪:૧૧) તેમના મરણના અમુક કલાકો પહેલાં “સ્વર્ગમાંથી એક દૂત તેમની પાસે આવ્યો અને તેમને હિંમત આપી.” (લુક ૨૨:૪૩) ઈસુ જાણતા હતા કે, જરૂર પડ્યે યહોવા તેમની મદદ માટે દૂતોની ફોજ મોકલી આપશે.—માથ. ૨૬:૫૩.

૧૮, ૧૯. ઈસુનું જીવન અને શિક્ષણ કઈ રીતે બતાવે છે કે, તેમણે શાસ્ત્રનું માર્ગદર્શન લીધું હતું?

૧૮ નિયમશાસ્ત્ર દ્વારા ઈસુને માર્ગદર્શન મળ્યું. સેવાકાર્યની શરૂઆતથી લઈને વધસ્તંભે મૃત્યુ પામ્યા ત્યાં સુધી, ઈસુએ માર્ગદર્શન માટે શાસ્ત્રનો સહારો લીધો. (માથ. ૪:૪) જીવનની આખરી ઘડીએ પણ તેમણે મસીહ વિશેની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કર્યો. (માથ. ૨૭:૪૬; લુક ૨૩:૪૬) જોકે, એ સમયના ધાર્મિક આગેવાનો ઈસુ કરતાં સાવ અલગ હતા. શાસ્ત્રનું માર્ગદર્શન પોતાના શિક્ષણ સાથે મેળ ન ખાય ત્યારે, એ ધર્મગુરુઓ એને પાળવાનો નકાર કરી દેતા. તેઓ વિશે શાસ્ત્રમાંથી ટાંકતા ઈસુએ કહ્યું હતું: “આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના હૃદય મારાથી ઘણા દૂર છે. તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે, કેમ કે તેઓ માણસોની આજ્ઞાઓને ઈશ્વરના શિક્ષણ તરીકે શીખવે છે.” (માથ. ૧૫:૭-૯) પોતાના લોકોને દોરવા યહોવાએ ક્યારેય એવા લોકોને પસંદ કર્યા ન હતા, જેઓ શાસ્ત્ર પ્રમાણે ચાલતા ન હોય.

૧૯ બીજાઓને શીખવતી વખતે પણ ઈસુએ શાસ્ત્રનો ઉપયોગ કર્યો. ધર્મગુરુઓ સવાલ ઉઠાવતા ત્યારે, ઈસુ પોતાના ડહાપણ કે અનુભવને આધારે નહિ, પણ શાસ્ત્રને આધારે જવાબ આપતા. (માથ. ૨૨:૩૩-૪૦) તેમણે ચાહ્યું હોત તો, સ્વર્ગમાંના પોતાના જીવન અને વિશ્વના સર્જન વિશેની વાતો કહીને લોકોને પ્રભાવિત કરી શક્યા હોત. પણ, તેમણે એમ ન કર્યું. તેમણે તો ‘લોકોના મન પૂરી રીતે ખોલી નાખ્યા, જેથી તેઓ શાસ્ત્રવચનોનો અર્થ સમજી શકે.’ (લુક ૨૪:૩૨, ૪૫) શાસ્ત્ર પરના પ્રેમને લીધે તે બીજાઓને એમાંથી શીખવવા આતુર હતા.

૨૦. (ક) ઈસુએ કઈ રીતે યહોવાને મહિમા આપ્યો? (ખ) ઈસુ અને હેરોદ અગ્રીપા પહેલા વચ્ચે કેવો તફાવત હતો?

૨૦ એમાં કોઈ શંકા નથી કે, દિલ જીતી લે એવા ઈસુના “શબ્દોથી” લોકોને ખૂબ આશ્ચર્ય થતું. પણ, તેમણે હંમેશાં તેમના શિક્ષક, યહોવાને મહિમા આપ્યો. (લુક ૪:૨૨) એક ધનવાન માણસે “ઉત્તમ શિક્ષક” કહીને ઈસુને માન આપ્યું ત્યારે, ઈસુએ તેને કહ્યું: “તું શા માટે મને ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.” (માર્ક ૧૦:૧૭, ૧૮) લગભગ આઠ વર્ષ પછી હેરોદ અગ્રીપા પહેલો, યહુદિયાનો આગેવાન બન્યો. તેનું વલણ ઈસુ કરતાં એકદમ અલગ હતું. એક ખાસ પ્રસંગે હેરોદે ખૂબ જ આકર્ષક અને કીમતી રાજપોશાક પહેર્યો હતો. એ જોઈને અને તેનું સાંભળીને લોકો પોકારી ઊઠ્યા: “આ માણસનો નહિ, ઈશ્વરનો અવાજ છે!” હેરોદને પોતાની પ્રશંસા ખૂબ ગમતી હતી. પછી શું બન્યું? “તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ એટલે યહોવાના દૂતે તેને માંદગીમાં પટક્યો. કીડાઓએ તેને કોરી ખાધો અને તે મરણ પામ્યો.” (પ્રે.કા. ૧૨:૨૧-૨૩) એ પરથી સાફ છે કે, યહોવાએ હેરોદને આગેવાન તરીકે પસંદ કર્યો ન હતો. જોકે, ઈસુએ સાબિત કર્યું કે, પોતે યહોવાના પસંદ કરાયેલા છે. તેમણે હંમેશાં યહોવાને મહાન આગેવાન તરીકે મહિમા આપ્યો.

૨૧. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૧ યહોવાએ ઈસુને ફક્ત અમુક વર્ષો માટે જ આગેવાન બનાવ્યા ન હતા. સજીવન થયા પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.” તેમણે ઉમેર્યું: “જુઓ! આ દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.” (માથ. ૨૮:૧૮-૨૦) પરંતુ, ઈસુ હમણાં સ્વર્ગમાં છે, તો કઈ રીતે પૃથ્વી પર ઈશ્વરના લોકોની આગેવાની લઈ શકે? પૃથ્વી પર પોતાના લોકોની આગેવાની લેવા યહોવા હવે કોનો ઉપયોગ કરશે? ઈશ્વરભક્તો કઈ રીતે એ આગેવાનોને ઓળખી શકે? આવતા લેખમાં આ સવાલોની ચર્ચા કરીશું.

^ ફકરો. 12 એ કદાચ મુસાના હસ્તે લખાયેલું હતું.