સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાએ આપેલા કીમતી ખજાના પર મન લગાડીએ

યહોવાએ આપેલા કીમતી ખજાના પર મન લગાડીએ

“જ્યાં તમારી ધનદોલત છે, ત્યાં જ તમારું દિલ પણ હશે.”—લુક ૧૨:૩૪.

ગીતો: ૧૫૩,

૧, ૨. (ક) યહોવાએ આપેલાં ત્રણ કીમતી રત્નો કયાં છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે. દરેક વસ્તુઓ તેમની છે. (૧ કાળ. ૨૯:૧૧, ૧૨) પરંતુ, યહોવા બધા માટે ઉદારતા બતાવે છે. તેમણે આપણને અનમોલ ખજાનો આપ્યો છે, એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ! એમાંના અમુક રત્નો કયા છે? (૧) ઈશ્વરનું રાજ્ય, (૨) આપણું સેવાકાર્ય, અને (૩) બાઇબલમાં રહેલાં અનમોલ સત્યો. પણ, જો ધ્યાન નહિ રાખીએ, તો સમય જતાં એ કીમતી રત્નો આપણી માટે નજીવાં બની જશે. આપણે પોતાને યાદ અપાવવાની જરૂર છે કે એ રત્નો કેટલા કીમતી છે અને આપણે એ માટે ઊંડો પ્રેમ કેળવવો જોઈએ. કારણ કે, ઈસુએ કહ્યું હતું: “જ્યાં તમારી ધનદોલત છે, ત્યાં જ તમારું દિલ પણ હશે.”—લુક ૧૨:૩૪.

ચાલો જોઈએ કે રાજ્ય, સેવાકાર્ય અને બાઇબલ સત્યો માટે આપણે કઈ રીતે પ્રેમ અને કદર વધારી શકીએ. એ વિશે ચર્ચા કરીએ ત્યારે ધ્યાન આપજો કે, ઈશ્વરે આપેલાં કીમતી રત્નો માટે તમે કઈ રીતે પ્રેમ વધારી શકો.

ઈશ્વરનું રાજ્ય—અનમોલ મોતી

૩. એક વેપારીએ કીમતી મોતી ખરીદવા કેવી તૈયારી બતાવી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

માથ્થી ૧૩:૪૫, ૪૬ વાંચો. ઈસુએ એક વેપારીની વાર્તા કહી હતી, જે મોતી ખરીદવાનો અને વેચવાનો ધંધો કરતો હતો. એક દિવસે, તેને એક એવું મોતી મળ્યું, જે તેણે જોયેલાં બીજાં બધાં મોતી કરતાં ઘણું કીમતી હતું. તેને એ મોતી કોઈ પણ કિંમતે મેળવવું હતું, એ માટે તેણે પોતાની બધી મિલકત વેચી દીધી. જરા વિચારો, તેના માટે એ મોતી કેટલું અનમોલ હતું!

૪. રાજ્ય માટે આપણે શું કરવા તૈયાર છીએ?

ઈસુએ કહેલી વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? ઈશ્વરના રાજ્યનું સત્ય એ કીમતી મોતી જેવું છે. એ વેપારીએ મોતીને અનમોલ ગણ્યું, તેમ આપણે પણ રાજ્યને અનમોલ ગણવું જોઈએ. જો એમ કરીશું તો, રાજ્યની પ્રજા બનવા અને બની રહેવા માટે કંઈ પણ જતું કરવા તૈયાર હોઈશું. (માર્ક ૧૦:૨૮-૩૦ વાંચો.) ચાલો, બે વ્યક્તિઓ વિશે જોઈએ, જેઓએ એવું કર્યું હતું.

૫. રાજ્ય માટે જાખ્ખી શું કરવા તૈયાર હતો?

જાખ્ખી નામનો એક માણસ કર ઉઘરાવનાર હતો. તે જોરજુલમથી લોકો પાસેથી પૈસા પડાવીને ધનવાન બન્યો હતો. (લુક ૧૯:૧-૯) એક દિવસે, જાખ્ખીએ ઈસુને રાજ્ય વિશે વાત કરતા સાંભળ્યા. એ વાતો તેને એટલી ગમી કે, પોતાના જીવનમાં પૂરેપૂરું બદલાણ લાવવા તે તૈયાર થયો. તેણે કહ્યું: “પ્રભુ, જુઓ! મારી અડધી મિલકત હું ગરીબોને આપું છું અને જે કોઈની પાસેથી મેં ખોટી રીતે પડાવી લીધું હોય, તેને હું ચાર ગણું પાછું આપું છું.” લોકો પાસેથી પડાવી લીધેલા પૈસા જાખ્ખીએ પાછા આપી દીધા અને લોભ રાખવાનું છોડી દીધું.

૬. એક સ્ત્રીએ કેવા ફેરફારો કર્યા અને એવું તે શા માટે કરી શકી?

ચાલો બીજો દાખલો જોઈએ. સજાતીય સંબંધ રાખનાર એક સ્ત્રીને અમુક વર્ષો પહેલાં રાજ્ય વિશે સાંભળવા મળ્યું. તે એવા સંગઠનની પ્રમુખ હતી, જે સજાતીય સંબંધ રાખનાર લોકોના હક માટે લડતું હતું. પરંતુ, જ્યારે તે બાઇબલમાંથી શીખવા લાગી ત્યારે તેને ઈશ્વરના રાજ્યનું મહત્ત્વ સમજાયું. તેને ખ્યાલ આવ્યો કે તેણે પોતાના જીવનમાં મોટા ફેરફારો કરવાની જરૂર છે. (૧ કોરીં. ૬:૯, ૧૦) યહોવા માટે પ્રેમ હોવાથી તેણે એ સંગઠન છોડી દીધું અને સજાતીય સંબંધ રાખવાનું બંધ કરી દીધું. ૨૦૦૯માં તેણે બાપ્તિસ્મા લીધું અને બીજા જ વર્ષે તે નિયમિત પાયોનિયર બની. તે પોતાના જીવનમાં મોટા ફેરફારો કરી શકી. કારણ કે, પોતાની અયોગ્ય ઇચ્છાઓ કરતાં યહોવા માટેનો પ્રેમ વધુ મજબૂત હતો.—માર્ક ૧૨:૨૯, ૩૦.

૭. ઈશ્વરના રાજ્ય માટેનો પ્રેમ આપણે કઈ રીતે મજબૂત બનાવી શકીએ?

ઈશ્વરના રાજ્યની પ્રજા બનવા આપણામાંથી ઘણાએ પોતાનું જીવન પૂરેપૂરું બદલ્યું છે. (રોમ. ૧૨:૨) પણ એટલું જ પૂરતું નથી. આપણે ધ્યાન રાખવું જોઈએ કે, રાજ્ય માટેનો પ્રેમ કોઈ પણ બાબતને લીધે ઠંડો ન પડી જાય. ભલે પછી, એ માલમિલકતનો મોહ હોય કે અયોગ્ય જાતીય ઇચ્છાઓ. (નીતિ. ૪:૨૩; માથ. ૫:૨૭-૨૯) ઈશ્વરના રાજ્ય માટેનો પ્રેમ મજબૂત બનાવવા, યહોવાએ આપણને બીજું એક કીમતી રત્ન આપ્યું છે.

જીવન બચાવનારું સેવાકાર્ય

૮. (ક) શા માટે પાઊલે આપણા સેવાકાર્યને ‘માટીનાં વાસણોમાં રહેલા ખજાના’ સાથે સરખાવ્યું? (ખ) પાઊલે કઈ રીતે સેવાકાર્ય માટે પ્રેમ બતાવ્યો?

ઈસુએ આપણને ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાનું અને બીજાઓને શીખવવાનું કામ સોંપ્યું છે. (માથ. ૨૮:૧૯, ૨૦) પ્રેરિત પાઊલે એ સોંપણીને એવા ખજાના સાથે સરખાવી છે, જે માટીના વાસણોમાં કે બરણીઓમાં મૂકેલો છે. (૨ કોરીં. ૪:૭; ૧ તિમો. ૧:૧૨) અપૂર્ણ હોવાથી આપણે માટીની બરણીઓ જેવા છીએ. પરંતુ, આપણે જે સંદેશો જાહેર કરીએ છીએ, એ કીમતી ખજાના જેવો છે. કારણ કે, એના લીધે આપણને અને આપણા સાંભળનારને હંમેશ માટેનું જીવન મળી શકે છે. તેથી, પાઊલે આમ કહ્યું: “આ બધું જ હું ખુશખબર માટે કરું છું, જેથી બીજાઓને એ જણાવી શકું.” (૧ કોરીં. ૯:૨૩) પાઊલે બીજાઓને ઈશ્વરના રાજ્ય વિશે શીખવવા ઘણી મહેનત કરી હતી. (રોમનો ૧:૧૪, ૧૫; ૨ તિમોથી ૪:૨ વાંચો.) ખુશખબર માટે પ્રેમ હોવાથી આકરી કસોટીમાં પણ તે સંદેશો જાહેર કરતા રહ્યા. (૧ થેસ્સા. ૨:૨) પાઊલની જેમ આપણે કઈ રીતે સેવાકાર્ય માટે પ્રેમ બતાવી શકીએ?

૯. સેવાકાર્ય માટેનો પ્રેમ બતાવવાની અમુક રીતો કઈ છે?

પાઊલે બીજાઓને સંદેશો જણાવવાની એકેએક તક ઝડપી લીધી. આમ, તેમણે સેવાકાર્ય માટેનો પ્રેમ બતાવી આપ્યો. પાઊલ અને શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ, આપણે પણ ઘરેઘરે કે જાહેર રસ્તાઓ પર કે પછી જ્યાં પણ લોકો મળે ત્યાં તેઓને સંદેશો જણાવીએ છીએ. (પ્રે.કા. ૫:૪૨; ૨૦:૨૦) વધુ ને વધુ લોકોને ખુશખબર જણાવવા આપણે અલગ અલગ રીતો શોધીએ છીએ. અને સંજોગો અનુકૂળ હોય તો આપણે સહાયક કે નિયમિત પાયોનિયર તરીકે સેવા આપી શકીએ. અથવા બીજી ભાષા શીખી શકીએ, આપણાં દેશના બીજા વિસ્તારોમાં કે બીજા દેશમાં જઈ શકીએ.—પ્રે.કા. ૧૬:૯, ૧૦.

૧૦. ખુશખબર માટે સખત મહેનત કરવાથી આઇરીનને કેવા આશીર્વાદો મળ્યા?

૧૦ અમેરિકામાં રહેતાં કુંવારાં બહેન આઇરીન, રશિયન ભાષા બોલતા લોકોને ખુશખબર જણાવવા ચાહતાં હતાં. એટલે, ૧૯૯૩માં તે ન્યૂ યૉર્ક શહેરમાં રશિયન ગ્રૂપમાં જોડાયાં. એ સમયે, એ ગ્રૂપમાં આશરે ૨૦ પ્રકાશકો જ હતા. ૨૦ વર્ષ પછી, આઇરીને કહ્યું: ‘હું હજુ પણ સારી રીતે રશિયન બોલી શકતી નથી.’ છતાં, યહોવાએ તેમને અને બીજા પ્રકાશકોને એ ભાષામાં પ્રચાર કરવા મદદ કરી છે. પરિણામે, આજે ન્યૂ યૉર્ક શહેરમાં છ રશિયન મંડળો છે. આઇરીને ઘણા લોકોને બાઇબલમાંથી શીખવ્યું છે અને એમાંથી ૧૫ લોકોએ બાપ્તિસ્મા લીધું છે. એમાંના અમુક બેથેલમાં છે અને અમુક પાયોનિયર અને વડીલો તરીકે સેવા આપે છે. આઇરીન કહે છે, ‘હું કોઈક વાર વિચારું છું કે જીવનમાં બીજા ક્યા ધ્યેયો પાછળ હું દોડી શકી હોત. મેં મહેસૂસ કર્યું કે એવો એક પણ ધ્યેય નથી, જે મને સેવાકાર્ય જેટલી ખુશી આપી શકે.’ આઇરીન સાચે જ પોતાના સેવાકાર્યને કીમતી ગણે છે!

શું તમે સેવાકાર્યને કીમતી ગણો છો અને દર અઠવાડિયે એમાં ભાગ લેવા મહેનત કરો છો? (ફકરા ૧૧, ૧૨ જુઓ)

૧૧. સતાવણીઓ છતાં પ્રચારમાં લાગુ રહેવાથી કેવાં પરિણામો મળે છે?

૧૧ જો સેવાકાર્યને કીમતી ગણતા હોઈશું, તો પ્રેરિત પાઊલની જેમ આપણે પણ આકરી કસોટીઓમાં પ્રચાર કરતા રહીશું. (પ્રે.કા. ૧૪:૧૯-૨૨) દાખલા તરીકે, અમેરિકામાં ૧૯૩૦થી લઈને ૧૯૪૪ સુધીમાં આપણાં ભાઈ-બહેનોની આકરી સતાવણી થઈ. છતાં તેઓ પ્રચાર કરતાં રહ્યાં. અધિકારીઓ જ્યારે તેઓને રોકતા, ત્યારે તેઓ કોર્ટમાં જતાં. તેઓએ ઘણા કેસ જીત્યા હતા. ૧૯૪૩માં, ભાઈ નૉરે અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં મળેલી એક જીત વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો ભાઈ-બહેનોએ પ્રચાર બંધ કરી દીધો હોત, તો આવા કોઈ કેસ થયા ન હોત. તેમણે આગળ જણાવ્યું કે એવા કેસ લડવાને લીધે, દુનિયા ફરતે ઘણાં ભાઈ-બહેનોને પ્રચાર કરવાની આઝાદી મળી છે. બીજા દેશોમાં પણ ભાઈઓ આવા જ કેસ જીત્યા હતા. સાચે જ, સેવાકાર્ય માટે પ્રેમ હશે તો સતાવણીઓ પણ આપણને પ્રચાર કરતા રોકી નહિ શકે.

૧૨. તમે કયો દૃઢ નિર્ણય લીધો છે?

૧૨ સેવાકાર્યને કીમતી ગણીશું તો, આપણે ફક્ત એ ચિંતા નહિ કરીએ કે આપણા રિપોર્ટમાં કેટલા કલાકો લખીશું. “ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપવા” આપણે બનતું બધું કરીશું. (પ્રે.કા. ૨૦:૨૪; ૨ તિમો. ૪:૫) પરંતુ, આપણે બીજાઓને શું શીખવીશું? ચાલો, ઈશ્વરે આપેલા ખજાનામાંના બીજા એક કીમતી રત્ન પર ધ્યાન આપીએ.

સત્યનાં કીમતી રત્નો

૧૩, ૧૪. ઈસુએ માથ્થી ૧૩:૫૨માં જણાવેલો ‘ખજાનો’ શું છે અને આપણે એને કઈ રીતે વધારી શકીએ?

૧૩ યહોવાએ આપેલાં કીમતી રત્નોમાંથી ત્રીજું છે, જાહેર થયેલા બધાં સત્ય. બધાં સત્ય યહોવા તરફથી છે. (૨ શમૂ. ૭:૨૮; ગીત. ૩૧:૫) ઉદાર પિતા તરીકે, તે આપણને સત્ય શીખવે છે. અત્યાર સુધી, આપણે બાઇબલ અને સાહિત્ય વાંચીને, સંમેલનો અને સભાઓમાં હાજર રહીને એમાંનાં ઘણાં સત્ય શીખ્યા છે. સત્યનાં રત્નો ભેગાં કરતાં જઈશું તેમ, આપણી પાસે ‘જૂની અને નવી વસ્તુઓનો ખજાનો’ હશે. એ સત્યના ખજાના વિશે ઈસુએ પણ જણાવ્યું હતું. (માથ્થી ૧૩:૫૨ વાંચો.) જો આપણે છૂપા ખજાનાની જેમ એ સત્યને શોધીશું, તો યહોવા આપણા ‘ખજાનાને’ વધારવા મદદ કરશે. (નીતિવચનો ૨:૪-૭ વાંચો.) એવું આપણે કઈ રીતે કરી શકીએ?

૧૪ બાઇબલ અને સાહિત્યનો નિયમિત અભ્યાસ કરવો અને એમાંથી ઊંડું સંશોધન કરવું આપણા માટે જરૂરી છે. એમ કરવાથી, પહેલાં અજાણ હતા એવાં ‘નવાં’ સત્ય આપણે હાથ લાગશે. (યહો. ૧:૮, ૯; ગીત. ૧:૨, ૩) ચોકીબુરજનો પહેલો અંક જુલાઈ ૧૮૭૯માં છપાયો હતો. એ અંક જણાવે છે કે, ‘સત્ય ઝાડી-ઝાંખરાંમાં છુપાયેલા ફૂલ જેવું છે. એવા ફૂલને શોધવા વ્યક્તિએ ખંતથી તપાસ કરવી પડે છે. અને જ્યારે તેને એ મળે છે, ત્યારે તેણે એક ફૂલથી સંતોષ માનીને બેસી ન રહેવું જોઈએ. તેણે એવાં બીજાં ફૂલ શોધતા રહેવું જોઈએ.’ એવી જ રીતે, એક સત્ય મળે ત્યારે એનાથી સંતોષ માનીને આપણે બેસી ન રહીએ. પરંતુ, બીજાં સત્ય શોધતા રહેવું જોઈએ.

૧૫. અમુક સત્યને આપણે શા માટે ‘જૂનું’ કહીશું અને એમાંથી કયા સત્યને તમે કીમતી ગણો છો?

૧૫ બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે, આપણને અમુક અદ્ભૂત સત્ય શીખવા મળ્યું હતું. એ સત્યને આપણે ‘જૂનું’ સત્ય કહીશું કારણ કે, આપણે એ સૌપ્રથમ શીખ્યા હતા. એમાંનાં અમુક સત્ય કયાં છે? આપણે શીખ્યા હતા કે યહોવા આપણા સર્જનહાર છે અને માણસો માટે તેમનો એક હેતુ છે. આપણે એ પણ શીખ્યા કે, આપણને પાપ અને મરણની ગુલામીમાંથી છોડાવવા ઈશ્વરે પોતાના દીકરાને પૃથ્વી પર બલિદાન આપવા મોકલ્યા હતા. અને એ શીખ્યા કે, ઈશ્વરનું રાજ્ય આપણી બધી દુઃખ-તકલીફો દૂર કરશે અને આપણે પૃથ્વી પર હંમેશ માટે સુખ-શાંતિમાં જીવી શકીશું.—યોહા. ૩:૧૬; પ્રકટી. ૪:૧૧; ૨૧:૩, ૪.

૧૬. આપણી સમજણમાં સુધારો થાય ત્યારે આપણે શું કરવું જોઈએ?

૧૬ અમુક વાર, બાઇબલ ભવિષ્યવાણી કે કલમો વિશેની આપણી સમજણમાં સુધારો થઈ શકે છે. એવું થાય ત્યારે જરૂરી છે કે એ સુધારા પર અભ્યાસ કરવા અને મનન કરવા સમય કાઢીએ. (પ્રે.કા. ૧૭:૧૧; ૧ તિમો. ૪:૧૫) આપણે જૂની અને નવી સમજણ વચ્ચેનો ફરક સમજવાની જરૂર છે. જોકે, નવી સમજણની વિગતો પર ધ્યાન આપવું પણ ખૂબ જરૂરી છે. કાળજીપૂર્વક અભ્યાસ કરવાથી એ નવી સમજણ આપણા સત્યના ખજાનાનો ભાગ બનશે. એ માટે આપણે કેમ મહેનત કરવી જોઈએ?

૧૭, ૧૮. પવિત્ર શક્તિ આપણને કઈ રીતે મદદ કરી શકે?

૧૭ ઈસુએ આપણને શીખવ્યું કે ઈશ્વરની શક્તિ આપણને અગાઉની શીખેલી વાતો યાદ કરાવી શકે છે. (યોહા. ૧૪:૨૫, ૨૬) ખુશખબર જણાવતી વખતે ઈશ્વરની શક્તિ કઈ રીતે આપણને મદદ કરી શકે? ચાલો, આપણે પીટર નામના ભાઈનો અનુભવ જોઈએ. ૧૯૭૦માં, તેમણે ૧૯ વર્ષની ઉંમરે બ્રિટન બેથેલમાં સેવા આપવાનું શરૂ કર્યું. એકવાર, પીટર ઘર-ઘરના પ્રચાર કામમાં હતા, ત્યારે તેમને પચાસેક વર્ષનો એક દાઢીવાળો માણસ મળ્યો. તેમણે એ માણસને પૂછ્યું કે તેને બાઇબલ શીખવું છે. એ માણસ યહુદી ધર્મનો શિક્ષક હતો, તેને અચંબો થયો કે યુવાન છોકરો તેને બાઇબલ શીખવવાની વાત કરે છે. પીટરની પરીક્ષા કરવા તેણે પૂછ્યું, “છોકરા, દાનીયેલનું પુસ્તક કઈ ભાષામાં લખાયું હતું?” પીટરે કહ્યું, “એ પુસ્તકનો અમુક ભાગ અરામિકમાં લખાયો હતો.” પીટર એ પ્રસંગ યાદ કરતાં કહે છે, “મને જવાબ ખબર છે, એ જાણીને તેને નવાઈ લાગી. પણ, મને તો તેનાથી પણ વધારે નવાઈ લાગી કે મને કેમનો જવાબ આવડ્યો? હું ઘરે ગયો ત્યારે મેં પાછલા મહિનાઓનાં ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન તપાસ્યાં. મને એક લેખ મળ્યો, જેમાં સમજાવવામાં આવ્યું હતું કે, દાનીયેલનું પુસ્તક અરામિકમાં લખાયું હતું.” આપણે માહિતી વાંચીને આપણા ખજાનામાં સંગ્રહી હશે, તો પવિત્ર શક્તિ એ યાદ કરવા આપણને મદદ કરશે.—લુક ૧૨:૧૧, ૧૨; ૨૧:૧૩-૧૫.

૧૮ યહોવાએ આપેલાં સત્યનાં રત્નો અનમોલ છે. જો આપણે એને પ્રેમ કરતા હોઈશું અને એની કદર કરતા હોઈશું, તો એ રત્નોને આપણા ખજાનામાં ભેગાં કરીશું. આપણે જેટલું વધારે એમ કરીશું, એટલું વધારે આપણે બીજાઓને શીખવવા પોતાને તૈયાર કરીશું.

તમારા ખજાનાનું રક્ષણ કરો

૧૯. આપણે શા માટે ઈશ્વર તરફથી મળેલા ખજાનાનું રક્ષણ કરવું જોઈએ?

૧૯ આ લેખમાં આપણે જોયું કે ઈશ્વરે આપેલાં કીમતી રત્નો આપણા માટે ઘણા અનમોલ છે. પણ, આપણે ધ્યાન રાખવું જોઈએ કે, શેતાન અને તેની દુનિયા આ ખજાના માટેનો આપણો પ્રેમ ઠંડો ન પાડી દે. જો આપણે સાવચેત નહિ રહીએ તો, કદાચ દુનિયાની બાબતો આપણું ધ્યાન ભટાકાવી દે. જેમ કે, મોટા પગારની નોકરીનું વચન, સુખ-સાહ્યબીમાં જીવવાનાં સપનાં અને માલમિલકતનો દેખાડો. પ્રેરિત યોહાને આપણને યાદ અપાવ્યું કે આ દુનિયા અને એની બાબતો બધું જ જલદી જતું રહેશે. (૧ યોહા. ૨:૧૫-૧૭) એટલા માટે, આપણે ઈશ્વર તરફથી મળેલા કીમતી ખજાનાની કદર કરવી જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ.

૨૦. ઈશ્વરે આપેલા કીમતી ખજાનાનું રક્ષણ કરવા તમે શું કરશો?

૨૦ ઈશ્વરના રાજ્ય માટેનો તમારો પ્રેમ ઠંડો પાડી દે, એવી કોઈ પણ બાબતને છોડી દેતા અચકાશો નહિ. ઉત્સાહથી ખુશખબર જણાવતા રહો. એ માટેનો પ્રેમ ઠંડો ન પડી જાય માટે મનમાં ગાંઠ વાળો. બાઇબલમાંથી સત્યનાં કીમતી રત્નો શોધતા રહો. એમ કરશો તો તમે ‘સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી કરશો જે કદી ખૂટતી નથી, જ્યાં કોઈ ચોર પહોંચે નહિ અને કોઈ કીડા ખાય નહિ. કેમ કે જ્યાં તમારી ધનદોલત છે, ત્યાં જ તમારું દિલ પણ હશે.’—લુક ૧૨:૩૩, ૩૪.