સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તારી માનતા ઉતાર”

“તારી માનતા ઉતાર”

“યહોવા સામે લીધેલી માનતા પૂરી કર.”—માથ. ૫:૩૩.

ગીતો: ૧૮,

૧. (ક) યિફતા અને હાન્નામાં શું સરખાપણું હતું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આ લેખમાં આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?

યિફતા નીડર આગેવાન અને બહાદુર યોદ્ધા હતા. હાન્ના પોતાના પતિની અને ઘરની સંભાળ રાખનાર નમ્ર સ્ત્રી હતાં. યિફતા અને હાન્ના યહોવાના ભક્ત હતાં. તેઓમાં બીજું પણ એક સરખાપણું હતું. તેઓએ યહોવા આગળ માનતા માની હતી અને વફાદારીથી એને પૂરી કરી હતી. તેઓએ બધા માટે સુંદર દાખલો બેસાડ્યો છે, ખાસ તો જેઓ યહોવા આગળ માનતા માને છે તેઓ માટે. આ લેખમાં આપણે ત્રણ સવાલોના જવાબ મેળવીશું: માનતા માનવી એટલે શું? ઈશ્વર આગળ માનતા લેવી કેટલું ગંભીર છે? યિફતા અને હાન્ના પાસેથી આપણે શું શીખી શકીએ?

૨, ૩. (ક) માનતા લેવી એટલે શું? (ખ) ઈશ્વર આગળ માનતા લેવા વિશે બાઇબલ શું જણાવે છે?

બાઇબલ પ્રમાણે માનતા લેવાનો અર્થ થાય કે, ઈશ્વરને એક ગંભીર વચન આપવું. જેમ કે, કોઈ કામ પૂર્ણ કરવું, ભેટ ચડાવવી, ખાસ પ્રકારની સેવામાં જોડાવવું અથવા કોઈક વસ્તુથી દૂર રહેવું. માનતા લેવી કે નહિ એ વ્યક્તિની પોતાની પસંદગી છે, એ માટે કોઈ એને દબાણ કરી શકતું નથી. પણ કોઈ વ્યક્તિ ઈશ્વર યહોવા આગળ માનતા લે છે ત્યારે, યહોવા એને એક ગંભીર વચન તરીકે જુએ છે. યહોવા ચાહે છે કે એ માનતા પૂરી કરવામાં આવે. બાઇબલ પ્રમાણે માનતા લેવી એ શપથ લેવા બરાબર છે. શપથ લેતી વખતે વ્યક્તિ સમ ખાઈને કહે છે કે તે કોઈ કામ કરશે અથવા એનાથી દૂર રહેશે. (ઉત. ૧૪:૨૨, ૨૩; હિબ્રૂ. ૬:૧૬, ૧૭) ઈશ્વર આગળ લીધેલી માનતાને આપણે કેટલી ગંભીરતાથી લેવી જોઈએ? એ વિશે બાઇબલ શું કહે છે?

મુસાના નિયમમાં જણાવ્યું હતું કે, “જો કોઈ પુરુષ યહોવા પ્રત્યે માનતા માને, અથવા . . . સમ ખાય, તો તે પોતાનું વચન તોડે નહિ; જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે કરે.” (ગણ. ૩૦:૨) પછીથી, સુલેમાને લખ્યું: “જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર; કેમ કે મૂર્ખો પર તે રાજી નથી; તારી માનતા ઉતાર.” (સભા. ૫:૪) ઈસુએ પણ શીખવ્યું હતું કે, ઈશ્વર આગળ માનતા માનવી ગંભીર બાબત છે. તેમણે કહ્યું હતું: “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તું તારા સમ ન તોડ, પણ યહોવા સામે લીધેલી માનતા પૂરી કર.’”—માથ. ૫:૩૩.

૪. (ક) ઈશ્વર આગળ માનતા લેવી કેટલું ગંભીર છે? (ખ) યિફતા અને હાન્ના વિશે કયા સવાલો આપણા મનમાં આવી શકે?

સ્પષ્ટ છે કે, યહોવાને આપેલું કોઈ પણ વચન આપણે ગંભીરતાથી લેવું જોઈએ. આપણે લીધેલી માનતા પ્રત્યે જે વલણ બતાવીએ છીએ, એની અસર યહોવા સાથેના સંબંધ પર થાય છે. એ સમજવા દાઊદે પૂછેલા આ સવાલનો વિચાર કરો: “યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?” પછી, જવાબમાં તેમણે કહ્યું કે, જેણે “જૂઠા સોગન ખાધા નથી તે જ ચઢી શકશે.” (ગીત. ૨૪:૩, ૪) હવે ચાલો યિફતા અને હાન્ના વિશે થોડું જોઈએ. તેઓએ કઈ માનતા માની હતી? શું એ પૂરી કરવી તેઓ માટે સહેલું હતું?

તેઓએ માનતા પૂરી કરી

૫. યિફતાએ કઈ માનતા માની હતી? એનું કેવું પરિણામ આવ્યું?

યિફતા જ્યારે આમ્મોનીઓ વિરુદ્ધ લડવા ગયા ત્યારે, યહોવા આગળ તેમણે માનતા માની હતી. એ દુશ્મન દેશ પર જીત મેળવવા તેમણે યહોવાને કાલાવાલા કર્યા. (ન્યા. ૧૦:૭-૯) તેમણે માનતા લીધી કે, ‘જો તું આમ્મોનપુત્રોને મારા હાથમાં જરૂર સોંપે, તો હું શાંતિએ પાછો આવું ત્યારે એમ થશે કે મને મળવા માટે જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય.’ (ન્યા. ૧૧:૩૦-૩૪) યહોવાએ યિફતાની પ્રાર્થના સાંભળી અને તેમને જીત અપાવી. યિફતા ઘરે પહોંચ્યા ત્યારે, તેમની વહાલી દીકરી સૌથી પહેલા તેમને મળવા દોડી. માનતા પ્રમાણે હવે તેમની દીકરી ‘યહોવાની’ થઈ. એ માનતાને લીધે તેમની દીકરીનું જીવન બદલાઈ જવાનું હતું. કઈ રીતે?

૬. (ક) યિફતા અને તેમની દીકરી માટે માનતા પૂરી કરવી શું સહેલું હતું? સમજાવો. (ખ) પુનર્નિયમ ૨૩:૨૧, ૨૩ અને ગીતશાસ્ત્ર ૧૫:૪માંથી માનતા પૂરી કરવા વિશે શું શીખી શકાય?

યિફતાની માનતા પૂરી કરવા, તેમની દીકરીએ જીવનભર મુલાકાતમંડપે સેવા કરવાની હતી. શું યિફતાએ વગર વિચાર્યે માનતા લીધી હતી? ના. કદાચ તેમને ખ્યાલ હતો કે, તેમને મળવા સૌથી પહેલા તેમની દીકરી દોડી આવશે. ભલે તેમને એ વાતનો ખ્યાલ હોય કે ન હોય, પણ એક વાત ચોક્કસ હતી, એ માનતા પૂરી કરવી સહેલું ન હતું. જીત મેળવીને તે ઘરે પાછા આવ્યા ત્યારે, દીકરીને સામે આવતી જોઈને યિફતાનું દિલ તૂટી ગયું. તેમની દીકરી પણ પોતાના “કુંવારાપણાનો શોક” પાળવા લાગી. શા માટે? કારણ કે, યિફતાને કોઈ દીકરો ન હતો, અને હવે તેમની દીકરી પણ સંસાર વસાવી શકતી ન હતી. યિફતાનો વંશવેલો આગળ વધી શકતો ન હતો. જોકે, તેઓ જાણતાં હતાં કે, પોતાની લાગણીઓ કરતાં બીજું કંઈક વધારે મહત્ત્વનું છે. યિફતાએ કહ્યું: “યહોવાની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહિ.” તેમની દીકરીએ કહ્યું કે, ‘તમારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કરો.’ (ન્યા. ૧૧:૩૫-૩૯) યિફતા અને તેમની દીકરી યહોવાને વફાદાર હતાં. તેઓ સપનામાં પણ માનતા તોડવાનો વિચાર કરી શકતા ન હતા. માનતા પૂરી કરવી અઘરું હતું, છતાં તેઓએ એને પાળી.—પુનર્નિયમ ૨૩:૨૧, ૨૩; ગીતશાસ્ત્ર ૧૫:૪ વાંચો.

૭. (ક) હાન્નાએ કઈ માનતા માની હતી અને શા માટે? યહોવાએ એનો કેવો જવાબ આપ્યો? (ખ) હાન્નાની માનતાને લીધે તેમના દીકરા પર કેવી અસર થવાની હતી? (ફૂટનોટ જુઓ.)

હાન્નાએ પણ યહોવા આગળ માનતા લીધી હતી. એ સમયે તે કપરા સંજોગોનો સામનો કરી રહ્યાં હતાં. તેમને કોઈ સંતાન ન હતું. લોકોનાં મહેણાં-ટોણાંથી તેમનું કાળજું કપાઈ જતું. તે સાવ લાચાર બની ગયાં હતાં. (૧ શમૂ. ૧:૪-૭, ૧૦, ૧૬) તેમણે યહોવા આગળ દિલ ઠાલવ્યું અને માનતા માની: “હે સૈન્યોના ઈશ્વર યહોવા, જો તું આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોઈશ, મને સંભારીશ, ને તારી દાસીને વિસરીશ નહિ, પણ તારી દાસીને દીકરો આપીશ, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ, ને અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહિ.” * (૧ શમૂ. ૧:૧૧) યહોવાએ હાન્નાની પ્રાર્થના સાંભળી. એ પછીના વર્ષે હાન્નાને દીકરો થયો. તે પોતાનાં બધાં દુઃખ વીસરી ગયાં, પણ માનતા નહિ. તેમને પોતાની માનતા સારી રીતે યાદ હતી. દીકરો જન્મ્યો ત્યારે તેમણે કહ્યું: “મેં એને યહોવા પાસેથી માગી લીધો છે.”—૧ શમૂ. ૧:૨૦.

૮. (ક) માનતા પૂરી કરવી શું હાન્ના માટે સહેલું હતું? સમજાવો. (ખ) ગીતશાસ્ત્ર ૬૧ કઈ રીતે હાન્નાનો સારો દાખલો યાદ અપાવે છે?

હાન્નાનો દીકરો શમૂએલ ત્રણ વર્ષનો થયો ત્યારે, હાન્નાએ પોતાની માનતા પૂરી કરી. તે શમૂએલને શીલોહ પાસે આવેલા મુલાકાતમંડપમાં લઈ ગયાં અને પ્રમુખ યાજક એલીને કહ્યું: “આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી; અને યહોવાને જે વિનંતી કરી તે તેણે ફળીભૂત કરી છે: માટે મેં પણ એને યહોવાને આપ્યો છે; તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે.” (૧ શમૂ. ૧:૨૪-૨૮) ત્યાર બાદ, શમૂએલ જીવનભર મુલાકાત મંડપમાં રહ્યો. બાઇબલ જણાવે છે કે, “બાળક શમૂએલ યહોવાની હજૂરમાં રહીને મોટો થયો.” (૧ શમૂ. ૨:૨૧) એ માનતા ઉતારવી હાન્ના માટે સહેલી ન હતી. તે પોતાના આંખના તારાને રમાડી શકતાં ન હતાં, સમય વિતાવી શકતાં ન હતાં. પોતાના ભૂલકાંને મોટો થતા જોવાનો આનંદ એક સપનું જ રહી ગયું. સહેલું ન હતું, છતાં તેમણે યહોવા આગળ લીધેલી માનતાને ગંભીરતાથી લીધી. એ વચન પૂરું કરવા તે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતાં.—૧ શમૂ. ૨:૧, ૨; ગીતશાસ્ત્ર ૬૧:૧, ૫, વાંચો.

યહોવા આગળ લીધેલી માનતાઓ શું તમે પૂરી કરો છો?

૯. હવે આપણે શાની ચર્ચા કરીશું?

આપણે જોઈ ગયા કે, યહોવા આગળ માનતા લેવી એ ગંભીર બાબત છે. ચાલો હવે આ સવાલો પર ચર્ચા કરીએ: આજે આપણે કઈ માનતા લઈ શકીએ? માનતા પૂરી કરવા આપણે કેટલા મક્કમ હોવા જોઈએ?

સમર્પણ વખતે આપેલું વચન

સમર્પણ વખતે આપેલું વચન (ફકરો ૧૦ જુઓ)

૧૦. એક વ્યક્તિ ક્યારે પોતાના જીવનની સૌથી મહત્ત્વની માનતા લે છે? એમાં શું સમાયેલું છે?

૧૦ એક વ્યક્તિ પોતાનું જીવન યહોવાને સમર્પણ કરે છે ત્યારે, જીવનની સૌથી મહત્ત્વની માનતા લે છે. વ્યક્તિગત પ્રાર્થનામાં તે વચન આપે છે કે, તે પોતાનું જીવન ઈશ્વરની સેવામાં વિતાવશે, પછી ભલે ગમે તેવા સંજોગો આવે. એ વ્યક્તિ ઈસુના શબ્દો યાદ રાખીને “પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે” છે. એટલે કે, હવેથી તેના જીવનમાં યહોવાની ઇચ્છા પ્રથમ સ્થાને હશે. (માથ. ૧૬:૨૪) સમર્પણ કરીએ ત્યારથી જ આપણે “યહોવાના” થઈએ છીએ, તે આપણા માલિક બને છે. (રોમ. ૧૪:૮) એ વચનને આપણે ગંભીરતાથી લઈએ છીએ. આપણે ગીતકર્તા જેવું અનુભવીએ છીએ: “હું યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેને શો બદલો આપું? યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેના સર્વ લોકની સમક્ષ પૂરી કરીશ.”—ગીત. ૧૧૬:૧૨, ૧૪.

૧૧. બાપ્તિસ્માના દિવસે શું જાહેર થયું?

૧૧ શું તમે તમારું જીવન યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે? જો એમ કર્યું હોય, તો એ પ્રશંસનીય છે. સમર્પણ પ્રવચન વખતે પૂછેલા આ સવાલો કદાચ તમને યાદ હશે: શું તમે યહોવાને સમર્પણ કર્યું છે? અને શું તમે એ સમજો છો કે સમર્પણ અને બાપ્તિસ્મા લેવાથી તમે યહોવાના સાક્ષી કહેવાશો? તમે કહ્યું હતું, “હા.” એ જવાબથી જાહેર થયું કે, તમે યહોવાને જીવન સમર્પણ કર્યું છે અને બાપ્તિસ્મા લઈને યહોવાના સેવક બનવા યોગ્ય છો. તમારા એ નિર્ણયથી યહોવા કેટલા ખુશ થયા હશે!

૧૨. (ક) આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ? (ખ) પ્રેરિત પીતરે આપણને કેવા ગુણો કેળવવા ઉત્તેજન આપ્યું છે?

૧૨ બાપ્તિસ્મા લઈને તમે યહોવાને વચન આપ્યું હતું કે, તમે જીવનભર તેમની સેવા કરશો અને તેમના સિદ્ધાંતોને વળગી રહેશો. પણ, બાપ્તિસ્મા તો બસ એક શરૂઆત હતી. સમયે સમયે આપણે દરેકે પોતાની તપાસ કરવાની જરૂર છે. આ સવાલો પર વિચાર કરી શકીએ: “બાપ્તિસ્મા લીધું ત્યારથી લઈને આજ સુધી યહોવા સાથેનો મારો સંબંધ કેટલો ગાઢ થયો છે? શું હું આજે પણ પૂરા દિલથી તેમની ભક્તિ કરું છું? (કોલો. ૩:૨૩) હું કેટલી વાર તેમને પ્રાર્થના કરું છું? શું દરરોજ બાઇબલ વાંચું છું? શું નિયમિત રીતે સભાઓમાં જઉં છું? શું ઉત્સાહથી પ્રચાર કરું છું? કે પછી આ બધું કરવામાં હવે મને કંટાળો આવે છે?” પ્રેરિત પીતરે ચેતવણી આપી હતી કે, ધ્યાન નહિ રાખીએ તો યહોવાની સેવામાં મંદ પડી જઈશું. પણ, જો શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ધીરજમાં અને ભક્તિભાવમાં વધતા જઈશું, તો આપણો ઉત્સાહ જળવાઈ રહેશે.—૨ પીતર ૧:૫-૮ વાંચો.

૧૩. આપણે બધાએ શું યાદ રાખવાની જરૂર છે?

૧૩ યહોવાની સેવા કરવાની માનતા લીધા પછી, પાછી પાની કરી શકાતી નથી. કોઈ વ્યક્તિ યહોવાની સેવામાં ઠંડી પડી જાય અથવા તેમનાં ધોરણો પાળવાનું છોડી દે ત્યારે, એમ નથી કહી શકતી કે, “મેં યહોવાને સમર્પણ કર્યું જ ન હતું, એટલે મારું બાપ્તિસ્મા ખરેખર તો બાપ્તિસ્મા કહેવાય જ નહિ.” * જો કોઈ સમર્પિત વ્યક્તિ ગંભીર પાપ કરે, તો તેણે યહોવાને અને મંડળને હિસાબ આપવો પડશે. (રોમ. ૧૪:૧૨) ઈસુએ અમુક લોકો વિશે કહ્યું હતું: “તારામાં પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી.” આપણે એ લોકો જેવા બનવા માંગતા નથી, ખરું ને? એના બદલે, આપણે એવું જીવન જીવવા ચાહીએ છીએ જેથી ઈસુ આપણા વિશે કહે કે, “તારાં કાર્યો, તારો પ્રેમ, તારી શ્રદ્ધા, તારી સેવા અને તારી સહનશક્તિ હું જાણું છું; તારાં હમણાંનાં કાર્યો અગાઉનાં કરતાં વધારે છે.” (પ્રકટી. ૨:૪, ૧૯) સમર્પણ પ્રમાણે જીવીને આપણે યહોવાના દિલને ખુશ કરવા ચાહીએ છીએ.

લગ્ન વખતે આપેલું વચન

લગ્ન વખતે આપેલું વચન (ફકરો ૧૪ જુઓ)

૧૪. બીજું સૌથી મહત્ત્વનું વચન કયું છે? શા માટે?

૧૪ લગ્ન એક પવિત્ર બંધન છે. એટલે, વ્યક્તિ લગ્ન કરે છે ત્યારે, જીવનની બીજી સૌથી મહત્ત્વની માનતા લે છે. એ માનતાને યહોવા ખૂબ ગંભીર ગણે છે. વર અને કન્યા લગ્નના દિવસે યહોવા અને હાજર લોકોની સાક્ષીમાં સોગંદ ખાય છે. તેઓ વચન લેતા હોય છે કે, તેઓ જીવશે ત્યાં સુધી, પવિત્ર શાસ્ત્રમાં બતાવેલા નિયમ અનુસાર એકબીજાને પ્રેમ કરશે અને ઊંડો આદર આપશે. અમુક જગ્યાએ યુગલો ભલે આ જ શબ્દો કહેતા ન હોય, પણ યહોવા આગળ સોગંદ જરૂર ખાય છે. એ પછી તેઓ પતિ-પત્ની બને છે. લગ્નબંધન જીવનભરનું બંધન છે. (ઉત. ૨:૨૪; ૧ કોરીં. ૭:૩૯) એટલે જ તો ઈસુએ કહ્યું હતું: “ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.” તેથી, કોઈ પણ યુગલે એમ ન વિચારવું જોઈએ કે, લગ્નમાં સમસ્યાઓ ઊભી થાય તો એ બંધન તોડી શકાય છે, છૂટાછેડા લઈ શકાય છે.—માર્ક ૧૦:૯.

૧૫. લગ્ન પ્રત્યે આપણું વલણ શા માટે દુનિયાના લોકો કરતાં અલગ હોવું જોઈએ?

૧૫ લગ્નબંધન બે અપૂર્ણ વ્યક્તિઓનું મિલન છે. તેથી, કોઈ પણ લગ્ન સંપૂર્ણ હોતું નથી. બાઇબલ જણાવે છે કે, લગ્નજીવનમાં “તકલીફો આવશે જ.” (૧ કોરીં. ૭:૨૮) આજે, ઘણા લોકો લગ્નને મજાક ગણે છે. તેઓને લાગે છે કે, જો ગાડી પાટા પર ન દોડે, તો લગ્નની સફર અધવચ્ચે છોડી દેવાની. પરંતુ, યહોવાના સેવકો એવું વિચારતા નથી. તેઓને ખ્યાલ છે કે, તેઓએ યહોવાની સાક્ષીમાં લગ્નના સોગંદ લીધા હતા. જો એને તોડે, તો યહોવા આગળ જૂઠું બોલ્યા બરાબર ગણાશે અને યહોવા જૂઠું બોલનારને ધિક્કારે છે. (લેવી. ૧૯:૧૨; નીતિ. ૬:૧૬-૧૯) યુગલોએ પ્રેરિત પાઊલના આ શબ્દો યાદ રાખવા જોઈએ: “શું તારી પત્ની છે? તો તું જુદા થવાનો પ્રયત્ન ન કર.” (૧ કોરીં. ૭:૨૭) પાઊલ એવું કહી શક્યા, કારણ કે તે જાણતા હતા કે કપટથી લીધેલા છૂટાછેડાને યહોવા ધિક્કારે છે.—માલા. ૨:૧૩-૧૬.

૧૬. છૂટાછેડા અને અલગ થવા વિશે બાઇબલ શું કહે છે?

૧૬ ઈસુએ શીખવ્યું હતું કે, છૂટાછેડા માટેનું એકમાત્ર કારણ છે, વ્યભિચાર. જો એક લગ્નસાથી વ્યભિચાર કરે અને નિર્દોષ સાથી તેને માફ કરવાનો નકાર કરે, તો શાસ્ત્ર નિર્દોષ સાથીને છૂટાછેડા આપવાની મંજૂરી આપે છે. (માથ. ૧૯:૯; હિબ્રૂ. ૧૩:૪) પરંતુ, અલગ થવા વિશે શું? એ વિશે શાસ્ત્રની માહિતી સ્પષ્ટ છે. શાસ્ત્ર વ્યક્તિને અલગ થવા ઉત્તેજન આપતું નથી. (૧ કોરીંથીઓ ૭:૧૦, ૧૧ વાંચો.) જોકે, અમુક સંજોગોમાં વ્યક્તિને લાગી શકે કે, અલગ થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. દાખલા તરીકે, લગ્નસાથીના હિંસક વલણને લીધે જીવન ખતરામાં હોય અથવા સખત વિરોધને લીધે યહોવા સાથેનો સંબંધ જોખમમાં આવી પડે ત્યારે તે કદાચ અલગ થવાનો નિર્ણય લે. *

૧૭. લગ્ન ટકાવી રાખવા ખ્રિસ્તી યુગલો શું કરી શકે?

૧૭ લગ્નજીવનમાં આવતી સમસ્યાનો ઉકેલ લાવવા જો કોઈ યુગલ સલાહ માંગે, તો વડીલો શું કરી શકે? વડીલો તેઓને સાચો પ્રેમ કોને કહેવાય? વીડિયો જોવાનું અને કુટુંબ સુખી બનાવો પુસ્તિકાનો અભ્યાસ કરવાનું ઉત્તેજન આપી શકે. એ સાહિત્યમાં બાઇબલના એવા સિદ્ધાંતો આપ્યા છે, જે લગ્નને મજબૂત બનાવવા મદદ કરે છે. એક યુગલે જણાવ્યું: ‘આ પુસ્તિકાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી અમારું લગ્નજીવન વધારે સુખી બન્યું છે.’ બીજા એક બહેનનો વિચાર કરો. તેમને લાગ્યું કે ૨૨ વર્ષનું તેમનું લગ્નજીવન, હવે તૂટવાની અણીએ છે. વીડિયો જોયા પછી તેમણે કહ્યું: ‘અમે બંને યહોવાના સેવકો છીએ. પણ, અમારી લાગણીઓમાં આભ-જમીનનો ફરક. ખરા સમયે આ વીડિયો આવ્યો! હવે અમે એકબીજાની વધુ નજીક આવ્યા છીએ અને અમારું લગ્નજીવન મજબૂત બન્યું છે.’ સ્પષ્ટ છે કે, પતિ અને પત્ની જો યહોવાના સિદ્ધાંતો પાળે, તો તેઓનું લગ્નજીવન મજબૂત અને ખુશહાલ બનશે.

પૂરા સમયના સેવકોએ આપેલું વચન

૧૮, ૧૯. (ક) ઘણાં માતા-પિતાએ પોતાનાં બાળકોને કેવું ઉત્તેજન આપ્યું છે? (ખ) પૂરા સમયની ખાસ સેવામાં જોડાયેલાં ભાઈ-બહેનો કેવી માનતા લે છે?

૧૮ આપણે યિફતા અને હાન્નાની માનતા વિશે જોઈ ગયા. તેઓની માનતાને લીધે તેઓનાં બાળકોએ પોતાનું જીવન યહોવાની ખાસ સેવામાં વિતાવ્યું. આજે, ઘણાં માતા-પિતા પોતાનાં બાળકોને પૂરા સમયની સેવા કરવા અને એ સેવામાં પૂરું મન લગાવવા ઉત્તેજન આપે છે. એ બાળકો પૂરા સમયની સેવા ચાલુ રાખી શકે માટે, આપણે બધાએ તેઓને ઉત્તેજન આપવું જોઈએ અને તેઓની ‘પ્રશંસા’ કરવી જોઈએ.—ન્યા. ૧૧:૪૦, NW; ગીત. ૧૧૦:૩.

પૂરા સમયના સેવકોએ આપેલું વચન (ફકરો ૧૯ જુઓ)

૧૯ આજે દુનિયા ફરતે ૬૭,૦૦૦ યહોવાના સેવકો પૂરા સમયની ખાસ સેવા કરી રહ્યા છે. એ ભાઈ-બહેનો બેથેલમાં, બાંધકામમાં કે સરકીટ કામમાં સેવા આપે છે. બીજાં કેટલાંક ખાસ પાયોનિયરો, મિશનરી, એસેમ્બલી હૉલ સર્વન્ટ, બાઇબલ સ્કૂલ ફેસિલિટી સર્વન્ટ કે સંગઠનની શાળાઓમાં શિક્ષકો તરીકે સેવા આપે છે. એ દરેક ભાઈ-બહેનોએ સંગઠનને આધીન રહેવાની અને જીવન સાદું રાખવાની માનતા લીધી છે. એ મુજબ તેઓ વચન આપે છે કે, યહોવાની સેવામાં કોઈ પણ સોંપણી મળશે એમાં તનતોડ મહેનત કરશે, જીવન સાદું રાખશે અને મંજૂરી વગર કોઈ નોકરી-ધંધો નહિ કરશે. યાદ રાખો, એ સેવકો નહિ પણ તેઓની સોંપણીઓ ખાસ છે. પૂરા સમયની ખાસ સેવામાં લાગુ રહે ત્યાં સુધી તેઓ પોતાની માનતા મુજબ જીવવા મક્કમ છે.

૨૦. યહોવા આગળ લીધેલી માનતાને આપણે કેવી ગણવી જોઈએ? શા માટે?

૨૦ આ લેખમાં આપણે એવી ત્રણ માનતાઓ વિશે જોઈ ગયા, જે યહોવાના સેવકો લે છે. આમાંની અમુક માનતા કદાચ તમે પણ લીધી હશે. આપણે જાણીએ છીએ કે, માનતાને ગંભીર બાબત ગણવી જોઈએ અને એને પૂરી કરવા બનતું બધું કરવું જોઈએ. (નીતિ. ૨૦:૨૫) જો આપણે યહોવા આગળ લીધેલી માનતા તોડીએ, તો એનાં ગંભીર પરિણામો આવી શકે છે. (સભા. ૫:૬) તેથી, ચાલો ગીતકર્તા જેવું વલણ બતાવીએ જેમણે યહોવાને કહ્યું હતું: ‘દરરોજ મારી માનતાઓ પૂરી કરવા માટે હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.’—ગીત. ૬૧:૮.

^ ફકરો. 7 હાન્નાએ યહોવાને વચન આપ્યું હતું કે, જો તેમને દીકરો અવતરશે, તો તે દીકરો જીવનભર નાજીરી રહેશે. એનો અર્થ થાય કે, એ દીકરો યહોવાને અર્પિત હશે અને યહોવાની સેવા માટે તેને અલગ કરવામાં આવશે.—ગણ. ૬:૨, ૫,.

^ ફકરો. 13 કોઈ વ્યક્તિને બાપ્તિસ્મા માટે યોગ્ય ઠરાવતા પહેલાં વડીલો એ વ્યક્તિ જોડે ઘણાં પાસાઓની ચર્ચા કરે છે. એટલે, ભાગ્યે જ એવું બને કે કોઈ વ્યક્તિનું બાપ્તિસ્મા અયોગ્ય ઠરે.

^ ફકરો. 16 ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકના પાન ૨૫૧-૨૫૩ જુઓ.