સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તારી ચતુરાઈને ધન્ય હો”

“તારી ચતુરાઈને ધન્ય હો”

આ શબ્દો પ્રાચીન ઇઝરાયેલના દાઊદે રસ્તામાં મળનાર એક સ્ત્રીને કહ્યા હતા. તે સ્ત્રીનું નામ અબીગાઈલ હતું. દાઊદે તેના વખાણ કર્યા. શા માટે? એ સ્ત્રી પાસેથી આપણે શું શીખી શકીએ?

રાજા શાઊલથી બચવા દાઊદ નાસી રહ્યા હતા ત્યારે, તે અબીગાઈલને મળ્યા હતા. તેના લગ્ન નાબાલ નામના ધનવાન માણસ સાથે થયા હતા. તેની પાસે ઘણાં ઘેટાં-બકરાં હતાં અને તેઓને ચરાવવા તે દક્ષિણ યહુદાના પહાડી વિસ્તારમાં મોકલતો. દાઊદ અને તેમના માણસો નાબાલના ઢોરઢાંક અને તેના ઘેટાંપાળકો માટે “કોટરૂપ હતા.” પછીથી, દાઊદે પોતાના માણસો મોકલીને નાબાલને અરજ કરી: “કૃપા કરીને જે તારે હાથ લાગે તે તારા દાસોને” આપ. (૧ શમૂ. ૨૫:૮, ૧૫, ૧૬) દાઊદ અને તેમના માણસોએ નાબાલની મિલકતનું રક્ષણ કર્યું હતું, તેથી દાઊદની માંગણી વાજબી હતી.

નાબાલના નામનો અર્થ “અક્કલ વગરનો” અથવા “મૂર્ખ” થતો હતો. જેવું નામ તેવું કામ. તેણે કઠોર અને અપમાનજનક શબ્દો કહીને દાઊદની અરજ નકારી દીધી. નાબાલનું કેટલું ગેરવાજબી અને ઉદ્ધત વલણ! તેને સજા કરવા દાઊદે તૈયારી કરી. નાબાલની મૂર્ખાઈનું પરિણામ તેણે એકલાએ નહિ, પણ આખા કુટુંબે ભોગવવાનું હતું.—૧ શમૂ. ૨૫:૨-૧૩, ૨૧, ૨૨.

દાઊદના ઉતાવળિયા પગલાનું ગંભીર પરિણામ આવશે એ પારખીને અબીગાઈલે હિંમતથી દરમિયાનગીરી કરી. તેણે આદરપૂર્વક દાઊદને અરજ કરી અને તેમને યહોવા સાથેનો સંબંધ યાદ અપાવ્યો. તેણે ભાવિ રાજા અને તેમના માણસોને ભરપૂર ખોરાક પૂરો પાડ્યો. દાઊદે કબૂલ્યું કે, અબીગાઈલનો ઉપયોગ કરીને યહોવાએ તેમને ખૂનના દોષથી બચાવ્યા છે. દાઊદે અબીગાઈલને કહ્યું: ‘તારી ચતુરાઈને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમ કે તેં મને આજ ખૂનના દોષથી અટકાવ્યો છે.’—૧ શમૂ. ૨૫:૧૮, ૧૯, ૨૩-૩૫.

નાબાલે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો. આપણે ક્યારેય એમ ન કરીએ. ઉપરાંત, કંઈક ખોટું થવાનું છે એનો ખ્યાલ આવતા જ યોગ્ય પગલાં ભરીએ. પાણી પહેલાં પાળ બાંધીએ. આપણે પણ ગીતકર્તાની જેમ ઈશ્વરને વિનવીએ: “મને સારો વિવેક તથા ડહાપણ શીખવ.”—ગીત. ૧૧૯:૬૬.

બીજાઓ પણ આપણા વર્તનમાં એ ડહાપણ કે ચતુરાઈ જોઈ શકશે. તેઓ કદાચ શબ્દોથી ના કહે, પણ મનમાં દાઊદની જેમ કહે: “તારી ચતુરાઈને ધન્ય હો.”