સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“આનંદથી યહોવાની સેવા” કરવા ‘પરદેશીઓને’ મદદ કરો

“આનંદથી યહોવાની સેવા” કરવા ‘પરદેશીઓને’ મદદ કરો

“યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે.”—ગીત. ૧૪૬:૯.

ગીતો: ૨૫, ૫૦

૧, ૨. (ક) આપણાં અમુક ભાઈ-બહેનો કેવા પડકારોનો સામનો કરે છે? (ખ) કયા સવાલો ઊભા થાય છે?

ભાઈ લીજે જણાવે છે: ‘બુરુન્ડીમાં અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી ત્યારે, અમારું કુટુંબ સંમેલનમાં હતું. અમે જોયું કે લોકો નાસભાગ કરી રહ્યા હતા અને ગોળીબાર થઈ રહ્યો હતો. મારાં માતા-પિતા અને અમે ૧૧ ભાઈ-બહેનો અમારો જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા. અમે થોડો ઘણો સામાન જ લઈ શક્યા. કુટુંબના અમુક સભ્યો ૧,૬૦૦ કિલોમીટર દૂર આવેલી મલાવીની શરણાર્થી છાવણીએ માંડ માંડ પહોંચ્યા. બાકીના સભ્યો આમતેમ વિખેરાઈ ગયા.’

યુદ્ધ અને સતાવણીને લીધે આજે ૬ કરોડ પ૦ લાખ કરતાં વધુ લોકોએ શરણાર્થીઓ તરીકે રહેવું પડે છે. એ આજ સુધીનો સૌથી મોટો આંકડો છે. * એમાંના હજારો શરણાર્થીઓ યહોવાના સાક્ષીઓ છે. ઘણાએ પોતાના સ્નેહીજનો અને પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. જરા વિચારો, આપણાં શરણાર્થી ભાઈ-બહેનોએ કેવા પડકારોનો સામનો કરે છે? મુશ્કેલીઓ છતાં તેઓ “આનંદથી યહોવાની સેવા” કરી શકે માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ? (ગીત. ૧૦૦:૨) અને જે શરણાર્થીઓએ ક્યારેય યહોવા વિશે સાંભળ્યું નથી, તેઓને ખુશખબર જણાવવાની સૌથી સારી રીત કઈ છે?

શરણાર્થીઓનું જીવન

૩. કઈ રીતે ઈસુ અને તેમના અનેક શિષ્યોએ શરણાર્થીઓ તરીકે રહેવું પડ્યું હતું?

ઈસુ અને તેમનાં માતા-પિતાએ પણ શરણાર્થીઓ તરીકે રહેવું પડ્યું હતું. યહોવાના દૂતે યુસફને ચેતવ્યા કે, રાજા હેરોદ ઈસુને મારી નાખવા ચાહે છે. એટલે, તેઓ ઇજિપ્ત નાસી ગયાં. હેરોદના મૃત્યુ સુધી તેઓ ત્યાં જ રહ્યાં. (માથ. ૨:૧૩, ૧૪, ૧૯-૨૧) પછીથી, ઈસુના શિષ્યો પર સતાવણી થઈ ત્યારે તેઓ “યહુદિયા અને સમરૂનના પ્રદેશોમાં બધી બાજુ વિખેરાઈ ગયા.” (પ્રે.કા. ૮:૧) ઈસુ જાણતા હતા કે, તેમના અનેક અનુયાયીઓને પોતાનું ઘર છોડવા પર મજબૂર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું: “તેઓ એક શહેરમાં તમારી સતાવણી કરે ત્યારે, બીજા શહેરમાં નાસી જાઓ.” (માથ. ૧૦:૨૩) કોઈ પણ કારણ હોય, ઘર છોડીને જવું સહેલું નથી હોતું.

૪, ૫. (ક) ઘર છોડીને જતા હોય ત્યારે શરણાર્થીઓએ કેવા ખતરાનો સામનો કરવો પડે છે? (ખ) શરણાર્થી છાવણીમાં કેવાં જોખમો હોય છે?

શરણાર્થીઓ પોતાનું ઘર છોડીને જતા હોય અથવા શરણાર્થી છાવણીમાં રહેતા હોય ત્યારે, તેઓએ અનેક જોખમોનો સામનો કરવો પડે છે. લીજેના નાના ભાઈ ગાદ કહે છે: ‘અમે દિવસોના દિવસો ચાલતાં રહ્યાં અને સેંકડો મૃતદેહો પાસેથી પસાર થયાં. હું ફક્ત ૧૨ વર્ષનો હતો. મારા પગે એટલા સોજા ચઢી ગયા હતા કે મેં કહ્યું, મને છોડીને આગળ જાઓ. પણ પપ્પા ચાહતા ન હતા કે હું બળવાખોરોનો ભોગ બનું. એટલે તે મને ઊંચકીને ચાલતા રહ્યા. અમે જેમ-તેમ દિવસો પસાર કર્યા. અમુક વાર રસ્તામાં ઊગેલા આંબા પરથી કેરીઓ ખાઈને દિવસ કાઢતાં. ચિંતામાં ડૂબી ન જઈએ માટે અમે પ્રાર્થના કરતાં અને યહોવા પર ભરોસો રાખતાં.’—ફિલિ. ૪:૧૨, ૧૩.

લીજેના મોટા ભાગના કુટુંબીજનોએ સંયુક્ત રાષ્ટ્રએ બનાવેલી છાવણીમાં વર્ષો કાઢ્યાં છે. ત્યાં પણ તેઓ જોખમોથી ઘેરાયેલાં હતાં. ભાઈ લીજે અત્યારે સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપે છે. તે કહે છે: ‘મોટા ભાગના લોકો બેરોજગાર હતા. તેઓ કુથલી કરતા, દારૂ પીતા, જુગાર રમતા, ચોરી કરતા અને અનૈતિક જીવન જીવતા.’ એ ખરાબ અસરોથી બચવા જરૂરી હતું કે શરણાર્થી ભાઈ-બહેનો મંડળના કામમાં વ્યસ્ત રહે. (હિબ્રૂ. ૬:૧૧, ૧૨; ૧૦:૨૪, ૨૫) તેઓએ એમ જ કર્યું. તેઓએ સમયનો સારો ઉપયોગ કર્યો અને પોતાને શ્રદ્ધામાં મજબૂત કર્યા. અમુકે પાયોનિયરીંગ શરૂ કર્યું. તેઓએ યાદ રાખ્યું કે, વર્ષો સુધી ઇઝરાયેલીઓ અરણ્યમાં ભટક્યા હતા, પણ એક દિવસે એ રઝળપાટનો અંત આવ્યો. એવી જ રીતે, શરણાર્થી તરીકેના તેઓના જીવનનો પણ એક દિવસે અંત આવશે. એ યાદ રાખવાથી ભાવિની ઉજ્જવળ આશાને તેઓ દૃઢતાથી પકડી રાખી શક્યા.—૨ કોરીં. ૪:૧૮.

તેઓને પ્રેમ બતાવો

૬, ૭. (ક) ‘ઈશ્વર માટેનો પ્રેમ’ આપણને કઈ પ્રેરણા આપે છે? (ખ) એક દાખલો આપો.

‘ઈશ્વર માટેનો પ્રેમ’ આપણને ભાઈ-બહેનો પર પ્રેમ રાખવા પ્રેરે છે. ખાસ તો, એવાં ભાઈ-બહેનો પર જેઓ મુશ્કેલ સંજોગોનો સામનો કરી રહ્યાં છે. (૧ યોહાન ૩:૧૭, ૧૮ વાંચો.) પ્રથમ સદીનો વિચાર કરો. દુકાળને લીધે યહુદિયાનાં ભાઈ-બહેનોને અનાજની જરૂર પડી ત્યારે, મંડળે તેઓને મદદ કરવા ગોઠવણ કરી. (પ્રે.કા. ૧૧:૨૮, ૨૯) પ્રેરિત પાઊલ અને પીતરે ભાઈ-બહેનોને પરોણાગત કરવા ઉત્તેજન આપ્યું હતું. (રોમ. ૧૨:૧૩; ૧ પીત. ૪:૯) આપણને પણ ઉત્તેજન આપવામાં આવ્યું છે કે, પરદેશી ભાઈ-બહેનોને મદદ કરીએ. તો વિચારો, જેઓ જોખમો અને સતાવણીનો સામનો કરી રહ્યા છે, તેઓને દયા બતાવવી કેટલી વધારે જરૂરી છે!—નીતિવચનો ૩:૨૭ વાંચો. *

તાજેતરનાં વર્ષોમાં, પૂર્વીય યુક્રેઇનમાં થયેલાં યુદ્ધ અને સતાવણીને લીધે હજારો ભાઈ-બહેનોએ ઘર છોડવું પડ્યું છે, કેટલાકે જીવ ગુમાવ્યો છે. પરંતુ, મોટા ભાગના શરણાર્થીઓનો યુક્રેઇનના બીજા વિસ્તારોનાં અને રશિયાનાં ભાઈ-બહેનોએ આવકાર કર્યો છે. તેઓએ પોતાના ઘર અને દિલના દરવાજા ખુલ્લા રાખ્યા છે. એ શરણાર્થી ભાઈ-બહેનોએ શ્રદ્ધામાં અડગ રહીને સાબિત કર્યું છે કે, તેઓ “દુનિયાના નથી.” તેઓ પૂરા ઉત્સાહથી “ઈશ્વરના સંદેશાની ખુશખબર જાહેર કરતા” રહ્યા છે.—યોહા. ૧૫:૧૯; પ્રે.કા. ૮:૪.

શ્રદ્ધા મક્કમ કરવા તેઓને મદદ કરો

૮, ૯. (ક) નવા દેશમાં શરણાર્થીઓ સામે કેવા પડકારો ઊભા થઈ શકે? (ખ) તેઓને શા માટે ધીરજ રાખીને મદદ કરવી જોઈએ?

અમુક શરણાર્થીઓને પોતાના જ દેશના બીજા ખૂણે જઈને વસવું પડે છે. અમુકે અજાણ્યા દેશમાં જવું પડે છે. ખરું કે, સરકાર તેઓ માટે ખોરાક, કપડાં અને રહેવાની વ્યવસ્થા કરે છે, છતાં પડકારો તો રહે જ છે. દાખલા તરીકે, તેઓએ એવા ખોરાકથી ટેવાવું પડે છે, જે તેઓએ પહેલાં ક્યારેય ખાધો નથી. ગરમ પ્રદેશમાંથી આવેલા શરણાર્થીઓને કદાચ ખ્યાલ ન હોય કે ઠંડીથી બચવા કેવાં કપડાં પહેરવાં જોઈએ. અમુકે કદાચ આધુનિક સાધનો વાપરવાનું શીખવું પડે.

શરણાર્થીઓ નવા દેશમાં પોતાને ઢાળી શકે માટે સરકાર અમુક ગોઠવણો કરતી હોય છે. પરંતુ, ઘણી વાર શરણાર્થીઓ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ અમુક મહિનાઓમાં પગભર થઈ જાય. જરા વિચારો, એકસાથે તેઓએ કેટલાં પાસાઓ પર કામ કરવાનું હોય છે. નવી ભાષા શીખવાની છે, નવા કાયદા અપનાવવાના છે, સમયના પાબંદ બનવાનું છે, નિયમ મુજબ કરવેરા અને બીલ ભરવાનાં છે તેમજ સ્થાનિક રીતભાત પ્રમાણે બાળકોને શિસ્ત આપવાની છે. એ સહેલું નથી. શું એવા પડકારોનો સામનો કરતાં ભાઈ-બહેનોને તમે ધીરજ ધરીને અને તેઓનું માન જાળવીને મદદ કરશો?—ફિલિ. ૨:૩, ૪.

૧૦. શરણાર્થીઓ આવે ત્યારે તેઓની શ્રદ્ધા મક્કમ બનાવવા આપણે શું કરી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૦ અમુક વાર સત્તાધીશો શરણાર્થીઓનું જીવન અઘરું બનાવી દે છે. તેઓ શરણાર્થીઓને સ્થાનિક મંડળનો સંપર્ક કરવાથી રોકે છે. અમુક સરકારી સંસ્થાઓ ધમકી આપે છે કે, જો તેઓ આધીન નહિ રહે તો મદદ આપવાની બંધ કરી દેશે. તેઓ કદાચ કહે, “સભાનું બહાનું કાઢીને જો કોઈ નોકરીનો અસ્વીકાર કર્યો, તો દેશમાંથી તગેડી મૂકીશું.” ડર અને લાચારીને કારણે અમુક શરણાર્થી ભાઈ-બહેનોએ એવી નોકરીનો સ્વીકાર કર્યો છે. તેથી, ખૂબ જરૂરી છે કે એવાં ભાઈ-બહેનો આપણા દેશમાં આવે ત્યારે, તેઓને મળવા તરત જોગવાઈ કરીએ. તેઓને મહેસૂસ કરાવીએ કે આપણને તેઓની ખૂબ ચિંતા છે. આપણી મદદ અને હૂંફ મેળવીને તેઓની શ્રદ્ધા મક્કમ થશે.—નીતિ. ૧૨:૨૫; ૧૭:૧૭.

તેઓને મદદ કરો

૧૧. (ક) શરણાર્થીઓને સૌથી પહેલા શાની જરૂર પડી શકે? (ખ) તેઓ કઈ રીતે કદર બતાવી શકે?

૧૧ સૌથી પહેલા, એ ભાઈ-બહેનો માટે આપણે અન્ન-વસ્ત્ર અને બીજી પ્રાથમિક જરૂરિયાતોની જોગવાઈ કરવી જોઈએ. * એક નાની અમથી ભેટ, જેમ કે ટાઈ કે પેન આપવાથી પણ તેઓના ચહેરા પર સ્મિત આવી શકે છે. ખરું કે, શરણાર્થીઓ પણ વધુ પડતી અપેક્ષા રાખશે નહિ અને ભાઈ-બહેનો જે કંઈ કરે છે એ માટે કદર બતાવશે. એનાથી, મદદ કરનાર ભાઈ-બહેનો ખુશ થશે. જરૂરી છે કે, શરણાર્થીઓ સમય જતાં પોતાની જરૂરિયાતો જાતે પૂરી કરે. આમ, તેઓ પોતાનું માન જાળવી શકશે અને ભાઈ-બહેનો સાથે સારા સંબંધો કેળવી શકશે. (૨ થેસ્સા. ૩:૭-૧૦) એમાં કોઈ શંકા નથી કે તેઓને આપણી મદદની જરૂર છે.

શરણાર્થી ભાઈ-બહેનોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? (ફકરા ૧૧-૧૩ જુઓ)

૧૨, ૧૩. (ક) આપણે શરણાર્થીઓને કેવી મદદ આપી શકીએ? (ખ) એક દાખલો આપો.

૧૨ શરણાર્થીઓને મદદ કરવા બહુ પૈસાની જરૂર નથી. તેઓને સૌથી વધુ આપણા પ્રેમ અને સમયની જરૂર છે. દાખલા તરીકે, જાહેર વાહનવ્યવહાર વિશે તેમજ સારો અને સસ્તો ખોરાક ક્યાંથી મળશે એ જણાવી શકાય. ગુજરાન ચલાવવા તેઓને સીવણ મશીન અથવા ઈસ્ત્રી જેવાં સાધનો ક્યાંથી મળશે એ બતાવી શકાય. સૌથી મહત્ત્વનું તો, તેઓને મંડળનો ભાગ બનવા મદદ કરી શકાય. શક્ય હોય તો, તમે તેઓને સભામાં સાથે લઈ જવાનો પ્રબંધ કરી શકો. સ્થાનિક વિસ્તારમાં પ્રચાર કરવાની સૌથી સરળ રીત શીખવી શકો અને સાથે પ્રચાર કરી શકો.

૧૩ એક મંડળમાં ચાર યુવાન ભાઈઓ શરણાર્થીઓ તરીકે આવ્યા ત્યારે, અનેક વડીલોએ તેઓને મદદ કરી. તેઓને કાર ચલાવવાનું, ટાઈપ કરવાનું અને નોકરી માટે અરજી કરવાનું શીખવ્યું. યહોવાની સેવાને પ્રથમ સ્થાને મૂકી શકે માટે તેઓને સમયનો સારો ઉપયોગ કરતા શીખવ્યું. (ગલા. ૬:૧૦) થોડા જ સમયમાં, એ ચારેય ભાઈઓ પાયોનિયર બન્યા. યહોવાની સેવામાં સારા ધ્યેયો બાંધવાથી અને વડીલોની મદદથી તેઓએ પ્રગતિ કરી અને શેતાનની દુનિયાનો ભાગ બનવાથી દૂર રહ્યા.

૧૪. (ક) શરણાર્થીઓએ કઈ લાલચોથી દૂર રહેવું જોઈએ? (ખ) એક દાખલો આપો.

૧૪ બીજા ઈશ્વરભક્તોની જેમ, શરણાર્થીઓએ પણ યહોવા સાથેના સંબંધને પ્રથમ સ્થાને રાખવાનો છે. તેઓએ પૈસા કમાવવાની લાલચ કે દબાણનો સામનો કરતા રહેવાનું છે. * આપણે લીજે વિશે અગાઉ વાત કરી હતી. તે અને તેમનું કુટુંબ ઘર છોડીને નાસી રહ્યું હતું ત્યારે, તેમના પપ્પાએ શ્રદ્ધામાં દૃઢ રહેવા વિશે એક બોધપાઠ શીખવ્યો હતો. એને યાદ કરતા તેઓ કહે છે: ‘પપ્પાએ બિનજરૂરી સામાનને એક પછી એક ફેંકી દીધો. છેવટે, તેમણે ખાલી થેલો ઉઠાવ્યો અને સ્મિત સાથે કહ્યું: “જોયું? આપણને બસ આટલાની જ જરૂર છે!”’—૧ તિમોથી ૬:૮ વાંચો.

સૌથી મહત્ત્વની જરૂરિયાતો પૂરી પાડીએ

૧૫, ૧૬. (ક) શરણાર્થીઓની શ્રદ્ધા મક્કમ કરવા આપણે શું કરી શકીએ? (ખ) તેઓને કઈ રીતે દિલાસો આપી શકીએ?

૧૫ શરણાર્થીઓને બાઇબલમાંથી દિલાસો અને ઉત્તેજન આપવું સૌથી મહત્ત્વનું છે. (માથ. ૪:૪) વડીલો તેઓની ભાષામાં સાહિત્ય પહોંચતું કરવા પ્રબંધ કરી શકે અને તેઓની ભાષા બોલતાં ભાઈ-બહેનોનો ભેટો કરાવી શકે. એ ખૂબ જરૂરી છે, કારણ કે તેઓ પોતાના સમાજ, મંડળ અને કુટુંબથી વિખૂટા પડી ગયા છે. તેઓને એ બધાની ખોટ સાલતી હશે. તેથી, ભાઈ-બહેનો મધ્યે તેઓને યહોવાનાં પ્રેમ અને કરુણાનો અનુભવ થાય એ જરૂરી છે. જો આપણે મદદ નહિ કરીએ, તો તેઓ કદાચ એવા લોકો પાસે મદદ માંગશે જેઓ તેઓના દેશના તો છે, પણ યહોવાને ભજતા નથી. (૧ કોરીં. ૧૫:૩૩) તેઓને મંડળની નજીક લાવીને આપણે યહોવાની જેમ એ “પરદેશીઓનું રક્ષણ” કરીએ છીએ.—ગીત. ૧૪૬:૯.

૧૬ રાજા હેરોદ સત્તામાં હતો ત્યાં સુધી ઈસુ અને તેમનું કુટુંબ પાછા ઘરે જઈ શક્યા નહિ. એવાં જ કારણોને લીધે શરણાર્થીઓ કદાચ પાછા ઘરે ન જઈ શકે. અમુક કદાચ જવા માંગતા ન હોય. ભાઈ લીજે જણાવે છે કે, ‘ઘણાં માતા-પિતાએ કુટુંબીજનો પર બળાત્કાર થતા અને તેઓને મોતને ભેટતા જોયા હતા. તેઓ બાળકોને પાછા એ દેશમાં લઈ જવા ચાહતા નથી.’ એવાં ભાઈ-બહેનો માટે આપણે “સુખ-દુઃખના સાથી, ભાઈ જેવો પ્રેમ રાખનારા, માયાળુ અને નમ્ર” બનવાની જરૂર છે. (૧ પીત. ૩:૮) સતાવણીને લીધે અમુક શરણાર્થીઓ બીજાઓ સાથે હળવા-મળવાનું ટાળે છે. બીજાઓ આગળ દિલ ઠાલવતા તેઓને શરમ આવે છે, ખાસ તો તેઓનાં બાળકો આસપાસ હોય ત્યારે. તમે પોતાને આ સવાલ પૂછી શકો: “જો મારા પર એવું વીતે, તો હું બીજાઓ પાસે કેવા વર્તનની અપેક્ષા રાખીશ?”—માથ. ૭:૧૨.

બીજા શરણાર્થીઓને પ્રચાર કરીએ ત્યારે

૧૭. આપણા પ્રચારકામથી શરણાર્થીઓને કઈ રીતે દિલાસો મળે છે?

૧૭ અમુક શરણાર્થીઓ એવા દેશોમાંથી આવે છે, જ્યાં આપણા પ્રચારકામ પર રોક છે. પરંતુ, ઉત્સાહી સાક્ષીઓને લીધે હજારો શરણાર્થીઓને પહેલી વાર “રાજ્યનો સંદેશો” જાણવાની તક મળી છે. (માથ. ૧૩:૧૯, ૨૩) ‘બોજથી દબાયેલા’ બીજા ઘણા લોકોને સભાઓમાં આવીને સાચો દિલાસો અને રાહત મળ્યાં છે. તેઓ બોલી ઊઠે છે: “ઈશ્વર સાચે જ તમારી વચ્ચે છે.”—માથ. ૧૧:૨૮-૩૦; ૧ કોરીં. ૧૪:૨૫.

૧૮, ૧૯. શરણાર્થીઓને મદદ કરતી વખતે કઈ રીતે સમજી-વિચારીને વર્તી શકીએ?

૧૮ શરણાર્થીઓને પ્રચાર કરતી વખતે સમજી-વિચારીને વર્તવાની જરૂર છે. (માથ. ૧૦:૧૬; નીતિ. ૨૨:૩) તેઓ પોતાની આપવીતી સુણાવે ત્યારે, ધીરજથી તેઓનું સાંભળો. રાજકારણ વિશે કોઈ ટીકા કરશો નહિ. શાખા કચેરી અને સ્થાનિક અધિકારીઓ તરફથી મળતાં સૂચનો પાળો, જેથી આપણે કે બીજાઓ જોખમમાં ન મુકાઈએ. યાદ રાખો, શરણાર્થીઓનો ધર્મ અને સંસ્કૃતિ અલગ છે. તેથી, તેઓનાં વિચારો અને લાગણીઓને માન આપતા શીખો. દાખલા તરીકે, અમુક દેશના લોકો સ્ત્રીઓના પહેરવેશને લઈને ઘણા રૂઢિચુસ્ત હોય છે. તેઓને પ્રચાર કરતી વખતે, એવો પોશાક ન પહેરો જેનાથી તેઓને ઠેસ પહોંચે.

૧૯ સતાવણી સહન કરતા લોકોને આપણે મદદ કરવા ચાહીએ છીએ, પછી ભલે તેઓ યહોવાના ભક્ત હોય કે ન હોય. અજાણ્યાઓ પર પ્રેમ બતાવીને આપણે ભલા સમરૂનીના દાખલાનું અનુકરણ કરીએ છીએ. (લુક ૧૦:૩૩-૩૭) બીજાઓને મદદ કરવાની સૌથી સારી રીત છે કે, તેઓને રાજ્યની ખુશખબર જણાવીએ. એક વડીલ ભાઈએ ઘણા શરણાર્થીઓને મદદ કરી છે. તે કહે છે: ‘પહેલી જ મુલાકાતમાં એ જણાવવું જરૂરી છે કે આપણે યહોવાના સાક્ષીઓ છીએ. તેઓને જણાવીએ કે, આપણે બાઇબલમાંથી ઉજ્જવળ ભાવિની આશા વિશે વાત કરવા આવ્યા છીએ, નહિ કે પૈસેટકે મદદ કરવા.’

સારાં પરિણામો

૨૦, ૨૧. (ક) શરણાર્થીઓને સાચો પ્રેમ બતાવવાથી કેવાં સારાં પરિણામો આવે છે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૦ ‘પરદેશીઓને’ સાચો પ્રેમ બતાવવાથી સારાં પરિણામો આવે છે. ચાલો, એક બહેનનો અનુભવ જોઈએ. એરિટ્રિયામાં સતાવણી થઈ ત્યારે, તે પોતાનાં ચાર બાળકો સાથે નાસી છૂટ્યાં. રણપ્રદેશમાં તેઓએ આઠ દિવસ લાંબી મજલ કાપી. થકવી નાખનારી એ મુસાફરી પછી છેવટે તેઓ સુદાન પહોંચ્યાં. બહેન જણાવે છે: ‘ત્યાંનાં ભાઈ-બહેનોએ કુટુંબ જેવો વ્યવહાર કર્યો. તેઓએ બાળકોને ખોરાક, કપડાં અને છત પૂરાં પાડ્યાં. એકથી બીજી જગ્યાએ આવવા-જવા મદદ કરી. આજે કોણ પોતાના ધર્મની અજાણી વ્યક્તિને આવો પ્રેમાળ આવકાર આપશે? ફક્ત યહોવાના લોકો!’—યોહાન ૧૩:૩૫ વાંચો.

૨૧ પણ, એવાં બાળકો વિશે શું જેઓ માતા-પિતા સાથે શરણાર્થીઓ તરીકે આવ્યાં છે? આવતા લેખમાં જોઈશું કે, એવા કુટુંબ આનંદથી યહોવાની સેવા કરતા રહે માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ.

^ ફકરો. 2 આ લેખમાં “શરણાર્થી” શબ્દ એવા લોકોને રજૂ કરે છે, જેઓને યુદ્ધ, સતાવણી કે કુદરતી આફતને લીધે પોતાના ઘરબાર છોડવા પડ્યા છે. તેઓને પોતાના જ દેશમાં બીજે ક્યાંક રહેવું પડે છે અથવા દેશ છોડવો પડે છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ઑફ રેફ્યૂજીસના (UNHCR) જણાવ્યા પ્રમાણે દર ૧૧૩ વ્યક્તિમાંથી એકે પોતાનું ઘર છોડવું પડે છે.

^ ફકરો. 6 ઑક્ટોબર ૨૦૧૬ ચોકીબુરજ પાન ૮-૧૨ ઉપર આપેલો આ લેખ જુઓ: “અજાણ્યાઓને પ્રેમ બતાવવાનું ભૂલશો નહિ.”

^ ફકરો. 11 શરણાર્થીઓ આવે ત્યારે, શક્ય એટલું જલદી વડીલોએ યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન (અંગ્રેજી) પુસ્તકના પ્રકરણ ૮, ફકરા ૩૦ના નિર્દેશનો મુજબ પગલાં ભરવાં જોઈએ. તેઓના મંડળનો સંપર્ક કરવા વડીલો jw.org દ્વારા પોતાના દેશની શાખા કચેરીને પત્ર લખી શકે. એ દરમિયાન તેઓ શરણાર્થીઓને સમજી-વિચારીને સવાલો પૂછી શકે, જેથી તેઓ પ્રચારમાં અને મંડળમાં કેવું કરે છે, એ જાણી શકે.

^ ફકરો. 14 એપ્રિલ ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ પાન ૧૭-૨૬ ઉપર આપેલા આ બે લેખ જુઓ: “કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ” અને “હિંમત રાખો, યહોવા તમારો સહાયક છે!