સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વચનો જે પૂરા થશે

વચનો જે પૂરા થશે

ઈસુએ ભાખ્યું હતું તેમ, ઈશ્વરના રાજ્યની ખુશખબર દુનિયા ફરતે ફેલાવવામાં આવી રહી છે. (માથ્થી ૨૪:૧૪) દાનીયેલનું પુસ્તક જણાવે છે કે આ રાજ્ય ઈશ્વરની સરકાર છે. એ પુસ્તકના અધ્યાય બેમાં પ્રાચીન બાબેલોનથી લઈને અત્યાર સુધીની અમુક સરકારો વિશે ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભાવિમાં જે થશે એ વિશે ૪૪મી કલમ કહે છે:

‘એ રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેમની હકૂમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને એનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.’

બાઇબલની આ અને બીજી ભવિષ્યવાણીઓ બતાવે છે કે ઈશ્વરનું રાજ્ય આ બધી સરકારોને કાઢી નાખશે અને પૃથ્વી પર કાયમ માટે પોતાનું રાજ લાવશે. તેમ જ, લોકોને પણ વ્યવસ્થામાં લાવશે. એ રાજ્યમાં જીવન કેવું હશે? અહીં અમુક અદ્‍ભુત વચનો વિશે જણાવવામાં આવ્યું છે, જે જલદી જ સાચા પડશે.

  • લડાઈઓ હશે જ નહિ

    ગીતશાસ્ત્ર ૪૬:૯: “[ઈશ્વર] પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્‍નિથી બાળી નાખે છે.”

    આજે હથિયારો બનાવવા પાછળ અઢળક પૈસા અને આવડતોનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એવી દુનિયાની કલ્પના કરો, જેમાં એ બાબતોનો ઉપયોગ લોકોને મારવા માટે નહિ, પણ લોકોના ફાયદા માટે થાય. એ વચન ઈશ્વરના રાજ્યમાં સાચું પડશે.

  • બીમારી હશે જ નહિ

    યશાયા ૩૩:૨૪: “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”

    એવી દુનિયાનો વિચાર કરો, જેમાં કોઈ પણ વ્યક્તિ હૃદયરોગ, કેન્સર, મેલેરિયા કે બીજી કોઈ પણ બીમારીથી પીડાતી નહિ હોય. દવાખાના અને દવાઓની જરૂર નહિ હોય. પૃથ્વીના લોકોનું ભાવિ હશે, તંદુરસ્ત જીવન.

  • દુકાળ હશે જ નહિ

    ગીતશાસ્ત્ર ૭૨:૧૬: “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની પેઠે ઝૂલશે.”

    પૃથ્વી પર પૂરતું અનાજ પાકશે. દરેક લોકો એ મેળવી શકશે. ભૂખમરો હશે જ નહિ. તેમ જ, અપૂરતા ખોરાકની સમસ્યા દૂર થશે.

  • દુઃખ, શોક અને મરણ હશે જ નહિ

    પ્રકટીકરણ ૨૧:૪: “[ઈશ્વર] તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ. પહેલાંના જેવું હવે રહ્યું નથી.”

    એનો અર્થ થાય કે બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટેનું જીવન! આપણા પ્રેમાળ સર્જનહારે એવા જીવન વિશે વચન આપ્યું હતું.

“તે સફળ થશે”

અમુકને લાગે છે કે આવી દુનિયા ફક્ત સપનામાં જ હોઈ શકે. શું તમને પણ એવું લાગે છે? જોકે, મોટાભાગના લોકોને બાઇબલમાં આપેલા વચન પ્રમાણેનું જીવન ગમે છે. પરંતુ, અમુક કારણોને લીધે ઘણાને હંમેશ માટેના જીવન વિશે માનવું અઘરું લાગે છે. કોઈ માણસે એવા જીવનનો અનુભવ કર્યો નથી. એટલે, એ માનવું અશક્ય લાગે એમાં કોઈ નવાઈ નથી.

માણસજાત પાપ અને મરણની ગુલામીમાં જીવી રહી છે. તેમ જ, દુઃખ-તકલીફો અને મુશ્કેલીઓનો બોજો અનેક વર્ષોથી ઉઠાવી રહી છે. તેથી, લોકોને લાગે છે કે એ બધું તો જીવનનો એક ભાગ છે. પણ સર્જનહાર યહોવાનો માણસજાત માટેનો હેતુ સાવ અલગ હતો.

ઈશ્વરે આપેલા વચન પર ખાતરી રાખી શકીએ માટે તેમણે આ શબ્દો કહ્યા: “મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.”—યશાયા ૫૫:૧૧.

બાઇબલ કહે છે કે યહોવા એવા ઈશ્વર છે, “જે કદી જૂઠું બોલી શકતા નથી.” (તિતસ ૧:૨) અદ્‍ભુત બાબતો વિશે તેમણે વચન આપ્યું છે. તેથી, આપણે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટે જીવવું શું ખરેખર શક્ય છે? ઈશ્વરે આપેલા વચનમાંથી ફાયદો લેવા આપણે શું કરવું જોઈએ? એ સવાલોના જવાબ મેળવવા હવે પછીના લેખો મદદ કરશે.