સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂના સ્વભાવને ઉતારી નાખો—કાયમ માટે

જૂના સ્વભાવને ઉતારી નાખો—કાયમ માટે

“જૂના સ્વભાવને એની આદતો સાથે ઉતારી નાખો.”—કોલો. ૩:૯.

ગીતો: ૫૨, ૫૪

૧, ૨. યહોવાના સાક્ષીઓની કઈ વાત લોકોના ધ્યાનમાં આવી છે?

ઘણા લોકોના ધ્યાનમાં આવ્યું છે કે યહોવાના સાક્ષીઓ અજોડ છે. જર્મનીમાં નાઝી સત્તા ચાલતી હતી, એ સમયના યહોવાના સાક્ષીઓનો વિચાર કરો. એનટોન ગીલ નામના લેખકે એ સાક્ષીઓ વિશે લખ્યું હતું: ‘નાઝી સત્તા યહોવાના સાક્ષીઓને ખૂબ ધિક્કારતી હતી. ૧૯૩૯ સુધીમાં તો ૬૦૦૦ સાક્ષીઓને જુલમી છાવણીમાં મોકલવામાં આવ્યા હતા.’ તેમણે આગળ જણાવ્યું હતું કે, સાક્ષીઓ પર આકરી સતાવણી કરવામાં આવી. છતાં, તેઓ ભરોસાપાત્ર, શાંત મિજાજના, સંપીલા તેમજ ઈશ્વરના વફાદાર ભક્તો તરીકે જાણીતા હતા.

તાજેતરના વર્ષોમાં દક્ષિણ આફ્રિકાના લોકોએ પણ યહોવાના સાક્ષીઓની એક અજોડ બાબત નોંધમાં લીધી છે. એક સમયે એ દેશમાં અલગ અલગ જાતિ અને રંગના લોકોને ભેગા મળવાની પરવાનગી ન હતી. જોકે, ડિસેમ્બર ૧૮, ૨૦૧૧માં ૭૮,૦૦૦થી વધુ યહોવાના સાક્ષીઓ જોહાનિસબર્ગના સૌથી મોટા સ્ટેડિયમમાં ભેગા મળ્યા હતા. એ ખાસ કાર્યક્રમ માટે દેશના ખૂણે ખૂણેથી વિવિધ જાતિના સાક્ષીઓ આવ્યા હતા. સ્ટેડિયમના એક અધિકારીએ આમ જણાવ્યું હતું: ‘મેં આ સ્ટેડિયમમાં આવા લોકો પહેલાં ક્યારેય નથી જોયા. તેઓનો સ્વભાવ, તેઓનો દેખાવ, બધું જ સુવ્યવસ્થિત છે. તમે લોકોએ સફાઈ કરીને આખું સ્ટેડિયમ ચમકાવી દીધું છે. પણ એક વાત સૌથી અજોડ છે, તમારામાં કોઈ રંગભેદ નથી, બસ સંપનો રંગ છે.’

૩. શા માટે આપણો ભાઈચારો અજોડ છે?

બીજાઓના પણ ધ્યાનમાં આવ્યું છે કે, યહોવાના સાક્ષીઓમાં જોવા મળતો ભાઈચારો અજોડ છે. (૧ પીત. ૫:૯) બીજા સંગઠનો કરતાં આપણે શા માટે એકદમ અલગ છીએ? કારણ કે બાઇબલ અને ઈશ્વરની શક્તિની મદદથી આપણે પોતાનામાં બદલાણ લાવવા મહેનત કરીએ છીએ, જેથી યહોવાને ખુશ કરી શકીએ. આપણે “જૂના સ્વભાવને” ઉતારીને “નવો સ્વભાવ પહેરી” લીધો છે.—કોલો. ૩:૯, ૧૦.

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું? શા માટે?

એકવાર જૂના સ્વભાવને ઉતારી નાખીએ, પછી એનાથી દૂર રહેવાની જરૂર છે. આ લેખમાં, આપણે શીખીશું કે કઈ રીતે આપણે જૂના સ્વભાવને ઉતારી શકીએ અને એ શા માટે જરૂરી છે. આપણે જોઈશું કે ભલે વ્યક્તિ અગાઉ ખરાબ કામોમાં ડૂબેલી હોય, પણ તે જીવનમાં મોટા બદલાણ કરી શકે છે. પછી, આપણે ચર્ચા કરીશું કે લાંબા સમયથી સત્યમાં છે, તેઓ કઈ રીતે જૂના સ્વભાવથી દૂર રહી શકે. આપણે શા માટે આની ચર્ચા કરવી જોઈએ? દુઃખની વાત છે કે, યહોવાના અમુક સેવકોએ સાવચેતી રાખી નથી અને અગાઉનાં વાણી-વર્તનની છાંટ તેઓમાં દેખાઈ આવી છે. આપણે બધાએ આ ચેતવણીને કાન ધરવાની જરૂર છે: “જે માને છે કે પોતે સ્થિર ઊભો છે, તે સાવધ રહે કે પોતે પડે નહિ.”—૧ કોરીં. ૧૦:૧૨.

“વ્યભિચાર” જેવી ખોટી ઇચ્છાઓને “મારી નાખો”

૫. (ક) ઉદાહરણ આપીને સમજાવો કે જૂનો સ્વભાવ ઉતારી નાખવો શા માટે ખૂબ જરૂરી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) કોલોસીઓ ૩:૫-૯માં જણાવ્યા પ્રમાણે, કઈ બાબતો જૂના સ્વભાવનો ભાગ છે?

જો તમારા કપડાં મેલાં હોય અને એમાંથી દુર્ગંધ આવતી હોય, તો તમે શું કરશો? બની શકે એટલું જલદી તમે એને ઉતારીને ચોખ્ખાં કપડાં પહેરશો, ખરું ને? એવી જ રીતે, જો ખ્યાલ આવે કે યહોવા ધિક્કારે છે એવું કંઈક આપણે કરી રહ્યા છીએ, તો તરત બદલાણ લાવવાની જરૂર છે. એવાં કામો વિશે પાઊલે સાફ જણાવ્યું હતું: “તમે આ બધું તમારામાંથી દૂર કરો.” ચાલો એમાંની બે બાબતો વિશે ચર્ચા કરીએ: વ્યભિચાર અને અશુદ્ધતા.—કોલોસીઓ ૩:૫-૯ વાંચો.

૬, ૭. (ક) પાઊલના શબ્દો કઈ રીતે બતાવે છે કે, જૂનો સ્વભાવ ઉતારવો મહેનત માંગી લે છે? (ખ) સકુરાનું જીવન કેવું હતું? જીવનમાં બદલાણ કરવા તેમને ક્યાંથી હિંમત મળી?

વ્યભિચાર. બાઇબલ પ્રમાણે વ્યભિચારમાં કેવા સંબંધોનો પણ સમાવેશ થાય છે? એવા સંબંધોનો જેમાં બે વ્યક્તિઓ કાનૂની રીતે પતિ-પત્ની નથી, છતાં જાતીય સંબંધ બાંધે છે. એમાં સજાતીય સંબંધોનો પણ સમાવેશ થાય છે. પાઊલે જણાવ્યું હતું કે વ્યભિચારથી દૂર રહેવા ઈશ્વરભક્તો ‘શરીરના અવયવોને મારી નાખે.’ એનો અર્થ થાય કે ખોટી ઇચ્છાઓને મનમાંથી દૂર કરવા તેઓ સખત મહેનત કરે. એમ કરવું અઘરું લાગી શકે, પણ એ શક્ય છે!

જાપાનના સકુરા * બહેનનાં દાખલામાંથી એ વાત જોઈ શકાય છે. નાનપણથી જ બહેનને ઘણી વાર એકલવાયું લાગતું અને તે ઉદાસ રહેતાં. તે પોતાની એકલતા દૂર કરવાં માંગતાં હતાં. એટલે, માત્ર ૧૫ વર્ષની વયથી તે અનેક લોકો જોડે જાતીય સંબંધ બાંધવા લાગ્યાં. તેમણે ત્રણ વાર ગર્ભપાત કરાવ્યો. તે કહે છે: ‘જાતીય સંબંધ બાંધવાથી મને લાગતું કે બીજાઓને મારી જરૂર છે, બીજાઓ મને ચાહે છે.’ પરંતુ, થોડા સમય પછી બહેનની એ લાગણી મરી પરવારી. તે ૨૩ વર્ષનાં થયાં ત્યાં સુધી તેમનું જીવન એવું જ રહ્યું. પછી, તેમણે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. જે શીખતાં એ તેમને ખૂબ ગમતું. યહોવાની મદદથી તે પોતાનું અનૈતિક જીવન ત્યજી શક્યાં, તેમજ દોષ અને શરમની લાગણીમાંથી બહાર આવ્યાં. આજે, સકુરા એક નિયમિત પાયોનિયર છે અને હવે તેમને એકલવાયું લાગતું નથી. તે જણાવે છે: ‘હવે હું દિવસ-રાત યહોવાના પ્રેમની હુંફ અનુભવું છું.’

ખરાબ આદતો છોડવી—કઈ રીતે?

૮. આપણી કઈ આદતોને લીધે યહોવાની નજરે આપણે અશુદ્ધ બનીએ છીએ?

અશુદ્ધતા. બાઇબલ પ્રમાણે, અશુદ્ધતામાં વ્યભિચાર ઉપરાંત ઘણું સમાયેલું છે. એમાં ધૂમ્રપાન કરવાનો અથવા ગંદા જોક્સ કહેવાનો પણ સમાવેશ થઈ શકે. (૨ કોરીં. ૭:૧; એફે. ૫:૩, ૪) એમાં એવાં ગંદા કામો પણ આવી જાય, જે લોકો છૂપી રીતે કરે છે. જેમ કે, જાતીય લાગણીઓ ઉશ્કેરે એવાં પુસ્તકો વાંચવાં કે પોર્નોગ્રાફી જોવી. એવી અશુદ્ધતા હસ્તમૈથુનની ગંદી આદતમાં ફસાવી શકે છે.—કોલો. ૩:૫. *

૯. ‘બેકાબૂ જાતીય વાસનામાં’ ફસાવાથી કેવાં પરિણામો આવી શકે?

પોર્નોગ્રાફીની લતમાં ફસાયેલી વ્યક્તિમાં “બેકાબૂ જાતીય વાસના” આવી શકે છે. પરિણામે, કદાચ તેના મનમાં હંમેશાં સેક્સના વિચારો ભમ્યા કરે. સંશોધકોનું તારણ છે કે પોર્નોગ્રાફીની લત દારૂ કે ડ્રગ્સની લત જેવી જ છે. એટલે, દેખીતું છે કે પોર્નોગ્રાફીની લતથી ખરાબ અસરો થાય છે. જેમ કે, શરમની લાગણી, કામમાં મન ન લાગવું, કુટુંબમાં ભંગાણ, છૂટાછેડા અને આપઘાત. પોર્નોગ્રાફીના ફાંદામાંથી બહાર આવ્યાના એક વર્ષ પછી, એક માણસે કહ્યું: ‘હવે હું સ્વમાનથી જીવી શકું છું.’

૧૦. રિબેરો કઈ રીતે પોર્નોગ્રાફી જોવાની લતમાંથી બહાર આવ્યા?

૧૦ પોર્નોગ્રાફીથી દૂર રહેવા ઘણા લોકોએ સતત સંઘર્ષ કરવો પડે છે. પરંતુ, એના પર જીત મેળવી શકાય છે. બ્રાઝિલના ભાઈ રિબેરોનો દાખલો લઈએ. તરુણ વયે તેમણે ઘર છોડ્યું અને એક કારખાનામાં કામે લાગ્યા. એ કારખાનું પસ્તીમાંથી ફરી ઉપયોગ કરી શકાય એવાં કાગળ બનાવતું. ત્યાં અશ્લીલ ચિત્રોવાળાં મૅગેઝિન તેમને હાથ લાગ્યાં. રિબેરો જણાવે છે: ‘હું એક સ્ત્રી સાથે રહેતો હતો. પણ ધીરે ધીરે પોર્નોગ્રાફી મારા પર એટલી હાવી થઈ ગઈ કે એ સ્ત્રી ઘરની બહાર જાય એની જ રાહ જોતો, જેથી હું અશ્લીલ વીડિયો જોઈ શકું.’ એક દિવસે કારખાનામાં રિબેરોને પુસ્તકોના ઢગલામાંથી એક ચોપડી મળી, કૌટુંબિક સુખનું રહસ્ય. તેમણે એ વાંચી અને તેમને એ ખૂબ ગમી. પરિણામે, તેમણે યહોવાના સાક્ષીઓ જોડે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. છતાં, પોર્નોગ્રાફીની ચુંગલમાંથી બહાર આવતા તેમને ઘણો સમય લાગ્યો. તેમને શામાંથી મદદ મળી? ભાઈ જણાવે છે: ‘પ્રાર્થના, બાઇબલ અભ્યાસ અને જે શીખતો એના પર મનન કરવાને લીધે યહોવાના ગુણો મારા દિલને સ્પર્શી ગયા. પછી, યહોવા માટેનો પ્રેમ એટલો ગાઢ બન્યો કે પોર્નોગ્રાફીના ફાંદામાંથી હું બહાર આવી શક્યો.’ બાઇબલ અને ઈશ્વરની શક્તિની મદદથી રિબેરોએ જીવનમાં ફેરફાર કર્યો, બાપ્તિસ્મા લીધું અને હવે મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે.

૧૧. પોર્નોગ્રાફીની લતમાંથી બહાર આવવા વ્યક્તિને શું મદદ કરી શકે?

૧૧ ધ્યાન આપો કે, પોર્નોગ્રાફીની લતમાંથી બહાર આવવા રિબેરોએ બાઇબલ અભ્યાસ ઉપરાંત પણ કંઈક કરવું પડ્યું હતું. તેમણે શીખેલી વાતો પર મનન કર્યું અને એને દિલમાં ઊતરવા દીધું. તેમણે મદદ માટે યહોવાને આજીજી કરી. એના લીધે, યહોવા માટેનો તેમનો પ્રેમ એટલો ગાઢ બન્યો કે તે પોર્નોગ્રાફી સામેની લડાઈ જીતી શક્યા. જો પોર્નોગ્રાફી જોવાની લતમાંથી બહાર આવવું હોય, તો યહોવા માટે ગાઢ પ્રેમ હોવો અને દુષ્ટતાને ધિક્કારવું ખૂબ જરૂરી છે.—ગીતશાસ્ત્ર ૯૭:૧૦ વાંચો.

ગુસ્સો, અપમાનજનક બોલી અને જૂઠું બોલવાથી દૂર રહો

૧૨. ગુસ્સા અને વાણી પર કાબૂ રાખવા સ્ટીવનને શાનાથી મદદ મળી?

૧૨ અમુક લોકોનો ગુસ્સો તેઓના નાક પર જ રહે છે. કડવા વેણ બોલતા કે લોકોનું અપમાન કરતા તેઓ જરાય અચકાતા નથી. વ્યક્તિના એવા વલણને લીધે તેના આખા કુટુંબે ભોગવવું પડે છે. ઑસ્ટ્રેલિયાના સ્ટીવનનો દાખલો જોઈએ, જે એક પિતા છે. તે કહે છે: ‘હું વાતે વાતે ગુસ્સે થઈ જતો અને અપશબ્દો બોલતો. હું અને મારી પત્ની ત્રણ વાર અલગ થયાં અને છૂટાછેડા લેવાની તૈયારીમાં હતાં.’ એ અરસામાં તેઓએ યહોવાના સાક્ષીઓ જોડે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. સ્ટીવને બાઇબલની સલાહ લાગુ પાડી. એનું કેવું પરિણામ આવ્યું? તે જણાવે છે: ‘અમારા કૌટુંબિક જીવનમાં મોટો ફેરફાર થયો. યહોવાની મદદને લીધે હવે હું મનની ખરી શાંતિનો અનુભવ કરું છું. એક સમયે મારામાં એટલી કડવાશ અને ક્રોધ હતાં કે, જરાક છંછેડો તો હું બૉમ્બની જેમ ફાટતો.’ આજે, સ્ટીવન એક સહાયક સેવક તરીકે સેવા આપે છે અને તેમની પત્ની ઘણાં વર્ષોથી નિયમિત પાયોનિયર છે. સ્ટીવનના મંડળના વડીલોનું આમ કહેવું છે: ‘સ્ટીવન સ્વભાવે ઘણા શાંત, મહેનતું અને નમ્ર છે.’ તેઓને એવો એકેય બનાવ યાદ નથી, જ્યારે સ્ટીવન ગુસ્સે થયા હોય. એ કાયાપલટનો શ્રેય સ્ટીવન કોને આપે છે? તે કહે છે: ‘જો મેં યહોવાની મદદ સ્વીકારી ન હોત, તો મારી આવી કાયાપલટ ક્યારેય ન થઈ હોત. મેં આ સુંદર આશીર્વાદોનો ક્યારેય અનુભવ કર્યો ન હોત.’

૧૩. ગુસ્સો શા માટે ખતરારૂપ છે? બાઇબલ આપણને કઈ ચેતવણી આપે છે?

૧૩ બાઇબલ ચેતવણી આપે છે કે આપણે ગુસ્સો, બૂમ-બરાડા અને અપમાનજનક વાતોથી દૂર રહીએ. (એફે. ૪:૩૧) એ બાબતો મોટાભાગે હિંસા તરફ લઈ જાય છે. આજે લોકો માને છે કે ગુસ્સે થવું કે હિંસક બનવું સામાન્ય છે. પણ એવાં વર્તનથી આપણા સર્જનહારનું અપમાન થાય છે. એટલે, ઘણાં ભાઈ-બહેનોએ જૂનો સ્વભાવ ઉતારીને નવો સ્વભાવ પહેર્યો છે.—ગીતશાસ્ત્ર ૩૭:૮-૧૧ વાંચો.

૧૪. શું હિંસક વ્યક્તિ નમ્ર બની શકે?

૧૪ ભાઈ હેન્સ ઑસ્ટ્રિયાના એક મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે. તેમના મંડળના વડીલોના સેવકનું આમ કહેવું છે: ‘ભાઈ હેન્સ ખૂબ જ નમ્ર છે, એવી નમ્રતા ભાગ્યે જ જોવા મળે.’ પરંતુ, હેન્સનો સ્વભાવ પહેલાં એવો ન હતો. તરુણ ઉંમરે તેમણે દારૂ પીવાનું અને માર-ધાડ કરવાનું શરૂ કરી દીધું હતું. એક વાર તે નશામાં એટલા ચકચૂર હતા કે તેમણે પોતાની ગર્લફ્રેન્ડનું ખૂન કરી નાખ્યું. તેમને ૨૦ વર્ષની જેલ થઈ, પણ તેમનામાં કોઈ સુધારો ન થયો. હેન્સની માતાએ એક વડીલને જણાવ્યું કે તે જેલમાં હેન્સની મુલાકાતે જાય. હેન્સે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તે કહે છે: ‘જૂના સ્વભાવને ઉતારવો લોઢાના ચણા ચાવવા જેવું હતું. યશાયા ૫૫:૭ના શબ્દોથી મને ઉત્તેજન મળ્યું, જે કહે છે કે દુષ્ટ માણસે પોતાનો માર્ગ છોડવો જોઈએ. તેમ જ, પહેલો કોરીંથીઓ ૬:૧૧માંથી પણ ઉત્તેજન મળ્યું, જે જણાવે છે કે સત્યમાં આવતાં પહેલાં અમુક ભાઈ-બહેનો દુષ્ટ કામો કરતાં હતાં, પણ તેઓએ એ કામો ત્યજી દીધાં. ઘણાં વર્ષો સુધી યહોવાએ ધીરજ ધરી અને પવિત્ર શક્તિ દ્વારા મને નવો સ્વભાવ કેળવવા મદદ કરી છે.’ હેન્સ જેલમાં હતા ત્યારે જ બાપ્તિસ્મા પામ્યા અને સાડા સત્તર વર્ષ પછી તે જેલમાંથી છૂટ્યા. તે જણાવે છે: ‘યહોવાની અપાર કૃપા અને માફી માટે હું તેમનો દિલથી આભાર માનું છું.’

૧૫. જૂના સ્વભાવમાં બીજા શાનો સમાવેશ થાય? બાઇબલ એ વિશે શું કહે છે?

૧૫ જૂના સ્વભાવમાં બીજા શાનો સમાવેશ થાય? જૂઠું બોલવું. દાખલા તરીકે, ઘણા લોકો ટૅક્સથી બચવા અને ભૂલો છુપાવવા જૂઠું બોલે છે. પરંતુ “યહોવા, સત્યના ઈશ્વર” છે. (ગીત. ૩૧:૫) તે ચાહે છે કે તેમના ભક્તો ‘સત્ય બોલે, જૂઠું નહિ.’ (એફે. ૪:૨૫; કોલો. ૩:૯) સ્પષ્ટ છે કે, આપણે હંમેશાં સાચું બોલવું જોઈએ, પછી ભલે એ શરમજનક કે અઘરું હોય.—નીતિ. ૬:૧૬-૧૯.

તેઓએ કઈ રીતે જીત મેળવી

૧૬. જૂનો સ્વભાવ ઉતારી નાખવા શું મદદ કરશે?

૧૬ પોતાની શક્તિથી જૂનો સ્વભાવ ઉતારી નાખવો અશક્ય છે. સકુરા, રિબેરો, સ્ટીવન અને હેન્સને પોતાની જીવનઢબ સુધારવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પણ, બાઇબલ અને ઈશ્વરની શક્તિ દ્વારા તેઓને મદદ મળી. (લુક ૧૧:૧૩; હિબ્રૂ. ૪:૧૨) જોકે, એ માટે આપણે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ અને એના પર મનન કરવું જોઈએ. પછી, શક્તિ અને સમજણ મેળવવા હંમેશાં પ્રાર્થના કરીએ, જેથી શીખેલી વાતોને લાગુ પાડી શકીએ. (યહો. ૧:૮; ગીત. ૧૧૯:૯૭; ૧ થેસ્સા. ૫:૧૭) સભાની તૈયારી કરીએ અને એમાં ભાગ લઈએ ત્યારે પણ, બાઇબલ અને પવિત્ર શક્તિ દ્વારા મદદ મળે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) યહોવાના સંગઠને આપેલાં બીજાં સાધનોનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે, મૅગેઝિન, JW બ્રૉડકાસ્ટિંગ, JW લાઇબ્રેરી અને jw.org વેબસાઇટ.—લુક ૧૨:૪૨.

જૂનો સ્વભાવ ઉતારી નાખવા શું મદદ કરશે? (ફકરો ૧૬ જુઓ)

૧૭. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૭ આપણે જોઈ ગયા કે, કઈ ખરાબ આદતો છોડવી જોઈએ અને એનાથી દૂર રહેવા શું કરવું જોઈએ. પણ યહોવાને ખુશ કરવા શું એટલું જ પૂરતું છે? ના. જરૂરી છે કે આપણે કાયમ માટે નવો સ્વભાવ પહેરી લઈએ. હવે પછીના લેખમાં જોઈશું કે આપણે એ કઈ રીતે કરી શકીએ.

^ ફકરો. 7 આ લેખમાં અમુક નામો બદલવામાં આવ્યાં છે.

^ ફકરો. 8 ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકમાં આપેલી વધારે માહિતી ભાગમાં પાન ૨૪૯-૨૫૧ પર આપેલો આ લેખ જુઓ: “હસ્તમૈથુનની બૂરી આદત પર જીત મેળવો.”