સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સત્યથી ‘શાંતિ તો નહિ, પણ ભાગલા પડે છે’

સત્યથી ‘શાંતિ તો નહિ, પણ ભાગલા પડે છે’

“એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; હું શાંતિ લાવવા તો નહિ, પણ ભાગલા પાડવા આવ્યો છું.”—માથ. ૧૦:૩૪.

ગીતો: ૪૩, ૨૪

૧, ૨. (ક) આપણે આજે કેવી શાંતિનો આનંદ માણીએ છીએ? (ખ) આજે શા માટે આપણે કાયમી શાંતિનો આનંદ માણી શકતા નથી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આપણે જીવનમાં શાંતિ ચાહીએ છીએ અને ચિંતાથી મુક્ત રહેવા માંગીએ છીએ. યહોવાએ આપણને “શાંતિ” આપી છે માટે તેમના કેટલા આભારી છીએ! (ફિલિ. ૪:૬, ૭) એ શાંતિથી આપણને રાહત મળે છે. આમ, આપણને નિરાશાજનક વિચારો અને લાગણીઓથી રક્ષણ મળે છે. યહોવાને સમર્પણ કરવાથી આપણે “ઈશ્વર સાથે શાંતિનો” આનંદ માણી શકીએ છીએ. એનો અર્થ થાય કે તેમની સાથેનો આપણો સંબંધ વધુ ગાઢ થાય છે.—રોમ. ૫:૧.

જોકે, પૃથ્વી પર કાયમી શાંતિ લાવવાનો ઈશ્વરનો સમય હજુ આવ્યો નથી. આપણે છેલ્લા દિવસોમાં જીવતા હોવાથી મુશ્કેલીઓને લીધે આપણને ચિંતા થાય છે. આપણે હિંસક લોકોથી ઘેરાયેલા છીએ. (૨ તિમો. ૩:૧-૪) શેતાન અને તેણે ફેલાવેલા જૂઠા શિક્ષણ સામે પણ આપણે લડવું પડે છે. (૨ કોરીં. ૧૦:૪, ૫) પણ, યહોવાના ભક્ત નથી એવા સગાંઓ આપણો વિરોધ કરે ત્યારે, આપણી ચિંતા અનેક ગણી વધી જાય છે. અમુક કદાચ આપણી માન્યતાઓની મજાક ઉડાવે અથવા આપણે કુટુંબમાં ભાગલા પાડીએ છીએ એવો આરોપ મૂકે. તેઓ કદાચ એવી પણ ધમકી આપે કે જો આપણે યહોવાની ભક્તિ કરવાનું બંધ નહિ કરીએ તો તેઓ આપણી સાથે સંબંધ નહિ રાખે. કુટુંબ તરફથી થતા વિરોધને આપણે કઈ દૃષ્ટિએ જોઈશું? એવા સંજોગોમાં આપણે કેવી રીતે શાંતિ જાળવી શકીએ?

કુટુંબ તરફથી આવતા વિરોધને આપણે કઈ દૃષ્ટિએ જોઈશું?

૩, ૪. (ક) ઈસુના શિક્ષણની કેવી અસર થઈ શકે? (ખ) કયા સંજોગોમાં ઈસુના પગલે ચાલવું અઘરું બની શકે?

ઈસુ જાણતા હતા કે બધા લોકો તેમનું શિક્ષણ સ્વીકારશે નહિ અને અમુક તો તેમના શિષ્યોનો વિરોધ કરશે. એટલે, તેમના શિષ્યોને હિંમતની જરૂર પડશે. એ વિરોધ તેઓના કુટુંબની શાંતિને પણ અસર કરી શકે છે. ઈસુએ કહ્યું હતું: “એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; હું શાંતિ લાવવા તો નહિ, પણ ભાગલા પાડવા આવ્યો છું. કારણ કે હું દીકરા અને તેના પિતા વચ્ચે, દીકરી અને તેની મા વચ્ચે, વહુ અને તેની સાસુ વચ્ચે ભાગલા પાડવા આવ્યો છું. ખરેખર, માણસના દુશ્મન તેના પોતાના ઘરના હશે.”—માથ. ૧૦:૩૪-૩૬.

ઈસુએ કહ્યું હતું, ‘એમ ન ધારતા કે હું શાંતિ લાવવા આવ્યો છું.’ એ શબ્દોનો શો અર્થ થાય? ઈસુ તો જાણતા હતા કે જે કોઈ તેમના શિષ્ય બનશે તેઓનો વિરોધ થશે. પરંતુ, તે ચાહતા હતા કે એ હકીકત શિષ્યોને પણ અગાઉથી ખબર હોય. જોકે, ઈસુનો હેતુ લોકોને ઈશ્વર વિશે સત્ય શીખવવાનો હતો, નહિ કે કુટુંબમાં ભાગલા પાડવાનો. (યોહા. ૧૮:૩૭) પણ શિષ્યો માટે એ જાણવું જરૂરી હતું કે ઈસુના પગલે ચાલવું હંમેશાં સહેલું નહિ હોય. ખાસ કરીને, ગાઢ મિત્રો કે કુટુંબનાં સભ્યો સત્ય ન સ્વીકારે ત્યારે.

૫. ઈસુના અનુયાયીઓએ શું સહેવું પડ્યું?

ઈસુએ જણાવ્યું કે તેમના અનુયાયીઓએ ઘણું સહેવું પડશે, જેમાં કુટુંબ તરફથી આવતા વિરોધનો પણ સમાવેશ થતો હતો. (માથ. ૧૦:૩૮) ઈસુના અમુક શિષ્યોને કુટુંબમાંથી કાઢી મૂકવામાં આવ્યા તો અમુકની મજાક ઉડાવવામાં આવી. પણ, ઈસુની નજરે લાયક બનવા તેઓએ એ બધું સહન કર્યું. તેઓએ જે ગુમાવ્યું એનાથી ઘણું વધારે મેળવ્યું.—માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો.

૬. જો સગાઓ વિરોધ કરે, તો આપણે શું યાદ રાખવું જોઈએ?

ઈશ્વરની ભક્તિ કરવાને લીધે સગાઓ કદાચ આપણો વિરોધ કરે, પણ તેઓ માટેનો આપણો પ્રેમ ઓછો થઈ જતો નથી. જોકે, આપણે યાદ રાખવું જોઈએ કે સગાંઓ માટેના પ્રેમ કરતાં ઈશ્વર અને ખ્રિસ્ત માટેનો પ્રેમ વધારે ગાઢ હોવો જોઈએ. (માથ. ૧૦:૩૭) યાદ રાખીએ, શેતાન ચાહે છે કે આપણે કુટુંબના પ્રેમમાં એટલા ડૂબી જઈએ કે યહોવાને બેવફા બની જઈએ. ચાલો, એવા અમુક અઘરા સંજોગોનો વિચાર કરીએ અને આપણે એનો સામનો કઈ રીતે કરી શકીએ એ જોઈએ.

સત્યમાં ન હોય એવા જીવનસાથી

૭. લગ્નસાથી સત્યમાં ન હોય ત્યારે, તમે સંજોગોને કઈ રીતે હાથ ધરશો?

બાઇબલ ચેતવણી આપે છે કે જે કોઈ લગ્ન કરશે તેના જીવનમાં “તકલીફો આવશે જ.” (૧ કોરીં. ૭:૨૮) જો તમારા લગ્નસાથી સત્યમાં ન હોય, તો જીવનમાં તકલીફો અને ચિંતાઓ વધી શકે છે. જોકે, સૌથી મહત્ત્વનું તો એ છે કે સંજોગોને તમે યહોવાની નજરે જુઓ. તે જણાવે છે કે લગ્નસાથી યહોવાના ભક્ત નથી, ફક્ત એ કારણને લીધે તેમનાથી અલગ રહેવાની કે છુટાછેડા લેવાની છૂટ મળતી નથી. (૧ કોરીં. ૭:૧૨-૧૬) જો પતિ સત્યમાં ન હોય અને સાચી ભક્તિ માટે કુટુંબની કાળજી ન લેતા હોય, તોપણ તેમને કુટુંબના શિર તરીકે માન આપવું જોઈએ. જો પત્ની સત્યમાં ન હોય, તોપણ તેની સાથે પ્રેમથી વર્તવું જોઈએ અને કાળજી લેવી જોઈએ.—એફે. ૫:૨૨, ૨૩, ૨૮, ૨૯.

૮. જો તમારા સાથી ભક્તિમાં અમુક રોક લગાવે, તો કયા સવાલો પર વિચાર કરી શકો?

જો તમારા સાથી ભક્તિમાં અમુક રોક લગાવે, તો શું કરશો? એક બહેનના પતિએ તેમને અઠવાડિયાના અમુક જ દિવસે પ્રચારમાં જવા જણાવ્યું હતું. જો તમે એવા સંજોગોમાં હોવ, તો આ સવાલોનો વિચાર કરો: ‘શું મારા સાથી મને યહોવાની ભક્તિ કરવાથી રોકે છે? જો ના, તો શું હું તેમની વાત માની શકું?’ જો તમે સમજદારી બતાવશો તો લગ્નજીવનમાં ઓછી મુશ્કેલીઓ આવશે.—ફિલિ. ૪:૫.

૯. એક ઈશ્વરભક્ત કઈ રીતે પોતાના લગ્નસાથી પ્રત્યે માન બતાવવાનું બાળકોને શીખવી શકે?

જો તમારા સાથી સત્યમાં ન હોય, તો બાળકોને તાલીમ આપવી અઘરું બની શકે છે. દાખલા તરીકે, બાળકોને બાઇબલની આ આજ્ઞા શીખવવી જોઈએ: “તારાં માતાપિતાને માન આપ.” (એફે. ૬:૧-૩) પરંતુ, તમારા સાથી બાઇબલનાં ધોરણો પ્રમાણે ચાલતા ન હોય તો શું કરશો? લગ્નસાથી પ્રત્યે માન બતાવીને તમે બાળકો માટે સારો દાખલો બેસાડી શકો છો. તમારા સાથીના સારા ગુણોનો વિચાર કરો. તેમને જણાવો કે તે તમારા માટે જે કંઈ કરે છે, એના તમે આભારી છો. તમારા સાથી વિશેની ખરાબ બાબતો બાળકો આગળ ન જણાવો. એને બદલે, તેઓને સમજાવો કે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય દરેકે પોતે લેવાનો છે. બાળકોને તમારા સાથી પ્રત્યે માન બતાવવાનું શીખવો. બાળકોનું એવું સારું વર્તન જોઈને કદાચ તમારા સાથી યહોવા વિશે શીખવા તૈયાર થાય.

શક્ય હોય ત્યારે બાળકોને બાઇબલમાંથી સત્ય શીખવો (ફકરો ૧૦ જુઓ)

૧૦. માતા-પિતા કઈ રીતે બાળકોને યહોવા માટે પ્રેમ કેળવવાનું શીખવી શકે?

૧૦ જો પતિ સત્યમાં ન હોય, તો કદાચ ચાહે કે બાળકો તેમના તહેવારો ઊજવે અથવા તેમના ધર્મનું શિક્ષણ શીખે. બાળકોને બાઇબલમાંથી શીખવવાની કદાચ તે પત્નીને મના કરે. એવા સંજોગોમાં પણ પત્ની પોતાનાં બાળકોને સત્ય શીખવી શકે છે. (પ્રે.કા. ૧૬:૧; ૨ તિમો. ૩:૧૪, ૧૫) દાખલા તરીકે, તેને પસંદ ન હોય કે તેની પત્ની બાળકોને બાઇબલમાંથી શીખવે કે સભામાં લઈ જાય. પત્ની પોતાના પતિના નિર્ણયને માન આપશે. છતાં, પોતાની માન્યતાઓ વિશે શક્ય હોય ત્યારે બાળકો સાથે વાત કરી શકે. આમ, તે બાળકોને યહોવા વિશે અને ખરાં-ખોટાં વિશેના તેમનાં ધોરણો શીખવી શકે છે. (પ્રે.કા. ૪:૧૯, ૨૦) અંતે તો, બાળકોએ પોતે નક્કી કરવાનું છે કે તેઓ યહોવાની સેવા કરશે કે નહિ. *પુન. ૩૦:૧૯, ૨૦.

સાચી ભક્તિનો વિરોધ કરતાં સગાં-વહાલાં

૧૧. સત્યમાં ન હોય એવાં સગાંઓ સાથે કેવી મુશ્કેલી ઉભી થઈ શકે?

૧૧ યહોવાના સાક્ષીઓ સાથે આપણે શીખવાનું શરૂ કર્યું ત્યારે, કુટુંબને એ વિશે કદાચ જણાવ્યું નહિ હોય. પણ શ્રદ્ધામાં વધતા જઈએ તેમ લાગે કે, આપણી માન્યતાઓ વિશે કુટુંબને જણાવવું જોઈએ. (માર્ક ૮:૩૮) યહોવા પ્રત્યે વફાદારી બતાવવાથી કદાચ તમારા અને તમારા કુટુંબ વચ્ચે ખટરાગ થઈ હશે. ચાલો જોઈએ કે શાંતિ જાળવવા અને યહોવાને વફાદાર રહેવા તમે કેવાં પગલાં ભરી શકો.

૧૨. શા માટે સગાંઓ આપણો વિરોધ કરી શકે? કઈ રીતે બતાવી શકીએ કે, આપણે તેઓની લાગણીઓ સમજીએ છીએ?

૧૨ તમારાં સગાંઓની લાગણી સમજવાનો પ્રયાસ કરો. બાઇબલમાંથી સત્ય શીખવા મળ્યું એટલે આપણે ઘણા ખુશ છીએ. જોકે, સગાંઓને લાગે છે કે, આપણને છેતરવામાં આવ્યા છે અથવા આપણે કોઈ વિચિત્ર પંથ સાથે જોડાઈ ગયા છીએ. તેઓ કદાચ વિચારે કે આપણે તેઓને પ્રેમ કરતા નથી, કારણ કે અગાઉની જેમ તેઓ સાથે તહેવારો ઉજવતા નથી. તેઓને ડર લાગે કે મરણ પછી ઈશ્વર આપણને નર્કમાં રિબાવશે. આપણે તેઓની લાગણીઓને સમજવી જોઈએ. ઉપરાંત, તેઓનું ધ્યાનથી સાંભળવું જોઈએ, જેથી જાણી શકાય કે તેઓની ચિંતાનું કારણ શું છે. (નીતિ. ૨૦:૫) પ્રેરિત પાઊલે ‘દરેક પ્રકારના લોકોને’ સમજવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓને ખુશખબર જણાવી શકે. જો આપણે પણ કુટુંબના સભ્યોને સમજવાની કોશિશ કરીશું, તો તેઓને સત્ય શીખવવું સહેલું બનશે.—૧ કોરીં. ૯:૧૯-૨૩.

૧૩. સત્યમાં ન હોય એવાં સગાંઓ સાથે કઈ રીતે વાત કરવી જોઈએ?

૧૩ નમ્રતાથી બોલો. બાઇબલ જણાવે છે કે, “માયાળુ શબ્દો બોલો.” (કોલો. ૪:૬) એ હંમેશાં સહેલું હોતું નથી. પણ, આપણે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીએ, જેથી સગાંઓ સાથે નમ્રતા અને પ્રેમથી વાત કરી શકીએ. તેઓની ખોટી માન્યતાઓ વિશે દલીલ ન કરીએ. જો તેઓની કોઈ વાત કે કાર્યથી આપણને માઠું લાગે, તો પ્રેરિતોના દાખલાને અનુસરી શકીએ. પાઊલે કહ્યું હતું: “અમારું અપમાન થાય ત્યારે, આશીર્વાદ આપીએ છીએ; સતાવણી થાય ત્યારે ધીરજથી સહન કરીએ છીએ; અમારી નિંદા થાય ત્યારે નમ્રતાથી જવાબ આપીએ છીએ.”—૧ કોરીં. ૪:૧૨, ૧૩.

૧૪. સારુ વર્તન રાખવાથી કેવા ફાયદા થાય છે?

૧૪ સારું વર્તન રાખો. એ શા માટે મહત્ત્વનું છે? નમ્ર બનીને વાત કરવાથી આપણે સગાઓ સાથે શાંતિ જાળવી શકીએ છીએ. પરંતુ, સારા વર્તનની તેઓ પર ઊંડી અસર થાય છે. (૧ પીતર ૩:૧, ૨, ૧૬ વાંચો.) તમારા સારા દાખલા પરથી સગાંઓ જોઈ શકશે કે, યહોવાના સાક્ષીઓ સુખી લગ્નજીવનનો આનંદ માણે છે, બાળકોનો સારો ઉછેર કરે છે, નૈતિક રીતે શુદ્ધ રહે છે અને સંતોષભર્યું જીવન જીવે છે. ભલે આપણાં સગાંઓ સત્યમાં ન આવે, પણ એ જાણીને આનંદ થશે કે યહોવા આપણા સારા વર્તનથી ખુશ થાય છે.

૧૫. સગાંઓ સાથે દલીલો ટાળવા અગાઉથી શું વિચારી શકાય?

૧૫ અગાઉથી વિચારો. એવા સંજોગોનો અગાઉથી વિચાર કરો, જેમાં સગાંઓ સાથે દલીલો થઈ શકે. પછી, નક્કી કરો કે તમે શું કરશો. (નીતિ. ૧૨:૧૬, ૨૩) ઑસ્ટ્રેલિયાના બહેને આવું જ કંઈક કર્યું હતું. તેમનાં સસરા સત્યનો વિરોધ કરતા અને ઘણી વાર ઉકળી ઊઠતા. તેમની સાથે ફોન પર વાત કરતા પહેલાં, બહેન અને તેમનાં પતિ યહોવા પાસે મદદ માંગતાં. એના લીધે તેઓ શાંતિથી વાત કરી શકતાં. તેઓ અગાઉથી નક્કી કરતા કે કયા વિષય પર વાત કરશે. તેમ જ, લાંબી વાતો કરવાથી દૂર રહેતા, જેથી ધર્મ વિશેની દલીલોથી દૂર રહી શકે.

૧૬. દોષની લાગણી ઊભી થાય ત્યારે શું કરી શકાય?

૧૬ તમે તમારાં સગાંઓને પ્રેમ કરો છો અને તેઓને ખુશ રાખવા માંગો છો. જોકે, તેઓ સાથે બધી તકરારો ટાળી શકાતી નથી. તેથી, તકરાર થાય ત્યારે દોષની લાગણી થવી સ્વાભાવિક છે. પણ યાદ રાખીએ કે યહોવા પ્રત્યેની વફાદારી કુટુંબ માટેના પ્રેમ કરતાં વધારે ગાઢ હોવી જોઈએ. તમારાં સગાંઓને એનો અહેસાસ થશે ત્યારે, યહોવાની સેવા કરવાનું મહત્ત્વ તેઓ કદાચ સમજશે. તમે સત્ય સ્વીકારવા કોઈને દબાણ કરી શકતા નથી. જોકે, તમે બીજાઓને એ જરૂર જણાવી શકો કે, યહોવાના માર્ગે ચાલવાથી તમને કેવો ફાયદો થયો છે. અને આપણને પસંદગી આપી છે તેમ, યહોવાએ તેઓને પણ પસંદગી આપી છે કે કોની ભક્તિ કરવી.—યશા. ૪૮:૧૭, ૧૮.

કુટુંબનું સભ્ય યહોવાને છોડી દે ત્યારે

૧૭, ૧૮. કુટુંબનું સભ્ય યહોવાને છોડી દે ત્યારે, શાનાથી મદદ મળી શકે?

૧૭ કુટુંબનું સભ્ય બહિષ્કૃત થાય કે મંડળ છોડી દે ત્યારે, સંજોગો ઘણા અઘરા થઈ જાય છે. એ પીડા તરવારના ઘાની જેમ અસહ્ય બની જાય છે. તમે કઈ રીતે એ સહી શકો?

૧૮ યહોવાની સેવામાં મન લગાડો. એવા સંજોગોમાં પોતાની શ્રદ્ધાને મજબૂત બનાવવી ખૂબ જરૂરી છે. એ માટે, દરરોજ બાઇબલ વાંચો, સભાની તૈયારી કરો અને એમાં ભાગ લો, પ્રચારમાં જાવ અને પ્રાર્થના કરો. (યહુ. ૨૦, ૨૧) એ બધું કરવા છતાં, ઘા રુઝાય નહિ તો શું કરશો? હિંમત ન હારો! યહોવાની સેવામાં મન લગાડો. સમય જતાં, તમારાં વિચારો અને લાગણીઓને કાબૂમાં રાખવા મદદ મળશે. ગીતશાસ્ત્ર ૭૩ના લેખક સાથે પણ એવું જ કંઈક બન્યું હતું. કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે, વિચારો અને લાગણીઓને કાબૂમાં રાખવાં તેમના માટે અઘરું થઈ ગયું હતું. યહોવાની સેવામાં લાગુ રહેવાથી તે યોગ્ય વલણ રાખી શક્યા. (ગીત. ૭૩:૧૬, ૧૭) આપણે પણ એ લેખકને અનુસરી શકીએ.

૧૯. યહોવાની શિસ્તને આપણે કઈ રીતે આદર બતાવી શકીએ?

૧૯ યહોવા તરફથી મળતી શિસ્તને આદર આપો. ઈશ્વર જાણે છે કે તેમની શિસ્તથી બહિષ્કૃત વ્યક્તિને તેમજ તેની સાથે જોડાયેલા બીજા લોકોને ફાયદો થશે. ખરું કે, સ્નહીજનને શિસ્ત મળે ત્યારે આપણને દુઃખ થાય છે. પરંતુ, એનાથી તેને ભાવિમાં યહોવા પાસે પાછા ફરવા મદદ મળી શકે છે. (હિબ્રૂઓ ૧૨:૧૧ વાંચો.) જોકે, એવું બને ત્યાં સુધી, યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવું ખૂબ જરૂરી છે. તે કહે છે કે બહિષ્કૃત વ્યક્તિ સાથે “હળવા-મળવાનું બંધ કરો.” (૧ કોરીં. ૫:૧૧-૧૩) એ સહેલું નથી. છતાં, તેઓ સાથે ફોન, એસએમએસ, પત્રો, ઈ-મેઇલ કે સોશિયલ મિડીયા દ્વારા બિનજરૂરી સંપર્ક ટાળવો જોઈએ.

૨૦. આપણે કેવી આશા રાખવી જોઈએ?

૨૦ આશા છોડી ન દો. પ્રેમ “બધાની આશા રાખે છે.” (૧ કોરીં. ૧૩:૭) તેથી, આપણે આશા રાખી શકીએ કે આપણું સ્નેહીજન યહોવા પાસે પાછું ફરશે. જો તેના વલણમાં સુધારો થયો હોય એવો પુરાવો મળે તો તમે શું કરશો? તેની માટે પ્રાર્થના કરો, જેથી તે બાઇબલમાંથી અને યહોવાએ આપેલા આ આમંત્રણથી હિંમત મેળવી શકે: “મારી તરફ પાછો ફર.”—યશા. ૪૪:૨૨.

૨૧. ઈસુને પગલે ચાલવાને લીધે કુટુંબીજનો તમારો વિરોધ કરે, તો શું કરશો?

૨૧ ઈસુએ જણાવ્યું કે માણસો કરતાં તેમને વધારે પ્રેમ કરવો જોઈએ. ઈસુને ખાતરી હતી કે કુટુંબના વિરોધ છતાં શિષ્યો તેમને વફાદાર રહેવાની હિંમત બતાવશે. તમે ઈસુને પગલે ચાલો છો માટે જો કુટુંબીજનો તમારો વિરોધ કરે, તો યહોવા પર ભરોસો રાખો. વિરોધ સામે ટકી રહેવા યહોવા પાસે મદદ માંગો. (યશા. ૪૧:૧૦, ૧૩) યહોવા અને ઈસુ તમારાથી પ્રસન્ન છે, એ જાણીને શું તમને ખુશી થતી નથી? જરા વિચારો, તેઓ તમને વફાદારીનું ઈનામ આપશે ત્યારે તમને કેટલો આનંદ થશે!

^ ફકરો. 10 માતા કે પિતા એકલા જ સત્યમાં હોય ત્યારે, તે બાળકોને કઈ રીતે તાલીમ આપી શકે, એ વિશે વધુ માહિતી માટે ઑગસ્ટ ૧૫, ૨૦૦૨ ચોકીબુરજ પાન ૩૦-૩૨નો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”