સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘પરદેશીઓનાં’ બાળકોને મદદ કરો

‘પરદેશીઓનાં’ બાળકોને મદદ કરો

“મારા સાંભળવામાં આવે કે મારાં બાળકો સત્યના માર્ગે ચાલી રહ્યાં છે, એનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી શું હોય!”—૩ યોહા. ૪.

ગીતો: ૪૧, ૫૩

૧, ૨. (ક) બીજા દેશમાં વસેલાં બાળકો કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

ભાઈ જોશુઆનાં માતા-પિતા બીજા દેશમાં જઈને વસ્યાં છે. તે કહે છે: ‘હું બાળપણથી જ ઘરમાં અને મંડળમાં માતૃભાષા બોલતો. પણ, સ્કૂલે જવાનું શરૂ કર્યા પછી હું સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવા લાગ્યો. અમુક વર્ષો પછી હું ફક્ત સ્થાનિક ભાષા જ બોલતો. સભાઓમાં જતો ત્યારે મને કશું જ ન સમજાતું. મને લાગતું કે હું મમ્મી-પપ્પાની સંસ્કૃતિથી દૂર થઈ ગયો હતો.’ અનેક લોકોનો અનુભવ જોશુઆ જેવો જ છે.

આજે, ૨૪ કરોડ કરતાં વધુ લોકો પોતાનું વતન છોડીને બીજા દેશમાં રહે છે. જો તમે પણ તેઓમાંના એક હો, તો તમારાં બાળકોને કઈ રીતે સૌથી સારી મદદ આપી શકો, જેથી તેઓ યહોવાને પ્રેમ કરવાનું અને ‘સત્યના માર્ગે ચાલવાનું’ શીખી શકે? (૩ યોહા. ૪) અને બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?

માતા-પિતા, સારો દાખલો બેસાડો

૩, ૪. (ક) માતા-પિતા કઈ રીતે પોતાનાં બાળકો માટે સારો દાખલો બેસાડી શકે? (ખ) માતા-પિતાએ બાળકો પાસેથી કેવી અપેક્ષા ન રાખવી જોઈએ?

માતા-પિતા, જો તમે ચાહતા હો કે બાળકો યહોવાના મિત્ર બને અને હંમેશ માટેનું જીવન મેળવે, તો તમારે સારો દાખલો બેસાડવો જોઈએ. જો તમે ‘પહેલા ઈશ્વરના રાજ્યને શોધતા’ હશો, તો બાળકો પણ પોતાની જરૂરિયાતો માટે યહોવા પર આધાર રાખવાનું શીખશે. (માથ. ૬:૩૩, ૩૪) એશોઆરામ પાછળ દોડવાને બદલે યહોવાની સેવાને પ્રથમ સ્થાન આપો. સાદું જીવન જીવો અને ગજા બહાર ખર્ચ ન કરો. ધનદોલત અથવા “માણસ તરફથી મળતું માન” ન શોધો. પણ, ‘સ્વર્ગમાં ખજાનો’ ભેગો કરો, એટલે કે યહોવાની કૃપા શોધો.—યોહા. ૧૨:૪૩; માર્ક ૧૦:૨૧, ૨૨ વાંચો.

એટલા વ્યસ્ત ન બની જાઓ કે, બાળકો માટે સમય જ ન રહે. બાળકો જ્યારે નામ કે પૈસા કમાવાને બદલે યહોવાને પ્રથમ સ્થાને મૂકે, ત્યારે તેઓને શાબાશી આપો. તેઓને અહેસાસ કરાવો કે, તેઓના નિર્ણય પર તમને ગર્વ છે. તમારા આરામદાયક જીવન માટે બાળકોએ લોહી-પાણી એક કરવું જ જોઈએ, એવા ખોટા વિચારથી દૂર રહો. એ શાસ્ત્ર આધારિત નથી. શાસ્ત્ર તો કહે છે: “બાળકો પોતાનાં માબાપ માટે બચત કરે એવી આશા રાખવામાં નથી આવતી, પણ માબાપ પોતાનાં બાળકો માટે બચત કરે એવી આશા રાખવામાં આવે છે.”—૨ કોરીં. ૧૨:૧૪.

માતા-પિતા, ભાષાનું નડતર આંબવા પ્રયત્ન કરો

૫. માતા-પિતાએ શા માટે બાળકો જોડે યહોવા વિશે વાત કરવી જોઈએ?

ભાખવામાં આવ્યું હતું તેમ, “દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી” ઘણા લોકો આજે યહોવાના સંગઠનમાં આવી રહ્યા છે. (ઝખા. ૮:૨૩) પણ, જો તમારાં બાળકો માતૃભાષા સમજતા ન હોય, તો તેઓને સત્ય શીખવવું અઘરું બની શકે. યાદ રાખો, તમારાં બાળકો તમારા સૌથી મહત્ત્વના બાઇબલ વિદ્યાર્થીઓ છે. એ જરૂરી છે કે તેઓ યહોવાને “ઓળખે,” કારણ કે એના પર તેઓનું હંમેશ માટેનું જીવન નિર્ભર છે. (યોહા. ૧૭:૩) બાળકોને યહોવા વિશે શીખવવા તેઓ જોડે વારંવાર “વાત” કરવી ખૂબ મહત્ત્વનું છે.—પુનર્નિયમ ૬:૬, ૭ વાંચો.

૬. માતૃભાષા શીખવાથી બાળકોને કેવા ફાયદા થઈ શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

તમારાં બાળકો શાળામાં કે બીજાઓ પાસેથી સ્થાનિક ભાષા શીખી જ લેશે. પરંતુ, માતૃભાષા ત્યારે જ શીખશે, જ્યારે તમે તેઓ જોડે નિયમિત રીતે વાત કરશો. માતૃભાષા શીખશે ત્યારે તેઓ માટે તમારી સાથે વાત કરવી અને પોતાની લાગણીઓ ઠાલવવી સહેલી બનશે. અને માતૃભાષા શીખવાના બીજા ફાયદા પણ છે. એકથી વધુ ભાષા શીખવાથી બાળકોની વિચારશક્તિ કેળવાય છે તેમજ તેઓ બીજાઓના વિચારોને વધુ સારી રીતે સમજી શકે છે. પ્રચારમાં પણ એનાથી ફાયદો થઈ શકે છે. બહેન કેરોલિના અને તેમનાં માતા-પિતા બીજા દેશમાં સ્થાયી થયાં છે. બહેન કહે છે: ‘બીજી ભાષાના મંડળમાં ખૂબ મજા આવે છે. અને જરૂર વધુ છે ત્યાં જઈને સેવા આપવાથી અનેરો આનંદ મળે છે.’

૭. કુટુંબમાં ભાષા એક પડકાર બને ત્યારે શું કરી શકાય?

બાળકો સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ શીખે તેમ માતૃભાષા પ્રત્યેનો લગાવ કદાચ મરી પરવારે. સમય જતાં, માતૃભાષા કદાચ તેઓના દિલોદિમાગમાંથી સાવ જ ભૂંસાઈ જાય. જો તમારા બાળક સાથે એવું બન્યું હોય, તો શું તમે થોડી ઘણી સ્થાનિક ભાષા ન શીખી શકો? જો તમે તેઓનું મનોરંજન, ભણતર અને વાતચીત સમજતા હશો તેમજ તેઓનાં શિક્ષકો સાથે વાત કરી શકતા હશો, તો તેઓને ઈશ્વરના માર્ગમાં ઉછેરવા સહેલું બનશે. ખરું કે, નવી ભાષા શીખવી સમય, શક્તિ અને નમ્રતા માંગી લે છે, ખૂબ મહેનત કરવી પડે છે. પણ ખાતરી રાખજો, મહેનત નિષ્ફળ નહિ જાય. ધારો કે, તમારા બાળકને કોઈ કારણસર સંભળાવાનું બંધ થઈ જાય છે. શું તેની માટે તમે સાઇન લેંગ્વેજ નહિ શીખો? એવી જ રીતે, બાળક જે ભાષામાં સૌથી સારી રીતે વાતચીત કરી શકતું હોય, એ ભાષા શીખવા શું તમારે પ્રયત્ન ન કરવો જોઈએ? *

૮. જો તમે સ્થાનિક ભાષા સારી રીતે બોલી શકતા ન હો, તો બાળકોને કઈ રીતે મદદ કરી શકો?

અમુક માતા-પિતા માટે બાળકોની નવી ભાષા પર પકડ જમાવવી સહેલું નથી. પરિણામે, માતા-પિતા માટે બાળકોને “પવિત્ર લખાણો” શીખવવું અઘરું બની શકે. (૨ તિમો. ૩:૧૫) તમારી પરિસ્થિતિ એવી હોય તોપણ, યહોવાને ઓળખવા અને પ્રેમ કરવા તમે બાળકને મદદ કરી શકો. વડીલ તરીકે સેવા આપતા ભાઈ શૅનનો દાખલો લો. તેમનો ઉછેર એકલવાયી માતા દ્વારા થયો છે. તે કહે છે: ‘હું અને મારી બહેનો જે ભાષા સારી રીતે સમજતાં, એ મમ્મી માટે સમજવી અઘરી હતી. અને માતૃભાષામાં વાત કરવી અમને ન ફાવતું. પણ અમે ધ્યાન આપ્યું કે, અભ્યાસ કરવા, પ્રાર્થના કરવા અને કુટુંબ તરીકેની ભક્તિ ચલાવવા મમ્મી ખૂબ મહેનત કરે છે. એ જોઈને અમે સમજી શક્યા કે, યહોવાને નજીકથી ઓળખવા કેટલું મહત્ત્વનું છે.’

૯. જે બાળકોએ બે ભાષામાં અભ્યાસ કરવો પડે છે, તેઓને માતા-પિતા કઈ રીતે મદદ કરી શકે?

અમુક બાળકોને યહોવા વિશે શીખવા બે ભાષાનો ઉપયોગ કરવો પડે છે. શા માટે? કારણ કે, ઘરે તેઓ એક ભાષા બોલે છે અને શાળામાં બીજી ભાષા. એના લીધે અમુક માતા-પિતા બે ભાષામાં સાહિત્ય, ઑડિયો રેકોર્ડિંગ અને વીડિયો વાપરે છે. સ્પષ્ટ છે કે, જે માતા-પિતા બીજા દેશમાં વસ્યાં છે, તેઓએ બાળકોની શ્રદ્ધા મજબૂત કરવા વધુ સમય-શક્તિ ખર્ચવાં પડે છે.

કઈ ભાષાના મંડળમાં જવું જોઈએ?

૧૦. (ક) કઈ ભાષાના મંડળમાં જવું એ નિર્ણય કોણે લેવો જોઈએ? (ખ) નિર્ણય લેતા પહેલાં કુટુંબના શિરે શું કરવું જોઈએ?

૧૦ બની શકે કે ‘પરદેશીઓ’ એવા વિસ્તારમાં રહે છે જ્યાં તેઓની ભાષા બોલતા સાક્ષીઓ નથી. એવા સમયે તેઓ સ્થાનિક ભાષાના મંડળમાં જાય એ ખૂબ જરૂરી છે. (ગીત. ૧૪૬:૯) પરંતુ, જો નજીકમાં તેઓની ભાષાનું કોઈ મંડળ હોય, તો કુટુંબના શિરે નિર્ણય લેવાનો રહેશે કે કઈ ભાષાના મંડળમાં જવું તેઓ માટે સૌથી સારું છે. એ નિર્ણય લેતા પહેલાં તેમણે પ્રાર્થનાપૂર્વક મનન કરવું જોઈએ. તેમણે પત્ની અને બાળકો સાથે એ વિશે વાત કરવી જોઈએ. (૧ કોરીં. ૧૧:૩) તેમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? યોગ્ય નિર્ણય લેવા કયા બાઇબલ સિદ્ધાંતો તેમને મદદ કરી શકે?

૧૧, ૧૨. (ક) બાળક સભાઓમાંથી કેટલું શીખે છે એ કઈ રીતે ભાષા પર નિર્ભર છે? (ખ) શા માટે અમુક બાળકો માતૃભાષાથી દૂર ભાગે છે?

૧૧ માતા-પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે, બાળકોને ખરેખર શાની જરૂર છે. ખરું કે, બાઇબલ સત્ય બાળકોના દિલમાં ઊતરી જાય માટે, બાળક સભાઓમાં જે સમય વિતાવે છે એટલો જ પૂરતો નથી. જોકે, આનો વિચાર કરો: બાળકો સમજે છે એ ભાષાની સભાઓમાં ફક્ત હાજર રહે તોપણ, તેઓ ઘણું શીખી શકે છે; માતા-પિતાના ધાર્યા કરતાં બાળકો ઘણું વધારે શીખતા હોય છે. પરંતુ, જો બાળકોને એ ભાષા સમજાતી ન હોય, તો સભામાંથી પણ કંઈ ફાયદો ઉઠાવી શકતાં નથી. (૧ કોરીંથીઓ ૧૪:૯, ૧૧ વાંચો.) જરૂરી નથી કે, બાળકની માતૃભાષા તેના દિલની ભાષા પણ હોય. બની શકે કે, સમય જતાં તેનાં વિચારો અને લાગણીઓમાં માતૃભાષાની અસર નહિવત્‌ થઈ જાય. અમુક બાળકો માતૃભાષામાં જવાબો આપવાનું અને ભાગ રજૂ કરવાનું શીખી તો જાય છે, પરંતુ એમાં પોતાનાં વિચારો અને લાગણીઓ રેડી શકતાં નથી.

૧૨ ભાષા સિવાય એવાં ઘણાં પાસાં છે, જેની અસર બાળક પર થતી હોય છે. ભાઈ જોશુઆ વિશે આપણે અગાઉ જોઈ ગયા. તેમના બહેન એસ્તર કહે છે: ‘બાળકોને તેઓનાં મમ્મી-પપ્પા પાસેથી ભાષા, સંસ્કૃતિ અને ધર્મ વારસામાં જ મળી જતાં હોય છે.’ જો બાળકો માતા-પિતાની સંસ્કૃતિથી દૂર થઈ જાય, તો ધીરે ધીરે તેઓની ભાષા અને ધર્મથી દૂર ભાગવા લાગશે. એવા કિસ્સામાં માતા-પિતા શું કરી શકે?

૧૩, ૧૪. (ક) એક માતા-પિતાએ શા માટે સ્થાનિક ભાષાના મંડળમાં જવાનો નિર્ણય લીધો? (ખ) શ્રદ્ધામાં મજબૂત રહેવા તેઓએ શું કર્યું?

૧૩ ઈશ્વરભક્ત માતા-પિતા પોતાની ઇચ્છાઓને નહિ, પણ બાળકોની જરૂરિયાતોને વધારે મહત્ત્વની ગણે છે. (૧ કોરીં. ૧૦:૨૪) જોશુઆ અને એસ્તરના પિતા સેમ્યુલ કહે છે: ‘અમે ધ્યાન આપ્યું કે કઈ ભાષામાં શીખવવાથી સત્ય બાળકોનાં દિલમાં ઊતરી જશે. સારો નિર્ણય લેવા અમે પ્રાર્થના કરી. અમને જે જવાબ મળ્યો, એ અમારા વિચારોથી સાવ અલગ હતો. અમે જોયું કે, અમારી માતૃભાષાની સભાઓથી તેઓને ખાસ કંઈ ફાયદો થતો નથી. એટલે, અમે સ્થાનિક ભાષાના મંડળમાં જવાનો નિર્ણય લીધો. અમે ભેગા મળીને સભામાં અને પ્રચારમાં જતાં. સ્થાનિક મિત્રોને જમવા બોલાવતાં અને સાથે ફરવા જતાં. આમ, અમારાં બાળકો ભાઈ-બહેનોને સારી રીતે ઓળખી શક્યાં. તેઓ જાણી શક્યાં કે યહોવા તેઓના ઈશ્વર જ નહિ, પરંતુ પિતા અને મિત્ર પણ છે. માતૃભાષા શીખે એના કરતાં આ વધારે મહત્ત્વનું હતું.’

૧૪ ભાઈ સેમ્યુલ આગળ જણાવે છે: ‘અમારી શ્રદ્ધા મક્કમ રાખવા હું અને મારી પત્ની અમારી માતૃભાષાની સભાઓમાં પણ જતાં. અમે ઘણા વ્યસ્ત રહેતાં અને ખૂબ થાકી જતાં. યહોવાનો આભાર કે તેમણે અમારા ત્યાગ અને પ્રયત્નો પર આશીર્વાદ આપ્યો છે. આજે, અમારાં ત્રણેય બાળકો પૂરા સમયના સેવકો તરીકે યહોવાની ભક્તિ કરી રહ્યાં છે.’

યુવાનો, તમે શું કરી શકો?

૧૫. બહેન ક્રિસ્ટિનાએ શા માટે સ્થાનિક ભાષાના મંડળમાં જવાનો નિર્ણય લીધો?

૧૫ બાળકો મોટાં થાય તેમ તેઓને ખ્યાલ આવે કે, માતૃભાષાને બદલે સ્થાનિક ભાષાના મંડળમાં તેઓ યહોવાની વધુ સારી સેવા કરી શકે છે. જો તમારું બાળક એવો નિર્ણય લે, તો એમ ન વિચારશો કે તેને તમારી કંઈ પડી નથી. બહેન ક્રિસ્ટિનાનો અનુભવ જોઈએ. તે કહે છે: ‘હું મારી માતૃભાષા થોડી બહુ સમજતી. પરંતુ, સભામાં જે ચાલતું એ બધું મારા માથા પરથી જતું. ૧૨ વર્ષની થઈ ત્યારે હું સ્થાનિક ભાષાના એક સંમેલનમાં ગઈ. પહેલી વાર મને સમજાયું કે હું જે સાંભળી રહી છું, એ જ સત્ય છે. બીજો મોટો વળાંક ત્યારે આવ્યો, જ્યારે મેં સ્થાનિક ભાષામાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. હવે હું યહોવા સાથે દિલ ખોલીને વાત કરી શકતી.’ (પ્રે.કા. ૨:૧૧, ૪૧) બહેન ૧૮ વર્ષની થઈ ત્યારે તેણે મમ્મી-પપ્પા સાથે ચર્ચા કરી અને સ્થાનિક ભાષાના મંડળમાં જવાનો નિર્ણય લીધો. તે કહે છે: ‘સ્થાનિક ભાષામાં યહોવા વિશે શીખવાથી મને તેમની સેવામાં આગળ વધવા પ્રેરણા મળી.’ થોડા જ સમયમાં, ક્રિસ્ટિના પાયોનિયર બની અને હવે તે ઘણી ખુશ છે.

૧૬. બહેન નાદિયા શા માટે ખુશ છે કે તે માતૃભાષાના મંડળમાં રહ્યાં?

૧૬ યુવાનો, શું તમને લાગે છે કે સ્થાનિક ભાષાના મંડળમાં જવું તમારા માટે યોગ્ય રહેશે? એમ હોય તો પોતાને પૂછો: “મંડળ બદલવા પાછળ મારો ઇરાદો શો છે? શું હું યહોવાની વધુ નજીક આવવા ચાહું છું કે મમ્મી-પપ્પાની ચાંપતી નજરથી બચવા ચાહું છું? કે પછી, મને મહેનત કરવી ગમતું નથી?” (યાકૂ. ૪:૮) બેથેલમાં સેવા આપતાં બહેન નાદિયા કહે છે: ‘હું અને મારાં ભાઈ-બહેનો તરુણ થયાં ત્યારે, અમારે સ્થાનિક ભાષાના મંડળમાં જવું હતું. પણ, મમ્મી-પપ્પાને લાગતું કે એનાથી યહોવા સાથેનો અમારો સંબંધ કમજોર થઈ જશે. અમે ખુશ છીએ કે મમ્મી-પપ્પાએ અમને માતૃભાષા શીખવવા ઘણી મહેનત કરી અને અમને પોતાની સાથે તેમનાં જ મંડળમાં રાખ્યાં. પરિણામે, અમારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું અને બીજાઓને યહોવા વિશે શીખવવાની અમને ઘણી તક મળી.’

બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?

૧૭. (ક) બાળકોના ઉછેરની જવાબદારી યહોવાએ કોને સોંપી છે? (ખ) બાળકોને સત્ય શીખવવા માતા-પિતા ક્યાંથી મદદ મેળવી શકે?

૧૭ બાળકોને સત્ય શીખવવાની જવાબદારી યહોવાએ માતા-પિતાને સોંપી છે, દાદા-દાદી કે બીજા કોઈને નહિ. (નીતિવચનો ૧:૮; ૩૧:૧૦, ૨૭, ૨૮ વાંચો.) સ્થાનિક ભાષા આવડતી ન હોય એવાં માતા-પિતાને કદાચ બીજાઓની મદદની જરૂર પડી શકે, જેથી બાળકના દિલમાં શું છે એ જાણી શકે. તેઓ મદદ માંગે ત્યારે આપણે એવું ન વિચારવું જોઈએ કે, તેઓ પોતાની જવાબદારીથી છટકવા માંગે છે. મદદ માંગીને હકીકતમાં તેઓ પોતાનાં બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરવા મહેનત કરે છે. (એફે. ૬:૪) દાખલા તરીકે, માતા-પિતા કુટુંબ તરીકેની ભક્તિ સારી રીતે ચલાવવા અને બાળકો માટે સારા દોસ્તો શોધવા કદાચ વડીલો પાસે સલાહ-સૂચન માંગી શકે.

મંડળ સાથે સંગત રાખવાથી માતા-પિતા અને બાળકો બંનેને લાભ થાય છે (ફકરા ૧૮, ૧૯ જુઓ)

૧૮, ૧૯. (ક) બીજાઓ કઈ રીતે બાળકોને મદદ કરી શકે? (ખ) માતા-પિતાએ શું કરવાની જરૂર છે?

૧૮ બાળકોને મદદ કરવા માતા-પિતા કુટુંબ તરીકેની ભક્તિમાં સમયે સમયે બીજાઓને આમંત્રણ આપી શકે. ઘણા યુવાનો બીજાઓ સાથે પ્રચારમાં અને બીજી પ્રવૃત્તિમાં સમય વિતાવીને ઘણું શીખે છે. (નીતિ. ૨૭:૧૭) ભાઈ શૅન વિશે આપણે આગળ જોઈ ગયા. તે કહે છે: ‘જે ભાઈઓએ મને મદદ કરી, તેઓને હું ક્યારેય નહિ ભૂલું. વિદ્યાર્થી વાર્તાલાપ માટે તેઓ મદદ કરતા ત્યારે, હું ઘણું શીખતો. ભેગા મળીને અમે અનેક પ્રવૃત્તિઓનો આનંદ માણતા.’

૧૯ જે ભાઈ-બહેનો બાળકોને મદદ કરી રહ્યાં છે, તેઓએ બાળકોને માતા-પિતાને માન આપવાનું ઉત્તેજન આપવું જોઈએ. તેઓ બાળકો આગળ માતા-પિતાની પ્રશંસા કરી શકે. એ બાળકોના ઉછેરની જવાબદારી તેઓએ પોતાનાં માથે લેવી ન જોઈએ. તેમ જ, બાળકો સાથે એવો કોઈ પણ વ્યવહાર ટાળવો જોઈએ, જેને મંડળના કે બહારના લોકો અયોગ્ય ગણતા હોય. (૧ પીત. ૨:૧૨) ભલે માતા-પિતા બીજાઓ પાસેથી મદદ લે, પણ બાળકોને સત્ય શીખવવાની જવાબદારી તેઓની પોતાની છે. બીજાઓ બાળકોને જે મદદ આપી રહ્યાં છે, એના પર તેઓએ નજર રાખવી જોઈએ.

૨૦. બાળકોને યહોવાના સારા સેવક બનવા માતા-પિતા કઈ રીતે મદદ કરી શકે?

૨૦ માતા-પિતા, મદદ માટે યહોવાને પ્રાર્થના કરો અને બનતી મહેનત કરો. (૨ કાળવૃત્તાંત ૧૫:૭ વાંચો.) પોતાની ઇચ્છાને નહિ, પણ બાળકની યહોવા સાથેની દોસ્તીને મહત્ત્વ આપો. સત્ય બાળકના દિલ સુધી પહોંચી શકે માટે કોઈ કસર ન છોડશો. એવો વિચાર સુદ્ધાં ન કરો કે, તમારું બાળક યહોવાનું ભક્ત નહિ બને. તે યહોવાના માર્ગે ચાલશે અને તમારા સારા દાખલાનું અનુકરણ કરશે ત્યારે તમે પણ પ્રેરિત યોહાન જેવી લાગણી અનુભવશો: “મારા સાંભળવામાં આવે કે મારાં બાળકો સત્યના માર્ગે ચાલી રહ્યાં છે, એનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી શું હોય!”—૩ યોહા. ૪.

^ ફકરો. 7 એપ્રિલ-જૂન ૨૦૦૭, સજાગ બનો! પાન ૧૨-૧૪ ઉપર આપેલો આ લેખ જુઓ: “તમે બીજી ભાષા શીખી શકો!”