સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”

“શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”

“યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”—યોહા. ૨૧:૧૫.

ગીતો: ૩૨, ૪૫

૧, ૨. આખી રાત માછલીઓ પકડવામાં વિતાવ્યા પછી, પીતર સાથે શું બન્યું?

ઈસુના સાત શિષ્યોએ માછલીઓ પકડવા આખી રાત ગાલીલ સરોવરમાં વિતાવી હતી. પણ, એકેય માછલી પકડાઈ ન હતી. હવે, સવાર પડી હતી અને સજીવન થયેલા ઈસુ કિનારે ઊભા હતા અને તે શિષ્યોને જોઈ રહ્યા હતા. પછી, “તેમણે તેઓને કહ્યું: ‘હોડીની જમણી બાજુ જાળ નાખો અને તમને થોડી માછલીઓ મળશે.’ એટલે, તેઓએ જાળ નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે તેઓ એને ખેંચી શક્યા નહિ.”—યોહા. ૨૧:૧-૬.

ઈસુએ શિષ્યોને નાસ્તામાં માછલી અને રોટલી આપી. પછી, તેમણે સિમોન પીતર તરફ ફરીને પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” ઈસુ જાણતા હતા કે પીતરને માછીમારીનું કામ ગમતું હતું. કદાચ ઈસુ એવું પૂછવા માંગતા હતા કે પીતર કોને વધારે પ્રેમ કરે છે, માછીમારીના કામને કે ઈસુ અને તેમના શિક્ષણને. પીતરે જવાબ આપ્યો: “પ્રભુ, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.” (યોહા. ૨૧:૧૫) એ દિવસથી પીતરે પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા. પ્રચારકાર્યમાં વ્યસ્ત રહીને તેમણે ખ્રિસ્ત માટે પોતાનો પ્રેમ બતાવી આપ્યો. તે ખ્રિસ્તી મંડળનો મહત્ત્વનો ભાગ બન્યા.

૩. આપણે શાનાથી સાવધ રહેવાનું છે?

ઈસુએ પીતરને કહેલા શબ્દોથી આપણે શું શીખી શકીએ? આપણે સાવધ રહેવાની જરૂર છે, જેથી ખ્રિસ્ત માટેનો પ્રેમ ઠંડો ન પડી જાય. ઈસુ જાણતા હતા કે આ દુનિયામાં જીવન તણાવભર્યું હશે અને આપણે ચિંતાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વાવનારના ઉદાહરણમાં ઈસુએ જણાવ્યું હતું કે, અમુક લોકો “રાજ્યનો સંદેશો” સ્વીકારે છે અને શરૂઆતમાં ઉત્સાહ બતાવે છે. પણ પછી, “દુનિયાની ચિંતા અને ધનદોલતની માયા સંદેશાને દબાવી દે છે” અને તેઓનો ઉત્સાહ ઠંડો પડી જાય છે. (માથ. ૧૩:૧૯-૨૨; માર્ક ૪:૧૯) જો આપણે ધ્યાન ન રાખીએ, તો રોજિંદા જીવનની ચિંતાઓ આપણને યહોવાની સેવા કરતા અટકાવી શકે. એટલે, ઈસુએ પોતાના શિષ્યોને ચેતવ્યા: “પોતાના પર ધ્યાન આપો, જેથી અતિશય ખાવા-પીવાથી તથા જીવનની ચિંતાઓના બોજથી તમારા હૃદયો દબાઈ ન જાય.”—લુક ૨૧:૩૪.

૪. ખ્રિસ્ત માટેનો પ્રેમ ઠંડો પડી નથી ગયો, એ જોવા આપણને શું મદદ કરશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

પીતરની જેમ પ્રચારકાર્યને જીવનમાં પ્રથમ રાખીને આપણે ખ્રિસ્ત માટેનો પ્રેમ બતાવી શકીએ છીએ. એમ કઈ રીતે કરતા રહી શકીએ? આપણે પોતાને પૂછી શકીએ: “હું જીવનમાં સૌથી વધારે શાને પ્રેમ કરું છું? વધારે ખુશી મને શાનાથી મળે છે, યહોવાની સેવા કરવાથી કે બીજી પ્રવૃત્તિઓથી?” ચાલો, એના જવાબ મેળવવા જીવનનાં એવાં ત્રણ પાસાંનો વિચાર કરીએ, જેનાથી ખ્રિસ્ત માટેનો આપણો પ્રેમ ઠંડો પડી જઈ શકે. એ ત્રણ પાસાં છે: નોકરીધંધો, મોજશોખ અને માલમિલકત.

નોકરીધંધા પ્રત્યે યોગ્ય વલણ

૫. કુટુંબના શિરની શું જવાબદારી છે?

પીતર માછીમારીનું કામ ફક્ત મજા માણવા કરતા ન હતા. એ તો તેમની રોજીરોટી હતી, જેનાથી તેમના કુટુંબનું ગુજરાન ચાલતું હતું. હાલના સમયમાં, કુટુંબનું ગુજરાન ચલાવવાની જવાબદારી યહોવાએ કુટુંબના શિરને સોંપી છે. (૧ તિમો. ૫:૮) એ માટે તેઓએ ઘણી મહેનત કરવી જોઈએ. પરંતુ, આ છેલ્લા દિવસોમાં, નોકરીધંધાને કારણે આપણા પર ચિંતાઓનાં વાદળો છવાઈ જઈ શકે.

૬. નોકરીધંધા પર વધારે તાણ કેમ જોવા મળે છે?

આજે બેરોજગારી ઘણી છે, નોકરીની એક જગ્યા માટે ઘણા લોકો લાઇન લગાવે છે. એ કારણે નોકરી મેળવવા લોકો તનતોડ મહેનત કરે છે. ઘણાને લાગે છે કે નોકરી ટકાવી રાખવા તેઓએ ઓછા પગારે વધારે કલાકો કામ કરવું પડે છે. વેપારીઓ ઓછા કામદારો પાસે વધુ વસ્તુઓ બનાવડાવે છે. એટલે, કામ કરતી વ્યક્તિઓ વધારે તણાવ અને થાક અનુભવે છે, અરે, તેઓ બીમાર પણ પડી જાય છે. ઘણાને ચિંતા છે કે જો તેઓ બોસનું કહેવું નહિ માને, તો તેઓ નોકરીથી હાથ ધોઈ બેસશે.

૭, ૮. (ક) આપણે કોને વધારે વફાદાર રહેવું જોઈએ? (ખ) થાઇલૅન્ડના ભાઈને પોતાના કામ વિશે કઈ મહત્ત્વની વાત શીખવા મળી?

ખ્રિસ્તીઓ તરીકે આપણે યહોવાને વધારે વફાદાર છીએ, બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિને નહિ. પછી, ભલેને એ આપણો બોસ કેમ ન હોય. (લુક ૧૦:૨૭) નોકરીધંધો એવો હોવો જોઈએ, જેનાથી આપણે જીવન જરૂરિયાતો પૂરી પાડી શકીએ અને આપણા સેવાકાર્યને ટેકો આપી શકીએ. પણ જો ધ્યાન ન આપીએ, તો નોકરીધંધો આપણી ભક્તિમાં નડતરરૂપ બની જઈ શકે. ચાલો, થાઇલૅન્ડના એક ભાઈનો અનુભવ જોઈએ. તેમણે કહ્યું: ‘હું કોમ્પ્યુટર રિપેર કરતો હતો. એ મજેદાર કામ હતું. પણ, મારે ઘણા કલાકો કામ કરવું પડતું. એટલે, ભક્તિની બાબતો માટે મારી પાસે જરાય સમય બચતો નહિ. છેવટે મને ખ્યાલ આવ્યો કે રાજ્યના કામને પ્રથમ મૂકવા મારે બીજું કામ શોધવું પડશે.’ ભાઈએ શું કર્યું?

તેમણે સમજાવ્યું: ‘મેં એકાદ વર્ષ પૈસા બચાવ્યા અને યોજના ઘડ્યા પછી નક્કી કર્યું કે હું રસ્તા પર આઇસક્રીમ વેચીશ. શરૂઆતમાં મને પૈસાની તંગી પડતી અને હું નિરાશ થઈ જતો. મારી સાથે અગાઉ કામ કરતા હતા, તેઓ મારા પર હસતા હતા. તેઓ મને પૂછતા, મને એવું કેમ લાગ્યું કે એસીવાળી ઑફિસમાં બેસીને કામ કરવા કરતાં આઇસક્રીમ વેચવું વધારે સારું છે. હિંમત માટે હું યહોવાને પ્રાર્થના કરતો. ભક્તિમાં વધારે કરવાના ધ્યેય સુધી પહોંચવા હું તેમની પાસે મદદ માંગતો. થોડા જ સમયમાં બધું ઠીક થવા લાગ્યું. ગ્રાહકોની પસંદ હું સમજવા લાગ્યો અને આઇસક્રીમ બનાવવાના કામમાં હું કુશળ બનતો ગયો. સમય જતાં, રોજ મારો બધો આઇસક્રીમ વેચાઈ જવા લાગ્યો. સાચું કહું તો, કોમ્પ્યુટરનું કામ કરતો હતો એ કરતાં હું વધારે કમાઉં છું. હું ખુશ છું, કેમ કે હવે પહેલાંની નોકરી જેવી ચિંતા નથી. સૌથી મહત્ત્વનું તો, હું યહોવાની વધારે નજીક આવ્યો છું.’—માથ્થી ૫:૩, વાંચો.

૯. નોકરીધંધા વિશે આપણે કઈ રીતે યોગ્ય વલણ રાખી શકીએ?

આપણી મહેનતની યહોવા કદર કરે છે. મહેનત કરવાથી સારું ફળ મળે છે. (નીતિ. ૧૨:૧૪) પણ, આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે યહોવાની સેવા કરતાં નોકરીધંધો વધારે મહત્ત્વનો બની ન જાય. આપણી જીવન જરૂરિયાતો વિશે ઈસુએ જણાવ્યું હતું: “પહેલા તમે ઈશ્વરના રાજ્યને અને તેમની નજરે જે ખરું છે એને શોધતા રહો. પછી, એ બધું તમને આપવામાં આવશે.” (માથ. ૬:૩૩) નોકરીધંધા વિશે આપણે કઈ રીતે યોગ્ય વલણ રાખી શકીએ? આપણે પોતાને પૂછી શકીએ, “શું ઈશ્વરભક્તિની સરખામણીમાં મને નોકરી વધારે મજેદાર અને રસપ્રદ લાગે છે? શું મને ભક્તિ સામાન્ય કે કંટાળાજનક લાગે છે?” આ સવાલો પર વિચાર કરવાથી ખ્યાલ આવશે કે આપણે શાને વધારે પ્રેમ કરીએ છીએ.

૧૦. ઈસુએ કયો મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો?

૧૦ જીવનમાં શાને પ્રથમ સ્થાન આપવું જોઈએ, એ વિશે ઈસુએ શીખવ્યું હતું. એકવાર ઈસુ બે બહેનો, માર્થા અને મરિયમના ઘરે ગયા હતા. તરત જ માર્થા તેમના માટે ભોજનની તૈયારી કરવા લાગી. પરંતુ, મરિયમ ઈસુ પાસેથી શીખવા તેમની નજીક બેસી ગઈ. માર્થાએ ફરિયાદ કરી કે મરિયમ તેને મદદ નથી કરતી. ઈસુએ માર્થાને કહ્યું: “મરિયમે પોતાના માટે સારો ભાગ પસંદ કર્યો છે અને એ તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.” (લુક ૧૦:૩૮-૪૨) આમ, ઈસુએ એક મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો. પોતાની જરૂરિયાતો પાછળ ફંટાઈ ન જવા અને ખ્રિસ્ત માટેનો પોતાનો પ્રેમ સાબિત કરવા, આપણે “સારો ભાગ” પસંદ કરવાની જરૂર છે. એનો અર્થ એ થાય કે આપણા જીવનમાં યહોવા સાથેનો સંબંધ સૌથી વધારે મહત્ત્વનો હોવો જોઈએ.

મોજશોખ અને મનોરંજન પ્રત્યે યોગ્ય વલણ

૧૧. આરામ અને હળવાશની પળો વિશે બાઇબલ શું જણાવે છે?

૧૧ આપણું જીવન ખૂબ જ વ્યસ્ત છે. એટલે, આરામ કરવા અને હળવાશની પળો માણવા થોડો સમય વિતાવવો જરૂરી છે. બાઇબલ જણાવે છે: “ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી.” (સભા. ૨:૨૪) ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યોને પણ આરામની જરૂર છે. દાખલા તરીકે, પ્રચારકાર્યમાં ખૂબ મહેનત કર્યા પછી ઈસુએ તેઓને કહ્યું: “તમે બધા મારી સાથે એકાંત જગ્યાએ ચાલો અને થોડો આરામ કરો.”—માર્ક ૬:૩૧, ૩૨.

૧૨. મોજશોખ અને મનોરંજન વિશે આપણે કેમ સાવધ રહેવું જોઈએ? ઉદાહરણ આપો.

૧૨ મોજશોખ અને મનોરંજન આપણને આરામ કરવા અને હળવાશની પળો માણવા મદદ કરી શકે. પણ, આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે મોજમજા કરવી જીવનમાં સૌથી મહત્ત્વનું બની ન જાય. પહેલી સદીમાં ઘણા લોકો આવું વલણ રાખતા હતા: “ચાલો આપણે ખાઈએ અને પીએ, કેમ કે કાલે તો મરવાનું છે.” (૧ કોરીં. ૧૫:૩૨) આજે પણ લોકોનું વલણ એવું જ છે. દાખલા તરીકે, પશ્ચિમ યુરોપમાં રહેતા એક યુવાને સભાઓમાં જવાનું શરૂ કર્યું. પણ તેને મનોરંજન એટલું ગમતું હતું કે તેણે યહોવાના સાક્ષીઓ સાથેની સંગત છોડી દીધી. સમય જતાં, તેને સમજાયું કે મોજશોખમાં ડૂબેલા રહેવાને કારણે, તેના પર ઘણી મુશ્કેલીઓ આવી છે. ફરીથી તેણે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. થોડા જ સમયમાં, તે રાજ્યની ખુશખબર ફેલાવવા લાગ્યો. બાપ્તિસ્મા પછી તેણે જણાવ્યું: ‘આ દુનિયાના મનોરંજન કરતાં યહોવાની સેવા કરવાથી વધારે આનંદ મળે છે. એ વાત મને મોડેથી સમજાઈ, એનો મને અફસોસ છે.’

૧૩. (ક) ઉદાહરણ આપીને સમજાવો કે શા માટે મોજશોખ અને મનોરંજન પાછળ વધારે પડતો સમય આપવો સારું ન કહેવાય. (ખ) મોજશોખ અને મનોરંજન માટે યોગ્ય વલણ રાખવા શું મદદ કરી શકે?

૧૩ મોજશોખથી આપણને હળવાશ અને સ્ફૂર્તિ મળવી જોઈએ. તો પછી, મોજશોખ પાછળ કેટલો સમય આપવો જોઈએ? ચાલો, એનો જવાબ મેળવવા આ દાખલાનો વિચાર કરીએ. ઘણા લોકોને મીઠાઈ અને કેક ગમે છે. પરંતુ, આપણે જાણીએ છીએ કે જો હંમેશાં એ જ ખાતા રહીશું, તો એનાથી આપણી તબિયત બગડશે. જો આપણે તંદુરસ્ત રહેવા માંગતા હોઈશું, તો પૌષ્ટિક ખોરાક ખાવો જરૂરી છે. એવી જ રીતે, મોજશોખ અને મનોરંજન પાછળ વધારે પડતો સમય વિતાવવાથી યહોવા સાથેનો સંબંધ નબળો પડી જશે. મોજશોખ અને મનોરંજન માટે આપણે યોગ્ય વલણ રાખીએ છીએ કે નહિ એ કઈ રીતે જાણી શકીએ? એક રીત આ છે: સભાઓ, પ્રચાર અને બાઇબલ અભ્યાસ જેવી ભક્તિની પ્રવૃત્તિઓ માટે અઠવાડિયામાં કેટલા કલાકો આપીએ છીએ એ લખીએ. પછી, રમતગમત, ટીવી કે વીડિયો ગેમ જેવી મોજશોખની પ્રવૃત્તિઓ માટે કેટલા કલાકો આપીએ છીએ એ લખીએ. બંને આંકડાઓને સરખાવવાથી શું જાણવા મળે છે? શું આપણે કોઈ ફેરફાર કરવાની જરૂર છે?—એફેસીઓ ૫:૧૫, ૧૬ વાંચો.

૧૪. મોજશોખ અને મનોરંજનની સારી પસંદગી કરવા આપણને શું મદદ કરશે?

૧૪ કયું મનોરંજન પસંદ કરવું એની યહોવાએ આપણને છૂટ આપી છે. કુટુંબના શિર પોતાના કુટુંબ માટે મનોરંજનની પસંદગી કરી શકે છે. મનોરંજન વિશે યહોવા શું વિચારે છે, એ જણાવતા સિદ્ધાંતો બાઇબલમાં આપવામાં આવ્યા છે. એ સિદ્ધાંતો આપણને સારા નિર્ણયો લેવા મદદ કરે છે. * સારું મનોરંજન ‘એ ઈશ્વરનું દાન છે.’ (સભા. ૩:૧૨, ૧૩) એ સાચું છે કે દરેક વ્યક્તિની મનોરંજનની પસંદગી અલગ અલગ હોય છે. (ગલા. ૬:૪, ૫) એટલે, ભલે કોઈ પણ પ્રકારનું મનોરંજન પસંદ કરીએ, આપણે સાવધ રહેવાની જરૂર છે. ઈસુએ કહ્યું: “જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે.” (માથ. ૬:૨૧) ઈસુ માટે પ્રેમ હોવાથી આપણે વિચારો અને વાણી-વર્તનથી બતાવી આપીએ છીએ કે આપણા માટે બીજી બધી બાબતો કરતાં ઈશ્વરનું રાજ્ય સૌથી મહત્ત્વનું છે.—ફિલિ. ૧:૯, ૧૦.

માલમિલકત વિરુદ્ધ આપણી લડાઈ

૧૫, ૧૬. (ક) કઈ રીતે માલમિલકતનો મોહ આપણા માટે ફાંદો બની જઈ શકે? (ખ) માલમિલકત વિશે ઈસુએ કઈ સારી સલાહ આપી?

૧૫ આજે ઘણા લોકોને નવામાં નવી ફેશનનાં કપડાં, ઇલેક્ટ્રોનિક સાધનો અને બીજી વસ્તુઓનો મોહ હોય છે. તેઓને માટે વસ્તુઓ અને પૈસા બીજા બધા કરતાં વધારે મહત્ત્વના હોય છે. ઈશ્વરના ભક્ત તરીકે તમારા માટે સૌથી વધારે મહત્ત્વનું શું છે? પોતાને પૂછો: “શું માલમિલકત મારા માટે એટલી મહત્ત્વની બની ગઈ છે કે હું સભાઓની તૈયારી કરવા કરતાં આધુનિક કાર કે નવી ફેશન વિશે વિચારવામાં અને એ વિશે જાણવામાં વધારે સમય આપું છું? શું હું રોજબરોજના જીવનમાં એટલો વ્યસ્ત થઈ ગયો છું કે પ્રાર્થના અથવા બાઇબલ વાંચન માટે ઓછો સમય રહે છે?” જો સાવધ ન રહીએ તો માલમિલકત માટેનો મોહ, ખ્રિસ્ત માટેના પ્રેમને દબાવી દેશે. આપણે ઈસુના આ શબ્દો પર વિચાર કરવો જોઈએ: “દરેક પ્રકારના લોભથી સાવધાન રહો.” (લુક ૧૨:૧૫) ઈસુએ શા માટે એવી કડક ચેતવણી આપી?

૧૬ ઈસુએ જણાવ્યું: “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી.” તેમણે ઉમેર્યું: “તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.” આપણા જીવનમાં યહોવાને પ્રથમ રાખવાની સાથે સાથે માલમિલકતનો મોહ પણ રાખવો શક્ય નથી. ઈસુએ જણાવ્યું કે, આપણે ‘એકને ધિક્કારીશું અને બીજાને પ્રેમ કરીશું’ અથવા ‘એકને વળગી રહીશું અને બીજાનો તિરસ્કાર કરીશું.’ (માથ. ૬:૨૪) અપૂર્ણ હોવાને કારણે આપણે બધાએ “શરીરની પાપી ઇચ્છાઓ” વિરુદ્ધ લડતા રહેવાનું છે. એમાં માલમિલકત ભેગી કરવાની ઇચ્છાનો પણ સમાવેશ થાય છે.—એફે. ૨:૩.

૧૭. (ક) શા માટે અમુક લોકો માલમિલકત વિશે યોગ્ય વલણ રાખી શકતા નથી? (ખ) માલમિલકતનો મોહ ટાળવા આપણે શું કરી શકીએ?

૧૭ ઘણા લોકો માટે પોતાની ઇચ્છા અને મોજમજા સંતોષવી એટલું મહત્ત્વનું હોય છે કે તેઓ માલમિલકત વિશે યોગ્ય વલણ રાખી શકતા નથી. (૧ કોરીંથીઓ ૨:૧૪ વાંચો.) તેઓ એ વિશે સ્પષ્ટ રીતે વિચારી નથી શકતા, એટલે ખરા ખોટા વચ્ચેનો ભેદ પારખવો તેઓ માટે મુશ્કેલ હોય છે. (હિબ્રૂ. ૫:૧૧-૧૪) માલમિલકત ભેગી કરવાની તેઓની ઇચ્છા વધતી ને વધતી જઈ શકે. તેઓને બસ વધારેને વધારે ભેગું કરવું હોય છે. (સભા. ૫:૧૦) આવા વિચારો સામે લડવા આપણે શું કરવું જોઈએ? નિયમિત રીતે બાઇબલ વાંચવાથી આપણે ભક્તિમાં મજબૂત થઈશું. આમ, આપણે માલમિલકતનો મોહ ટાળી શકીશું. (૧ પીત. ૨:૨) યહોવાના ડહાપણ પર ઈસુ મનન કરતા હતા, એટલે તે શેતાનની લાલચનો સામનો કરી શક્યા. આજે પણ જો આપણે માલમિલકતના મોહથી બચવા માંગતા હોઈએ, તો યહોવાના ડહાપણને આપણા જીવનમાં લાગુ પાડવું જોઈએ. (માથ. ૪:૮-૧૦) આમ, આપણે બતાવી આપીશું કે આપણે માલમિલકત કરતાં ઈસુને વધારે પ્રેમ કરીએ છીએ.

તમારા જીવનમાં શું વધારે મહત્ત્વનું છે? (ફકરો ૧૮ જુઓ)

૧૮. તમે શું કરવાનો નિર્ણય લીધો છે?

૧૮ ઈસુએ પીતરને પૂછ્યું હતું: “શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” એ સવાલ પૂછીને ઈસુ પીતરને શીખવવા માંગતા હતા કે યહોવાની ભક્તિ જીવનમાં સૌથી મહત્ત્વની હોવી જોઈએ. પીતરના નામનો અર્થ “ખડક” છે. તેમના સારા ગુણોને ખડક સાથે સરખાવી શકાય. (પ્રે.કા. ૪:૫-૨૦) આજે આપણે પણ ચાહીએ છીએ કે ખ્રિસ્ત માટેનો આપણો પ્રેમ મક્કમ રહે. એટલે, નોકરીધંધો, મોજશોખ અને માલમિલકત જીવનમાં યોગ્ય સ્થાને રહે એનું આપણે ધ્યાન રાખીએ છીએ. પછી, આપણે પીતરની જેમ કહી શકીશું: “પ્રભુ, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.”