સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેમ—એક અનમોલ ગુણ

પ્રેમ—એક અનમોલ ગુણ

પ્રેરિત પાઊલને યહોવાએ પવિત્ર શક્તિથી મળતા નવ ગુણો વિષે લખવા પ્રેરણા આપી. (ગલા. ૫:૨૨, ૨૩) એ અનમોલ ગુણો ભેગા મળીને “પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ” કહેવાય છે. * એ ગુણો ‘નવા સ્વભાવનો’ ભાગ છે, જે બધા ઈશ્વરભક્તોએ પહેરવાની જરૂર છે. (કોલો. ૩:૧૦) એક ઝાડની સારી માવજત કરવામાં આવે ત્યારે એ સારાં ફળ આપે છે. એવી જ રીતે, એક વ્યક્તિના જીવનમાં પવિત્ર શક્તિ કામ કરે ત્યારે, એનામાં ફળ જેવાં મીઠાં ગુણો દેખાઈ આવે છે.—ગીત ૧:૧-૩

પાઊલે પવિત્ર શક્તિના ગુણમાં સૌથી પહેલાં પ્રેમનો ઉલ્લેખ કર્યો. એ કેટલો કીમતી છે? પાઊલે જણાવ્યું કે પ્રેમ વગર તે “કંઈ જ નથી.” (૧ કોરીં. ૧૩:૨) પણ પ્રેમ એટલે શું? આપણે કઈ રીતે એ કેળવી શકીએ અને રોજબરોજના જીવનમાં એને બતાવી શકીએ?

પ્રેમ શું છે?

પ્રેમના ગુણનું શબ્દોમાં વર્ણન કરવું અઘરું છે. પરંતુ, બાઇબલ જણાવે છે કે એક પ્રેમાળ વ્યક્તિનાં વાણી-વર્તન અને વિચારો કેવાં હોય છે. દાખલા તરીકે, પ્રેમાળ વ્યક્તિ “ધીરજ રાખે છે અને દયાળુ” હોય છે. તે “સત્યમાં ખુશ થાય છે” અને “બધું સહન કરે છે, બધામાં ભરોસો રાખે છે, બધાની આશા રાખે છે, કશામાં હિંમત” હારતી નથી. પ્રેમાળ વ્યક્તિમાં બીજાઓ માટે ઊંડી લાગણી અને લગાવ હોય છે. તે દિલથી બીજાઓની કાળજી રાખે છે. પરંતુ, જ્યાં પ્રેમનો અભાવ હોય છે, ત્યાં ઈર્ષા, ઘમંડ, અયોગ્ય વર્તન, સ્વાર્થ અને બદલો લેવાની ભાવના જોવા મળે છે. એ ખરાબ ગુણોને બદલે આપણે એવો પ્રેમ બતાવવા માંગીએ છીએ, જે “પોતાનો જ લાભ જોતો નથી.”—૧ કોરીં. ૧૩:૪-૮.

યહોવા અને ઈસુએ પ્રેમનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે

“ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) તેમનાં દરેક કાર્યોમાં પ્રેમ દેખાઈ આવે છે. ઈશ્વરે ઈસુને પૃથ્વી પર દુઃખ સહેવા અને મનુષ્યો માટે પોતાનો જીવ આપવા મોકલ્યા હતા. ઈશ્વરના પ્રેમની કેટલી મોટી સાબિતી! પ્રેરિત યોહાને જણાવ્યું હતું: “આપણા કિસ્સામાં ઈશ્વરનો પ્રેમ આ રીતે બતાવવામાં આવ્યો છે: ઈશ્વરે પોતાના એકના એક દીકરાને દુનિયામાં મોકલ્યા, જેથી આપણે તેમના દ્વારા જીવન મેળવીએ. આપણાં પાપોને માટે પ્રાયશ્ચિત્તનું બલિદાન આપવા ઈશ્વરે પોતાના દીકરાને મોકલ્યા. આપણે તેમને પ્રેમ કરીએ છીએ એટલે નહિ, પણ તે આપણને પ્રેમ કરે છે એટલે તેમણે આમ કર્યું.” (૧ યોહા. ૪:૯, ૧૦) ઈશ્વરના પ્રેમને લીધે આપણા માટે પાપોની માફી મેળવવી શક્ય બની છે. તેમ જ, ભાવિ માટેના સુંદર જીવનની આશા શક્ય બની છે.

ઈસુએ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા પોતાનો જીવ અર્પી દીધો. આમ તેમણે માણસજાત માટે પોતાનો પ્રેમ બતાવ્યો. પ્રેરિત પાઊલે જણાવ્યું હતું: “આ ‘ઇચ્છા’ દ્વારા ઈસુ ખ્રિસ્તના એક જ વાર અને હંમેશ માટે અર્પણ થયેલા શરીરથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.” (હિબ્રૂ. ૧૦:૯, ૧૦) કોઈ માણસ આવો પ્રેમ ન બતાવી શકે. ઈસુએ કહ્યું હતું: “મિત્રો માટે પોતાનો જીવ આપી દેવા કરતાં મોટો પ્રેમ કોઈ નથી.” (યોહા. ૧૫:૧૩) શું આપણા જેવા પાપી મનુષ્યો યહોવા અને ઈસુ જેવો પ્રેમ બતાવી શકે? હા! ચાલો જોઈએ.

“પ્રેમના માર્ગ પર ચાલતા રહો”

પાઊલે ઉત્તેજન આપ્યું હતું: “વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો અને પ્રેમના માર્ગ પર ચાલતા રહો, જેમ ખ્રિસ્તે પણ આપણને પ્રેમ કર્યો. તેમણે આપણા માટે પોતાને આપી દીધા.” (એફે. ૫:૧, ૨) “પ્રેમના માર્ગ પર ચાલતા” રહેવાનો શો અર્થ થાય? હંમેશાં પ્રેમ બતાવતા રહો. બીજાઓ માટેનો પ્રેમ ફક્ત શબ્દોમાં નહિ, પણ આપણાં કાર્યોમાં દેખાવો જોઈએ. યોહાને લખ્યું હતું: “વહાલાં બાળકો, આપણે શબ્દોથી કે જીભથી નહિ, પણ કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરવો જોઈએ.” (૧ યોહા. ૩:૧૮) દાખલા તરીકે, આપણે “રાજ્યની આ ખુશખબર” ફેલાવીએ છીએ, કારણ કે આપણને યહોવા અને પડોશીઓ માટે પ્રેમ છે. (માથ. ૨૪:૧૪; લુક ૧૦:૨૭) ધીરજ, દયા અને માફી જેવા ગુણો બતાવીએ છીએ ત્યારે, આપણે ‘પ્રેમના માર્ગ પર ચાલીએ’ છીએ. આપણે બાઇબલની આ સલાહ લાગુ પાડીએ છીએ: “જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.”—કોલો. ૩:૧૩.

જો બીજાઓને સલાહ કે શિસ્ત આપીએ, તો એવું નથી કે આપણે તેઓને પ્રેમ નથી કરતા. દાખલા તરીકે, રડતા બાળકને શાંત કરવા અમુક માબાપ તેની જીદ પૂરી કરે છે. પણ ખરો પ્રેમ કરનાર માબાપ તેની બધી જીદ પૂરી નહિ કરે, જરૂર પડ્યે તેને શિસ્ત આપશે. એવી જ રીતે, ઈશ્વર પ્રેમ છે, છતાં “જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે.” (હિબ્રૂ. ૧૨:૬) જરૂર હોય ત્યારે શિસ્ત આપવી એ પ્રેમની સાબિતી છે. (નીતિ. ૩:૧૧, ૧૨) પણ યાદ રાખો, આપણે પાપી છીએ અને ઘણી વાર પ્રેમ બતાવવામાં નિષ્ફળ જઈએ છીએ. તેથી, આપણો પ્રેમ કાર્યમાં દેખાઈ આવે માટે મહેનત કરતા રહીએ. ચાલો એની ત્રણ રીતો જોઈએ.

પ્રેમ કેળવવો—કઈ રીતે?

પહેલી રીત, ઈશ્વર પાસે પવિત્ર શક્તિ માંગો, જેનાથી પ્રેમનો ગુણ પેદા થાય છે. ઈસુએ જણાવ્યું હતું: “તમારા પિતા [યહોવા] પાસે જેઓ પવિત્ર શક્તિ માંગે છે, તેઓને એથીયે વધારે આપશે.” (લુક ૧૧:૧૩) તેથી ખાતરી રાખીએ, જો આપણે પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરીશું અને ‘પવિત્ર શક્તિથી ચાલતા’ રહેવાની કોશિશ કરીશું, તો આપણે વધુ પ્રેમાળ બનીશું. (ગલા. ૫:૧૬) દાખલા તરીકે, તમે વડીલ હો તો, બીજાઓને બાઇબલમાંથી પ્રેમાળ સલાહ આપવા પવિત્ર શક્તિની મદદ માંગી શકો. અથવા જો તમારાં બાળકો હોય તો, તેઓને ગુસ્સાથી નહિ પણ પ્રેમથી શિસ્ત આપવા ઈશ્વરની શક્તિ માંગી શકો.

બીજી રીત, ઈસુએ કઈ રીતે પ્રેમ બતાવ્યો હતો એ પર મનન કરો. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે પણ તેમણે પ્રેમ બતાવ્યો હતો. (૧ પીત. ૨:૨૧, ૨૩) બીજાઓ તમને માઠું લગાડે કે તમારી સાથે અન્યાય થાય ત્યારે, પોતાને પૂછો: “ઈસુએ આ સંજોગોમાં શું કર્યું હોત?” લીહ નામના બહેન કંઈ પણ કરતા પહેલાં પોતાને એ સવાલ પૂછતા. આમ તેમને વિચારવાની તક મળી જતી. તે જણાવે છે: ‘મારી સાથે કામ કરતી એક સ્ત્રીએ સાથી કામદારોને ઈમેઈલ કરીને મારા અને મારા કામ વિશે ખોટી વાતો ફેલાવી. તેણે મારું દિલ દુભાવ્યું. પણ મેં વિચાર કર્યો કે, “હું ઈસુની જેમ કઈ રીતે વર્તી શકું?” ઈસુએ શું કર્યું હોત એના પર મનન કરવાથી મને બધું જતું કરવા મદદ મળી. પછીથી મને જાણવા મળ્યું કે એ સ્ત્રીને ગંભીર બીમારી હતી અને તે તણાવમાં જીવી રહી હતી. હું ગુસ્સામાં હતી, છતાં મનન કરવાથી હું ઈસુ જેવો પ્રેમ બતાવી શકી.’ ઈસુને પગલે ચાલીશું તો, આપણે હંમેશાં બીજાઓને પ્રેમ બતાવીશું.

ત્રીજી રીત, નિસ્વાર્થ પ્રેમ બતાવવાનું શીખો. એવો પ્રેમ ઈસુના સાચા શિષ્યોની ઓળખ છે. (યોહા. ૧૩:૩૪, ૩૫) ઈસુએ એવો જ પ્રેમ બતાવ્યો હતો અને તેમણે આપણા માટે ઉત્તમ દાખલો બેસાડ્યો છે. કઈ રીતે? તેમણે આપણા માટે સ્વર્ગ છોડ્યું, ‘પોતાની પાસે જે કંઈ હતું એનો ત્યાગ કર્યો અને છેક મરણ સુધી આધીન રહ્યા.’ (ફિલિ. ૨:૫-૮) ઈસુના નિસ્વાર્થ પ્રેમનું અનુકરણ કરીશું તો, આપણાં વિચારો અને લાગણીઓ પણ તેમના જેવાં થશે. આપણે પોતાના કરતાં બીજાઓનો પહેલા વિચાર કરીશું. પણ પ્રેમ બતાવવાથી બીજા કયા ફાયદા થાય છે?

પ્રેમ બતાવવાથી થતા ફાયદા

પ્રેમ બતાવવાથી ઘણા ફાયદા થાય છે. ચાલો બે દાખલા જોઈએ:

પ્રેમ બતાવવાથી કઈ રીતે આપણને ફાયદો થાય છે?

  • દુનિયાભરમાં ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ: આપણાં ભાઈ-બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. એટલે દુનિયાના કોઈ પણ મંડળમાં જઈએ, તેઓ આપણો પ્રેમથી આવકાર કરે છે. એ જાણીને કેટલી ખુશી થાય છે કે ‘આખી દુનિયાના બધા ભાઈઓ’ આપણને આટલો બધો પ્રેમ કરે છે! (૧ પીત. ૫:૯) આવો પ્રેમ ફક્ત ઈશ્વરના લોકો વચ્ચે જ જોવા મળે છે.

  • શાંતિ: “પ્રેમથી એકબીજાનું સહન” કરવાથી આપણે ‘શાંતિના બંધનમાં’ સંપીને રહી શકીએ છીએ. (એફે. ૪:૨, ૩) મંડળની સભાઓ અને સંમેલનોમાં એવી શાંતિનો આપણે અનુભવ કરીએ છીએ. આજની વિભાજિત દુનિયામાં આવી શાંતિ હોવી ખરેખર અજોડ છે! (ગીત. ૧૧૯:૧૬૫; યશા. ૫૪:૧૩) બીજાઓ સાથે શાંતિ જાળવીને બતાવીએ છીએ કે, આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. એ જોઈને સ્વર્ગના આપણા પિતાને અનેરી ખુશી મળે છે.—ગીત. ૧૩૩:૧-૩; માથ. ૫:૯.

“પ્રેમ ઉત્તેજન આપે છે”

પાઊલે લખ્યું કે, “પ્રેમ ઉત્તેજન આપે છે.” (૧ કોરીં. ૮:૧) એનો શો અર્થ થાય? ૧ કોરીંથીઓ અધ્યાય ૧૩માં પાઊલે સમજાવ્યું છે કે પ્રેમ આપણને દૃઢ બનાવે છે. પ્રેમ બીજાનું ભલુ જુએ છે. પ્રેમ બીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. (૧ કોરીં. ૧૦:૨૪; ૧૩:૫) પ્રેમ બીજાનો વિચાર કરે છે, ધીરજ રાખે છે અને દયાળુ છે. એના લીધે કુટુંબમાં એકતા વધે છે અને મંડળમાં સંપનો રંગ દેખાઈ આવે છે.—કોલો. ૩:૧૪.

બીજાઓ માટે પ્રેમ બતાવવાની ઘણી રીતો છે. પરંતુ ઈશ્વર માટેનો પ્રેમ સૌથી અનમોલ અને દૃઢ કરનારો છે. શા માટે? કારણ કે, ઈશ્વર માટેનો પ્રેમ આપણામાં સંપ લાવે છે. ભલે આપણે કોઈ પણ સમાજ, જાતિ અને ભાષાના હોઈએ, આપણે “એક મતે” ખભે ખભા મિલાવીને યહોવાને ભજીએ છીએ. (સફા. ૩:૯) ચાલો, આપણે પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા એ અનમોલ ગુણને દરરોજ બતાવતા રહીએ.

^ ફકરો. 2 નવ લેખોની શૃંખલાનો આ પહેલો લેખ છે. દરેક લેખમાં પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા એક ગુણ વિષે ચર્ચા કરવામાં આવશે.