સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ઈશ્વરની શાંતિ બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે’

‘ઈશ્વરની શાંતિ બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે’

‘ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.’—ફિલિ. ૪:૭.

ગીતો: ૩૯, ૧૪૧

૧, ૨. ફિલિપી શહેરમાં પાઊલ અને સિલાસ જોડે શું બન્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આ દૃશ્યની કલ્પના કરો. લગભગ અડધી રાતનો સમય છે. પ્રથમ સદીના બે મિશનરી ભાઈઓ પાઊલ અને સિલાસ, ફિલિપી શહેરની એક જેલમાં છે. એ જેલની સૌથી અંદરની એક અંધારી કોટડીમાં તેઓ કેદ છે. તેઓ હલન-ચલન કરી શકતા નથી, કારણ કે તેઓના પગ હેડમાં છે. મારને લીધે તેઓની પીઠમાં અસહ્ય વેદના થાય છે. (પ્રે.કા. ૧૬:૨૩, ૨૪) અમુક કલાકો પહેલાં, એક ટોળાએ અચાનક પાઊલ અને સિલાસ પર હુમલો કર્યો હતો અને તેઓને બજારમાં ઘસડી ગયા હતા. અરે, તેઓ પર એકાએક મુકદ્દમો ચલાવવામાં આવ્યો. તેઓનાં કપડાં ફાડી નાંખવામાં આવ્યાં અને સોટીથી સખત માર મારવામાં આવ્યો. (પ્રે.કા. ૧૬:૧૬-૨૨) કેટલો મોટો અન્યાય! પાઊલ એક રોમન નાગરિક હતા, એટલે કાયદેસર રીતે મુકદ્દમો ચાલવો જોઈતો હતો. *

જેલમાં બેઠા બેઠા પાઊલે એ દિવસના બનાવો વિશે અને ફિલિપીના લોકો વિશે વિચાર્યું હશે. પાઊલે જોયું કે એ શહેરમાં એકેય સભાસ્થાન નથી, જ્યારે કે બીજા શહેરોમાં તો હતાં. ઉપાસના માટે યહુદીઓએ શહેરના દરવાજા બહાર નદી કિનારે જવું પડતું. (પ્રે.કા. ૧૬:૧૩, ૧૪) આનો વિચાર કરો: એક સભાસ્થાન માટે ઓછામાં ઓછા દસ યહુદીઓ હોય, એ જરૂરી હતું. તો શું એ શહેરમાં દસ યહુદીઓ પણ ન હતા? હકીકતમાં, ફિલિપીના લોકોને રોમન નાગરિક હોવાનું ઘણું ઘમંડ હતું. (પ્રે.કા. ૧૬:૨૧) એટલે, જ્યારે તેઓને ખબર પડી કે પાઊલ અને સિલાસ યહુદી છે, ત્યારે એક વાર પણ ન વિચાર્યું કે તેઓ રોમન નાગરિકો પણ હોય શકે છે. ગમે એ કારણ હોય, એ બે ભાઈઓ સાથે ઘોર અન્યાય થયો હતો.

૩. જેલમાં શા માટે પાઊલના મનમાં મૂંઝવણ થઈ હશે? પણ તેમણે કેવું વલણ બતાવ્યું?

પાઊલ ફિલિપી શહેરમાં આવ્યા, એ પહેલાંના અમુક બનાવોનો પણ તેમણે વિચાર કર્યો હશે. થોડા મહિનાઓ અગાઉ, પાઊલ એજિયન સમુદ્ર પાર એશિયા માઈનોરમાં હતા. એ અરસામાં પવિત્ર શક્તિએ પાઊલને અમુક વિસ્તારોમાં પ્રચાર કરવાથી વારંવાર રોક્યા હતા. એવું લાગતું જાણે પવિત્ર શક્તિ તેમને બીજા કોઈ વિસ્તારમાં જવા પ્રેરી રહી હતી. (પ્રે.કા. ૧૬:૬, ૭) પણ ક્યાં? ત્રોઆસમાં હતા ત્યારે પાઊલને એક દર્શન થયું હતું, જેમાં એક માણસે પાઊલને કહ્યું: “આ પાર મકદોનિયા આવ.” યહોવાની ઇચ્છા સ્પષ્ટ હતી! પાઊલ તરત મકદોનિયા રવાના થયા. (પ્રેરિતોનાં કાર્યો ૧૬:૮-૧૦ વાંચો.) પછી શું બન્યું? મકદોનિયા પહોંચ્યા કે તરત તેમને જેલ ભેગા કરવામાં આવ્યા! યહોવાએ કેમ એવું થવા દીધું? પાઊલે કેટલો સમય જેલમાં કાઢવો પડશે? કદાચ પાઊલના મનમાં પણ એ સવાલો થયા હશે. પણ તે શ્રદ્ધામાં મક્કમ રહ્યા અને નિરાશ ન થયા. બાઇબલ જણાવે છે કે જેલમાં “પાઊલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા તથા ઈશ્વરની સ્તુતિ કરવા ગીત ગાતા હતા.” (પ્રે.કા. ૧૬:૨૫) ઈશ્વર તરફથી મળનારી શાંતિએ તેઓનાં મન અને હૃદયોને વ્યાકુળ થવાં દીધાં નહિ.

૪, ૫. (ક) કઈ રીતે આપણા સંજોગો પાઊલના જેવા બની શકે? (ખ) પાઊલના સંજોગો કેવી રીતે બદલાઈ ગયા?

શું તમને ક્યારેય પાઊલ જેવું લાગ્યું છે? કોઈ નિર્ણય લેવા કદાચ તમે યહોવાની મદદ માંગી હશે. તમને લાગ્યું હશે કે યહોવાની શક્તિ યોગ્ય નિર્ણય લેવા મદદ કરી રહી છે. પણ પછીથી અચાનક ઘણા પડકારો ઊભા થયા અને તમારે જીવનમાં ભરખમ ફેરફારો કરવા પડ્યા. (સભા. ૯:૧૧) હવે, એ સંજોગો વિશે વિચારીને કદાચ થાય કે યહોવાએ શા માટે એ બધું થવા દીધું? જો તમને એવું લાગતું હોય, તો સહન કરવા અને યહોવામાં પૂરો ભરોસો જાળવી રાખવા શું મદદ કરી શકે? પાઊલ અને સિલાસ સાથે આગળ જે બન્યું, એ જાણીને કદાચ તમને એ સવાલનો જવાબ મળશે.

પાઊલ અને સિલાસ સ્તુતિગીતો ગાતા હતા ત્યારે, ઘણા અણધાર્યા બનાવો બને છે. પહેલા તો એક ભયાનક ધરતીકંપ થાય છે. તરત જેલના દરવાજા ઊઘડી જાય છે. પછી, બધા કેદીઓની બેડીઓ આપોઆપ ખૂલી જાય છે. ત્યાર બાદ, પાઊલ કેદખાનાના ઉપરીને આપઘાત કરતા રોકે છે; એ ઉપરી અને તેનું કુટુંબ બાપ્તિસ્મા લે છે. બીજા દિવસે વહેલી સવારે, શહેરના અધિકારીઓ સિપાઈઓ મોકલીને પાઊલ અને સિલાસને જેલમાંથી આઝાદ કરે છે. પછી, તેઓને શહેર છોડવા માટે જણાવે છે. અધિકારીઓને ખ્યાલ આવે છે કે પાઊલ અને સિલાસ રોમન નાગરિક છે. તેઓને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. એટલે તેઓ પોતે એ બે ભાઈઓને છોડવા જાય છે. પરંતુ, શહેર છોડતા પહેલાં એ બંને ભાઈઓ લુદિયાને મળવા જાય છે, જેણે હવે બાપ્તિસ્મા લઈ લીધું છે. એ મુલાકાત વખતે તેઓ ફિલિપી શહેરના ભાઈઓને દૃઢ કરવાની તક ઝડપી લે છે. (પ્રે.કા. ૧૬:૨૬-૪૦) જોતજોતામાં તેઓના સંજોગો કેવા બદલાઈ ગયા!

“બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી”

૬. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

એ બનાવો પરથી શું શીખી શકાય? યહોવા કંઈ પણ કરી શકે છે. એટલે, સતાવણી વખતે વ્યાકુળ થવાની જરૂર નથી. એ બોધપાઠ જાણે પાઊલના દિલ પર છપાઈ ગયો હતો. એવું શા માટે પરથી કહી શકાય? કારણ કે પછીથી તેમણે ફિલિપીના ભાઈઓને ચિંતા ન કરવા વિશે અને ઈશ્વરની શાંતિ વિશે જણાવ્યું હતું. આ લેખમાં આપણે સૌથી પહેલા, ફિલિપીઓ ૪:૬, ૭માં આપેલા પાઊલના શબ્દો પર ચર્ચા કરીશું. (વાંચો.) પછી, અમુક બાઇબલ અહેવાલો તપાસીશું, જેમાં યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું હતું. છેલ્લે, આપણે જોઈશું કે “ઈશ્વરની શાંતિ” કઈ રીતે આપણને યહોવા પર પૂરો ભરોસો રાખવા અને સતાવણીનો સામનો કરવા મદદ કરી શકે.

૭. પાઊલે પત્ર દ્વારા ફિલિપીના ભાઈઓને કયો બોધપાઠ શીખવ્યો? એમાંથી આપણે શું શીખી શકીએ?

પાઊલે લખેલો પત્ર વાંચીને ફિલિપીના ભાઈઓને શું યાદ આવ્યું હશે? કદાચ તેઓને પાઊલ અને સિલાસ સાથે બનેલા બનાવો અને યહોવાએ આપેલી અદ્ભુત મદદ યાદ આવી હશે. પત્ર દ્વારા પાઊલ તેઓને કયો બોધપાઠ શીખવવા માંગતા હતા? એ જ કે, તેઓ ‘કંઈ ચિંતા ન કરે, પણ પ્રાર્થના કરે અને તેઓને ઈશ્વરની શાંતિ’ આપવામાં આવશે. પાઊલે તેઓને જણાવ્યું કે ઈશ્વરની શાંતિ “બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે.” એ શબ્દોનો શો અર્થ થાય? અમુક બાઇબલમાં એ શબ્દોનું આમ ભાષાંતર થયું છે: ‘સપનામાં પણ વિચાર્યું ન હોય એવું’ અથવા ‘માણસોની યોજનાઓથી ચઢિયાતું.’ એટલે, પાઊલ કહેવા માંગતા હતા કે ઈશ્વર તરફથી મળતી શાંતિ આપણી કલ્પના બહાર છે. અમુક વાર આપણે સમસ્યાઓનો હલ જાણતા નથી, પણ યહોવા જાણે છે. અને યહોવા અશક્યને શક્ય બનાવી શકે છે.—૨ પીતર ૨:૯ વાંચો.

૮, ૯. (ક) પાઊલ સાથે થયેલા અન્યાયનું છેવટે કેવું સારું પરિણામ આવ્યું? (ખ) ફિલિપીના ભાઈઓ શા માટે પાઊલના શબ્દો પર પૂરો ભરોસો કરી શકતા હતા?

પાઊલના પત્રને લીધે ફિલિપીનાં ભાઈઓના મનમાં પાછલાં ૧૦ વર્ષોની યાદો તાજી થઈ હશે. એ દરમિયાન યહોવાએ તેઓ માટે જે કર્યું હતું, એ યાદ કરીને ચોક્કસ તેઓની હિંમત બંધાઈ હશે. ખરું કે, યહોવાએ પાઊલ અને સિલાસ પર થયેલો અન્યાય રોક્યો ન હતો. પણ એ બનાવોને લીધે પછીથી “ખુશખબરનું રક્ષણ કરવામાં અને એનો પ્રચાર કરવા કાયદેસર હક મેળવવામાં” મદદ મળી. (ફિલિ. ૧:૭) ત્યાર બાદ, શહેરના અધિકારીઓએ ખ્રિસ્તીઓને હાથ લગાવતા પહેલાં દસ વાર વિચાર કર્યો હશે! પાઊલે જાહેર કર્યું હતું કે તે એક રોમન નાગરિક છે. લાગે છે, એના લીધે પાઊલ અને સિલાસના ગયા પછી પણ લુક ફિલિપીમાં રહી શક્યા. આમ, લુક એ નવા બનેલા મંડળને વધુ મદદ આપી શક્યા.

ફિલિપીના ભાઈઓએ પાઊલનો પત્ર વાંચ્યો ત્યારે તેઓને ખબર હતી કે પાઊલ હવામાં વાતો નથી કરતા. એ તો પોતાના અનુભવ પરથી કહી રહ્યા હતા. અરે, પાઊલે એ પત્ર લખ્યો ત્યારે તે રોમમાં એક ઘરમાં નજરકેદ હતા. છતાં, તેમણે બતાવ્યું કે, “ઈશ્વરની શાંતિ” તેમના પર છે.—ફિલિ. ૧:૧૨-૧૪; ૪:૭, ૧૧, ૨૨.

“કંઈ ચિંતા ન કરો”

૧૦, ૧૧. ચિંતામાં હોઈએ ત્યારે આપણે શું કરવાની જરૂર છે? આપણે કઈ અપેક્ષા રાખી શકીએ?

૧૦ વધુ પડતી ‘ચિંતા ન કરવા’ અને ‘ઈશ્વરની શાંતિનો’ અનુભવ કરવા આપણને શું મદદ કરી શકે? પાઊલના શબ્દો પરથી જોઈ શકાય કે, ચિંતામાં હોઈએ ત્યારે દુઆ દવાનું કામ કરે છે. એટલે, ચિંતામાં ગરક થઈ જવાને બદલે, પ્રાર્થનામાં આપણો બોજો યહોવા પર નાખીએ. (૧ પીતર ૫:૬, ૭ વાંચો.) પ્રાર્થના કરો ત્યારે પૂરી ખાતરી રાખો કે યહોવા તમારી કાળજી લે છે. દરેક આશીર્વાદ માટે હંમેશાં તેમનો આભાર માનો. ક્યારેય ભૂલશો નહિ, “આપણે માંગીએ કે કલ્પના કરીએ એના કરતાં અનેક ગણું વધારે” યહોવા કરી શકે છે.—એફે. ૩:૨૦.

૧૧ યહોવા જે રીતે મદદ આપે છે, એ જોઈને કદાચ આપણે પણ પાઊલ અને સિલાસની જેમ નવાઈ પામીએ. યહોવા કદાચ આપણી માટે ચમત્કાર ન કરે, પણ આપણને જેની જરૂર છે એ ચોક્કસ પૂરું પાડશે. (૧ કોરીં. ૧૦:૧૩) જોકે, એનો એવો મતલબ નથી કે યહોવા સંજોગો હાથ ધરે કે મુશ્કેલીનો હલ લાવે ત્યાં સુધી આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીએ. જે પ્રાર્થના કરીએ, એ મુજબ પગલાં ભરવાની પણ જરૂર છે. (રોમ. ૧૨:૧૧) આપણાં કાર્યોથી દેખાઈ આવશે કે આપણા દિલમાં શું છે. જો મહેનત કરીશું, તો યહોવાની કૃપા મેળવીશું. આપણે ક્યારેય ભૂલીએ નહિ, આપણે માંગીએ કે અપેક્ષા રાખીએ એના કરતાં અનેક ગણું વધારે યહોવા કરી શકે છે. અમુક વાર અશક્યને શક્ય બનાવીને તે આપણને ચોંકાવી દે છે. ચાલો અમુક અહેવાલો તપાસીએ જે બતાવે છે કે યહોવા સંજોગોને પલટાવી શકે છે. એનાથી યહોવા પર આપણો ભરોસો મજબૂત થશે.

યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું

૧૨. (ક) સાન્હેરીબે ધમકી આપી ત્યારે, હિઝકીયાહે શું કર્યું? (ખ) યહોવા જે રીતે મુશ્કેલીનો હલ લાવ્યા, એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ યહોવાએ અશક્યને શક્ય કરી બતાવ્યું હોય, એવા અનેક દાખલા બાઇબલમાં છે. જેમ કે, હિઝકીયાહ યહુદાહ પર રાજ કરતા હતા ત્યારે, આશ્શૂરના રાજા સાન્હેરીબે યહુદા પર ચઢાઈ કરી અને યરૂશાલેમ સિવાયના બધાં શહેરો જીતી લીધાં. (૨ રાજા. ૧૮:૧-૩, ૧૩) હવે યરૂશાલેમનો વારો હતો. એ સમયે હિઝકીયાહે શું કર્યું? સૌ પ્રથમ, મદદ માટે તેમણે યહોવાને પ્રાર્થના કરી અને પ્રબોધક યશાયા પાસે સલાહ માંગી. (૨ રાજા. ૧૯:૫, ૧૫-૨૦) પછી, સાન્હેરીબે ઠરાવેલી ખંડણી ચૂકવીને તેમણે યોગ્ય પગલું ભર્યું. (૨ રાજા. ૧૮:૧૪, ૧૫) ઉપરાંત, સારી તૈયારી કરી, જેથી શહેર ફરતે ઘેરો ઘાલવામાં આવે તો લાંબા સમય સુધી તેઓ ટકી શકે. (૨ કાળ. ૩૨:૨-૪) પણ અચાનક બાજી પલટાઈ ગઈ! યહોવાએ દૂત મોકલીને એક જ રાતમાં સાન્હેરીબના ૧,૮૫,૦૦૦ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. હિઝકીયાહે સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે આવું થશે!—૨ રાજા. ૧૯:૩૫.

યુસફ સાથે જે બન્યું, એમાંથી આપણે શું શીખી શકીએ?—ઉત. ૪૧:૪૨ (ફકરો ૧૩ જુઓ)

૧૩. (ક) યુસફ સાથે જે બન્યું, એમાંથી આપણે શું શીખી શકીએ? (ખ) સારાહ જોડે એવું શું બન્યું, જે તેમની કલ્પના બહાર હતું?

૧૩ ચાલો યુવાન યુસફનો કિસ્સો જોઈએ. ઇજિપ્તમાં કેદ હતા ત્યારે, યુસફે વિચાર્યું પણ નહિ હોય કે ઇજિપ્તના રાજા પછીની પદવી તેમને મળશે. અથવા તેમના મનમાં પણ નહિ આવ્યું હોય કે, તેમના કુટુંબને દુકાળથી બચાવવા યહોવા તેમનો ઉપયોગ કરશે. (ઉત. ૪૦:૧૫; ૪૧:૩૯-૪૩; ૫૦:૨૦) ખરેખર, યુસફની અપેક્ષા કરતાં ઘણું વધારે યહોવાએ કર્યું. હવે, યુસફના પરદાદી સારાહનો વિચાર કરો. વૃદ્ધ સારાહને દાસી તરફથી એક દીકરો મળ્યો હતો. પરંતુ, શું તેમણે કદી વિચાર્યું હશે કે, ઢળતી ઉંમરે તે દીકરાને જન્મ આપશે? પણ યહોવાએ સારાહની કૂખ ઉઘાડી અને તેમને ઈસ્હાક થયો. એ સારાહની કલ્પના બહાર હતું!—ઉત. ૨૧:૧-૩, ૬, ૭.

૧૪. યહોવા પાસેથી આપણે શાની ખાતરી રાખી શકીએ?

૧૪ આપણે એવી અપેક્ષા નથી રાખતા કે, નવી દુનિયા આવે એ પહેલાં યહોવા ચમત્કારિક રીતે આપણી દુઃખ-તકલીફોને દૂર કરે. તેમ જ, એવી માંગ પણ નથી કરતા કે યહોવા આપણા જીવનમાં અદ્ભુત કામો કરે. પરંતુ, આપણે જાણીએ છીએ કે અગાઉના વફાદાર ભક્તોને યહોવાએ અદ્ભૂત રીતોએ મદદ કરી હતી. અને યહોવા આજે પણ બદલાયા નથી. (યશાયા ૪૩:૧૦-૧૩ વાંચો.) એનાથી તેમનામાં આપણો ભરોસો મજબૂત થાય છે. આપણે ખાતરી રાખી શકીએ કે તેમની ઇચ્છા પૂરી કરવા તે આપણને શક્તિ પૂરી પાડશે. (૨ કોરીં. ૪:૭-૯) હિઝકીયાહ, યુસફ અને સારાહના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? જો આપણે યહોવાને વફાદાર રહીશું, તો પહાડ જેવી મુસીબતો આંબવા તે આપણને મદદ કરશે.

જો યહોવાને વફાદાર રહીશું, તો પહાડ જેવી મુસીબતો આંબવા તે મદદ કરશે

૧૫. મુશ્કેલીઓ છતાં “ઈશ્વરની શાંતિ” મેળવવા આપણને શું મદદ કરી શકે? એ કઈ રીતે શક્ય બન્યું છે?

૧૫ મુશ્કેલીઓ છતાં આપણે કઈ રીતે “ઈશ્વરની શાંતિ” મેળવી શકીએ? એ માટે યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવો ખૂબ જરૂરી છે. એ સંબંધ ખ્રિસ્ત ઈસુના બલિદાન દ્વારા જ શક્ય બન્યો છે. ઈસુનું બલિદાન યહોવાના અદ્ભૂત કાર્યોમાંનું એક છે. એ બલિદાનના આધારે યહોવા આપણાં પાપ માફ કરે છે અને આપણે શુદ્ધ અંતઃકરણ રાખીને યહોવા સાથે ગાઢ સંબંધ કેળવી શકીએ છીએ.—યોહા. ૧૪:૬; યાકૂ. ૪:૮; ૧ પીત. ૩:૨૧.

આપણાં “હૃદયો અને મનોનું રક્ષણ” થશે

૧૬. “ઈશ્વરની શાંતિ” મળે છે ત્યારે, કેવું પરિણામ આવે છે?

૧૬ “ઈશ્વરની શાંતિ” ખરેખર “બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે.” એ મળે છે ત્યારે કેવું પરિણામ આવે છે? બાઇબલ જણાવે છે કે એ આપણાં “હૃદયો અને મનોનું રક્ષણ” કરે છે. (ફિલિ. ૪:૭) અહીં “રક્ષણ” માટેનો મૂળ શબ્દ સૈનિકોની એવી ટુકડી માટે વપરાતો, જેને શહેરની સુરક્ષાનું કામ સોંપવામાં આવતું. ફિલિપી શહેરના લોકોને એ સૈનિકોને લીધે રક્ષણ મળતું. તેઓનું શહેર સુરક્ષિત છે, એ જાણીને તેઓ નિરાંતે ઊંઘી જતા. એવી જ રીતે, “ઈશ્વરની શાંતિ” મળે ત્યારે, આપણે ચિંતા નથી કરતા અને આપણું મન અને હૃદય રાહત અનુભવે છે. આપણે જાણીએ છીએ કે યહોવા આપણી કાળજી રાખે છે અને ચાહે છે કે આપણે સુખ-શાંતિમાં રહીએ. (૧ પીત. ૫:૧૦) આમ, આપણે ચિંતા કે નિરાશાના બોજા તળે દબાઈ જતા નથી.

૧૭. મહાન વિપત્તિ દરમિયાન યહોવા પર ભરોસો રાખવા આપણને શું મદદ કરશે?

૧૭ જલદી જ આખી માણસજાત પર મહાન વિપત્તિ ત્રાટકશે. (માથ. ૨૪:૨૧, ૨૨) આપણે જાણતા નથી કે વ્યક્તિગત રીતે આપણી સાથે શું બનશે. જોકે, એ સમય વિશે આપણે વધુ પડતી ચિંતા કરવી ન જોઈએ. યહોવા જે કરવાના છે, ભલે એની દરેક વિગતો નથી જાણતા, પણ આપણે યહોવાને તો જાણીએ છીએ. અગાઉના વફાદાર ભક્તો માટે તેમણે જે કર્યું હતું, એ આપણે જાણીએ છીએ. ભલે ગમે એ થાય, યહોવા પોતાનો હેતુ ચોક્કસ પૂરો કરશે. કદાચ આપણે કલ્પના પણ નહિ કરી હોય, એ રીતે તે પોતાનો હેતુ પૂરો કરશે! યહોવા આજે પણ આપણા માટે ઘણી બાબતો કરે છે. એનાથી, “ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે,” એનો અનુભવ કરવાની આપણને તક મળે છે.

^ ફકરો. 1 એવું લાગે છે કે સિલાસ પણ રોમન નાગરિક હતા.—પ્રે.કા. ૧૬:૩૭.